Vikruti - 3 PDF free in Love Stories in Gujarati

વિકૃતિ - એન્ અનકન્ડિશનલ લવ સ્ટોરી ભાગ-૩

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી
ભાગ-3
પ્રસ્તાવના
મેઘા ગોકાણી અને મેર મેહુલના સયુંકત પ્રયાસથી તમારી સમક્ષ એક સ્ટોરી રજૂ થઈ રહી છે.આ સ્ટોરી અમે એક સાથે મળી લખવાનું એટલા માટે વિચાર્યું કે અમે વાંચકો સુધી કંઈક નવું રજૂ કરવા ઇચ્છતા હતા.એક પ્યોર લવસ્ટોરી જેમાં કંઈ વધુ પડતો મસાલો ન હોય.એક સામાન્ય લોકોના જીવનમાં જોવા મળતી વાસ્તવિકતા હોય.જેને તમે જીવી હોય કે પછી તમારી આસ પડોશમાં વ્યક્તિઓમાં તમને એ જોવા મળતી હોય.આ સ્ટોરીમાં તમને અલગ અલગ પ્રકારની ફીલિંગ્સ વાંચવા મળશે અને સાથે સાથે અનુભવવા પણ મળશે.
વાંચક મિત્રો અહીં એક ભાગ આકૃતિ તરફથી હશે અને એક ભાગ વિહાન તરફથી.એક જ પરિસ્થિતિમાં બે વ્યક્તિની વિચારસરણી અને લાગણીઓ કેવી હોય છે તે દર્શાવવાનો એક પ્રયત્ન કર્યો છે.સ્ટૉરીનો વિષય,પાત્રો અને સ્થળ કાલ્પનિક છે.કોઈના અંગત જીવન સાથે આ સ્ટૉરીનો કોઈ સંબંધ નથી જેની ખાસ નોંધ લેશો.વાંચકોના મનોરંજનના હેતુથી જ આ સ્ટૉરી લખવામાં આવી છે.
***
(દિવસ દરમિયાન વિહાન આકૃતિને યાદ કરતો વિચારોના વમળમાં ગુંચવણ અનુભવે છે,દ્રષ્ટિ તેને એ વાત પૂછે છે અને વિહાન છ વર્ષ પહેલાનો ભૂતકાળ યાદ કરે છે.આકૃતિ સ્વભાવે થોડી નટખટ અને આળસુ છે.વહેલા ઉઠવું તેને બિલકુલ પસંદ નથી.તેના માસી જ્યારે મેટ્રોમોનિયલ સાઈટમાંથી છોકરો પસંદ કરી લાવે છે ત્યારે તે એ ઘસીને છોકરો જોવાની ના પાડે છે અને પોતાની સહેલી ખુશી સાથે મંદિરે દર્શન કરવા નીકળી જાય છે.કાંકરિયા તે વરસાદને માણતી હોય છે ત્યારે તે એક છોકરાને જુએ છે અને વ્યાકુળ બની જાય છે.)
(ક્રમશઃ)
વિહાન
જિંદગી દરેક વ્યક્તિને તરછોડે છે.જ્યારે વ્યક્તિ સંઘર્ષ કરતો હોય છે ત્યારે એ પોતાને એકલો મહેસુસ કરે છે.લાચાર અને નિઃસહાય.બીકોમ પુરું કરી અમે અમદાવાદ શિફ્ટ થયા હતા.
પાર્ટ ટાઇમની જૉબનું ઇન્ટરવ્યૂ આપી હું કાંકરિયા આવ્યો.બે દિવસ પહેલા જ અમે ઘર બદલ્યું હતું.બી.કૉમ.માં મને સારા એવા માર્ક મળ્યા હતા અને તેથી સ્કોલરશિપ પર મને આઇઆઈએમમાં એડમિશન મળી ગયું.અપડાઉનના ચક્કરમાં ન પડવા મમ્મીએ કોલેજ નજીકના એરિયામાં ઘર ભાડે રાખવાની સલાહ આપી અને મેં એક ઘર શોધી કાઢ્યું.પાપા નોહતા એટલે મારે ઘરની જવાબદારી પણ અદા કરવાની હતી.
માણસ પર જ્યારે જવાબદારીનો બૉજો આવે છે ત્યારે તેની પાસે બીજા કોઈ વિકલ્પ રહેતા નથી.મારી પાસે પણ ના રહ્યા.મારે પણ દોસ્તો સાથે હેન્ગાઉટ કરવું હતું.મારા પણ થોડા ઊંચા પણ સંભવ થઈ શકે તેવા સપના હતા.મેં વિચારેલું જ્યારે હું કોલેજમાં આવીશ ત્યારે મારી પાસે સ્પોર્ટ બાઇક હશે.ઠાઠમાં બાઇક લઈ હું રોફ ઝાડતો હઈશ.બે-ચાર ગર્લ્સ અને બે-ચાર બોયઝ મળી આઠ-દસ લોકોનું ગ્રુપ હશે અને અમે લોકો કૉલેજના લેક્ચર કરતા કેન્ટીનમાં વધુ સમય પસાર કરીશું.મારી પાસે પણ કોઈ એવું હશે જેની સાથે હું દિલ ખોલીને વાતો કરીશ.હું તેને પોતાની આપવીતી સંભળાવીશ અને તે મને હૂંફ આપશે.એક ક્ષણ માટે જ પણ આવું વિચારી હું હસતો.એકલો મુસ્કુરાતો.
હકીકત કંઇક જુદી જ હોય છે.લોકો જેવી ધારણા બાંધે છે,પરિસ્થિતિ તેનાથી તદ્દન વિરુદ્ધ હોય છે અથવા વણસેલી હોય છે. કોલેજના ત્રણ વર્ષમાં મારો એક જ દોસ્ત હતો.ખાસ ભાઈ કહી શકાય તેવો.બીજી બધી લાલસા મૃગજળની જેમ ઓસરી ગઈ.હું એ પાણી માટે વલખા મારતો રહ્યો અને એક રૂપસુંદરીની માફક એ મને લલચાવતું રહ્યું.એવું તો નોહતું જ કે મેં કોલેજ લાઈફ ઍન્જોય નથી કરી.પણ ધારણા વિરુદ્ધ જ્યારે ઘટનાઓ ઘટવા લાગે છે ત્યારે એ ઉત્સાહ પણ ઓસરી જાય છે જેના તમે સ્વપ્ન સેવેલા હતા.
અમદાવાદ મારા માટે થોડું અજાણ્યું હતું,એક અજીબ ડર હતો લોકોનો.હું જ્યારે રસ્તા પર ચાલતો ત્યારે કોઈ ઓચિંતા મને થાપો મારી આગળ નીકળી ગયું હોય તેવો મને ભાસ થતો.મારી બધી ઘેલછા મેં એક પેટીમાં કેદ કરી દીધી હતી અને યોગ્ય સમય આવે ત્યારે તાળું ખોલિશ તેમ વિચારી ચાવી એક જગ્યાએ છુપાવી દીધી હતી.
કાંકરિયા પહોંચ્યો ત્યારે અંધારું થવા આવ્યું હતું. થોડીવારમાં જ વરસાદ આવશે તેવી ધારણા બાંધી અને ઉતાવળે પગે હું કાંકરિયા બહાર આવી ગયો.હજુ બહાર નીકળ્યો ત્યાં મારી ધારણા સાચી ઠરી.મોટા અને એકધારા છાંટ સાથે વરસાદ ત્રાટુકયો. મને વરસાદમાં પલળવું પસંદ છે.પણ કાલે મારે કૉલેજ જોઈન કરવાની છે અને જો બીમાર પડીશ તો તકલીફ થશે તેમ વિચારી મેં એક રીક્ષા પકડી.
રિક્ષામાં બેસું તે પહેલાં મારી નજર સમક્ષ એક એવી અવદાત ઘટના બની જેણે મારું પ્રારબ્ધ બદલી નાખ્યું.રેડ ટોપ અને બ્લેક એંકલ જીન્સ પહેરેલી એકવિશેક વર્ષની એક છોકરી નાના ભૂલકા જેવા બાળકો સાથે ખાબોચિયામાં ગમ્મત કરતી હતી.મારી ચક્ષુ તેના મુખ પર અટકી રહી.તેનો ચહેરો મારા માટે અદભુત આકર્ષણનું કેન્દ્ર બની ગયો.એ ધૂંધળો ચહેરો નિહાળવા મેં આખો ઝીણી કરી પણ વરસાદી માહોલમાં હું સ્પષ્ટ રીતે તેને જોઈ ના શક્યો.
એકાએક તે મારા તરફ ફરી અને મને જ નિહાળતી હોય તેવું મને લાગ્યું.મારા મગજમાં સણસનાટ કરતી એક લહેર પસાર થઈ.હું શૂન્યવિચાર થઈ ગયો.આગળ કંઈ સમજાય એ પહેલાં મારા પગ ઉપડ્યા અને હું રિક્ષામાં બેસી ગયો.કેવો ડરપોક છું,પાગલ પણ.આમ કોઈનો ચહેરો જોયા વિના તેની હરકત જોઈને આકર્ષવાય?
ભીંજાયેલા કપડે હું ઘરે પહોંચ્યો પણ મને ક્યાંય ચૅન ના પડ્યું.એવું તો મેં શું જોઈ લીધું કે બાવલો બની ગયો હતો.જિંદગી પણ અજીબ છે,ક્યારેક ઊંડા ગરકાવમાં ધકેલે છે તો ક્યારેક છીછરા વિચારો હચમચાવી છોડે છે.એ જ થયુને!!!
અતરંગી વિચારો કરતો હું પ્રેમમાં પડવાની કગાર પર હતો અને એ પણ પહેલી નજરનો પ્રેમ.થતો હશે?ઘરે આવી ફ્રેશ થઈ જમવા બેઠો તો પણ એ દ્રશ્ય મારી નજર સામે તરતું હતું.
મારા ઘરે ફ્રિજ નથી,કોઈ ખાસ સવલત પણ નથી.હું ઘરમાં પ્રવેશું ત્યાં જમણી બાજુ કમર સુધી પહોંચે તેટલી દીવાલ છે અને એ દીવાલ પર એક પાણીનું માટલું.દીવાલની પેલી સાઈડ બાથરૂમ કહી શકાય તેટલી જગ્યા.જ્યાં નાહવાની અને મમ્મીએ કપડાં ધોવાની જગ્યા હતી.દીવાલની આ બાજુ રસોડું કહો,હૉલ કહો કે બેડરૂમ કહો.મમ્મી ત્યાં ખાવાનું બનાવતી.દીવાલ ધુમાડાથી ખરાબ ના થાય તે માટે છાપા ચોંટાડી રાખેલા,જેમાં ભૂલથી આલિયા ભટ્ટની એક તસ્વીર દેખાઈ આવતી જે સમયાંતરે કાળી પડતી ગઈ હતી.
“વિહાન તારું ધ્યાન ક્યાં છે?” મમ્મીએ મારું ધ્યાન ભંગ કરતા કહ્યું, “આટલી ઉતાવળે કેમ ખાય છે?”
હું છોભિલો પડ્યો.પહેલીવાર આવું થયું.હું નિરાંતે મમ્મી સાથે પુરા દિવસ શું બન્યું તેની વાતો કરતો કરતો જ જમતો અને આજે હું ચૂપ હતો.મમ્મીએ મને પકડી લીધો હતો.
“મમ્મી મેં આજે એક છોકરીને વરસાદમાં પલળતિ જોઈ,ખબર નહિ તેના જ વિચારો આવે છે”જમવાનું અટકાવી હું બોલ્યો.હું મમ્મીથી કોઈ વાત છુપાવી શકતો નથી.
“થાય એવું.તારી ઉંમર છે,ધીમે ધીમે સમજી જઈશ”મમ્મીએ મૂછ નીચે હસી દબાવતા કહ્યું, “પહેલા જમી લે પછી સુતા સુતા તેના વિચાર કરજે”
પાપાના સ્વર્ગવાસ પછી મમ્મીનો હું એકમાત્ર સહારો હતો.તેઓના ચહેરા પર હંમેશા એક સ્મિત તરવરતું.એ સ્મિતની પાછળ એક વિધવા હતી.ગરીબીથી,લાચારીથી જીવન ગુજારતી એક ઓરત હતી.મને આવા વિચાર આવે એટલે હું સમસમી ઉઠું છું.પણ કઈ કરી શકતો નથી.મમ્મીએ વહાલથી મારા માથાં પર હાથ ફેરવ્યો અને જાણે બધા વિચારો બંધમાં બંધાયેલા પાણીની જેમ બંધાય ગયા.
જમીને હું આડો પડ્યો.સાચે એ જ વિચારોમાં મને મોડી રાત્રે ઊંઘ આવી.એ અજાણ્યી છોકરીના વિચારમાં. અરે કાલે કોલેજ, જોબ જવાનું છે એ પણ ભુલાય ગયું.
સવારે જાગ્યો ત્યારે જેનો ડર હતો એ જ થયું.મારું પૂરું શરીર ધગધગતુ હતું.મારી સાથે પહેલા પણ આવું થયેલુ,મને ખબર હતી હવે એક અઠવાડિયા સુધી હેરાનગતિ રહેવાની.તેથી એક અઠવાડિયા સુધી કોલેજ જવાનો વિચાર મેં માંડી જ વાળેલો.આઠ દિવસ હું કૉલેજ ના ગયો.ના છૂટકે જૉબ પર ટ્રેનિંગ મેળવવા જવું પડતું.હું એક વ્યાપારિક પેઢીમાં નામું લખવા જતો.દિવસ દરમિયાન બનેલા હવાલાની એન્ટ્રી સાંજે કરતો.એ પેઢીના માલિકનો દીકરો અનિલ મારી ઉંમરનો જ હતો.અમે બંને સાથે એક સોફ્ટવેર શીખતાં હતા.એ સ્વભાવનો મિલનસાર અને ખુશમિજાજ હતો.બે દિવસ પછી તેને ખ્યાલ આવ્યો કે હું બીમાર છું એટલે તેણે પાંચ દિવસ આરામ કરવા કહ્યું.ખાનગી ક્ષેત્રમાં લોહી ચૂસી લેતા લોકો પણ મેં જોયા છે અને અહીંયા વ્યક્તિના અંગત જીવનને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું હતું.
મેં કોમર્શિયલ લાઈન પસંદ કરી હતી પણ પહેલેથી જ મને ચિત્રકલાનો શોખ છે.નજર સમક્ષ જોયેલા દ્રશ્યને હું ચિત્રનો આકાર આપી શકું છું.જે દ્રશ્ય છેલ્લા સાત દિવસથી મારી નજર સામે તરી રહ્યું હતું મેં તેને ચિત્રનો આકાર આપી દીધો:રિક્ષાને ટેકો આપીને ઉભેલો એક છોકરો સામે એક છોકરીને જોઈ રહ્યો હતો.એ છોકરી વરસાદમાં પલળતા બાળકો સાથે કૂદતી હતી.પૂરો દિવસ હું એ ચિત્રને જોયા કરતો.એ કોણ હતી ખબર નહિ પણ મારા માનસપટલ પર તેની કાલ્પનિક આકૃતિ છપાઈ ગઈ હતી.
*
કૉલેજનો મારો પહેલો દિવસ.અમદાવાદ આઇઆઈએમમાંથી ત્રણ સ્ટુડન્ટસને એક કરોડ સુધીના પૅકેજની ઑફર મળેલી.ડચ અને બર્કલેજની બેંકોએ આ ઑફર કરેલી.મને પણ આવી ઑફર મળશે જો હું સારું પરફોર્મન્સ આપીશ.કોઈ જંગ ખેલવા જતા હોય અને સામેના પક્ષની બધી માહિતી મેળવાય તેમ આઇઆઈએમની બધી જ માહિતી મેં મેળવી લીધી.
ફોર્મલ બ્લૅક પેન્ટ પર વાઈટ પ્લેઇન શર્ટ.મારી મમ્મી એક અઠવાડિયા પહેલા જ ખરીદીને લાવી હતી.‘મારો દીકરો લાખોમાં એક છે’તેમ કહી તેણે મને આ જોડી આપેલી.મને ખબર હતી કે તેણે પપ્પાએ આપેલ ચુડલામાંથી એક ચુડો વેચેની આ ખરીદી કરી હતી.અલબત્ત,મારા માટે આ જોડી કોઈ ટ્રેડિશનલ જોડીથી કમ નોહતી. હું દેખાવમાં એટલો ખાસ નથી,પણ આ કોમ્બિનેશન મને પસંદ છે.ભવિષ્યમાં કદાચ મને આ કોમ્બિનેશન સૂટ કરશે.મમ્મીએ મારું મોં મીઠું કર્યું અને કાન પાછળ કાળો ટીકો કરવાની વિધિ પુરી કરી.તેના આશીર્વાદ લઈ ઘરની બહાર નીકળ્યો.
શેરીના નાકે જ ભોળાનાથનું મંદિર છે તેના પણ દર્શન કર્યા.મારી અદામાં એ છોકરીના વિચાર કરતા કરતા હું કૉલેજ તરફ આગળ વધ્યો.આમ તો હું નકારાત્મક કહીશ શકાય તેવો વ્યક્તિ છું પણ અત્યારે હું સકારાત્મક ઊર્જા સાથે કૉલેજ તરફ આગળ વધતો હતો.
કૉલેજમાં પ્રવેશ કરીશ એટલે નવા દોસ્તો મળશે,નવી લાઈફ મળશે.ગેટ બહાર ઉભો રહી મેં પુરી કોલેજનું નિરીક્ષણ કર્યું. એક ઊંડો શ્વાસ લીધો અને ચરણો આગળ ધપાવ્યા.
ગેટમાં એન્ટર થતા હું ફરી અટકી ગયો.ડાબી બાજુ પાર્કિંગ હતું અને જમણી બાજુ લૉન પાથરેલી હતી.પરસાળમાંથી પસાર થઈ આગળ એક સર્કલ આવતું હતું જ્યાં બધા ડિપાર્ટમેન્ટમાં જવાના બોર્ડ હતા.કૉલેજનું વાતાવરણની પમરાટ પણ કંઈક જુદી જ હતી.એ મહેકને મેં એક શ્વાસે મારામાં સમાવી લીધી.ફલક આજે સ્વચ્છ હતું.પુષ્કરના કુણા કિરણો લૉન પર પથરાઈને માદક ઉષ્મા પ્રસરાવતા હતાં.થોડા દિવસ પહેલા વરસેલા મેહુલાની સુવાસ હજી મહેસુસ કરી શકાય તેમ હતી.તેની સાબિત સ્વરૂપ પરસાળમાં રહેલા વૃક્ષો સત્તરે કળાએ ખીલી ઉઠ્યા હતા.
બીજા બધા કોલેજીયન કરતા મારો ગણવેશ જુડો પડતો હતો.સૌ ગ્રુપમાં હતા જ્યારે હું એકલો ઉભો ઉભો નિરીક્ષણ કરતો હતો.એક બાજુ લોનમાં ત્રણ ચાર ગ્રુપ બેઠા હતા જેમાં ઍવરેજ બોયઝ અને ગર્લ્સની સંખ્યા સરખી હતી.બધા પોતાની ધૂનમાં અલમસ્ત હતા.હસી-મજાક કરતા ગ્રુપ ખુશનુમા વાતાવરણની બીજી સાબિતી કહી શકાય.
કેટલાક બોયઝ પોતાની સ્પોર્ટ્સ બાઇક પર સર્કલના ચક્કર લગાવતા હતાં.મને મારું સપનું યાદ આવી ગયું ત્યારે.આશ્ચર્યની વચ્ચે કેટલાક બોયઝે શોર્ટ્સ પર બનીયાન પહેરેલા હતાં.
બધી જ વાતનું નિરક્ષણ કરી મેં બેગમાંથી એક ફાઇલ કાઢી અને ડિપાર્ટમેન્ટના બોર્ડ તરફ અગ્રેસર થયો.હું થોડો આગળ વધ્યો ત્યાં એક છોકરી મારી સાથે અથડાણી અને મારા હાથમાં રહેલી ફાઇલ નીચે પડી ગઈ, સાથે બધા ડોક્યુમેન્ટ પણ વિખાય ગયા.
“ઉપ્સ,સૉરી”તેણે કહ્યું અને ડોક્યુમેન્ટ લેવા નીચે બેઠી.
“ઇટ્સ ઑકે હું કરી લઈશ”હું હેતબાઈ ગયો હતો.મારે શું કહેવું એ મને સમજાતું નહતું.કઢંગી હાલતમાં હું ડોક્યુમેન્ટ ભેગા કરવા નીચે નમ્યો.મારા હાથ અને પગ ધ્રુજતા હતા.તેણે મારી સામે જોયું અને હસીને ચાલી ગઈ. મેં બધા ડોક્યુમેન્ટસ્ ફાઈલમાં રાખ્યા અને ફાઇલ હાથમાં લઈ ઊભો થયો.
આટલું ઓછું હતું તો ઉભો થયો ત્યાં સુધીમાં બીજી છોકરી મારી સાથે અથડાઇ. તેના કાનમાં ઈયરફોન હતા અને હાથમાં કોલ્ડડ્રિન્ક હતું જે મારા શર્ટ પર ઢોળાયું અને મારા શર્ટ પર કાળો ધબ્બો પડી ગયો.હું કઈ સમજુ એ પહેલાં પહેલીવાર અથડાયેલી છોકરી મારી તરફ આવી અને મોટેથી હસવા લાગી.
“આજે મારા તરફ તને પાર્ટી આકૃતિ”કહી તેણે મારી સામે ઉભેલી છોકરીને તાળી મારી.
“ઉપ્સ સૉરી મેન,સવાર સવારમાં તમારા જોડે પ્રેન્ક થઈ ગયું”એ છોકરીએ મારી સામે ઉદાસ થવાનું નાટક કર્યું,આંખ મારી અને ફરી હસવા લાગી, “ચાલ આકૃતિ” કહીએ એ બંને ચાલવા લાગી.બંને પાર્કિંગમાં ગઈ જ્યાં તેની બીજી ચાર-પાંચ સહેલીઓ હતી.બધાએ વારાફરતી એકબીજાને તાળીઓ આપી અને મારી સામે જોઈ હસવા લાગી.
મને ગુસ્સો આવતો હતો,એ પહેલાં મારી આંખમાં આંસુ આવી ગયા.મારી મમ્મીએ આપેલો શર્ટ ખરાબ થઈ ગયો હતો. ગુસ્સામાં લાલઘૂમ થઈ હું બળવો કરવા ત્યાં ગ્રુપ પાસે પહોંચ્યો.
“આ શું હતું?,મારો શર્ટ ખરાબ થઈ ગયો તમારા પ્રેન્કમાં”હું ગુસ્સામાં બરાડ્યો, “સેન્સ જેવું છે તમારામાં?”
“ઓ આકૃતિ,એન્ગ્રી યંગમેનને ગુસ્સો આવી ગયો!!!,હવે શું કરશું?”પેલી છોકરીએ અટહાસ્ય કરતા કહ્યું, “હું તો ડરી જ ગઈ હો,હાહાહા” બંને હાથ ગાલ પર રાખી તે હસતી હતી.
“શા માટે હેરાન કરો છો બિચારાને?”ગ્રુપમાં ઉભેલી એક છોકરીએ કહ્યું.
“ખુશી તું ચૂપ રે,બોવ બિચારા જોયા.મારી સાથે અથડાયો ત્યારે લાઈન મારવા ઇટ્સ ઑકે કહ્યું અને અત્યારે જો કેવો ગુસ્સામાં છે બિચારો…!”પેલી છોકરી ફરી બોલી.
“તેમાં તેની શું ભૂલ છે,તે જાણીજોઈને ટક્કર આપી હતી”ખુશી મારો પક્ષ લેવાની કોશિશ કરતી હતી.
“તું ભોળી જ રહીશ ખુશી,આ લોકોને તું નહિ સમજ.મધ જોયું નથી કે માખીઓની જેમ બમણવા આવી જાય”મારી સામે મોં બગાડતાં એ બકતી જતી હતી.તેણે એક્ટિવાની ડિક્કીમાંથી પર્સ કાઢ્યું અને તેમાંથી પાંચસોની નૉટ મારી સામે ધરી.
“આ શું છે?”મેં ગુસ્સામાં કહ્યું.ત્યારે મારે શું બોલવું તેની જરા સુધ્ધાં મને ગતિ નોહતી, “આ મારા મમ્મી…”
“લે આ પૈસા અને નવો શર્ટ લઈ લેજે,ચલ હવે ફૂટ અહીંથી”આંગળીનો ઈશારો કરતા તેણે કહ્યું.મારું ધ્યાન એ છોકરી પર હતું જેણે મારો શર્ટ ખરાબ કર્યો હતો.પેલી છોકરીના શબ્દોથી મારું ધ્યાન ભંગ થયું.
“ઈશા તું આ શું કરે છે?”ખુશીએ તેનો હાથ ઝાલ્યો, “આવી રીતે કોઈની ઇન્સલ્ટ કરાય?”
મેં પાંચસોની નૉટ લીધી.ઇશાની બાજુમાં જે સહેલી ઉભી હતી તેના હાથમાં પણ એ જ કોલ્ડડ્રિન્ક હતી.મેં એ લઈ ઇશાના માથાં પર ઢોળી દીધી.વાળ સાથે તેના કપડાં પણ ખરાબ થઈ ગયા.મેં પાકિટમાંથી સો રૂપિયાની નૉટ કાઢી. બંને નોટ તેની સામે ધરી.
“હવે સાચે જ મધ પાછળ માખી બમણશે,જલ્દી સાફ કરી લેજે”તેનો હાથ પકડી મેં બંને નોટ તેની હથેળીમાં રાખી, “તારા ડ્રેસ માટે અને વાળ માટે”
“યું….”એ ગુસ્સામાં કંઈક બોલવા જતી હતી એ પહેલાં મેં તેને અટકાવી કહ્યું,“લિસન યું,તું જે કંઈ હોય એ.પ્રેન્ક કર્યું ઇટ્સ ઑકે,તને ખબર છે આ શર્ટ….ફરગેટ…શર્ટ તો ખરાબ કર્યો ઉપરથી એટલું સંભળાવે છે.શા માટે આટલું ડહાપણ બતાવે છે?,તારી ભૂલ છે.તારા આ અક્કલના પ્રદર્શનથી કોઈ ખુશ નથી.”
હું ગુસ્સામાં શું બોલ્યો તેની મને ખબર ન પડી પણ મેં ‘સૉરી’ કહ્યું,પેલી આકૃતિ સામે ગંભીર સ્મિત કર્યું અને ત્યાંથી નીકળી ગયો.શું વિચાર્યું હતું અને શું થયું?તેઓ માટે માત્ર પ્રેન્ક હતું પણ મારા માટે એ શર્ટનું મહત્વ અનેકગણું હતું.મમ્મીને યાદ કરતા હું ફરી રડમસ થઈ ગયો.
મમ્મીને શું જવાબ આપીશ?મને તો ટાઢા પાણીએ ખસ ચડી ગઈ.ભૂલ બીજાએ કરી અને ભોગવવું મારે પડે છે. નિઃશબ્દ બનીને હું બાજુમાં રહેલી બેન્ચ પર લમણે હાથ રાખી બેસી ગયો.મારી આજુબાજુ નિરાશાની ઘેરી છાયા વળી ગઈ.થોડે દુર એ લોકો મને તાંકીને જોઈ રહ્યા હતા.
થોડીવાર પછી બૅલનો અવાજ સંભળાયો. સૌ અંદર જવા લાગ્યા.મારો શર્ટ અને મૂડ બંને ખરાબ હતા એટલે હું ત્યાં જ બેસી રહ્યો.આગળ શું કરવું તેના વિચારોમાં. મમ્મીનો ચહેરો ફરી ફરીને મારી સામે આવતો હતો.તેને સાચું કહીશ તો કંઈ જ નહીં કહે એ વાતથી હું વાકેફ હતો પણ તેણે જેટલા ઉત્સાહથી મને આ શર્ટ આપ્યો હતો એ ઉત્સાહ ઓસરી જશે એ વાત હું જાણતો હતો.
હું રડી પડ્યો.અનાયાસે જ મારાથી રડી પડાયું.બાજુમાં નીકળતા લોકો મને અચરજથી જોતાં હતા એ વાતનું પણ મને ભાન ના રહ્યું.પાંચ મિનિટ થઈ ગઈ અને બધા રૂમમાં ચાલ્યા ગયા હતા પણ હું સ્થિર હતો.રડતો હતો.અચાનક કોઈકના આવવાની આહટ મારા કાને અથડાઈ.
હું ઊંચું જોઈ ના શક્યો પણ કોઈ મારી બેન્ચ પર બેઠું તેવું મને લાગ્યું.મેં ત્રાસી નજર કરીને જોયું તો એ જ છોકરી હતી જેણે મારા પર કોલ્ડડ્રિન્ક ઢોળી હતી.એ ગંભીર હતી.તેણે મારી આંખો પરથી હાથ હટાવ્યા અને મારી આંખોમાં આંખ પરોવી.થોડીવાર પછી તેણે બેગમાંથી રૂમાલ અને જલ(સ્વદેશી પાણીની બોટલ)ની બોટલ કાઢી,મારા હાથમાં રૂમાલ આપ્યો અને આંસુ લુછવા ઈશારો કર્યો.
તેની બાજુમાં ખુશી પણ ઉભી હતી.એ મારી સામે સ્મિત કરતી હતી.મેં રૂમાલ લઈ આંસુ લૂછી લીધા અને તેના હાથમાંથી બોટલ લઈ પાણીનો એક ઘુંટ ભર્યો.થોડો સ્વસ્થ થઈ ગંભીર ચહેરે હું બંનેને તાંકવા લાગ્યો.
“અમે અહીં ‘રજનું ગજ’ કરવા નથી આવ્યા,અમે તો..”ખુશી કંઈક બોલવા જતી હતી પણ આકૃતિએ તેણે અટકાવી અને ધીમેથી આંખ મીંચી.
“આઈ એમ સૉરી,મને માફ કરી દે પ્લીઝ”આકૃતિએ મારા હાથ પર હાથ રાખી ધીમેથી કહ્યું.
(ક્રમશઃ)
આગળ આકૃતિનું રિએક્શન શું હશે?,આકૃતિએ શા માટે વિહાન પર કોલ્ડડ્રિન્ક ઢોળી હશે?,ઈશા વિહાન સાથે બદલો લેશે?,વિહાન જ્યારે રડવાનું કારણ કહેશે ત્યારે આકૃતિ શું કરશે?
આગળનો ભાગ આકૃતિની જબાન.વિહાન સાથે આવું થવા પાછળનું કારણ જાણવા વાંચતા રહો…
Megha Gokani & Mer Mehul

Rate & Review

Hims

Hims 6 months ago

Priti Patel

Priti Patel 7 months ago

Chetna Bhatt

Chetna Bhatt 2 years ago

Devanshi Joshi

Devanshi Joshi 2 years ago

Parmar Dimpal Abhirajsinh
Share

NEW REALESED