Ruh sathe ishq return - 8 books and stories free download online pdf in Gujarati

રૂહ સાથે ઈશ્ક રિટર્ન - 8

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 8

પોતે જે સુમધુર અવાજમાં ગીત સાંભળ્યું હતું એ અવાજ જાણે કબીરને કોઈની યાદ અપાવી રહી હતી.એ અવાજ જાણે કબીર માટે ચુંબકીય શક્તિનું કામ કરી રહ્યો હોય એ અનાયાસે જ એ અવાજની દિશામાં આગળ વધ્યો..કબીરે મહેસુસ કર્યું કે એ અવાજ વુડહાઉસ ની પાછળની તરફથી આવી રહ્યો હતો.કબીરે પોતાનાં રૂમની વુડહાઉસ ની પાછળ તરફ પડતી બારી ખોલી એ તરફ નજર કરી.

કબીરે જોયું તો ત્યાં એક સ્ત્રી ઉભી હતી..આ સ્ત્રી શાયદ ગતરાતે પોતે જોયેલી સ્ત્રીજ હોવી જોઈએ એવો અંદાજો કબીરે લગાવ્યો.ચંદ્રની આછેરી રોશનીમાં કબીર વધુ તો ના જોઈ શક્યો પણ એ સ્ત્રી લાલ રંગની સાડીમાં હતી એ દ્રશ્યમાન થયું.

"કોણ છો તમે..અને અહીં કોની રાહ જોઈ રહ્યાં છો..?"એ સ્ત્રીને ઉદ્દેશીને કબીરે મોટેથી કહ્યું.

કબીરને એમ હતું કે એ સ્ત્રી એનાં સવાલનાં જવાબમાં કંઈક તો બોલશે પણ ઉલટાની એ સ્ત્રી તો ત્યાંથી ચાલવા લાગી..ચાલતી વખતે એનાં પગની પાયલનો અવાજ વાતાવરણમાં રેલાઈ રહ્યો હતો.એ સ્ત્રી પોતાનાં સવાલનાં જવાબ આપ્યા વિના ત્યાંથી જઈ રહી હતી એ જોઈને શિવ થોડો રઘવાઈ ગયો..અને ચિલ્લાઈને બોલ્યો.

"અરે તમને સંભળાતું નથી મેં શું પૂછ્યું..તમે રોજ-રોજ અહીં કેમ આવો છો..તમારું નામ શું છે.."

કબીર નાં ફરીવાર પુછવા છતાં એ સ્ત્રી તરફથી કોઈ પ્રતિભાવ ના મળ્યો અને એ ઉપરની તરફ જતાં ટેકરીનાં રસ્તે ચાલવા લાગી.આજે તો એ સ્ત્રી ને મળીને પોતાનાં સવાલોનાં જવાબ મેળવીને જ રહેશે એમ વિચારી કબીર પોતાની રિવોલ્વર ખિસ્સામાં લઈને પોતાનાં રૂમમાંથી બહાર નીકળ્યો.દાદરો ઉતરી કબીર રસોડાની જોડે રહેલાં દરવાજા મારફતે એ સ્ત્રી જે તરફ જઈ રહી હતી એ તરફ આગળ વધ્યો.કબીરે જતી વખતે એ દરવાજા ને સાવધાની માટે બંધ કરી દીધો કેમકે આ બધી કોઈની ચાલ પણ હોઈ શકે છે એવું પણ કબીરે વિચાર્યું હતી.

आँख बनके तुझे देखती ही रहूं

प्यार की ऐसी तस्वीर बन जा

आँख बनके तुझे देखती ही रहूं

प्यार की ऐसी तस्वीर बन जा

तेरी बाहों की छाँव से लिपटी रहू

मेरी साँसों की तक़दीर बन जा

तक़दीर बन जा

तेरे साथ वादा किया नहीं तोडना

हो तेरे संग प्यार मैं नहीं तोडना

હજુ પણ એ સ્ત્રીનું ગીત ગાવાનું ચાલુ હતું..કબીર દોડતો દોડતો અવાજની દિશામાં ભાગી રહ્યો હતો..પણ જેવો કબીર કોઈ ચોક્કસ જગ્યાએ પહોંચતો એવોજ એ સ્ત્રીનો અવાજ કબીરને બીજી દિશામાંથી આવતો જણાતો.વચ્ચે વચ્ચે કબીરને એ સ્ત્રી પણ નજરે ચડતી પણ કબીર એની સુધી પહોંચે એ પહેલાં તો એ ગાયબ થઈ જતી.

અવાજ હવે ટેકરીની છેક ઉપરની તરફથી આવી રહ્યો હોવાનું કબીરને લાગ્યું એટલે એનાં પગ એને અનાયાસે જ અવાજની દિશામાં દોરી ગયાં.રાત અત્યારે એની ચરમ પર હતી અને આ ઉજ્જડ પ્રદેશમાં જંગલી પશુઓ નો આતંક હોવાનું જાણતો હોવાં છતાં કબીરનાં મગજમાં અત્યારે ફક્ત એક જ ધૂન સવાર હતી એ હતી એ સ્ત્રીને મળીને એ કોણ છે એનો જવાબ મેળવવાનો.

અવાજની દિશામાં કબીર ટેકરી ની ટોચ તરફ આગળ વધી રહ્યો હતો.હવે પોતે કોઈપણ રીતે વુડહાઉસ ની આજુબાજુ ચક્કર લગાવતી સ્ત્રી કોણ છે એની તપાસ કરીને જ રહેશે એવો મક્કમ નિર્ધાર કરી કબીર આગળ વધી રહ્યો હતો.કબીર જ્યારે ટેકરીની ટોચે પહોંચ્યો ત્યારે એ રીતસરનો હાંફી ગયો હતો.

"ક્યાં ગઈ એ ઔરત..?"ઉપર પહોંચીને કબીર મનોમન બબડયો.

કબીરે આજુબાજુ નજર કરી તો એની નજરે કંઈપણ ચડ્યું નહીં.. હવે તો એ સ્ત્રીનો અવાજ પણ આવતો બંધ થઈ ગયો હતો.છતાં કબીરે મનોમન નક્કી કરી લીધું જ હતું કે આજે પોતે એ સ્ત્રીને શોધીને જ રહેશે.ટેકરીની ટોચ પર તો કોઈ નજરે ના ચડ્યું એટલે કબીર ટેકરીની બીજી તરફ ઢાળ ઉતરીને આગળ વધ્યો.આ ઢાળ ઉતરતાં નર્મદા નદીનો કિનારો આવી જતો હતો.

હજુ તો કબીર માંડ વીસેક ફૂટ ઉતર્યો હશે ત્યાં એક વડનાં ઝાડ નીચે પડેલી વસ્તુઓ પર કબીરની નજર પડી..કબીરે પોતાનાં મોબાઈલની ફ્લેશ લાઈટ ઓન કરી અને એ બધી વસ્તુઓ હકીકતમાં શું હતી એ જોવાં માટે કબીર એ વડનાં વૃક્ષની તરફ આગળ વધ્યો.મોબાઈલનાં પ્રકાશમાં કબીરે જોયું તો ત્યાં વડ વૃક્ષની નીચે એક દેરી જેવું મંદિર હતું અને એમાં કોઈ દેવીની પ્રતિમા હતી.

કબીરે વ્યવસ્થિત રીતે જોયું તો એ દેરીની આગળનાં ઓટલાં પર લાલ રંગના છાંટા ઉડેલાં હતાં..કબીરે ધ્યાનપૂર્વક જોયું તો એ છાંટા લોહીનાં હતાં.પહેલાં તો કબીરને આ બધું વિચિત્ર લાગ્યું પણ પછી એને આ બધું થોડું ઘણું સમજાઈ રહ્યું હતું.એક તો આ વિસ્તાર નાં લોકો અભણ હતાં અને અહીં ઘણી ખરી આદિવાસી વસ્તી પણ રહેતી હતી.એ લોકોની ધાર્મિક માન્યતાઓમાં દેવી ને બલી ચડાવવાનો મહિમા હોય છે..જેનાં લીધે આ દેવી આગળ વાર-તહેવારે પશુ બલી દેવામાં આવતી હશે એવું કબીર ને લાગ્યું.

કબીર આ બધું જોતો હતો ત્યાં એની નજર ઓટલાંની નીચે મોજુદ હારબંધ પથ્થરોની ઉપર પડી..કબીરે જોયું તો ત્યાં આઠ પથ્થરો હતાં અને એ દરેક પથ્થર ની ઉપર લોહી ચડાવવામાં આવ્યું હતું.આ પથ્થરો પણ કોઈ ધાર્મિક માન્યતાઓની અંધશ્રદ્ધા સ્વરૂપે જ હોવાં જોઈએ એવાં નિષ્કર્ષ પર કબીર આવ્યો.

"ક્યાં માનવ ચંદ્ર પર પહોંચવાની વાતો અને ક્યાં આ અંધશ્રદ્ધામાં જીવતી પ્રજા.."આ બધું જોઈને કબીરનાં મોંઢેથી શબ્દો સરી પડ્યાં.

પોતે એક સ્ત્રી નો અવાજ સાંભળી એનો પીછો કરતો કરતો અહીં ટેકરીની ઉપર સુધી આવી પહોંચ્યો હતો એ વાત ભૂલીને કબીર અત્યારે એ વડ વૃક્ષની નીચે રહેલ દેવીનાં આ સ્થાનક ને જોવામાં મશગુલ હતો.કબીર આ બધું જોઈ રહ્યો હતો ત્યાં કબીરનાં કાને કોઈનાં પગરવનો અવાજ સંભળાયો.શાંત વાતાવરણમાં થયેલાં એ અવાજે કબીરનું ધ્યાન પોતાની તરફ દોર્યું અને કબીરે પોતાનાં મોબાઈલની ફ્લેશ લાઈટને એ તરફ કરી.

કબીરે જોયું તો પેલી ગીત ગાતી હતી એ સ્ત્રી ચાલતી ચાલતી નીચેની તરફ જઈ રહી હતી..કબીર એને જોતાં જ દોડતો દોડતો એ સ્ત્રી સુધી પહોંચવા આગળ વધ્યો..ઉતાવળમાં કબીરનાં પગમાં એક પથ્થર આવ્યો અને એ નીચે ગબડવા લાગ્યો.

"બચાવો..બચાવો.."કબીરનાં મોંઢેથી અચાનક બનેલાં આ અકસ્માતનાં લીધે મદદની ગુહાર નીકળી ગઈ.

એક તો દિવસ દરમિયાન બનેલી ચિત્ર-વિચિત્ર ઘટનાઓનો અનુભવ અને હવે એ રહસ્યમયી સ્ત્રીની પાછળ પાછળ ગાંડાની જેમ અહીં આવી ચડવાનાં લીધે કબીરનું માથું રીતસરનું ભમી રહ્યું હતું..પગ લપસી જવાનાં લીધે કબીર જોરથી પછડાયો હતો અને એ ડરમાં જ એ બેહોશ થઈ ગયો.

સવારે કબીરની આંખ ખુલી ત્યારે એને પોતાની જાતને વુડહાઉસનાં પોતાનાં રૂમમાં જોઈ..કબીરે જોયું તો એનાં હાથમાં અત્યારે એક સિરિન્જ ભરાવેલી હતી અને પલંગની જોડે લટકાવેલી એક બોટલમાંથી પ્રવાહી એક નળી મારફતે એનાં શરીરમાં દાખલ થઈ રહ્યું હતું..પોતે અહીં કઈ રીતે આવી પહોંચ્યો એ વાત કબીરને સમજાઈ નહોતી રહી.કબીરે ઘડિયાળ તરફ નજર કરી તો અત્યારે સાડા દસ થવાં આવ્યાં હતાં.

"જીવાકાકા..જીવાકાકા.."કબીરે પોતાનાં સવાલોનાં જવાબ જીવાકાકા આપશે એ વિચારી એમને અવાજ લગાવ્યો.

કબીરનાં બોલવાનાં લીધે જીવાકાકા એક મિનિટમાં તો કબીરનાં રૂમમાં આવી પહોંચ્યા..કબીરે નોંધ્યું કે એમનો ચહેરો અત્યારે પોતાની આવી હાલત જોઈ ચિંતિત જરૂર હતો.

"સાહેબ..તમને હોશ આવી ગયો..મહાદેવ નો લાખ લાખ આભાર.."જીવાકાકા એ ઉપર આકાશ તરફ હાથ જોડીને કહ્યું.

"પણ કાકા આ બધું શું છે અને હું અહીં કેવી રીતે આવી પહોંચ્યો..તમે મને એ વિશે કંઈક જણાવશો..?"અસમંજસ ભરી સ્થતિમાં કબીરે જીવાકાકાની તરફ જોઈને પૂછ્યું.

કબીરનાં સવાલનો વિસ્તૃત જવાબ આપતાં જીવાકાકાએ જણાવ્યું કે,

"સાહેબ..હું સવારે વુડહાઉસ આવ્યો ત્યારે મેં જોયું કે તમે વુડહાઉસનાં ગેટ જોડે જમીન પર પડ્યાં હતાં.મેં તમને ભાનમાં લાવવાની કોશિશ કરી પણ તમે ભાનમાં ના આવ્યાં.. હું ડરી ગયો અને દોડીને વુડહાઉસનો દરવાજો ખોલી અંદર પ્રવેશ્યો..અંદર જઈને મેં શિવગઢમાં મોજુદ ડોકટર ગીરીશભાઈ ને ફોન કર્યો અને અહીં ફટાફટ આવવા કહ્યું..મારાં બોલાવવા પર ગીરીશભાઈ દસેક મિનિટમાં તો અહીં આવી પહોંચ્યા..એમની મદદથી મેં તમને તમારાં રૂમમાં લાવી પલંગ પર સુવડાવ્યાં..તથા તમારાં મોબાઈલ અને રિવોલ્વર ને ત્યાં ટેબલ પર મૂક્યાં."

"ડોકટર સાહેબે તમારું ચેક અપ કરી જોયું અને જણાવ્યું કે અશક્તિ તથા અનિંદ્રા નાં લીધે તમે બેહોશ થઈ ગયાં હશો..એમને તમને એક ઈન્જેકશન આપ્યું અને પછી આ ગ્લુકોઝની બોટલ ચડાવી..બસ હવે તમને ભાન આવી ગયું એટલે બહુ છે.."

"તમારો ખૂબ ખૂબ આભાર કાકા..અને ગીરીશભાઈ નું જે બિલ થયું એ તમે પૂછીને મને જણાવી દેજો એટલે હું એ રકમ ચૂકવી દઈશ.."કબીરે આભારવશ સ્વરે કહ્યું.

"અરે સાહેબ એમાં આભાર શેનો..હું ગીરીશભાઈ ને મળીને એમની વિઝિટનો ચાર્જ પૂછી લઈશ..પણ મારાં એક સવાલનો જવાબ તમે આપો કે તમે વુડહાઉસની બહાર કેમ ગયાં હતાં..?"જીવાકાકા બોલ્યાં.

પહેલાં તો કબીર ને થયું કે રાતે પોતાની સાથે જે કંઈપણ ઘટિત થયું એ વિશે જીવાકાકાને જણાવી દે પણ હજુ કબીર પોતે પણ એ વિશે ચોક્કસ નહોતો કે આખરે ગઈકાલ રાતે થયું શું હતું..પોતે કોઈ ગુમનામ સ્ત્રીની પાછળ પાછળ ટેકરી ઉપર ચડ્યો અને ત્યાં પગ લપસતાં ગબડી પડ્યો હતો તો અહીં વુડહાઉસ એ કઈ રીતે પહોંચી ગયો એ કબીરને સમજાઈ નહોતું રહ્યું.હકીકતમાં આ બધું બન્યું હતું કે આ પણ પોતાનું કોઈ નવું સ્વપ્ન હતું એ નક્કી કરવામાં કબીર હાલ પૂરતો તો અસમર્થ હતો..એજ કારણથી જીવાકાકા એ પુછેલા સવાલનો સાચો જવાબ આપવાનું ટાળી કબીર ઉપજાવી કાઢેલી વાત કરતાં બોલ્યો.

"કાકા,આજે સવારે આંખ વહેલી ખુલી ગઈ તો થોડું વૉકિંગ કરવા માટે બહાર નીકળ્યો હતો..જ્યારે અહીં પાછો આવ્યો ત્યારે અચાનક ચક્કર આવ્યાં અને દરવાજા જોડે જ ઢળી પડ્યો."

"સાહેબ તમે આરામ કરો..હું તમારાં મારે મગ અને ભાત બનાવું છું..તમારે ઉપર આવવાની જરૂર નથી હું ઉપર જ થાળી તૈયાર કરીને લેતો આવીશ.."કબીર ની વાત સાંભળી જીવાકાકા એ કહ્યું.

"સારું.."કબીરે ડોકું ધુણાવી હકારમાં જવાબ આપતાં કહ્યું.

કબીરનાં રૂમમાંથી નીકળી જીવાકાકા તો રસોઈ બનાવવા માટે ત્યાંથી નીકળી ગયાં પણ કબીર હજુપણ એ વિશે વિચારી રહ્યો હતો કે એ ટેકરી ઉપરથી ગબડયો હતો તો સીધો વુડહાઉસ કઈ રીતે પહોંચ્યો.મોબાઈલ અને રિવોલ્વર પોતાની જોડે મળી આવી હતી એનો મતલબ કે પોતે બહાર તો નીકળ્યો જ હતો તો પછી અહીં કઈ રીતે આવી પહોંચ્યો એનો જવાબ કબીરને મળી નહોતો રહ્યો..!

★★★★★

વધુ આવતાં અંકમાં.

કબીર ની જીંદગી જોડે જોડાયેલ સચ્ચાઈ અને શિવગઢમાં શું થવાનું હતું એ જાણવાં વાંચતાં રહો આ હોરર સસ્પેન્સ નોવેલ રૂહ સાથે ઈશ્ક રિટર્ન નો નવો ભાગ.

જો તમે રેટિંગ ઓછું આપો તો એનો કોઈ વાંધો મને નથી પણ જોડે જોડે એમ કરવા પાછળનું કારણ લખો તો હું આગળ જઈને વધુ સારું લખવાનો પ્રયત્ન કરી શકું.અમુક વાંચકો સતત બધી નોવેલ વાંચ્યા બાદ પણ બીજાં વાંચકોથી વિપરીત ઉતરતી કક્ષાનું રેટિંગ આપે ત્યારે મનોબળ ને ધક્કો જરૂર લાગે છે..છતાં એમનો પણ આભાર કેમકે એ લોકો વાંચે તો છે.

માતૃભારતી પર મારાં મોટાભાઈ જતીન પટેલ ની શાનદાર નોવેલો ડેવિલ એક શૈતાન,આક્રંદ,હવસ,એક હતી પાગલ અને ચેક એન્ડ મેટ પણ વાંચી શકો છો.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક

ડણક

અનામિકા

The haunted picture

સેલ્ફી: the last ફોટો...પણ વાંચી શકો છો.

-દિશા.આર.પટેલ