Doctor Dolittle - 9 books and stories free download online pdf in Gujarati

ડૉક્ટર ડૂલિટલ - પ્રાણીઓની ભાષા જાણતા ડૉક્ટરની રોમાંચક સાહસકથા - ભાગ 9

9. વાંદરાઓની સભા...

ડૉક્ટર ઊંઘતા રહ્યા ત્યાં સુધી ચી-ચી, તેમના રૂમની બહાર, દરવાજે ઊભો રહ્યો. તે ઇચ્છતો હતો કે કોઈ તેમની ઊંઘમાં ખલેલ ન પહોંચાડે. પછી, જેવા ડૉક્ટર જાગ્યા કે તેમણે કહ્યું, “હવે ફડલબી પાછા જવાની તૈયારી કરો.”

વાંદરાઓને આ જાણીને ખૂબ આશ્ચર્ય થયું ; તેમને લાગ્યું હતું કે ડૉક્ટર કાયમ તેમની સાથે જ રહેશે. આ બાબતે ચર્ચા કરવા તે જ રાત્રે વાંદરાઓની સભા ભરાઈ.

સભાની આગેવાની લેતા ચીફ ચિમ્પૅન્ઝીએ કહ્યું, “શા માટે આ સારો માણસ આપણને છોડીને ચાલ્યો જવા ઇચ્છે છે ? શું તેને આપણાથી કોઈ તકલીફ પડી છે ?”

સભામાં બેસેલા સભાસદોમાંથી કોઈ પાસે તેનો જવાબ ન હતો.

પછી ગંજાવર ગોરીલાએ ઊભા થઈને કહ્યું, “મને લાગે છે કે આપણે તેમની પાસે જઈ તેનું કારણ પૂછવું જોઈએ. જો આપણે તેમને નવું મકાન અને આલીશાન પલંગ બનાવી દઈએ, ઘણા બધા વાંદરાઓ તેમની સેવામાં સદાય હાજર રહેશે એવું વચન આપીએ અને તેમનું જીવન ખુશીઓથી છલકાવી દઈએ તો કદાચ તેઓ પાછા જવાનું માંડી વાળશે.”

પછી ચી-ચી ઊભો થયો અને બધા ગુસપુસ કરવા લાગ્યા, “સ્સ્સ્સ, જુઓ ચી-ચી કંઈક કહેવા માંગે છે.”

ચી-ચીએ ઊભા થઈ તે તમામ વાનરોને કહ્યું, “મારા વ્હાલા મિત્રો, હું જાણું છું કે ડૉક્ટરને રોકવાના તમારા બધા પ્રયત્નો નિષ્ફળ રહેશે. તેમણે ફડલબીમાંથી પૈસા ઉછીના લીધા છે અને ડૉક્ટર દ્રઢપણે માને છે કે ઉછીની લીધેલી વસ્તુઓ પાછી આપવા પરત જવું જ જોઈએ.”

આ સાંભળી બધા જ વાંદરાઓ એક સાથે બોલી ઊઠ્યા, “આ પૈસા તે વળી શું ચીજ છે ?”

ચી-ચીએ તેમને સમજાવતા કહ્યું, “માણસોની દુનિયામાં પૈસા વગર કંઈ જ ન મળે ; પૈસા વગર ત્યાં કંઈ ન કરી શકાય. અરે, પૈસા વગર માણસ જીવી જ ન શકે.”

પછી, કેટલાકે પૂછ્યું, “પૈસા વગર ખાવા-પીવાનું પણ ન મળે ?”

ચી-ચીએ તેનું માથું નકારમાં ધુણાવ્યું અને કહ્યું કે તે પોતે પણ વાજાવાળા માટે ખેલ કરતો હતો અને ખેલ પૂરો કરી ખેલ જોનાર બાળકો પાસે પૈસા માંગતો હતો.

પછી ચીફ ચિમ્પૅન્ઝી ઉંમરલાયક ઉરાંગ-ઉટાંગ પાસે ગયા અને કહ્યું, “વડીલ, ચોક્કસ આ માણસ વિચિત્ર છે, બાકી આવી દુનિયામાં પાછા ફરવાનું કોણ પસંદ કરે ?”

આથી, ચી-ચીએ ચોખવટ કરતા કહ્યું, “જયારે અમે અહીં આવવા નીકળ્યા ત્યારે અમારી પાસે હોડી ન હતી અને દરિયાઈ સફર માટે કે ખાવાનું ખરીદવા પૈસા પણ ન્હોતા. એવા સમયે એક ખારવાએ અમને હોડી ઉછીની આપી અને અન્ય એક માણસે ખાવા-પીવાનો સામાન... ફડલબી જઈ અમારે તે બધું પાછું આપવાનું હતું, પણ અમે આફ્રિકાના કિનારે પહોંચ્યા ત્યારે હોડી ખડક સાથે ટકરાઈને ડૂબી ગઈ. હવે, ડૉક્ટર કહે છે કે તેઓ પાછા જઈને ખલાસીને બીજી હોડી લાવી આપશે. તે બાપડો ખારવો પણ ગરીબ છે અને તેની સંપત્તિમાં જે ગણો તે એકમાત્ર આ હોડી છે.”

આ સાંભળી વાંદરાઓની સભામાં સન્નાટો છવાયો. બધા જેમ હતા તેમ જડવત્ ઊભા રહી કંઈક વિચારવા લાગ્યા.

છેવટે, બળવાન બબૂન ઊભો થયો અને બોલ્યો, “આ દયાળુ માણસ આપણને છોડી, આ ભૂમિ છોડીને ચાલ્યો જાય એ પહેલાં આપણે તેને કોઈ યાદગાર ભેટ આપવી જોઈએ. તેને પણ લાગવું જોઈએ કે તેણે આપણા માટે જે કર્યું છે તેનો ઉપકાર આપણે જીવનભર નહીં ભૂલીએ.”

ત્યારે જ ઝાડ નીચે બેસી રહેલો લાલ મોઢાંવાળો વાંદરો બોલી ઊઠ્યો, “હું પણ એવું જ વિચારતો હતો.”

અને પછી સૌ એકીસાથે, બુલંદ અવાજે બોલ્યા, “આપણે ડૉક્ટરને એવી ઉત્તમ વસ્તુની ભેટ આપીશું જે આજ સુધી કોઈ ધોળિયાએ જોઈ જ નહીં હોય.”

હવે, તેઓ ચર્ચા કરવા લાગ્યા કે કઈ વસ્તુ ભેટ તરીકે સર્વશ્રેષ્ઠ રહેશે ? એકે કહ્યું, “મીઠા નાળિયેર ભરેલી પચાસ થેલીઓ આપીએ.” બીજાએ કહ્યું, “કેળાની સો લૂમ આપીએ. – કમ સે કમ તેઓ જે જગ્યાએ રહે છે ત્યાં ખાવાની વસ્તુ માટે તો પૈસા ન ચૂકવવા પડે !”

પણ, ચી-ચીએ કહ્યું કે આટલી વજનદાર વસ્તુઓ ત્યાં સુધી ઊંચકીને લઈ જવી અઘરું પડશે અને ખાવાની વસ્તુ હોવાથી તે અડધી ખવાય એ પહેલાં બગડી પણ જશે. “જો તમારે તેમને ખુશ જ કરવા હોય તો...” તેણે કહ્યું. “તેમને કોઈ વિરલ પ્રાણીની ભેટ આપો. પણ, તે પ્રાણી તેમની સાથે નમ્રતાથી વર્તશે એવી ખાતરી હોવી જોઈએ. તેમને કોઈ એવું પ્રાણી આપો જે દુનિયાના કોઈ જ પાંજરાઘરમાં ન હોય.”

“પાંજરાઘર ? એ વળી કેવું હોય ?” વાંદરાઓને આશ્ચર્ય થયું.

આથી, ચી-ચીએ તેમને પ્રાણીસંગ્રહાલય અને પાંજરાઘર વિશે જણાવ્યું. તેણે કહ્યું કે માણસો પ્રાણીઓને પાંજરામાં પૂરે છે અને લોકો તે પ્રાણીઓને જોવા પૈસા ચૂકવે છે. વાંદરાઓને આ સાંભળી ખૂબ આઘાત લાગ્યો, પણ એક ભોળા વાંદરાએ કહ્યું, “આ માણસો તો અણસમજુ બાળકો જેવા છે – ભોળા અને સહેલાઈથી ખુશ થઈ જનારા.” ત્યારે બીજા હોશિયાર વાંદરાએ તેને વાર્યો, “અલ્યા ગાંડિયા, તેનો મતલબ પ્રાણીઓની જેલ થાય !”

પછી, તેમણે ચી-ચીને પૂછ્યું, “સફેદ માણસોએ પહેલાં ક્યારેય ન જોયું હોય એવું પ્રાણી કયું છે ?” અને માર્મોસેટના મુખિયાને યાદ આવ્યું, “ત્યાં પાટલા ઘો છે ?”

“હા, લંડનના પ્રાણીસંગ્રહાલયમાં છે.” ચી-ચીએ કહ્યું.

“ઓકાપિ ? તેમની પાસે ઓકાપિ છે ?”

“હા, બેલ્જીયમમાં છે. પાંચ વર્ષ પહેલાં પેલો વાજાવાળો મને ત્યાં લઈ ગયો હતો. ત્યાં એન્ટવર્પ શહેરમાં મેં ઓકાપિ જોયું હતું.”

“તેમણે પુશ્મી-પુલું નહીં જોયું હોય !”

અને ચી-ચી ચમક્યો, “એ વાત સાચી. આજ સુધીમાં કોઈ પણ માણસે પુશ્મી-પુલું જોયું નથી. ડૉક્ટરને આપણે પુશ્મી-પુલું જ આપીશું.”

10. ‘પુશ્મી-પુલું’ – આ દુનિયાનું વિરલ પ્રાણી...

પુશ્મી-પુલુંની જાત હવે લુપ્ત થઈ ગઈ છે. મતલબ, તે જાતનું એક પણ પ્રાણી આજે હયાત નથી. પણ, ઘણા વર્ષો પહેલાં, જયારે ડૉ. ડૂલિટલ જીવતા હતા ત્યારે, તે પ્રાણીઓ આફ્રિકાના ગાઢ જંગલોમાં જોવા મળતા. જોકે, ત્યારે પણ તે અતિશય દુર્લભ પ્રાણી ગણાતું. તેમની ખાસિયત એ હતી કે તેઓ પૂંછડી ન ધરાવતા, તેના બદલે શરીરની બંને બાજુએ એક એક માથું હોય. અને બંને માથા પર અણિયાળા શિંગડા...

તે ખૂબ શરમાળ પ્રાણી ગણાતું અને તેને પકડવું એટલે તો ‘બાપ રે બાપ’ ! હબસી લોકો, મોટા ભાગના પ્રાણીઓનું ધ્યાન ન હોય તેવી રીતે પાછળથી જઈ તેમને પકડી લેતા, પરંતુ પુશ્મી-પુલું માટે એ શક્ય ન્હોતું. હબસી ગમે તે બાજુથી જાય તો ય પુશ્મી-પુલું તેને જોઈ જ લેતું. બેય બાજુ માથા હોય પછી એવું જ થાય ને ! વળી, તેના બંને માથા વારાફરતી ઊંઘતા. કોઈ એક માથું તો જાગતું જ હોય. આ કારણથી તે ક્યારેય ન પકડાતા અને દુનિયાના એકપણ પ્રાણીસંગ્રહાલયમાં જોવા ન મળતા.

અરે, આ દુર્લભ પ્રાણીને પકડવા, દુનિયાના મહાનતમ શિકારીઓ અને પ્રાણીઓ પકડવાવાળા માણસોએ પોતાના જીવનના અનેક વર્ષો જંગલોમાં વિતાવ્યા હતા. પણ, આજ સુધી કોઈ એકને પણ સફળતા મળી ન્હોતી. એટલા વર્ષો પહેલાં, ત્યારે પણ પ્રાણીઓની તે એક જ જાત એવી હતી કે જે બે માથા ધરાવતી હતી.

ક્રમશ :