sukshmadrashta - 3 in Gujarati Short Stories by sagar chaucheta books and stories PDF | સુક્ષ્મદ્રષ્ટા -૩

Featured Books
  • Run Or Hide? - 1

    ‎शहर की सबसे पॉश कॉलोनी 'गोल्डन हाइट्स' के आखिरी छोर...

  • स्वर्ग का दरवाजा - 2

    अगर मैं आपसे पूछूँ की हिंदू धर्म का आधार किस एक बात पर आप तय...

  • Beginning of My Love - 9

    ​"कैसा हीरा पैदा किया है प्रोफेसर देशमुख ने...!"​"क्या?" प्र...

  • वेदान्त 2.0 - भाग 39

     ,  वेदांत 2.0: 'अज्ञात अज्ञानी' के अस्तित्व-दर्शन औ...

  • Hero - 5

    फिर वही पुजारी जतिन से कहता है। "काल रक्षक आइए अपनी शक्तियों...

Categories
Share

સુક્ષ્મદ્રષ્ટા -૩

સૂક્ષ્મદ્રષ્ટા-૩


મહિલાઓ ને ભારતમાં ‘માતૃ શક્તિ’ તરીકે ઓળખવામાં આવે છે. માતા માટે અગાઉ ઘણી વખત લખી ચુક્યો છું. પણ આજ ના આ સૂક્ષ્મદ્રષ્ટા શ્રેણીમાં એક એવી મહિલા વિશે વાત કરવાની છે જે પુત્ર કે પુત્રી ને નહીં પણ એક માતાને જન્મ આપે છે.


માતા ને જન્મ આપે છે નો અર્થ આ સત્ય ઘટના ને લખવાનો મારો ત્રીજો પ્રયાસ છે. અગાઉ સૂક્ષ્મદ્રષ્ટા ના પ્રથમ અંકમાં પ્રાણીઓ ની મદદ કરનાર સેવા ધારી વડિલ ની વાત કરી હતી. સૂક્ષ્મદ્રષ્ટા -૨ માં માણસ ને માણસાઈ શીખવનારા રીક્ષા ચાલક શ્રી ઉદયસિંહ જાદવ ની વાત કરી હતી. આજે ત્રીજા અંકને આપના સમક્ષ મુકતા માતૃવંદનન વિશેષ અનુભૂતિ થાય છે.


રાત ના એક-દોઢ વાગ્યા હશે ને બાળકનો રડવાનો અવાજ સંભળાતા શાંત વાતાવરણમાં એ રડવાનો અવાજ ઓરડાની બહાર ઉભેલા સ્વજનો માટે ખુશીઓ ના વધામણાં કરનારો હતો બાળકને છાતીએ લગાડી રાત્રીના લગભગ ત્રણ વાગ્યે કપડામાં વીંટાળી બાળક ને બહાર લાવી તેના પિતાને બતાવતા જ પિતા જાણે કોઈ રાજ્યનો મહારાજા હોય તે રીતે પોતાનાં ફાટેલા કપડાંના ખિસ્સામાં હાથ નાખીને ખિસ્સામાં રહેલી છેલ્લી વધેલી વીસ રૂપિયાની નોટ કાઢીને બાળક લઈ આવનારી એ સ્ત્રીને આપવા ગયા જતા જ રોકાઈ ગયા. થોડું વિચારીને પૂછ્યું “એ કેમ છે?”


બાળકને હાથમાં લઈને ઉભેલી સ્ત્રી બોલી “કલાક સુધી જોર કરી ને થાકી ગઈ અને અત્યારે ભાનમાં નથી દસ પંદર મિનિટ પછી તમે મળી શકશો, નૉર્મલ થઈ છે.”


નૉર્મલ શબ્દ સાંભળીને તેણે હાથમાં રાખેલા વીસ રૂપિયા આપીને કહ્યું “બેન મારી પાસે આપવા માટે કશું નથી પણ તમને ભગવાન સુખી રાખે તેવી મારી પ્રાર્થના, આ વીસ રૂપિયા રાખો આટલા જ છે.”


“ભાઈ ! આ સરકારી દવાખાનું છે અહીંયા ફી ભરવાની જ નથી અને તમારે તો સાક્ષાત દેવી અવતરી છે સરકાર તમને પૈસા આપશે.”


“બેન ! આ તમારા માટે છે. સરકારી સહાય નું તો મને કાલે જ ડૉક્ટર સાહેબે કહ્યું હતું. નાનો માણસ છું તમે મને ના ન કહેતા. આ પૈસા ભેટ સમજીને રાખી લ્યો. આ મારું પ્રથમ બાળક છે. જ્યારથી એના સારા દિવસો ચાલતા હતાં હું પ્રાઇવેટ દવાખાનામાં જ લઇ જતો હતો, પણ અચાનક આ બધું થયું એટલે જ અહીંયા આવવું પડ્યું. આ વીસ રૂપિયા મારી માનતા ના છે. ભગવાન ના મંદિરે ચડાવવાના હતાં. અત્યારે તો મારા માટે આપ જ ભગવાન છો. કહેવાય છે ને ડૉક્ટર એ ભગવાન નું રૂપ છે. તો આ પૈસા રાખીને મારી માનતા ઉતારો.”


“તમે કહો છો તો હું આ પૈસા લઈ લઉં છું પણ હું ભગવાન તો નથી, થોડી સારવાર બાદ તમે તમારા બાળક અને તેની માતા ને લઈ જઈ શકો છો. બાળક અને તેની માતા બંને સ્વસ્થ છે છતાં કાલે સવારે બાળકોના ડૉક્ટર આવી ને તેનું ચેકઅપ કરે ત્યાં સુધી અહીંયા જ રહો તો વધુ સારું કાલે તમારે ધક્કો ન થાય.”


બાળક ને તેની માતા પાસે મૂકી હાથ સાફ કરી પર્સ માંથી પાંચસો રૂપિયા કાઢીને બહાર ઉભેલા બાળક ના પિતાને આપતા બહેને કહ્યું “હું મારા ઘરે જાઉં છું.આ પાંચસો રૂપિયા રાખો અને સવારે ભાભીને નાસ્તો અને ચા પીવડાવી દેજો. આ ભેટ નથી તમારી પાસે પૈસા આવે ત્યારે આપી દેજો. એક બહેન છે તેને ભલામણ કરી દીધી છે કોઈ કામ પડે તો મને ફોન કરી દેજો.”આટલું બોલીને બહેન પોતાના ઘરે જવા માટે ત્યાંથી નીકળી ગયા. બાળક ના પિતાને બોલવાનો મોકો આપ્યો હોત તો તે પાંચસો રૂપિયા પરત કરી દેતો.


થોડીવાર બાદ દવાખાના માં એકદમ શાંતિ છવાઈ ગઈ, તાજું જન્મેલું બાળક તેની માતા, પિતા સુઈ ગયા અને દવાખાનામાં હાજર સ્ટાફ તેના કાગજી કામમાં લાગી ગયો.


રાત્રીના બે-ત્રણ વાગે બહેન દવાખાને પહોંચ્યા અને બોલ્યા “કમળાબેન જલ્દીથી રૂમ તૈયાર કરો.” કમળાબેન કાગળો તૈયાર કરવામાં વ્યસ્ત હતાં અને અચાનક બહેન નો અવાજ સાંભળી થડકી ને બોલ્યા “બીજી સુવાવડ ! બેન ઇમરજન્સી છે?”


“હા, પેશન્ટ બહાર રિક્ષામાં છે હું તેને લઈને આવું છું. તમે જલ્દી કરો.”


પ્રથમ જન્મેલા બાળકનો પિતા ઝડપથી આવી ને બોલ્યો “બેન હું કોઈ મદદ કરી શકું?”


“તમે રીક્ષા માંથી બેન ને દવાખાના માં લઇ આવો, હું અને કમળાબેન અંદર તૈયારી કરીએ છીએ. પેશન્ટને જાળવીને ઉતારજો.”


દવાખાના ના પ્રસુતિગૃહ અંદરની તૈયારીઓ થઈ પેશન્ટને અંદર લઈ ગયા અને થોડી જ વારમાં ફરી એક બાળકનો રડવાનો અવાજ સંભળાયો.


બહેને કમળાબેન ને આગળનું કામ સોંપી અને દવાખાના બહાર પગ મૂક્યો અને ત્રીજી પેશન્ટ તૈયાર હતી. બહેને ચહેરા પર જરાય થકાવટ ન દેખાય તે રીતે પેશન્ટ ને પ્રસુતિ ગૃહમાં બોલાવી લીધાં અને ફરી એક બાળક નો એ જ પ્રકારે રડવાનો અવાજ આવ્યો ત્યાં સુધીમાં સવાર ના છ વાગી ગયા હતાં.


એક રાતમાં ત્રણ મહિલાઓ ની સફળતા પૂર્વક સામાન્ય સુવાવડ કરાવ્યા બાદ બહેન ના ચહેરા પર થાક જોયા બાદ કમળાબેન બોલ્યા “બેન ! અજય ને કાલે સ્કૂલે હું મૂકી આવીશ તમે ચિંતા ન કરતાં આરામ કરજો.”


બહેન ચહેરો રૂમાલ થી સાફ કરતાં બોલ્યા “વાંધો નથી, રમા છે ઘરે એ સાચવી લેશે.” કમળાબેન અને બહેન ની વાત ચાલુ હતી ત્યારે તેની વાત સાંભળનાર બાળક નો પિતા બોલ્યો “બહેન, રાત્રે બાર વાગ્યા થી અત્યાર સુધી તમે સતત છ સાત કલાક સુધી કામ કરતા રહ્યા છો. મેં ભગવાન જોયા નથી પણ તમને જોઈને એ તો વિચાર આવે છે કે અમારી ઘરવાળી દીકરો કે દીકરી જણે છે પણ તમે તો માતા જણો છો. મારી દીકરી ને હું ખૂબ ભણાવીશ અને તમારા જેવી બનાવીશ.”


આ વાત અને ઘટના મેં સાંભળી તેને ઘણા વર્ષો વીતી ગયાં એ બહેન એટલે કે માતાને જન્મ આપનારા સ્વ.શ્રીમતી ઉષાબેન ડી. ઝાલા FHS હતાં. આજે તે આ દુનિયામાં આપણા વચ્ચે નથી પરંતું તેના જેવું જ માતાને જન્મ આપવાનું કામ કરતાં શ્રીમતી હંસાબેન એન પીનારા ની મુલાકાત થયા બાદ તેમના વિશે માહિતી મેળવવા માટે પ્રયત્ન કરતા ખ્યાલ આવ્યો કે કચ્છના અંજાર તાલુકાના મેઘપર(બોરીચી) ના નવનિર્મિત PHC સેન્ટર માં ફરજ બજાવે છે અને 2004 થી ગયા અઠવાડિયે હું તેમને મળ્યો ત્યાં સુધીમાં 4332 મહિલાઓ ની નૉર્મલ પ્રસુતિ કરાવી છે. તેણી એ પણ પોતાના સેવા કાર્યમાં કરેલા પરિશ્રમ થી ઘણી માતા ને જન્મ આપ્યો છે.


તેમના બે બાળકો આકાશ અને દીપ 22 / 19 વર્ષના છે.


આ પ્રકારના લોકોને કોઈ ભેટ કે કિંમત થી નહીં તેમની કર્તવ્યનિષ્ઠા અને કાર્યદક્ષતા નું યોગ્ય સન્માન આપવું તે પણ ફૂલ નહીં તો ફૂલની પાંદડી જેટલું બની રહે…


નોંધ : મારી આ વાર્તા સત્ય છે, પસંદ આવે તો લાઈક શેર કરજો પરંતુ એક લેખક માટે કોઈ રચના ને કાગળ પર ઉતારવા પણ મહેનત લાગતી હોય છે કૉપી પેસ્ટ મારા નામ વિના કરવી તે કોપીરાઇટ કાનૂન નો ભંગ ગણાશે.


આજે મારી દીકરી ના જન્મદિવસ પર મારી આ રચના તેને ભેટ કરું છું સાથે જ મહિલાઓ અને બાળ વિકાસ માટે કામ કરી રહેલા તમામ કર્મયોગી સેવા સાધકોને સમર્પિત કરું છું.


-સાચો

૧૦-૦૧-૨૦૧૯