Vikruti - 10 books and stories free download online pdf in Gujarati

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી- ભાગ-10

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી
ભાગ-10
પ્રસ્તાવના
        મેઘા ગોકાણી અને મેર મેહુલના સયુંકત પ્રયાસથી તમારી સમક્ષ એક સ્ટોરી રજૂ થઈ રહી છે.આ સ્ટોરી અમે એક સાથે મળી લખવાનું એટલા માટે વિચાર્યું કે અમે વાંચકો સુધી કંઈક નવું રજૂ કરવા ઇચ્છતા હતા.એક પ્યોર લવસ્ટોરી જેમાં કંઈ વધુ પડતો મસાલો ન હોય.એક સામાન્ય લોકોના જીવનમાં જોવા મળતી વાસ્તવિકતા હોય.જેને તમે જીવી હોય કે પછી તમારી આસ પડોશમાં વ્યક્તિઓમાં તમને એ જોવા મળતી હોય.આ સ્ટોરીમાં તમને અલગ અલગ પ્રકારની ફીલિંગ્સ વાંચવા મળશે અને સાથે સાથે અનુભવવા પણ મળશે.
  વાંચક મિત્રો અહીં એક ભાગ આકૃતિ તરફથી હશે અને એક ભાગ વિહાન તરફ.સ્ટૉરીનો વિષય,પાત્રો અને સ્થળ કાલ્પનિક છે.કોઈના અંગત જીવન સાથે આ સ્ટૉરીનો કોઈ સંબંધ નથી જેની ખાસ નોંધ લેશો.વાંચકોના મનોરંજનના હેતુથી જ આ સ્ટૉરી લખવામાં આવી છે.
***
(વિરાજે જે પ્લાન સમજાવ્યો હતો તેમાં વિહાન સફળ થયો હતો.વિહાન સાથે રુડ બિહેવ કરવાનું કારણ પણ જાણવા મળ્યું.એક વર્ષથી બે સહેલી વચ્ચે વાત નોહતી થઈ જે વિહાને કરાવી આપી.બધું જ ભૂલીને ઈશા વિહાનની ફ્રેન્ડ બની ગઈ.વિહાને ખુશીને દરવાજો ખોલવા કહ્યું તો સામે આકૃતિ અને તેની પાછળ ખુશી ઉભી હતી)
(હવે આગળ)

આકૃતિ

“શું વાત કરે છો ખુશી? વિહાને આ પ્લાન બનાવ્યો છે?”ખુશીએ લાઈબ્રેરીનું બારણું વાસી કેન્ટીનમાં તેની,વિરાજ અને વિહાન વચ્ચે જે વાત થઈ એ કહી.હું શોકમાં હતી.વિરાજ કારણ વિના હેલ્પ કરે.મારા માન્યા બહાર હતું.
“ઇશાએ તને કૃપાલીની વાત નોહતી કરી?”ખુશીએ આશ્ચર્યવશ પૂછ્યું.
“ના તેણે કંઈ નથી કહ્યું”મેં કહ્યું.એ સમય દરમિયાન વિહાને બારણું ખખડાવતા કહ્યું, “કોઈ છે?,બારણું ખોલો પ્લીઝ”
“ખુશી તું શું કરી બેસી યાર.ઇશાએ મને પ્રોમિસ આપ્યું હતું કે એ વિહાનને હેરાન નહિ કરે.જો હવે ફરી એ…”ખુશી પર ગુસ્સો કરી હું બારણું ખોલવા આગળ વધી.
“શશશશ”ખુશીએ નાક પર આંગળી રાખી મને બારણેથી દૂર ખેંચી ગઈ.
“થોડીવાર રાહ જો,હમણાં તને બધું સમજાઈ જશે”ખુશીએ હાથ ઊંચા નીચા કરી મને શ્વાસ લેવા કહ્યું.
       લોબીમાં હું આમતેમ ફરતી રહી. વીસેક મિનિટ પછી વિહાને ખુશીને દરવાજો ખોલવા કહ્યું.ખુશી પહેલા ત્યાં પહોંચી મેં બારણું ખોલ્યું.
“વિહાન આર યું ઑકે?”ઇશાને અવગણી મેં વિહાનનો હાથ પકડી લીધો.પાછળથી મને ખ્યાલ આવ્યો કે ઈશા તેની બાજુમાં ઉભી છે.એ હસતી હતી કે રડતી હતી એ નક્કી કરવું મુશ્કેલ બની રહ્યું.
      ઈશા દોડી મને ગળે વળગી ગઈ,“આકૃતિ,વિહાન ઇઝ ગ્રેટ.હું કેટલી બુદ્ધુ છું.”
“પણ થયું શું એ તો કહે પાગલ”તેના ગાલ પરથી આંસુ લૂછતાં મેં કહ્યું.
 “ચાલો હવે તમારો મેલોડ્રામા કેન્ટીનમાં શરૂ કરજો”વિહાને હસીને કહ્યું.મેં તેની સામે નજર ઝીણી કરી અને સૌ આગળ ચાલવા લાગ્યા.તેણે આંખો પલકાવી જાણે હું બધી જ વાત સમજી ગઈ હોય તેમ મને વિહાનના ચહેરા પરના એક્સપ્રેશન વંચાવા લાગ્યા.
          ઇશાએ લાઈબ્રેરીમાં બનેલી ઘટના મને કહી.શું વાત છે?,વિહાન તો છુપારુસ્ટમ નીકળ્યો.એક જ તીરમાં નિશાનું ભેદી નાખ્યું.
“વિરાજ ક્યાં છે?,મારે તેને થેન્ક્સ કહેવું જોઈએ”વિહાને ઇશાની બાજુના સ્ટુલ પર બેસતા કહ્યું.
“તને ખબર છે વિહાન,કૃપાલી અને મારી વચ્ચે આવનાર એ છોકરો કોણ હતો?”ઇશાએ ગંભીર થતા કહ્યું.
“વિરાજ!?”વિહાને આંખો પહોળી કરી.
       થોડીવાર સૌ શાંત થઈ ગયા.સ્તબ્ધ બનીને.
“બડે બડે દેશ મેં એસી છોટી છોટી બાતે હોતી  રહેતી હૈ સેન્યોરિટા”ફિલ્મી અંદાજમાં વિહાને ડાયલોગ માર્યો અને પોતાની વાત પર જ હસવા લાગ્યો.અમે સૌ સાથે હસવા લાગ્યા.
“ઓય લલ્લુરામ, તું બદલાય કેવી રીતે ગયો,કાલે તો ભોળો બનીને ફરતો હતો અને આજે શાણપટ્ટી કરે છે”ઇશાએ વિહાનની મશ્કરી કરતા કહ્યું.
“જડીબુટ્ટી,મને મહેતાબાબાની જડીબુટ્ટી મળી ગઈ”વિહાને જોબ પર બનેલી ઘટના સંભળાવી ત્યારે ખરેખર હું દંગ રહી ગઈ.આઈ મીન આઈ કાન્ટ બિલિવ કે વિહાન પોતાની લઘુતાગ્રંથિમાંથી બહાર આવી રહ્યો હતો. હું ખુશ હતી તેના માટે.વાતાવરણ પણ આ વાતની ઉજવણી કરતું હોય તેમ નીલા આકાશમાં ભૂરા વાદળો તરતા હતા.દસ બાર દિવસ પહેલાં પહેલો વરસાદ વરસ્યો હતો પછી જાણે રિસાઈ ગયો હોય તેમ એક ટીપું પણ ના વરસ્યું.આજે કદાચ વરસે.
“ઓર્ડર કરીએ?”વિહાને પૂછ્યું.
“મારા માટે તીખી વેફર્સ અને ચીઝ પોપરિંગ વિથ માઝા”ઇશાએ કહ્યું.
“હવે મારા પર ઢોળ્યું તો ખેર નહિ હા”વિહાને ઇશાની ખેંચતા કહ્યું.
“એક લપડ આપીશને,ચલ હવે તું બોલ તું શું લઈશ?”ઇશાએ બનાવટી ગુસ્સો કરતા વિહાનનો કાન ખેંચ્યો. ઈશા આજે ખુલીને વાત કરતી હતી, તેણે મારી સાથે તો આવી હરકત કોઈ દિવસ નહિ કરી.
“કંઈ બી ચાલશે,આકૃતિ તું ઓર્ડર આપ”વિહાને મારા તરફ નજર કરી.હાશશ,છેલ્લી દસ મિનિટથી હું તેને નોટિસ કરતી હતી અને હવે તેને ટાઈમ મળ્યો મારા માટે.મને જલસ ફિલ થયું.મેં ગાલ ફુલાવ્યા.
“હમમ.ચીઝ સેન્ડવિચ ખુશી માટે અને મારા માટે મસાલા ગ્રીલ્ડ સેન્ડવીચ.”
“વિહાન માટે?”ખુશીએ પૂછ્યું.
“એ તો તે જ ઓર્ડર આપશેને”મેં રૂખસુખ જવાબ આપતા કહ્યું.
“યાર હું કોઈ દિવસ કેન્ટીનમાં નાસ્તો નહિ કરતો એટલે મને મેનુની ખબર ના હોય.અમસ્તા પણ આપણે તો બધું ચાલે બસ પેટ ભરાવવું જોઈએ”એ જ ભોળપણથી વિહાને પોતાની સમસ્યા રજૂ કરી.મેં ઈશા સામે જોયું.ઈશાએ ખુશી સામે અને અમે ત્રણે હસી પડ્યા.
“રીનોવેશન કરવું પડશે”ઇશાએ નેણ નચાવતા કહ્યું.
“વિહાન તું અમારો નાસ્તો શૅર કર,નેક્સટ ટાઈમ તને જે પસંદ આવ્યું હોય એ ઓર્ડર કરજે”મેં હસીને કહ્યું.
       ઇશાએ ઓર્ડર આપ્યો.નાસ્તો કરતા કરતા પણ મારી નજર વિહાન પર હતી.એ નાસ્તો કરવામાં મુંઝાતો હતો. ક્યારેક સેન્ડવીચનું એક બાઈટ લઈ રાખી દે તો ક્યારેક વેફર્સના પેકેટમાં હાથ નાખી પાછો ખેંચી લે.
        નાસ્તો કરી અમે પાર્કિંગમાં આવ્યા.
“ઈશા તું ખુશીને ડ્રોપ કરી દઈશ પ્લીઝ, મારે થોડું કામ છે”
“સ્યોર”ઇશાએ કહ્યું.ખુશીએ મારી સામે જોયું.મેં પાંપણો નીચી કરી ખુશીને ચિંતા ન કરવા ઈશારો કર્યો.
“જલ્દી આવી જજે”કહી ખુશી ઇશાની પ્લેઝર પાછળ બેસી ગઈ.
“ચાલ વિહાન લલ્લુરામ કાલે મળીએ,બાય”ઇશાએ સેફ્ટી હેલ્મેટ ચડાવતા કહ્યું.
“આકૃતિ વિહાનને ડ્રોપ કરી આવને ઉતાવળ ન હોય તો?”ખુશીએ મારી સામે જોઈ કહ્યું.
       મેં હકારમાં જવાબ આપ્યો.ખુશી મૂછમાં હસી.તેને ખબર જ હતી કે મારે શું કામ છે તો પણ ખેંચવાનો એક ચાન્સ મિસ ના કરે.ચતુર. 
“મમ્મીને કહેજે મારે લેટ થશે,વેઇટના કરે”મેં કહ્યું અને ઈશાએ પ્લેઝર ચલાવી.
***
“આકૃતિ તું મને ક્યાં લઈ આવી?”સામે મેન્સ હેર સલૂન જોઈ વિહાને પૂછ્યું.અમે અહીંયા પહોંચ્યા ત્યાં સુધીમાં વિહાને મારા પર પ્રશ્નોનો મારો કર્યો હતો.મારે ઑફિસ નહિ ઘરે જવાનું છે, ઘરનું એડ્રેસ જોયું છે?, ઈશા એ તને કેમ વાત નોહતી કરી?,વિરાજે કેમ વાત છુપાવી હશે?.વગેરે વગેરે.
મેં કડક શબ્દોમાં કહ્યું,“ચુપચાપ અંદર ચાલ”
        તેનું બૅગ મેં લઈ લીધું અને તેને ચેર પર બેસાર્યો.સલૂનવાળાને હું ઇન્ટ્રક્શન આપતી રહી અને મારા જણાવ્યા મુજબ પહેલા કન્ડિશનરથી વિહાનના હેર વૉશ કર્યા,પછી ડ્રાયરથી સુકવ્યા.વિહાનનો ચહેરો રાઉન્ડ શેપમાં છે.મેં તેના હેરના વોલ્યુમ થોડા ઉપર કરાવી હિટ મરાવી અને સાઈડમાં લેન્થ ઓછી કરાવી જેથી વિહાનનો ચહેરો વધુ રાઉન્ડ કરતા ઑવલ લાગે.વિહાનના ચહેરા પર કોઈક જગ્યાએ આછી તો કોઈક જગ્યાએ વધુ દાઢી હતી,મેં ક્લીનશૅવ કરાવવાનું જ પસંદ કર્યું.આમ પણ ક્લિન શૅવમાં વિહાન વધુ ક્યૂટ લાગશે.પછી ફેસવોશ,ફાઉન્ડેશન, ફેસક્રીમ,જેલ જેવી જુદી જુદી કોસ્મેટિક પ્રોડક્ટનો યુઝ કરી વીહાનને રેડી કરી દિધો.
       વિહાનના ચહેરા પર જ્યારે આ બધી પ્રોસેસ થતી હતી ત્યારે મેં તેને આંખો બંધ કરવા કહ્યું હતું.જ્યારે તેણે આંખો ખોલી ત્યારે એ દંગ રહી ગયો.કદાચ કાચમાં પોતાને ઓળખી નહિ શક્યો હોય હાહાહા.જે કહો એ હવે વિહાન ફેસના લૂકથી સ્ટાઇલિશ લાગી રહ્યો હતો એકદમ ચીકનો.
       હવે પછીનો ગોલ ક્લોથસ્ હતા.વિહાન માટે બે ડેનિમ જીન્સ,એક શોર્ટ્સ,થોડા ટી-શર્ટ અને શર્ટ ખરીદ્યા.ત્યારબાદ વૉચ, ગોગલ્સ.શૂઝ.શોપિંગમાં અમારી ચાર કલાક વીતી ગઈ.વિચારવા જેવી વાત તો એ હતી કે બધા બિલ વિહાને પૅ કર્યા.નહીંતર મેં આજે પાપા સાથે બીજીવાર ચર્ચા કરવાનું વિચારી જ રાખ્યું હતું.હા મારે મારા એકાઉન્ટ સાથે મારો નંબર લિંક કરવાનો છે, ભુલાય ગયું એ તો.
“વિહાન હવે નાસ્તો કરીશું,મને સખત ભૂખ લાગી છે અને હું બોવ થાકી ગઈ છું”એક્ટિવામાં પર બેસતા મેં કહ્યું.
“હવે સીધા ઘરે,મમ્મી રાહ જોઇને બેઠી હશે.કાલે સાંજે જ ઘર શિફ્ટ કર્યું છે સો બધો સામાન પણ વેરવિખેર પડ્યો હશે”વિહાને એક્ટિવા સ્ટાર્ટ કરતા કહ્યું, “મારા મમ્મીના હાથમાં જાદુ છે,ચાલ આજે ટેસ્ટ કરાવું”
“મારા મમ્મી પણ શૅફ છે હા,ઘરના.હાહાહા”હસીને મેં કહ્યું.
***
“વિહાન તને પેઈન્ટિંગનો પણ શોખ છે,તે કોઈ દિવસ કહ્યું તો નહીં!!!”દીવાલ પર પેઈન્ટિંગ લગાવતા મેં કહ્યું.અમે વિહાનના ઘરે પહોંચ્યા ત્યારે તેના મમ્મી લગભગ વિહાનને ઓળખી નોહતા શક્યા.વિહાન તેની મમ્મી સાથે મારો ઈન્ટ્રો કરાવ્યો અને હું જ તેનો શર્ટ ખરાબ કરી રીપેર કરાવવાવાળી છું એમ પણ કહ્યું.તેના ઘરનો સમાન અસ્તવ્યસ્ત બેઠકરૂમમાં પડ્યો હતો.ચાર મજલાના ફ્લેટમાં બીજો મજલો જ ખાલી છે એમ વિહાને કહ્યું હતું.બેઠકરૂમ,બે રૂમ,એટેચ બાથરૂમ,કિચન અને બાલ્કની.વિહાનના ઘરનો આ નક્શો હતો.
        આંટી નાસ્તો બનાવે એ દરમિયાન મેં વિહાનને સમાન ગોઠવવામાં મદદ કરવાનું વિચાર્યું.આમ પણ મારે વિહાન વિશે ઘણીબધી વાતો જાણવી હતી એટલે તેની સાથે વધુ ટાઈમ સ્પેન્ડ થાય તેવું હું ઇચ્છતી હતી.વિહાને કઈ વસ્તુ કઈ જગ્યાએ ગોઠવવી એ મારા પર છોડ્યું હતું.
         બધી વસ્તુ ગોઠવી મેં મોં પરથી સ્કાફ હટાવ્યો ત્યારે વિહાન મને જોઈ રહ્યો હતો.
“શું જુએ છો?”મેં હસીને પૂછ્યું.
“થેન્ક્સ”વિહાને ક્લિન શૅવ ગાલ પર સ્માઈલ આપતા કહ્યું.આઈ નૉ હવે તેની એ સ્માઇલને ચાર ચાંદ લાગી ગયા હતા.
“તને યાદ નહિ,ફ્રેન્ડશીપમાં નૉ સૉરી નૉ સૉરીનો રુલ્સ આવે”મેં પણ સિમ્પલ સ્માઈલ સાથે ડાયલોગ મારતા કહ્યું.વિહાને હકારમાં માથું ધુણાવ્યું. તેના ‘થેન્ક્સ’થી મને કેટલું ઑસમ ફિલ થઈ રહ્યું હતું એ પાગલ સમજ્યો નહિ હોય.
“વિહાન,નાસ્તો તૈયાર છે”આંટીએ અવાજ આપ્યો.
“વિહાન નામ લેંધી લાગે છે,હું હવે તને વિક્કી કહીશ”તેના ગુડામાં ધીમથી કોણી મારી હું કિચન તરફ ચાલી, “મોર્ડન હોજા બચ્ચા,કામયાબી જખ મારને કે લિયે બેકરાર હૈ”પાછળ ફરી આંખ મારતા મેં કહ્યું.
          આંટીના હાથમાં ખરેખર જાદુ હતો.તેઓએ થેપલાં અને સુકી ભાજી બનાવી હતી.અમે બંનેએ નાસ્તો કર્યો.એ દરમિયાન આંટીએ મને મારી ફૅમેલી વિશે,પપ્પાના બિઝનેસ વિશે બધું જ પૂછી લીધું.મારા અને વિહાનના લગ્નની વાત ચાલતી હોય અને આંટી બધી પૂછપરછ કરતી હોય તેવી ફીલિંગ્સ આવતી હતી.મેં વિહાન સામે જોયું.એ હસી રહ્યો હતો.મેં મોં મચકોડ્યું.
           વિહાન હજુ અમારી સાથે એટેચ નોહતો થયો એ વાત મેં નોટિસ કરી.કારણ કે જ્યારે અમે કેન્ટીનમાં નાસ્તો કરતા હતા અને અહીં નાસ્તો કરતા હતા તેમાં વિહાનનું વર્તન ઘણુંબધું બદલાયેલું હતું.અહીં મારી ના કહેવા છતાં વિહાને મને બે થેપલાં આગ્રહ કરી વધુ ખવરાવ્યાં.નાસ્તો કરી વિહાન મને બહાર છોડવા આવ્યો.
“મમ્મી પૂરો દિવસ એકલા હોય એટલે કોઈ આવે એટલે બાવળા બની જાય છે ક્યારેક”વિહાને વાત શરૂ કરતાં કહ્યું.મને ગમ્યું.
“ના,સ્ત્રીઓનો સ્વભાવ જ એવો હોય છે”મારી મમ્મીને યાદ કરતા મેં કહ્યું.એ પણ નાની નાની વાતો લાંબી ખેંચવામાં મહારત ધરાવે છે.
“બાય ધ વૅ, થેન્ક્સ ફોર ધીસ.”વિહાને પોતાના ચહેરા તરફ ઈશારો કરી નેણ ઉંચા કર્યા.મને લાગ્યું એ ફ્રેન્ડશિપનો રુલ ભૂલી ગયો છે.એ અદબ વાળીને ઉભો હતો.મેં અદબ છોડાવી કહ્યું, “જ્યારે કોઈ છોકરો-છોકરી સાથે ચાલતા હોઈએ ત્યારે પોકેટમાં હાથ રખાય અને તેની સાથે ચલાય”
“સૉરી”કહી વિહાને પેન્ટના પોકેટમાં હાથ રાખ્યા અને આગળ ચાલવા લાગ્યો.ફ્રેન્ડશીપ રુલની એસી-તેસી કરે છે આતો.
“છોકરીની સાથે અથવા પાછળ ચલાય હો”ઉભા રહી મેં કહ્યું.પાછળ ફરી તેણે મારી સામે જોયું અને વાળમાં એક હાથ ફેરવ્યો.કોઈપણ એક્સપ્રેશન આપ્યા વિના અદબવાળી હું ઉભી રહી.અમે નીચેની ગેલેરીમાં હતા.એ ધીમેથી મારી બાજુમાં આવી ઉભો રહી ગયો.હું હસવા લાગી.
“હવે આ વાળમાં હાથ ફેરવવાની આદત થોડા દિવસ ભૂલી જજે”એકસાથે ચાલતા મેં કહ્યું.
“બીજું કંઈ?”વિહાને પૂછ્યું.
“હા કાલે મસ્ત માલ થઈને આવજે,જો બે છોકરીએ તને નોટિસ ના કર્યો તો હું તને ફટકારીશ”હું તેની સાથે વધુ ફ્રેન્ડલી થવા ઇચ્છતી હતી.
“એ તો ઠીક છે,હવે એમ તો કહે આટલું બધું મારા માટે કેમ કર્યું?”ગેટની બહાર આવતા વિહાને પૂછ્યું.
“ક્યુકી મુજે તુમસે પ્યાર હો ગયા હૈ”મજાક કરતા મેં કહ્યું,“ડફર, ફ્રેન્ડ માટે એટલું તો કરવું જ રહ્યુંને”
“વિક્કી તારી પાસે એટલું ફંડ ક્યાંથી આવ્યું?,મેં તો ધાર્યું હતું કે…”સંકોચ સાથે મેં પૂછ્યું પણ વિહાને મારી વાત અધૂરી જ કાપી નાખી.
“કે મારી પાસે ફંડ નહિ હોય, એક્ચ્યુલી હવે આઇમિન એવી પ્રોબ્લેમ નહિ થાય.”વિહાને પણ એ જ સંકોચ સાથે કહ્યું, “મેં કંઈક વિચાર્યું છે”
“શું”મેં પૂછ્યું.
“મમ્મી આમ પણ ઘરે બેઠા બૉર થાય છે સો હું વિચારું છું પ્રધાનમંત્રીની રોજગાર યોજનામાં મમ્મીનું ફોર્મ ભરી દઉં અને તેઓને સિવણકામનો કોર્સ કરાવી દઉં.જ્યારે તેઓ શીખી જશે ત્યારે સિલાઈમશીન ખરીદી લેશું.મમ્મી પણ બિઝી રહેશે અને ઇન્કામ પણ થશે,મહેતાબાબા મટીરીયલ શિફ્ટ કરે એટલે એ કામ સાથે બીજી કોઈ જૉબ શોધી લઈશ જેથી વધુ ઇન્કમ થશે.બોલ કેવો વિચાર લાગ્યો?”પોતાનો પ્લાન સમજાવતા વિહાને કહ્યું.
“સારો વિચાર છે”મેં ટૂંકમાં જવાબ આપ્યો અથવા મારી પાસે તેનો જવાબ નોહતો.એકવીશ વર્ષનો છોકરો આટલું બધું વિચારી શકે? અને હું અહીં પપ્પાને પટાવી કામ કઢાવવાનું વિચારું.
“ઇફ યું ડોન્ટ માઈન્ડ,હું તને ડ્રોપ કરી જાઉં?”વિહાને પૂછ્યું.
“કયું?,તુમ્હે ભી પ્યાર હો ગયા?હાહાહા”
“તારા ડ્રાઇવિંગ પર મને ટ્રષ્ટ નહિ અને અમસ્તા પણ હજી તો ચાર વાગ્યા છે સો હું ઘરે કંટાળી જઈશ”વિહાને કહ્યું.
“ચલો ડ્રાઇવર ગાડી હમારે ઘર કી ઔર લે ચલો”વિહાનને હુકમ કરતા હું બોલી.અમે બંને હસી પડ્યા.વિહાને એક્ટિવા ડ્રાઇવ કરી.
            વાહ શું એટમોસ્પીર હતું.આજે પૂરો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું.મને તો આવું જ વાતાવરણ પસંદ છે. વિહાને ત્રણ ચાર સર્કલ ક્રોસ કર્યા એટલે ધીમો ધીમો વરસાદ શરૂ થઈ ગયો.રાયપુર દરવાજા ક્રોસ કરી અમે કાંકરિયાની તળાવના રસ્તે નીકળી ગયા એટલામાં વરસાદે જોર પકડ્યું.વિહાન ઓથાર લેવા કોઈ જગ્યા શોધતો હતો અને સંજોગો એવા મળ્યા કે વિહાને એક્ટિવા એ જગ્યા પર પાર્ક કરી જ્યાં થોડા દિવસ પહેલાં હું અને ખુશી હતા.
“વિક્કી,થોડા દિવસ પહેલાં હું અને ખુશી અહીંયા ટહેલવા આવ્યા હતા અને ત્યારે પણ વરસાદ શરૂ થયો હતો.વૉટ અ કવિન્સીડન્સ”વિહાનનું વિક્કી નામ મને યાદ રહી ગયું હા.
“સેમ પિચ,હું પણ જ્યારે આ જગ્યા પર આવ્યો હતો ત્યારે જ વરસાદ આવ્યો હતો”વિહાને હસીને કહ્યું.
“ત્યારે આપણે મળ્યા હોત તો”મેં આંખો બંધ કરી એ ચહેરો યાદ કરવાની કોશિશ કરી જ્યારે હું વરસાદમાં પલળતી અને કોઈ મને જોઈને સ્માઈલ કરતું હતી.
“યું નૉ વિહાન,ત્યારે એક છોકરો મને પલળતી જોતો હતો અને સ્માઈલ કરતો હતો.”મેં કહ્યું.
“તને તો બધા નોટિસ કરે,તું છો જ એટલી ક્યૂટ”વિહાને સિક્સર મારી.આઈ નૉ એ ચાન્સ મારતો હતો.
“બટર,માખણ લગાવતા પણ શીખી ગયો હા”મેં તેના ગાલ ખેંચતા કહ્યું, “ચાલ ચા પીએ, મજા આવશે” વિહાનને ખેંચી હું કીટલીની લારી પાસે લઈ ગઈ.
“ચા!!???” વિહાને મોટો ઉદગાર કાઢ્યો જાણે કોઈ દિવસ ચા ન પીધી હોય.
“અરે વરસાદમાં ચા પીવાની જ મજા આવે”થોડા ભીંજાયેલા વાળમાં આંગળી પરોવી ખભા પર ધકેલતા મેં કહ્યું, “ભૈયા,બે કડક કટિંગ આપો”
       અમે બંને પાટલી પર બેઠા.વિહાન મને જોઈ રહ્યો હતો.
“શું જુએ છે પાગલ?”મેં હસીને કહ્યું.
“ફિલ્મી સ્ટૉરી ના થઇ ગઇ આપણી?”વિહાને ખોંખારો ખાતા કહ્યું, “આઇ મીન આપણે આજે પૂરો દિવસ સાથે રહ્યા,શોપિંગ કરી, તું મારા મમ્મીને મળી,આપણે બહાર આવ્યા એટલે વરસાદ આવ્યો અને હવે હીરો-હિરોઇન જેમ કૉફી તો નહીં પણ ચા શૅર કરીએ છીએ.આઈ થિંક હવે લવ સ્ટૉરી આવવી જોઈએ.”
      વિહાનની વાત શરૂ હતી એ દરમિયાન બે કટિંગ પાટલી પર આવી.મેં કપ હાથમાં લઈ એક ચૂસકી ભરી હતી ત્યાં જ વિહાને આ વાત કરી.
“શું શું,કેવી લવ સ્ટોરી?” મેં આંખો પહોળી કરતા કહ્યું.
“હમણાં તું કે હું કોઈ સિરિયસ વાત શરૂ કરશું અને એકબીજાને સાંત્વના આપીશું.પછી…”વિહાન કહેતા અટકી ગયો અને હસવા લાગ્યો અને કપ હાથમાં લીધો.
“જા ને હવે”ખબર નહિ મારાથી કેમ બોલાય ગયું પણ હું વિહાન જોડે સાવ ફ્રેન્ડલી થઈ ગઈ હતી, “એવું કંઈ નહીં થાય”બ્લશીંગ કરતા મેં કહ્યું.
“તારે વળી કોઈ બોયફ્રેન્ડ છે?”વિહાને ઑકેઝની જ પૂછી લીધું. હું અટકી થોડીવાર ચૂપ રહી.મારો ચહેરો આપોઆપ ગંભીર થઈ ગયો.
“વિક્કી આઈ વોન્ટ ટુ ટેલ યૂ સમથિંગ”ગંભીર ચહેરે મેં કહ્યું.
(ક્રમશઃ)
          આકૃતિ શું કહેવા માંગતી હશે?,શું આકૃતિ પણ ઇશાની જેમ કોઈ ભૂતકાળ વાગોળશે?,આકૃતિ વિહાન સાથે કેમ આટલી બધી ફ્રેન્ડલી થઈ રહી છે?,ઈશા વિહાનની ક્લોઝ આવી એટલે કે પછી બીજું કોઈ કારણ હશે.
       એ જાણવા આવતા ભાગની રાહ જોવી રહી.
-Megha Gokani & Mer Mehul