મૃગજળ - પ્રકરણ - 18

     "આશુતોષ અને કરણે મારી એડ કરી એના લીધે મને સી.સી.ટી.વી.ના ઓર્ડર મળવા લાગ્યા. એમાં એક ઓર્ડર ગિરીશની આ ઓફિસમાં પણ મળ્યો. હું જ્યારે ઓફિસે આવ્યો ત્યારે મેં જોયું કે બધા અહીં ખુશ મિજાજી હતા. વૈભવી મને ઓળખતી હતી એટલે મને એકલાને જ  પાછળની ચેમ્બરમાં આવવાનો મોકો મળ્યો. અહીં મેં જોયું કે બે મોટી તિજોરી હતી." 

     બધાએ સામેની દીવાલમાં જડેલી બે તિજોરી તરફ જોયું.

     "હું એ તિજોરી જોતા જ સમજી ગયો કે એમાં ચોક્કસ ગિરીશ પૈસા રાખતો હશે. હું હજુ ફિટિંગ કરું એ પહેલા જ ગિરીશનો ફોન આવ્યો, એણે કહ્યું કે પાછળની ચેમ્બરમાં કેમેરો લગાવજો ખરા પણ એનું રેકોર્ડિંગ ઓન ન કરતા. એ જ પળે મારા મનમાં એક બીજો વિચાર આવ્યો. એટલા મોટા બિઝનેસ મેનની ખાનગી મિટિંગ, પૈસાની લેવડ દેવડ એ બધું શુટિંગ હોય તો એને બ્લેક મેઈલ કરી શકાય." એટલું બોલતા લૈલાની નજરથી ઘવાઈ ગયો હોય એમ ધવલ દિપક તરફ નજર કરી ગયો. 

     "પણ એમાં ખોટુ પણ શું હતું? એ બધા પૈસા હતા તો હરામના જ ને? અને એ સિવાય પણ હું પૈસાની સખત ભીંસમાં હતો એટલે મેં પાછળની ચેમ્બરનું શુટિંગ મારા મોબાઈલમાં જ લઇ લીધું અને ગિરીશના પી.સી.માં એ ચેમ્બરનું શુટિંગ ઓન ન કર્યું." 

     "તારે પૈસાની શી જરૂર હતી?" નયને વચ્ચે જ પૂછ્યું, "તે મારી જોડે માંગ્યા કેમ નહિ?" 

     "કેટલા માંગુ? હું અશુતોષની નોકરીમાં કોઈ કામ નહોતો કરતો, હું એના ઉપર બોઝ હતો નયન. એ બસ મને દોસ્તીના લીધે સહન કરતો હતો, હું એના માટે ચા, નાસ્તો લાવવા કે એકાદ બે ફાઇલ આમ તેમ મુકવા સિવાય કોઈ કામનો નહોતો. દોસ્તીમાં હું એ પગાર ક્યાં સુધી લઉ? મારી પાસે ગ્રેજ્યુએશનની માર્કશીટ હતી પણ એમાં આંકડા એકેય ઊંચા નહોતા. મને ક્યાંય સારી નોકરી મળતી નહોતી એટલે મેં આખરે સટ્ટા રમવાનું શરૂ કર્યું."

     ધવલ બોલી રહ્યો, એક એક શબ્દ એ સાચું બોલતો હતો એ એનો ચહેરો જ કહી દેતો હતો. 

     "હકીકત એ પણ છે નયન, કે ગરીબી એક એવો ટાપુ છે જેની દરેક તરફ દલદલ હોય, એમાં એક વાર માણસ ઉતરે એટલે બસ ઉતરતો જ જાય ઉતરતો જ જાય! હું પણ એવો જ ફસાયો હતો, મારા ખ્વાબ ઊંચા હતા, પણ પૈસા નહોતા, મારે ફરવું હતું, અમેરિકા, ન્યુ યોર્કની ઇમારતો જોવી હતી, લંડનની ગળીઓ જોવી હતી, પણ હું તો અશુતોષને સહારે જીવતો હતો! અશુતોષનો બોઝ વધુ ન બનવા મેં સટ્ટા બજારમાં પગ માંડ્યો પણ એમાંય મને નસીબે સાથ ન આપ્યો અને હું પાંચ લાખના દેવામાં ઉતરી ગયો." 

     નયન એના ઉપર હજુ ગુસ્સો કરતો હતો, પણ દિપકના ઈશારે એ શાંત રહ્યો. 

     "જ્યારે ગિરીશની એ બે નંબરની ઇન્કમ વિશે મેં ધારણ કરી ત્યારે મને લાગ્યું કે હું એને બ્લેક મેઈલ કરીને મારુ દેવું ઉતારી શકીશ, કેમ કે એ લોકો મને ધમકી આપતા, હું મારા મોતથી નહોતો ડરતો પણ મને નયનની ચિંતા થતી. મેં ઘણી વાર સાંભળ્યું હતું કે એ સટ્ટાવાળા જો પૈસા ન મળે તો દેવાદારના સગાને ઉઠાવી લે, મારી પણ નાખે! મેં પૈસા કમાવા માટે એ રસ્તો પસંદ કર્યો હતો પણ એમાં મને સતત ચિંતા સિવાય કંઈ મળ્યું નહિ, હું એમાંથી છૂટવા માટે દેવું ઉતારી દેવા માંગતો હતો. એ લોકો નયનને નુકશાન ન પહોંચાડે એ માટે જ મેં નયનથી ખાસ બોલવા ચાલવાનું પણ બંધ કર્યું હતું." કહી ધવલે નયન સામે જોયું. 

     "ધવલ, તે જે કર્યું છે એ બદલ તને હવે શું કહું, તે મને એ વાત કરી હોત તો આપણે ગમે ત્યાંથી પૈસા લાવી એ લોકોને આપી દોત."

     "ખેર તારા અહેસાન લઈને હું થાકી ગયો હતો નયન એટલે મારે એ રસ્તો જ લેવો પડ્યો. એ પછી હું સતત મોબાઈલમાં જોયા કરતો, ક્યારે ગિરીશની કોઈ ખાનગી મિટિંગ કે પૈસાની લેવડ દેવડ પકડાય અને ક્યારે હું એને બ્લેક મેઈલ કરું! એક દિવસ મને એ મોકો મળી ગયો ગિરીશના ચેમ્બરમાં બે માણસો આવ્યા અને એ લોકોએ પૈસાની લેવડ દેવડ કરી. બે બ્રિફકેસ ભરીને પૈસા લઈ આવ્યા હતા એ લોકો. એ જોઈ મને થયું એ હરામના જ પૈસા હશે નહિતર એ પાછળની ચેમ્બર શુ કામ એ વ્યવહાર કરે? કેશ પેમેન્ટ એ પણ એટલું બધું? મેં એ દિવસે જ એક ફોન લીધો, બે સિમ કાર્ડ મેં પહેલેથી જ ફેક ડોક્યુમેન્ટ ઉપર લાવી રાખ્યા હતા કેમ કે મને ખબર હતી એકાએક નવું સિમ લઈને એ એક્ટિવેટ ન થાય ત્યાં સુધી ગિરીશનો કોન્ટેકટ ન કરી શકાય. મેં એ નવા સીમથી ગિરીશને ફોન કર્યો અને પાંચ લાખ રૂપિયા માંગ્યા, શરૂઆતમાં એ મારી ધમકીથી ડર્યો નહિ પણ મેં એને કહ્યું કે હું પોલીસને ચિઠ્ઠી લખીશ, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં ચિઠ્ઠી લખીશ, તારા બ્લેક મની વિશે હું એ લોકોને કહીશ, ભલે તું સબૂત નહિ રાખે પણ એ મોટા અધિકારીઓ તારી પાસેથી હપ્તો લેતા થઈ જશે એના કરતાં તું મને આપીને છુટ્ટો થઈ જઈશ. મારી એટલી લોજીક ધમકી સાંભળી એ મને પાંચ લાખ આપવા તૈયાર થયો. પણ મને હૃદયની બીમારી છે એટલે હું એને સીધો જ માસ્ક બાંધીને મળીને પૈસા લઉં અને એ જો કોઈ માણસ તૈયાર રાખે તો હું ભાગી ન શકું ખાસ, એટલે મેં એને જુહુની દરિયાકિનારાની એક ડસ્ટબીનમાં પૈસાની બેગ મૂકી જવા કહ્યું." 

     ધવલની વાત પરથી જ ઇન્સ્પેકટર અમર અને દિપક સમજી ગયા હતા કે એ પૈસા માટે એટલું રિસ્ક લેવા તૈયાર થયો એનું એક માત્ર કારણ નયનનો જીવ હતો! નયન પણ એ વાત સમજી ગયો હોય એમ હવે ઠંડો પડ્યો હતો. 

     "મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. ગિરીશ ડસ્ટબિનમાં પૈસા મૂકીને જાય અને હું ત્યાં આજુબાજુથી પહોંચું એટલી વારમાં કોઈ જો એ બેગ લઈને ચાલતી પકડે તો પણ મારાથી કઈ કહી શકાય એમ નહોતું. છતાં મેં એ રિસ્ક લીધું. ગિરિશે બેગ ડસ્ટબીનમાં મૂકી હું ત્યાં સામે જ ઉભો હતો, એ ગયો કે તરત મેં એ બેગ લઈ લીધી અને ઝડપથી નીકળી ગયો. ગિરિશે કોઈ ચાલાકી કરી નહોતી. સાચે સાચ બેગમાં પૈસા હતા, કોઈએ મારો પીછો પણ નહોતો કર્યો. મને ગિરીશ અજીબ લાગ્યો! પાંચ લાખ રૂપિયા આપીને એ એવી રીતે ચાલ્યો ગયો જાણે કોઈ કાગળ ફેંક્યું હોય! ઉપરાંત એણે કોઈ ચાલાકી ન કરી, અરે પૈસા ત્યાં મૂકીને આજુ બાજુ એક નજર પણ ન કરી, એ જોઈ મને લાવ્યું એ કોઈ ગજબની ઉતાવળમાં હશે. જોકે એ ઉતાવળ મને સાંજે જ ખબર પડી હતી! મેં પૈસા ટોનીને ચૂકવી દીધા ત્યારે મને હાશકારો થયો." 

     "તે કહ્યું કે તારા લીધે આ બધું થયું છે? અત્યાર સુધી તો એમાં કઈ આવ્યું નથી." નયન નવાઈથી બોલ્યો.

     "મી. નયન ધવલે કહ્યું કે ગિરીશ કોઈ ઉતાવળમાં હતો અને એ વાત એને સાંજે ખબર પડી એટલે હજુ વાત બાકી જ છે." ઇન્સ્પેકટર અમરે કહ્યું. 

     "હા ઇન્સ્પેકટર તમે ખરું કહ્યું વાત અને મુશ્કેલી બધી સાંજે જ શરૂ થઈ હતી! ટોનીને પૈસા ચૂકવી હું ઓફીસ ગયો. પણ ઓફિસે લોક હતું, મને ખબર હતી કે નીલમ એ દિવસે ઓફિસે આવવાની હતી એટલે મેં એને ફોન કર્યો, એણીએ કહ્યું કે હું કાલથી આવીશ કેમ કે આજે મારી સાસુની તબિયત સારી નથી. મને થયું લાવ હું થોડીવાર બેસું. અમારા દરેક જોડે એક ચાવી રહેતી, મેં ઓફીસ ખોલી અને આરામથી હું બેઠો. ત્યાં મને એકાએક થયું કે આ ગિરીશને સી.સી.ટી.વી. ઉપર ડાઉટ તો નથી ગયો ને? મેં ચેક કરવા મોબાઈલમાં જોયું, સી.સી.ટી.વી.નું પાછળની ચેમ્બરનું શુટિંગ બરાબર ચાલતું હતું. જોકે મારે હવે એની કોઈ જરૂર નહોતી મારે બસ હવે શાંતિથી જીવવું હતું. હું મોબાઈલ બંધ કરવા જતો હતો ત્યાં જ રૂમમાં વૈભવી આવી. વૈભવી એ ચેમ્બરમાં આવી એ જોઈ મને નવાઈ થઈ એટલે મેં મોબાઈલ બંધ ન કર્યો. ત્યાં પાછળ ગિરીશ પણ ચેમ્બરમાં દાખલ થયો. વૈભવીનો ચહેરો મને સ્પષ્ટ દેખાતો નહોતો છતાં એ જે રીતે સ્તબ્ધ ઉભી હતી એ જોતાં મને કઈક અજુગતું લાગ્યું. હજુ હું કઈ વિચારું એ પહેલાં તો ગિરિશે એને પકડીને નજીક ખેંચી, એના પેટ ઉપર હાથ સરકાવી ગિરિશે વૈભવીને કિસ કરી. એ જોઈ હું કંપી ઉઠ્યો!! મને સમજાઈ ગયું કે ગિરીશ શાની ઉતાવળમાં હતો!! મને કરણ માટે પારાવાર દયા ઉપજી. કરણ વૈભવીને કેટલી ચાહતો હતો!! એ બધા વિચાર મારા મનમાં એક પળમાં આવી ગયા હશે કે પછી એના કરતાં પણ ઓછા સમયમાં એ મને જ ખબર નથી પણ મેં જોયું કે બીજી જ પળે વૈભવીએ ગિરીશથી છુટ્ટા થઈ એને ધક્કો માર્યો અને એ બહાર ચાલી ગઈ."

     "માય ગોડ, પણ તો પછી વૈભવીએ એવું કર્યું જ કેમ?" લૈલા બોલી ઉઠી.

     "હું પણ એ જ વિચારતો હતો. હું ઓફીસ બહાર નીકળી ગયો. મેં તરત ઓફીસ બંધ કરી અને એક ટેક્સી રોકી. મને ખબર હતી કે એવું થયા પછી વૈભવી ઓફિસે તો નહીં જ રહે એ ઘરે જવા નીકળશે, ઘરે કરણ હશે એ પણ મને ખબર હતી. મેં ટેક્સીને ડબલ પૈસા આપીને તરત ગિરીશની ઓફીસ આગળ લેવરાવી. મારા ધાર્યા મુજબ જ વૈભવી ઓફિસથી નીકળી પિક અપ સ્ટેન્ડ આગળ ઉભી હતી. હજુ હું ટેક્સીમાંથી ઉતરીને એને કઈ પૂછું એ પહેલા તો એ એક ટેક્સી રોકીને ચાલી ગઈ. મેં ટેક્સી એની પાછળ લેવરાવી. એ એની મમ્મીને મળવા ગઈ હતી. મેં એ લોકોની વાત ત્યાં સાંભળી, એની વિધવા માને જોઈ. વૈભવી ત્યાથી નીકળી કે તરત હું એની પાછળ થયો. પણ હું એને રોકુ એ પહેલાં તો એ ટેક્સીમાં બેસી ગઈ. મેં પણ એક ટેક્સી રોકી અને પાછળ આવ્યો. વૈભવી ઘરની ગળી બહાર ઉતરી અને છેક ઘર આગળ પહોંચી ત્યારે મારી ટેક્સી ત્યાં પહોંચી. હવે તો વૈભવીને રોકવાનો કોઈ અર્થ નહોતો કેમ કે કરણ ત્યાં જ હતો. મને થયું લાવ હવે કરણને મળતો જ આવું, પણ હું જાઉં એ પહેલાં તો વૈભવી મને નીચે પડતી દેખાઈ, કરણે એને ઉઠાવી અને ગળીના પેલી તફના છેડા તરફ ભાગ્યો." 

     કોઈ ફિલ્મની કહાની કરતા પણ ધવલની વાત નવા નવા વળાંકો લઈ રહી હતી. કલ્પના પણ ન કરી શકાય એવી એ વાત હતી! સૌ આશ્ચર્યથી એ સાંભળી રહ્યા. 

     "હું પણ એની પાછળ ભાગ્યો, પણ કરણના દરવાજે હું અટક્યો, કરણ દરવાજો ખુલ્લો મૂકીને જ ભાગ્યો હતો, મને થયું લાવ હું એ બંધ કરી લઉં, પણ જેવો હું એ દરવાજો બંધ કરવા ગયો કે મને એક ખ્યાલ આવ્યો. વૈભવી ગિરીશ સાથે એ કામ કરવા તૈયાર થઈ, પછી એકાએક એનું મન ફરી ગયું, તો શું એ પણ મારી જેમ પૈસા માટે? હું પૈસા માટે આડે રસ્તે ગયો હતો એટલે મને એ વિચાર તરત આવ્યો! મારી નજર અભરાઈ ઉપર પડી એક બ્રિફકેસ ઉપર ગઈ. મને યાદ આવ્યું કે પહેલા જ્યારે હું ઘરે આવ્યો ત્યારે એ બ્રિફકેસ ત્યાં નહોતી, મેં એ બ્રિફકેસ નીચે ઉતારી અને જોયું તો એમાં ડોકટરના બિલ હતા. હું સમજી ગયો કે વૈભવી કેમ એની માને મળવા ગઈ! નર્મદા બહેનને વૈભવી મળી ત્યારે એ કહેતી હતી કે જો પપ્પાએ એવું ન કર્યું હોત તો આજે લગ્ન પછી તું એકલી ન હોત. નર્મદા બહેને કહ્યું હતું કે એનું નામ ન લે એ જીવતો પણ કોઈ કામનો નથી. મને થયું જરુર કઈક છે, વૈભવિના પિતાજી જીવે છે છતાં એ વિધવા બની જીવે છે, આ હોસ્પિટલના બિલ. મેં બિલ જોયા તો એમાં નંદશંકર નામ હતું. મને બધું સમજાઈ ગયું કે વૈભવીના પિતા જીવે છે પણ કોઈ બીમારીથી પીડાતા હશે. એ બધા બીલની રકમ ઉપર મેં નજર કરી ત્યારે મને સમજાયું કે એ બધા પૈસા વૈભવીએ દેવું કર્યું હશે. કેમ કે કરણ પાસેથી તો એ પૈસા લીધા હોય તો કરણ મને નંદશંકરની બીમારી વિશે વાત કરોત જ કરોત. મેં તરત એ બિલ હતા એમ ગોઠવી દીધા, બ્રિફકેસ જ્યાં હતી ત્યાં જ મૂકી દીધી અને દરવાજો આડો કરી હું ચાલી નીકળ્યો." 

     "તો એના પછી શું થયું?" ઉત્સુકતાથી લૈલાએ પૂછ્યું. કેમ કે હજુ ગિરીશનું ખુન કઈ રીતે થયું એ જાણવા મળ્યું નહોતું. 

     "મને થયું આ ગિરિશે વૈભવીનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરી છે, એની મજબૂરીનો ઉપયોગ કરવા એ ઇચ્છતો હતો પણ વૈભવીએ એવું કર્યું નહિ. હું બસ ગમે તે રીતે હવે વૈભવી એની પાસે નોકરી ન કરે એમ ઇચ્છતો હતો અને એના માટે જરૂર હતી પૈસાની. નંદશંકરની દવા માટેના પૈસા! મેં એક બીજું ફેક સિમ ખરીદ્યું હતું એ ગિરીશની ઓફિસે કુરિયર કર્યું. હું કુરિયરવાળાની પાછળ જ હતો એટલે જેવો કુરિયરવાળો અંદર જઇ બહાર આવ્યો કે તરત મેં એને ફોન કર્યો. આ વખતે મારે એને પૂરો ગભરાવવો હતો, ફોન ઉઠાવતા જ મેં એને કહ્યું કે સિમ મળી ગયું હશે, એ ગભરાઈ ગયો. મારો અવાજ પણ ઓળખી ગયો હતો. કારણકે ગયા વખતે પણ મેં એ જ રીતે રૂમાલ રાખી વાત કરી હતી એટલે મારો અવાજ એને બંને વખતે એક સરખો  જ સંભળાયો. મેં એને દસ લાખ રૂપિયા આપવાનું કહ્યું અને ખાતરી આપી કે એ દસ લાખ રૂપિયા આપશે તો હું એને ક્યારેય બ્લેક મેઈલ નહિ કરું. મારી પાસે આ બધી માહિતી જ્યાંથી આવી છે એ પ્રુફ હું એને આપી દઈશ. કોણ જાણે કેમ મારા પર વિશ્વાસ કરીને કે એ ડરતો હતો એટલે પણ એ પૈસા આપવા તૈયાર થયો. એણે મને બીજા દિવસે પૈસા આપવાનું કહ્યું, કેમ કે એ દિવસે બેન્ક બંધ થઈ ગઈ હતી, અને ચેક લઉં એટલો મૂર્ખ મને એ સમજી જ ન શકે!" 

     "અને બીજા દિવસે તે એને જુહુ પર બોલાવ્યો?" નયને પૂછ્યું.

     "ના, બીજા દિવસે એનો ફોન આવ્યો એટલે મેં એને કહ્યું કે તું પૈસા તૈયાર રાખજે હું જ્યારે કહું ત્યારે તું પૈસા ત્યાં લઈ આવજે હું તને જગ્યા દસ મિનિટ પહેલા જ કહીશ. મને થયું આ વખતે એ કોઈ ઉતાવળમાં પણ નહીં હોય અને મેં બમણા પૈસા માંગ્યા એટલે એ કદાચ કોઈ માણસોને લઈ આવે તો હું  પકડાઈ જાઉં એટલે મને એની ઓફીસ જ સૌથી સેફ લાગી હતી. મેં એને પાંચ વાગ્યે ફોન કરીને કહ્યું કે તું પૈસાનો ફોટો મુક મને. એણે મને પૈસાની બેગનો ફોટો મુક્યો એટલે મને વિશ્વાસ આવી ગયો. સાડા પાંચે હું એની ઓફીસ આજુબાજુ પહોંચી ગયો હતો. મને ખબર હતી કે 6 વાગ્યે સ્ટાફના લોકો નીકળશે. મેં 6 માં દસ મિનિંટ રહી એટલે એને કહ્યું સ્ટાફના માણસો નીકળી જશે એટલે હું તરત આવીશ તું બેસી રહેજે." 

     ઇન્સ્પેકટર અમર, લૈલા, દિપક, કોઈનેય સમજાતું નહોતું કે ખુન કઈ રીતે થયું હશે. કેમ કે 6 વાગ્યે તો ધવલ ઓફિસમાં જવાનો હતો એણે ખુન કર્યું નથી, વૈભવીએ ખુન કર્યું નથી, અને સાડા સાત વાગ્યે તો પોલીસ વૈભવિના ઘરે પહોંચી ગઈ હતી! તો આ ખુન કઈ રીતે થયું હશે એ જાણવાની બધાને આતુરતા હતી સૌથી વધુ આતુરતા દિપક અને લૈલા ને હતી! 

     "સ્ટાફના લોકો નીકળ્યા, હું હજુ એ તરફ જાઉં એ પહેલાં જ મેં વૈભવીને ઓફીસ જતા જોઈ. મને થયું જરૂર એ બિચારી પૈસા માટે ફરી મન બદલીને આવી હશે. મને ખુબ ગુસ્સો આવ્યો ગિરીશ ઉપર. એની પાસે એટલા રૂપિયા હતા તો એ વૈભવીનો ઉપયોગ કર્યા વગર આપે તો શું ફરક પડી જાય? મને ગિરીશ ઉપર હવે વિશ્વાસ નહોતો રહ્યો. મને એકાએક થયું કે ઓફિસમાં જો ગિરીશ મારા ઉપર હુમલો કરે તો હું શું કરું? હું ત્યાથી દૂર એક દુકાન પર ગયો અને એક ચાકુ ખરીદ્યું. મેં ઘડિયાળમાં નજર કરી 6 ઉપર ત્રીસ થઈ હતી. ત્યાં જ મારો ફોન રણક્યો. ગિરિશે કહ્યું કે તું આવ્યો કેમ નહિ? મેં એને ગાળો બોલી, વૈભવીનો એણે ફાયદો ઉઠાવ્યો એ કહ્યું પણ એણે કહ્યું કે વૈભવી તો ચાલી ગઈ હતી તરત જ. એ તો બસ મને નોકરી છોડવાનું કહેવા આવી હતી. મને હાશકારો થયો. મેં એને કહ્યું કે હું તરત આવું છું પણ જો કોઈ ચાલાકી કરી તો મારો એક માણસ બહાર હશે જો હું તરત બહાર નહિ નીકળું તો એ પોલીસને બોલાવશે અને અંદરથી મારી લાસ અને તારા હાથમાં ગન નીકળશે તું જેલમાં જઈશ. મારી વાત સાંભળી એ થરથરી ગયો. મેં એને સી.સી.ટી.વી. બંધ કરવાનું કહ્યું અને ફોન ડિસ્કનેક્ટ કરી દીધો." 

     "તારી સાથે બીજું કોણ હતું?" નયને પૂછ્યું.

     "કોઈ નહિ, મેં બસ એને ડરાવવા જ એવું કહ્યું હતું. હું ચાકુ લેવા માટે ઓફિસથી ઘણો દૂર નીકળી ગયો હતો. લગભગ દસેક મિનિટનો રસ્તો હતો. હું ગભરાતો ગભરાતો ઓફીસ તરફ ચાલવા લાગ્યો. હજારો વિચાર મારા મનમાં ઘૂંટાતા હતા પણ હું ચાલતો રહ્યો. ઓફીસ આગળ આવીને મેં એક વાર વિચાર્યું કે હું અંદર જઈશ એટલે મારે આ ચહેરો ગિરીશને બતાવવો પડશે એ મને પાછળથી નુકશાન કરશે. પણ મને મારો ડર ક્યારેય હતો જ નહિ. હું અંદર ગયો, પણ ગિરીશ એની ચેમ્બરમાં ન હતો, મને ડર લાગ્યો કે જરૂર એણે કોઈ ચાલાકી કરી છે. છતાં હું અંદરની ચેમ્બરમાં ગયો ત્યારે મારી આંખો ફાટી ગઈ.....!! ત્યાં ચેરમાં એક લાસ હતી.....  ગિરીશની લાસ." 

     લૈલાની આંખો ભીની થઇ ગઇ. એ ગળગળા અવાજે બોલી, "ધવલ, ખુન કોણે કર્યું?" 

     "લૈલા મેં કોઈ ખુન નથી કર્યું, હજુ વાત બાકી છે. પ્લીઝ હિંમત રાખીને સાંભળ." 

     લૈલાએ હકારમાં માથું હલાવ્યું એટલે ધવલે આગળ વાત વધારી. 

     "હું ગભરાઈ ગયો, મને થયું આ બધી વાતમાં હું ફસાઈ જવાનો છું. મારી છાતીમાં દુઃખાવો થવા લાગ્યો. પણ તે છતાં મેં હિંમત કરી સી.સી.ટી.વી. કેમેરો ત્યાંથી ઉખાડી લીધો. જોકે મેં એ ન કર્યું હોત તો પણ એનું શુટિંગ મારા સિવાય કોઈ પાસે હતું નહીં. કોઈ આવે એ પહેલાં જ હું ત્યાંથી નીકળી ગયો. બહાર નીકળતા જ મેં ઝડપથી બીજી ગલીમાં જઇ રોડ પર પહોંચી ટેક્સી રોકવાનું વિચાર્યું. રોડ પર મને ટેક્સી જલ્દી મળી ગઈ. મારે એ કેમેરો ક્યાંક ફેંકવો હતો. ડસ્ટબીનમાં તો ગરીબ બાળકો કેમેરો ઉઠાવી લે, મારા ઘરે પણ કોઈ જોઈ શકે, મેં ટેક્સી જુહુ લેવરાવી. ટેક્સીને ભાડું આપી હું ભાગ્યો કેમ કે મારે હજુ ઘરે જવું હતું. હું ભાગતો બીચ ઉપર જતો હતો ત્યાં એકાએક મને કરણનું બાઈક દેખાયું. આછા અંધારામાં પણ હું એ બાઈક ઓળખી ગયો. મેં આમ તેમ નજર કરી તો મને બીચ ઉપર કરણ દેખાયો. કરણની નજર મારા ઉપર પડે અને મને એ ઓળખે એ પહેલા જ મેં ટી-શર્ટની કેપ ઓઢી લીધી અને દિશા બદલી દીધી. મારી છાતીમાં પારાવાર દુખતું હતું! પણ કરણ મને દેખે એ મને પોસાય એમ નહોતું. મેં રૂમાલ નીકાળી દોડતા દોડતા જ રૂમાલમાં એ કેમેરો મુક્યો. હવે મારાથી વધારે ભાગી શકાય એમ નહોતું. મેં પાછળ નજર કરી તો કરણ બાઈક તરફ જતો દેખાયો. મને હાશકારો થયો. મેં મનોમન આથમતા એ સૂરજનો આભાર માન્યો. કેમ કે એના કિરણોને લીધે જ કરણ મને ઓળખી શક્યો નહિ! મેં બીચ પરથી એક પથ્થર લીધો કેમેરા સાથે એ પથ્થર રૂમાલમાં બાંધ્યો અને જોરથી મેં એ રૂમાલ દરિયામાં ફેંક્યો, ઝટકા સાથે મને છાતીમાં બૂઝ ઉપડી પણ એ સમયે તો એ પથ્થર જેટલો દૂર જાય એમાં ભલાઈ હતી. નસીબ જોગ રૂમાલ ખાસ્સો દૂર જઈને પડ્યો. મારાથી જરાય ચાલી શકાય એમ નહોતું, હું ત્યાં જ બેસી રહ્યો." 

     સાંભળનાર દરેકની આંખ સામે એ ચિત્ર ખડું થતું હતું. ધવલે ખરેખર એક જાસૂસ જેવું કામ કર્યું હતું! એકેય વાતે એણે કોઈ ભૂલ કરી નહોતી. ઇન્સ્પેકટર અમર અને દિપક એ બાબત ધ્યાનમાં લઈ રહ્યા હતા.

     "થોડી વાર પછી હું ટેક્સી કરી ઘરે ગયો. એકાએક મને યાદ આવ્યું કે આ બધું કઈ રીતે થયું હશે? મને યાદ આવ્યું કે ગિરીશની બોડી પાછળની ચેમ્બરમાં હતી જ્યાંનું શુટિંગ મારા મોબાઈલમાં હતું. મેં તરત મોબાઈલ જોયો."

     ધવલને એ બોલતા અત્યારે પણ શ્વાસ ચડી ગયો, નયને એને પાણી આપ્યું.  લૈલા હવે જે થયું એ સાંભળવા તતપર હતી. પાણી પી ફરી ધવલે ઓક્સિજન લીધો. 

     "મેં બધું રિવાઇન્ડ કરીને જોયું. ગિરીશ એ ચેમ્બરમાં આવ્યો એની પાસે એક બેગ હતી, હા એ જ બેગ જેમાં પૈસા હતા, દસ લાખ રૂપિયા.... જે મને આપવાના હતા. ગિરિશે ફોન ઉપર વાત કરી એ પણ મને દેખાયું. એ ફોન મારો જ હતો. ગિરીશ ચેર પર બેઠો હતો ત્યારે જ એક માણસ અંદર દાખલ થયો. એના માથામાં વાળ નહોતા, આછી દાઢી અને મૂછો, ખડતલ શરીર, એણે ગોગલ્સ પહેર્યા હતા, એ કોઈ બિઝનેસ મેં હોય એવો શૂટ પહેર્યો હતો એણે, પણ એનો ચહેરો જાણે વિચિત્ર હોય એવું લાગતું હતું, એ અંદર આવ્યો એટલે ગિરિશે એને બેસવા કહ્યું. બંને જણ કોઈ ચર્ચા કરવા લાગ્યા. મને લાગ્યું કે જરૂર ગિરિશે એ માણસને મારા માટે જ બોલાવ્યો હશે, પણ એકાએક એ માણસે ગન નીકાળી અને ગિરીશને ધરી, ગિરીશ ગભરાઈને સ્તબ્ધ થઈ ગયો. એ માણસે જોરથી કઈક કહ્યું હોય એમ એનું ઝડબુ ખુલ્યું અને એ સાથે જ એની સાયલન્સર લગાવેલી ગનમાં તણખો થયો અને ગિરીશના માથામાં એ ગોળી ઉતરી ગઈ." 

     લૈલા ચીસ પાડી ઉઠી. ઇન્સ્પેકટર અમરે એને આશ્વાસન આપ્યું, "પ્લીઝ મિસ લૈલા તમે શાંત રહો આ વાત પરથી જ ખૂની પકડાશે." 

     "એ માણસે ગન એના રૂમાલથી સાફ કરી, સાયલન્સર કાઢી લીધું અને ગિરીશના હાથમાં ગન ગોઠવી દીધી. પછી એ હસ્યો અને નીકળી ગયો. એના પછી હું ત્યાં ગયો, કેમેરા નજીક ગયો એ દેખાયું. અંતે મારો હાથ કેમેરા નજીક ગયો ત્યાં સુધીનું શુટિંગ હતું એ પછી અંદર કઈ હતું નહીં કેમ કે મેં એ કેમેરો ઉખાડી લીધો હતો." 

     "મેં ભાઈને કહ્યું હતું કે આ બધા ધંધા ન કર, આપણી પાસે પૈસા છે પણ એ ન માન્યો, એનું મોત લખેલું જ હતું..." લૈલાની આંખ ભરાઈ આવી. પણ એ છોકરી ગજબની હતી. તરત આંસુ લૂછીને કહ્યું, "ધવલ તું એ માણસને ઓળખી જાય?" 

     "હા પણ એ ક્યાં મળે?" ધવલે કહ્યું. 

     "એ શુટિંગ હજુ તારી પાસે છે?" દીપકે પૂછ્યું.

     "હા, છે." કહી ધવલે મોબાઈલ નીકાળ્યો. 

     દીપકે શુટિંગ જોવા માંડ્યું. લૈલા એ માણસને જોવા એની નજીક જતી હતી પણ ધવલે એને પકડી લીધી, "નો લૈલા, યુ કાંટ સી ડેડ બોડી, પ્લીઝ." લૈલા ધવલને પકડીને રડી પડી. 

     શુટિંગ જોતા જ દિપક બોલ્યો, "ગિરીશનું મોતનું કારણ એ ડ્રગ્સ ડિલિંગમાં ઇનવોલ્વ હતો એ છે." 

     "એટલે મી. દિપક?" ઇન્સ્પેકટર અમર કઈ સમજ્યો નહિ. 

     "મી. અમર આ માણસ જેણે ગિરીશનું ખુન કર્યું છે એ બીજું કોઈ નથી પણ જેની પાછળ હું એક મહિનાથી છું એ જ ડેની." 

     "શુ? ડેની?" 

     "હા ડેની ઉર્ફ ડિસોઝા." દીપકે કહ્યું, "હવે મને જે કડી નહોતી સમજાતી એ સમજાય છે. ગિરીશ એના જહાજમાં ડ્રગ્સ લાવતો અને ડેની એ ડ્રગ્સ લેતો હશે, પોલીસ સાથે એ લોકોને સાંઠ ગાંઠ હશે." 

     "માય ગોડ, એટલે મુંબઈમાં ડ્રગ્સના નાના નાના વેપારીઓ વારંવાર પકડાતા હતા?" ઇન્સ્પેકટર અમરે કહ્યું, "ઇન્સ્પેકટર જાડેજા સાહેબે ઘણા ડ્રગ્સ ડિલરના માણસોને પકડ્યા છે, હમણાં પણ ઇન્સ્પેકટર જાડેજા સાહેબ એ જ તપાસમાં છે, પણ એ બધાના ગમે એટલા રિમાન્ડ લીધા એકેય કહેતા નહોતા કે એ ડ્રગ્સ ક્યાંથી આવ્યું!" 

     "વેલ હવે ન રહેગા બાસ ન બજેગી બાંસુરી." દિપક ઉભો થઇ ગયો, "મેં એનો અડ્ડો શોધી લીધો છે, હું એને પકડવાનો જ હતો પણ આ બધું થઈ ગયું એટલે મારે અહીં આવવું પડ્યું." 

     "પ્લાન શુ છે મી. દિપક? અને તમે એકલા જ?" ઇન્સ્પેકટર અમરે કહ્યું. 

     "પ્લાન છે કે હું ડ્રગ સપ્લાયર તરીકે એના અડ્ડા પર જવાનો છું, ડેની સાથે હું એક બે વાર ડિલ કરીશ પછી મને એ રૂબરૂ મળવા તૈયાર થશે." કહી દિપક લૈલા તરફ ફર્યો, "મિસ લૈલા હું ગિરીશના ખૂનીને વધારે શ્વાસ નહિ લેવા દઉં એની ખાતરી આપું છું." 

     "તો હવે અમારે બધાને શુ કરવું?" નયને પૂછ્યું. 

     "લૈલા અને ધવલ નંદશંકરની ટ્રીટમેન્ટ માટે બાકીના પૈસા પહોંચાડશે પછી એ લોકો કરણ જોડે રહેશે તમારે કોઈએ આ બધી વાત કોઈને કહેવાની નથી." 

લૈલા અને ધવલે હકારમાં હા કહી. 

     "મી. અમર તમે જાબાજ છો, મારે તમારી જરૂર પડશે પણ હા મુંબઈની પોલીસ ઉપર મને ભરોશો નથી તમારા સિવાય કોઈના કાને આ માહિતી ન જવી જોઈએ. તમે થોડા દિવસની રજા લઈ રાખજો." 

     "ઓકે સર." ગર્વથી ઇન્સ્પેકટર અમરે કહ્યું. 

     દિપક નયન તરફ ફર્યો, "નયન આપણે ઘણી ચોરી કરી છે યાદ છે કે ભૂલી ગયો?" 

     નયન હસ્યો, એનું એ સ્મિત એનો જવાબ જ હતો! 

     "વેલ, હવે ચોરી નથી કરવાની ગન ઉઠાવવાની છે, તને શુટિંગ તો આવડે જ છે ને" 

     "હા પણ સી.બી.આઈ. એજન્ટ મી. દિપક જેવું નહિ." નયને હસીને કહ્યું. 

     એ પછી લૈલા અને ધવલ નીકળી ગયા. ઇન્સ્પેકટર અમર રજા લેવા માટે ઇન્સ્પેકટર જાડેજાના સ્ટેશન તરફ ગયો. નયન અને દિપક પોતાના કામે નીકળી પડ્યા.
( ક્રમશ: )   
                                                                                       ***

***

Rate & Review

N M Sumra 1 week ago

Rangadiya Chetana 4 weeks ago

Neeta Soni 1 month ago

Viral 2 months ago

Hiren Patel 2 months ago