Yogpeeth books and stories free download online pdf in Gujarati

યોગપીઠ

"અર્ણવ, આજે પૂનમ છે ખૂબ શુભ દિવસ સાંધ્ય હવનયજ્ઞની તૈયારી રુપે લાકડા, છાણાં, શ્રીફળ, હવન સામગ્રી, હવનકૂંડ સાફ કરીને બધું તૈયાર કરી નાંખ". અર્ણવે ગુરુજીનો આદેશ સાંભળીને હસતાં મુખે બોલ્યો" જી ગુરુજી મને યાદ છે હું કેમ ભૂલૂ ? હું હમણાંજ બધી તૈયારી કરી દઉ છું.

અર્ણવ ગુરુબાલકનાથજીની યોગપીઠમાં બે વર્ષ પહેલાં દાખલ થયેલો. સંસ્કૃત, ભાષા ભણતાં ભણતાં એમાં પ્રવીણ થઇ ગયો પછી તો એણે વેદ પુરાણ, ઉપનિષદ ભણીને કંઠ્સ્થ કરી દીધાં. ગુરુ બાલકનાથજીનો માનીતો ચેલો બની ગયો હતો. એને ગુરુજીની સાદગી, વિનમ્રતા, સાલસ સ્વભાવ, જ્ઞાન વિજ્ઞાનમાં પારંગત તથા પરંપરાગત સનાતન ધર્મનું જ્ઞાન, તંત્ર, મંત્ર, જંત્ર તથા સાંસારિક આંટીઘૂંટીઓમાં આસાન ઉકેલ લાવી શકાતા પ્રભાવી તેજોમય ગુરુ બાલકનાથજીમાં સાક્ષાત ઇશ્વરનાં જ દર્શન કરતો.

આજ સોમવતી પૂનમનો દિવસ છે. આજે ગુરુજી સાથે હવનયજ્ઞ કરવા બેસવાનું છે. એણે હવનયજ્ઞ માટે સંપૂર્ણ તૈયારી કરી દીધી. યજ્ઞશાળામાં કચરો વાળી સાફ સૂથરું કરીને યજ્ઞકૂંડ સાફ કરી. અગાઉનાં યજ્ઞની ભસ્મ એક પાત્રમાં એકઠી કરી મૂકી દીધી. હવનકૂંડમાં કાષ્ઠ મુકી- આગળ પવિત્રજળ આચમાની પવાલૂં તરભાણું તૈયાર કર્યા . એક તાસમાં હવન સામગ્રી, શ્રીફળ, બાજુમાં ઘીનું પાત્ર અને બે આસન મૂક્યાં. બધીજ તૈયારી સંપૂર્ણ કરી.

ગુરુજીનાં આગમન થયા પછી ગુરુજી એમનાં આસને બિરાજ્યા. અર્ણવ એમની સાથે બેઠો. અર્ણવે ગુરુજી અને પ્રગટ સ્વરુપ માં બાબાનું ઇશ્વરનું ધ્યાન ધર્યું. પ્રથમ ગુરુજીનું આહવન કરીને પ્રણામ કર્યા પછી પોતાનાં ખોળામાં આજે વિશેષ એક આસન મૂક્યું ગુરુજીએ જોયું અને પછી આગળની વિધીમાં પરોવાયા. અર્ણવે બધાનું અહવાન કરી પ્રાર્થના કરી અને ગુરુજીની પ્રેરણાથી ગણપતિ અને મહાદેવનાં મંત્રોચ્ચાર પહેલાં ઓમકારથી હવનયજ્ઞ શરૂ કર્યો.

અર્ણવે, કુળદેવી માં-કુળદેવતાં, પિતૃનારાયણ, અને અર્ધનારીશ્વર સ્વરુપ ઇશ્વર, ગુરુદેવનાં સ્મરણ સાથે શ્લોકો બોલી હવનયજ્ઞ પૂર્ણ કર્યો. પછી થી ગુરુદેવ અને ઇશ્વરને નમીને આશીર્વાદ લીધાં. સંપૂર્ણ આશીર્વાદથી તૃપ્ત થયો.

અર્ણવ, આજે ખૂબ ખુશ હતો. જાણે એની બધીજ મનોકામનાઓ પુરી થઇ હતી. ઉત્તમ બ્રાહ્મણ કૂળમાં જન્મેલો અર્ણવ, સંસ્કારી અને વિનમ્ર હતો. સામાન્ય આર્થિક સ્થિતિમાં પણ દરેક રીતે ઉત્તમ ઘડતર થયેલું કોલેજ કાળ દરમ્યાન થયેલો પ્રેમ એને લગ્ન સુધી નહોતો લઇ જઇ શક્યો. થોડો નાસીપાસ થઇ ગેયલો. પ્રેમમાં મળેલી નિષ્ફળતાથી નિરાશ થયેલો, સંસ્કારી હોવાથી બીજી રસ્તે ના વળી જતાં અહીં યોગપીઠમાં ગુરુજી પાસે આવી ગયેલો. ધીમે ધીમે સમય જતાં એનો વિષાદ અને પીડા ઓછી થઇ ગઇ હતી. હવે એનાં માટે યોગપીઠ ધર અને ગુરુજી સર્વસ્વ હતાં.

યોગપીઠમાં આવ્યો ત્યારે ગુરૂજીએ સંક્ષિપ્તમાં એને પૂછેલું યોગપીઠમાં આવવાનું કારણ ગુરૂજી ખૂબ જ્ઞાની હતાં અને ત્રિકાળનું જ્ઞાન હતું છતાં એમને અર્ણવ વિષે જાણવા માટે પૂછ્યું હતું. બ્રાહ્મણનાં દીકરાને એમણે આશરો આપ્યો. સંસ્કૃત ભણાવી નિપુર્ણ કર્યો. અર્ણવનાં રસ ને કારણે વેદ-પુરાણ-ઉપનિષદ બધું કંઠસ્થ કરી ગયો. આટલા સમયમાં ગુરૂજીએ એને એનાં પ્રેમ વિષે કાયારેય નહોતું પૂછયૂં. આ પહેલા જ હવન યજ્ઞ સમયે આવીને કહ્યું “દિકરા આજે હવનયજ્ઞની તૈયારીમાં એક આસન વધુ રાખજે”. અર્ણવ કહ્યું ગુરૂજી જરૂર પણ હું સમજ્યો નહી કોના માટે? કોઈ આવવાનું છે? આપણી સાથે હવનયજ્ઞમાં બેસવાનું છે?

ગુરૂજી કહે રૂબરૂતો કોઈ નથી આવવાનું પરંતુ હવન અ‍હી કરતી વખતે તું તારા ખોળામાં આસન રાખજે અને જે જીવ માટેની જીજીવિષા છે એને સૂક્ષ્મ સ્વરૂપે તારાં ખોળામાં સ્થાપિત કરીને પછીજ હવનયજ્ઞ કરજે જેથી તારો સૂક્ષ્મ સંબંધ પ્રગટ સ્વરૂપે તને પછી મળશે હું બધુજ જાણું છું. હું કહું એમ આદેશ સમજીતે હવનયજ્ઞ કરજે.

અર્ણવ રોમાંચિત થઈ ગયો. આજે હવનયજ્ઞ કરતી વખતે બધી તૈયારી પછી પોતાના ખોળામાં આસન મૂકી માંબાબા સ્વરૂપ અ‍ધનારીશ્વરાય સ્વરૂપ ઇશ્વરને પ્રાર્થના કરી. ગુરૂવંદના કરી સાથે સાથે જોડેલા જીવને સ્થાપિત કરીને સરસ રીતે હવનયજ્ઞ પુરો કર્યો. આજે કોઈક અલોકીક આનંદ હતો કોઈ અનોખી તૃપ્તિ હતી. ગુરૂજીએ આપેલા જ્ઞાન પ્રમાણે આસ્થા રાખી ધીરજ રાખીને એક આશાશ્પદ સમય ની રાહ જોવા લાગ્યો….

નથી કાળાતી તારી કોઈ ચાલ મને

સમજાવ બધી તું તારી વાત મને

કુદરત તારાં પારખ્યાં સંકેત આજે

હાથમાં તારાંજ તું સર્વ ભેદ રાખે

આપી આશિષ પૂરા ના ફેર કારતો

વિશ્વાસ તારોજ હું હરપળ કરતો

તારી ચિંધેલી ડગર પર ડગ ભરતો

દીલમાં હું આસ્થાનું બળ ભરતો.

અર્ણવ - યોગપીઠનાં બગીચાનાં બાંકડે બેસી કવિતા ગણગણી રહેલો. અર્ણવ ને આજે અંદરથી આત્મવિશ્વાસ વધી ગયેલો લાગ્યો. પોતાનો ખોવાએલો પ્રેમ જાણે હવે સાવ નિકટ છે એવો એહસાસ થવા લાગ્યો. એણે અવકાશ તરફ જોઈને બે હાથની મુદ્રા બનાવીને જાણે આભાર વ્યક્ત કરી રહયો. ત્યાં આકાશમાં પૂનમના ચંદ્રમાં સંર્પૂણ ગોળ અને તેજોમય હતાં.

*************

આમ સમય સરતો રહ્યો પરંતુ અર્ણવને થયેલા સંકેત અને એહસાસ પ્રમાણે પ્રિયતમાને મળવા અંગે જાણે કઈ દ્રશ્યમાન થઈ નહોતું રહ્યું એ થોડો નાસીપાસ થયો. યોગ જ્ઞાન થી એની ધીરજ ખુબ કેળવાય હતી છતાં આજે એ ખૂબ અસ્વસ્થ થઈ ગયો. મનમાં કંઈક નક્કી કર્યુ અને ઉઠીને એ તરત ગુરૂજી પાસે ગયો.

“ગુરૂજી તમારાં આપેલાં જ્ઞાન અને સંસ્કાર પ્રમાણેજ હું બધું કરી રહયો છું. હવન યજ્ઞ - પ્રાર્થના બધુંજ હર પળ મારામાં ઇશ્વર અને એના રૂપી પ્રેમ પ્રજ્વલીત રહે છે. દુનિયાની કોઇ બીજી વાત મને સ્પર્શતી નથી ભૌતિકતા કે બીજા સુખ મારાં નજરમાં નથી આવતાં આમ કયાં સુધી મારી ધીરજની કસોટી થશે? હું ઈશ્વરને હજી સુધી જોઈ નથી શક્યો પરંતુ અહેસાસ છે. મૂર્તિ કે તસ્વીરમાં હું ભાવમય થઇ એમને અનુભવું છું. મારી આંખો ભાવથી ભરાઇ આવે છે. મારી સાવ નીક્ટ હોવા છતાં ક્યારેક બહુ દૂર લાગે છે. પુરાણ-વેદ સમજાવે છે પ્રકૃતિ ઇશ્વર સવરૂપ છે. ગુરુજી હું તો બધામાં એમનું અર્ધનારીશ્વર સ્વરુપ, યુગ્મ સ્વરુપ જોઊં છું. પ્રકૃતિ"માં" અને પુરુષ "પરમાત્મા" આમ અર્ધનારીશ્વરને પ્રાર્થના કરુ છું મને તમે જે આપવા માંગો છો એ મારુ અર્ધુઅંગ મને આપી દો. કોલેજ કાળમાં જે પ્રેમ થયો એ મોહ અને આકર્ષણ હતું પરંતુ મને પુરું જ્ઞાન છે મને મારો સાચો પ્રેમ હવે મળી જશે.

ગુરુજી અર્ણવને સતત સાંભળી રહ્યા મંદ મંદ હસતાં હસતાં જોઇ રહ્યા. અર્ણવે કહ્યું" પ્રભુ તમે મારી પીડામાં આનંદ લો છો મને આર્શીર્વાદ આપો મને મારો પ્રેમ મળી જાય હવે આ પીડા નથી સહેવાતી-વિરહ છે કોનો છે એય નથી ખબર પણ પ્રેમપીડા છે કોઇ એમ કહેતો અર્ણવ ગુરુજીમાં પગ પકડી લે છે.

ગુરુજી અર્ણવને આશ્વસન આપતાં કહે છે. હવે છેક આરે આવી ગયો છે કેમ ધીરજ ગુમાવે ? બધુંજ સારુંજ થશે. નિશ્ચિંત થઇને વિશ્રામ કર અને કુદરતી જે બને -સ્ફુરે એ તરફ પ્રયાણ કરજે તારુ ઇચ્છેલું બધુંજ મળી જશે. ભગવાન તારું બધુંજ ભલું જ કરશે.

અર્ણવ સવારનું ધ્યાન સંપન્ન કરી યોગપીઠનાં નદી તરફનાં પગથીયા પર બેઠો હતો. સવારનું ખુશનુમા વાતાવરણ હતું. નહીવત માણસોની અવરજવર હતી. મંદ મંદ શીતળ પવન વાઇ રહેલો. અર્ણવ પણ ખૂબ આનંદમાં હતો. ત્યાં એની નજર નદી કિનારા ઉપર પડી. ત્યાં કોઇ તણાઇને કિનારે આવ્યું હોય એવું લાગ્યું અને એની આજુબાજુ બે ચાર માછીમારો એ વ્યક્તિને પાણીમાંથી બહાર કાઢી રહેલા. અર્ણવની નજર પડતાંજ એ તરફ દોડી ગયો એ પહોંચીને માછીમારીઓને પૂછવા લાગ્યો કોણ છે ? શું થયું.

એક વૃધ્ધ જેવા માછીમારે કહ્યું "યોગીજી કોઇ સ્ત્રી તણાઇને આવી છે. હજી શ્વાસ ચાલુ છે જીવી રહી છે. અર્ણવની નજર પડી માંડ 24 વર્ષની યુવતી હતી. એની છાતીમાં પાણી ભરાયેલું અર્ણવે પ્રાથમિક ઉપચાર કરવા માંડ્યા એનાં શરીરમાંથી પાણી બહાર કાઢ્યું અને પેલી સ્ત્રીએ ઉંહકાર કર્યો અને ઉધરસ સાથે ગળામાંથી પાણી કાઢ્યું થોડાં સમય પછી સ્વસ્થ થઇને આંખો ખોલી એણે નજર સામે કોઇ યુવાન યોગી હતો. એ થોડી ભાનમાં આવી શરમાઇ અને પોતાનાં વસ્ત્ર સરખા કરવા લાગી.

અર્ણવે કહ્યું "તમે કોઇ ચિંતા ના કરશો. હવે તમે સ્વસ્થ છો સામેજ અમારો યોગાશ્રમ છે અમારી યોગપીઠ છે તમે ત્યાં ચાલો ત્યાં તમારી સારવાર થશે. પેલી સ્ત્રી સંકોચ સાથે ઉભી થઇ અને અર્ણવના ટેકાથી ધીમે ધીમે યોગપીઠ તરફ ચાલવા લાગી. અર્ણવને એ સ્ત્રીનાં સ્પર્શથી શરીરમાં કંઇક અગમ્ય લાગણી અનુભવાવા લાગી બંન્ને જણાં મૌન સાથે યોગપીઠ પહોંચી ગયાં.

યોગપીઠમાં આવ્યા પછી અર્ણવે ગુરુજીને જાણ કરી અને એક અલાયદા રૂમમાં પેલી કન્યાને સુવરાવી અને યોગપીઠમાં સ્ત્રી સેવીકાને એનું ધ્યાન રાખવા સૂચના આપી બીજાં કપડાં આપવા કહ્યું. પેલી સ્ત્રી હવે થોડી સ્વસ્થ અને નિશ્ચિંત લાગી.

ગુરુજી અને અર્ણવ બંન્ને સેવિકા અને વૈદ્યને લઇને મહેમાન કક્ષમાં આવ્યા. વૈદ્યરાજે પેલી કન્યાને તપાસી કહ્યું. કોઇ ચિંતાજનક સ્થિતી નથી જે હતી ટળી ગઇ છે. કહી બે પ્રકારની ફાકી આપી મધ સાથે લેવા કહી એમણે વિદાય લીધી. ગુરુજીને જોય પેલી કન્યા ગુરુજીનાં ચરણ સ્પર્શ કર્યા. ગુરુજીએ કહ્યું "સુખી રહો શતંજીવં શરદ આર્શીવાદ આપ્યા અને કહ્યું દીકરા અહીં તમે સુરક્ષિત છો. કોઇ ચિંતા ના કરશો. તમારો પરીચય શું છે ? તમે અહીં તમારી મરજીનાં સમય સુધી રહી શકો છો. નિશ્ચિંતતા થી રહો અને પછી તમે કેવી રીતે નદીમાં તણાયા એ બધી વિગત જણાવજો. પણ હાલ આરામ કરો.

કન્યાએ થોડાં ગભરાયેલાં સ્વરે કહ્યં ગુરુજી હું આ શહેરનીજ છું મારું નામ અમી છે. મારા પિતાનું મૃત્યું ઘણાં સમય પહેલાં થઇ ચૂકેલું હું મારી માં અને મારાં ભાઇ ભાભી સાથે રહેતી હતી. મારી માંનું બે મહીનાં પહેલાં જ અચાનક મૃત્યુ થયેલું એ પછી મારા ભાભીએ મારું લગ્ન કરી મને ઘરમાંથી બહાર કાઢવા મારાં ભાઇને કહ્યું મારા ભાઇએ ભાભીની ચઢવણીથી એમનાં બદચલન અને ગુંડાજેવા ભાઇ સાથે મારાં લગ્ન કરાવાનું નક્કી કર્યું. મેં ના પાડી તો મારી સાથે બળજબરી લગ્ન કરવા માટે એ લોકોએ આયોજન કર્યું અને લગ્નનાં આગલે દિવસે એટલે પરમ દિવસે રાત્રે હું ઘર છોડીને નીકળી ગઇ. આમ તેમ ભટકતી રહી કોઇ માર્ગ ના સૂજતાં હું આજે નદીમાં કુદી પડી અત્યારે જ્યારે મને બચાવી મને ભાન આવ્યું ત્યારે હું કિનારે હતી.

ગુરુજીએ કહ્યું "સાચી વાત હવે તું સાચેજ કિનારે આવી ગઇ. જીદગીનાં સાચા કિનારે, કંઇ નહી આરામ કરો પછી વાત કરીશું ગુરુજીએ ઋષી સેવીકાઓને ધ્યાન આપવાની સૂચના આપીને ગયાં.

અર્ણવે થોડીવાર ત્યાં ઉભો રહ્યો. ગુરુજી ગયા પછી પણ એ તરત ત્યાંથી ના ખસી શક્યો. વારે વારે એની નજર અમી પર પડી રહી હતી એ એને ઓળખવા મચી રહેલો. એને થયું એણે આમને ક્યાંક જોઇ છે. પછી યાદ ના આવતાં રૂમની બહાર નીકળી ગયો.

અર્ણવ યોગપીઠનાં બગીચામાં વૃક્ષો વેલોને પાણી આપી રહેલો. એનુ ધ્યાન વૃક્ષો તરફ હતું. એ લોકો સાથે જાણે ઓતપ્રોત હતો વાતો કરી રહેલો. મનમાં આવેલા વિચારોના ચિંતન સાથે એ લોકોને જાણે પ્રશ્ન કરી રહેલો. એ એટલો બધો તન્મય હતો કે આસપાસ શું છે શું થઇ રહ્યું છે એનું ભાન નહોતું.

એટલામાં જોરથી ચીસ સંભળાઇ એણે કોઇને બોલતાં સાંભળ્યું અરે રે સંભાળો... તમારી પાછળની ડાળે નાગ છે. એકદમ એ ધ્યાનભંગ થયો અવાજની દિશામાં નજર કરી તો અમી એને બૂમ પાડી રહી હતી અને દોડતી એની નજીક આવી રહી હતી. એણે એ પછી વૃક્ષની ડાળી તરફ નજર કરી નાગ નીચે સરકી રહેલો."

અહી એકદમ અર્ણવની નજીક આવી ગઇ એ ગભરાયેલી હતી એનો શ્વાસ ચઢી ગયેલો. અર્ણને સ્મિત કરતાં કહ્યું" અરે અરે શાંત થાવ તમે ખૂબ હાંફી રહ્યા છો" અમી કહે તમારું ધ્યાનજ નહોતું કેટલો મોટો સાપ હતો કરડી ગયો હોત તો ? અર્ણવે અમી તરફ વ્હાલથી જોતાં કહ્યું તમે દૂરથી પણ મારું ધ્યાન રાખ્યું તમારો આભાર. અમી બે ક્ષણ કાંઇ ના બોલી અને પછી અર્ણવની આંખમાં આંખ પરોવી કહ્યું "દૂરથીજ નહીં પણ તમે પ્રથમ મળેલા એજ દિવસથી તમને હૃદયમાં રાખી જીવુ છું. પરંતુ….. એમ કહી રડતી રડતીએ વિશ્રામ ખંડ તરફ દોડી ગઇ."

અર્ણવને પાકો વિશ્વાસ થઇ ગયો અને સાથે સાથે હૃદયમાં ખૂબ આનંદ છવાયો. એને યાદ આવી ગયું? એ ઓળખી ગઇ ? હું એજ છું એને ખ્યાલ આવી ગયો છે. એણે મને.... બધુંજ યાદ આવી ગયું. મેં અહીં આવી વાળ ઉતરાવી મુંડન કરાવીને સફેદ વસ્ત્રો ધારણ ક્યોં મારી ઓળખ બદલી છતાં તે ઓળખી ગઇ એ ખૂબ આનંદીત થઇ ઇશ્વરનો આભાર માનવા લાગ્યો ગુરુજીનાં આશીર્વાદ યાદ આવી ગયા. ધીરજ ના ગુમાવીશ આરે આવી ગયો છું તને તારુ મળીજ જશે. આજે મારો પ્રેમ મને હાથવેંતજ લાગે છે. અર્ણવ વૃક્ષોને બંગીચામાં પાણી આપી. બધાં સાધનો એની જગ્યાએ મૂકીને અમીને જે રૂમ આપેલો. એ તરફ આગળ વધ્યો પછી કંઇક વિચારતાં અટકયો અને ગુરુજીનાં સેવારૂમમાં જઇને માબાબાનાં ચરણે મસ્તક મૂકી આભાર માન્યો અને સંપૂર્ણ આર્શીવાદ માંગ્યા.

અર્ણવ બહાર આવીને બગીચામાં બનેલા યોગ માટેનાં સ્થાનમાં આવી બેઠો. થોડીવાર શાંતચિત્તે બેસીને ધ્યાનમગન બન્યો અને પંચતત્ત્વનાં સ્મરણમાં મગ્ન થઇ ગયો. ખાસ સમય પછી એણે ધીમે ધીમે આંખ ખોલી અને સામે જોયું તો અમી એની સામે જ જોઇને બેસી રહેલી એનુ મન એકદમ પવિત્ર અને શાંત હતું એણે પ્રેમભરી નજરે અમી તરફ જોયું અને અમીને વાંચવા લાગ્યો. અમીની આંખમાં પ્રેમભર્યા આંસુઓથી તગતગતાં જોઇને એ એની નજીક આવ્યો અને અમીનું મુખ હાથમાં લઇને વ્હાલ કરી કપાળ પર ચૂમી લઇ લીધી. અમી પણ નિઃસંકોચ થઇને અર્ણવને વળગી પડી અને ધ્રુસકે ધ્રુસકે રડી ઉઠી. અર્ણવ કંઇ પણ બોલ્યા વિના એને રડવા દીધી. થોડી વારે અમી શાંત થઇ ગઇ એ હજી અર્ણવને વળગીજ રહી હતી. અર્ણવે એને પોતાની બાંહોમાં ભરેલી હતી એનાં ડુસકા હજી અર્ણવને અનુભવતા હતાં. અમીનાં રુદનથી અર્ણવનો ઝભો ભીનો થઇ ગયો હતો. આજે બે પ્રેમી આત્મા એકબીજાનાં શરીરને વળગીને મિલન નો આનંદ લઇ રહ્યાં હતાં. અવકાશમાંથી ઇશ્વરની આંખો અમી નજરે આશીર્વાદ આપી રહી હતી. અને ગુરુજી દૂરથી એ લોકોને નિરખી સંતોષનું સ્મિત વેરી રહ્યા હતાં.

અમીએ અર્ણવની થોડાં અળગા થતા કહ્યું "અર્ણવ મારે તમને બધુંજ કહેવું છે કોલેજનાં સમયમાં હું પણ તમને ખૂબ પસંદ કરતી હતી પરંતુ મારા આરેમાન ભાઇને ખબર પડી ગઇ હતી અને એણે... અર્ણવે અમીના મુખ પર હાથ દાબી કહ્યું " મારે કાંઇ સાંભળવું નથી જે થયું એ પ્રારબ્ધ હશે મારા માટે આજની ઘડી ધન્ય છે રળીયામણી છે કે મને તું મળી ગઇ છે. જે વીતી ગયું એ ભૂતકાળ હતો. હવે વર્તમાનમાં તું મારી પાસે છું ભવિષ્ય તારું મારી સાથે સુરક્ષિત છે. માંબાબા અને ગુરુજીનાં સંપૂર્ણ આશીર્વાદ છે. મારા માટે યોગપીઠ મારું પ્રારબ્ધનું કારણ અને તારાં મિલનનું સ્થળ બની ગયું છે.

અમી અર્ણવનાં પ્રેમમિલનને યોગપીઠનાં સર્વએ વધાવ્યું અને ગુરુજીની આજ્ઞાથી બંન્ને જણનો પ્રેમવિવાહ કરાવવામાં આવ્યો અને ગુરુજીનાં આદેશથી યોગપીઠમાંજ કાર્યક્ષેત્ર અને રહેવા માટેની વ્યવસ્થા થઇ ગઇ.

યોગપીઠમાં સન્યાસમાં સંસ્કાર અપાય છે ત્યાં આજે રુઢીને બદલી આજે સંસાર અને પ્રેમનાં સંસ્કારનો સમન્વ્ય થઇ ગયો આજે પંચતત્વની હાજરીમાં અમી અર્ણવ એક થઇ ગયાં.

------ સંપૂર્ણ------