Langotiya - 10 books and stories free download online pdf in Gujarati

લંગોટિયા 10

            જીગરે ઘણુ વિચાર્યું પછી તે બોલ્યો, “બબલી. તને ખબર છે હાલ સેજલ ક્યાં છે? તે અહીં જ કે પછી તેનો ભાઈ તેને અમદાવાદ લઈ ગયો છે?” બબલી બોલ્યો, “લગભગ તો તે અહીં જ છે પણ તેનુ સરનામુ મારી પાસે નથી.” જીગર કહે, “એક કામ કર. સેજલના જુના સરનામાની આસપાસ રહેતા આપણા મિત્રોને તેને શોધવાનુ કામ સોંપી દે. તે પડોશી પાસેથી જાણી લેશે. મારે પહેલા દીપક સાથે વાત કરવી જોઈએ. આફ્ટર ઓલ તે મારો મિત્ર છે.” બબલી બોલ્યો, “જીગા એમ ના કરતો કારણ કે દીપક આપણા ગ્રુપના બધા મિત્રોને કહેતો હતો કે જીગર વિશ્વાસઘાતી છે. તે મારી સામે ન આવે એવી હું પ્રાર્થના કરુ છુ. માટે તેનો ગુસ્સો થોડો શાંત પડવા દે.” જીગરે તેની વાત માની ગયો.
          બે ત્રણ દિવસ વીત્યા. દીપકે જીગર સાથેના બધા સંપર્ક તોડી નાખ્યા. જીગરે પણ તેના ગુસ્સો ઠંડા પડવાની રાહ જોઈ પણ ઘટના એ જ રહી. દીપક દિવસ જાય એમ જીગર માટે નફરતના બીજ વાવતો ગયો. તેણે ઘરે પણ જણાવી દીધું કે મારે સ્ટુડિમાં વધારે ધ્યાન આપવું છે તેથી તે ઘરમાંથી બહાર નહિ જાય. જીગર જેન્તીભાઈને આ વિશે અજાણ રાખવા માંગતો હતો કારણ કે આ ઘટનાથી વધારે દુઃખી થાય એવા માત્ર તે એક હતા.
           આમને આમ દિવસો પસાર થવા લાગ્યા. એક વખત જીગર દુકાન પર હતો તેવામાં ત્યાં બે બાવીસેક વર્ષના છોકરાઓ આવ્યા. તે કહેવા લાગ્યા, “તારુ નામ દીપક છે?” જીગરને નવાઈ લાગી કે આ અજાણ્યા લોકો દીપકનું શા માટે પૂછતાં હશે? તેણે જવાબ આપ્યો, “ના પણ તમારે એનુ શુ કામ છે?” તે છોકરાઓમાંથી એક બોલ્યો, “જરા પર્શનલ કામ છે. જો તુ તેનુ સરનામુ જાણતો હોય તો અમને બતાવ.” જીગરને આ લોકો પર થોડી શંકા ગઈ. તે કહેવા લાગ્યો, “તમે અહીં બેસો તે હમણાં જ અહીં આવશે.”
               જીગરે બબલીને કોલ કરી કહ્યું, “બબલી, તુ દીપકને કોઈ બહાનુ કરી અહીં મારી દુકાને લઈ આવ. તેનુ ખાસ કામ છે. પ્લીઝ તુ જલ્દી તેને લઈને આવ.” બબલી તેની વાત સાથે સહમત થયો. જીગરે પેલા છોકરાને પૂછ્યું, “તમે ક્યાંથી આવો છો?” પેલા બોલ્યા, “ફ્રોમ જામનગર.” જામનગરનુ નામ સાંભળતા જીગરના મનમાં અનેક વિચારો શરૂ થઈ ગયા. તે પૂછવા લાગ્યો, “તમને આ એડ્રેસ કોણે આપ્યુ.” તે બોલ્યા, “અમારી ફ્રેન્ડ પાસેથી મળ્યું. એ દીપકને ઓળખે છે.”
            તે વાતો કરી રહ્યા હતા એવામાં બબલી દીપકને લઈને ત્યાં આવી ગયો. દીપક કહેવા લાગ્યો, “બબલી તુ મને અહીં શા માટે લાવ્યો? તને ખબર નથી અમારો સંબંધ પહેલા જેવો નથી રહ્યો? તુ શા માટે અમને એકબીજા સાથે મુલાકાત કરાવશ? ચાલ મને પાછો ઘરે મૂકી જા.” બબલી કઈ બોલે એ પહેલા પેલા છોકરાઓમાંથી એક ઉભો થઈને બોલ્યો, “તો તુ છે દિપક?” દીપક બોલ્યો, “હા હું જ દીપક છું. તમે કોણ?” પેલો તરત જ દીપક પાસે જઈને તેનો કોલર પકડી બોલ્યો, “હુ કોણ છુ? મને પૂછે છે હરામી. તને તારી જામનગરવાળી ફ્રેન્ડે મારી ઓળખાણ નથી કરાવી?”
              જીગર આ દ્રશ્ય જોઈ ગુસ્સામાં આવી ગયો. તે સીધો તેની પાસે આવી જોર જોરથી બોલવા લાગ્યો, “કોલર છોડ. છોડી દે. કોલર છોડ. ન થવાનું થશે. તારી જે કાંઈ વાત હોય એ શબ્દોથી પતાવ. ખોટી રીતે નઈ.” પેલો છોકરો બોલ્યો, “તુ આ મેટરથી દૂર રહે. છે કોણ તુ? આજ તો આ માર ખાશે.” જીગર બોલ્યો, “પણ વાત શુ છે?” પેલો છોકરો બોલ્યો, “આ હરામી મારી મિત્રની બહેનને ફેસબુકમાં મેસેજ કરે છે.”
            જીગર બોલ્યો, “શુ નામ છે તારા મિત્રની બહેનનું?” પેલો બોલ્યો, “કોમલ.” દીપક બોલ્યો, “મિત્ર હુ કોમલને મેસેજ નથી કરતો. એ જ મને મેસેજ કરે છે.” બીજો છોકરો દોડી આવ્યો અને દીપકને મારતા મારતા બોલ્યો, “મારી બહેન મેસેજ કરે છે? મારી આગળ ખોટું બોલે છે. આજ તારી રોમિયોગીરી હું કાઢી નાખીશ. ચમન કઈક મારવા જેવુ લાવ. આજ તો આને બતાવી જ દેવું છે કે કોઈકની બહેનની છેડતી કરવાનું પરિણામ શુ આવે?” ચમન બોલ્યો, “હા વિશાલ એ હરામીને મારીને જ જવું છે. પકડી રાખ.” તે આજુબાજુ નજર મારવા લાગ્યો.
              જીગર બૂમ પાડી કહેવા લાગ્યો, “બબલી પકડ.” બબલીએ દીપકને વિશાલની પકડમાંથી મુક્ત કર્યો અને વિશાલને પકડી લીધો. જીગર વિશાલને જેમ આવે તેમ મારવા લાગ્યો. તેણે તેના મોઢા પર ઘણાં મુક્કાઓ માર્યા. જાણે તેનામાં કઈક ભૂત સવાર થઈ ગયુ હોય એમ તે મારતા મારતા બોલવા લાગ્યો, “મારી હાજરીમાં અને મારી સામે તે દીપૂ પર હાથ કેમ ઉપાડ્યો? તારા મનમાં તું શું સમજે છે? આજ તે મારા મિત્રને મારીને મને ખુબ ગુસ્સો અપાવ્યો છે. બબલી છોડતો નહિ. આજે આ નહિ બચે.” 
              જીગર વિશાલને મારી રહ્યો હતો એવામાં ચમને પાછળથી મોટો પથ્થર લઈ જીગરના માથામાં માર્યો. જીગરના માથામાંથી લોહીની ધાર થઈ અને તે મોટી ચીસ પાડી જમીન પર ઢળી પડ્યો. તેને  જોઈ બબલી તેની પાસે આવી રડતા રડતા બોલ્યો, “જીગા જીગા. આંખો ખોલ. જીગા. દીપક આ શું થયું જીગાને? જલ્દી કઈક કર.” આ જોતા ચમન બોલ્યો, “વિશાલ ચાલ જલ્દી. આ મરી ગયો તો આપણે જેલ જવું પડશે.” તે બંને ત્યાંથી નીકળી.
             બપોરનો સમય હોવાથી બજાર બંધ હતી. જીગરની દુકાનની આસપાસ કોઈ પણ ન જતું. બબલી જોરજોરથી રડવા લાગ્યો અને દીપક સામે જોઈ બોલ્યો, “હવે તને શાંતિ થઈ? જીગાને કંઈપણ થયું તો હું કદી તને માફ નહી કરું. જલ્દી એમ્બ્યુલન્સ બોલાવ.” દીપક આ ઘટનાથી ડરી ગયો હતો. શુ કરવુ તે તેને સમજાતું નહતું. તેણે એમ્બ્યુલન્સ બોલાવી. એમ્બ્યુલન્સ આવી અને જીગરને ત્યાંથી હોસ્પિટલ લઈ ગઈ.
              હોસ્પિટલમાં ડોકટરોએ જીગરના ઇલાજની કાર્યવાહી શરૂ કરી દીધી. બબલીએ જીગરના પપ્પાને કોલ કરી બોલાવ્યા. જીગરના પપ્પા તરત જ હોસ્પિટલ પહોંચી ગયા. તેમણે જરૂરી ફોરમાલિટી પતાવી દીપકને પૂછ્યું, “દીપક બેટા. જીગરને આમ કેવી રીતે થયું? મને હવે ડર લાગે છે. શુ થશે મારા દીકરાનું? હે દ્વારકાધીશ મારા દીકરાને બચાવી લેજે.” દીપક બોલવાની સ્થિતિમાં ન હતો. જીગરની ચીસ વારંવાર તેના કાનમાં ગુંજયા કરતી હતી. જીગર જમીન પર ઢળી પડ્યો એ દ્રશ્ય તેની આંખ સામેથી જતુ નહતું. તે ચૂપ જ રહ્યો.” કનુભાઇએ ફરી પૂછ્યું, “દીપક બેટા તુ ચૂપ કેમ છે? જીગરને આટલી ઇજા કેવી રીતે થઈ? પ્લીઝ કઈક બોલ. તારુ મૌન મારો ડર વધારી રહ્યું છે.” 
             દીપકને મૂંગો જોઈને બબલી બોલ્યો, “કનુકાકા તમેં ચિંતા ન કરો. દ્વારકાધીશ બધુ જ સારુ કરી નાખશે. તમે બસ શ્રદ્ધા રાખો.” કનુભાઈ બોલ્યો, “તારી વાત સાચી છે બબલી બેટા. પણ બાપ છુ ચિંતા તો હોય ને? પણ આ બધુ થયું કેવી રીતે. તમારી લડાઈ તો નથી થઈને કોઈની સાથે?” બબલી બોલ્યો, “ના કાકા એવુ કઈ નથી થયુ બસ જીગર અને હુ એકબીજાની મશ્કરી કરતા હતા. મશ્કરી મશકરીમાં હું ભાગ્યો. તે મને પકડવા પાછળ આવ્યો. એવામાં તેનું ચપ્પલ તૂટી ગયું અને તે સીધો નીચે પડ્યો. તેને થોડી પણ ઇજા ન થાત જો તેના માથાનો પાછળનો ભાગ ત્યાં પડેલા પથ્થર સાથે ન ટકરાયું હોત. પણ તમે ચિંતા ન કરો દીપકે સમયસર એમ્બ્યુલન્સ બોલાવી લીધી હતી.” બબલીને સાંભળતા દીપક તેની સામે એક નજરે જોઈ રહ્યો. તેની આંખમાં ઝળઝળિયાં આવી ગયા. બબલીની નજર તેના પર પડતા તેણે ધિક્કારની નજરથી કહ્યું, “મગરમચ્છ કે આંસુ.”