Dharm ek sarad nazare books and stories free download online pdf in Gujarati

ધર્મ એક સરળ નજરે.... 

" ધર્મ " એક સરળ નજરે....

ધર્મ એટલે શું ?
સાચો ધર્મ કયો છે ?
આપણો ધર્મ શું છે ?
ધર્મ નું મહત્વ શું છે ?
ધર્મ થકી આપણે શું મેળવી શકીએ ?
ધર્મ થકી સમાજને શું આપી શકીએ ?

આ બધા સવાલોનો જવાબ મેળવવા આપણે પ્રયત્ન કરીશું.. આ મારા વિચારો છે હું સાચો કે ખોટો હોઈ શકું. પણ મને થયું આ વિષય મારે તમારી સમક્ષ મૂકવો જોઈએ જેના માટે મેં પૂરતા પ્રયત્નો કર્યા છે...

ખુબ ખુબ આભાર એવા મારા મિત્ર અને વડીલ એવા નવીનભાઇ વ્યાસ ને કે જેમના થકી હું આટલું સમજતો થયો અને આ ધર્મ વિશે વાત કરતો થયો...

ભગવદ્ ગીતાજી ને નમન કે આ ભારતીય સંસ્કૃતિના મહાન પુસ્તકમાંથી માત્ર ફુલ ની પાંખડી જેટલું સમજી હું આપ સૌ સ્નેહીઓ સમક્ષ રજુ કરી રહ્યો છું...

**********

ચાલો તો હું તમારી સામે મારા ધર્મ વિશેના વિચારો રજુ કરું...

આપણે જાણીએ છીએ કે જીવનને ચાર તબક્કામાં વહેંચવામાં આવ્યું છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ...

એટલે કે જો તમારે મોક્ષગતિ પામવી હોય તો તમારે તમારો ધર્મ યોગ્ય રીતે નિભાવવો પડે...

આપણે જન્મ્યા પછી જ્યારથી પણ સમજણાં થયા આપણા વડીલો એ કે ધર્મ ગુરુઓ એ જે લોકો ને પણ આપણે જાણીએ એકજ વાત સમજાવી કે મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, ચર્ચ માં જવું અને નમન કરવું એ જ ધર્મ છે. આપણે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ એ જ ધર્મ છે. આપણે આ જ માન્યતામાં આખું જીવન વિતાવી દઈએ છીએ અને ક્યારેય એ ગ્રંથિ થી બહાર આવી ધર્મ વિશે સાચી માહિતી જાણવા પ્રયત્ન કરતા નથી. ધર્મ એટલે શું? એ ક્યારેય વિચારતા નથી.

*********

તો ચાલો મિત્રો અને સ્નેહીઓ એના માટે હું, એક મેં સાંભળેલી વાર્તા અહીં રજુ કરીશ...જે ધર્મ વિશે થોડા ક્લિયર થવામાં મદદરૂપ થશે એવી આશા રાખું છું.

એકવાર એક જંગલમાં થી એક ગુરુજી અને એમના પાંચ શિષ્યો પસાર થતા હતા.
તેમને તરસ લાગતા તેઓ નદી પાસે ગયા અને પાણી લઈ પીવા લાગ્યા. ત્યાંજ ગુરુજીની નજર નદીમાં તણાઈને જતા એક વીંછી પર પડી. એટલે તરતજ ગુરુજી કાંઈપણ વિચાર્યા વગર નદીમાં કુદી પડ્યા અને તરતા તરતા એ વીંછી પાસે પહોચીને તેને હાથથી પકડી બહાર કાઢવા પ્રયત્ન કરવાં લાગ્યાં. ત્યાંજ પેલા વીંછી એ ગુરુજીને ડંખ માર્યો. એના ડંખથી ગુરુજીને અસહ્ય વેદના થઈ અને હાથમાંથી વીંછી છૂટી ફરી તણાવા લાગ્યો...
ગુરુજી ફરીથી તરતા તરતા એ વીંછી પાસે પહોંચ્યા અને ફરીથી પકડવા પ્રયત્ન કરવાં લાગ્યાં. અને એ વીંછી એ ફરીથી ડંખ માર્યો. આવું વારંવાર થયું. બહુ પ્રયત્ન ના અંતે  ગુરુજી આ કાર્યમાં સફળ થયા અને એ વીંછી ને નદીમાંથી બહાર કાઢ્યો.  એને એક નવજીવન બક્ષ્યું...
આ તરફ શિષ્યો હેરાન પરેશાન હતા. એમના માટે વિકટ સ્થિતિ હતી. એ સમજી શકતા નહોતા કે ગુરુજી એ આમ કેમ કર્યું ? હવે જે વીંછી ગુરુજી ને તકલીફ આપતો હતો એને બચાવવાની શું જરૂર હતી ? ભલે ને મરતો ! શું ફેર પડે ? આમપણ એ કોઈને કરડીને તકલીફ જ આપવાનો ને...!
ગુરુજીનું ધ્યાન શિષ્યો તરફ ગયું. ગુરુજી શિષ્યોના મનની વાત તરત સમજી ગયા. છતાં પૂછ્યું આ અંદરો અંદર શું વાત ચાલે છે ?
શિષ્યોએ કહ્યું ; ગુરુજી આ વીંછીએ આટલા ડંખ માર્યા, તમને વેદના આપી છતાં તમે કેમ એને બચાવ્યો ?
ગુરુજીએ કહ્યું હે મારા પ્રિય શિષ્યો આપણે સાધુ છીએ. આપણો ધર્મ પરોપકાર છે, સેવા છે. કોઈને તકલીફમાંથી ઉગારવા છે. મેં માત્ર મારો ધર્મ નિભાવ્યો.
વીંછી એ એક એવું પ્રાણી છે જેનો ધર્મ બધાને ડંખ મારવો, દુખ આપવું છે. જો એ એના ધર્મ માંથી વિચલિત ના થતો હોય તો હું જેનો ધર્મ જ પરોપકાર છે તો કઈ રીતે મારા ધર્મ માંથી વિચલિત થાઉં...!
નહીં તો, મારામાં અને એ વીંછી માં શું ફેર રહે ?
ભક્તોએ ગુરુજીના ચરણ સ્પર્શ કર્યા. એમને હવે સમજાઈ ગયું કે કોઈપણ ભોગે ધર્મ માંથી વિચલિત ના થવું જોઈએ તો અને માત્ર તોજ તમે મોક્ષ પ્રાપ્તિના હકદાર બનો છો...!!!

એટલે મિત્રો અને સ્નેહીઓ તમારે કોઈપણ ભોગે ધર્મ નિભાવવો જ રહ્યો. પણ મોટાભાગના લોકોને ધર્મ એટલે શું? એ ખબરજ નથી...

આપણે માત્ર આ માયાવી ધર્મ માં રાચતા રહીએ છીએ. આ માત્ર કોઈપણ પંથ ના બનાવેલા ચીલાઓ માત્ર છે કે આવું કરાય આવું ના કરાય જેમ આપણે પણ ઘરમાં કોઈ નિયમ રચતા હોઈએ તેમ પંથ ના નિયમો. આવા નિયમો ક્યારેય ધર્મ ના હોઇ શકે એમ પણ ભારતીય ફોજદારી વ્યવસ્થા માં કેટલાએ નિયમો છે તો આપણે ક્યાં કોઈપણ વાર એને ધર્મ માન્યો. ના કોઈવાર એને કોઈપણ ધર્મ પુસ્તક નો દરજ્જો આપ્યો. એટલે આવા કોઈના પણ બનાવેલા ચીલા કોઈપણ રીતે ધર્મ ના હોઈ શકે....

વિશાળ ફલક ઉપર આપણે આ ધર્મ ને સમજવો પડશે ત્યારે અને માત્ર ત્યારેજ આપણે મોક્ષ પ્રાપ્તિ માટે હકદાર બની શકીશું. એટલેજ આજે મને થયું કે હું મારા વિચારો જે મને આ સમાજમાંથી મળ્યા છે એ તમારી સાથે શેર કરું...

એટલે સાચા અર્થમાં સમજીએ તો આપણે કોઈને નડવું નહીં અને આપણા પોતાનો ધર્મ આ દેશ, સમાજ, પોતાના સંબંધો પ્રત્યે નિભાવવો એ જ સાચો ધર્મ છે. આપણા સુખ થકી, સમાજ અને રાષ્ટ્ર નિર્માણ કરવું એ જ સાચો ધર્મ છે. આપણો આ અણમોલ વારસો, આપણા આચાર, આપણા વિચાર આ સમાજને અર્પણ કરવા એ જ સાચો ધર્મ છે.

**********

હવે એક લાઇન ભગવદ્ ગીતાજીમાંથી પણ જોઈ લઈએ એટલે ફરી આપણને ધર્મ વિશે વધુ ગહન વાતો સમજાઈ જાય...

આ ધર્મ શું છે ?
ધર્મ એટલે શું ?
સાચો ધર્મ કયો ?
મારે કયો ધર્મ નિભાવવો ?
મારે શું કરવું ?

આ બધા સવાલોના જવાબ મળી જાય અને સાથે ગીતાજીમાંથી પ્રેરણા લઈ મોક્ષ ગતી તરફ આગળ વધી શકાય...

ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને યુધ્ધના મેદાનમાં કહ્યું હતું.....

“દેહ અને દેહમાં રહેલ આત્માનો ભેદ જ તું ભુલી ગયો છે. આ ભેદ તારે સમજવાની જરૂર છે હવે એ સમય આવી ગયો છે તું એ વાત સમજ, આત્મા અમર છે. માટે હે પાર્થ, હે અર્જુન તું તારો ધર્મ બજાવ”

શ્રી કૃષ્ણએ અર્જુનને જે ધર્મ નિભાવવાની,અદા કરવાની વાત કરી, તે કોઈ હિંદુ મુસ્લિમ સંપ્રદાય નથી. આ ધર્મ પ્રજાનું રક્ષણ કરવાનો ધર્મ છે જે એક યોદ્ધા એ નિભાવવાનો છે. પ્રજાનું દુર્જનોથી રક્ષણ કરવું, સાચા ધર્મની સ્થાપના કરવી એટલેજ મહાભારતનું યુદ્ધ  જેને એક ધર્મ યુદ્ધ કહેવામાં આવ્યું.

આ ભગવાન શ્રી કૃષ્ણ એ ભગવદ્ ગીતાજીમાં જે ધર્મ નિભાવવાનો કહ્યો છે, એ આ ધર્મ છે. અને આપણે બધાએ આ જ ધર્મ એટલેકે પોતપોતાનો ધર્મ નિભાવવાનો છે. અને એ નિભાવવો જ રહ્યો ત્યારે અને માત્ર ત્યારેજ આપણે મોક્ષ ગતી પામવા માટેની યોગ્યતા કેળવી શકાય...

**********

હવે હું જે સમજ્યો છું, એવી સીધી સાદી ભાષામાં ધર્મ નો અર્થ સમજીએ... દરેકે દરેક વ્યક્તિ માટે ધર્મ એટલે શું?એ સમજીએ... અને આપણું જીવન ધર્મથી યુકત કરી સાચા અર્થમાં મોક્ષ પ્રાપ્ત કરવા સક્ષમ બનીએ, એ યોગ્યતા કેળવીએ...

બાળક નો ધર્મ...
માતા પિતાનું કહ્યું માનવું અને સારા સંસ્કાર ગ્રહણ કરવા. સારી રીતે શિક્ષણ ગ્રહણ કરવું. વડીલો નું માન સન્માન જાળવવું. બીજા મિત્રો સાથે સારી રીતે વર્તવું.

માતા પિતા નો ધર્મ...
બાળકોને સારા સંસ્કાર અને શિક્ષણ આપવા. બાળકો ની જરૂરિયાતો પુર્ણ કરવી. બાળકોને શું સારું, શું ખોટું એ શીખવાડવું. બાળકોને દેશ અને સમાજ પ્રત્યે જવાબદાર નાગરીક બનવા સમજાવવું. ભગવાનની પૂજા અને તેના મહત્વ વિશે સાચી જાણકારી આપવી.

શિક્ષક નો ધર્મ...
બાળકોને સારું શિક્ષણ આપવું. દેશ પ્રત્યેના હક અને ફરજ અંગે એમને જાગૃત બનાવવા. પોતાની જવાબદારી નું સાચા અર્થમાં નિર્વાહ કરી યોગ્ય પાયાના ઘડતર થકી સમાજ અને દેશના નિર્માણ મા યોગદાન આપવું.

સાસુ સસરા નો ધર્મ...
ઘરમાં સુમેળ સાધવા હમેશાં પ્રયત્નો કરવા. પોતાનાથી થતી જવાબદારીઓ નિભાવી ઘરમાં મદદરૂપ થવું. દીકરા અને વહુ સાથે પૌત્ર, પૌત્રીઓ ને સારા સંસ્કાર આપવા. નવી ટેક્નોલોજી સમજવી અને સમય સાથે તાલમેલ રાખી જીવન જીવવા પ્રયત્ન કરવો. કોઈપણ વાતમાં પોતાનો મત ચોક્કસ મુકવો પણ હઠ રાખી એ મનાવવા પ્રયત્ન ના કરવો સમય બધાને બધું સમજાઈ દે છે.

પુત્ર અને પુત્રવધુ નો ધર્મ...
મમ્મી પપ્પા, સાસુ સસરા ની સેવા કરવી અને માન સન્માન જાળવવા. કોઈપણ નવો મહત્વનો નિર્ણય લેતા પહેલા એમને વિશ્વાસમાં લેવા પુર્ણ પ્રયત્ન કરવો. નવી ટેકનોલોજી થી મળતા ફાયદાઓ અને નવી ટેક્નોલોજી થી અવગત કરાવતા રહેવું. એમની સાથે શાંતિ થી વાત કરવી અને ઘરમાં સારું વાતાવરણ સર્જાય એ માટે હમેશાં પ્રયત્નો કરવા. દિવસમાં એકવાર સમય ફાળવી શાંતિ થી વાત કરવી અને એમની સાથે સુમેળ સાધવો.

પુત્રી અને જમાઈ નો ધર્મ...
એકબીજાના માતા-પિતા અને સગા-સંબંધીઓ નું માન સન્માન જાળવવું. પુત્રી એ ક્યારેય પીયરની વાત સાસરી કે સાસરીની વાત પિયરમાં કરી સરખામણી ના કરવી. પુત્રી એ લગ્ન પછી પિયર માં માતા અને ભાભી વચ્ચે સ્નેહસેતુ બનવું. જમાઈ એ પુત્રવત બની ને સાસુ સસરા ની સેવા કરવી અને આમ પોતાનો ધર્મ નિભાવવો. પુત્રી અને જમાઈ એ વડીલોને સમય આપી એમને સમજવા. આ રીતેજ પોતાનું ઘર, પોતાના સાચવી પોતાના ધર્મનું પાલન કરવું.

નોકરી કરતા વ્યક્તિ નો ધર્મ...
નોકરીમાં કામ પ્રત્યે સભાનતા રાખવી અને ક્યારેય ક્યાય ખોટું થતું હોય તો ત્યાં અટકાવવું. પોતાની જવાબદારી અને કામ નિષ્ઠા પૂર્વક કરવા. આજ રીતે એક સારા કર્મચારી બની પોતાનું કામ પોતાનો ધર્મ નિભાવવો.

ધર્મ ગુરુઓ અને સાધુ સંતો નો ધર્મ...
ધાર્મિક ગ્રંથોમાં ધર્મ અંગે આપવામાં આવેલી સાચી માહિતીનો પ્રચાર પ્રસાર કરવો. લોકોને શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેનો સાચો ફર્ક સમજાવવો. લોકોને ધાર્મિક સ્થાનોના મહત્વ વિશે સાચી માહિતી આપવી અને ધાર્મિક સ્થળનું સાચું મહત્વ સમજાવવું.

*****

આમ આપણે ધર્મ ને વિશાળ ફલક ઉપર જોઈએ તો ધર્મ એ પરસ્પર સંબંધો, એકબીજાની ફરજો અને એકબીજા માટેની આપણી ભાવનાઓ પર ખુબ જ આધાર રાખે છે. અને એ જ સાચો ધર્મ છે. એ જ ધર્મ થકી આપણે આપણા સ્નેહીઓ, સમાજ, દેશ પ્રત્યે પોતાનો ધર્મ સાચી રીતે નિભાવી શકીએ અને મોક્ષ ગતિના હકદાર બની શકીએ...

મને લાગે છે કે તમારા સુધી આ મારા વિચારો આ માધ્યમથી પહોંચી ગયા છે. જો તમારી પાસે પણ આ અંગે કોઇ વિચાર હોય મારી સાથે શેર કરી શકો છો. મારા માટે પણ આવી જાણકારી ખુબ જ અગત્યની છે. જેના થકી હું સ્વ નિર્માણ કરી સર્વ નો સાથ આપી શકું...!!!

આ મારી જાણકારી જાણકારી જે મને આ સમાજ પાસેથીજ મળેલી છે એ તમારી સાથે વહેંચતા મને પણ એવુંજ લાગે છે કે જાણે મેં મારો ધર્મ નિભાવવા એક પગલું ભર્યું. આ મારો એક ધર્મ જ છે, કે મારી પાસે જે છે એ હું અહીંજ વહેચતો જાઉં જેથી આવનારા સમયમાં આ જ સિદ્ધાંત ઉપર આવી જાણકારી વધુમાં વધુ જન માનસ સુધી પહોંચે અને એક યોગ્ય સ્વ નિર્માણ થકી, સમાજ નિર્માણ અને દેશ નિર્માણમાં હું મારી ભાગીદારી આપી શકું...!!!

ફરી મળશું ફરી કોઈ નવા વિચાર સાથે...તમારા પ્રતિભાવો મારા માટે ખુબ અગત્યના છે... પ્રતિભાવો આપતા રહો અને આમ જ સાથ નિભાવતા રહો...

*******

Join My fb Group :- Sweet beat Frdzzzzz
આ લાગણીઓના જોડાણની વાર્તાની PDF કોપી ફ્રીમાં મેળવવા કોન્ટેક્ટ કરી શકો છો.
Whatsapp :- 8320610092
Insta :- rohit_jsrk

સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
સદા સંબંધો મહેકાવતા રહો...
જય શ્રી કૃષ્ણ...