Chalo America - Vina Visa - 21 - 22 books and stories free download online pdf in Gujarati

ચલો અમેરિકા - વિના વિઝા - પ્રકરણ - 21 - 22

ચલો અમેરિકા - વિના વિઝા

વિજય શાહ

પ્રકરણ ૨૧

નાના શેઠનો વત્સલ સ્વભાવ ગટુને જેમ તકલીફ આપે છે તેમ જ સુધાને પણ ગમતું તો નહોતું જ. પણ જેમ ગટુ તેમના પ્રત્યે અહોભાવને લીધે ખમી જતો તેમજ લોહીના સંબંધે સુધા ખમી જતી. નાની હતી ત્યારે નાના શેઠના મોટાભાઈ અને સુધાના પપ્પા વચ્ચે સમજણનો સેતુ હતો. સુધા નાનાશેઠને કાકા નહીં પણ પપ્પા કહેતી. મોટા શેઠ એટલે કે સુધાના પપ્પા સાથે જ અમેરિકા આવ્યા. કઠોર પરિશ્રમને અંતે પહેલી રિફાઇનરી ખરીદી જેમાંથી ૨૨ રિફાઇનરી કરી. ખાસ તો ક્રૂડ ઓઇલ આફ્રિકા અને દક્ષિણ અમેરિકાથી ખૂબ જ નીચા ભાવે લાવતા અને અમેરિકન સ્ટાન્ડર્ડ પ્રમાણે રિફાઇન કરી ઊંચા ભાવે વેચતા. જોન અને તેના મિત્રો જ આ તેલ લેતા અને નફો બંને વહેંચી લેતા. ગટુ ગામનો છોકરો અને ખૂબ જ હોશિયાર એટલે સુધા માટે નાના શેઠના મનમાં બેઠેલો. પાછા નાનપણનાં ભેરૂઓ તેથી અંગત ગમાઅણગમા પણ ખબર. ડાઇવર્ઝન માટે મોટેલ પ્રોજેક્ટ જ્યારે સુધાએ નાના શેઠને કહ્યું ત્યારે જોનને ટેસ્ટ કરવા મેનપાવર લાવી બતાવે તો આગળ વધશું કહી પહેલાં ૧૦૦નો અને પછી ૧૦૦૦ સુરતીઓની ચેલેંજ આપી. સુધાનું મગજ અને કૉમ્પ્યૂટર બરાબર ચાલતું હતું તેથી ૧૦૦૦ને બદલે ૧૨૩૯ સભ્યો મોટેલ પ્રોજેક્ટમાં આવ્યા. પૈસા તો પાણીના રેલાની જેમ ખર્ચાતા હતા.

ગટુ સાથે વાત કરતાં નાના શેઠે સુધાના ખચકાટ વિશે બડબડાટ કરતાં કહ્યું, “આપણે ત્યાં લગ્ન લીધાં હોય અને ૧૦૦૦ને બદલે ૧૨૩૯ માણસ આવી ચઢે તો ના ન કહેવાય ને.”

“ પણ શેઠ, ૨૩૯ માણસો વધારે એ ઘણો બધો વધારો કહેવાય.”

“સારા માણસો હશે તો રિફાઇનરીમાં પણ ગોઠવાઈ શકે ને? “

“જરૂર છે?”

“સુધા કહેતી હતી, અંકલ જોન પણ થોડા નારાજ હતા..વધારાના ૨૩૯ માણસના પૈસા કઢાવતા તકલીફ પડે છે.”

“મારી સાથે જોને આવી વાત નથી કરી.”

“વળી આ સૌને ભણાવવાની વાત કરી તેને માટે પણ તેમને વાંધો હતો. તે કહેતાં, જરૂર કરતાં વધુ ભણે એટલે વધારે પગારની વાત આવે. એટલે તેઓ જતા રહે.”

પણ અહીંનો કાયદો તેમને કામ કરવાની મંજૂરી ત્યારે જ આપે જ્યારે તેમની પાસે લાયસન્સ હોય. અને હું તો માનું છું તેઓ આગળ વધે તો તેમનું જ ભલુ છે ને?

‘પણ તેમને ભણવા માટે જવા આવવાનો અને તેઓની ફી ભરવાનો ખર્ચો કોણ આપશે? નાના શેઠ?”

“તેઓ જાતે ક્રેડિટ કાર્ડ લેશે અને તેમને માટે કાર લેશે અને ભણશે..”

“બાવાજીની લંગોટીની વાત કરો છો? તે બધાનાં કો–સાઇનર તમે થશો એવું મને લાગે છે.”

“ના હું નહી પણ મારી કંપની અલપાસો રિસોર્ટ.”

” સુધાને આની ખબર છે?”

“હા. એટલે તો તે મારા ઉપર બગડી છે.”

“તમને હું એક જમાઈ ઓછો પડતો હતો તે આટલા બધાની જવાબદારી લેવા માંગો છો?”

“ના, પણ તેમને તક તો આપવી પડે ને? અને આ બધું કરીએ તો તે બધા લાંબા સમય સુધી આપણી સાથે રહે. અને છોડી જવાનો વિચાર સુધ્ધાં ના કરે. સમજ્યો?”

ગટુની ટ્યુબલાઈટ હવે ઝબકી. આટલું લાંબું તો તેણે વિચાર્યું જ નહોતું.

સુધાને સમજાવવી ગટુ માટે સહેલી વાત હતી. ફેસિલિટી આપવાની વાત હતી અને તે મહત્તમ ૨૫૦૦ ડૉલરની મર્યાદાનું ક્રેડિટ કાર્ડ અપાવવાનું હતું અને એમાં સ્કૂલ માટે લોન અપાવવાની વાત હતી. દરેકનાં કાગળિયાં હતાં. ફક્ત અરજી કરાવવાની હતી. અલપાસો રિસોર્ટના સરનામેથી અરજી કરાવવાની હતી. અને દરેકને અપાયેલ પાસ ને ક્રેડિટકાર્ડમાં રૂપાંતર કરી દેવાય તો ફાઈનાન્સ કંપનીનો ગોલ પણ પૂરો થઈ જાય અને તેમની ક્રેડિટ બંધાવાની શરૂ થઈ જાય.

***

પ્રકરણ ૨૨

સુધાને સમજાવવાનું કામ કઠિન હતું પણ અઘરું નહોતું. તે પણ કાકાને માથે કેટલી જવાબદારી આવે તેનો વિચાર કર્યો છે?

ગટુ કહે, “કાકા અને કાકાની કંપની એ બે વસ્તુ તું સમજ જરા.”

“મને ખબર છે પણ ક્યારેક ન બનવાનું બની જાય તો પણ કાકાની જવાબદારી અલપાસો રિસોર્ટની બને છે. આ તો સગવડ અપાય છે. અને સગવડ જેટલી વધારે તેટલી છોડીને જવાની શક્યતા ઘટે.

“ભલે, કાકાજીએ એમનું ધાર્યું કર્યું અને તું એમની વાતોમાં આવી ગયો.”

“સાચું કહું? તેઓ બીઝનેસમાં ઘણી વાતો વિચારી શકે છે. આપણને તેમના સ્તરે પહોંચતાં હજી બહુ સમય લાગશે.”

“હા. વાત તો સાચી છે. તેઓ જોખમ સમજી શકે છે અને વિચારીને રસ્તો કાઢે છે. તું ભારત હતો ત્યારે જાહેરાતોનો ઉપયોગ સરસ રીતે કર્યો. સાચું કહું તો ત્યાંનો ધસારો જોતાં મને લાગતું હતું કે ભારતમાં નાના ઉદ્યોગોમાં ઘણા માણસો મળી શકે તેમ છે. કાકા આ બાબતે સક્રિય છે તે સારી વાત છે. થોડા મૌન પછી ગટુ બોલ્યો, નાના શેઠ મને પૂછતા હતા કે સુધા તૈયાર થઈ? તમે લોકો ક્યારે મને એ સારા સમાચાર આપો છો?

સુધા શરમાતી અને મલકાતી બોલી, “બસ આ ખેપનું આપણને વળતર મળે એટલે શુભ સમાચાર એમને આપીએ. ૧૨૩૯ને ૨૦૦૦થી ગુણીએ એટલે આપણે બધી જ રીતે મોટેલ માલિક અને કરોડપતિ બની જઈએ.”

“ના. હું તો ૧૦૦૦થી જ ગુણીશ. બાકીનો ભાગ નાના શેઠનો છે. અને તેમનો ખર્ચો પણ વધુ થયો છે.” બીજે દિવસે સવારે બધા એકત્ર થયા ત્યારે નાનાશેઠ અમેરિકામાં ચાલતા કેશલેસ વહીવટ વિશે બોલવાના હતા.

મારા હુરતી પોયરાઓ, આજે તમને બધાને મારા અલપાસો શહેરમાંથી આપ સૌની કર્મભૂમિ ટેક્સાસમાં વિદાય કરવાનો સમય છે. ત્યારે સુધા મને કહે, કાકા કંઈ વિચાર્યુ? આખી રાત મારો ડાબો અને જમણો હાથ એટલે કે સુધા અને ગટુ મથતાં રહ્યાં. તમને પૈસાનો કેશલેસ વહીવટ કેવી રીતે સમજાવવો?

બાપ તરીકે અને મારા ગામનાં માણસોને કૉલેજની ફી અને ખીસ્સાખર્ચી આપવા તેઓએ અહીંની બૅન્કમાં અરજી કરીને ભણવાની ફી અને પ્રેક્ટિકલની ફી તરીકે સ્ટુડંટ લોનની અરજી શોધી કાઢી છે. અને તમને પગાર તો ૧૫ દિવસે મળશે તેને માટે ક્રેડિટ કાર્ડની જોગવાઈ અલપાસો રિસોર્ટ કરશે.

આજે આપ સૌને તેના પેપર અપાશે જેમાં સહી કરી સુધાને આપી દેશો. તેમાં ૨૫૦૦ ડૉલર જેટલી ક્રેડિટ હશે. જે આપના પગાર સાથે લિંક હશે. હવે અમેરિકન ભાષા પ્રમાણે આ ક્રેડિટ એટલે તમારી બૅન્ક સાથે ઉધારી. જેમ પાછું આપવાની બાબતે નિયમિતતા વધુ તેમ ક્રેડિટ સ્કોર સુધરે.

તમને સૌને સાઇટ ઉપર આજે મોકલીને ચાલ અપાશે પણ હોસ્ટેલજીવન કેવી રીતે શરૂ કરશો? ઘરમાં જ્શો ત્યારે પેટમાં ગલુડિયાં બોલતાં હશે. વહેલી સવારે ચા કૉફી તૈયાર નહીં મળે ત્યારે આ ક્રેડિટ કાર્ડ તમને તે રાહત આપશે. દસ જણાની ટુકડી તમને એકમેકના ટેકે અમેરિકન જીવન જીવતાં શીખવાડી દેશે. ભણવાનું એટલે જરૂરી છે કે અમેરિકન પદ્ધતિથી તમે વાકેફ થાવ. કારણ કે જે મોટેલ તમે બનાવશો તે અમેરિકન વાતાવરણને સહન કરશે. તમારી જાણકારી જરૂરી છે. અહીં ભીંત ઇંટોની નથી હોતી પણ જીપ્સમ બોર્ડની બને છે. તેના પર ઇંટોનું આવરણ અડધી ઇંટનું જ હોય છે. અંદરનું ખોખું લાકડાનું અને જીપ્સમ બૉર્ડ્ની ભીંતો હોય છે. આના કારણે ભારતની જેમ મકાન બંધાતા વાર લાગતી નથી. તેથી ભારતનાં મકાનોની જેમ લાંબાં અને ટકાઉ નથી.

ત્રણ મહિના પછી આપણે મળીશું ત્યારે તમે અમેરિકન ભણતર સાથે રોજીરોટી રળવા લાયક થઈ જશો.

***