Lila vatana ni vangio books and stories free download online pdf in Gujarati

લીલા વટાણાની વાનગીઓ

લીલા વટાણાની વાનગીઓ

સં- મિતલ ઠક્કર

લીલા વટાણાની વાનગીઓની રીત જાણતાં પહેલાં તેના વિશે ટૂંકમાં ઉપયોગી માહિતી જાણી લો. પછી જાણો લીલા વટાણાની વેબ સોર્સથી સંકલિત કરી રજૂ કરેલ પ્રચલિત અને કેટલીક નવી મટરની મસ્ત મજાની વાનગીઓ.

* ગેસની સમસ્યા હોય તો વટાણાનું સેવન ટાળવું જોઇએ.

* રોજ વટાણા ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ પણ કંટ્રોલમાં રહે છે. આ શરીરમાં ટ્રાઇગ્લિસરાઇડ્સના સ્તરને ઓછું કરીને લોહીમાં કોલેસ્ટ્રોલ સંતુલિત બનાવી રાખે છે.

* વટાણામાં રહેલા ઝિંક, આયર્ન, કેલ્શિયમ તત્વો શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે.

* વટાણામાં ભરપુર પ્રમાણમાં કેલ્શિયમ અને જિંક હોય છે જે હાડકાંને મજબૂત બનાવે છે. તે સિવાય તાજા લીલા વટાણામાં વિટામિન કે પણ હોય છે, જે બાળકો, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધના હાડકાંને મજબુત બનાવે છે.

* શિયાળામાં લીલા વટાણા ભરપૂર મળી રહે છે. આ સમયે તેને પ્રિઝર્વ કરીને રાખવામાં આવે તો, જ્યારે ઇચ્છા થાય ત્યારે ફ્રિજરમાંથી કાઢીને ઉપયોગમાં લઈ શકાય છે.

* વટાણામાં કેલોરી અને ફેટનું પ્રમાણ ખુબ ઓછું હોય છે. જેનું સેવન કરવાથી વજન કંટ્રોલ રહે છે. તેમાં સામેલ ફાયબર વજનને વધવાથી રોકે છે. આ શરીરને એનર્જી પણ આપે છે.

* મસ્ત મટર કબાબ*

સામગ્રી: ૫૦૦ ગ્રામ પાલક, ૫૦૦ ગ્રામ બાફેલા વટાણા, ૨ નંગ લીલા મરચાં, ૨ મોટી સ્લાઈસ બ્રેડ, ૧ નંગ આદુનો ટુકડો, ૧ નાની ચમચી મરી પાઉડર, સ્વાદાનુસાર મીઠું, ૧ વાટકી ચણાનો લોટ, તળવા માટે તેલ.

રીત: સૌ પ્રથમ પાલકને વરાળમાં બાફી લો. ચારણીમાં કાઢી પાણી નીતારી લેવું. મિક્સર જારમાં પાલક, બાફેલા વટાણા, લીલા મરચાં, આદુ તથા બ્રેડ ભેગી કરીને માવો બનાવી લેવો. મિશ્રણમાં મીઠું-મરી ભેળવીને મનપસંદ આકારના કબાબ વાળી લેવા. ચણાના લોટને એક પ્લેટમાં કાઢીને કબાબ રગદોળીને ગરમ તેલમાં તળી લેવા. તળવા ન હોય તો નૉન સ્ટીક તવા ઉપર સૅલો ફ્રાય કરી લેવા. ગરમાગરમ કબાબને કાંદાની પાતળી છીણથી સજાવીને સર્વ કરવા.

*લીલા વટાણાની ઇડલી*

સામગ્રી: એક વાટકી લીલા વટાણા, એક મિડિયમ સાઇઝનું ગાજર, અડધુ કેપ્સિકમ, એક ડુંગળી, એક ઝીણું સમારેલું ટામેટું, બે-ત્રણ લીલાં મરચાં, એક કપ સોજી, સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી આમચૂર પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી હળદર, એક ચમચી ધાણાજીરું, ચપટી જીરું, અડધી ચમચી લાલ મરચું, અડધો ઈંચ આદુ, બે-ત્રણ કળી લસણ, અડધો કપ દહીં, અડધી ચમચી ખાવાનો સોડા, એક ઈનો, એક ચમચી તેલ, એક ટેબલસ્પૂન પનીરના નાના-નાના ટુકડા, એક ચમચી રાઇ, બે લીલાં મરચાં, મીઠો લીમડો,
કોથમીર.

રીત: મિક્સર જારમાં લીલા વટાણા લો અને પીસી લો. વટાણાની સોફ્ટ કરતાં થોડી કકરી પેસ્ટ બનાવવી પણ અધકચરી ન રાખવી. જરૂર લાગે તો થોડું પાણી નાખી શકાય છે. ત્યારબાદ આ પેસ્ટને એક મોટા બાઉલમાં લઈ લો. અંદર ગાજર, ટામેટું, કેપ્સિકમ, ડુંગળી અને લીલું મરચું ઝીણું-ઝીણું સમારીને નાખો. સાથે જ આદુને પણ છોલીને છીણી લો અને આ જ મિશ્રણમાં નાખો. ત્યારબાદ અંદર સોજી અને દહીં નાખી મિક્સ કરી લો. હવે અંદર હળદર, લાલ મરચું, ગરમ મસાલો, આમચૂર પાવડર, મીઠું, ધાણાજીરું અને ચપટી જીરું નાખો અને બધું જ બરાબર મિક્સ કરી લો. હવે અંદર પનીર નાખો અને બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ ઢાંકીને 15 મિનિટ માટે સેટ થવા મૂકી દો. 15 મિનિટ બાદ જરૂર લાગે તો પાણી ઉમેરી અપ્પમના ખીરા જેવી પેસ્ટ બનાવી લો. ત્યારબાદ અંદર ઈનો નાખો અને મિક્સ કરી લો. ત્યારબાદ ઈડલી કૂકરમાં પાણી ગરમ કરવા મૂકો. આ દરમિયાન ઇડલી સ્ટેન્ડને તેલથી ગ્રીસ કરી અંદર આ ગ્રીન પેસ્ટ મૂકો અને ચમચીથી દબાવીને સેટ કરી દો. કૂકરમાં પાણી ઉકળવા લાગે એટલે ઇડલી સ્ટેડને અંદર ગોઠવી દો અને ઢાંકી દો. સ્લો ટુ મિડિયમ આંચ પર 10-15 મિનિટ ચઢવા દો. વચ્ચે એકાદ વાર ચેક કરી લેવું. નીચેથી કાચુ લાગે તો થોડું ચઢવી દો. ચઢી જાય એટલે સ્ટેન્ડ બહાર કાઢી 5-7 મિનિટ ઠંડુ પડવા દો. ત્યારબાદ એક પ્લેટમાં કાઢી લો. એક પેનમાં એક ચમચી તેલ કે ઘી ગરમ કરો. અંદર એક ચમચી રાઇ, બે લીલાં મરચાં (મરચાના મોટા ટુકડા કરી લેવા) અને થોડો મીઠો લીમડો નાખો. રાઇ તતડવા લાગે એટલે અંદર ઈડલી ગોઠવી દો. થોડીવાર બાદ બધી જ ઇડલી પલટી દો. ત્યારબાદ ઉપર લીલી કોથમીર ભભરાવો. ગરમાગરમ જ લીલી ચટણી સાથે સર્વ કરો .

*વટાણા-ફૂદીનાનો સૂપ*

સામગ્રી: ૫૦૦ ગ્રામ લીલા વટાણા, ૧ મોટો કપ તાજા ફૂદીનાના પાન,૧ ચમચી ઑલિવ ઓઈલ, ૧ ચમચી ઝીણું સમારેલું લસણ, ૩ નંગ લીલા કાંદા ઝીણા સમારેલા, ૧ લિટર વેજિટેબલ સ્ટૉક, સ્વાદાનુસાર મીઠું, ૧ ચમચી લીંબુનો રસ, ૧ મોટી ચમચી ક્રિમ.

રીત: એક કડાઈમાં ઑલિવ ઓઈલ ગરમ કરો. તેમાં લસણ-કાંદા સાંતળી લેવા. કડાઈમાં લીલા વટાણા તથા વેજિટેબલ સ્ટૉક ભેળવી ૧૦ મિનિટ ઉકાળી લેવું. ફૂદીનાના પાન ભેળવીને થોડો સમય ઢાંકીને રાખવું. ઠંડું થાય ત્યારે મિક્સરમાં એકરસ કરી લેવું. નૉનસ્ટીક કડાઈમાં સૂપ ગરમ કરી લેવો. સર્વ કરતાં પહેલાં તેમાં લીંબુનો રસ નાંખીને બરાબર મિક્સ કરો. સૂપ બાઉલમાં કાઢી લેવો. સૂપને ક્રિમ તથા ફૂદીનાના પાનથી સજાવીને ગરમાગરમ સર્વ કરો.

*આલુ મટર મસાલા*

સામગ્રી: ૧/૨ અડધો કિલો વટાણા, 2 બટાટા સમારેલા, 2 ડુંગળી સમારેલી, 2 ટામેટાં સમારેલા, 1 ટીસ્પૂન આદું-લસણની પેસ્ટ, 2 લીલા મરચાં સમારેલાં, 11/2 ટીસ્પૂન લાલ મરચું પાઉડર, 11/2 ટીસ્પૂન ધાણાજીરૂં પાઉડર, 1/2 ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટેબલસ્પૂન ઘી, મીઠું સ્વાદાનુસાર, તેલ જરૂર મુજબ, કોથમીર.

રીત: સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી નાખીને સાંતળો. ડુંગળી એકદમ લાઈટ બ્રાઉન રંગની થાય એટલે તેમાં આદું-લસણની પેસ્ટ નાખઈને સાંતળો. લગભગ એકાદ મિનિટ સાંતળ્યા બાદ તેમાં હળદર, લાલ મરચું પાવડર, ધાણાજીરૂં, થોડી કોથમીર, ટામેટાં અને લીલા મરચાં નાખીને બરાબર મિક્ષ કરો. પેસ્ટમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો. ત્યાર બાદ તેમાં બટાટા અને વટાણાં નાખીને બરાબર મિક્ષ કરીને પાંચથી દસ મિનિટ સુધી ઢાંકીને ચઢવા દો. વચ્ચે-વચ્ચે હલાવતા રહો. જો જરૂર લાગે તો થોડું પાણી છાંટો. વટાણાં અને બટાટા બંન્ને ચઢી જાય ત્યાં સુધી ઢાંકીને ચઢવા દો. છેલ્લે ગરમ મસાલો અને ઘી નાખીને બરાબર મિક્ષ કરીને એકાદ મિનિટ સુધી ચઢવા દો. હવે કોથમીરથી ગાર્નિશ કરીને ગરમા-ગરમ આલુ મટર મસાલા સર્વ કરો.

*લીલા વટાણાની દાળ*

સામગ્રી: એક કપ લીલા વટાણા, બે ટામેટાં, બે લીલાં મરચાં, બે-ત્રણ ટેબલસ્પૂન સમારેલી કોથમીર, બે ટેબલસ્પૂન તેલ, એક ચમચી ઘી, અડધી ચપટી હિંગ, અડધી ચમચી જીરું, પા ચમચી હળદર, એક ચમચી ધાણાજીરું, પા ચમચી લાલ મરચું, પા ચમચી ગરમ મસાલો, પોણી ચમચી આદુની પેસ્ટ, સ્વાદ અનુસાર મીઠું.

રીત: સૌપ્રથમ કૂકર ગરમ કરી લો. ત્યારબાદ અંદર તેલ ગરમ કરવા રેડો. ત્યારબાદ અંદર પા ચમચી જીરું અને અડધી ચપટી હિંગ નાખો. ત્યારબાદ અંદર પા ચમચી હળદર અને એક ચમચી ધાણાજીરું નાખી થોડું સાંતળો. ટામેટાં લીલા મરચાની પેસ્ટ બનાવીને રાખવી અને મસાલા સાંતળ્યા બાદ અંદર અ પેસ્ટ, આદુની પેસ્ટ અને લાલ મરચું નાખો અને બધુ બરાબર મિક્સ કરી લો. લાલ મરચું વઘાર માટે થોડું સાઇડમાં રાખવા. મસાલા સંતળાય એ દરમિયાન મિક્સરમાં વટાણાને ક્રશ કરી લો. વટાણા અધકચરા જ પીસવા. મસાલામાંથી તેલ છૂટું પડવા લાગે એટલે અંદર વટાણા નખી એક મિનિટ માટે મિક્સ કરીને સાંતળો. ત્યારબાદ અંદર અડધી ચમચી મીઠું અને એક કપ પાણી એડ કરી કૂકર બંધ કરી દો અને એક સીટી વાગે ત્યાં સુધી ચઢવો. એક સીટી વાગી જાય એટલે ગેસ બંધ કરી હવા નીકળી જવા દો. હવા નીકળી જાય એટલે તમારી પસંદ અનુસાર પાતળી કે જાડી કરી શકાય છે. સાથે ગરમ મસાલો અને લીલી કોથમીર એડ કરો. હવે આ દાળને સર્વિંગ બાઉલમાં કાઢી લો. દાળને વધારે ટેસ્ટી બનાવવા ઉપરથી વઘાર કરવો. વઘારિયામાં એક ચમચી ઘી ગરમ કરો. ઘી ગરમ થઈ જાય એટલે અંદર જીરું અને એક લીલું મરચું વચ્ચે કાપો કરી નાખો. થોડું સાંતળી ગેસ બંધ કરી અંદર વધેલું લાલ મરચું નાખો અને આ વઘારને દાળ પર રેડો. ઉપર થોડી કોથમીર ભભરાવી રોટલી, પરાઠા, ભાત કે નાન સાથે સર્વ કરો.

*વેજ ખીમા મટર*

સામગ્રી : ૨ કપ સોયા ગ્રેન્યુલ્સ(વડી), ૧ કપ લીલા વટાણા, ૧/૨ કપ દહીં, ૧ કાંદો, ૪ ચમચી તેલ, ચમચી વાટેલા કાળા મરી, ૧ ચમચી લસણની પેસ્ટ, હળદર, લાલ મરચું, ધાણાજીરું, ગરમ મસાલો, મીઠું.

રીત : સોયા ગ્રેન્યુલ્સને ગરમ પાણીમાં ૧૫ મિનિટ પલાળી રાખો, ત્યારબાદ નીચોવીને બાજુમાં રાખી દો. ગરમ તેલમાં જીરું અને ઉપર જણાવેલા મસાલા નાંખી સાંતળો, તેમાં ઝીણા સમારેલા કાંદા ઉમેરો. મસાલામાંથી તેલ છૂટું પડે એટલે તેમાં સોયા ગ્રેન્યુલ્સ અને વટાણા નાંખો. થોડું પાણી ઉમેરી ચડવા દો. ત્યારબાદ તેમાં દહીં નાંખી બે મિનિટ રહેવા દો. કોથમીર ભભરાવી પીરસો.

*મટર પનીર પસંદા*

સામગ્રી : ૨૦૦ ગ્રામ પનીરનો બ્લોક, ૧ કપ બોઈલ્ડ લીલાં વટાણાની પેસ્ટ, ૨ ટે.સ્પૂન ગ્રીન ચટણી, ૧ ટે.સ્પૂન કાજુના બારીક ટુકડા, ૧ ટે.સ્પૂન ઝીણી કિસમિસ, નમક, કોર્નફ્લોરની સ્લરી, તેલ. ગ્રેવી માટે : ૨-૩ ટે.સ્પૂન તેલ અથવા ઘી, ૨ તમાલપત્ર, ૨ તજના ટુકડા, ૪ લવિંગ, ૫-૬ એલચી, ૧ કપ બાફેલી ડુંગળીની પેસ્ટ, ૨ ટી.સ્પૂન આદું-લસણની પેસ્ટ, ૧ કપ ટામેટાંની પ્યુરી, લાલ મરચું, ધાણાજીરું, હળદર બધું ૧/૨ ટી.સ્પૂન, ૧/૨ કપ ક્રીમ, ૧ લીલું મરચું બારીક કાપેલું.

રીત: પનીરની ચોરસ પાતળી સ્લાઈસ કાપી લો. હવે વટાણાની પેસ્ટ, ગ્રીન ચટણી, કાજુના ટુકડા, કિસમિસ, નમક મિક્સ કરી તેને પનીરની એક સ્લાઈસ પર પાથરી તેના પર બીજી સ્લાઈસ મૂકો. આ રીતે બધી સેન્ડવિચ જેમ તૈયાર કરી લો. હવે તેને કોર્નફ્લોરની સ્લરીમાં ડીપ કરીને તેલમાં તળી લો. તળાઈ જાય એટલે વચ્ચેથી ત્રિકોણ કાપી લો. હવે ગ્રેવી માટે પેનમાં ૨-૩ ટે.સ્પૂન તેલ ગરમ કરી તેમાં તમાલપત્ર, તજ, લવિંગ, એલચી તતડાવો. તેમાં બોઈલ્ડ ડુંગળીની પેસ્ટ નાખી સાંતળો. આદું-લસણ પેસ્ટ નાખી ૨-૩ મિનિટ સાંતળો. હવે તેમાં ટોમેટો પ્યૂરી નાખી ફરી ૨-૩ મિનિટ સાંતળો. પછી તેમાં લાલ મરચું, હળદર, ધાણાજીરું પાઉડર, ગરમ મસાલો, લીલું મરચું, નમક નાખી તેને ૨-૩ મિનિટ સાંતળો. પછી ૧/૨ કપ પાણી નાખી ૧-૨ મિનિટ પકાવી, ગેસ બંધ કરી ક્રીમ મિક્સ કરી તેને સર્વિંગ પ્લેટમાં પનીર સેન્ડવિચ રાખી તેના પર ગ્રેવી રેડી, કોથમીર ભભરાવી સર્વ કરો.

*લીલા વટાણાની ઘુઘની*

સામગ્રી: બે કપ લીલા વટાણા, બે મિડિયમ સાઇઝનાં બટાકાં (કાપીને નાના પીસ કરી દેવા), એક ડુંગળી, ઝીણી સમારેલી, ચાર-પાંચ ક્રશ કરેલું લસણ, એક ઈંચ આદુના ટુકડાની પેસ્ટ, બે ચમચી લીલી કોથમીર, ઝીણી સમારેલી, એક ચમચી કોથમીર, એક-બે લીલાં મરચાં, ઝીણાં સમારેલાં, પા ચમચી હળદર, પા ચમચી લાલ મરચું, પા ચમચી ગરમ મસાલો, અડધી ચમચી જીરું, બે ચપટી હિંગ, બે ચમચી સરસોનું તેલ.

રીત: એક કઢાઇમાં તેલ લઈ તેલ ગરમ કરો. તેલ ગરમ થઈ જાય એટલે હિંગ અને જીરું નાખી શેકો, ત્યારબાદ અંદર આદુ અને લસણની પેસ્ટ નાખી થોડી સાંતળો. ત્યારબાદ અંદર ડુંગળી નાખી ગોલ્ડન થાય ત્યાંસુધી સાંતળી લો. ત્યારબાદ અંદર લીલું મરચું અને બટાકુ નાખો અને બે-ત્રણ મિનિટ સુધી ચઢવો. ત્યારબાદ અંદર વટાણાં, મીઠું, મરચું, ધાણાજીરું અને હળદર નાખી બરાબર મિક્સ કરી દો અને ઢાંકીને બટાકાં ગળી જાય ત્યાં સુધી ચઢવા દો. ત્યારબાદ ગરમ મસાલો અને લીલી કોથમીર નાખી ગેસ બંધ કરો. ત્યારબાદ પૂરી કે પરાઠા સાથે સર્વ કરો ગરમાગરમ ઘુઘની.

*વટાણાની કચોરી*

સામગ્રી: કચોરીના લોટ માટે : ૨ કપ ઘઉંનો લોટ અથવા મેંદો, ૨ ચમચી તેલ, મીઠું. અન્ય સામગ્રી : ૧ કપ લીલા વટાણા, ૧/૨ ચમચી જીરું, ૧ ચમચી ધાણાજીરું, ૧ ચમચી લાલ મરચું, ચપટી હિંગ, ૧ ચમચી ગરમ મસાલો, ૧/૨ ચમચી આમચૂર પાઉડર, વાટેલાં આદુ-મરચાં, તેલ, મીઠું.

રીત : લોટમાં મીઠું અને તેલનું મોણ નાખી બાંધી લો. ૨૦ મિનિટ રાખી મૂકો. પૂરણ માટે વટાણાને મિક્સરમાં અધકચરા વાટી લો. એક વાસણમાં તેલ ગરમ કરી હિં તથા જીરાનો વઘાર કરો. તેમાં બધા મસાલા નાંખી સાંતળો. ત્યારબાદ વાટેલા વટાણા નાંખી ફરી સાંતળો. લોટમાંથી નાના ગોળા વાળી હથેળીથી દબાવી તેમાં પૂરણ ભરો. જોઇએ તો વેલણથી સહેજ વણી લો. આ રીતે બધી કચોરી તૈયાર કરી લો. એક કડાઇમાં તેલ ગરમ કરી કચોરીને તળી લો. કોથમીરની ચટણી સાથે ગરમાગરમ પીરસો.

*મસ્ત મટર પનીર*

સામગ્રી : 250 ગ્રામ પનીર 1/2 કપ લીલા તાજા વટાણા 2-3 નંગ ટામેટા 2 નંગ લીલા મરચા 1 ટુકડો આદુ 1/2 નાનો કપ ક્રીમ અથવા ઘરના દૂધની મલાઈ 2 ટે. સ્પૂન રીફાઈન્ડ તેલ 1/2 નાની ચમચી જીરૂ 1/4 નાની ચમચી હળદર 1 નાની ચમચી ધાણા પાઉડર 1/4 નાની ચમચી (થોડો ઓછો) લાલ મરચાનો પાઉડર 1/4 નાની ચમચી ગરમ મસાલો મીઠું સ્વાદ અનુસાર 2 ટે.સ્પૂન લીલી કોથમીર (બારીક સમારેલી)

રીત : ટામેટા, લીલા મરચા, આદુ મિક્સરમાં બારીક પીસી લેવા. આ પેસ્ટમાં ક્રીમ/મલાઈ નાંખી ફરી એક વખત મિક્સર ફેરવી લેવું. પનીર ચોરસ ટુકડામાં સમરી લેવું અને લીલા વટાણાને 1/2 કપ પાણીમાં બાફી લેવા. એક કડાઈમાં તેલ નાંખી અને ગરમ કરવું. ગરમ તેલમાં જીરું નાંખવું. જીરૂ શેકાઈ ગયા બાદ, હળદર, ધાણા પાઉડર, મરચું નાંખી અને ચમચાની મદદથી હલાવતાં જવું. તેને બરોબર શેકવું / સાંતળવું. હવે તમે અગાઉ જે મસાલો પીસીને તૈયાર કરેલ (પેસ્ટ) તે નાંખો. તેણે ત્યાં સુધી સાંતળવો / શેકવો કે તેમાંથી તેલ છૂટીને સપાટી ઉપર બહાર દેખાવા લાગે. મસાલો શેકાઈ ગયા બાદ, તમને જે રીતની ગ્રેવી પસંદ હોય, એટલે કે ઘટ કે પાતળી, તે પ્રમાણે જરૂરી પાણી ઉમેરવું. ગ્રેવીમાં અગાઉ ઉકાળેલ/બાફેલા વટાણા અને સ્વાદ અનુસાર મીઠું નાખવું. ઉફાળો આવ્યા બાદ, પનીર નાંખવું. 3-4 મિનિટ સુધી ઉકાળવા દેવું(ગરમ કરવું). મટર પનીર નું શાક તૈયાર છે. આ શાકમાં ગરમ મસાલો અને અડધી સમારેલી લીલી કોથમીર નાંખવી. શાકને એક કાચના વાસણમાં કાઢી લેવું. બાકીની કોથમીર ત્યાર બાદ, ઉપરથી છાંટવી. ગરમાગરમ મટર પનીરનું શાક, નાન– પરોઠા કે રોટલી સાથે સર્વ કરો.