Maand Maand Diwali kadhi dost books and stories free download online pdf in Gujarati

માંડ માંડ દિવાળી કાઢી દોસ્ત..!

માંડ માંડ દિવાળી કાઢી દાદૂ...!

મને ખબર છે કે, આ ટાઈટલ વાંચીને મારા માથે ફટાકડા ફોડવાના જ છો. બાકી મારું મન જાણે કે, દિવાળી મેં કેમ કેમ કાઢી..? દિવાળીને બદલે સુનામી આવવાની હોય, એટલો ગભરાટ થતો હતો. જોતજોતામાં દિવાળી પણ ગઈ. પેલી નોટબંધીને તમે ભૂલી ગયાં હશો. બાકી અમારા ભેજામાં તો હજી એ કબજીયાત બનીને ટકી છે. આખું વર્ષ ભૂંગળા ખાતાં છોકરાંને ઘૂઘરા ખાવા હતાં. ઘરવાળીને યુવાન થવા બ્યુટી પાર્લરમાં ફેસિયલ કરાવવું હતું. છોકરાં દિવાળીમાં ઝબકીયા મંગાવે તો આંખમાં ઝળહળિયાં આવી જતાં હતાં. પણ જેવું સાલમુબારકનું બ્યુગલ વાગ્યું એટલે દિવાળી ગઈ. એ તો પાડ માનો નામદાર સુપ્રિમ કોર્ટનો કે, પાવરકટના જેવો ફટાકડા ફોડવામાં પણ ‘કટ’ આવ્યો. નહિ તો, લાંબા લેંઘાને બદલે બરમૂડા પહેરીને બોંબ ફોડવાના દિવસ આવ્યા હોત..! ફટાકડાનો ખર્ચ ઓછો આવ્યો,પણ બાકીના ખર્ચાએ તો મારી ટાલનો વ્યાપ વધારી દીધો. કસમ ખાયને કહું તો, ચુકાદો જ્યારથી આવ્યો, ત્યારથી ફટાકડા તો શું, કોઈ ફટાકડી તરફ પણ જોવાની પણ હિંમત નથી કરી. જેવી દિવાળી વીતી એટલે જાણે હાશ...થઇ ગઈ. શું ચુકાદાની અસર થઇ..? જેની પાસે ઘડિયાળ નથી એમણે કદાચ સમયમાં થોડું આઘુપાછું કર્યું હશે. બાકી આંઠથી દશ એટલે દશ, બસ...! અમુકે કદાચ બધાં સુઈ ગયાં છે એમ માનીને કે લોકોનો ઘોરવાનો અવાજ સાંભળીને થોડાં ઘણા ફટાકડાનો અગ્નિદાહ કરાવ્યો હશે. બાકી ફટાકડાની સમય પાબંધી માટે તો લોકોની પીઠ થાબડવી પડે. ફટાકડા તો ઠીક, હાથના ટચાકડા પણ નહિ ફોડ્યા હોય. જેમ મંગળફેરાનો એકપણ આંટો વધારે નહિ ને એકપણ આંટો ઓછો નહિ, એમ સુપ્રિમના ચુકાદા પ્રમાણે, કદાચ ફટાકડા આડા ફાટ્યા હશે, બાકી ફટાકડાનો ફોડ-લર નહિ..! ને, ફટાકડા આડા ફાટે એમાં એનો ફોડ-લર બીજું કરી પણ શું શકે..? ફટાકડામાં તો ગંધક હોય, માણસની માફક અક્કલ થોડી હોય ? ફટાકડો ફૂટવામાં સમયપાલન ચુકે, એમાં આપણો જીવ પણ બળે, પણ કહેવા કોને જોઈએ ? આપનામાં જીવ હોય, ફટાકડા તો નિર્જીવ જ ને..? બળે તો એની દિવેટ બળે, બાકી એનામાં જીવ હોય તો બળે ને..?

એક તો આ દિવાળીમાં ખબર પડી કે, સાલા ફટાકડા પણ માણસ જેટલાં આળસુ હોય છે ખરાં..! સમયસર સળગાવેલો ફટાકડો, મોડો ધડાકો કરે એ ‘કંપની ફોલ્ટ’ કહેવાય, એને ‘ ફોડ-લર ફોલ્ટ ‘ કેમનો કહીએ..? સમયના ભરોસે સળગાવેલો ફટાકડો હોલવીતોને કદાચ ઉઠાવી પણ લાવીએ, પણ હાથમાં ફૂટ્યો તો..? પણ...થેન્ક્સ ટુ ફટાકડા ફોડ-લર..! પોતાની મૌજ અને મસ્તીના ભલે બાર વાગી જાય, પણ માર્યાદિત ધડાકા કરીને દિવાળી પણ કાઢી બતાવી..! મગજના ધૂમાડા કાઢીને જાય પણ ક્યાં..? એટલે કોર્નરમાં બેસીને સાપ-ગોળીના ધુમાડા કાઢીને પણ દિવાળીને કાઢી. મૂંઝવણ તો ત્યારે થઇ કે, એક બાજુ નોટબંધીની નાકાબંધી હજી ખતમ ના થઇ હોય, એમાં દિવાળી આવે એટલે લગનની જાન કાઢવાના હોય એમ, સ્મોલેસ્ટ થી માંડીને ટોલેસ્ટ સુધીનાની ડીમાંડ ચાલુ થઇ જાય કે, મારા માટે ‘ ઓલ્લું લાવજો ને પેલ્લું લાવજો...! ત્યાં સુધી કે, ઘરના બધાં જ નવા નવા કપડાં માંગે. ત્યાં સુધી કે, પહેરવાના અન્ડરવેર પણ નવા જ જોઈએ...! એના કપાળમાં કાંદા ફોડું તે..!

સાચું પૂછો તો દિવાળીના આનંદ કરતાં દિવાળી ગયાં પછીનો આનંદ અત્યારે મહેસુસ કરું છું. કે માંડ માંડ દિવાળી કાઢી દાદૂ...! સાલા નાના હતાં, ત્યારે દિવાળી મોટી લાગતી. ને મોટાં થયાં ત્યારે દિવાળી સાવ નાલ્લી થઇ ગઈ. શ્રી રામ જાણે, દિવાળીમાં ફટાકડા ફોડવાનું તૂત કયા શાસ્ત્રમાંથી આવ્યું છે..? બાકી ફટાકડો અને આત્મા બંને સરખા. એની મરજીમાં આવે, ત્યારે જ એ ફૂટવાનો. બંનેમાં જ્યાં સુધી ગંધક ભરેલી હોય, ત્યાં સુધી જ ફૂટે. નહિ તો સુરસુરિયા પણ થઇ જાય. પછી તો જેવી જેવી ગંધક. જેવી જેની ગંધક એવાં એના ધડાકા..! એ ક્યારે સળગે, ક્યારે હવાઈ જાય, ને કેવાં રંગરોગાનમાં આવે એનુ કાંઈ નક્કી નહિ. જમીન ઉપર પણ ફૂટે, આકાશમાં પણ ફૂટે ને,ખરાબ ગ્રહ હોય તો હાથમાં પણ ફૂટે. જેમ સેન્ક્ષેસ, પેટ્રોલ-ડીઝલ કે રૂપિયા ડોલરના ભાવનું કોઈ ઠેકાણું નહિ, એમ ફટાકડાનુ પણ ફૂટવાનું કાંઈ નક્કી નહિ. એકસરખા દિવસો ક્યાં કોઈના જાય છે..? જીંદગીમાં જેમ ચઢાવ ઉતાર આવે, એમ ફટાકડામાં પણ આવે. આપણે કંઈ મોટાં બજાર પારખું તો નથી. આ તો એક વાત. તળિયાવાળો ટોચ ઉપર પણ આવે, ને ટોચવાળો હોય એ તળિયે પણ આવી જાય. ઋષિમુનિઓએ એટલે તો કહ્યું છે કે, ‘ફટાકડાનો આનંદ પણ ક્ષણભંગુર છે. ફૂટીને એકવાર ફઅઅઅટ થયું એટલે ખલ્લાસ..! એવું જિંદગીનું..! ‘

એ તો બારીકાઈથી આપણે નિરીક્ષણ નથી કરતાં. બાકી દિવાળીમાં જ ખબર પડે કે, અમુકે તો સામા મળ્યા હોય તો ‘ હલ્લો ‘ નહિ કર્યું હોય. પણ સાલમુબારક તો વાંકા વળી વળીને કરે. ચાલો, બધું માંડ માંડ પત્યું. આવતાં વરસે ફરી મળવાની ‘ચેલેન્જ ‘ આપીને દિવાળી પણ ગઈ...! પણ એક વાત જરૂર જાણવા મળી કે, આપણો આખો પરિવાર પણ એક ‘ ફાયરવર્કસ ‘ ના ડીપાર્ટમેન્ટલ સ્ટોર જેવો જ છે, ધારીધારીને જોઈએ તો ખબર પડે કે, પતિને લોકો ભલે પરમેશ્વર માનતા હોય, બાકી સમય આવે ત્યારે એની હાલત સુરસુરિયાથી પણ બદતર હોય. એમાં માંડ કોઈ સુરસુરિયું એવું જલદ હોય કે, હાથમાં લેવાની કોશિષ કરવા ગયાં તો, હાથમાં પણ ફૂટે..! એના મગજની દિવેટ પણ લાંબી હોય, ને ભેજામાં ભરપૂર ગંધક પણ ભરેલું હોય. એટલે સળગાવ્યા પછી છેતરાવાના ચાન્સ સો ટકા વધારે..! છતાં, છાપ એવી પડી ગયેલી કે, પતિ એટલે ફૂઉઉઉસ..!

વાઈફ એટલે એટમબોમ્બ...! એ કોઈપણ કંપનીનો હોય, પણ ફૂટવાની ગેરંટી સો ટકા..! અમુક કંપનીના બોંબ તો એવાં હોય કે, એને સળગાવો કે નહિ સળગાવો, સ્વયંભુ પણ ફૂટે. છતાં સ્વયંભુ શિવલિંગની માફક આદર પણ વધારે પામે. આ બોંબ એકવાર ફૂટ્યો એટલે આજુબાજુનું મેદાન સાઆઆફ...એમ સમજી જ લેવાનું..! ત્યારે સાસુનો મામલો એવો હોય કે, એ એક્ષ્પોર્ટ હોય કે, ઇનપોર્ટ, પણ યુનિવર્સલ લેવલે ક્વોલીટી લગભગ સરખી જ હોય. દિવેટ ઓછી પણ ધડાકા ભારે કરે. બિલકુલ ભોંયફટાકા જેવી. જો એકવાર બોલવા ઉપર આવી તો, પરમાણુંથી ઓછાં માત્રાના ધડાકા તો એની રેન્જમાં જ નહિ આવે. સસરો એટલે સુતળીયો બોંબ.સુતળીયા બોંબમાં સુતળીના આંટા, એનાંથી અનેકઘણાં એના પેટમાં આંટા..! એ બતાવે નહિ, પણ હવાયેલા બોંબની માફક બધું જોયાં કરે. ક્યારેક ધડાકો કરવા હુમલો કરવા તો જાય, પણ ગળાથી આગળ અવાજ કાઢે નહિ. અને જો કાઢ્યો તો સમજવાનું કે આજે સુનામી...! દીકરો એટલે લવીંગિયો. ને જમાઈ એટલે તડતડીયો. બને તણખા કાઢે, પણ દઝાડે નહિ..! નણદ એટલે ભોંય ચકરડી..! આ ક્વોલીટી પણ યુનિવર્સલ લેવલે એકસરખી.. ! જ્યારે પણ એનું પગલું પડે, એટલે તણખું ઝરે. ને પછી ભોંય ફટાકડાની જેમ ફૂટે. સાળો એટલે હવાયેલો ટેટો, ગર્લફ્રેન્ડ એટલે ફૂલઝડી...! ભાઈ એટલે એવો ટાઈમ બોંબ.કે, સમય આવે ત્યારે જ લાગ જોઇને ધડાકા કરે. ભાભી એટલે રોકેટ. એની ઉડાન એની ઈચ્છા પ્રમાણેની જ હોય. ઉંચી ને ઉંચી જ ઉડે. સાળી એટલે સાપોલીયું. એ ક્યારે ક્યાં કેવો વળાંક લેવાની છે, એનું કંઈ નક્કી નહિ. પણ દીકરી એટલે સપ્તરંગી કોઠી. એ પણ સળગે તો ખરી, પણ જોવાની ગમે. પાડોશી એટલે લોન્ચર ને પડોશણ એટલે ફૂટેલી કારતૂસ....! બાકી રહ્યાં મિત્રો. એ બધાં રંગીન કોઠી જેવાં હોય....! જોવાના નહિ મળે તો, એના વગર દિવાળી પણ હોળી લાગે...! એ નહિ હોય તો, માંડ માંડ પણ દિવાળી નહિ નીકળે એવાં..!

દિવાળી એટલે દરિયાના મૌજની ભરતી ને, આનંદનું વાવાઝોડું. નવાનકોર સાહેબ, કોઈ નવી જગ્યાએ બઢતી પામીને હાજર થવા આવ્યા હોય, એમ દિવાળીમાં વાઈફનો મિજાજ પણ સાવ બદલાય જાય. એવી હરખપદુડી થઈ જાય, બે-ત્રણ પાળીમાં કામ કરતી હોય, એમ ‘ સભી લાઈન વ્યસ્ત ‘ જેવી જ લાગે. માળિયાથી માંડીને મંદિરના ગોખલા સુધી બધું ચકચકિત કરી નાંખે. જો કે એમાં આપણું યોગદાન પણ હોય.પણ ગણતરીમાં લે કોણ..? એમાં ફેસિયલ-બેસીયલ કરાવ્યું હોય, તો તો આપણી વાઈફ આપણાથી જ નહિ ઓળખાય. દિવાળીમાં એવી બની ઠનીને રહે કે, આપણી જ વાઈફ આપણને દેવી જેવી લાગે. જો કે, મારા આ વિધાન સાથે ચમનીયો સમંત નથી. મને કહે “ દેવી તો મને પણ લાગે. પણ લેવાલ પણ કોઈ મળવો જોઈએ ને....? “ એના કપાળમાં કાંદા ફોડું..!

=============================================================================