Bhedi Tapu - Khand - 3 - 2 books and stories free download online pdf in Gujarati

ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 2

ભેદી ટાપુ

ખંડ ત્રીજો

(2)

આયર્ટનની દરખાસ્ત

ચાંચિયા અહીં રોકાવા માગતા હતા. એમાં કોઈ શંકા ન હતી. સવારે હોડીમાં બેસીને માણસો અહીં આવશે એ સ્પષ્ટ હતું. પણ જો તેઓ અંદરના ભાગમાં ન આવે તો, માણસોની વસ્તી વિશે એમને કંઈ જાણ ન થાય. તેમનો ઈરાદો મર્સી નદીમાંથી મીઠું પાણી ભરી લેવાનો હોય. પણ તેઓ આગળ જાય તો પુલ, વગેરે ઉપરથી માણસો અહીં રહે છે એ વાતનો ખ્યાલ આવ્યા વિના ન રહે.

પણ કાળો વાવટો શા માટે ફરકાવ્યો? તોપનો ધડકો શા માટે કર્યો? ચાંચિયાઓએ બહાદુરીના પ્રદર્શન માટે એ કર્યું હોય! વહાણ તોપોથી સજ્જ હતું. એ તોપોની સામે હાર્ડિંગ અને તેના સાથીઓ પાસે શું હતું? માત્ર થોડી બંદૂકો.

“દુશ્મનોને ગ્રેનાઈટ હાઉસનો ખ્યાલ નહીં આવે.” હાર્ડિંગે કહ્યું.

“પણ આપણાં ખેતર, પશુશાળા, મરઘાંઉછેર કેન્દ્ર, બધું જ!” ખલાસીએ પગ પછાડીને કહ્યું; “તેઓ થોડા કલાકમાં બધાંનો ઘાણ કાઢી નાખશે!”

“અને આપણે તેને રોકી શકીએ એમ નથી!” હાર્ડિંગ બોલ્યો.

“તેમની સંખ્યા કેટલી હશે?” સ્પિલેટે પૂછ્યું. “જો દસબાર હોય તો આપણે તેને પહોંચી વળીએ. પણ ચાલીસપચાસ હોય તો?”

“કપ્તાન હાર્ડિંગ,” આયર્ટન ઈજનેર પાસે જઈને બોલ્યો; મને રજા આપશો?”

“શાની?”

“વહાણમાં કેટલા નાવિકો છે તેની તપાસ કરવાની.”

“પણ આયર્ટન--” ઈજનેરે આનાકાની કરતાં જવાબ આપ્યો, “એમાં તો તમારા જાનનું જોખમ છે...”

“એમા શું?”

“એવી તમારી ફરજ નથી.”

“મારે ફરજ કરતાં કંઈક વધુ કરી બતાવવું જોઈએ.” આયર્ટને જવાબ આપ્યો.

“તમે વહાણ સુધી હોડીમાં જશો?” સ્પિલેટે પૂછ્યું.

“ના,” તરીને.”

“વહાણ કિનારાથી સવા માઈલ દૂર છે.” હર્બર્ટે કહ્યુ.

“હું સારો તરવૈયો છું, મિ. હર્બર્ટ!”

“હું ફરી કહું છું કે, તમે જાનનું જોખમ ખેડો છો.” ઈજનેર બોલ્યો.

“કંઈ વાંધો નહીં” આયર્ટને જવાબ આપ્યો; “કપ્તાન હાર્ડિંગ, હું આપને વિનંતી કરું છું. કદાચ એથી, મારી દષ્ટિએ મારી લાયકાત વધશે!”

“જાઓ, ખુશીથી જાઓ!” હાર્ડિંગે જવાબ આપ્યો. તેને લાગ્યું કે ના પાડવાથી તેને આઘાત લાગશે. હવે એ સાચે રસ્તે જવા માગતો હતો.

“હું પણ સાથે આવીશ.” પેનક્રોફ્ટ બોલ્યો.

“કેમ? તમને મારો ભરોસો નથી?” આયર્ટન ઝડપથી બોલ્યો. પછી નમ્રતાથી કહ્યું... “અરેરે!”

“ના,” હાર્ડિંગે કહ્યું, “પેનક્રોફ્ટને તમારા પર અવિશ્વાસ નથી!”

“અરે, એવું હોય!” ખલાસીએ જવાબ આપ્યો.“હું તો તમારી સાથે નાનકડા ટાપુ સુધી જ આવીશ. કદાચ કોઈ બદમાશ ત્યાં હોય તો આપણે બેતેને પૂરા પડીે. પછી ત્યાંથી વહાણ સુધી તમે એકલા જજો. હું નાનકડા ટાપુ પર તમારી રાહ જોઈશ.”

આયર્ટન અને પેનક્રોફ્ટ, બધા સાથે કિનારે આવ્યા. આયર્ટને પાણીમાં શરદી ન લાગે તે માટે શરીરે તેલ ચોપડી લીધું. દરમિયાન પેનક્રોફ્ટ અને નેબ હોડી લઈ આવ્યા. બધાએ આયર્ટન સાથે હાથ મિલાવ્યા. પછી પેનક્રોફ્ટ સાથે હોડીમાં નીકળી પડ્યો.

રાતના સાડા દસ થયા હતા. બંને સાહસિકો અંધારામાં ગાયબ થઈ ગયા. તેમના સાથીઓ ગુફામાં તેમની રાહ જોવા લાગ્યા.

હોડી નાનકડા ટાપુને કિનારે આવી પહોંચી, બંને બહુ સાવચેતીથી કિનારે ઊતર્યાં. બંને ઝડપથી સામે કિનારે પહોંચ્યા. આયર્ટને દરિયામાં ઝંપલાવ્યું. જરા પણ અવાજ ન થાય તેની કાળજી રાખીને તે તરવા લાગ્યો. વહાણમાં દેખાતા દીવાની નિશાનીએ એ આગળ વધતો હતો. પેનક્રોફ્ટ એક ખડક પાછળ લપાઈ ગયો, અને આયર્ટનની રાહ જોવા લાગ્યો.

દરમિયાન આયર્ટન પોતાની ફરરના જ વિચાર કરતો હતો. વહાણમાં ચાંચિયા સામેના ભયનો કે પાણીમાં શાર્કનો ભયનો તે જરાપણ વિચાર કરતો હતો. અર્ધા કલાકમાં તે વહાણ પાસે આવી પહોંચ્યો. તેના આગમન વિશે કોઈને કશો ખ્યાલ આવ્યો ન હતો. થોડો શ્વાસ ખાઈ, લંગરની સાંકળી પકડી તે વહાણ ઉપર ચડી ગયો.

ત્યાં ખલાસીઓનાં કપડાં સૂકાતાં હતાં. તેમાંથી એક જોડી તેણે પહેરી લીધાં. પછી એક ખૂણામાં તે બેસી ગયો. બેઠો બેઠો તે બધું જોવા અને સાંભળવા લાગ્યો. નાવિકો વાતો કરતા હતા, ગાતા હતા અને હસતા હતા.

આયર્ટને જે વાતો સાંભળી તે ઉપરથી તે એટલો સાર તારવી શક્યો કે, આ વહાણનું નામ ‘ઉતાવળું’ છે બોબ હાર્વે નામનો નામચીન ચાંચિયો તેનો કપ્તાન છે. આ વહાણ તેમણે નોરફોલ્કના ટાપુ પાસેથી ચોરી લીધું હતું. ઓસ્ટ્રેલિયાનો બોબ હાર્વે આયર્ટનનો જૂનો સાથી હતો. અને ગુનાહિત કાર્યોમાં તે રચ્યોપચ્યો રહેતો હતો. આ વહાણમાં હથિયારો, દારૂગોળો, વાસણો અને બીજી ઘણી સામગ્રી હતી, તે સેન્ડવીચ ટાપુ સુધી જવાનું હતું. રસ્તામાં બોબ હાર્વે અને તેના બદમાશોએ આખું વહાણ કબજે કર્યું હતું. આ બદમાશો પહેલાં કેદીઓ હતા; હવે તેઓ ચાંચિયા બન્યા હતા. અને મલાયાનના ચાંચિયા કરતા પણ ક્રૂરતામાં વધી જાય એવા હતા. તે વહાણોને લૂંટીને ડૂબાજી દેતા હતા; અને તેના નાવિકાની સામૂહિક હત્યા કરતા હતા.

‘ઉતાવળું’ વહાણના બધા નાવિકો અંગ્રેજ સરકારના કેદીઓ હતા; અને નોરફોલ્ક ટાપુમાંથી જેલ તોડીને ભાગ્યા હતા. આ નોરફોલ્ક ટાપુ એ કાળા પાણીની સજા કરવા માટેનું સ્થળ હતું. ત્યાં ભયાનક અને ખૂનખાર કેદીઓને રાખવામાં આવતા હતા. આ બધા કેદીઓ વહાણ કબજે કરીને હવે નાવિકો બની બેઠા હતા; અને ચાંચિયા તરીકે કેર વર્તાવતા હતા. આયર્ટનની પણ પહેલાં આવી જ યોજના હતી. આયર્ટન બોબ હાર્વેને બરાબર ઓળખતો હતો.

વાતો હજી ચાલુ હતી. આ પહેલાં બોબ હાર્વેએ આ બેટ ઉપર પગ મૂક્યો ન હતો. તેમનો ઈરાદો આ બેટની મુલાકાત લેવાનો હતો. અને જો યોગ્ય લાગે તો, અહીં ચાંચિયાગીરીનું વડું મથક બનાવવાનો હતો.

કાળો વાવટો ફરકાવ્યા કે તોપ ફોડી તેની પાછળ કોઈ આશય ન હતો. લીંકન ટાપુ સાથે તેમનો કોઈ સંપર્ક ન હતો. આ ટાપુમાં કોઈ માણસો રહે છે એવી તેમને કોઈ શંકા ન હતી.

લીંકન ટાપુ પર ભયંકર આફત ઊતરી હતી. હાર્ડિંગ અને તેના સાથીઓની વસાહત જોખમમાં હતી. આ ટાપુ તેનું પાણી, તેનું બોર, તેમાં ઊભી કરેલી બધી જાતની સમૃદ્ધિ, અને ગ્રેનાઈટ હાઉસમાં સંતાઈ જવાની સગવડ--આ બધી વસ્તુઓ ગુનેગારોને ખૂબ અનુકૂળ થઈ પડે એવી હતી. આવી અજાણી જગ્યાએ ચાંચિયાઓની સલામતી ખૂબ વધી જાય એમ હતી.

દેખીતી રીતે જ, હાર્ડિંગ અને તેના સાથીઓની જિંદગી ભયમાં હતી. ચાંચિયાઓ પહેલું કામ જ તેમની હત્યા કરવાનું કરે. હાર્ડિંગ અને તેના સાથીઓને ટાપુમાં સંતાઈ રહેવાનો પણ અર્થ ન હતો; કેમકે, ચાંચિયાઓ ત્યાં નિવાસ કરવા માગતા હતા. જ્યારે તેઓ સફરમાં જાય, ત્યારે પણ થોડાક ચાંચિયાઓ તો ટાપુ પર રહેવાના જ.

એટલે આ બદમાશો સામે લડીને એને ખતમ કરવા સિવાય બીજો કોઈ માર્ગ ન હતો. આયર્ટન એ રીતે વિચારતો હતો. તે માનતો હતો કે, હાર્ડિંગનું વલણ પણ એવું જ હશે. પણ લડાઈ અને પરિણામે વિજય મળે એમ હતો? તેનો આધાર વહાણમાં રહેલી શસ્ત્રસામગ્રી અને વહાણના નાવિકોની સંખ્યા ઉપર હતો.

અવાજો શાંત થયા અને ધીમે ધીમે બધા દારૂના ઘેનમાં સૂવા લાગ્યા તૂતક પર અંધકાર છવાઈ ગયો. બધા સૂઈ ગયા પછી આયર્ટન આખા વહાણમાં આંટો માર્યો. આ વહાણમાં ચાર તોપ હતી; અને તે આઠથી દસ રતલના ગોળા ફેંકી શકતી હતી. આ તોપો અદ્યતન બનાવટની હતી. તે સહેલાઈથી ફૂટી શકે તેવી, અને ભયાનક સ્ફોટકશક્તિવાળી હતી. વહાણમાં બધા થઈને પચાસ માણસો હતા.

છ માણસોને પચાસનો સામનો કરવાનો હતો. હવે આયર્ટનને પાછા ફરવા સિવાય બીજું કંઈ કરવાનું રહેતું ન હતી. પાછા જઈને બધો અહેવાલ આપવાનો હતો. તે પાણીમાં ઊતરવાની તૈયારીકરતો હતો. જતાં પહેલાં તેને એક સાહસિક વિચાર આવ્યો.

આ વિચાર પોતાનું બલિદાન આપીને, ટાપુને તથા તેના વસાહતીઓને બચાવી લેવાનો હતો. હાર્ડિંગ પચાસ બદમાશોનો અથવા તો તેને ઘેરો ઘાલીને તેમને ભૂખે મારશે. હાર્ડિંગ અને તેના સાથીઓએ પોતાને જંગલમાંથી માણસ બનાવ્યો હતો. તેમનાં ખૂન થાય, તેમની કામગીરીનો નાશ થાય, અને તેમના ટાપુ ચાંચિયાનો અડ્ડો બને! આવું બધું પોતે કેમ જોઈ શકે? બોબ હાર્વેએ પોતે (આયર્ટને) ઘડેલી યોજનાનો અમલ કર્યો હત. એટલે આ આપત્તિ માટે આયર્ટન પોતાને જ જવાબદાર ગણતો હતો.

પછી તેને આખું વહાણ ઉડાડી દેવાનો વિચાર આવ્યો. એમ કરતાં પોતાનો ભોગ લેવાઈ જશે. પણ તેને ફરજ બજાવવાનો સંતોષ થશે. તેણે જરાય આનાકાની ન કરી. તે વહાણના દારૂગોળાનો ખંડમાં પહોંચ્યો દારૂગોળો હંમેશાં વહાણમાં પાછલા ભાગમાં રાખવામાં આવે છે. આવા ધંધા કરતા જહાજમાં દારૂગોળાની ખોટ હોય નહીં. અને એક જ તણખો તેનો નાશ કરવા માટે બસ થાય.

આયર્ટને જોયું કે ત્યાં એક ફાનસ ધીમું ધીમું બળતું હતું. તે તેણે ઉપાડી લીધું. દારૂગોળાના ખંડની બહાર બંદૂકો અને બીજા હથિયારો ટીંગાડ્યા હતા. તેમાંથી એક રિવોલ્વર તેણે લઈ લીધી. એ રિવોલ્વરમાં છ કારતૂસો હતાં.

દારૂગોળાનો ખંડ બંધ હતો. તેને તાળું મારેલું હતું. તે તોડવાનો અવાડ થાય એમ હતો. એનાં રાક્ષસી હાથના એક ફટકાથી તાળું તૂટી ગયું. અને બારણું ખુલ્યું. બરાબર તે વખતે કોઈએ પાછળથી આયર્ટનનો ખભો પકડ્યો.

“અહીં તું શું કરે છે?” એક ઊંચા માણસે કર્કશ અવાજમાં પૂછ્યું. તેણે ઝડપથી ફાનસનું અજવાળું આયર્ટનના ચહેરા પર ફેક્યું.

આયર્ટન પાછો ખસી ગયો. પણ તેણે જોઈ લીધું કે પેલો માણસ તેનો જૂનો સાથી બોબ હાર્વે છે. પણ બોબ હાર્વે આયર્ટનને ઓળખી શક્યો નહીં; કારણ કે, તે આયર્ટનને મરેલો ધારતો હતો.

“અહીં તું શું કરે છે?” ફરી બોબ હાર્વેએ પૂછ્યું; અને આયર્ટનનો કાંઠલો પકડ્યો.

આયર્ટને કંઈ જવાબ ન આપ્યો અને તેના હાથમાંથી કાંઠલો છોડાવી તે સીધો દારૂગોળાના રૂમ તરફ ધસ્યો. એક રિવોલ્વરનો ધડાકો અને બધું જ પૂરું થઈ જવાનું હતું.

“દોડો! દોડો!” બોબ હાર્વેએ બૂમો પાડવા માંડી.

એની બૂમથી બે-ત્રણ ચાંચિયાઓ જાગી ગયા અને આયર્ટન તરફ ધસી આવ્યા. અને તેને પછાડી દેવાનો પ્રયત્ન કરવા લાગ્યા. આયર્ટને પોતાની જાતને દુશ્મનોની પકડમાંથી છોડાવી. તેણે રિવોલ્વરનો ધડાકો કર્યો અને બે બદમાશો નીચે પડી ગયા. પણ પાછળથી છરીના ઘાએ તેને ખભા પર થોડો ઝખમી કર્યો.

આયર્ટને જોયું કે તે પોતાની યોજના પાર પાડી શકે એમ નથી. બોબ હાર્વેએ દારૂગોલાના ઓરડાનું બારણું બંધ કરી દીધું હતું. અને તૂતક ઉપરથી ધમાચકડીથી ખ્યાલ આવતો હતો કે બધા ચાંચિયા જાગી ગયા હતા. હવે નાસી ગયા વગર છૂટકો ન હતો. તેણે હજી પેલા પાંચ જણાની મદદ માટે જીવતા રહેવાનું હતું.

નાસી છૂટવું સહેલું ન હતું. અંધારાનો લાભ લઈ તે છટક્યો તેની રિવોલ્વરમાં હજી ચાર ગોળી હતી. એક ગોળી તેણે બોબ હાર્વે સામે તાકી હતી પણ તે નિશાન ચૂકી ગયો હતો. રિવોલ્વરના અવાજને લીધે તેના દુશ્મનો પાછા હઠ્યા હતા. આથી આયર્ટન તૂતક ઉપર પહોંચવા માટે સીડી ચડવા લાગ્યો. રસ્તામાં આવતું ફાનસ તેણે રિવોલ્વરના કૂંદાથી તોડી નાખ્યું. ખૂબ અંધારું થઈ ગયું. તેથી તેને નાસી જવા માટે અનુકૂળતા થઈ.

બે કે ત્રણ ચાંચિયા કોલાહલથી જાગીને સીડી ઉતરતા હતા. તેણે પાંચમી ગોળી છોડી, અને બધા પાછા હઠ્યાં. શું બની રહ્યું છે એ હજી કોઈની સમજમાં આવતું ન હતું. બે કૂદકામાં તે તૂતક પર આવી પહોંચ્યો. અને ત્રણ સેંકડ પછી એક ચાંચિયાને છેલ્લી ગોળી મારીને તેણે સમુદ્રમાં ઝંપલાવ્યું.

આયર્ટને છ વખત હાથમાં પાણીમાં વીંઝયાં; એટલી વારમાં બંદૂકની ગોળીઓ ધામી ફૂટતી હોય એ રીતે તેના પર વરસવા લાગી.

ખડક પાછળ લપાયેલા ખલાસીની માનસિક હાલત શી હશે? હાર્ડિંગ અને તેના સાથીઓએ ગુફામાં ગોળીબારના અવાજો સાંભળ્યાં ત્યારે તેમની હાલત કેવી થઈ હશે? તેઓ બધા બંદૂકો ખભે લઈને કિનારે દોડી આવ્યા. કોઈ પણ પ્રકારના હુમલાનો સામનો કરવા તેઓ તૈયાર હતા.

તેમને લાગ્યું કે આયર્ટન મરાયો છે. અને રાતના અંધારાનો લાભ લઈને ચાંચિયાઓ કદાચ ટાપુ પુ ઊતરે. અડધી કલાક ખૂબ જ ચિંતામાં પસાર થઈ. ગોળીબારના અવાજો બંધ થયા; છતાં પેનક્રોફ્ટ કે આયર્ટન દેખાતા નહીં. શું તેઓએ ટાપુ ઉપર હુમલો કરી દીધો હતો. પોતે આયર્ટન અને ખલાસીની મદદે દોડવું જરૂરી હતુ; પણ કેવી રીતે? હાર્ડિંગ અને તેના સાથીઓને કેવી ભયાનક ચિંતા થઈ હશે તેની કલ્પના કરી શકાય!

અંત સાડા બાર વાગ્યે એક હોડી આવી પહોચી. તેમાં પેનક્રોફ્ટ અને આયર્ટન બેઠા હતા. આયર્ટન ખભા ઉપર થોડો ઝખ્મી થયો હતો. મિત્રોએ તેમનું સ્વાગત કર્યું.

બધાએ ગુફામાં તરત જ આશરો લીધો. ત્યાં આયર્ટને બધી ઘટના કહી સંભળાવી. પોતે દારૂગોળાનો નાશ કરવાના યોજના કરી હતી તે વાત પણ કહી. આયર્ટને પરિસ્થિતિ ગંભીર હોવાનું જણાવ્યું ચાંચિયાઓ ભય પામ્યા હતા. તેમને ખબર પડી ગઈ છે કે લીંકન ટાપુ ઉપર માણસો રહે છે. તેઓ હથિયાર સાથે મોટી સંખ્યામાં ટાપુ ઉપર ચડાઈ કરશે. જો કોઈ તેના હાથમાં પડ્યું તો જીવવાની આશા નથી. ચાંચિયાઓ ક્રૂર અને હત્યારા છે.

“કેમ મરી ફીટવું તે આપણે દેખાડી દઈશું!” સ્પિલેટે કહ્યું.

“ચાલો અંદર અને પરિસ્થિતિ જુઓ!” ઈજનેર બોલ્યો.

“આપણને નાસી જવાની કોઈ તક મળશે, કપ્તાન?” ખલાસીએ પૂછ્યું.

“હા, પેનક્રોફ્ટ.”

“હા...! છ સામે પચાસ!”

“હા! છ! અને ગણતરીમાં લઈએ તો...”

“કોને?” ખલાસીએ પૂછ્યું.

હાર્ડિંગે જવાબ ન આપ્યો. તેણે આકાશ તરફ હાથ લંબાવ્યો…

***