Rasoi nu janva jevu books and stories free download online pdf in Gujarati

રસોઇમાં જાણવા જેવું

રસોઇમાં જાણવા જેવું

સં- મિતલ ઠક્કર

* ડુંગળીનો ઢોસો બનાવવા માટે આગલી સાંજે ચોખા અને દાળ અલગ અલગ પલાળી તેમાં મીઠું નાખીને મૂકી રાખો. સવારે તેમાં ડુંગળી, ટામેટાં, લીલાં મરચાં મેળવી થોડી વાર મિક્સીમાં ફેરવ્યા પછી હાથથી ખૂબ ફીણો. સપાટ તળિયાવાળા નોનસ્ટિક તવા પર થોડું તેલ નાખી ૧-૧ વાટકી ખીરું નાખતાં જાવ અને બંને બાજુ ધીમી આંચે ઢોસાને શેકી લો. નાળિયેરની ચટણીથી સજાવીને પીરસો.

* ગરમીમાં દહીં ખાટું થઈ જવાની શક્યતા રહે છે. આને માટે મેળવણનું પ્રમાણ ઓછું રાખવું. દૂધને ઓરડાના ઉષ્ણતામાને જ મેળવવું, ગરમ કરવું નહીં. વળી વારંવાર તપાસી જોવું અને જેવું મેળવાઈ જાય કે તરત જ ફ્રીઝમાં મૂકી દેવું, આથી વધુ બેકટેરિયાનો વિકાસ થશે નહીં અને દહીં ખાટું થવાને બદલે મોળું જ રહેશે.

-ખાસ કિટી પાર્ટીની વાનગીઓ

* ક્રિસ્પી ધનિયા કૉર્ન બનાવવા ૫૦૦ ગ્રામ કૉર્ન ઉપર કૉર્ન ફ્લૉર ભભરાવી દો. મરી પાઉડર, જીરા પાઉડર, સ્વાદ પ્રમાણે મીઠું, ભભરાવી બરાબર મિક્સ કરી લો. એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેમાં તૈયાર કરેલા કૉર્નને તળી લો. ગરમા ગરમ કૉર્નની ઉપર કોથમીર ભભરાવીને સર્વ કરો.

* હર્બ પોટેટો બનાવવાની રીત: સૌપ્રથમ બટાકાને બાફી લો. ઠંડા થાય એટલે તેને છાલ સાથે દાબી દેવા. ગરમ તેલમાં તેને તળી લેવા. એક પ્લેટમાં તળેલા બટાકા લેવા. તેની ઉપર મનગમતું મેયોનીઝ પાથરવું. સ્વાદ પ્રમાણે હર્બસ ભભરાવવા. મરીનો ભૂકો અને જરૂર મુજબ મીઠું ભભરાવી કોથમીરથી સજાવીને સર્વ કરો.

* શિયાળામાં લીલા વટાણા ભરપૂર મળી રહે છે. આ સમયે તેને પ્રિઝર્વ કરીને રાખવામાં આવે તો, જ્યારે ઇચ્છા થાય ત્યારે ફ્રિજરમાંથી કાઢીને ઉપયોગમાં લઈ શકાય છે. આ વટાણા તાજા વટાણા જેટલા જ ટેસ્ટી લાગે છે. નોંધી લો વટાણા સ્ટોર કરવાની રીત. એક તપેલામાં વટાણા ડૂબી જાય એટલું પાણી ઉકાળો. પાણી ઉકળવા લાગે એટલે અંદર બે ચમચી ખાંડ નાખો, તેનાથી વટાણાનો સ્વાદ વધશે અને લગર પણ એકદમ ગ્રીન રહેશે. ત્યારબાદ અંદર વટાણા એડ કરો તેજ આંચ પર 2 મિનિટ ઉકાળો. બે મિનિટ બાદ ગરમ પાણીમાંથી વટાણા કાઢી ફ્રિજના ઠંડા પાણીમાં નાખો. વટાણા ઠંડા થઈ જાય એટલે પાણીમાંથી કાઢી ચારણીમાં નીતારી લો. ત્યારબાદ નાની-મોટી ઝીપ લૉક બેગમાં ભરી બંધ કરી દો. આ રીતે અલગ-અલગ સાઇઝની બેગમાં પેક કરી દો અને ફ્રિજરમાં મૂકી દો. જ્યારે પણ શાક બનાવવું હોય ત્યારે વટાણા ફ્રિજરમાંથી કાઢી ઉપયોગમાં લો.

* બજારની કેળાની ચિપ્સ ઘણીવાર ખાધી હશે. તમે તેને ઘરે થોડી જ મિનિટોમાં બનાવી શકો છો. કેળાની ચિપ્સ બનાવવા માટે સૌથી પહેલા કાચા કેળાને છીણી નાંખવાના. હવે ઠંડા પાણીમાં સિંધવ મીઠું મેળવી તેમાં કેળાને 10-12 મિનીટ સુધી પલાળો. ત્યાર બાદ કેળાને ચિપ્સના આકારમાં કાપી લો. કેળાને કાપીને કોઇ સાફ કપડા પર ૧૦ મિનિટ સુધી પાથરી દો. જેના કારણે તેમાં રહેલા પાણી તેમાંથી છુટી જાય. હવે એક કડાઇમાં તેલ નાંખી તેને ગરમ કરો. તેલ ગરમ થયા બાદ ચિપ્સને થોડીવાર માટે તળી લો. તમારી ચિપ્સ તૈયાર થઇ ગઇ છે. તેના પર સિંધવ મીઠું તેમજ કાળા મરીનો પાવડર નાંખી તેને ખાઇ લો.

* સ્વીટ સેન્ડવિચ બ્રેડ બનાવવા બ્રાઉન બ્રેડને ગોળ આકારમાં કાપીને વચ્ચેથી પણ ગોળ કાપી ડોનટ આકાર આપો. બ્રેડને તવા પર જરા શેકીને કડક કરો. પછી તેના પર થોડું મધ લગાવો. ત્યારબાદ તેના પર પીનટ બટર ચોપડો. ઘરમાં હોય અને ભાવે તો કેળાંની સ્લાઈસ કરીને મૂકી શકાય. આ નાસ્તો પ્રોટીનથી ભરપૂર છે. બાળકોને તો ભાવશે જ પણ ઓફિસમાં નાસ્તા માટેય લઈ જઈ શકો.

* સફરજન, દ્રાક્ષ, દાડમ, નારંગી જેવા ફળમાંથી વિનેગર બનાવવામાં આવે છે, ઉપરાંત શેરડી, ગોળ, નાળિયેર, ચોખા, ખજૂર, મધ જેવા ખાદ્યોમાંથી પણ બનાવવામાં આવે છે. ફળના રસમાં અથવા અન્ય સૂચવેલા ખાદ્યોમાં યીસ્ટની ગોળીઓ નાંખી ફર્મેન્ટેશન કરવામાં આવે છે. ૩ થી ૪ અઠવાડિયામાં આલ્કોહોલિક પરિવર્તન થાય છે અને ૩ થી ૬ મહિનામાં સંપૂર્ણપણે વિનેગર તૈયાર થાય છે. સિન્થેટીક વિનેગર મશીન દ્વારા બને છે. જેમાં થોડા જ કલાકે કે બે દિવસમાં ફર્મેન્ટેશનની ક્રિયા સંપૂર્ણ થાય છે. ત્યારબાદ એસેટિક એસિડ બેકટેરિયાના વિકાસને ગરમી આપી અટકાવી દેવામાં આવે છે. કહેવાય છે કે હજારો વર્ષથી માનવજાત વિનેગર વાપરતી આવી છે. અથાણાં, ટામેટા કેચપ, ચટણી, મેયોનીઝ તથા કેટલાક પીણાંની બનાવવામાં વિનેગર ખાસ વપરાય છે. ચાઈનીઝ વાનગીઓમાં તેનો વિશેષ ઉપયોગ અને સાથે સાથે તેની મેડિસીનલ વેલ્યુ પણ ખરી. ૨૫ ગ્રામ જેટલો વિનેગર આહાર સાથે જો લેવામાં આવે તો ડાયાબિટીસમાં શુગર કંટ્રોલ થઈ શકે છે. વિનેગર એસિડીક હોવાથી વધુ પડતો ઉપયોગ દાંત માટે નુકસાનકારક છે. તે સારો પ્રિઝર્વેટીવ પણ છે.

* દાળ-શાક હોય કે થેપલા પરાઠા, લીલાં મરચાં હંમેશાં સ્વાદનો વધારો કરે છે. વીકેન્ડના દિવસે મરચાંની પેસ્ટ બનાવીને તૈયાર કરી સ્ટોર કરવામાં આવે તો, આખા વીક દરમિયાન સમયનો પણ બચાવ થશે અને ટેસ્ટી વાનગીઓ પણ બનાવી સકાશે. ફ્રિજરમાં તો આ પેસ્ટને બે મહિના સુધી સ્ટોર કરી શકાય છે.૧૦૦ ગ્રામ લીલાં મરચાં ધોઇ ડીંટાં કાઢી લો. ત્યારબાદ તેને મિડીયમ સાઇઝનાં કટ કરી લો. મરચાંને મિનિ ચોપરમાં ક્રશ કરી લો. ચોપરમાં પાણી છૂટું નહીં પડે મરચાંમાંથી, જેથી લાંબા સમય સુધી બગડશે નહીં. ક્રશ કર્યા બાદ તેમાં એક ટી સ્પૂન મીઠું, ચપટી લીંબુનાં ફૂલ અને એક ટી સ્પૂન તેલ એડ કરી લો. ત્યારબાદ મિશ્રણને ફરી એકવાર ક્રશ કરી લો. લીંબુનાં ફૂલ અને મીઠું મરચાંને સ્ટોર કરવામાં પ્રિઝર્વેટિવનું કામ કરે છે. જેનાથી સ્મેલ પણ સારી રહે છે અને લાંબા સમય સુધી મરચાની પેસ્ટ બગડતી પણ નથી. ઉપરાંત આ પેસ્ટનો ટેસ્ટ પણ જળવાઇ રહે છે. મરચાને જો મિક્સરમાં ક્રશ કરો તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે, મરચાંમાંથી પાણી છૂટું પડી ન જાય.

* સફરજન સેન્ડવિચ બનાવવા માટે પીનટ બટર અને સફરજનનું કોમ્બિનેશન તમે કલ્પના ન કરી હોય તેવું સ્વાદિષ્ટ લાગી શકે છે. સારા કાશ્મીરી સફરજન લો. સફરજનની ગોળ સ્લાઈસ કરો. વચ્ચેનો ભાગ કાપી લો. તેના પર પીનટ બટર લગાવો. ચોકલેટ ચિપ્સ તેના પર ભભરાવો. બાળકોને તો ભાવશે જ પણ ઓફિસમાં લઈ જવા માટે પણ આ બેસ્ટ રેસિપી છે.

* બીટ, ગાજર તથા ટામેટાનો સૂપ સ્વાદિષ્ટ બને છે. સેલાડ, રાયતું બનાવી શકાય. બીટ તથા ગાજરનો હલવો આકર્ષક તેમજ ટેસ્ટી બને છે. બટાકા સાથે બાફીને તેની ટીકીયાં બનાવાય. બીટનું છીણ કાચું-પાકું વધારી ઉપર સારા એવા પ્રમાણમાં કોથમીર ભમરાવો, સારું સેલાડ બનશે. વિનેગરમાં તેને આથીને અથાણું પણ બનાવી શકાય. નાના બાળકો માટે બાફેલા બીટનો માવો કરી, લોટ મેળવીને તલ-કોથમીર, અન્ય મસાલા નાંખી નાના, આકર્ષક થેપલા બનાવવા.

* પોષણની દૃષ્ટિએ ઓલિવ ઓઈલનું ઘણું મહત્ત્વનું છે. તેમાં સારી ચરબી છે જે મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડની બનેલી છે. તે શરીરમાં નુકસાનકારક કોલેસ્ટેરોલને ઘટાડીને ફાયદાકારક કોલેસ્ટેરોલને વધારે છે. તાજા ઓલિવનું તેલ કાઢતાં તે આછા લીલા રંગનું હોય છે, વધુ પોષણ ધરાવે છે, સેલાડ ઓઈલ તરીકે ઉપયોગ થાય છે. ગરમી આપીને કાઢેલું તેલ ઘેરા રંગનું હોય છે અને તળવા માટે યોગ્ય છે. ઓલિવ ઓઈલમાં જે કેમિકલ છે તે શરીરના કોષોને જાળવીને એઈજીંગ પ્રોસેસને ધીરી પાડે છે. આપણા આહારમાં ઓલિવનો પ્રવેશ ફાયદાકારક છે. પિઝા ઉપરના ટોપિંગ તરીકે, વિવિધ સોસમાં, ઈટાલિયન-વાનગીઓમાં ઓલિવ તથા ઓલિવ ઓઈલ વપરાય છે.

- ક્વિક ટિફિન રેસિપીઓ

* આલૂ-મેથી પરાઠાં બનાવવા બાફેલા બટેટા, બારીક સમારેલી મેથી, ચપટી અજમા, લાલ મરચું એ બધી સામગ્રી ભેળવી, પાણી નાંખી નરમ લોટ બાંધો. લોઢી પર બન્ને બાજુ તેલ ચોપડી પરાઠા શેકી લો. ટમેટાના સોસ સાથે ટિફિનમાં આપો.

* મિક્સ વેજિટેબલ કટલેટ બનાવવા બાફેલા બટેટા, બાફેલા શાકભાજી, પનીર, કાળામરીનો પાવડર, આદુ-મરચાં-લસણની પેસ્ટ એ બધી સામગ્રી મિકસ કરો. દિલ આકારની કટલેટ વાળી, તેલ લગાડી બન્ને બાજુથી શેકી લો. કોથમરીની ચટણી, સોસ સાથે ડબ્બામાં આપો.

* મિક્સ વેજિટેબલ ટોસ્ટ બનાવવા બાફેલા બટેટા, બારીક સમારેલા કાંદા, ટમેટા અને શિમલા મિર્ચ, બારીક સમારેલી કોથમીર, ચાટ મસાલો એ બધી સામગ્રીને મિક્સ કરો. હવે બ્રેડના ટુકડાની બન્ને બાજુ આ મિશ્રણને લગાડી નોન-સ્ટિક પેનમાં તેલ લગાડી શેકી લો.

* સફરજન અને ખજૂરની ખીર બનાવવા એક કડાઈમાં દૂધ ગરમ કરવા મૂકવું. દૂધ ઉકળવા લાગે એટલે તેમાં ઝીણું સમારેલું ખજૂર નાંખીને ઉકાળો. નેચરલ સ્વીટનર ભેળવો. દસ મિનિટ ધીમી આંચ ઉપર ઉકળવા દો. તેમાં સફરજનના ટુકડા કે છીણ ભેળવો. તજનો ભૂકો અને અખરોટના ટુકડાં નાંખીને ઠંડું કરીને પીરસો.

* કંદ-આલુ પકોડા બનાવવા એક મોટા વાસણમાં ખમણેલું કંદ, ખમણેલા બટેટા, આરાનો લોટ, મરચા, શિંગદાણાનો ભુક્કો અને મીઠું નાંખી સરખી રીતે મિક્સ કરી મિશ્રણ તૈયાર કરો. પછી એક વાસણમાં તળવા માટે તેલ ગરમ કરવા મૂકો. તેલ સરખી રીતે ગરમ થયા બાદ તેમાં તૈયાર કરેલા મિશ્રણના નાના નાના ગોળા કરીને તળવા મૂકો. બ્રાઉન થાય ત્યાં સુધી તેને ધીમા તાપમાને તળો. ત્યારબાદ ટિશ્યુ પેપર પર કાઢીને સૂકા થવા માટે રાખો. ગરમાગરમ કંદ-આલુ પકોડા તૈયાર થાય એટલે લીલી ચટણી સાથે તેનો સ્વાદ માણો.

* ગુલાબજાબું કડક થઇ જતાં લાગે તો માવામાં થોડીક ખાંડ ભેળવવી અને પછી તળવા. તળવાથી માવામાંની ખાંડ પીગળશે અને ગુલાબજાંબુ નરમ થશે.

* ડુંગળીનો ઢોસો બનાવવા માટે આગલી સાંજે ચોખા અને દાળ અલગ અલગ પલાળી તેમાં મીઠું નાખીને મૂકી રાખો. સવારે તેમાં ડુંગળી, ટામેટાં, લીલાં મરચાં મેળવી થોડી વાર મિક્સીમાં ફેરવ્યા પછી હાથથી ખૂબ ફીણો. સપાટ તળિયાવાળા નોનસ્ટિક તવા પર થોડું તેલ નાખી ૧-૧ વાટકી ખીરું નાખતાં જાવ અને બંને બાજુ ધીમી આંચે ઢોસાને શેકી લો. નાળિયેરની ચટણીથી સજાવીને પીરસો.

* દાળને બાફતી વખતે ઘણીવાર બહુ ઉભરો આવતો હોય છે, જેથી કૂકર પણ બહારથી બહુ બગડે છે અને સાથે ગેસ પણ. આ માટે દાળને બાફતાં પહેલાં અડધા કલાક માટે પલાળી રાખવી, ત્યારબાદ બાફતી વખતે અંદર જરૂર પૂરતું જ પાણી નાખવું. હળદર અને મીઠાની સાથે અંદર એક ચમચી ઘી પણ બાફવામાં નાખવું અને કૂકરના ઢાંકણની અંદરની તરફ થોડું ઘી લગાવી લેવું. વધારે ઊભરો નહીં આવે અને દાળ સરફ બફાઇ જશે.

* ફરસીપૂરીમાં ડાલ્ડા તથા તેલનું મોણ નાખી બનાવવાથી ફરસીપૂરી ક્રિસ્પી બને છે.

* ભટુરા બનાવવા મેંદો ચાળી, તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, ઘી, સોડા નાખી દૂધથી કણક બાંધવી. તેને ભીના કપડામાં વીંટી ૬ કલાક રહેવા દેવી. તે ફૂલીને ડબલ થઈ જાય ત્યારે તેની પુરી (મોટી મોટી) કરવી.

* શાહી શાકની ગ્રેવીમાં મોટાભાગે કાજુની ગ્રેવીનો ઉપયોગ કરવામાં આવે છે. ઘરમાં કાજુ ન હોય તો સીંગદાણાને થોડા શેકી ફોતરાં અલગ પાડી દેવાં અને પછી ગ્રેવી બનાવીને ઉપયોગ કરવો. અથવા શક્કરટેટીનાં બીને થોડીવાર પાણીમાં પલાળી ગ્રેવી બનાવી લેવી, શાક એટલું જ ટેસ્ટી લાગશે.

* અથાણાને ફંગસથી બચાવવા જે બરણીમાં ભરવાનું હોય તેમાં થોડા દિવસો પહેલા શેકેલી થોડી હીંગ ભભરાવી રાખવી.

* શાકનો વઘાર કરતી વખતે તેલમાં ચપટી હળદર નાખવાથી શાકનો રંગ જેમનો તેમ રહે છે.

* ટામેટાંની પ્યૂરીનો રંગ એકદમ લાલ ન આવે તો અંદર ફૂડ કલરની જગ્યાએ એક ટુકડો બીટરૂટ ઉમેરો. પ્યૂરી એકદમ લાલ થશે અને હેલ્ધી પણ રહેશે.

* પાઉંભાજીને લાલ રંગની કરવા લીલા મરચાં નાખવાને બદલે લાલ મરચું નાખવું.

* બાળકોના ટિફિનમાં સફરજન કાપીને આપો તો એ પીળાં પડી જાય છે. આ માટે ઉપર થોડો લીંબુનો રસ કે મોસંબીનો રસ લગવીને આપો. આખો દિવસ ફ્રેશ રહેશે અને કલર પણ નહીં બદલાય.

* આલુ ભુજિયા બનાવવા માટે ચણાના લોટમાં મીઠું અને મરચું મિક્સ કરી ઝીણી ચારણીથી ચાળી લો. બટાકાનો માવો પણ ચારણીમાંથી દબાવી ચાળી લો, જેથી કોઈ ગાંઠ ન રહી જાય. મોણ નાખી બધી વસ્તુઓ મિક્સ કરી લોટ બાંધો. લોટ પૂરી જેવો હોવો જોઈએ. જો પાતળો લાગે તો થોડો વધુ ચણાનો લોટ મિક્સ કરી લો. એક કઢાઈમાં તેલ ગરમ કરો. ચણાના લોટની સેવ બનાવવાના સંચામાં સૌથી ઝીણાં કાણાંવાળી જાણી મૂકી બટાકા-ચણાના લોટની સેવ ગરમ તેલમાં તળી લો. ધ્યાન રાખો, શરૂઆતમાં તેલ ગરમ હોવું જોઈએ. તે પછી ગેસ ધીમો કરી દો, જેથી બટાકાની સેવ ફરસી બની શકે.

* લીંબુની ચટણી બનાવવા એક તપેલીમાં ૫૦૦ ગ્રામ લીંબુનો રસ કાઢી લો. બીજ કાઢી લેવાં. લીંબુની છાલમાં પણ બીજ ન રહેવાં જોઇએ. ત્યારબાદ લીંબુની છાલના નાના-નાના ટુકડા કરી લેવા. લીંબુના રસને ગાળી લેવો, જેથી રેસા અને બીજ હોય તો નીકળી જાય. હવે ગેસ પર એક પેન ગરમ કરવા મૂકો. અંદ્ર લીંબુનો રસ અને છોતરાં ઢાંકીને ચઢવા મૂકો. બે-ત્રણ મિનિટ આ રીતે ચઢવા દેવાં. વચ્ચે એકવાર હલાવી લેવાં. લીંબુનાં છોતરાં સોફ્ટ બની જાય એટલે ઠંડાં કરી લો. ત્યારબાદ મિક્સર જારમાં લઈ પેસ્ટ બનાવી લો. ત્યારબાદ પેસ્ટને એક બાઉલમાં લઈ લો. ગેસ પર એક કઢાઇ ગરમ કરવા મૂકો. ગેસની ફ્લેમ મિડિયમ રાખવી. ત્યારબાદ લીંબુની પેસ્ટ અને ખાંડ એડ કરો અંદર અને બરાબર મિક્સ કરી લો. ગેસની ફ્લેમ સ્લો કરી દેવી. ખાંડ ઓગળીને બરાબર મિક્સ થઈ જાય એટલે અંદર બે ચપટી હિંગ, અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું, સિંધવ અને સંચળ નાખો. ત્યારબાદ અડધી ચમચી સૂંઠ નાખી બરાબર મિક્સ કરી લો. હલાવી-હલાવીને ચઢવા દો. લગભગ 5-7 મિનિટ ચઢવવું. ચટણી બરાબર ચઢી જાય એટલે ગેસ બંધ કરી અંદર અડધી ચમચી ગરમ મસાલો એડ કરી મિક્સ કરી લો. ઠંડી પડી જાય એટલે કોઇ બરણીમાં ભરીને ફ્રિજમાં સ્ટોર કરી શકાય છે. આ ચટણી પાચન કરવામાં મદદ કરે છે. ઉપરાંત દાળ-ભાત કે શાક-રોટલી બધા જ સાથે બહુ ટેસ્ટી લાગે છે. નાનાંથી મોટાં બધાંને બહુ ભાવશે આ ચટણી અને એકવાર બનાવ્યા બાદ એકાદ મહિના સુધી સ્ટોર પણ કરી શકાય છે.