Rudrax books and stories free download online pdf in Gujarati

રુદ્રાક્ષ

રુદ્રાક્ષ


આચાર્યજી હાથમાં લઈ હળવેથી હાથ ફેરવતા.
આતો અલભ્ય એક મૂખી રુદ્રાક્ષ. પણ આતો એજ. આ યુવાન પાસે કયાંથી આવ્યો. મનમાં 'ના! આ એ ન હોય શકે..એતો વર્ષો પહેલાં દુનિયા છોડી જતી રહી.. તો આ રુદ્રાક્ષ..તો આ કયાંથી ? ઓહ! આ યુવાનનો ચહેરો તો ગૌરી જેવો જ.. આ ભાવવહી આંખો. બોલવાની લઢણ પણ ગૌરીને મળતી જ. આટલી બધી સામ્યતા?
ઓહ ! આ એજ  મારો.... ના! એ ભેદ ખૂલી જાય તો
આટલા વર્ષોથી બનાવેલી પ્રતિષ્ઠા અને આબરુ પર પાણી ફરી વળશે..એ નબળી ક્ષણ મન પર હાવી ન થઈ હોત કે એ સમયે જો સંયમ રાખી શક્યો હોત તો..આ દિવસનો સામનો ન કરવો પડત.  પણ આ યુવાને હજી તેના આવવાનું પ્રયોજન તો જણાવ્યું જ નથી.'

વિચારવમળમાંથી બહાર આવતાં 

"બોલ વત્સ, આ રુદ્રાક્ષ તને કોણે આપ્યો?કેમ આવવું પડયું?"
યુવાન મનમાં મલકાતાં, " ગુરુજી  હું તમારી નિશાની તમને સોંપવા આવ્યો'તો સ્વીકારી નચિંત બનો. મારે કયારેય રુદ્રાક્ષની જરૂર નહીં પડે.  રુદ્રાક્ષનું જીવની જેમ જતન કરનારી મારી જનેતા એક ચીઠ્ઠી સાથે રુદ્રાક્ષ છોડી કયારની અનંતની વાટ પકડી જતી રહી."

આચાર્ય સોમેશ્વર સામે વર્ષો પહેલાંનો સમય આવી ગયો. યુવાન સોમેશ્વર ધર્મ શિક્ષણ માટે બનારસ ગુરુને ત્યાં રહી વિધ્યાઅભ્યાસ કરતાં. ત્યારે ગુરુની બાળવિધવા પુત્રી ગૌરીના સોંદર્યથી અભિભૂત થઈ તેને પ્રેમ કરવા લાગ્યાં.
ગૌરી અઠાર વર્ષની બાળ વિધવા પણ ગુરુના સુધારાવાદી વિચારોને કારણે માથે મૂંડન કરાવતી નહીં અને સાદા રંગીન  કપડાં પહેરતી. પહેલી નજરે જોનાર તેને વિધવા માની ન શકતાં. સાથે તેના લાંબા કાળા વચ્ચે પૂનમના ચાંદ જેવો ચહેરો. ભાલ પર ચંદનનો ચાકાળી મોટી ભાવવાહી આંખો, ગુલાબની પાંદડી જેવા ગુલાબી ઓષ્ઠ. સુરાહી જેવી ગરદન અને ઉન્નત યુગ્મ શિખરો જોનારને સંમોહિત કરી દેતાં. જયારે તે ભક્તિમાં રમણ સ્તવનો ગાતી ત્યારે સમગ્ર સૃષ્ટિ તેને સાંભળવા સ્થંભી જતી. ગૌરી પણ તેને પ્રેમ કરવા લાગી હતી. આ વાતની જાણ ગુરુજીને થતાં તેણે ગૌરીને બીજે મોકલી આપી. પણ જતાં પહેલાં ગૌરી છેલ્લીવાર સોમેશ્વરને મળવા આવી ત્યારે એકાંતે આગમાં ઘી હોમવાનું કામ કર્યુ. સોમેશ્વર ને ગૌરી એ નબળી ક્ષણે મર્યાદા ભૂલી એકબીજામાં એકાકાર બની ગયેલ. જતાં જતાં ગૌરી સોમેશ્વર પાસે રહેલ રુદ્રાક્ષને યાદગીરી તરીકે સાથે લઈ ગઈ. 
ભાવિથી અજાણ બંને એકબીજાને આસું ભરી આંખે જોતાં વિદાય લીધી.
એ વાતને આજ વીસ વર્ષ થયાં સોમેશ્વર ગુરુજીની જગ્યાએ ગાદીપતિ બન્યો. ગૌરી ગંગાસ્નાન કરતાં ગંગામાં  વિલિન થયાની ખબર આવી હતી. તેની સાથે ગુરુજી એ સોમેશ્વરને ગૌરી 'મા' બનવાની હતી, એટલે જળસમાધિ લીધી તેવું કહ્યું હતું. 

આજ આટલા વર્ષો બાદ આ યુવાન...

યુવાન હળવેથી, "ગુરુજી નિશ્ચિત રહો ગૌરીમાની તપસ્યા પર ડાઘ નહીં પડવા દઉં. સત્ય કયારેક સમયની આગોસમાં સુતેલું જ સારું.. હું ગૌરીમાનો રુદ્રાક્ષ ગંગામાંથી મળી આવેલ એજ સત્ય રહેશે.”

આચાર્ય સોમેશ્વેર હાથમાંના અને સામે રહેલ રુદ્રાક્ષને વારા ફરતી નિરખતા રહ્યાં. તેને પોતાના હાથમાં રહેલ રુદ્રાક્ષ કરતાં સામે રહેલ રુદ્રાક્ષ કિંમતી લાગ્યો. આસન પરથી ઊભા થતાં આંખ રુમાલથી લુંછી રુદ્રાક્ષને ગળે વળગાડી દીધો. હૈયામાં ભંડારેલ વર્ષોનો અજંપો શાંત થઈ ગયો.

રુદ્રાક્ષ અળગો થતાં “ગુરુજી આજ્ઞા?”
આચાર્ય સોમેશ્વર, “બેટા તું અહીંયા મારી સાથે રહી …”
તેમની વાત અધવચ્ચે કાપતાં, "હું અહી નહીં રહીં શકું, ત્યાં ગૌરીમા રાહ જોતા હશે... મારે હવે જવું જ પડશે ...ગુરુજી પ્રણામ સાથે રજા લઉં…” એ સાથે તેણે આશ્રમની બહાર જવા મુઠ્ઠીવાળી જાણે રીતસરની દોડ મૂકી. 

આચાર્ય સોમેશ્વરના કર્ણ પર ગૌરીમા વાટ જોતા હશે શબ્દો અથડાતા થોડીક ક્ષણો સ્તબ્ધતાથી જોઈ રહ્યાં, પણ રુદ્રાક્ષને બહાર જતાં જોઈ,
“વત્સ, ઊભો રહે ગૌરીમા વાટ જુએનો અર્થ એકે ગૌરી હજી..” પણ તેના શબ્દો આશ્રમની દિવાલ સાથે અથડાય પાછા ફર્યા. 

આંખોમાં શૂન્યાવકાશ આંજી તે પોતાના હ્રદયને રુદ્રાક્ષ સાથે જતું સાક્ષી ભાવે જોઈ રહ્યાં…

આશ્રમની દિવાલો વચ્ચે હું જ શિવ હું જ જીવ સાથે ૐ નમોઃ શિવાયનો નાદ ગુંજવા લાગ્યો..

અસ્તુ 
“કાજલ” 
કિરણ પિયુષ શાહ