film review Luka Chhupi books and stories free download online pdf in Gujarati

‘લુકા છૂપી’ ફિલ્મ રિવ્યૂ – અફલાતૂન રોમેન્ટિક કોમેડી

જોવી હતી ‘સોનચિડિયા’, પણ ‘ટોટલ ધમાલ’ની ધૂંઆધાર બોક્સઓફિસ બેટિંગ જારી હોવાથી અને યુવા વર્ગને વધુ અપીલ કરે એવી પ્રેમકથા ‘લુકા છુપી’ની રિલિઝને લીધે અભિષેક ચૌબે (‘ઉડતા પંજાબ’, ‘ઈશ્કિયાં’ જેવી ઓફબીટ આર્ટ-પીસના ડિરેક્ટર) જેવા ધરખમ નિર્દેશકની હાર્ડહિટિંગ ‘સોનચિડિયા’ને પૂરતા પ્રમાણમાં સિનેમારૂપી ઘોસલા જ ન મળ્યા. સૂરત જેવા સૂરતમાં ગણીને ફક્ત ચાર મલ્ટિપ્લેક્સમાં એ ફિલ્મ લાગી ને એમાંય ફક્ત બેમાં મોર્નિંગ શો હતા. ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવા વહેલી સવારે છેક અડાજણ સુધી લાંબો થયો ને જાણ થઈ કે ‘રાજહંસ’ અને ‘સિનેપોલીસ’ બંનેમાં ‘સોનચિડિયા’ના મોર્નિંગ શોની સમ ખાવા પૂરતી એક પણ ટિકિટ નહોતી વેચાઈ..! આઘાત લાગ્યો, નિરાશ થઈ જવાયું, પણ કોઈક ફિલ્મ તો જોવાની જ હતી એટલે કમને ‘લુકા છુપી’ જોવા બેઠો, અને…

બોસ… ક્યા ફિલ્મ નીકલી..! બોલે તો બિલકુલ ફાડૂ કોમેડી… એન્ટરટેઇનમેન્ટ કા બાપ..!!! ઉમ્મીદ સે દુગના સાબિત થયેલી આ ફિલ્મે પહેલી ફ્રેમથી છેલ્લી ફ્રેમ સુધી હસાવી હસાવીને લોટપોટ કરી દીધા. અહીં સર્જાતું હાસ્ય પાછું ‘ટોટલ ધમાલ’ જેવું કન્ટેન્ટ વગરનું કે ઉપરછલ્લું બિલકુલ નથી. વેફર જેવી પાતળી વાર્તા ધરાવતી ‘ટો.ધમાલ’ તો ફન્ની ડાયલોગ્સ અને એક્ટર્સની કોમિક ટાઇમિંગને લીધે તરી ગઈ. ‘લુકા છુપી’માં પણ આ બે પ્લસ પોઇન્ટ તો કૂટ કૂટ કે ભરા હૈ, પણ સાથોસાથ જે જોરદાર સ્ક્રિપ્ટ-વર્ક થયું છે, એ જ ફિલ્મનો અસલી હીરો સાબિત થાય છે. કથા, પટકથા અને સંવાદ… ત્રણે મોરચે આ ફિલ્મને પાંચમાંથી પાંચ સ્ટાર્સ આપવા જ પડે એવું માતબર લેખન થયું છે.

વાર્તા આકાર લે છે, યુ.પી.ના નાનકડા નગર મથુરામાં. છોરી અને છોરો મળે છે, અને બંને વચ્ચે પ્રેમ જેવું કંઈક થઈ જાય છે. ગુડ્ડુ શુક્લા(કાર્તિક આર્યન) ઘડિયા લગ્ન કરી લેવા માગે છે પણ રશ્મી ત્રિવેદી(ક્રિતી શેનોન) શ્યોર નથી લગ્ન બાબતે. રશ્મી લિવ-ઇન-રિલેશનશિપમાં રહેવાની વાત કરે છે, ત્યારે શરૂઆતમાં ગુડ્ડુ ડરીને ના પાડે છે, પણ પછી તૈયાર થઈ જાય છે. બંને છુપી રીતે એક છત નીચે રહેવા માંડે છે, પણ ધીમેધીમે તેઓ પરિણિત છે એવી વાત સમાજમાં ફેલાઈ જાય છે. એ પછી તો જે થયા જ નથી એવા લગ્નની રીતરસમો નીભાવવાનો વખત આવે છે અને ત્યારે આ ઉતાવળિયા કપલને ભાન થાય છે કે, શાદી વાકઈ મેં ગુડ્ડે-ગુડ્ડીયોં કા ખેલ નહીં હૈ. લગ્ન કર્યા વિના જ લગ્ન-બંધનમાં બંધાઈ-સપડાઈ-ફસાઈ ગયેલા કપલની પછી શી હાલત થાય છે, એની મસ્ત-મજેદાર-ચટાકેદાર પ્રસ્તુતિ એટલે ‘લુકા છૂપી’.

‘લિવ-ઇન’નો વિષય આમ તો અગાઉ પણ હિન્દી ફિલ્મોમાં છાશવારે ડોકાઈ ગયો છે, પણ અહીં વાર્તાની પ્રસ્તુતિમાં તાજગી છે. એક જુઓ ને એક ભૂલો એવા હાસ્ય-પ્રેરક પ્રસંગોથી ખીચોખીચ સ્ક્રિપ્ટ અને હસાવી હસાવીને લોટપોટ કરી દેતા ડાયલોગ્સ. સીધા દિલમાં ઉતરી જાય એવા ક્યુટ ક્યુટ પાત્રો અને એમની વચ્ચે સર્જાતી ઓહ-માય-ગોડ સિચ્યુએશન્સ… ‘લુકા છૂપી’ લેખન મોરચે જ બાજી મારી જાય છે. રહી વાત ફિલ્મના અન્ય પાસાંની તો…

ફિલ્મનું કાસ્ટિંગ જડબેસલાક…!!! એક એક કલાકારને વીણીચૂંટીને પસંદ કરાયો છે. આંખ બંધ કરીને સાંભળો તો અદ્દલ અક્ષય કુમાર બોલતો હોય એવો અવાજ ધરાવતો કાર્તિક આર્યન ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ પછી ફરી એક વાર ફૂલ ફોર્મમાં છે. ‘બરેલી કી બરફી’માં ક્રિતી શેનોનનો અભિનય બેસ્ટ હતો, પણ ‘લુકા છૂપી’માં એ ઓર નીખરી છે. સુંદર તો એ છે જ, પણ અહીં એના હાવભાવ ને સંવાદ-અદાયગી વધુ મંજાયેલી લાગી. કાર્તિક-ક્રિતી વચ્ચેની કેમેસ્ટ્રી અફલાતૂન. બંનેએ એકમેકને સોલ્લિડ કોમ્પ્લિમેન્ટ કર્યા છે. કાર્તિકના મિત્ર અબ્બાસ તરીકે અપારશક્તિ ખુરાના ફરી એક વાર દિલ જીતી લે છે, તો છોરા-છોરીના વડીલના રોલમાં વિનય પાઠક અને અતુલ શ્રીવાસ્તવ પણ પરફેક્ટ. અન્ય તમામ કલાકારો પણ માપે-માપ, દોરે-દોરા, ખૂણે-ખૂણા ટુ-ધ-પોઇન્ટ કામ કરી ગયા છે. ન કમ, ન જ્યાદા. ત્રણ એક્ટર્સનો ખાસ ઉલ્લેખ કરવો અહીં જરૂરી બની જાય છે. એક તો શ્રીકાંત ત્રિવેદી બનતા અજીત સિંહ. ક્રિતીની લગ્નવિદાય વખતે આ માણસે ગાભાં નીકળી જાય એવી કોમેડી કરી છે. બીજો, ૭-૮ વર્ષનો એક ટેણિયો છે. ‘ચીકુ’ના રોલમાં માસ્ટર સમ્રાટ ‘છોટા પેકેટ બડા ધમાકા’ સાબિત થાય છે. એન્ડ ફાઇનલી, ધ ગ્રેટ મિસ્ટર પંકજ ત્રિપાઠી. ભલભલા એક્ટર્સ માટે ટેક્સ્ટ બૂક સાબિત થાય એવું વધુ એક તગડું-દાદુ પરફોર્મન્સ આપ્યું છે એમણે. ગયા વર્ષની બ્લોકબસ્ટર હિટ ‘સ્ત્રી’માં રુદ્ર નામના ભેજાગેપ પેરાનોલોજિસ્ટ અને મીની-સિરિઝ ‘મિરઝાપુર’માં કાલિન ભૈયા બનેલા પંકજે અહીં ગંભીર અભિનયને બદલે કોમેડી રોલમાં દેખા દીધી છે અને એમાંય ફૂલ માર્ક્સે પાસ થયા છે. એમના રંગબેરંગી કપડા, એમની વિચિત્ર ચાલઢાલ, સ્ત્રીઓને લાઇન મારવાની એમની સ્ટાઇલ… બધ્ધું જ માઇન્ડબ્લોઇંગ છે. લવ યૂ, સર જી…

નિર્દેશન લક્ષ્મણ ઉટેકર અને લેખક રોહન શંકરના વખાણ કરીએ એટલા ઓછા. બંને પાસે ભવિષ્યમાં તોતિંગ અપેક્ષા જાગે એવું કામ કરી બતાવ્યું છે અહીં એમણે. ફિલ્મનું સંગીત ઠીકઠાક જ કહી શકાય. ગીતો વધુ સારા હોત તો ક્યા કહેને થઈ જાત, પણ ફિલ્મ છે જ એટલી સરસ કે એવરેજ સંગીત એટલું ખાસ કઠતું નથી. કેમેરા વર્ક અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક ફિલ્મના મૂડને એકદમ અનુરૂપ. મથુરાની મધ્યમવર્ગીય લાઇફસ્ટાઇલને જીવંત કરવાનો પ્રયાસ કાબિલેતારીફ, સ્થાનિક બોલીમાં ઝબોળાયેલા ડાયલોગ્સ આફરિન પોકારાઈ જવાય એવા તાલીમાર-સીટીમાર.

મોટાભાગની હિન્દી ફિલ્મો ઇન્ટરવલ સુધી સારો ટેમ્પો જમાવીને પછી બીજા ભાગમાં હાંફી જતી હોય છે. ‘લુકા છૂપી’ ઇન્ટરવલ સુધી તો રસપ્રદ છે જ, પણ ઇન્ટરવલ પછી આ ફિલ્મ એક લેવલ ઉપર ઊઠી જાય છે, અને ક્લાઇમેક્સ તરફ જતાં વધુ ને વધુ ફની થતી જાય છે. ઢીલી પડવાની વાત તો છોડો, ૨ કલાકને ૨૩ મિનિટની હોવા છતાં ફિલ્મ જરાય લાંબી લાગતી નથી અને એનું કારણ છે એક પછી એક બનતા રમૂજી પ્રસંગો. કુળદેવતાના દર્શને જતાં ક્રિતી-કાર્તિકનો પીછો કરતા બાબુલાલ(પંકજ સર) હોય કે પછી બંધ કમરામાં મોબાઇલ-મંત્રોને સથવારે ફેરા ફરતું કપલ… પતિને સાડીના પલ્લુ સાથે બાંધી રાખવાની ‘નોટી’ સલાહ આપતી જેઠાણી હોય કે નવપરિણિત દીકરાની ‘પેલી’ લાગણીઓને કાબૂમાં રાખવાની સલાહ આપતા પિતા… કાકાને બ્લેકમેઇલ કરતું ટાબરિયું હોય કે લગ્ન પછી લગ્ન અને પછી ફરી ફરી લગ્ન કરવા હવાતિયાં મારતું કપલ… એક સીનમાં એક વેવાઈ બીજા વેવાઈને ધમકી આપે છે, એય પાછી મધ-મીઠી જબાનમાં… ટુ ગૂડ, યાર..! એક્ચ્યુલી ફિલ્મમાં કયું સીન બેસ્ટ છે એ નક્કી કરવાનું મુશ્કેલ બની જાય એવો જલસો મંડાયો છે અહીં. ગયા વર્ષે બહુ ચાલેલી ‘બધાઈ હો’માં હાસ્યના ફૂવારા છૂટેલા તો ‘લુકા છૂપી’માં હાસ્યનો રીતસરનો ધોધ વહે છે.

લિવ-ઇન જેવા એડલ્ટ ગણાતા વિષય પર બની હોવા છતાં ફિલ્મમાં જરાય અશ્લીલતા નથી એટલે બચ્ચા-પાર્ટી સહિત ફૂલ ફેમિલી જોઈ શકાય એવી આ મસ્ટ, મસ્ટ, ‘મસ્ત’ ફિલ્મને હું દિલ ખોલીને આપીશ પાંચમાંથી પૂરા ૪.૫ સ્ટાર્સ. ‘જબ વી મેટ’ અને ‘બેન્ડ બાજા બારાત’ સાથે મૂકી શકાય એવી છે આ ‘લુકા છૂપી’… દેખના તો બનતા હૈ… હેવ અ ફેફડા-ફાડ લાફ્ટર ટાઇમ…

આઇસિંગ ઓન ધ કેક

કોમેડી ફિલ્મમાં એક ગંભીર ડાયલોગ મને બહુ ગમ્યો. બનાવટી લગ્નનો બોજ વેંઢારતી ક્રિતી એક સીનમાં બોલે છે, ‘મંગલસૂત્ર ઔર સિંદૂર કા બોજ ઈતના જ્યાદા હો જાયેગા યે કભી સોચા નહીં થા…’ સુપર્બ રાઇટિંગ, ટાઇમિંગ એન્ડ ડિલિવરી. બ્રાવો..!! ટુ ધ એન્ટાયર ટીમ…