Langotiya - 5 books and stories free download online pdf in Gujarati

લંગોટિયા - 5

જીગરને જાણવું હતું કે દિપક અમદાવાદ જવાનું કહીને ગયો છે તે સાચું છે કે ખોટું તેથી તેણે દીપકના પપ્પાને ફોન કર્યો. તેના પપ્પાએ ફોન ઉપાડી પૂછ્યું, “હા બોલ જીગલા. અત્યારે શુ કામ પડ્યું? કનુભાઇ આવી ગયા કે હજી કામમાં ફસાયા છે?” જીગરે જવાબ આપતા કહ્યું, “ના જેન્તીકાકા. તે હજુ નથી આવ્યા. તે પરમદિવસે આવવાના છે. હું શું કહેતો હતો કે તમે બે દિવસ પછી અમદાવાદ જવાના છો?”

જેન્તીભાઈ બોલ્યા, “ના ના એની તો હજી મહિનાની વાર છે. અત્યારે કોઈ પ્લાન નથી જવાનો. તારે અમદાવાદ જવું હોય તો આપણી ગાડી ફ્રી જ છે તો મૂકી જઈશ.” જીગર બોલ્યો, “ના ના. આ તો દિપક કહેતો હતો કે બે દિવસ પછી તે તેના માસીને ઘરે અમદાવાદ જાય છે. તેથી પૂછ્યું.” જેન્તીભાઈ બોલ્યા, “વાત તો તારી સાચી પણ તારી સમજણફેર થઈ હશે કારણ કે તે તો જામનગર જાય છે. તેનો મિત્ર ત્યાં રહે છે. બે દિવસ પછી તેનો બર્થડે છે એટલે તેણે દીપકને પોતાના ઘરે બોલાવ્યો છે.”

જીગર કહે, “અચ્છા. એવું હતું. મારે જ સાંભળવામાં ભૂલ થઈ હશે પણ તે એકલો જ જાય છે કે પછી બીજું કોઈ છે?” જેન્તીભાઈ બોલ્યા, “જીગા તને તો ખબર છેને કે હું તારી વગર તેને એકલો ક્યાંય જવા નથી દેતો પણ મેં તારી વાત કરી એટલે તેણે કહ્યું કે, “કનુબાપુ બહારગામ ગયા છે તેથી જીગાને દુકાન સંભાળવી પડશે એટલે હું એકલો જ જઇ આવીશ.”

જીગર પણ દીપકના જુઠને છુપાવતો હોય એમ કહેવા લાગ્યો, “હા એ પણ છે. તેણે મને આવવાનું કહ્યું તો હતું પણ આ અચાનક પપ્પાને બહાર જવાનું થયું અને દુકાનની જવાબદારી મારા પર આવી ગઈ. સારું એ તો ઘણો હોશિયાર છે. તેને કોઈ મુશ્કેલી નહિ પડે જવામાં. હા તો હું પછી વાત કરું. આ ગ્રાહકો ઉભા છે.” એમ કહી તેણે ફોન કટ કરી ઉદાસ થઈ બેસી ગયો.

જીગરે સપનામાં પણ નહતું વિચાર્યું કે દીપક તેની પાસે ખોટું બોલશે. જીગર ખૂબ ઉદાસ થઈ ગયો હતો પણ તે ઉપરાંત તેને દીપકની ચિંતા થવા લાગી હતી કે દીપક હજી એકલો મુસાફરી કરવા માટે સક્ષમ નથી થયો. તે શાંતિથી દીપકના આવા બદલાવ વિશે વિચારી રહ્યો હતો એવામાં તેના પપ્પાનો ફોન આવ્યો. તેણે ફોન ઉપાડ્યો તો તેના પપ્પા કહેતા હતા, “જીગા સાંભળ. તારી મમ્મીને કહેજે કે મારી પણ રસોઈ કરી નાખે. હું કામ પતાવી અહીંથી નીકળી ગયો છું. માટે ત્રણ ચાર કલાકમાં પહોંચી જઈશ. મારે થોડો સમય લાગશે એટલે તમે માં-દીકરો વાળુ કરી લેજો. તારી મમ્મીને કહેવાનું ભૂલતો નહીં.”

પપ્પાના આવવાની ખબર સાંભળતા જીગરના મનમાં વિચાર આવ્યો, “એક કામ કરુ. હું પણ દીપકને જાણ ન થાય એ રીતે તેની પાછળ જામનગર જાવ. આ કરવાથી તેનું ધ્યાન પણ રખાશે અને તે ખોટું શા માટે બોલી રહ્યો છે તે પણ જાણ થશે. હા આમ જ કરું.”

તેણે વિચાર્યું તે મુજબ બે દિવસ પછી તે જામનગર પહોંચી ગયો. તેણે દીપકના પપ્પાને ફોન કર્યો, “જેન્તીકાકા દીપક જામનગર પહોંચી ગયો? અને મને તમે દીપકના મિત્રનું એડ્રેસ આપો.” જેન્તીભાઈ બોલ્યા, “હા એતો સવારે નવ વાગે જ પહોંચી ગયો. પણ તારે તેના મિત્રના એડ્રેસનું શુ કામ છે?” જીગર બોલ્યો, “એમાં એવું છે ને જેન્તીકાકા ગઈ રાત્રે હું તમને કહેવાનું ભૂલી ગયો કે હું પણ જામનગર જવાનો છું. મારે અહીં થોડુંક કામ હતું.માટે તમે એડ્રેસ આપો તો હું દીપકને સરપ્રાઈઝ આપવા માંગુ છું અને વળતા તેને સાથે લેતો આવીશ.”

જેન્તીભાઈએ સરનામું આપી કહ્યું, “જીગા એક કામ કરજે. પાર્ટી તો રાત્રે હશે અને અત્યારે દોઢ વાગ્યા છે તો આ તડકાનો હેરાન ન થતો અને ત્યાં લાખોટા તળાવ છે ત્યાં ફરવા ચાલ્યો જજે ત્યાં ઘણું બધું જોવા જેવું છે. તું બસ સ્ટોપથી રીક્ષા કરી લેજે. ફોટા પાડવાનું ભૂલતો નહિ. જામનગર ગયાના ઘણા વર્ષો થઇ ગયા છે.” જીગર કહે, “હા વાંધો નય. તમને તો ખબર છે કે આપણે કોઈ શહેરની પ્રખ્યાત સ્થળની મુલાકાત તો લઈને જ જપીએ છીએ. પણ તમે દીપકને જણાવતા નહિ કે હું જામનગરમાં જ છું.”

જીગરની યુક્તિ કામ કરી ગઈ. તે ખુશ થયો અને કહેવા લાગ્યો, “દિપૂડા હવે તારું બહાનું પકડાઈ જશે. મારે તો એટલું જ જાણવું છે કે તારા આવા અચાનક બદલાવનું કારણ કોણ છે? તું પોતે જ કે બીજું કોઈ?

જીગર રીક્ષા કરી લાખોટા તળાવ પહોંચી ગયો. ત્યાં જઈ તેણે ટીકીટ લઈ પ્રવેશ મેળવ્યો. તે વિવિધ વૃક્ષો અને લાખોટા તળાવની અંદર આવતા સ્થાપત્યનો ભરપુર આનંદ ઉઠાવી બધાના ફોટાઓ લેવા લાગ્યો. તેણે આજુબાજુ નજર નાખી તો જાણ થઈ કે લાખોટા તળાવની મુલાકાતે આવેલા લોકોમાં મોટા ભાગે યુવાનો અને યુવતીઓ જ હતા. એ જોઈ તેને તેના એક મિત્રની વાત યાદ આવી કે, “લાખોટા તળાવમાં લવ બર્ડસની મીટિંગ વધારે હોય છે.” તેણે એ દ્રશ્યો જોઈ એ વાતને તેણે શંકા વગર સ્વીકારી લીધી.

તે ઘણું ફર્યો અને પછી થાક લાગ્યો એટલે તેણે થાક ખાવા એક ઝાડ નીચે બેઠો. તેને જાણ થઈ કે હવે સાંજ પડવાની તૈયારી છે તેથી તે પોતાના ફોનમાં પાડેલા ફોટાઓ જોવા લાગ્યો. થોડીવાર થઈ અને તેણે ત્યાંથી નીકળવાનું નક્કી કર્યું. તે ગેટ તરફ જઈ રહ્યો હતો તેવામાં તેણે જોયું તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેણે જોયું તો ત્યાં દીપક આવ્યો હતો પણ આશ્ચર્યજનક બાબત એ હતી કે તેની સાથે એક છોકરી હતી.

તે ફટાફટ દીપક પાસે દોડી ગયો. દીપક અને જીગર બંને સામસામે ભેગા થઈ ગયા. દીપક તેને જોઈને આશ્ચર્યમાં પડી ગયો. તે જીગરથી નજર છુપાવવા લાગ્યો. તેને ઉભો જોઈ તે છોકરી બોલી, “હેય વોટ્સ હેપન. આમ ઉભો કેમ રહી ગયો? ચાલ હવે અહીં જોવા જેવું કંઈ ખાસ નથી.” જીગર દીપક સામે જોઈ બોલ્યો, “આટલી જલ્દી કેમ છે જવાની? હજી તો ઘણું બધું જોવાનું બાકી છે.”

જીગરની વાત સાંભળી તે છોકરી બોલી, “અય તારું કામ કરને.” જીગર બોલ્યો, “દીપક આ અમદાવાદ છે?” દીપક બોલ્યો, “જીગા હું..હું..તને” જીગર ગુસ્સે થઈ બોલ્યો, “આ અમદાવાદ છે? હા કે ના?” દીપક કહે, “ના પણ હું તને કહેવાનો જ હતો કે મારે જામનગર જવાનુ થયું છે.” જીગર કહે, “તો આ તારી સાથે તારી માસીનો છોકરો છે. સાચું ને?” ત્યાં પેલી છોકરી ગુસ્સે થઈ બોલી, “ઇડિયટ હું તને ક્યા એંગલ થી છોકરો દેખાવ છું.”

જીગર બોલ્યો, “તો આ છે કોણ. દીપક? મને જવાબ આપ.” દીપક બોલ્યો, “મ..મારી ફ્રેન્ડ છે.” જીગર બોલ્યો, “ફ્રેન્ડ છે કે ગર્લફ્રેંડ? ખરેખર શું છે એ પૂછ્યું મેં.” દીપક કહે, “તે મને ઠપકો આપવાનું નક્કી કરી જ નાખ્યું હોય તો હું બધું બોલી જ જાવ છું. તો આ મારી ગર્લફ્રેંડ જ છે અને તેનું નામ કોમલ છે.” એ સાંભળી કોમલ બોલી, “પણ દીપક આને તારે આ બધું જણાવવાની શુ જરૂર છે. આ છે કોણ?” દીપક કહે, “આ મારો મિત્ર છે.” તે સાંભળી કોમલ બોલી, “હા તો મિત્ર છે ને. આટલું બધું એને જણાવવાની શુ જરૂર છે? યાર મેં તને કહ્યું તું ને કે મિત્રો તો આવા જ હોય છે. તે ગમે ત્યાં માથું મારવા આવી જ જાય છે. તે મારો મૂડ બગાડી નાખ્યો. હું જાવ છું. પાર્ટીમાં મળીએ.” તે ત્યાંથી નીકળી ગઈ.

દીપક બોલ્યો, “જીગર. યાર, મારી જાસૂસી જ કરવી હતી તો મને જાણ કરી દેવી હતી. આમ અચાનક આવવું નહતું અને તને કીધું કોણે કે હું જામનગર છું?” જીગર બોલ્યો, “એ બધું છોડ. તું આ કોમલ કે જે નામ હોય એ. એની માટે મારી આગળ ખોટું બોલ્યો! યાર મને બધું કહી દીધું હોત તો હું તને ક્યાં ના પાડવાનો હતો?” દીપક ગુસ્સેથી બોલ્યો, “એ વાત તો તું રહેવા જ દેજે. તને ખબર છે હું અને કોમલ છેલ્લા ત્રણ મહિનાથી એકબીજાના સંપર્કમાં છીએ. પણ તને ખબર છે મેં અત્યાર સુધી તને કહ્યું કેમ નહીં?”

જીગર દુઃખી થઈ બોલ્યો, “હવે તું ગુસ્સેથી અને મોટે અવાજે બોલતા પણ શીખી ગયો છો એમ ને. વાંધો નય જણાવી દે કે શા માટે મને આ વાતથી અજાણ રાખ્યો?” દીપક બોલ્યો, “હા તો સાંભળવાની હિંમત હોય તો સાંભળ.”