Marva pahelanu mike testing books and stories free download online pdf in Gujarati

મરવા પહેલાનું માઈક ટેસ્ટીંગ..!            

મરવા પહેલાનું માઈક ટેસ્ટીંગ..!

મરવા પહેલાનું ‘માઈક ટેસ્ટીંગ’ એટલે શ્રાદ્ધનું વિધિ વિધાન. શ્રાદ્ધ, કાગડો ને પૂર્વજ, આ બધા સીધી લીટીના પરિબળો.સાલું ઊંડે ઊંડે એવું થયા કરે, કે મરવા પહેલાં એકવાર કાગડા ઉપર પીએચડી કરી નાંખું. એટલા માટે કે, શ્રાદ્ધ કરવામાં શું શુક્રવાર વળે છે, એની પાકી જાણકારી મળે. ને પૂર્વજ સાથે તાંતણો બંધાય તે બોનસ..! વળી એમ કરવામાં એકાદ પૂર્વજની કૃપા ઉતરે તો કદાચ ન્યાલ પણ થઇ જવાય ને..? મને હજી સમજાતું નથી કે, શ્રાદ્ધનું ખાવા માટે આ કાગડાને જ ‘ લાયસન્સ ‘ કેમ ? બીજા બધાં પક્ષીઓ શું યમરાજની કાબૂ બહારના તત્વો હશે ? કે પછી ઉપર પણ ભાજપ-કોંગ્રેસ જેવો મામલો હશે..? ચકલી-પોપટ-મોર-મરઘો-કોયલવગેરે નહિ ને માત્ર કાગડા જ કેમ..? કાગડાઓને શું જન્મસિદ્ધ અધિકાર મળેલો હશે કે, રાજકારણ જેવો ડખો હોય ત્યાં, કાગડા જ ચાલે..? જવા દો યાર..! આપણા જ પાટલુનના બટન બંધ કરો ને..? જીવતાના દુખ ઝીલાતા નથી, ત્યાં પરલોકના પલાખા શું મોઢે કરવા..?

‘શ્રાદ્ધ’ એટલે હયાત પેઢીને અપાતી પૂર્વ તાલીમ..! અથવા તો મરવા પહેલાનું માઈક ટેસ્ટીંગ. આપણે ઉંચકાય ગયાં પછી, એ લોકોએ જ શ્રાદ્ધ નાંખવાનો છે ને..? જીવતા જીવત ભલે કાંદો નહિ કાઢે, મર્યા પછી ‘ શ્રાદ્ધ ‘ ના બહાને ખીર જમે..? આપણા ગયા પછી બિચારા મૂંઝાય નહિ બીજું શું..? ને એમને પણ ખબર પડે કે, માણસ કરતાં કાગડા સાથેનો સંબંધ બહુ જરૂરી છે. આવું માઈક ટેસ્ટીંગ નહિ કરીએ તો, “ ઝાડ ગયું ને જગ્યા થઇ ગઈ “ માની, એ તો પલાંઠી વાળીને બેસી પણ રહે..! ને શાસ્ત્ર કહે છે એમ, આપણો આત્મા આધારકાર્ડ વગરના આદમીની જેમ ભટકતો જ રહી જાય. કમ સે કમ એને ખબર તો પડવી જોઈએ કે, મરનાર પાછળ ભજન જ રખાય, મુઝરો નહિ..! આ બહાને શ્રાદ્ધના મહિનામાં કાગડા ભૂખે નહિ મરે એ અલગ. જો બાવા...! વાવાઝોડાની માફક સમયનું પરિવર્તન તો, આવતું જ જાય છે. એટલે ક્યાં ટકવું, ક્યાં અટકવું ને ક્યાં છટકવું ના લેશન આપણે નહિ આપવાના તો, શું સરકાર આપવાની..? એટલે આવા ‘માઈક ટેસ્ટીંગ’ કરેલા સારા દાદૂ..! બીજી એક વાત, દૂધપાક ભજીયા કે ખીરપૂરીનો ચટાકો આપણે પણ છોડવા જ માંડવાનો. જેથી ઉકલી ગયાં પછી, ચાખેલ જીભને ચટાકાના લપકારા આવે જ નહિ..! શું કહો છો મામૂ..?

બાકી, ગમે એટલા તીરથ કરો, માળાઓ ફેરવી નાંખો, માળાના મણકા-મણકા ઘસી નાંખો, કે પછી કપાળ ઉપર ‘ચંદન પેઈન્ટ ‘ કરીને, ૩૩ કરોડ દેવી દેવતાના નામવાળા ઝભ્ભા ધારણ કરીને ફરો, ‘ બાપાકા બુલાવા આયા હૈ ‘ એમ છેલ્લે તો મરવાનું જ આવે. ‘માઈક ટેસ્ટીંગ’ બહુ કરેલું છે, એટલે આપણું મોત આવતીકાલ ઉપર જતું નથી. મૃત્યુલોક જેવું થોડું છે, કે પોટલી બતાવીએ એટલે યમરાજ જીવ લીધાં વગર ‘રીટર્ન‘ થાય.? એ ‘ નષ્ટાચાર ‘ માં જ સમઝે, ભ્રષ્ટાચારમાં નહિ..! ઊંચકવાવાળા ચાર જણા એમણે તૈયાર જ રાખ્યા હોય. એટલે ‘ કોઈ સાથે ડખા કરવાના જ નહિ. બધાં સાથે સખણા જ રહેવાનું. આખી જિંદગી ભલે લોકોને ઉલ્લુ બનાવ્યા હોય, પણ યમરાજને ઉલ્લુ બનાવવા, યે કોઈ “ નાનીમાકા ખેલ નહિ હૈ...! “ ટ્રેન, બસ કે પ્લેન મોડા થાય, પણ કોઈના જીવ ઉપાડવાના મામલે યમરાજનું ‘ ટાઈમટેબલ ‘ કરોડો વર્ષથી ખોરવાયું નથી. અલબત, ૧૦૮ આવ્યા પછી, આજકાલ યમરાજના દરબારમાં પણ હવે ‘ માલ ‘ ઓછો પહોંચે છે. પણ એ બધી નરેન્દ્ર મોદીની કમાલ છે.

એ તો યમરાજ જોવા નહિ મળે એટલે, બાકી એને પણ આપણો ગુજરાતી એકવાર તો પૂછી નાંખે કે, “ સ્વર્ગમાં રોડ-ટચ જગ્યા મળતી હોય તો કહેજે ને યાર..! કાકી સાથે આવવાનું થાય તો પ્લોટ-બ્લોટ રાખેલો કામ આવે. તારું પણ થઇ રહેશે.! “ ચાન્સ મળવો જ જોઈએ, આપણો ગુજરાતી એકવાર તો કોઈપણ મામલાનું માઈક ટેસ્ટીંગ કરી જ નાંખે. એ તો કાગડાની ભાષા આવડે નહિ એટલે, બાકી પૂર્વજની પણ આખી કુંડળી કાઢીને મૂકી દે..! એનું નામ ગુજરાતી.

એક બહુ જાણીતો જોક છે. યમરાજ આગળ એક કાકા ચાલબાજી રમવા ગયેલાં. આંગણે વેવાઈ આવ્યો હોય એમ, યમરાજની ભરપૂર સરભરા કરી. યમરાજે એની ચાલ જોઇને કહ્યું, ‘ એઈઈઈ ડોહા...! તું ગમે એટલી સરભરા કરે, પણ તને લીધા વગર હું જવાનો નથી. ને તે પણ ટાઈમસર..! માટે ઝટ તૈયાર થઇ જાવ. આ લીસ્ટમાં તમારું નામ પહેલું જ છે, ને તમને ઉપાડવામાં માત્ર હવે ૧૫ મિનીટ બાકી છે. જેવી ૧૫ મિનીટ પતી, એટલે ઉઠાવીને પાડા ઉપર નાંખીને ચાલતો થઇ જઈશ. કાકો એકવાર તો ધ્રુજી જ ઉઠ્યો. પણ ટોળ પાડવાનું મૂકે તો ગુજરાતી નહિ. કાકો સમજી તો ગયો, કે ‘ યમરાજ એના બાપને નહિ છોડે, તો મારા જેવાં પાપને છોડવાનો તો નથી જ..! છતાં, કાકાએ છેલ્લો જાદુ ચલાવ્યો. “ યમરાજકાકા, દાદા, ભાઈ, મામા...! આપને કયા સંબંધે સંબોધન કરું..? પણ મારી હયાતીમાં ને હયાતીમાં, તમે આ ઘરમાંથી ચાર-ચાર જણાને ઉઠાવી ગયાં, છતાં કોઈ દિવસ તમે મારા ઘરે અન્નનો દાણો કે પાણી પણ પીધું નથી. તમારે મને ઉપાડવો જ છે ને..? તો ભલે ઉપાડો, પણ આજે હું તમને જમાડ્યા વગર જવા દેવાનો નથી. અમારામાં લેટેસ્ટ દુહો છે કે,

“ ગુજરાતમાં જો કોઈ દી તું ભૂલો પડે યમરાજ,

થા તું મારો મહેમાન, તને ભૂખે નહિ કાઢું ચમનીયા...!

એકવાર તારી કાકીના હાથનો ‘ લોચો ‘ ખાય લઇએ. પછી તમારે જે કરવું હોય તે કરો. યમરાજ થોડાં પલળી તો ગયાં. પણ સાથે શંકા પણ ગઈ કે, ‘ આ ડોહો કંઈ લોચો તો નહિ મારે ને..? ગુજરાતી છે કંઈ કહેવાય નહી..! યમરાજને પણ કકળીને લાગેલી જ હતી. ને એમાં યમરાજ પણ મૂળ સુરતનો જ વતની નીકળ્યો. એટલે ‘લોચો’ ને એ પણ પાણી-પાણી થઇ ગયો, ને લોચો ખાવાનો સ્વીકાર પણ કરી દીધો.

ને પછી કાકાએ એનો ખેલ ચાલુ કર્યો. લોચામાં ઘેનની જથ્થાબંધ ગોળી નાંખી દીધી. ને પછી તો, લોચો ખાયને ખુદ યમરાજનો એવો લોચો વળી ગયો કે, એ બીજા દિવસે ભાનમાં આવ્યો. ને આ બાજુ કાકાએ, યમરાજના લીસ્ટમાં પોતાનું પહેલું નામ હતું, તે છેકીને છેલ્લે કરી નાંખ્યું.એને એમ કે, વચગાળાની જે રાહત મળી તે ખરી..! જેવાં યમરાજ ઘેનમાંથી ઉભા થયાં, એટલે એટલું જ બોલ્યા કે, ‘ વાહ ડોહા..! શું કાકીના હાથનો સ્વાદિષ્ટ લોચો હતો..? મને એમ થાય કે, તમને છોડીને કાકીને જ ઉપર લઇ જાઉં..! કાકા ઘડીક તો ખુશખુશાલ થયાં. પણ યમરાજ કહે, ‘ સાલું, શું કરું...? આવું કરવાનું અમારા પાવરમાં નથી આવતું એટલે..! કાકીના સ્વાદિષ્ટ લોચાએ આજે મારું આખું ટાઈમ ટેબલ ખોરવી નાંખ્યું. પણ ડોહા..! ઉપર જઈને હું કાકીની ભલામણ ચોક્કસ કરીશ., હું તમારા ઉપર પ્રસન્ન થયો છું ડોહા..! એટલે જાવ, પહેલેથી જીવ ઉપાડવાને બદલે હું હવે છેલ્લેથી જીવ ઉપાડીશ..! “

કાકો કહે, ‘એના કપાળમાં કાંદા ફોડું..!’ સબ કુછ લુંટાકે હોશમેં આયા તો ક્યા કીયા...? કહેવાની જરૂર નથી કે, પછી તો, કાકાને ઉઠાવવા માટે, યમરાજને કોઈ જ મહેનત કરવી નહિ પડી. આટલું કાકા સ્વયં જ ઊંચકાય ગયેલાં...! ઉઠતાં ઉઠતાં માઈક ટેસ્ટીંગમાં એટલું બોલતાં ગયેલાં કે, ‘હલ્લો...હલ્લો, મોતની ઘડી ક્યારેય વફાદારી મુકતી નથી..!’

ભાદરવો એટલે, ઉંચકાય ગયેલાનું વેકેશન. આ મહિનામાં જ પૂર્વજો હોલીડે કરવા ‘હોમ-ટાઉન’ માં આવે. આપણે જેને ‘ કાગડો ‘ કહીએ, એ દેખાવે ભલે કાગડો લાગે. પણ આંગણે આવીને ‘કાઆઆકાઆઆ’ કરવા માંડે તો સમજવાનું કે એ આધારકાર્ડ વગરનો આપણો પૂર્વજ પણ હોય શકે. કદાચ એ આપણું ‘માઈક ટેસ્ટીંગ’ કરવા પણ આવતાં હોય. એટલે એની સાથે વિવેકભર્યો જ વ્યવહાર રાખવો. જેથી કરીને ઉપરલોકમાં આપણો ‘ એડવર્સ ‘ રીપોર્ટ જાય નહિ બીજું શું..?

---------------------------------------------------------------------------------------------------------------------------------