Premchandjini Shreshth Vartao - 10 books and stories free download online pdf in Gujarati

પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 10

પ્રેમચંદજીની

શ્રેષ્ઠ વાર્તાઓ

(10)

માતૃભાવનો વિજય

ગામ આખામાં મથુરા જેવો મજબૂત જુવાન શોધ્યોય ના જડે.

વીસ વર્ષની ઉંમર હશે એની. એ આખો દહાડો ગાયો ચારતો. દૂધ પીતો,

કસરત કરતો. કુસ્તી લડતો. ને પાવો વગાડતો. આમ તેમ ફર્યા કરતો. આમ

તો એ પરણેલો હતો પણ કોઇ સંતાન ન હતું. ઘેર ખેતીવાડીય ખરી. ભાઇઓ

સાથે હળીમળીને એ ખેતી કરતો. મથુરા આખા ઘરનું નાક હતો. એ સૌથી

ઓછું કામ કરતો. સૌને એવી આશા હતી કે મથુરા પહેલવાન બને અને

અખાડામાં એના હરીફને મહાત કરે. લાડપ્યારથી મથુરા જરા વધારે પડતો

છકી ગયો હતો. ગાયો કોઇકના ખેતરમાં ભેલાણ કરતી હોય અને એ

અખાડામાં દંડ પીલતો હોય. કોઇ ઠપકો આપવા આવે તો આવી જ બન્યું.

જાણવું! એ બરાડતો - ‘જાઓ, થાય એ કરી લ્યો. હું ગાયો હાંફવા નથી

આવવાનો.’ એનું કદાવર શરીર જોઇ કોઇ એની સામે જોવાની હિંમત કરી

શકતું નથી.

ઉનાળાના દિવસો હતા. તળાવ તલાવડાં સૂકાઇ ગયાં હતાં. લૂ તો

કહે મારું કામ! ક્યાંકથી ગામમાં એક સાંઢ આલી ચઢ્યો ને મથુરાની

ગાયોના ટોળામાં ભળી ગયો. આખો દિવસ તો એ ગાયો સાથે ખેતરોમાં

ફરતો પણ રાત્રે ગામમા આવી ખીલે બાંધેલા બળદોને શીંગડે ચઢાવતો.

કોઇકની દિવાલ પાડી નાખતો હતો તો કઇકના ખાટલા ભાંગતો. કોઇ

બહાર વાસણ ભૂલી ગયું હોય તો સવારે ભાંગીને ભૂક્કો જ થયું સમજવું.

રાત્રે એ ઢોરને મારતો. ઢોરનાં પાડાંના તો રામ રમી જતા. વળી ખેતરમાં

શાકભાજીનેએ ઊજાડતો. લોકો એની પાછળ પડી દૂરદૂર મૂકી આવતા પણ

પાછો એ બીજે દિવલે આવીને ખડો થઇ જતો. ગામ લોક તોબા તોબા

પોકારી ગયું હતું. કોઇની બુદ્ધિ કામ કરતી ન હતી. આ આફતમાંથી

છૂટવાનો સૌ કોઇ માર્ગ વિચારતી હતા. મથુરાનું ઘર ગામની બરાબર

મધ્યમાં હતું. એથી સાંઢનો ખાસ રંજાડ થતો નહીં, ગામમાં હાહાકાર મચી

ગયો હતો. પણ મથુરાને કોઇ ચિંતા ન હતી.

કોઇ રસ્તો ના જડ્યો ત્યારે ગામ લોકોએ આખરે મથુરાની પાસે

જઇ કહ્યું - ‘‘ભાઇ, તું કહેતો હોય તો રહીએ આ ગામમાં, નહીંતો હેંડતા

થઇએ. ખેતીવાડી જ ઊજ્જડ થઇ જાય છે પછી રહીને શું કરીએ? તારી

ગાયો પાછળ અમારું સત્યાનાશ વળી જાય છે. અને તારા પેટનું પાણીય

હાલતું નથી. ઇશ્વરે તને શક્તિ આપી હોય તો તારે બીજાનું રક્ષણ કરવું

જોઇએ. બીજાને રંઝાડવા જોઇએ નહીં. સાંઢ તારી ગાયોને લીધે આવે છે

ગામમાં. એટલે એને નસાડી મૂકવાનું કામ તારુ છે. પણ તું તો કાનમાં પૂમડાં

ઘાલીને બેઠો છે, પણે કશું સાંભળતો જ ના હોય!’’

મથુરાને ગામલોકો ઉપર દયા આવી. બળવાન માણસો મોટેભાગે

દયાળુ હોય છે. એણે કહ્યું - ‘‘જાઓ, આજે હું સાંઢને નસાડી મૂકીશ.’’

એક જણે કહ્યું - ‘‘ખૂબ આઘે મૂકી આવજો કે જેથી ફરીવાર

પાછો ના આવે.’’

મથુરાએ લાકડી ખભે મૂકતાં કહ્યું - ‘‘ના, ના, હવે એ પાછો નહીં

આવે.’’

બળબળતા બપોરે મથુરો સાંઢને નસાડી મૂકવા ખભે ડાંગ મૂકી

ચાલી નીકળ્યો. શરીર પરસેવે રેબઝેબ થઇ ગયું હતું. મથુરાએ છેવટે સાંઢને

શોધી કાઢ્યો. એ એની પાછળ પળ્યો. સાંઢ વારંવાર ગામ ભણી જવાનાં

ફાંફાં મારવા લાગ્યો. મથુરો આગમચેતી વાપરી આગળ ફરી વળતો. સાંઢ

છંછેડાઇને ઓચિંતો પાછો ફરી મથુરા પર ધસી જતો હતો. પણ મથુરો ચેતી

જઇ એવી તો જોરદાર લાકડી ફટકારતો હતો કે એ પાછો વળી જતો.

તુવેરનાં ખેતરોમાં ધમાચકડી મચી ગઇ. મથુરાના પગ લોહીલુહાણ થઇ ગયા

હતા. એના ધોતિયાના લીરેલીરા ઊડી ગયા હતા. પણ સાંઢનો પીછો કરવા

સિવાય એને કશું ભાન ન હતું.

એમને એમ કેટલાંય ગામના સીમાડા એણે વટાવ્યા. સાંઢ આગળ

અને એ પાછળ. મથુરાએ તો નક્કી કર્યું હતું કે એને નદીને સામે કાંઠે તગેડી

મૂકવો. દોડીદોડીને એ જરાક થાકી ગયો હતો. ગળે શોષ પડતો હતો. આંખો

લાલ થઇ ગઇ હતી. શ્વાસ થંભી જતો હતો. જાણે! પણ એ ક્ષણ વાર માટેય

અટકતો ન હતો. બે અઢી કલાકની સરપટ દોટ પછી નદી દેખાઇ. અહીં નદી

કાંઠે હારજીતનો ફેંસલો થવાનો હતો. બંન્ને ખેલાડીઓને અહીં એમના દાવપેચ

અજમાવવાના હતા. સાંઢ વિચારતો હતો કે નદીમાં એ ઉતરશે તો મથુરા

એને નક્કી મારી નાખશે, જ્યારે મથુરા વિચારતો હતો કે સાંઢ પાછો ફરી

હરેરી કરશે તો બધી મહેનત ધૂળમાં મળી જશે. ગામલોકો મશ્કરી કરશે એ

વધારામાં, બંન્ને પોતપોતાના દાવપેચમાં હતા. સાંઢે પાછા ફરવા બહુ પ્રયત્ન

કર્યો પણ મથુરાએ એને ફાવવા દીધો નહીં. આખરે સાંઢને માટે નદીમાં

ઉતર્યા સિવાય કોઇ રસ્તો રહ્યો નહીં. મથુરા પણ સાંઢની પાછળ પાછળ

નદીમાં ઊતર્યો અને એણે લાકડી ભાંગી જતા સુધી એને માર્યો.

મથુરાને ખૂબ તરસ લાગી હતી. એણે નદીમાં મોં વળગાળી પાણી

પીધું. જાણે આખી નદી પી જવી હતી એને! આટલું બધું એક સામટું પાણી

એણે ક્યારેય પીધું ન હતું. પાણી ઊનું હતું એની તરસ છીપી નહીં. ફરી એણે

મોં વળગાળી પાણી પીધું. અને આખરે એ ભીનું ધોતિયું ગળે નાખી ઘર તરફ

પાછો ફર્યો.

થોડુંક ચાલ્યો હશે કે એને પેટમાં દુઃખવા માંડ્યું. એને એમ કે એક

સામટું પાણી પીવાથી આમ થયું હશે. પણ ધીમે ધીમે પીડા વધતી ગઇ. છેવટે

ચાલવાનું મુશ્કેલ થઇ પડ્યું. તે એક ઝાડ નીચે બેસી ગયો. દર્દથી બેચેન થઇ

એ છેવટે જમીન પર આળોટવા લાગ્યો. દર્દ વધતું જતું હતું. વારંવાર એ

ઊઠતો પાછો બેસી જતો. ઘડીમાં આળોટતો. હવે પીડા અસહ્ય બની. એણે

રડવા માંડ્યું. પણ અહીં એની ખબર લેનાર કોઇ ન હતું. છેવટે જે થવાનું હતું

તે થઇને જ રહ્યું. મથુરા બપોરની નિર્જન એકલતામાં તડપી તડપીને મૃત્યુ

પામ્યો.

દેવ જેવો આ નવ જુવાન કેટલાય ગાઉ સુધી સાંઢને નસાડતો

અહીં આવી પહોંચ્યો હતો તે કુદરતનો એક સપાટો પણ સહન કરી શક્યો

નહીં. આ દોડ એને માટે મોતની દોડ બની જશે અ કોણ જાણતું હતું. સાક્ષાત્‌

યમરાજ સાંઢનું રૂપ લઇ એને નહીં નચાવી રહ્યા હોય એની શી ખાતરી!

સંધ્યા સમયે એના ઘરવાળા એને શોધતા અહીં આવી ચઢ્યા ત્યારે

એ તો ચિરનિદ્રામાં પોઢી રહ્યો હતો.

એ વાતને એક મહિનો વીતી ગયો. ગામના લોકો કામ ધંધામાં

લાગી ગયા હતા. ઘરવાળાંએ રોઇ રોઇને એ દુઃખ હલકું કર્યું પણ બિચારી

વિધવાનાં આંસુ લૂછનાર કોઇ ન હતું. તે આખો દિવસ રડ્યા કરતી. હવે

આ ઘરમાં એનો ગુજારો શી રીતે થશે? કોના સહારે એ જિંદગી વીતાવશે?

ઘરનાં લોકો અનુયા બીજું ઘર માંડે એમાં રાજી ન હતાં.એમ કરવાથી તો

ઘરની બે ઇજ્જતી થાય એમ હતું. અને અનુયા જેવી સુશીલ, સંસ્કારી,

કામઢી, ઘરકામમાં કુશળ તથી લેણદેણમાં પ્રવીણ સ્ત્રી બીજાના ઘરમાં જાય એ

બાબત પોષાય તેમ ન હતી. તો બીજી બાજુ અનુયાના પિયરનાં લોકો એને

બીજે વળાવવા વાત પાકી કરી રહ્યાં હતાં. બધું નક્કી થયા પછી એક દિવસ

અનુયાનો ભાઇ એને બીજે વળાવવા તેડવા આવ્યો.

ઘરમાં હો હા મચી ગઇ. અનુયાની સાસરીવાળાં એને બીજે

વળાવવા તૈયાર ન હતાં. એનો ભાઇ એના નિર્ણયમાં અડગ હતો. ગામના

લોકો ત્યાં એકઠા થઇ ગયા. છેવટે મામલો અનુયા પર છોડી દેવામાં આવ્યો.

ઘરવાળાં ને અનુયા પર વિશ્વાસ હતો કે એ બીજે જવા તૈયાર નહીં થાય પણ

જ્યારે એને પૂછવામાં આવ્યું ત્યારે એણે હા ભણી દીધી છેવટે એને

વળાવવાની તૈયારીઓ થવા લાગી. પાલખી મંગાવવામાં આવી. આખા

ગામની સ્ત્રીઓ અને જોવા એકઠી થઇ ગઇ. અનુયા એની સાસુના પગે પડી

બોલી - ‘‘મા, બોલ્યું ચાલ્યું માફ કરજો. મને તો થતું હતું કે અહીં જ રહું પણ

ભગવાનને એ મંજુર ન હતું.’’

આટલું કહેતાં તો એ બોલતી બંધ થઇ ગઇ.

એની સાસુ કરુણાથી વિહવળ થઇ ઊઠી. કહ્યું - ‘‘બેટા, જ્યાં

જાય ત્યાં સુખી રહે. અમારું નસીબ જ ફૂટેલું, નહીં તો તારે આ ઘરમાંથી શા

માટે બીજે જવું પડે? આ તારો દિયેર હજુ બહુ નાનો છે. નહીં તો બગડેલી

બાજી સુધારી શકાત. તારું મન ગોઠતું હોય તો તું એને પાળી પોષીને મોટો

કર્ય, ઉંમર લાયક થશે એટલે હું તમારાં લગ્ન કરાવી આપીશ.’’

આમ કહી નાના દિકરા વાસુદેવને પૂછ્યું - ‘‘બેટા, ભાભી સાથે

તું લગ્ન કરીશ?’’

વાસુદેવ પાંચ વર્ષનો હતો. એના વિવાહની વાત ચાલતી હતી.

તેણે કહ્યું - ‘‘પછી ભાભી બીજે ઘેર નહીં જાયને, મા?’’

‘‘તું લગ્ન કરું તો પછી બીજે ક્યાં જાય?’’

‘‘તો તો મા, હું લગ્ન કરીશ ભાભી સાથે.’’

‘‘તો પૂછ એને, એ તારી સાથે પરણશે?’’

વાસુદેવ અનુયાના ખોળામાં જઇને બેસી ગયો. પૂછ્યું - ‘‘ભાભી,

મારી સાથે લગ્ન કરશો?’’

અનુયાની આંખોમાં આંસુ ઊભરાયાં. એણે વાસુદેવને છાતીએ

વળગાડતાં કહ્યું - ‘‘મા, ખરેખર દિલથી કહો છો તમે?’’

સાસુએ કહ્યું - ‘‘એ તો ભગવાન જાણે છે.’’

અનુયા બોલી - ‘‘તો આજથી આ મારા થઇ ગયા જ સમજો.’’

‘‘આખા ગામની સાક્ષીએ કહે છે ને તું વહુ?’’

‘‘હા મા, ભાઇને કહો કે એ ઘેર પાછા જાય. હવે હું એમની સાથે

નહીં જાઉં.’’

અનુયાને જીવવા માટે કોઇક આધારની જરૂર હતી. એ આધાર

આજે એને મળી ગયો હતો.

અનુયાએ વાસુદેવને ઊછેરવામાં મન પરોવ્યું. એ એને નવડાવતી

ધોવડાવતી. હાથે કોળિયા ભરાવી ખવડાવતી. ખેતરમાં જતી તો પણ એને

સાથે જ લઇ જતી. થોડા દિવસમાં જ વાસુદેવ અનુયા સાથે એવો હળી ગયો

કે હવે એના વિના ક્ષણવાર પણ રહેતો નહીં. એ માને ભૂલી ગયો. ભૂખ

લાગતી તો એ અનુયા પાસે ખાવાનું માગતો. કોઇ મારતું ત્યારે એ ઘેર આવી

અનુયાને ફરિયાદ કરતો. અનુયાની સાથે જ એ સૂઇ રહેતો. વાસુદેવ માટે

અનુયા સર્વસ્વ હતી.

ગામલોકો અનુયાની પ્રેમતપસ્યા જોઇ મોંમાં આંગળાં નાખવા

લાગ્યાં. પહેલાં તો કોઇને એના પર વિશ્વાસ આવતો ન હતો. કોઇક કહેતું કે

વરસ બે વરસમાં જ કંટાળીને કોઇકની સાથે ચાલી જશે. પણ હવે એવી શંકા

કરવાનો કોઇ અર્થ ન હતો. અનુયા એના વ્રતમાંથી જરા સરખી પણ

વિચલિત થાય એમ ન હતું. જેના જીવનમાં સ્વાધીન સેવાનું ઝરણું વહેતું હોય

એના જીવનમાં વાસનાઓ ક્યાંથી ટકી શકે! વાસનાઓનો ઘા તો નિર્મમ,

આશાહીન અને આધારહીન લોકો પર થાય છે.

વાસુદેવને પણ કસરતનો શોખ હતો. એનો ચહેરો મથુરાને મળતો

આવતો હતો. શરીર પણ એવું જ મજબૂત હતું. એણે અખાડો ગજવી મૂક્યો

અને એનો પાવો ચારે દિશામાં સૂર છેડવા લાગ્યો.

આમને આમ તેર વર્ષ વીતી ગયાં. વાસુદેવ અને અનુયાના

લગ્નની તૈયારીઓ થવા લાગી.

પણ હવે અનુયા પહેલાંની અનુયા ન હતી. ચૌદ વર્ષ પહેલાં

અનુયાએ વાસુદેવને પતિભાવથી જોયો હતો. આજે હવે એ સ્થાન માતૃભાવે

લીધું હતું. કેટલાક દિવસોથી એ ઘેરી ચિંતામાં ડૂબી ગઇ હતી. જેમ જેમ

સગાઇનો દિવસ નજીક આવતો હતો તેમ તેમ એનું હૈયું કોચવાતું હતું. જેને

પુત્રની જેમ પાળી પોષીને ઊછેર્યો હોય એને પતિ બનાવતાં એને શરમનો

અનુભવ થયો હતો.

ઘરના આંગણે ઢોલ ઢબકી રહ્યો. સમાજના લોકો એકઠા થયા

હતા. આજે અનુયા વાસુદેવની સગાઇ થવાની હતી.

અનુયાએ જઇને સાસુને કહ્યું - ‘‘મા હું તો શરમની મારી મરી

જાઉં છું.’’

સાસુએ ભોંય ખોતરતાં કહ્યું - ‘‘શું કહ્યું બેટા?’’

‘‘હું વાસુદેવ સાથે લગ્ન નહીં કરું.’’

‘‘કેવી ગાંડી વાત કરે છે, દિકરી? સગાઇની બધી તૈયારીઓ પણ

થઇ ગઇ છે. લોકો જાણશે તો શું કહેશે?’’

અનુયાએ દ્રઢતાથી કહ્યું - ‘‘લોકોને જે કહેવું હોય એ કહે. પણ

જેના નામ પર ચૌદ વરસ બેસી રહી હતી, એના નામ પર હવે વધારે સમય

બેસી રહીશ. મને લાગતું હતું કે પુરુષના સહારા વિના સ્ત્રીનું જીવવું શક્ય

નથી. પણ ઇશ્વરે મારી આબરૂ સાચવી છે. યુવાનીનાં વર્ષો વીતી ગયાં પછી

હવે શી ચિંતા? વાસુદેવની સગાઇ કોઇ યોગ્ય છોકરી શોધી કાઢીને કરી દ્યો.

મેં તો આજ સુધી જેમ એને પાળ્યો પોષ્યો છે તેમ હવે હું એનાં બાળકોને

પાળી પોષી ઊછેરીશ.’’

***