puttuparthi books and stories free download online pdf in Gujarati

પુટપર્થી - આધ્યાત્મિકતાની સાથે પ્રવાસનો પવિત્ર સંગમ

પુટપર્થી 

તમે સત્ય સાંઈ બાબામાં વિશ્વાસ ધરાવતાં હોવ કે ન હોવ પરંતુ જો તમે ટ્રાવેલના શોખીન હોવ અને કંઈક સુંદર કલાકૃતિ અને બાંધકામ જોવા માંગતા હોવ તો આ સ્થળની એક વખત મુલાકાત લેવા જેવી ખરી... શું કામ તેની વાત આપણે આગળ કરીએ...

દેશના દક્ષિણ ભાગમાં આવેલા રાજ્ય આંધ પ્રદેશના અનંતપુર જિલ્લામાં પુટપર્થી આવેલું છે. જે આજે સાંઈબાબાના અવતાર ગણાતા 'સત્ય સાંઈબાબા' ના લીધે વિશ્વભરમાં પ્રખ્યાતિ પામ્યું છે. પુટપર્થી નું મુખ્ય આકર્ષણ સત્ય સાંઈબાબાનો આશ્રમ 'પ્રશાંતિ નિર્લયમ' છે. જ્યાં દર વર્ષે લાખોની સંખ્યામાં દેશ વિદેશમાંથી ભાવિકો બાબા ના દર્શન માટે આવે છે. જેને લીધે નાનકડું ગામ પુટપર્થી આજે શહેર બની ગયું છે. આ ઉપરાંત પર્વતીય અને કુદરતી સૌંદર્ય થી આચ્છાદિત વિસ્તાર ની વચ્ચે આવેલું ચૈતન્ય જ્યોતિ મ્યુઝિયમ, હિલ વ્યૂ સ્ટેડિયમ, મ્યુઝિક હાઉસ, સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને યુનિવર્સિટી આધ્યાત્મિકતા ની સાથે પ્રવાસન નો પણ આનંદ આપે છે. જો તમે પુટપર્થી જવાના હોવ તો એક વાર આ સ્થળોની મુલાકાત લેવાનું ભૂલતાં નહીં. તો ચાલો જાણીએ અહીં ક્યાં સ્થળો જોવા જેવા છે.

'પ્રશાંતિ નિર્લયમ'
વિશાળ પ્રશાંતિ નિર્લયમ આશ્રમ એક આકર્ષણ ના કેન્દ્ર સમુ સ્થળ છે. જે આજે વિશ્ર્વભરમાં પ્રખ્યાત છે. અહીં પૂર્ણચંદ્રા ઑડિટોરિયમ અને સાંઈ કુલવંત એમ બે વિશાળ હૉલ છે. જેમાં ૧૫,૦૦૦ થી ૨૦,૦૦૦ શ્રદ્ધાળુ ઓ એક સાથે બેસી શકે એટલી વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે સત્ય સાંઈ બાબા હયાત હતા ત્યારે તેઓ રોજ તેમના ભક્તો ને અહીં દર્શન આપવા આવતાં હતાં. હવે આ સ્થાને તેમની સમાધિ બનાવવામાં આવી છે જ્યાં ભક્તો તેમની સમાધિ ના દર્શન કરી શકે છે. હૉલની ઇન્ટિરિયર ડિઝાઇન તેમજ મોટા મોટા અસંખ્ય ઝૂમમરો અને લાઈટ તમારી આંખો ને આંજી જશે. હૉલ ઉપરાંત આશ્રમ માં કેન્ટીનો છે જેમાં રોજ હજારો ભક્તો ને અત્યંત રાહત ના દરે સવાર સાંજ ચા નાસ્તો અને ભોજન આપવામાં આવે છે. આ વિશાળ આશ્રમમાં ભગવાન ના મંદિરો, મેડીટેશન ઝાડ, લાઈબ્રેરી, મૉલ, આઈસ્ક્રીમ પાર્લર, બેકરી, ગાર્ડન, રેડિયો રૂમ ઉપરાંત ઘણું બધું છે. આ આશ્રમ માં રહેવાની સગવડ પણ છે. આશ્રમ માં અનેક મકાનો બાબા ના દર્શનાર્થીઓ ને રહેવા માટે બનાવવામાં આવ્યા છે. જેમાં ૧૦૦૦ થી વધુ રૂમો છે. અહીં શિસ્તતા, શાંતિ અને સ્વચ્છતા એમ ત્રણ નિયમોનું સખ્ત રીતે પાલન કરવામાં આવતું હોવાથી વિદેશી ઓને પણ અહીં રહેવાનું ગમે છે. આ ઉપરાંત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ, પ્રખ્યાત ક્રિકેટર સચિન તેંડુલકર સહિત અનેક મહાનુભાવો અહીં આવી ચૂક્યાં છે.

'ચૈતન્ય જ્યોતિ'
કુદરતી સૌંદર્ય ધરાવતાં વિસ્તારમાં ટેકરી ના ઢોળાવ પર આશરે ૧૫ વર્ષ અગાઉ બાંધવામાં આવેલા ચૈતન્ય જ્યોતિ મ્યુઝિયમ ને જોવાનો લહાવો ચૂકવા જેવો નથી. સત્ય સાંઈ બાબા ના જીવનના અત્યાર સુધીના તમામ મહત્વના પાસાં અને પ્રસંગો ને અહીં સચિત્ર અંકિત કરવામાં આવ્યા છે. મ્યુઝિયમમાં વીડિયો પ્રેઝન્ટેશન, ઓડિયો રેકડીગ, પ્રભાવશાળી મૂર્તિ ઓ અને સ્ટેચ્યૂ, આકર્ષક સજાવટ, દક્ષિણ ભારત ની કલાકૃતિઓ અને લાઈટીંગ મનમોહક છે.
સામાન્ય મ્યુઝિયમ થી અલગ તરી આવતાં આ મ્યુઝિયમ ના બાહ્ય ભાગ ને ચીન ની સાંસ્કૃતિક શૈલીથી બનાવવામાં આવી છે. જે તમને પૂર્વીય દેશોની સઁસ્કૃતિ ની ઝાંખી કરાવશે. આ મ્યુઝિયમ ને જોવા માટે કોઈ ફી લેવામાં આવતી નથી.

સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ : જ્યાં મોટા ઓપરેશન વિના મૂલ્યે થાય છે. 
વિશ્ર્વભરમાં આંગળી ના વેઢે ગણી શકાય તેટલી હોસ્પિટલ છે જ્યાં મોટી મોટી સર્જરી, યૂરોલોજી, આંખ, મગજ અને હૃદય ના ઓપરેશન અહીં ટોચ ના ડોક્ટર અને મેડીકલ પ્રોફેશનલો ની ટીમ દ્વારા વિના મૂલ્યે કરવામાં આવે છે. જાતિ, ધર્મ, ગરીબ, શ્રીમંત ના ભેદભાવ વિના અહીં છેલ્લા ૨૫ વર્ષ કરતાં પણ વધુ સમયથી અહીં દર્દીઓને વિના મૂલ્યે મેડીકલ સેવા પૂરી પાડવામાં આવે છે. શ્રી સત્ય સાંઈ હોસ્પિટલ પ્રશાંતિ નિર્લયમ થી પાંચ કિમી ના અંતરે આવેલી છે. જેની સ્થાપના સત્ય સાંઈ બાબા એ કરી હતી.જ્યાં માત્ર ભારત ભરમાંથી જ નહીં પરંતુ વિદેશોમાંથી પણ દર્દી ઓ અહીં મોટા મોટા ઓપરેશન કરાવવા માટે આવતાં હોય છે.

શ્રી સત્ય સાંઈ યુનિવર્સિટી
અહીં આવેલી આ યુનિવર્સિટી ને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા એ રેટીંગ આપવા માં આવ્યું છે.જે અત્યાર સુધીમાં જૂજ જ કહી એટલી યુનિવર્સિટી ને મળ્યું છે. અહીં બાલવાડી થી લઈને પ્રોસ્ટ ગ્રેજ્યુએશન સુધી નું શિક્ષણ નિઃશુલ્ક આપવામાં આવે છે.
શાળા અને કોલેજ ની ઇમારતો દક્ષિણ ભારતીય શૈલી થી બનાવવામાં આવી છે. ઇમારતો ની બહાર ની કોતરણી, મૂર્તિ, નકશીકામ, રંગકામ કોઈ રાજા ના મહેલ ને પણ શરમાવે તેવું છે. અહીં તમામ વિદ્યાર્થીઓ ને શિસ્તતા ના પાઠ ભણાવવાની સાથે રમતગમત, યોગા, સંગીત સહિત ની પ્રવૃત્તિ ની સાથે પણ સાંકળવામાં આવે છે.

હિલ વ્યુ સ્ટેડિયમ
ક્રિકેટ ના મક્કા ગણાતા લોર્ડ સ્ટેડિયમ નાનું ગણાવે તેવું હિલ વ્યુ સ્ટેડિયમ ટેકરી પર જ બનાવવામાં આવ્યું છે. જેમાં ૩૦,૦૦૦ થી અધિક પ્રેક્ષકો બેસી શકે તેટલી વ્યવસ્થા કરવામાં આવી છે.
આ સ્ટેડિયમ નું મુખ્ય આકર્ષણ અહીં ચારે તરફ ઉભી કરવામાં આવેલી દરેક ધર્મ ના ભગવાનની વિરાટ મૂર્તિ ઓ છે. હિલ ની ટોચે હનુમાનજી ની ૬૫ ફૂટ ની ઉંચી મૂર્તિ બનાવવામાં આવી છે જે ઘણે દૂર થી પણ દેખાય આવે છે.

પ્લેનેટોરીયમ
ખગોળીય ક્ષેત્રે રુચિ ધરાવનાર  લોકોને આ પ્લેનેટોરીયમ ઘણું જ ગમશે. 'સ્પિરિટ સ્પેશ સિસ્ટમસ-૫૧૨' ની મદદ થી બનાવટી આકાશ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં આકાશ ગંગા અને સૌર મન્ડલ વિશે સવિસ્તાર માહિતી આપવામાં આવે છે. ૨૦૦ જણ ની ક્ષમતા ધરાવતા આ થિયેટર અને પ્લેનેટોરીયમમાં હિન્દી અને અંગ્રેજીમાં શૉ બતાવવામાં આવે છે.

કેવી રીતે જશો ?
મુંબઈથી ઉપડતી અને બેંગ્લોર તરફ જતી ટ્રેનમાં બેસીને એસએસપીએન(સત્ય સાંઈ પ્રશાંતિ નિર્લયમ) સ્ટેશન પર ઉતરવાનું રહેશે. જ્યાંથી આશ્રમ આઠ કિલોમીટર ના અંતરે છે સ્ટેશન થી તમને રીક્ષા અને ટેક્સી મળી રહેશે. આ ઉપરાંત તમે ધર્માવરમ સ્ટેશન પર ઉતરીને બસ મારફતે પણ પહોંચી શકો છે. આશ્રમ ની નજીક એરપોર્ટ પણ ખડું કરવામાં આવ્યું છે. જે મુખ્ય શહેર ની સાથે જોડાયેલું છે જ્યાંથી સપ્તાહમાં બે વખત ફ્લાઇટ આવે છે.

ક્યારે જશો ?
પુટપર્થી દક્ષિણમાં આવેલું હોવાથી ઉનાળામાં અહીં નું વાતાવરણ ગરમ હોય છે. શિયાળામાં અહીં નું વાતાવરણ આહલાદક હોય છે. નાતાલ ના વેકેશનમાં અહીં વિદેશીઓ પુષ્કળ સંખ્યામાં આવતાં હોવાથી ભારે ભીડ રહેતી હોય છે.

સત્ય સાંઈ બાબા વિશે
ઇ.સ. ૧૯૨૬ માં આંધપ્રદેશ ના પુટપર્થી ગામમાં જન્મેલા સત્ય સાંઈ બાબા નું સાચું નામ સત્યનારાયણ રાજુ હતું. બાળપણમાં જ તેમને વેદો, ગ્રંથો અને પુરાણો વિશે ઊંડું જ્ઞાન હતું. ભક્તો તેમને શિરડી ના સાંઈ બાબાનો અવતાર ગણતા. તેઓ તેમના શરીર ના અંગોમાંથી વિભૂતિ, મૂર્તિ અને વિવિધ વસ્તુઓ બહાર કાઢતાં હતા. તેમના ભક્તોની સંખ્યા આજે લાખો ની છે જે ભારત ઉપરાંત ૧૨૫ થી અધિક દેશોમાં ફેલાયેલા છે. બાબા અને તેમની સંસ્થા એ નિઃશુલ્ક અને રાહત ના દરે સેવા આપતિ અનેક હોસ્પિટલ, ઘરો, શાળા, કોલેજો, રમતગમત ના મેદાનો બનાવ્યા છે.