મૃગજળ - પ્રકરણ - 16

     કરણ અને નર્મદા બહેનને ધવલ પરાણે નયનના ઘરે લઈ ગયો હતો. નયનનું ઘર સામાન્ય કરતા ખાસ કહી શકાય એમ હતું. એના ફોયરમાં સોફાચેર, કોસ્ટલી વુડન ફર્નીચર અને એલ.ઈ.ડી. ટેલીવિઝન જેવી ચીજો એની સારી એવી આવકને દર્શાવી રહી હતી.

     ફોયરના સોફા ઉપર કરણ પીઠ ટેકવીને સિલિંગમાં લગાવેલ પંખાની ફેરી જોઈ રહ્યો હતો. એનું મન પણ એ ફેનની ફેરી જેમ ફરતું હતું! ગજબ ભયાનક રીતે એ મૂંગો બેઠો હતો! આખું વાતાવરણ શાંત હતું. મૃત્યુ પછીની શાંતિ! કરણ માટે જાણે એની વૈભવી, એનો પ્રેમ, એની પત્ની એનું બધું જ જે હતી તે વ્યક્તિ મૃત્યુ પામી હતી! 

     કોલેજમાં જ્યારે વૈભવી મળી ત્યારે કરણને પહેલી જ વાર થયું હતું કે મારા માટે પણ કોઈ છે. પોતે સ્પષ્ટતા કરી હતી કે પોતે મિડલ ક્લાસ છે ત્યારે વૈભવીએ કહ્યું હતું, "કરણ તું મને સ્વીકારે એ જ મારી ખુશનસીબી હશે! તારા જેવો પતિ મળે ત્યારે બીજું શું જોઈએ એક છોકરીને?" 

     એ જ શબ્દો પર કરણે પહેલીવાર એને ગળે લગાવી હતી. કરણ સ્ત્રી પ્રેમથી વંચિત હતો! બાળપણમાં જ મા ગુજરી ગઈ હતી, દીપકના લાડમાં ઉછરેલો કરણ સદાય માની સ્મૃતિ વાગોળ્યા કરતો, અને જ્યારે વૈભવી મળી ત્યારે એને પહેલી જ વાર થયું હતું કે કોઈ બીજી સ્ત્રી મારી મા જેવી છે! કરણે કોલેજની બીજી છોકરીઓ જોઈ હતી, છોકરાઓ સાથે રખડયા કરવાનું, કોલેજ બંક કરીને બિયર પાર્ટી કરવી, એ બધી બુરી આદતોવાળી છોકરીઓ વચ્ચે સીધી અને સાદી વૈભવી મળવી એટલે કાદવમાં કમળ જેવી જ વાત હતી! 

     કરણ એ નિર્દોષ વૈભવીની યાદોમાં હતો. એની સરખામણી આ ખૂની વૈભવી સાથે આપમેળે જ થઈ રહી હતી! એ દિવસે પાર્ટીમાં કાકા ખરું કહી ગયા હતા કે બૈરાં ઘરમાં જ શોભે! કાશ કે હું માન્યો હોત! કાશ કે મેં કડક થઇ પગલાં લીધા હોત! તો ગિરીશ સાથે એ... 

     કરણની આંખ ફરી એક વાર ભીની થઇ ગઇ. મોબાઈલ સ્ક્રીનમાં દેખાતા માના ફોટાને એ જોઈ રહ્યો. ફોટો જાણે કહેતો હતો આ આંસુ પણ એક મૃગજળ છે કરણ! માણસ જાતે જ દુઃખ પાછળ ભાગે છે અને આખરે હાથમાં કઈ આવતું નથી. આંસુ ક્યાં હોય છે? આંખની પાછળ કે હૃદયની અંદર? છતાં એ આવી જાય છે! 

     કરણે નજર હટાવી લીધી. માની તસ્વીર આગળ જેના વખાણ કર્યા કરતો એ વૈભવી આજે અલગ જ નીકળી હતી. 

     વાતાવરણ શોક સભા જેવું શાંત અને કરુણ હતું. એક તરફ ખૂણામાં નર્મદા બહેન બેઠા હતા. બંનેની આંખોમાં વૈભવી માટે એક નફરત એક ધિક્કાર હતો! 

     ધવલ ચા બનાવી લાવ્યો. ટીપોઈ પર કાચના મગ મુકતા થયેલો અવાજ પણ આખા ઘરમાં જાણે સંભળાય એવું શાંત વાતાવરણ હતું! ધવલે બનેને એક એક કપ આપ્યા પણ કોઈ કાંઈ બોલ્યું નહિ. 

     "કરણ... તું જે વિચારે છે એવું કાઈ નથી કરણ." ધવલે આખરે શાંતિ તોડી. 

     "તો શું છે ? પાંચ લાખનો ચેક શુ છે ? વૈભવિના મનમાં જે સતત મૂંઝવણ હતી એ શું છે...?" 

     વાતાવરણ એકાએક ખળભળી ઉઠ્યું. શાંત વાતાવરણમાં કોઈએ ધક્કો દીધો હોય એમ કરણનો દર્દ ભર્યો અવાજ ફોયરમાં ગુંજી ઉઠ્યો. 

     "એ બધું એની મજબૂરી પણ હોઈ શકે કરણ."

     "ધવલ, મજબુર તો નર્મદા બહેન પણ હતા, પતિ વગર પણ એમણે બધું ચલાવ્યું ને? તો વૈભવી માટે તો હું હતો એને એ બધી કરવાની કોઈ જરૂર જ નહોતી." 

     નર્મદા બહેન નીચું જોઈ ગયા. ધવલને કાઈ સુજ્યું નહિ. એ મનોમન મૂંઝાતો રહ્યો. કરણને કોઈ રીતે સમજાવી શકાય એમ નહોતો. ધવલ જાણતો હતો કે જ્યાં સુધી વિશ્વાસ હોય ત્યાં સુધી જ પ્રેમ ટકે છે, એક વાર વિશ્વાસનો પાતળો દોરો તૂટી જાય પછી એ પ્રેમનું ભાર સહન નથી કરી શકતો. 

     "પણ કરણ, વૈભવી તને ચાહે છે, એ... એ તારી સાથે કેટલી ખુશ હતી. તું પણ એને ચાહતો હતો અને આજે પણ ચાહે છે." ધવલે ભારપૂર્વક કહ્યું. 

     "ધવલ, વિશ્વાસ એક એવી લક્ષમણ રેખા છે જ્યાં નફરત આવી નથી શકતી પણ એ લક્ષમણ રેખા ભૂંસાઈ જાય તો પ્રેમની જગ્યાએ નફરત આવી જાય. હું ધિક્કારું છું એ સ્ત્રીને, નફરત કરું છું...." કહી કરણ ઉભો થઇ ઝડપથી દરવાજા બહાર નીકળી ગયો... 

     "કરણ તું ક્યાં જાય છે?" ધવલ એકાએક નર્મદા બહેન તરફ ફર્યો, "તમે પ્લીઝ ક્યાંય જતા નહિ, હું એને લઈ આવું છું." 

     નર્મદા બહેને હકારમાં ગરદન ઝુકાવી. 

     ધવલ એની પાછળ ભાગ્યો..... પણ એ પહોંચે એ પહેલા જ કરણનું બાઈક સ્પીડ પકડી ચુક્યું હતું... 

     "કરણ પ્લીઝ, વાત સાંભળ મારી....." પણ એના શબ્દો કરણે સાંભળ્યા ન હોય એમ એણે બાઈક હંકાર્યે રાખ્યું. 

     ધવલ દોડતો રોડ ઉપર ગયો, ઝડપથી આવતી એક ટેક્સીને હાથ કરી રોકી, સદનસીબે ટેક્સી ખાલી.. 

     "કિધર જાના હે સાબજી?" 

     "વો પર્પલ શર્ટવાલા આદમી જા રહા હે ઉસકે પીછે." 

     ધવલ એટલું બોલ્યો ત્યાં જ ટેક્સી ડ્રાઇવર જાણે બધું સમજી ગયો એમ એક્સીલેટર દબાવી દીધું.

                                                                                                   *

     નયન પૂરપાટ ઝડપે ગાડી દોડાવી જતો હતો. ઇન્સ્પેકટર અમર પણ એને ખ્યાલ ન આવે એમ એની પાછળ ચપળતાથી જઈ રહ્યો હતો... એ ટ્રાફિકમાં જે ગતિથી નયન કાર હંકારી રહ્યો હતો એ પરથી ઇન્સ્પેકટર સમજી ગયો કે નયન જે બહારથી દેખાય છે એ તો નથી જ. સામાન્ય માણસ ક્યારેય એ સિફતથી કાર ન હંકારી શકે. એ કામ કા’તો પોલીસ કે ગુનેગાર માટે જ શક્ય હતું.  

     બિઝનેસમેનના ખૂનનો નિવેડો ઘણીવાર મહિનાઓ કે વર્ષો સુધી આવતો નથી અને અહીં નયન જે ઝડપે જઇ રહ્યો હતો એના પરથી અમરે ગાંઠ વાળી લીધી હતી કે જરૂર નયન સાથે ખુનનું કોઈ રહસ્ય ગૂંથાયેલું છે.

     ગઈ રાત્રે અમર એક કેસ બાબતે દૂર સુધી ગયો હતો. એકાએક કાંટા ઉપર નજર પડતા એને ખ્યાલ આવ્યો કે જીપમાં ડીઝલ કાંટો રેડ પટ્ટી ઉપર આવી ગયો હતો. જો નયન હવે વધુ સમય ગાડી હંકારશે તો પોતે એનો પીછો નહિ જ કરી શકે. પણ ઇન્સ્પેકટર અમર જરાય ચાહતો ન હતો કે નયન હાથમાંથી  નીકળી જાય. 

     રેલવે એન્જીનના ધબકાર જેમ એના મનમાં વિચાર આવતા હતા - જતા હતા. એકાએક થયું ઇન્સ્પેકટર જાડેજા વૈભવીને ઍરેસ્ટ કરવા જશે. જેવી એ હોશમાં આવશે કે તરત એને કસ્ટડીમાં લઈ જશે. જો ફરી વૈભવીને એ આઘાત લાગશે તો જરૂર એ ફરી બેશુદ્ધ થઈ જશે, અને કદાચ ફરી ક્યારેય એ કોન્સિયસ ન થાય! 

     ઇન્સ્પેકટર અમરને વૈભવી પુરી નિર્દોષ નહોતી લાગતી પણ છતાં અમર એક બાબત ફોલો કરતો હતો. ભલે હજાર ગુનેગાર છૂટી જાય પણ એક નિર્દોષને સજા ન મળવી જોઈએ. એણે એક હાથમાં સ્ટિયરિંગ લીધું બીજા હાથથી ફોન નીકાળી ઇન્સ્પેકટર જાડેજાના પર્સનલ ફોન ઉપર ફોન કર્યો. એ જાણતો હતો કે ઇન્સ્પેકટર જાડેજા ખાસ સ્ટેશને હાજર ન જ હોય! 

     રિંગ વાગતી રહી, ઇન્સ્પેકટર અમરને થયું મેં હમણાં જ નંબર બદલ્યો છે. કદાચ ઇન્સ્પેકટર જાડેજા નહિ ઉઠાવે. થોડીવારે સામેથી ઇન્સ્પેકટર જાડેજાએ ફોન ઉઠાવ્યો ઇન્સ્પેકટર અમરને બે ચાર અવાજ સંભળાયા.

     "હેલો... જાડેજા સાહેબ હું અમર..." 

     પણ એ આગળ બોલે ત્યાં જ ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો. ઇન્સ્પેકટર જાડેજા સાહેબ જરૂર કોઈ મિટિંગમાં હશે. અમરે ફોન ખિસામાં સેરવ્યો. ત્યાં ફરી એક મુસીબત આવી. ગાડી ઝટકા સાથે ઉભી રહી. કાંટા ઉપર નજર કરી ડિઝલનું એકે ટીપુંય વધ્યું ન હોય એમ લાગતું હતું! 

     ઇન્સ્પેકટર અમર તરત હેઠો ઉતર્યો. આમ તેમ નજર કરી, હાથ કર્યો પણ કોઈ ગાડી ઉભી ન રહી. મુંબઈમાં ગાડીના માલીક જોડે એટલો પૈસો હોય છે તેમજ કાગળ પણ બધા ક્લિયર જ હોય છે, એટલે ભાગ્યે જ કોઈ કારનો માલીક ઇન્ટરસિટીમાં ગાડી રોકે. ચેકીંગ હોય તો વાત અલગ છે પણ આમ એકલદોકલ પોલીસવાળો હાથ કરે તો ઘણા તો એને ખોટો (ડુપ્લીકેટ) પોલીસ સમજીને ગાડી હંકારી જ મૂકે! 

     અમરે ગાડીને લાત મારી. રેડ ઇલેન્ટ્રાને જોઈ રહ્યો. રસ્તો એકદમ સીધો હતો અને ઢોળાવ પણ હતો. દૂર સુધી ઇલેન્ટ્રા દેખાતી હતી, હજુ પણ ખાસ્સી દૂર જાય ત્યાં સુધી ઇન્સ્પેકટર અમર જોઈ શકે એમ હતો. ઇન્સ્પેકટર અમરને થયું નયન હાથમાંથી નીકળી ગયો, કૈક રંગે હાથ પકડવા જેવું હવે નહિ મળે. પણ ત્યાં જ ઇલેન્ટ્રા ધીમી પડી અને ઉભી રહી. 

     ઇન્સ્પેકટર અમર હવે કોઈ ગાડીની રાહ દેખે એમ નહોતો,ત્વરિત નિર્ણય શક્તિ એ ઇન્સ્પેકટર અમરની ખાસ આવડત હતી. એણે ઇલેન્ટ્રા તરફ દોડવા માંડ્યું. 

     ઇન્સ્પેકટર અમર લાંચ આપીને બની ગયેલો ઇન્સ્પેકટર નહોતો! સર્ટિફિકેટ અને મહેનત ઉપર બનેલો અફસર હતો. દેખાવડા ચહેરા સાથે કસરતી બદન અને સમજુ મન ધરાવતો હતો. દસ કિલોમીટર સુધી દોડવું પણ એના માટે મુશ્કેલ ન જ હતું! 

     મુંબઈની એ ઢોળાવવાળી સડક ઉપર ઇલેન્ટ્રા સુધી પહોંચતા એને દસેક મિનિટ થઈ હશે. જ્યાં ઇલેન્ટ્રા ખડી કરી હતી ત્યાં પહોંચતા જ એના મનમાં ફાળ પડી! 
    ઇમારતના સાઇનિંગ બોર્ડ ઉપર નજર કરી અને ઇન્સ્પેકટર અમરને પોતાનો શક સત્ય લાગ્યો. નયનની કાર ગિરીશની ઓફીસ આગળ આવીને ઉભી રહી હતી. 

     અમરે બેલ્ટ બટન ખોલી રિવોલવોલ લીધી, કાર્રટીઝ ચેક કરી લીધું અને ખુલ્લા દરવાજામાં એ પ્રવેશ્યો. 

     દરવાજો ખોલતા જ એ એક દીવાલ સાથે ચમ્પાઇને ખસવા લાગ્યો. અંદર કોણ હશે અને કેટલા માણસો હશે એની પણ એને ખબર નહોતી, છતાં એ બહાદુર અફસર હતો.

    અમર ધીમે ધીમે અવાજ ન થાય એમ આગળ વધ્યો, દીવાલ પુરી થાય ત્યાં એક બીજો દરવાજો હતો. દરવાજા પાસે ઉભા રહી એણે સેફટી કેચ હટાવી કારણ ગમે તે પળે હવે કોઈ પણ એની ઉપર તૂટી પડે એ ઉપરવાળો જ જાણે! ગિરીશનું ખુન થયું ત્યારે એની બોડી લેવા અહીં ઇન્સ્પેકટર જાડેજા આવેલો એટલે એ દીવાલ પાછળ કેટલા ચેમ્બર હશે ક્યાં કઈ રીતે ગોઠવણ હશે એ ઇન્સ્પેકટર અમર જાણતો નહોતો. 

     અમરે એ બિલ્ડીંગની એક એક વિગત યાદ કરી. એની આંખો આગળ કોઈ ફિલ્મની જેમ દરેક રૂમ કમર અને ચેમ્બર દેખાયા. એ પોતાની ફોટો ક્રોમિક મેમરી પર આછું મલક્યો. રિવોલ્વરની પકડ મજબૂત કરી એ દરવાજામાં ઘૂસ્યો પણ અંદર કોઈ હતું નહીં! તરત અમર ડુડઝ ક્રોચ કરીને એક ટેબલ પાછળ ગયો.  જરાય અવાજ વગર એ ત્યાં બેસી રહ્યો. એકાએક એને યાદ આવ્યું કે ઇન્સ્પેકટર જાડેજા કદાચ વળતો ફોન કરે તો રીંગના એક જ અવાજે શાંત વાતાવરણ ખળભળી ઉઠે.. તરત એણે ફોન સાયલન્ટ મોડ પર મૂકી દીધો. 

     અમરે બાજુમાં જોયું, એક કાચની ચેમ્બર હતી. એ ચેમ્બરમાં વૈભવી બેસતી. જે ટેબલ પાસે ઇન્સ્પેકટર અમર હતો એ ટેબલ ગિરીશનું હતું. 

     ઇન્સ્પેકટર અમર ધીમેથી ક્રોચ કરતો આગળ વધ્યો, ટેબલની પાછળ જે ચેમ્બર હતી એ પણ કાચની જ હતી પણ પારદર્શક નહોતી. ઇન્સ્પેકટર અમર સમજી ગયો કે અંદરથી બહારનું બધું દેખાતું હશે. એટલે એ ક્રોચ કરતો જ આગળ વધ્યો.

     એ કેબિનના કાચ લગભગ 4 ફૂટ સુધી ફર્નિચરમાં મઢેલા હતા. 4 ફૂટ સુધી લાકડાના ખાના બનાવેલ હતા જેમાં ફાઈલો હતી. ઇન્સ્પેકટર અમરને એ બધું જ ફાયદાકારી નીવડ્યું. પણ હવે એ છેલ્લો અર્ધ ખુલ્લો દરવાજો ખોલી અંદર જવું જરા જોખમી હતું! અંદર બે માણસો હોય કે પાંચ. એમની પાસે હથિયાર હોય કે ન પણ હોય! કદાચ મીની મશીન ગન પણ હોઈ શકે. 

     છતાં અમર એ બધું રંગે હાથ પકડવા માંગતો હતો. એ જાણતો હતો કે પોતાનું નિશાન ચૂકશે નહિ, જો કોઈનો હુમલો થશે તો એ આ ખાનાની આડશમાં છુપાઈ પણ શકશે. 

     અમર દરવાજા પાસે ગયો કે એને અવાજ સંભળાયો. 

     "મને એજ નથી સમજાતું કે હું અહી દસ મિનિટથી આવ્યો છું અને તું આ દીવાલો જોયા કરે છે." 

     એ અવાજ નયનનો હતો. એ ગુસ્સામાં જ હતો. 

     "નયન, મેં તને અહીં બોલાવ્યો છે, મને જોઈ તો લેવા દે." એક શાંત અવાજ આવ્યો. 

     "પણ તું શું દેખે છે? તને ખબર છે આ કોઈ નાનો કેસ નથી, બિઝનેસમેન નું ખુન થયું છે." નયન ફરી એવાજ ઊંચા અવાજે બોલ્યો. 

     "મને ખબર છે. હું એક મહિનાથી મુંબઈમાં જ હતો, પણ હું તને મળી શક્યો નથી એક કામમાં હતો." 

     ઇન્સ્પેકટર અમર ધ્યાનથી સાંભળી રહ્યો. નયન ઊંચા અવાજે બોલતો હતો પણ પેલો બીજો અવાજ એકદમ સ્વસ્થતા રાખી વાત કરતો હતો. ઇન્સ્પેકટર અમર સમજી ગયો કે જ્યાં ખુન થયું છે ત્યાં ધોળા દિવસે કોઈ વ્યક્તિ આવે, અને એ પણ એટલી સ્વસ્થતાથી વાત કરે એટલે એ કોઈ ધંધાદારી જ હોવો જોઈએ. કોઈ પ્રોફેશનલ કિલર! 

     થોડીવાર એ વાત સાંભળ્યા પછી અમરને અંદાજ આવી ગયો કે અંદર બે જ માણસ છે. એક નયન અને એક એનો સાથી કે પછી એનો બોસ! 

     રિવોલ્વરની પકડ મજબુત કરી અમર એકદમ અંદર ધસી ગયો... "હેન્ડ્સ અપ." 

     નયન સાથે જે માણસ હતો એ ઇન્સ્પેકટર અમર કરતા વધુ ઝડપી નીકળ્યો! એણે પોતાની સ્ટેઇનલેસ સ્ટીલ જેવી ચમકતી ગન ઇન્સ્પેકટર અમર સામે ધરી દીધી! 

     "ઓકે વાત કરીએ." અમરે શાંતિથી કહ્યું. 

     પોલીસ ડ્રેસ જોઈ પેલા વ્યક્તિએ પણ વાત કરવાની તૈયારી બતાવી. 

     ઇન્સ્પેકટર અમર પણ એ છ ફૂટના ખડતલ માણસને જોઈ રહ્યો. એના રેશમી વાળ એના ચહેરા ઉપર આડેધડ પડ્યા હતા. એની આંખો ક્યાંક જોઈ હોય એમ લાગતું હતું. જરાક જરાક હસતા હોય એવા એના હોઠ એકંદરે ચહેરાને પ્રભાવશાળી બનાવતા હતા! 

     એ કોઈ જીમનો ટ્રેઇનર હોય એવા એના મસલ્સ હતા. સત્તર ઇંચના બાયસેપ એની ટીશર્ટમાંથી દેખાતા હતા. અમરે વિચાર્યું કે જો ગન મૂકીને વાત કરીશ અને એ ચપળતાથી નજીક આવી જાય તો એને પહોંચી વળવો મુશ્કેલ પડે કેમ કે એણે જે મજબૂતાઈથી ગન પકડી હતી એનાથી એના બાયસેપની નસ ફુલાઈને બહાર આવી ગઈ હતી. એ પકડ પ્રોફેશનલ કિલરની જ હોય!

     ઇન્સ્પેકટર અમર બધું સમજી ગયો હતો સિવાય કે એ માણસ એટલી શાંતિથી ઇન્સ્પેકટર અમર સાથે વાત કરવા તૈયાર હતો! 

     "મી. નયન તમે અહીં શુ કરો છો? આ માણસ કોણ છે?" અમરે પૂછ્યું. 

     "એ મારો મિત્ર છે ભાઈ કહું તો પણ ઠીક છે, તમે ધારો છો એવું કંઈ નથી." નયને ઠંડા પડતા કહ્યું.

     "આઈ સી. હું ધારું એવું ન હોય તો જ તમારી ભલાઈ છે કેમ કે મારી ગન ખૂનીને છોડતી નથી મી. નયન." અમરે મક્કમતાથી કહ્યું. 

     પેલો માણસ બધું સાંભળી રહ્યો. 

     "તમે અહીં શુ કરો છો? જ્યાં ખુન થયું છે એ જગ્યા પર કા’તો પોલીસ આવે કા પછી ખૂની અને તમે પોલીસ તો છો નહિ તો પછી ખૂની જ હશો." 

     "નહી ઇન્સ્પેકટર....." 

     "ઇન્સ્પેકટર અમર, સબ ઇન્સ્પેકટર અમર..." અમરે પોતાનું નામ હોદ્દા સાથે પેલાને કહ્યું. 

     "વેલ, મી. અમર હું મારો હાથ ખિસ્સામાં નાખું છું. હું કોઈ ચાલાકી નથી કરતો તમને મારી આઈ.ડી. બતાવું છું જસ્ટ રિલેક્સ..." પેલા માણસે હસીને કહ્યું. 

     નયન અને ઇન્સ્પેકટર અમર કઈ સમજ્યા ન હોય એમ એને જોઈ રહ્યા.

     "ઓકે ગો અહેડ..." અમરે કહ્યું અને એ માણસ કોઈ ચાલાકી ન કરે એ માટે ઉમેર્યું, "મને નિશાન બાજી માટે નેશનલ એવોર્ડ મળી ગયો છે." 

     "આઈ એસ્યોર યુ મી. અમર કે તમારે તમારી કળા બતાવવાની જરૂર નહીં પડે... અહીં તો નહીં જ પડે." હસીને પેલા માણસે ખિસ્સામાં હાથ નાખ્યો.. મિલટરી કાર્ગો જીન્સના પાછળના પોકેટમાંથી એક આઈ.ડી. નીકાળી ઇન્સ્પેકટર અમર તરફ ફેંકી. 

     અમરે ધ્યાનથી એની સામે રિવોલ્વર અને નજર તાકી રાખી પગ જોડે પડ્યું આઈ.ડી. ઉઠાવ્યું. આઈ.ડી. ઊંચું કરી બીજા હાથથી ચહેરા સામે લાવ્યું... 

     "દિપક શાસ્ત્રી.... સી.બી.આઈ. એજન્ટ....???" 

     "યસ મી. અમર હું દિપક શાસ્ત્રી કરણ શાસ્ત્રીનો મોટો ભાઈ સી.બી.આઈ. એજન્ટ છું. તમે તમારી ગન હટાવો તો વાત કરીએ." 

     ઇન્સ્પેકટર અમરે ગન હટાવી અને આઈ.ડી. આપ્યું. 

     "તું સી.બી.આઈ. એજન્ટ છે?" નયનના મોઢે ઉદગાર નીકળી પડ્યો. 

     "હા નયન હું કોઈ ગુંડો નથી, બલકી અન્ડર કવર એજન્ટ છું તને  તો ખબર જ છે ને ચોરી કરવી મારી આદત નહોતી પણ એ હું કરણ માટે કરતો, કરણની એક એક ખુશી માટે હું મોટી મોટી ચોરી કરતો ગયો અને મારી એ આવડત થઈ ગઈ." 

     "તો હવે વૈભવીનું શુ? એ હોસ્પિટલમાં બેહોશ પડી છે, કરણ સાવ ભાંગી પડ્યો છે, વૈભવી હોશમાં આવશે એટલે એને ઇન્સ્પેકટર જાડેજા જેલમાં ધકેલી દેશે." 

     "હું એની જ તપાસ માટે અહીં આવ્યો છું નયન." દીપકે કહ્યું.

     "તું એજન્ટ છે એ વાત તે મને પણ ન કહી દિપક?" જરાક ઠપકો આપતા નયને કહ્યું. 

     "મી. નયન સી.બી.આઈ. એજન્ટના ઘરવાળાને પણ ખબર નથી હોતી કે એ એજન્ટ છે, તમે તો મિત્ર છો." ઇન્સ્પેકટર અમરે જ દીપકનો જવાબ આપ્યો,         "સોરી મી. નયન પણ એજન્ટ કોઈનો ભરોશો ન કરી શકે... શક્ય છે એ જાણવું તમારા માટે જોખમી હોઈ શકે." 

     "હા નયન મી. અમરે ખરું કહ્યું, ઘણીવાર એજન્ટ વિશે જે જાણતા હોય એ લોકો ફસાય છે." 

     "ખેર એ બધું જવાદે, તું સી.બી.આઈ. એજન્ટ છે અને કરણ તને ગુંડો સમજે છે." 

     "એને ક્યારેય આ બધું નથી કહેવાનું નયન, એ મને ગુંડો સમજે એમાં જ ભલાઈ છે એની." 

     "હું લગન વખતે આવ્યો ત્યારે જ મને શક થયો હતો કે વૈભવી કોઈ રહસ્ય લઈ બેઠી છે." 

     "તો તે કોઈ સર્ચ કેમ ન કરી?" 

     "એ સમયે હું કામમાં હતો, અને મેં એમ ધાર્યું હતું કે એ કોઈ ફેમિલી પ્રોબ્લેમ હશે નિરાંતથી એ બધું ઉકેલીશ પણ આ બધું થઈ ગયું." 

     "મી. દિપક તમે મુંબઈમાં એક મહિનાથી શુ કરો છો?" ઇન્સ્પેકટર અમરે પૂછ્યું. 

     "ડ્રગ ડીલર ડેનીને હું શોધતો હતો એક મહિનાથી." 

     "ડેની ઉર્ફ ડિસોઝા? કશ્મીરમાં બ્લાસ્ટ કેસમાં જેનું નામ હતું એ જ?" ઇન્સ્પેકટર અમર પણ એ નામચીન દાણચોરને ઓળખતો હતો.

     "હા ડેની ઉર્ફ ડિસોઝા, કશ્મીરમાં બ્લાસ્ટ કર્યા પછી એણે પ્લાસ્ટિક સર્જરી કરાવી ચહેરો બદલી દીધો, સી.બી.આઈ.એ એની તપાસ મને સોંપી હતી. એને ફોલો કરતા કરતા એનો નવો ચહેરો અને અડ્ડો મુંબઈમાં મેં શોધી લીધો છે." 

     "એ ડેનીને મરવા દે અત્યારે તું કરણનું વિચાર." નયન વચ્ચે જ બોલ્યો.

     "હું અહી કરણ માટે જ આવ્યો છું." 

     "પણ અહીં તો પોલીસ બધી તપાસ કરી ચુકી છે દિપક, અહીં તને શું મળશે?" 

     "પોલીસ પોતાનું કામ કરી શકતી હોત, મગજ ચલાવી શકતી હોત તો સી.બી.આઈ.ની જરૂર જ ન પડોત નયન." 

     ઇન્સ્પેકટર અમર કાઈ બોલે એ પહેલાં જ દીપકે કહ્યું, "અને જે મગજ ચલાવી શકે છે એ પોલીસ અફસર પાસે હોદ્દો નથી હોતો." 

     "એબ્સલ્યુટલી રાઈટ મી. દિપક. ઇન્સ્પેકટર જાડેજાએ આ કેસમાં પૂર્વગ્રહ બાંધી લીધા છે. અને મિસિસ વૈભવી શાસ્ત્રી એમાં બધી રીતે ખૂની સાબિત થઈ છે પણ મને નથી લાગતું કે એ ખુન કરી શકે." કહી અમરે પ્રેક્ટિકલ બધું બતાવવા માંડ્યું. 

     "મી. દિપક મેં બધા ફોટોગ્રાફ્સ જોયા છે. આ ચેરમાં ગિરીશની લાસ પડી હતી. ચેર આગળ આ પાંચ ફૂટનું ટેબલ છે."       

     દિપક અને નયન અમરના ઈશારા પ્રમાણે બધું જોતા રહ્યા. 

     "મી.દિપક વૈભવી શાસ્ત્રી કોઈ કિલર નથી, પાંચ ફૂટના આ ટેબલના આ બાજુના ભાગેથી ગિરીશને બરાબર માથાના વચ્ચેના ભાગે એ શૂટ કઈ રીતે કરી શકે?" 

     "નયન તું જરા એ ચેરમાં બેસ." 

     નયન એ ચેરમાં બેઠો, દીપકે ગન નીકાળી અને ટેબલના બીજા છેડે ઉભો રહ્યો. નયન સામે ગન ધરી કઈક જોયું. 

     "યુ આર રાઈટ મી. અમર વૈભવી ગોળી મારે તો એ ગિરીશને ક્યાંય આડા અવળી વાગી હોત." દીપકે કહ્યું. 

     "મતલબ ખૂની તમારા કે મારા જેવો હોવો જોઈએ." 

     "યસ, વેલ ટ્રેઇન્ડ." 

     "હું ઇન્સ્પેકટર જાડેજાને એ જ કહેવા માંગતો હતો પણ એ કોઈનું સાંભળે એમ નથી મી. દિપક. વૈભવીએ ખુન કર્યું હોય તો એ ગન ઉપરથી ફિંગર પ્રિન્ટસ નાબૂદ કરીને ગન ગિરીશના હાથમાં આપે એવું શક્ય નથી, જે વ્યક્તિ પોલીસની પૂછપરછથી બેશુદ્ધ થઈ જાય એ વ્યક્તિ આ બધું ન કરી શકે." 

     "એક મિનિટ." કહી દિપક ચેમ્બર બહાર નીકળી ગયો. એની પાછળ ઇન્સ્પેકટર અમર અને નયન પણ ગયા.

     દિપકે ગિરીશની ચેમ્બરમાં જઈને એના ટેબલ ઉપર જે પી.સી. હતું એ ઓન કર્યું. 

સી.સી.ટી.વી. ફૂટેજ જોયું. 

     "મી. અમર પાછળની ચેમ્બરનું શુટિંગ આ પી.સી.માં નથી. મતલબ એ ચેમ્બરમાં ગિરીશ બીજો કોઈ ધંધો કરતો હશે, અથવા ખાસ કોઈ માણસો સાથે પૈસાની લેવડ દેવડ કરતો હશે." 

     "એ ખાસ માણસો માંથી જ કોઈએ એનું ખુન કર્યું છે." અમરે કહ્યું. 

     "યસ પણ એક વાત નથી સમજાતી, એ ચેમ્બરમાં સી.સી.ટી.વી. ઓન નથી તે છતાં ત્યાં સી.સી.ટી.વી. લગાવેલ છે." દિપકને એ વાત સમજાઈ ન હોય એમ વિચારવા લાગ્યો. 

     "મતલબ ગિરીશ, ત્યાં સી.સી.ટી.વી. રાખતો હતો પણ એનું શુટિંગ ઓન નહોતું. એ માત્ર લોકોને દેખાડવા પૂરતા જ ત્યાં લટકાવેલ હતા." અમરે કહ્યું. 

     "હા પણ એક વાત બીજી નથી સમજાતી કે એ સી.સી.ટી.વી.નું શુટિંગ ઓન નહોતું તો પછી એ ચેમ્બરમાંથી ખૂનીએ સી.સી.ટી.વી. કેમેરો કેમ ગાયબ કર્યો છે?" 

     "તમને કઈ રીતે ખબર?" 

     "વેલ..." કહી દિપક ફરી અંદરની ચેમ્બરમાં ગયો. 

     "મી. અમર દેખો સામેની દીવાલ પર એક સર્કલ દેખાય છે, ત્યાં દિવાલનો રંગ ડાર્ક છે એનો અર્થ એ કે ત્યાં કઈક હોવું જોઈએ પણ અત્યારે નથી. એ સાઇજનું બીજું ત્યાં શુ હોઈ શકે?"

     "સી.સી.ટી.વી. જ હોવો જોઈએ." અમરે કહ્યું. 

     "યસ પણ હવે એ નથી, એટલે ખૂનીએ એ સી.સી.ટી.વી. ગાયબ કર્યો છે."

     "પણ જો ખૂની ઘણીવાર એ ચેમ્બરમાં આવેલો હોય, ગિરીશ સાથે પૈસાની લેવડ દેવડ કરી હોય તો એને ખબર જ હોય કે એ સી.સી.ટી.વી. બંધ છે, તો એ શું કામ એ સી.સી.ટી.વી. ગાયબ કરે?" 

     "કદાચ ખૂની પહેલી જ વાર અહીં આવ્યો હોય તો?" દીપકે કહ્યું. 

     "તો એને ખબર ન હોય કે ગિરીશ આજે સ્ટાફના માણસો ગયા પછી અહીં બેસવાનો છે." અમરે કહ્યું.

     "પોઇન્ટ."  

     "આ બધું મને તો કઈ સમજાતું નથી." નયન બોલ્યો. 

     "મી. અમર ડ્રોઅરમાં ક્યાંક તો સી.સી.ટી.વી. લગાવ્યા એના ખર્ચના બિલ હશે જ, કોણે સી.સી.ટી.વી. લગાવ્યા છે એ બિલ કહેશે." 

     "અને પાછળના ચેમ્બરમાં સી.સી.ટી.વી. ઓન હતો કે નહીં એ પણ સી.સી.ટી.વી. લગાવનાર વ્યક્તિ જ કહી શકશે." 

     "સી.સી.ટી.વી???" નયને એકાએક કહ્યું, "એ તો ધવલે જ લગાવ્યા હતા." 

     "શુ ધવલે? એ કોણ છે? તમને કેમ ખબર?" અમરે પૂછ્યું.

     "ધવલ મારો કઝીન છે, એણે મને કહ્યું હતું કે મેં વૈભવિના બોસને ત્યાં ફિટિંગ કર્યું એમાં મને સારા એવા પૈસા મળ્યા છે." નયને કહ્યું. 

     "તો હવે ધવલને મળવું પડશે....." દીપકે કહ્યું અને અમર સામે જોઈ જરાક મલક્યો.

( ક્રમશ: )

                                                                                       ***

***

Rate & Review

Verified icon

nihi honey 2 days ago

Verified icon

Vaidehi 1 week ago

Verified icon

Dr.Mohini Pandya 3 months ago

Verified icon

Harsh Rathod 4 months ago

Verified icon

Tejas Patel 4 months ago