Mishti.....Love Story in Gujarati Love Stories by jigar bundela books and stories PDF | મિષ્ટી......Love Story

Featured Books
Categories
Share

મિષ્ટી......Love Story

આખા હૉલમાં એક સુંદર અને સુરીલો અવાજ ગુંજી રહ્યો હતો ઓડિયન્સ શાંત હતું અને જેવું ગીત પત્યું કે તાળીઓનાં ગડગડાટથી આખો હૉલ ગુંજી ઉઠ્યો. મિષ્ટીનો એ પહેલો પ્રોગ્રામ હતો. પહેલું પબ્લિક પર્ફોરમન્સ. લોકો એનાં અવાજથી મંત્ર મુગ્ધ થઈ ગયા હતા.એક પછી એક ફરમાઈશ આવતી ગઇ ને રાત ખીલતી ગઇ અને મિષ્ટીનાં આઉટસ્ટેન્ડિંગ  પરફોર્મન્સ માટે સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું. પ્રોગ્રામ પછી લોકો એને મળવા માંગતા હતા, પરંતુ મિષ્ટી મળવા માંગતી હતી જયને, કારણ કે આજના પ્રથમ પ્રોગ્રામનું લાઈવ સ્ટ્રીમિંગ થઈ રહ્યું હતું અને જય ઇન્ડિયામાં બેસીને એ પ્રોગ્રામ સાંભળી રહ્યો હતો અને જોઈ રહ્યો હતો. જેવો કર્ટન પડ્યો કે મિષ્ટી તરત જ પોતાના ફોન તરફ ભાગી અને જયને પૂછ્યું  "કેવું રહ્યું મારુ પરફોર્મન્સ"? અને જયે પોતાની આંગળી ના ઈશારા થી super?એમ કરીને જણાવ્યું. અને કેમ ના હોય? મિષ્ટી ટેલેન્ટેડ હતી. મિષ્ટી જયને કેમ મળવા - એનો અભિપ્રાય જાણવા માંગતી હતી ? જય જ હતો કે જેણે એને ગાવા માટે encourage કરી હતી, પ્રેરણા પૂરી પાડી હતી.

વર્ષો પહેલાં બંને જણા યુથ ફેસ્ટિવલમાં જોડે પાર્ટીસિપેટ કરતા હતા. જય પોએટ્રી રેસિટેશનમાં પાર્ટ લેતો અને મિષ્ટી સિંગિગમાં. બંને જણા પોતાની કોલેજ માટે હંમેશા એવોર્ડ લઈ આવતા, ક્યારેક તો એવું પણ બનતું કે મિષ્ટીએ જયની જ કવિતા ને સંગીતમાં ઢાળી હોય, અને એ જ કવિતા એણે ગાઇ હોય.જયને પણ પ્રાઈઝ મળે અને એને પણ પ્રાઈઝ મળે. બંનેને એકબીજા માટે લાગણી હતી પણ ક્યારેય એ લાગણીને પ્રદર્શિત ન કરી શક્યા અને થયું એવું કે કોલેજ પતતાં પતતાં મિષ્ટીના લગ્ન પણ થઈ ગયા.અરેંજ મેરેજ અને મિષ્ટી ચાલી ગઈ કેનેડા. મિષ્ટીનું સિંગિંગ છૂટી ગયું અને એ કેનેડામાં માત્ર બાથરૂમ સિંગર બનીને રહી ગઈ.જ્યારે આ બાજુ જય મિડલક્લાસ માણસ, પોતાના સપનાઓને પુરા કરવા માટે જિંદગીની જંગમાં લાગી ગયો.
જયની કવિતા છૂટી ગઈ અને મિષ્ટીનું સિંગિંગ. બંને પોત પોતાની લાગણીઓને હૈયામાં ધરબીને જોતરાઇ ગયા પોતાની જિંદગીના ગાડાં ને બીજાની મરજી પ્રમાણે વેંઢારવામાં.

જયને ઘણીવાર થતું કે લાવ ફેસબુક ઉપર  મિષ્ટીને સર્ચ કરું.   મિષ્ટી નામ નાખી સર્ચમાં નાખતો પણ એને પોતાની મિષ્ટી ક્યાંય દેખાતી નહીં, અને અચાનક એક દિવસ જયના કેનેડામાં રહેતા એક ફ્રેન્ડના મ્યુચ્યુઅલ ફ્રેન્ડ લિસ્ટમાં એને દેખાઇ મિષ્ટી. જયને થયું કે શું આ એ જ  મિષ્ટી હશે ? પણ એણે તો  પ્રોફાઇલ નેમ માં આરતી લખ્યું છે. જય ભુલી ગયો હતો કે મિષ્ટીનું સાચું નામ આરતી હતું. પણ કૉલેજમાં બધા એને "આરતી ઉતારું મા ની આરતી ઉતારું" કહીને ચીઢવતા એટલે એક દીવસ એણે જ જયને પોતાની ફોઈ બા બનવાનું, એટલે કે સરસ પેટ નેમ પાડવાનું કહ્યું હતું.જય એ આરતીના મીઠાં અવાજ અને સ્માઈલ પરથી નામ પાડ્યું  મિષ્ટી. બઁગાલિ નામ હતું. આરતી પર સાર્થક હતું. આરતી હતી પણ બેંગોલ ટાયગ્રેસ જેવી પાણીદાર આંખોવાળી.ગ્રુપનાં બધા એને મિષ્ટી કહીને જ બોલાવવા લાગ્યા. આરતી નામ ફક્ત કાગળિયા પર રહી ગયુ હતુ.
જયને યાદ આવ્યું ને વિચાર્યું, " આ આરતી જ મિષ્ટી હશે? " મિષ્ટી ની profile જોતા એના બધા doubts ક્લિયર થઈ ગયા કારણ કે  મિષ્ટીના કવર ફોટો ઉપર જ એણે જયની પોતાની લખેલી કવિતાનો એક શેર પોસ્ટ કર્યો હતો. એ જ કવિતાનો જે જયે લખી હતી અને મિષ્ટીએ યુથ ફેસ્ટિવલમાં ગાઈ હતી અને બંનેને પ્રાઈઝ મળ્યું હતું.

બંને વચ્ચે ઔપચારિક વાતો શરૂ થઇ. પેલા એકબીજા વિશે, પછી ફાધર-મધર વિશે,પછી વેધર વિશે,પછી ફ્યુચર વિશે અને એક દિવસ જયે મિષ્ટીને પૂછ્યું, "તું હજી ગાય છે? "  મિષ્ટીએ હસતા હસતા કહ્યું " હા પણ બાથરૂમમાં. બાથરૂમ સિંગર છું ".  મિષ્ટીએ જયને પૂછ્યું " તું હજી લખે છે કવિતા? " જયે કહ્યું " તે ગાઈ હતી એ છેલ્લી કવિતા હતી. શબ્દો તો લખાય છે પણ એમાં ભાવ કે લાગણી નથી હોતી,અને ભાવ કે લાગણી વીનાના શબ્દોને જોડકણા કહેવાય  કવિતા નહીં. "
વાત વાતમાં જયે એક દિવસ કહ્યું તું કંઈક ગાઈને સંભળાવને  મિષ્ટીએ કહ્યું મૂડ નથી આવતો ક્યારેક મૂડ આવશે તો સંભળાવીશ. ને જયને  મિષ્ટીએ કહ્યું તું કવિતા લખીને મોકલને તું કેમ નથી લખતો? જય કહ્યું ચોક્કસ - ચોક્કસ એક દિવસ લખીને મોકલીશ પછી તો બંને જણા રોજ વાતો કરતા ક્યારેક વિડીયોકોલ તો ક્યારેક વોઈસ કોલ તો ક્યારેક ચેટિંગ મોડી રાત સુધી. ક્યારેક જો કોઈ કામ કામ હોવાથી વાત ન થાય તો બંને જણા બેચેન થઈ જતા અને ક્યારેક કોઈએ કંઈ લખ્યું હોય અને જો સામે જવાબ ન આવે તોપણ બંને જણા બેચેન થઈ જતા.

એક દિવસ વરસાદ પડતો હતો અને  મિષ્ટીએ એને કહ્યું તને યાદ છે આપણે એક દિવસ રિહર્સલમા મોડું થયું હતું અને ધોધમાર વરસાદમાં તું મને ઘરે મુકવા આવલો. વરસાદમાં પલડવાની કેવી મજા આવી હતી,અહિં વરસાદ તો આવે છે પણ પલળવાની મજા નથી આવતી. ને પછી વાતને વાળતા કહ્યું તે દિવસે તે એક શેર સંભળાવેલો, આજે પણ વરસાદ છે. એક કામ કર એ શેરમાંથી ગઝલ લખી નાખ. જયે કહ્યું "આપકા હુકમ સર આંખો પર" અને થોડી જ વારમાં જયની કલમમાંથી એક ગઝલ અવતરી. જયે તરત જ એને લખીને whats app કરી.
મિષ્ટીએ  એને વાંચી
"કરતાં રોજ વાતો ખબર નાં પડી,
મને તારી કે તને મારી આદત પડી.
તુ કે છે કે મને લખતાં-બોલતાં આવડે ઘણું,
મને તો તારી આંખો વાંચવાની મજા પડી.
સાદ કરે મોબાઇલ રોજ મને સવારે
ટેરવે આંગળીના લાગણીની લિપિ પડી.
વરસાદ મા ભીંજાવું ગમે છે તને - મને,
તારા સ્મિતની હૈયે મારા વીજળી પડી.
જયનાં જીગર સુધી નો રસ્તો આમ નથી,
કોઈ પણ આવી શકે ,એમ ચાવી નથી રેઢી પડી.
મને તારી કે તને મારી આદત પડી.

મિષ્ટીએ પુછ્યું  કોના માટે લખી? જયે હસીને કહ્યું અફકોર્સ સ્પેશ્યલ તારા માટે. તે તો કહ્યું  કે આટલું સરસ વાતાવરણ છે તો એક લખી નાખ અને આમ પણ આજે તારી બર્થડે છે તો તને મારા તરફથી આ બર્થ ડે ગીફટ છે. મિષ્ટીને નવાઇ લાગી કે જયને એની બર્થ ડે યાદ હતી? એને થયું કદાચ facebook ઉપરથી એને ખબર પડી હશે. પછી એને યાદ આવ્યું કે ફેસબુક ઉપર તો એણે બર્થ ડેટ hide રાખી છે તો? તો પછી? એણે જયને પૂછ્યું તને મારી બર્થ ડે યાદ હતી? જયે કહ્યું  "હા હું આજે પણ તારી બર્થ ડેના દિવસે ઝુપડપટ્ટીના છોકરાઓને તું જેમ વહેંચતી હતી એમ નોટ પેન્સિલ અને રબ્બર આપું છું. મને યાદ છે તે એકવાર મને કહ્યું હતું  કે આ છોકરાંઓ રબરથી કિસ્મતની ઉપર લખાયેલા  લાચારીનાં શબ્દોને ભૂંસી શકે છે અને આ પેન્સિલ તેમની નવી કિસ્મત લખી શકે છે અને એટલા માટે જ હું એમને નોટ રબર અને પેન્સિલ આપું છું.હેપી બર્થ ડે ટુ યુ મિષ્ટી. મિષ્ટીઆજે ખૂબ ખુશ હતી.

થોડા દિવસ પછી જયના મોબાઈલમાં એક ઓડિયો ફાઈલ આવી જેમાં જયે લખેલા શબ્દો ને લાગણી, ભાવ અને સ્વર મળ્યો મિષ્ટીનો. મિષ્ટીએ જયે લખેલી કવિતાને ગાઈને જયને મોકલી હતી, જેવું પહેલા ક્યારેક એ કરતી. જયે કવિતા સાંભળીને  કહ્યું "તારો અવાજ ખુબ જ સુંદર છે હજી એવો ને એવો જ છે, તારી pin હજી  ઘસાઈ નથી. તું ગાતી હોય તો?  મિષ્ટીએ કહ્યુ  ક્યાં હવે ગવાય છે. હવે નથી ગમતું હું તો બાથરૂમ સિંગર બનીને રહી ગઈ છું. બસ ઈચ્છા થાય, મન થાય,ત્યારે બાથરૂમમાં ગાઈ લઉં છું હવે એટલો સુંદર અવાજ નથી મારો. જય બોલ્યો આ તારી ભૂલ છે.આ તારો ભ્રમ છે. બીજું બધું જ મૂક અને ગાવાનું શરૂ કર. તારો અવાજ હજી પણ એટલો જ સુંદર છે. મિષ્ટીએ કહ્યું જોઇશ.

એક દિવસ મિષ્ટી ને કોલ આવ્યો મિષ્ટી અમે તમારો અવાજ સાંભળ્યો છે, તમે અમારા બેન્ડને જોઈન કરશો? મિષ્ટીએ કહ્યું કે પણ મેં તો તમને કોઈ જ મારી audio file નથી મોકલી કોઈ audition નથી મોકલ્યું. ત્યારે સામેથી કહ્યું તમે નહિ જયે મોકલ્યુ  છે અને મેં તમારો અવાજ સાંભળ્યો છે અમને ગમશે જો તમે અમારું બેન્ડ join કરશો. મિષ્ટીએ બેન્ડ જોઈન કર્યું અને એનું આજે પહેલું પબ્લિક પરફોર્મન્સ હતું જેનું live streaming  જય ઇન્ડિયામાં જોઈ રહ્યો હતો.

મિષ્ટી અને જયે ખૂબ જ વાતો કરી  મિષ્ટી ખુબ જ ખુશ હતી. થોડા જ સમયમાં તો મિષ્ટીનું બેન્ડ આખા કેનેડા માં ફેમસ થઇ ગયું. મિષ્ટી કેનેડામાં સ્ટાર થઈ ગઈ સિંગિંગ સ્ટાર.

એક દીવસ મિષ્ટીએ જયને કહ્યું જય તારા માટે સરપ્રાઈઝ છે.
મારું બેન્ડ અમદાવાદ આવી રહયું છે. ટાગોર હોલમાં અમારું પરફોર્મન્સ છે.જોવા આઇશને? "ચોક્કસ" જયે કહ્યું, ટિકિટ લઈને પણ હું જોવા આવીશ. મિષ્ટીએ ધમકાવતા કહ્યું "ટિકિટ શું લેવા હું તારા માટે સ્પેશ્યલ પાસ રાખીશ અને એ પણ ફર્સ્ટ રો ની સેન્ટર સીટ નો. પરફોર્મન્સ પછી ત્યાંથી આપણે કોફી પીવા મૈસુર કેફેમા જઈશું.એ વખતે મૈસુર કાફે કૉલેજ ની ક્રિએટિવ ટિમ નો અડ્ડો હતી.બન્ને એ ડન કર્યુ.

જય અને મિષ્ટનાં બીજા ફ્રેન્ડસ પણ પ્રોગ્રામ જોવા જવાનું પ્લાનિંગ કરવા લાગ્યા. ટાગોર હોલ ખીચોખીચ ભરેલો હતો. પ્રોગ્રામની લાસ્ટ announcement થઇ ગઇ. મિષ્ટીનાં મસ્તીભર્યા અવાજ સાથે કરટન ખુલ્યો. મિષ્ટીની નજર પહેલી રો ની  સેન્ટર સીટ પર ગઇ ને સ્થિર થઈ ગઇ. એ ખાલી હતી. મિષ્ટીની નજર આખા હોલ માં ફરી વળી.જય ક્યાંય ન્હોતો છતાં મિષ્ટીની નજર એને જ શોધ્યા કરતી હતી. લોકો તાળીઓનો વરસાદ કરી રહ્યાં હતાં, પણ મિષ્ટીનુ ધ્યાન તો ખાલી ખુરશીમાં જ હતુ. પ્રોગ્રામ પત્યા પછી બેકસ્ટેજ મળવા આવેલા રોહને કહ્યુ કે જય ડાયરેક્ટ હૉલ પર પહોંચવાનો હતો. મિષ્ટીને અનેક વિચારો ઘેરી વળ્યાં જય કેમ નહીં આયો હોય? એને કંઇ થયુ તો નહીં હોયને? ત્યાં રેગ્યુલર મૈસુર કેફે પર જતાં મેહુલે કહ્યું "એ  અહિં આવ્યો ત્યારે જય મૈસુર કાફે પર બેઠો હતો." મિષ્ટી ફટાફટ મૈસુર કેફે જવા નીકળી ગઈ. શઁકા- કુશઁકાઓ વચ્ચે એ ત્યાં પહોંચી, ત્યારે જય બાઇકને કિક મારતો હતો.એણે કારમાંથી જ બુમ પાડી . જય...જય.. અને જય રોકાઈ ગયો. મિષ્ટી દોડીને એનાં બાઈક પાસે ઊભી રહી ગઇ અને ચાવી કાઢી લીધી. મિષ્ટીએ જયની આંખોમાં આંખો નાખી ને જયની નજર નીચી થઈ ગઇ. જય કંઈ બોલે એ પેલા મિષ્ટી બોલી " ગોળ ફેરવીં ને નહીં સીધે સીધુ કે કે તુ શો જોવા  કેમ નાં આયો?"
જયે ગળામાં ભરાયેલા ડુમા ને છુપાવતા સ્માઈલ સાથે કહ્યું " જો  મિષ્ટી હું નથી ઇચ્છતો કે તારા લાઈફમાં મારા લીધે અડચણ આવે. હુ તારો શો જોવા આવવાનો હતો.પણ બે દિવસ પેલા રોહન મારે ત્યાં આવ્યો હતો. એ વાતવાતમાં બોલી ગાયો "અલા જય તારે જલસા છે. VIP ટિકિટ આવી છે ને કાંઇ. અમારે તો છેલ્લી રો મા બેસવાનું છે.આને કેવાય પ્રેમનો પ્રસાદ." રોહને  આવુ કહયું તયારે મને  લાગ્યું કે જો આવી વાત મજાકમાં પણ લોકો સુધી પહોચે તો તારી ઈમેજ બગડે. કદાચ તારી ફેમિલીમાં  પણ પ્રોબ્લેમ ઉભા થાય,અને હુ એવું નહોતો ઇચ્છતો. એટ્લે છેક હૉલનાં દરવાજા સુધી આવીને મારા પગ અટકી ગયા. મિષ્ટી એને એકીટશે જોઇ રહી હતી. એણે જયને કહ્યું " મને ખબર છે મારા હસબન્ડે તને કોલ કર્યો હતો. એની સાથે શું વાત થઈ એ નહીં પૂછું , પણ મારા ડિવોર્સ થઈ ગયાં છે. મારુ આ રીતે કામ કરવું એને નહોતું ગમતું. એની ઈચ્છા હું માત્ર ઘર સાચવું એવી હતી. હુ લોકપ્રિય બની ગઇ એ વાત એનાં મેલ ઈગોને નાં પચી. એણે મને કામ કે ડિવોર્સ માંથી એકની choice કરવાનું કહ્યુ. મે વિચાર્યું કે જે માણસને મન મારી કોઈ વેલ્યુ જ નથી,આટલા વર્ષો મે મારી ઈચ્છાઓને મારી નાંખી એની કોઈ કિંમત નથી, તો મારે પણ થોડા સ્વાર્થી બનવું જોઈએ અને મેં એણે આપેલી પ્રપોઝલ માંથી ડિવોર્સ ની ચોઇસ કરી.

જય એ કહ્યું મિષ્ટી હું તને કહેતાં ડરતો હતો કે હું તને પ્રેમ કરતો હતો પણ... જય આગળ કંઇ બોલે એ પહેલાં મિષ્ટીએ જયને કોલર થી પકડી ને કહ્યું " જય તુ મને પ્રેમ કરતો હતો નહી, કરે છે." જય એ કહ્યું " એટલે જ તો અહિં તારી રાહ જોતો હતો. મને હતું જ કે તું જતાં પહેલા અહિં ચોક્ક્સ આવીશ,ને મેં નક્કી કર્યું હતું કે તને છેલ્લી વાર જોઇ લીધાં પછી, મળ્યા પછી, હું અહી ક્યારેય નહીં આવુ. થોડી લેટ પડી હો તો.... અને અત્યાર સુધી ભરાયેલો ડૂમો બન્નેની આંખો ના બઁધ તોડી વહેવા લાગ્યો.અને મૈસુર કાફેનાં રેડિયો પર લાઈફ ઈન મેટ્રોનું ગીત વાગ્યું...
ઈન દીનો દિલ મેરા મુજસે હૈ કહ રહા.. તુ.....ખ્વાબ સજા તુ.... જી લે જરા તુજ કોં ભી હૈ ઇઝાજત
તુ ભી કરલે મહોબ્બત......