Rahasymay Tenement books and stories free download online pdf in Gujarati

રહસ્યમય ટેનામેન્ટ - એક સત્ય ઘટના

  પ્રસ્તાવના
મારું નામ ધર્મરાજ અમ્રુતભાઈ પ્રધાન છે. હું અમદાવાદનો રહેવાસી છું. આજે 21 ફેબ્રુઆરી 2019 એ માતરુંભારતી એપ્લીકેશનમાં મારી એક છોકરી સાથે વાત થઈ.. જેમનું નામ Anika છે એંડ એમની ઉમર 22 વર્ષ છે. તે માતરુંભારતી એપ્લીકેશનમાં લેખક હોવા સાથે એક સ્ટુડન્ટ પણ છે.. હું એમની સ્ટોરી 'ગુમનામ હૈ કોઇ' નો ભાગ 5 વાંચી રહ્યો હતો ત્યારે એમની સાથે મારે વાત થઈ. હું ઘણા સમય થી વિચારતો હતો કે હું પણ કાંઈક લખું. Anika સાથે વાત થયા પછી મેં તેમને જણાવ્યું કે મારે પણ કોઈક સ્ટોરી લખવી છે પણ ક્યાંથી શરૂ કરું એજ સમજાતું નથી, મને તેમણે વધારે વાંચન કરવા એંડ લાઇફ માં આસપાસ બનતી ઘટના observe કરીને લખવા માટે inspiration આપી.. તો હવે હું લાઇફ માં પહેલી વાર આ લખવાનો અખતરો કરવા જઈ રહ્યો છું.. હું આશા રાખું છું કે હું મારાં લેખન અને વાચક મિત્રો ને ન્યાય આપી શકીશ...
* આ ઘટના મને લાઇફ માં ઘણા ડરાવના અનુભવ થયા તેમાંની એક છે. હું બાળપણથી જ ભૂત-પ્રેત માં વિશ્વાસ નહોતો કરતો, પણ આવી ઘટનાઓ બાદ હું તેમાં વિશ્વાસ કરતો થઈ ગયો. જેમાંથી હું મારો એક રહસ્યમય અને ડરાવનો અનુભવ વાચકો સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું..*

          આજથી લગભગ નવ વર્ષ પહેલાંની આ વાત છે. જ્યારે હું 10th બોર્ડની પરીક્ષા પછી ફ્રી જ રહેતો હતો અને પોતાનો ખાલી સમય ટીવી જોવામાં જ પસાર કરતો હતો. મારું ઘર કહેવા જઈએ તો સારા પ્રમાણમાં સમૃધ્ધ હતું. તેથી મારે કામકાજ કે નોકરી-ધંધાનું કોઈજ પ્રેશર નહોતું. મારા પરિવારમા હું,  મોટી બહેન, મોટા ભાઈ, નાનો ભાઈ અને મારા માતા પિતા એમ છ વ્યક્તિ હતા. મારો પરિવાર ધાર્મિક હોવાથી બાળપણથી રોજ મારા માતા-પિતા અમને બધા ભાઈ-બહેન ને પોતાની સાથે પૂજા કરાવતા હતા અને અમે તેથી જ ભગવાનમાં શ્રદ્ધા ધરાવતા હતા.

          10th પછી મારો નિત્ય ક્રમ બની ગયો હતો કે મારી સવાર બપોરે બે થી પાંચ વાગ્યે જ પડતી. મારા એ નિત્યક્રમ પ્રમાણે બપોરે મોડા સુધી મારા રૂમ માં સૂતો હતો . હું ઊઠીને મારા રૂમ ના નીચે આવેલા હોલ જેને અમે બેઠક રૂમ તરીકે યુઝ કરીએ છીએ ત્યાં આવ્યો.  મેં જોયું કે મારા મોટા બાપાના જમાઈ મારા જીજાજી, મારી બહેન અને મારા બન્ને ભાણેજ (ભાણો-ભાણી)  આવેલા હતા. એ લોકો સાથે મારા પિતા, ભાઈ અને મારા મમ્મી પણ બેઠા હતા.  મારા જીજાજી રેલ્વે પોલિસ મા જોબ કરતા હતા. તેઓ સાથે મારે મિત્ર જેવો સંબંધ હતો એટલે અમે એકબીજા ખાસ મિત્ર જેમ જ રહેતા હતા. અમને બન્ને ને એકબીજા ની કંપની ખૂબજ ગમતી હતી એટલે તેમને જ્યાં જવું હોય ત્યાં મને સાથેજ લઈ જતાં હતાં.  તેમણે અવાર-નવાર અમારા ઘરની મુલાકાત લેતા રહેતા. મારા મમ્મી માયાળુ હોવાથી અમારા ઘરે મહેમાનોની આવ-જા રહેતી હતી. તે દિવસે તેમણે કહ્યું કે તેમનું ટ્રાન્સફર નડિયાદ થયું છે. ત્યાં તેમણે કોઈ મકાન પણ ભાડે રાખ્યું છે જ્યાં તેઓ શિફ્ટ થવાની વાત કહી રહ્યા હતા. તેમણે મને ભણવાનું ચાલુ ના હોવાથી તેમની સાથે થોડાક દિવસો રહેવા આવવા માટે કહ્યું, જેથી મારા બહેન અને ભાણેજ ને એકલું ના લાગે અને તેઓ ત્યાં સેટ પણ થઈ જાય. મેં પણ કોઈ ખાસ પ્લાન ના હોવાથી તેમની સાથે જવાની હા પાડી દીધી. પરંતુ મને નહોતી ખબર કે ત્યાં કોઈ અલૌકીક શક્તિ  અમારી રાહ જોઇ બેઠી હતી. જો મને ખબર હોત તો હું ત્યાં જવાની હિંમત પણ ના કરતો. પણ કહેવાય છે ને કે જે લખ્યું હોય તેને કોઈ મિથ્યા કરી શકતું નથી. 

                            (બે દિવસ પછી) 

          હું મારા બહેન એમને સાથે નડિયાદ જવા નીકળ્યા. ઘરથી રીક્ષામાં અમે કાલુપુર રેલ્વેસ્ટેશન ન નડીયાદની ટ્રેનમાં બેઠા. ટિકિટ લેવાનો તો પ્રશ્ન જ નહોતો કેમ કે જીજાજી રેલ્વપોલિસમાં હતા. હું ટ્રેનમા ફેરિયાઓને મુસાફરોને જોતો. હું ખાસ ટ્રાવેલ કરતો નહોતો એટલે કેવી રીતે આ લોકો રોજ ટ્રાવેલ કરતા હશે એ વિચારતો બધાને જોતો બેસી રહ્યો. આમ ને આમ જોતજોતાંમાં નડિયાદ આવી ગયું. ત્યાંથી અમે રીક્ષામાં ભાડાવાળા ઘરની તરફ જવા નીકળ્યા. અમારી રીક્ષા રોડ પર આવેલ એક સોસાયટી આગળ ઉભી રહી.  ત્યાં મેં જોયું કે સોસાયટીીમાં હરોળમાં ટેનામેન્ટ હતા. અમે ફટાફટ તે સોસાયટીમાં પ્રવેશ્યા. ત્યા ચોથી હરોળમાં છેલ્લે થી બીજા મકાન આગળ જઈને ઊભા રહ્યા..
     
          'ભાવેશ, (ભાવેશ મારું હુલામણું નામ છે.) જો આપણે આ ટેનામેન્ટ ભાડે રાખ્યું છે.' મારા જીજાજીએ અમે ઊભા હતા તે ટેનામેન્ટ તરફ નજર કરી મને ઉદ્દેશીને કહ્યું. હું તે ટેનામેન્ટ તરફ જોતો રહ્યો. આમ તો ત્યાં દરેક ટેનામેન્ટ એક સમાન જ હતા જેમાં બહાર ડાબી બાજુ બે બાઇક પાર્ક એટલી જગ્યા હતી અને ટેનામેન્ટની ચારે તરફ છ-સાત ફૂટ જેટલી ખુલ્લી જગ્યા હતી. ડાબી બાજુના પાર્કિંગ ને અડીને જ એક સીડી ધાબા તરફ જતી હતી. સીડી ગેલેરીમાં હતી અને ત્યાં જ ઘરનો મુખ્ય દરવાજો હતો. ટેનામેન્ટ જોઈને તો જૂનો લાગતો હતો તેના પર સફેદ ચૂનો ત્રણ-ચાર વર્ષ પહેલાં લાગ્યો હોય એવું લાગતું હતું. ટેનામેન્ટને એક નજરમાં આવરી લઈને હું, મારા બહેન, જીજાજી અને બંને ભાણેજ સાથે ઘરમાં પ્રવેશ્યો. અમે તે ટેનામેન્ટ આગળ પહોંચ્યા ત્યારે સવાર ના સાડા દસ વાગી રહ્યા હતા. ઘર જોતાની સાથે જ ગમી જાય એવું હતું. મુખ્ય દરવાજાથી અંદર જતા પહેલા એક હોલ આવતો હતો અને એ હોલમાં પ્રવેશતા જ ડાબી બાજુમાં ટોઈલેટ-બાથરૂમ હતું. હોલની જમણી બાજુ માં રસોડું અને રસોડા પાસે જ એક બેડરૂમ હતો. બેડરૂમ નો દરવાજો ઉપર થી મસ્જિદના દરવાજા જેમ ગોળાકાર હતો અને તેના ઉપર એક બે વ્યક્તિ સમાઈ શકે એટલું માળીયુ હતું, મને ઘરમાં પ્રવેશતા જ વિચિત્ર લાગણી મનમાં થઈ હતી, નવી જગ્યા હોવાથી તેમ થયું હશે એમ વિચારી હું ઘર જોવા લાગ્યો. આમ કહેવા જઈએ તો એટલા સસ્તા ભાડાંમાં ખાસ્સી મોટી જગ્યા અમને મળી હતી. આટલું સરસ ટેનામેન્ટ જોઈને અમે ખુશ થઈ ગયા હતા. મારા જીજાજીએ ઘરનો બધો સામાન પહેલાથી જ હોલ માં મુકાઈ દીધો હતો, જેને ફકત સરખો ગોઠવવાનો હતો. અમે પોતાની કપડાવાળી બેગ હોલ માં જ મૂકી અને થાકેલા હોવા છતાં ફટાફટ સામાન ગોઠવવા કામે લાગ્યા.

          સવારે સાડા દસથી અમે કામે લાગ્યા હતા, બપોરે સાડા બાર સુધી બધું કામ ચાલ્યું. કામ ખતમ કર્યાં પછી અમે લોકો હોલમાં બેઠા. હોલમાં ટીવી ગોઠવાઈ ગયું હતું,  ચેર હતી,  ટેબલ પણ મૂક્યું હતું. રસોડા માં ફ્રીઝ અને વાસણો ગોઠવાઈ ગયા હતા અને બેડરૂમમાં તિજોરી અને ડબલબેડ પલંગ ગોઠવી દીધો હતો. આજે પહેલો દિવસ હોવાથી ઘરમાં જમવાનું બનાવવાની સામગ્રી નહોતી, તેથી હું અને જીજાજી હોટલથી જમવાની વ્યવસ્થા કરવાનું વિચારીને એમના બાઇક પર નીકળ્યા. તે ઘરમાં હું પ્રવેશ્યો ત્યારથી મનમાં બેચેની થતી હતી પરંતુ નવી જગ્યા હોવાથી એમ ફીલ થતું હશે એમ વિચારીને મેં એ બાબત પર વધારે ધ્યાન ના આપ્યું. ઘરથી નીકળીને અમે ત્યાંથી બજારમાં ગયા. ત્યાં દરેક જગ્યાએ સંતરામના નામ પર ઘણી દુકાનો, રસ્તાઓ અને સંતરામનું મંદિર પણ હતું. બજારમાંથી જમવાનું લઈને અમે પાછા ફર્યા ત્યારે દોઢ વાગ્યા હતા. ઘર પહોંચીને અમે બધાએ સાથે બેસીને જમવાનું પતાવીને આરામ કરવાનું વિચાર્યું. બીજા બધા તો સૂઈ ગયાં પણ મને એ ઘરમાં ઊંઘ આવતી નહોતી. હું એકલો હોલમાં ટીવી જોવા બેઠો. બપોરે કોઈ ખાસ મૂવી આવતી નહોતી તેથી હું બોર થતો હતો. ઘરમાં બધાના હોવા છતાં મને કાંઈક અલગ એકલતા ફીલ થતી હતી. મને ફીલ થતું હતું કે એ હોલ માં મારી સિવાય પણ બીજું કોઈક હાજાર હોય, પણ હું મનનો વહેમ સમજીને તે બાબત પર ધ્યાન આપતો નહોતો. જાણે એ ઘર મને કરડવા દોડતું હતું. સાંજે પાંચ વાગ્યે બધા વારાફરતી ઉઠયા અને સાંજનું જમવાનું બનાવવા માટેનો સામાન અને કરિયાણું લઇને મારા બહેન જીજાજી બજાર જઈ આવ્યા. મારા ભાણેજ ઘરની બહાર ગેલેરીમાં રમતા હતા. એમ જ અંધારું થયું અને અમે જમીને દસ વાગ્યા સુધી બેસીને ગપ્પાં માર્યા. મારા જીજાજી ને  નાઇટ ડ્યૂટી હોવાથી એમણે સાડા અગિયાર વાગ્યે ડ્યૂટી જવા નીકળ્યા. 

         હું ને મારા બહેન બંને જાગતા હતા. એમના ગયા પછી અમે મેઈન દરવાજો લોક કર્યો અને ઘરના બધા દરવાજા અને બારી બંધ કરીને પોણા બાર આસપાસ બેડરૂમમાં મારા ભાણેજ સૂતા હતા ત્યાં જઈને આડા પડ્યા. રાત્રે બાર વાગ્યે હજુ તો હું અને મારા બહેન વાતો કરતા હતા એટલામાં ઝાંઝરનો અવાજ આવ્યો. પહેલા તો મને લાગ્યું કે મારી બહેન કે ભાણીના ઝાંઝર હશે. મેં એમના પગમાં જોયું તો એ બંને એ ઝાંઝર પહેરી જ નહોતી, એ જોઈને મારા શરીરમાં ભયનું લખલખું પસાર થઈ ગયું કેમ કે અવાજ તો ઘરમાંથી જ આવ્યો હતો. અમે જે બેડરૂમમાં હતા ત્યાં લાઇટ ચાલુ જ હતી. કોઈક ઝાંઝર પહેરીને ચાલતું હોય એવો અવાજ મેઈન હોલમાંથી આવતો હતો. હું અને મારા બહેન ખૂબજ ડરી ગયા હતા. તો પણ ભગવાન નું નામ લઈને હિંમત ભેગી કરીને મેં ત્યાં જઈને જોવાનું નક્કી કર્યું. મારા બહેન બેડરૂમના દરવાજે ઊભા રહ્યા અને હું ડરતા ડરતા હોલની લાઇટ ચાલુ કરવા રસોડા તરફની દિવાલ સુધી ગયો. હજુ પણ એ ઝાંઝર નો અવાજ સંભળાતો જ હતો. મેં લાઇટ ઓન કરી અને જોયું તો હોલમાં કોઈ જ દેખાતું નહોતું. ઝાંઝરનો અવાજ સ્પષ્ટ મેઈન દરવાજાથી ટીવી તરફ કોઈ આંટા મારતું હોય એમ આઠ ફૂટ દૂરથી જ આવતો હતો. ભયના કારણે હું અંદર સુધી સખત ડરી ગયો હતો. મારા બહેન પણ બેડરૂમ ના દરવાજે ઊભા ડરીને ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા કે ભગવાન અમને આ આફતમાંથી ઉગારી લે. હું હોલ ના મધ્ય માં આવ્યો અને ધીરે ધીરે એ ઝાંઝરનો અવાજ મારી બાજુમાં થઈને રસોડા દિવાલ તરફ ગયો, હું જીવ વગરના પૂતળા માફક ઊભો હતો. એ અદ્રશ્ય શક્તિ મારી ફરતે એક ચક્કર મારીને ડાબી બાજુ બાથરૂમ તરફ ગઇ એવો ઝાંઝરના અવાજથી મને સ્પષ્ટ ખ્યાલ આવ્યો. મારું તો જાણે લોહી થીજી ગયું હોય એમ હું હજુય હોલના મધ્ય માં જ ઊભો હતો, મારા પગ જાણે જમીનમાં ધસી ગયા હતા. ડરના કારણે મારા મોં માથી એક શબ્દ પણ નીકળી શકતો નહતો. બાથરૂમ તરફ જઈને એ અવાજ આવતો બંધ થઈ ગયો. ડરમાં થોડી મિનિટો આમ જ વીતી પછી હું થોડો સ્વસ્થ થઈ હિંમત ભેગી કરીને ભગવાનનું નામ લઈને ધીરે ધીરે બાથરૂમ તરફ ગયો, બાથરૂમની લાઇટ કરી અને જોરથી દરવાજો ખોલ્યો. દરવાજો ખોલતા જ મેં જોયું કે અંદર કોઈ જ નહોતું. હવે મારી અને મારા બહેનની હિંમત જવાબ દઈ ગઈ હતી. અમે ભયથી અંદર સુધી કંપી રહ્યા હતા. હું અને મારા બહેન બંને લાઇટ ચાલુ જ રાખીને બેડરૂમ તરફ દોડ્યા. ત્યાં બંને ભાણેજ સૂતા હતા એમને ઊંચકીને અમે બંને મેઈન દરવાજેથી ફટાફટ બહાર નીકળી ગયા, બહાર નીકળતા વખતે મેં મારો મોબાઇલ પણ સાથે લઈ લીધો હતો.  બહાર લાઇટ ચાલુ હતી પણ અમારો ડર હજુય ઓછો થયો નહોતો. ફટાફટ મેં મોબાઇલથી મારા જીજાજીને કોલ લગાવીને પૂરી વાત જણાવી. તેમણે કહ્યું કે તે તરતજ પાછા આવે છે. મોબાઇલમાં હજુ સવા બાર થતાં હતાં. આટલી ઘટના અમારી સાથે ફક્ત પંદર મિનિટ સુધી બની હતી પણ જાણે અમે કલાકો સુધી એમાં ફસાઈને નીકળ્યા હોય એમ લાગતું હતું.

          લગભગ પંદર મિનિટ પછી મારા જીજાજી ડ્યૂટી પરથી  પાછા આવ્યા, ત્યાં સુધી અમે ટેનામેન્ટની બહાર જ ઊભા હતા. આવીને તેમણે સીધા ઘરમાં ગયા અમે પણ ડરતા ડરતા તેમની સાથે ટેનામેન્ટ માં પ્રવેશ્યા. આખું ટેનામેન્ટ ચેક કર્યું પણ કોઈપણ પ્રકારની ગતિવિધિ જોવા ના મળી. તેમણે અમારી સાથે અર્ધો કલાક બેઠા, પછી તેમને ડ્યૂટી પહોંચવું જરૂરી હતું એટલે અમને હિંમત આપીને તેમણે ડ્યૂટી જવા રવાના થયા. અમે પણ હવે આ ટેનામેન્ટમાં રાત ગાળ્યા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હોવાથી પાછા બેડરૂમમાં આવ્યા. અમને હજીય ડર હતો કે ફરીથી અવાજ ચાલુ ના થઈ જાય. આખા ટેનામેન્ટની બધીજ લાઇટ ચાલુ રાખીને અમે ડરમાં જેમતેમ રાત પસાર કરી. આખી રાત કોઇપણ પ્રકારનો અવાજ આવ્યો નહી તેથી અમને થોડીક રાહત થઈ. સવાર પડતાં જ અમારા જીવમાં જીવ આવ્યો. અમે એ વિચારીને જ ડરી રહ્યા હતા કે રોજ આ ટેનામેન્ટમાં જ રાત કાઢવાની છે.

          સવારે મેં ઘડિયાળ તરફ નજર કરી જોયું, હજી સાડા સાત થતાં હતાં. આખી રાતના ઉજાગરા ને કારણે મારું માથું દુખી રહ્યું હતું. હું બેડ પરથી ઊભો થયો અને બાથરૂમમાં ગયો. બાથરૂમ સુધી રાત્રે ઝાંઝરનો અવાજ આવ્યો હતો એ યાદ આવતા થોડો ડર પણ લાગ્યો. પછી ભગવાન નું નામ લઈને બાથરૂમમાં પ્રવેશ્યો.  ફ્રેશ થઈને હું કોફી પીતા પીતા મેઈન દરવાજાએ આવ્યો. બહાર મારા બહેન અને બાજુના ટેનામેન્ટના એક બહેન એકબીજા સાથે ઔપચારિક વાતચિત કરી રહ્યા હતા. તે પડોશી મહિલાએ મારા બહેનને પૂછ્યું, 'રાતે મોડા સુધી તમારા બધાંનોં અવાજ આવતો હતો અને આખી રાત લાઇટ પણ ચાલુ હતી. કઈ પ્રોબ્લેમ થઈ હતી?' હું અને મારા બહેન વિચારવા લાગ્યા કે ગઈ રાતની વાત આમને કરવી કે નહીં. છેવટે અમે એમને પૂરી વાત કરવાનું વિચાર્યું, મેં તેમની પાસે જઈને ગઈ રાતની પૂરી વાત જણાવી. તેમણે પણ જાણે અમારી પાસે આવી જ કોઈક વાતની આશા હોય એમ રિએક્શન આપીને અમને જણાવતા કહ્યું કે 'તે ટેનામેન્ટમાં જે આવે છે તેને આવો કાંઈક અનુભવ થાય જ છે અને છ-આઠ મહિનામાં જ પોતાનું ઘર લઇને બીજે રહેવા જતા રહે છે, ત્યાં જે પણ શક્તિ છે તેણે ત્યાં રહેવાવાળાને આજ સુધી કોઈ જ નુકશાન પહોંચાડયું નથી.'

          સવારે નવ વાગ્યા સુધીમાં મારા જીજાજી પણ આવી ગયા. રાત્રે ફરી બીજી કોઈ ઘટના બની નથી એ જાણીને એમને હાશ થઈ. મેં તેમને પાડોશી મહિલાએ કહેલી વાત જણાવી. પછી અમે ઘરમાં મંદિરમાં દીવો કર્યો અને ભગવાનને પ્રાર્થના કરી કે અમને દરેક પરિસ્થિતિમાં સાથ દે. આખો દિવસ અમે નાના મોટા કામમાં સમય પસાર કર્યો. અંધારું થયું જમીને અમે સૂવા ગયા. આજે પણ મારા જીજાજીને નાઇટ ડ્યૂટી હતી એટલે તેમણે રાતે સાડા અગિયાર વાગ્યે ડ્યૂટી જવા નીકળ્યા. આજે ફરી હું અને મારા બહેન લાઇટ બંધ કરીને બેડરૂમ તરફ ગયા. અમે ડરતા હતા કે ગઇ રાતની જેમ આજે પણ અમને ઝાંઝરનો અવાજ ના સંભળાય. રાતના સાડા બાર થયા પણ આજે કોઈપણ પ્રકારનો અવાજ આવ્યો નહી. અમને રાહત થઈ કે આજે કાંઈ બન્યું નથી. પછી અમે લાઇટ ચાલુ રાખીને જ સુઈ ગયા. સવારે મારી આંખ ખુલી ત્યારે આઠ વાગ્યા હતા. મારા બહેન રૂટીન કામકાજમાં વ્યસ્ત હતા. અમને આજે રાહત મળી હતી કે રાત્રે કોઇપણ પ્રકારની ગતિવિધિ બની નહોતી.

          તે પછી દિવસો વીતવા લાગ્યા પણ કોઈપણ ઘટના બની નહોતી. હું ત્યાં તે જ ટેનામેન્ટમાં મારા બહેન અને ફેમિલી સાથે વીસ દિવસ સુધી રોકાયો. હવે અમારા મનમાં કોઈ ડર રહ્યો નહોતો. પછી હું અમદાવાદ મારા ઘરે આવી ગયો. ત્યાં રહ્યાના છ મહિનામાં મારા જીજાજીએ નડિયાદમાં નવું મકાન ખરીદ્યું અને ત્યાં રહેવા જતાં રહ્યા. હવે આને સંજોગ કહો કે તે ટેનામેન્ટમાં રહેલ અલૌકિક શક્તિનો પરચો એ હું જાણતો નથી. 

          હું આજે પણ વિચારતો હોવ છું કે તે રાતે મેં અનુભવેલી અલૌકિક શક્તિ કોણ હતી. આપણે માનીએ એટલી સરળ આ દુનિયા નથી હોતી. આપણી સિવાય પણ ઘણીબધી વસ્તુઓ અસ્તિત્વ ધરાવે છે. જે આમ અમુક જગ્યાએ પોતાનો હાજરીના પુરાવા આપતી રહે છે...

          મિત્રો આ સ્ટોરીનો એક એક શબ્દ સત્ય છે. મારો પોતાનો અનુભવ મેં વચકો સમક્ષ રજૂ કર્યો. આ મારી લખેલી પહેલી સ્ટોરી છે. જે ખુદ મને અનુભવ થયેલ એક સત્ય ઘટના પર આધારિત છે. આજે 23-02-19 એ બપોરે સાડા બાર એ આ સ્ટોરી લખીને પૂર્ણ કરુ છું. હું આશા રાખું છું કે વાચકો ને પણ આ સ્ટોરી ગમશે. રેટિંગ ચોક્કસ આપજો અને મને જણાવશો કે તમને આ સ્ટોરી કેવી લાગી. લખવામાં કઈ ભૂલ થઈ હોય, કોઈ સલાહ સૂચન હોય તો પણ જણાવવા વિનંતી...

                                               - Dharmraj A. Pradhan
                                             WhatsApp-9033839226