Doctor Dolittle - 3 books and stories free download online pdf in Gujarati

ડૉક્ટર ડૂલિટલ - પ્રાણીઓની ભાષા જાણતા ડૉક્ટરની રોમાંચક સાહસકથા - ભાગ 3

3 : પૈસાની ખેંચ વધી...

ડૉક્ટર પાસે આવતા કેટલાક પ્રાણીઓ ખૂબ બીમાર રહેતા અને તેમને ડૉક્ટરના ઘરે અઠવાડિયા સુધી દાખલ થવું પડતું. પછી, જેવા તેઓ સાજા થવા લાગતા કે બગીચાની લોન પર પાથરેલી ખુરશીઓ પર બેસતા. તેવા પ્રાણીઓને ડૉક્ટરનું ઘર એટલું બધું ગમી જતું કે તેઓ સાજા થઈ જાય પછી પણ તેમને તે ઘર છોડવાનું મન ન થતું. વળી તેમાંનું કોઈ, ડૉક્ટરને આ જ ઘરમાં રોકાઈ જવાનું પૂછે તો, ભલા દિલના ડૉક્ટર તેને ના ન કહી શકતા. આથી ડૉક્ટર પાસે પાલતું પ્રાણીઓની સંખ્યા વધવા લાગી.

એક સાંજે ડૉક્ટર પોતાના બગીચાની દીવાલ પર પાઇપ પીતા બેઠા હતા ત્યારે, વાંદરાને દોરડા પર ચલાવી ખેલ કરનારો ઈટેલિયન વાજાવાળો ત્યાંથી પસાર થયો. ડૉક્ટરે પહેલી જ નજરે જોઈ લીધું કે વાંદરાના ગળે બાંધેલો પટ્ટો વધારે પડતો ટાઇટ છે અને મેલો-ઘેલો વાંદરો વાજાવાળાથી નાખુશ છે. તેમણે ઈટેલિયન પાસેથી વાંદરો લઈ તેને એક શિલિંગ આપ્યું અને ત્યાંથી ચાલ્યા જવા કહ્યું. પણ, ડૉક્ટરની વાત સાંભળી વાજાવાળો ગુસ્સે થઈ ગયો. તેણે કહ્યું કે તે વાંદરાને પોતાની સાથે રાખવા ઇચ્છે છે. પણ, ડૉક્ટરે તેને ધમકી આપી કે જો તે ત્યાંથી નહીં ચાલ્યો જાય તો તેઓ તેના મોઢા પર મુક્કો મારી તેનું નાક તોડી નાખશે. આમ તો જ્હોન ડૂલિટલની ઊંચાઈ કંઈ ખાસ ન્હોતી, પણ તે મજબૂત બાંધાના માણસ હતા. તેથી, ઈટેલિયન ગંદી ગાળો ભાંડતો, વાંદરાને ડૉક્ટર પાસે રાખી, પાછો ચાલ્યો ગયો. બાદમાં તે વાંદરાને, ઘરના પ્રાણીઓ “ચી-ચી” નામથી બોલાવવા લાગ્યા. આવું નામ રાખવાનું કારણ એ હતું કે, મોટા ભાગે વાંદરાઓ તે શબ્દ બોલી એકબીજાને ચેતવણી આપતા હોય છે.

બાદમાં અન્ય એક દિવસે, ફડલબીમાં સર્કસવાળા આવ્યા. તે સર્કસમાં એક મગર હતો જેને દાંતનો દુખાવો ઊપડ્યો હતો. રાત્રે છટકીને તે ડૉક્ટરના બગીચામાં આવી ગયો. ડૉક્ટરે તેની સાથે મગરની ભાષામાં વાત કરી અને તેને પોતાના ઘરમાં લઈ ગયા. તેમણે તેના દાંતનો દુખાવો દૂર કર્યો, પણ મગરે જોયું કે ઘર અને બગીચામાં અલગ અલગ પ્રાણીઓ માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. તેને તે ઘર ખૂબ ગમી ગયું અને તેને પણ ડૉક્ટર સાથે રહેવાની ઇચ્છા થઈ. તેણે ડૉક્ટરને કહ્યું, “હું તમને વચન આપું છું કે બગીચાના તળાવમાં રહેતી માછલીને હું કંઈ નહીં કરું, પણ તમે મને તે તળાવમાં રહેવા દો, પ્લીઝ !” ભલા દિલના ડૉક્ટર તેને ના ન કહી શક્યા. પછી, સર્કસનો માણસ તેને પાછો લઈ જવા આવ્યો ત્યારે મગર જંગલી તેમજ વિકરાળ બની ગયો અને તેણે તે માણસને ડરાવીને ભગાડી દીધો. જોકે, ઘરમાં રહેતા દરેક જીવો સામે તે કુરકુરિયાની જેમ શાંતિથી વર્તતો.

પણ, હવે ઘરમાં મગર રહેતો હોવાથી ઘરડી સ્ત્રીઓ પોતાના પાલતું પ્રાણીઓને ડૉક્ટર પાસે મોકલતા ડરવા લાગી ; ખેડૂતોને પણ શંકા પડી કે સારવાર માટે મોકલવામાં આવેલા તેમના બીમાર ઘેટાં અને વાછરડાંઓને મગર ખાઈ જશે. માટે, ડૉક્ટર મગર પાસે ગયા અને તેને સર્કસમાં પાછું ચાલ્યા જવા કહ્યું. પણ, મગર ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગ્યો, તેને ત્યાં ઘરમાં જ રહેવા દેવામાં આવે એ માટે તેણે દિલથી વિનવણી કરી. છેવટે, ભલા દિલના ડૉક્ટરે તેને ત્યાં જ રહેવા દીધો.

આ જાણી, ડૉક્ટરની બહેન ડૉક્ટર પાસે ગઈ અને તેણે કહ્યું, “જ્હોન, તારે તે મગરને અહીંથી ભગાડી દેવો પડશે. ખેડૂતો અને ઘરડી સ્ત્રીઓને પોતાના પાલતું પ્રાણીઓ અહીં મોકલતા ડર લાગે છે. હજી આપણી પરિસ્થિતિ સુધરવાની શરૂ જ થઈ છે અને તું... તું તે મગરને અહીં રાખીશ, તો આપણે બધી રીતે ખલાસ થઈ જઈશું. આપણા માટે બચવાની આ છેલ્લી તક છે. જો તું તે મગરને અહીંથી નહીં નસાડે તો હું આ ઘરની સંભાળ લેવાનું બંધ કરી દઈશ. તે ક્યારેક મારા પલંગ નીચે ઘૂસી જશે એ વિચાર માત્રથી મને કંપારી છૂટી જાય છે.”

“પણ, તેણે મને વચન આપ્યું છે” ડૉક્ટરે દલીલ કરી, “કે તે કોઈને બચકું નહીં ભરે. તેને બાપડાને સર્કસમાં કામ કરવું ગમતું નથી અને મારી પાસે તેને તેના મૂળ વતન આફ્રિકા મોકલવાના પૈસા નથી. તે તેના કામથી કામ રાખશે અને તું તારા કામથી કામ રાખ. એ એક વાતને લઈ આટલી બધી ધાંધલ કરવાની જરૂર નથી.”

“સો વાતની એક વાત, મારે તે અહીં આ ઘરમાં ન જોઈએ.” સારાએ મક્કમતાથી કહ્યું. “તે પગલૂંછણિયાનું કપડું ખાઈ જાય છે ! તું તેને અબઘડી નહીં કાઢી મૂકે તો, તો હું જ આ ઘર છોડીને ચાલી જઈશ અને સારો મુરતિયો શોધી તેની સાથે લગ્ન કરી લઈશ.”

“ઠીક છે.” ડૉક્ટરે કહ્યું. “તો જા અને લગ્ન કરી લે. બાકી, આ બાબતમાં હું કંઈ કરી શકું એમ નથી.” અને તે પોતાની ટોપી ઉતારી બગીચામાં ચાલ્યા ગયા.

ડૉક્ટરનો જવાબ સાંભળી, સારા ડૂલિટલે પોતાનો સામાન પેક કર્યો અને ચાલતી પકડી. બિચારા ડૉક્ટર, પ્રાણીઓ સાથે એકલા રહી ગયા અને થોડા જ સમયમાં હતા તેના કરતા પણ વધુ ગરીબ થઈ ગયા. ઘરમાં રહેતા પ્રાણીઓને ખવડાવવા, ઘરની સંભાળ રાખવી, નાનું-મોટું સમારકામ કરવું કે માંસ વેચતા કસાઈનું બિલ ચૂકવવું, આવકના અભાવે મુશ્કેલ બનતું ગયું. પણ, ડૉક્ટર તેની સહેજે ય ચિંતા ન કરતા.

“પૈસા એ જબરી બલા છે. આપણે ખુશ રહી શકીએ એમાં પૈસાનો રોલ કેટલો ? જો પૈસા શોધાયા જ ન હોત તો કદાચ આપણે વધારે સુખી હોત.” તેઓ કાયમ કહેતા.

પણ, થોડા સમયમાં પ્રાણીઓને ચિંતા થવા લાગી. એક સાંજે ડૉક્ટર રસોડામાં પેટાવેલા તાપણા સામે ખુરશી પર બેસી ઊંઘી ગયા હતા ત્યારે પ્રાણીઓ અંદરોઅંદર કાનાફૂસી કરવા લાગ્યા. ‘ટૂ-ટૂ’(ઘુવડ)નું ગણિત સારું હતું. તેણે ગણતરી કરીને કહ્યું, “આજથી આપણે સૌ રોજ એક જ ટંક જમીએ તો ય ફક્ત અઠવાડિયું ચાલે એટલા પૈસા બચ્યા છે.”

આ સાંભળી પોપટે કહ્યું, “મને લાગે છે કે ઘરના કામ આપણે જાતે કરવા જોઈએ. કમસેકમ આપણે એટલું તો કરી જ શકીએ. ખરેખર તો આપણા જ કારણે આ વૃદ્ધ ડૉક્ટર એકલા અને ગરીબ થઈ ગયા છે.”

માટે, પછી નક્કી થયું કે ચી-ચીએ રસોઈ અને નાનું-મોટું સમારકામ કરવું, કૂતરાંએ ફરસ પર પોતાં મારવા, બતકે પથારી ઝાપટ-ઝૂપટ કરી ચાદર પાથરવી, ટૂ-ટૂએ હિસાબ-કિતાબ સંભાળવો અને ભૂંડે બગીચાની સંભાળ લેવી. પોલેનેશિયા ઘરડો થઈ ગયો હોવાથી તેને ઘરની દેખભાળ કરવાનું કામ સોંપવામાં આવ્યું.

અલબત્ત, પહેલાં તો તેમને આ બધા કામ કરવામાં ખૂબ તકલીફ પડી. ખાલી ચી-ચી એકલાને વાંધો ન આવ્યો કારણ કે તેની પાસે હાથ હતા અને તે માણસોની જેમ કામ કરી શકતો હતો. પણ, થોડા જ સમયમાં સૌને પોતપોતાના કામમાં ફાવટ આવી ગઈ. જિપ, પોતાની પૂંછડી પર મસોતું બાંધી પૂંછડી હલાવી પોતા કરતો તે જોવાની સૌને મજા પડતી.

અમુક સમય પછી તો એ બધા પોતપોતાના કામમાં એટલા એક્સપર્ટ થઈ ગયા કે ડૉક્ટરે પણ કહ્યું, “પહેલાં ઘર આટલું બધું સ્વચ્છ અને સુઘડ ન્હોતું રહેતું.”

આમ થોડા સમય માટે બધું ઠીક થઈ ગયું પણ પૈસા વગર પીંજણ મટે એમ ન્હોતી.

તેથી, પ્રાણીઓએ બગીચાના દરવાજા બહાર શાકભાજી અને ફૂલો વેચવા નાનકડી દુકાન બનાવી. તેઓ રસ્તા પર પસાર થતા લોકોને મૂળા અને ગુલાબ વેચવા લાગ્યા.

જોકે, હજુ ય પૈસાની આવક એટલી ન્હોતી થતી કે તેઓ બધા બિલ ચૂકવી શકે. તો બીજી બાજુ ડૉક્ટર એકદમ નિશ્ચિંત હતા. જયારે પોપટે તેમની પાસે જઈને કહ્યું કે માછલી વેચવાવાળાએ હવે બાકીમાં માછલીઓ આપવાની ના પાડી દીધી છે ત્યારે તેમણે જવાબ આપ્યો, “ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે ગાય દૂધ આપે છે અને મરઘીઓ ઈંડા.... એ ચાલુ રહેશે ત્યાં સુધી આપણે ઓમલેટ અને મીઠાઈઓથી ચલાવી લઈશું. અને શિયાળો આવવાને હજી ખાસ્સી વાર છે. અત્યારથી ઉપાધિ વહોરવાની જરૂર નથી. મારી બહેન સારાનો ય આ જ વાંધો હતો – તે નાની નાની વાતમાં ટેન્શન લઈ લેતી હતી. જોકે, મને તેની ચિંતા થાય છે. તે અત્યારે કેવી રીતે ગુજારો કરતી હશે ? એમ તો અમુક રીતે તે જોરદાર સ્ત્રી હતી : ભલી અને સારી.”

પણ, કાયમ કરતા આ વરસે બરફ વહેલો પડ્યો અને તે સૌ રસોડામાં બેસી તાપણું કરી શકે એ માટે લંગડો ઘોડો શહેરની બહાર આવેલા જંગલમાંથી લાકડા વીણી લાવ્યો. બગીચામાં ઊગી નીકળેલું મોટાભાગનું શાક ખવાઈ ગયું હતું અને બચ્યું-કૂચ્યું શાક બરફની ચાદર હેઠળ દટાઈ ગયું હતું. મોટાભાગના પ્રાણીઓને સખત ભૂખ લાગી હતી, પણ તેમની પાસે ખાવા માટે કંઈ ન હતું.

ક્રમશ :