Doctor Dolittle - 7 books and stories free download online pdf in Gujarati

ડૉક્ટર ડૂલિટલ - પ્રાણીઓની ભાષા જાણતા ડૉક્ટરની રોમાંચક સાહસકથા - ભાગ 7

7 : વાંદરાઓનો પુલ

રાણી અર્મીન્ટ્ર્યુડે પોતાના પતિને આટલો ભયાનક ગુસ્સે થતા પહેલાં ક્યારેય જોયો ન હતો. રાજાએ ક્રોધાવેશમાં દાંત ભીંસ્યા. તે દરેકને મૂર્ખ કહી બરાડવા લાગ્યો અને પોતાના ટૂથબ્રશનો પાળેલી બિલાડી તરફ ઘા કર્યો. તેણે નાઈટડ્રેસ પહેર્યો હતો છતાં, કપડાં બદલ્યા વગર જ તે રૂમમાં આંટા મારવા લાગ્યો. તેણે સૈન્યને સજાગ કર્યું, ડૉક્ટરને પકડી લાવવા આદેશ આપ્યો અને નોકર-ચાકર, રસોઈયા, માળી, વાળંદ, રાજકુમાર બમ્પોના શિક્ષક તથા ટાઇટ-શૂઝમાં ડાન્સ કરીને થાકી ગયેલી રાણી અર્મીન્ટ્ર્યુડને સૈનિકો સાથે જવા હુકમ કર્યો. તે સૌ ડૉક્ટરની તલાશ પર જવા માટે સજ્જ થવા લાગ્યા.

એ દરમિયાન ડૉક્ટર અને તેના પ્રાણીઓ, વાંદરાઓની ભૂમિ પર પહોંચવા, રાજાના તાબા હેઠળના પ્રદેશમાં પૂરઝડપે દોડી રહ્યા હતા.

જોકે, ટૂંકા પગવાળું ગબ-ગબ તરત જ થાકી ગયું અને ડૉક્ટરે તેને ઊંચકી લેવું પડ્યું. આમ કરવાથી ડૉક્ટરને દોડવામાં તકલીફ પાડવા લાગી કારણ કે તેમની પાસે પેટી અને બગલથેલો તો પહેલાંથી જ હતા.

જોલિગિન્કીના રાજાને લાગ્યું કે ડૉક્ટર અજાણ્યા પ્રદેશમાં હોવાથી રસ્તો ભૂલી જશે અને સરળતાથી પકડાઈ જશે, પરંતુ તેઓ ખોટા હતા. ચી-ચી જંગલના બધા જ રસ્તાઓ જાણતો હતો – કદાચ રાજા અને તેના માણસો કરતા પણ વધારે સારી રીતે. તેથી, તે ડૉક્ટર અને પ્રાણીઓને જંગલના એવા વિસ્તારમાં દોરી ગયો જ્યાં માણસો પ્રવેશ્યા જ ન હોય. ચી-ચીના કહેવાથી સૌ મોટી ચટ્ટાન વચ્ચે ઊગી નીકળેલા વિશાળ વૃક્ષના પોલા થડમાં છુપાઈ ગયા.

“આપણે અહીં છુપાઈ રહેવું જોઈએ,” ચી-ચીએ કહ્યું, “સૈનિકો થાકીને પાછા ફરી જાય ત્યાં સુધી... ત્યારપછી જ આપણે વાંદરાઓના પ્રદેશ તરફ આગળ વધીશું.”

તેઓ આખી રાત ત્યાં જ છુપાઈ રહ્યા.

આસપાસ ફરતાં, ડૉક્ટર અને પ્રાણીઓને શોધતા, અંદરોઅંદર વાતો કરતા સૈનિકોનો અવાજ આખી રાત સંભળાતો રહ્યો. પણ, ડૉક્ટર અને પ્રાણીઓ સુરક્ષિત હતા. ચી-ચી સિવાય કોઈ તે પોલાણવાળી જગ્યા વિશે જાણતું ન હતું, વાંદરાઓ પણ નહીં !

છેવટે, દિવસ ઊગવાની શરૂઆત થઈ અને ગાઢા વૃક્ષોના પાંદડા વચ્ચેથી રેલાતા પ્રકાશના કિરણો જમીન પર ફેલાવા લાગ્યા. સૌને રાણી અર્મીન્ટ્ર્યુડનો થાકપ્રચુર આવાજ સંભળાયો, “હવે, શોધખોળ કરવાનો કોઈ મતલબ નથી. પાછા જઈને થોડી ઊંઘ ખેંચી લઈએ.”

થોડી વારમાં સૈનિકો પાછા ચાલ્યા ગયા અને ચી-ચીએ ડૉક્ટર તથા પ્રાણીઓને બહાર આવવા કહ્યું. પછી જેવા સૌ બહાર આવ્યા કે વાંદરાઓના પ્રદેશ તરફ આગેકૂચ કરવામાં આવી. જોકે, વાંદરાઓની ભૂમિ કંઈ નજીક ન હતી. સતત ચાલવાથી તેઓ થાકી જતા હતા અને ખાસ કરીને ગબ-ગબ. પણ, જયારે તે રડવા લાગ્યું ત્યારે, કોઈએ તેને નારિયેળમાંથી દૂધ બનાવીને પીવડાવ્યું ; તેને તે ખૂબ ભાવતું હતું.

તેમની પાસે ખાવા-પીવાની વાનગીઓનો ય કોઈ તોટો ન હતો કારણ કે ચી-ચી અને પોલેનેશિયાને જંગલમાં ઊગતા દરેક શાકભાજી-ફળો વિશે જાણકારી હતી. અંજીર, મગફળી, આદુ, સૂરણ વગેરે ક્યાં ઊગે છે અને ક્યાંથી મળશે એ વિશે તેમને પાક્કી ખબર હતી. તેઓ જંગલી નારંગીમાંથી શરબત બનાવતા અને મધપુડામાંથી મધ મેળવી તેને ગળ્યું કરતા. કોઈ કંઈ પણ માંગે તો ચી-ચી અને પોલેનેશિયા તે અથવા તેના જેવી વસ્તુ તરત હાજર કરી દેતા. અરે, એક સમયે ડૉક્ટરે સાથે લીધેલું તમાકુ ખતમ થઈ ગયું અને તેમને ધૂમ્રપાન કરવાની તલબ લાગી ત્યારે તે બંને ક્યાંકથી તમાકુ પણ શોધી લાવ્યા !

રાત્રે તેઓ તાડીના પાનમાંથી તંબુ બનાવતા, અંદર સૂકા ઘાસની પથારી કરતા અને તેના પર આરામ ફરમાવતા. વળી, થોડા જ સમયમાં તેમને ચાલતા રહેવાની આદત પડી ગઈ જેથી ચાલવાનો થાક લાગવાનું પણ બંધ થઈ ગયું.

સફરને તેઓ બધી રીતે માણવા લાગ્યા હતા છતાં ક્યારે રાત પડે અને આરામ કરવા રોકાવું પડે તેની સૌને ઇન્તેજારી રહેતી. તેનું કારણ એ હતું કે દરરોજ રાત્રે વાળું પતે એટલે ડૉક્ટર લાકડીઓનો ઢગલો કરી તાપણું સળગાવતા અને સૌ તેને વીંટળાઈને બેસતા. પછી, પોલેનેશિયા ખારવા લલકારે એવા સમુદ્રી ગીતો ગાતો અને ચી-ચી જંગલની વાર્તાઓ કહેતો.

ચી-ચી જે વાર્તાઓ કહેતો તેમાંની ઘણી વાર્તાઓ તો ખૂબ મનોરંજક રહેતી, તેથી ચી-ચીએ કહેલી વાર્તાઓને ડૉક્ટર કાગળ પર લખી લેતા. ભલે, વાંદરાઓ પાસે તેમના ભવ્ય ઇતિહાસને ઉજાગર કરતી ઐતિહાસિક ચોપડી નથી હોતી પણ વારસો દર વારસો તેઓ પોતાના બચ્ચાંઓને આવી વાર્તાઓ કહી બધું યાદ રાખતા હોય છે. ચી-ચી જે વાર્તાઓ કહેતો તેમાંની મોટાભાગની તેણે પોતાના દાદી પાસેથી સાંભળી હતી. તે એ સમયની વાર્તાઓ હતી જયારે માણસો કપડાં તરીકે રીંછની ચામડું ઓઢતા, પથ્થરોના પોલાણમાં રહેતા અને શેક્યા વગરનું કાચું માંસ ખાતા. પ્રાણીઓની જેમ જીવતા એ આદિમાનવોને રસોઈ કેમ કરવી તેનું ય જ્ઞાન ન હતું અને આગ હજુ શોધાઈ જ ન્હોતી. એ સિવાય તે તેમને વિશાળકાય હાથી અને ટ્રેન જેવડી ગરોળીઓ વિશે પણ કહેતો. તે લાંબી ગરોળીઓ પર્વતોની આસપાસ રહેતી અને ઊંચા ઝાડની ટોચ પર ઊગેલા ફળ-ફૂલને મોઢું મારીને ખાઈ જતી. તે સૌ વાર્તા સાંભળવામાં એટલા મશગૂલ થઈ જતા કે વાર્તા પૂરી થાય ત્યારે જ સૌને ખબર પડતી કે આગ હોલવાઈ ગઈ છે ! પછી તે સૌ જલદી જલદી દોડી લાકડા વીણી આવતા અને નવી આગ પેટાવતાં.

આ બાજુ સૈનિકોએ પાછા જઈને રાજાને કહ્યું હતું કે તેઓ ડૉક્ટર અને તેના પ્રાણીઓને શોધી શક્યા નથી. આથી, રાજા ખૂબ ગુસ્સે થયો હતો. તેણે બરાડીને કહેલું, “નાલાયકો, જાવ અને તે બધાને પકડી ન લો ત્યાં સુધી તમારું મોઢું ન બતાવતા. તમે જંગલમાં રહો કે ગમે ત્યાં પણ તે સૌ કેદ થાય પછી જ પાછા આવજો.”

ડૉક્ટર અને પ્રાણીઓ વાંદરાઓની ભૂમિ તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે તેમને એમ જ હતું કે તે સૌ સુરક્ષિત છે પરંતુ રાજાના સૈનિકો તેમની પાછળ આવી રહ્યા હતા. જો ચી-ચીને તે વાતની ખબર હોત તો તેણે સૌને ક્યાંક છુપાવી દીધા હોત, પણ તેને તેની જાણ ન હતી.

એક દિવસ ચી-ચીએ ખૂબ ઊંચા ખડક પર જઈ ઝાડવાઓની પેલે પાર જોવા પ્રયત્ન કર્યો. તેણે નીચે આવીને સૌને જણાવ્યું કે તેઓ વાંદરાઓની ભૂમિની ખૂબ નજીક છે અને ત્યાં થોડી જ વારમાં પહોંચી જશે.

તે જ સાંજે તેમને ચી-ચીના ભાઈભાંડુ અને સંબંધીઓ તેમની રાહ જોતા દેખાયા. તે સૌ હજુ પણ તંદુરસ્ત હતા અને ઝાડની છાયામાં બેસી તેમની રાહ જોઈ રહ્યા હતા. તે સૌએ પ્રખ્યાત ડૉક્ટર ડૂલિટલને પોતાની તરફ આવતા જોયા અને ખુશીથી ચિત્કાર કરી ઊઠ્યા. તેમણે ઉત્સાહમાં આવી ચીસો પાડી, ઝાડની ડાળીઓ હલાવી અને એક ડાળથી બીજી ડાળ, બીજી ડાળથી ત્રીજી ડાળ એમ કૂદકા માર્યા.

તેમને થયું કે ડૉક્ટરના હાથમાં રહેલી પેટી, બગલથેલો અને તમામ સામાન ઊંચકી લઈએ. એક પહાડી વાંદરાએ થાકી ગયેલા ગબ-ગબને નાના બાળકની જેમ ઊંચકી લીધું. પછી તેમાંના બે વાંદરાઓ ‘ડૉક્ટર આવી ગયા છે’ એવી ખુશખબર આપવા બીમાર વાંદરાઓ પાસે દોડી ગયા.

પણ, રાજાના માણસો હજુ તેમનો પીછો કરી રહ્યા હતા. વાંદરાઓએ ઉત્સાહમાં આવી જે ચીસાચીસ કરી તેનાથી તેમને ખબર પડી ગઈ કે ડૉક્ટર કઈ દિશામાં છે. અવાજ આવ્યો હતો તે દિશામાં સૈનિકો ઝડપથી દોડ્યા.

ગબ-ગબને ઊંચકીને ચાલતો વાંદરો આરામથી ચાલતો હોવાથી સૌની પાછળ રહી ગયો હતો. તેણે સૈન્યના કપ્તાનને ઝાડની પાછળથી ડોકિયા કરતો જોયો. તે ઝડપથી દોડ્યો અને જોરથી બોલ્યો, “ભાગો.”

પછી તો સૌ એવા ભાગ્યા કે ન પૂછો વાત. જાણે હડકાયું કૂતરું પાછળ પડ્યું હોય એવી રીતે સૌ દોડવા લાગ્યા. રાજાના માણસો તેમની પાછળ દોડ્યા. બધા સૈનિકોમાં કેપ્ટનની ઝડપ સૌથી વધુ હતી.

એવામાં ડૉક્ટર કીચડવાળી જગ્યામાં લપસ્યા. કેપ્ટનને લાગ્યું કે હવે તો ડૉક્ટર પકડાઈ જ જશે.

પણ, કેપ્ટનના કાન મોટા અને વાળ નાના હતા. લપસી પડેલા ડૉક્ટરને પકડવા તે સ્પ્રિંગની જેમ ઊછળ્યો અને તેનો મોટો કાન ઝાડની તીક્ષ્ણ ડાળીમાં ભરાઈ ગયો. તે પીડાથી ચીસ પાડી ઊઠ્યો. અન્ય સૈનિકો તેને મદદ કરવા અટક્યા.

એ બે-ચાર પળમાં ડૉક્ટર ફરી ઊઠ્યા અને મૂઠીઓ વાળીને દોડવા લાગ્યા. તેઓ દોડતા રહ્યા, ભાગતા રહ્યા, પાછળ જોયા વગર નાસતા રહ્યા. અને અચાનક ચી-ચીએ બૂમ પાડી, “વાંદરાઓનો પ્રદેશ આવી ગયો છે.”

પણ, વાંદરાઓના પ્રદેશમાં પ્રવેશતા પહેલાં એક ભેખડ આવતી હતી જેના છેડે પહોળી ધસમસતી નદી વહેતી હતી. આ જ જોલિગિન્કીની સરહદ હતી, વાંદરાઓનો પ્રદેશ નદીની બીજી બાજુએ હતો.

કૂતરાં જિપે સીધી - એકદમ સીધી ચટ્ટાનના છેડે ઊભા રહીને નીચે જોયું અને બોલ્યો, “આ નદી કેવી રીતે પાર થશે ?”

“મરી ગયા !” ગબ-ગબે કહ્યું. “પાછળ જુઓ, રાજાના માણસો સાવ નજીક આવી ગયા છે. હવે આપણે પકડાઈ જ જઈશું.” અને તે હિબકાં ભરી રડવા લાગ્યું.

પણ, જે વાંદરાએ ગબ-ગબને ઊંચક્યું હતું તેણે તેને નીચે ઉતાર્યું અને નદીના અન્ય છેડે રહેલા વાંદરાઓને બૂમ મારી, “દોસ્તો, પુલ બનાવો. જલદી, જલદી કરો, આપણી પાસે એક જ મિનિટ છે. કેપ્ટનનું મગજ ખનકી ગયું છે. તે ગાંડા હાથીની જેમ આવી રહ્યો છે. સ્ફૂર્તિ બતાવો, પુલ... જલદી પુલ બનાવો !”

ડૉક્ટર વિચારવા લાગ્યા કે તેઓ શામાંથી પુલ બનાવશે ? કદાચ કોઈ તૂટેલા વહાણના પાટિયાં પડ્યા હોય તો તે શોધવા ડૉક્ટર પાછા ફર્યા પણ તેમને કંઈ ન દેખાયું.

તેઓ ફરી પાછા ફર્યા અને ચટ્ટાનની આગળ જોયું તો લટકતો પુલ તૈયાર થઈ ગયો હતો. તે પુલ જીવતા વાંદરાઓથી બનેલો હતો ! ડૉક્ટર જયારે પાટિયાં શોધવા પાછા ફર્યા હતા ત્યારે, એટલી જ વારમાં વાંદરાઓએ પુલ બનાવી દીધો હતો. તેઓ એકબીજાના હાથ અને પગ પકડીને લટકી રહ્યા હતા અને પુલ તૈયાર હતો.

આ જોઈ ડૉક્ટરે જોરથી ચીસ સાંભળી, “ઉપર ચડી જાવ, જલદી કરો.”

ગબ-ગબ થોડું ગભરાઈ ગયું હતું કારણ કે નદીથી ખૂબ ઊંચાઈએ બનેલા આ સાંકડા પુલ પરથી નીચે જોઈએ તો ચક્કર આવી જાય તેમ હતું. પણ, ગબ-ગબ અને બધા પ્રાણીઓ સલામત રીતે સામા છેડે પહોંચી ગયા.

જ્હોન ડૂલિટલ સૌથી છેલ્લે રહ્યા હતા. તો ય રાજાના માણસો ચટ્ટાનના છેવાડે પહોંચ્યા ત્યારે ડૉક્ટર ડૂલિટલે બીજા છેડે – વાંદરાઓની ભૂમિ પર પગ મૂકી દીધો હતો અને જીવતા વાંદરાઓનો પુલ સમેટાઈ ગયો હતો.

આથી, કેપ્ટન અને સૈનિકોએ પોતાની મૂઠીઓ હવામાં ઉછાળી અને ગુસ્સાથી ચીસો પાડી. તેઓ થોડા માટે ચૂકી ગયા હતા. ડૉક્ટર તથા પ્રાણીઓ હવે સાવ સલામત હતા.

ચી-ચીએ ડૉક્ટર સામે જોઈને કહ્યું, “ઘણાં બધા શોધકર્તાઓ અને ભટકતા રહેતા પ્રાણીવિજ્ઞાનીઓ વાંદરાઓની આ ટ્રિક જોવા મહિનાઓ સુધી જંગલમાં પડ્યા રહે છે. પણ, આજ સુધી કોઈને તેની ઝલક સુધ્ધાં જોવા મળી નથી. દુનિયાભરમાં જેના વિશે સૌને કૌતુક છે તેવો ‘જીવતા વાંદરાઓનો પુલ’ જોનાર તમે પ્રથમ વ્યક્તિ છો.”

આ સાંભળી ડૉક્ટર ગર્વાન્વિત થયા.

ક્રમશ :