Thriller books and stories free download online pdf in Gujarati

થ્રિલર

ક પહાડ જેવો જાડિયો કાળિકા માતાના મંદિરના પગથિયાં ઉતરતો મારી તરફ ધસી આવતો હતો. સફેદ ઝભ્ભો-લેંઘો ને સફેદવાળ વાળો એ હાથમાં કાળી પિસ્તોલ લઈ પળમાં મારી પાસે આવીને ઊભો રહ્યો. એ વ્યવસ્થિત ઊભો રહી શકતો નો’તો, લથડતો હતો.

‘લે આ પિસ્તોલ, મારી નાખ મને, મારી નાખ.’ એમ કહીને જાડિયાએ ધ્રુજતા હાથે પિસ્તોલ મને પકડાવી દીધી. હું ગભરાતા મને સાચુકલી પિસ્તોલને તાકી રહ્યો હતો. પહેલીવાર પિસ્તોલ મારા હાથમાં હતી, અત્યાર સુધી થ્રિલરમાં જ જોઇ હતી. પિસ્તોલ ભારે હતી અને મારા રૂંવાડા ઊભા થવાં લાગ્યાં હતાં. આ જાડિયો કરવાં શું માગે છે?

ત્યારે જ એક ભારી હાથ પિસ્તોલ પર પડ્યો; જોયું તો, એક મોટી મુછવાળો મહાકાય માણસ મારી પાસેથી પિસ્તોલ ઝુંટવી રહ્યો હતો.

‘લાવ, આ મને આપી દે.’ મુછાળો જોરથી બોલ્યો.

પણ, કોણ જાણે કેમ મેં પિસ્તોલ પર પકડ મજબૂત બનાવી અને અમારા બન્નેની આંગળીઓ ટ્રીગર ઉપર લોક થઈ ગયી.

અને – ત્યાં જ સનનન્ કરતી ગોળી છુટી અને ભયાનક ભડાકો થયો. ભડાકાએ બે ક્ષણ માટે મારા કાન બહેરા કરી નાંખ્યા અને મગજ બહેર મારી ગયું. આ બધી ગડમથલમાં પેલા મુછાળાએ પિસ્તોલની પકડ ઢીલી કરી અને ભાગવા લાગ્યો. મેં નજર ફેરવીને જોયું તો આજુબાજુ કોઈ દેખાયું નહી. અચાનક મને થયું આ બધી વાતમાં પેલો જાડિયો કયાં ખોવાઈ ગયો? પાછળ ફરીને જોયું તો જાડિયો ધડામ દઈને મંદિરનાં પગથિયાં પર પડ્યો. મારી નજર એની પીઠ ઉપર ઝડપથી વધતાં જતાં લાલ ડાઘા પર પડી – આતો લોહી.

મારી નાંખ્યા.

મારા હાથમાંથી પિસ્તોલ અને શરીરમાંથી કંપારી છુટી ગઇ. શરીર ઠંડુ પડવા લાગ્યું, પરસેવાના ટીપાં કપાળે ઊપસી આવ્યાં.

હવે?

હવે શું, પોલીસ આવશે અને મને પકડી જશે. ગોળી છુટી ત્યારે પિસ્તોલ મારી પાસે હતી; એની પર મારી આંગળીઓનાં નિશાન છે.

પણ.

પેલા મુછાળાના નિશાન પણ તો છે એની પર, પિસ્તોલ તો એણે પણ પકડી હતી. અરે – એ તો ક્યારનોય રફુચક્કર થઈ ગયો હતો.

પણ.

પેલા જાડિયાને ગોળી પીઠ ઉપર વાગી, અને, અમે બંન્ને એની આગળ ઊભેલા હતા. એટલે કે, જાડિયાને બીજા કોઈની ગોળી વાગી છે. હાશ, હું બચી ગયો.

પણ.

અત્યારે હું જ એકલો અહીં છું. મને ખબર છે કે મેં ખુન નથી કર્યું,પણ, સાબિત કેવી રીતે થશે? પોલીસડા બહુ ખતરનાક, મારમારીને કબૂલાત કરાવે. એ વિચાર થી જ મને ગભરામણ થવાં લાગી.

ના.

હું પોલીસનાં હાથમાં નહીં આવુ, અહીંથી ભાગી જઈશ, કશેક છુપાઈ જઈશ. થોડાક દિવસ પછી પાછો આવીશ. કોઈને કશી ખબર નહી પડે. મારા મનમાં એક સાથે ઘણાં વિચાર આવી ગયાં. મેં મનને મક્કમ કર્યુ. પિસ્તોલ ને ટી-શર્ટથી સાફ કરીને થોડી દુર ફેંકી દીધી. ચાલ, હવે ભાગવા દે. ત્યાં જ યાદ આવ્યું, મારી પાસે પૈસા નથી. કઈં નહીં. ઘર નજીક જ છે, અહીંથી દેખાય છે. અને, મને ખબર છે ઘરમાં પૈસા ક્યાં રાખ્યાં છે.

ત્યાંથી મુઠ્ઠીવાળીને હું નાઠો.

ઘરે પહોંચ્યો ત્યારે બધા ટીવી પર થ્રિલર જોતા હતા. આમ તો મને થ્રિલર બહુ ગમે પણ મારું મન અત્યારે પેલા જાડિયામાં હતું. ઘરનાં પહેલા માળે બારીમાંથી વાંકો વળીને જોયું તો એ જાડિયો જમીન પર પડ્યો હતો. થોડીવાર પછી લોકો ભેગાં થવાં લાગ્યાં, પણ પોલીસ હજુ પધારી નહોતી. આમ, લગભગ પંદર મિનિટ સુધી હું બારી પાસે બેઠો ઘડીકમાં પેલા જાડિયાને તો ઘડીકમાં ઘરનાં લોકોને જોયાં કર્યું. ત્યારે એક હાથ મારા ખભા ઉપર પડ્યો.

‘બારીમાંથી શું ડોકિયું કર્યા કરે છે? બહુ વાંકો ના વળ, પડી જઈશ.’

મેં ઉંચું જોયા વગર ક્હ્યું એમ કર્યું, ધ્યાન દીધું નહીં એ કોનો અવાજ હતો. પણ, ઘરમાં એક જણ વધી ગયો, પૈસા લેવામાં મોડું થશે.

‘તમે લોકો શું આખો દિવસ ટીવી સામે ચોંટી થ્રિલર જોયા કરો છો, બહાર એક થ્રિલર થઈ ગઈ ‘.

હવે મારું મન ઘરનાં ઘટનાક્રમમાં જોડાયું, જોયું તો, પપ્પા કઈંક કહી રહ્યાં હતાં. હું ધ્યાનથી સાંભળવા એમની નજીક ગયો. મને લાગ્યુંકે પપ્પા થોડાં ગભરાતા હતાં અને બોલતી વખતે હાફ્તાં હતાં. ક્યાં તેમનો ઝગડો તો જાડિયા જોડે નો’તો થયોને?

‘પેલા જગ્ગુ જાડિયાનું ખુન એની જ ગેંગના મુન્ના મુછ્છડે કરી દીધું. એ જાડિયો લોહીલુહાણ થઈને મંદિર પાસે પડયો છે.’ પપ્પાએ ફોડ પાડતાં કહ્યું.

એટલે?

એટલે, પપ્પાને ખબર છે કે જાડિયાનુ ખુન પેલા મુછાળાએ કર્યું છે. હાશ, હવે પૈસાની ચોરી નહીં કરવી પડે, ઘરેથી ભાગવું નહીં પડે. કપાળે બાઝેલો પરસેવો મેં ટી-શર્ટથી લુછી કાઢ્યો.

પણ, ગોળી છુટ્યા પછી મેં જોયું તો આજુબાજુ કોઈ હતું નહીં, તો પછી પપ્પાને ખબર કેવી રીતે પડી? મને શંકા થઈ.

‘કેવી રીતે ખબર પડી કે મુન્ના મુછ્છડે છે ખુન કર્યું છે?’ મમ્મી બોલ્યા. મારી જેમ એમની અંદર પણ જાસૂસ જાગ્યો. અમે બન્ને થ્રિલરના શોખીન હતા.

‘મેં બન્ને જણને મંદિરની પાછળ મારમારી કરતાં જોયાં, જગ્ગુ પીધેલો લાગતો હતો. જગ્ગુ ભાગવા ગયો ત્યાં મુછ્છડે એના પીઠ પર ગોળી મારી. હું તરત છુપાઈ ગયો. થોડીવાર પછી બીજી ગોળી છુટવાનો અવાજ મંદિરના આગળની બાજુથી આવ્યો. પણ, હું સંતાઈ રહ્યો’ પપ્પાએ કહ્યું.

‘સારું કર્યું છુપાઈ ગયાં. આ લોકો બહુ ખતરનાક; ગમે ત્યારે, ગમે તેને ગોળી મારી દે. પેલો મુન્નો પકડાયો?’ મમ્મી બોલ્યાં. આખી વાતમાં એમને કોઈ સરસ થ્રિલર જેવો રસ પડતો હતો.

‘જ્યારે હું મંદિરની આગળ આવ્યો તો જોયું મંદિરનાં પગથિયાંથી રસ્તા સુધી લોહીના ટીપાંની ધાર હતી. પોલીસ શોધી કાઢશે એને.’ પપ્પાએ કહ્યું.

મને થયું, અમારી ઝપાઝપીમાં જે ગોળી છુટી તે મુન્નાનાં પગ પર વાગી હોવી જોઈએ.

‘ચાલો હવે ટીવી બંધ કરો. જમવા બેસી જઈએ. હવે થ્રિલરનો ધી એન્ડ લાવો.’ પપ્પા સહેજ અકળાયા.

મારો નંબર આવે તે પહેલાં મેં હોમવર્ક શરૂ કર્યું.

પણ, ક્યાં આઠમા ધોરણનું બોરીંગ ગણિત અને ક્યાં થ્રિલર. પછી થયું, આજે તો દાવ થઈ જાત.આ બધી થ્રિલર જોવાની-વાંચવાની ગમે, પણ, જો આપણી જોડે થાય તો પરસેવો છુટી જાય.