રૂહ સાથે ઈશ્ક રિટર્ન - 7

                      રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 7

 

ઠાકુર પ્રતાપસિંહ તો એમનાં નામ મુજબ કબીરને પ્રથમ મુલાકાતે ખુબજ ઉમદા વ્યક્તિત્વનાં માલિક લાગ્યાં. જે રીતે કબીરની રહેવાની સગવડ એમને કરી અને જે રીતે કબીરને સત્કાર્યો એ બાદ તો કબીરને ઠાકુર પ્રતાપસિંહનાં જે વખાણ એને સાંભળ્યા હતાં એ એકદમ યોગ્ય હતાં એવું એને લાગ્યું.કોઠી પર ઠાકુર સાહેબને મળવાનો અનુભવ કબીર માટે ખરેખર ઉત્તમ રહ્યો હતો.

કબીર પાછો વુડહાઉસ આવી પહોંચ્યો ત્યારે બપોરનાં બે વાગી ગયાં હતાં..જીવાકાકા એ પણ એ સમયે આરામ ફરમાવી રહ્યાં હતાં એટલે એમને પોતે જમીને આવ્યો છે એવું કહી કબીર પોતાનાં પ્રથમ માળે આવેલાં રૂમમાં ગયો.કબીરે વિચાર્યું રાતે હવે મોડે સુધી લખવા બેસવું પડશે કેમકે હવે નોવેલનો પ્લોટ લખાઈ ગયાં બાદ સત્વરે નોવેલ પણ લખવાનું ચાલુ કરવાનું હતું.રાતે મોડે સુધી જાગી શકાય એ હેતુથી કબીરે થોડો સમય સુઈ જવાનું નક્કી કર્યું.

કબીર ને પોતાની તબિયત પણ થોડી નાદુરસ્ત લાગી રહી હતી અને કોઠી પર ધરાઈને જમ્યો હોવાથી ઊંઘ પણ આવી રહી હોવાથી કબીર પોતાનાં કપડાં ચેન્જ કરીને પથારીમાં આડો પડ્યો.ઊંઘતી વખતે કબીરનાં મનમાં બે ઘટનાઓ વારંવાર રિપીટ થઈ રહી હતી..જેમાં એક હતી પોતાની તરફ જોઈ રહેલ એ સ્ત્રીની નજર અને બીજી હતી ઠાકુર સાહેબને મિલાવેલો હાથ.ઠાકુર પ્રતાપસિંહ ને સ્પર્શ કરતાં જ કેમ એ પોતાનાં સપનાંની દુનિયામાં તણાઈ ગયો એ વિશે કબીર ગહન મનોમંથન કરી રહ્યો હતો.

આ બધી વાતો વિચારતાં વિચારતાં જ કબીરને નીંદર આવી ગઈ..પણ સાયકોલોજી માં પુરવાર થયું છે કે જે વિષયમાં તમે સૂતાં પહેલાં વિચાર વિચાર કરો એ વસ્તુ તમારાં સપનામાં આવે છે..એ મુજબ કબીર જ્યારે ભરનિંદ્રામાં હતો ત્યારે એની આંખો આગળ એ દ્રશ્ય તાજું થઈ ગયું જે ઘણાં વર્ષોથી એનાં સપનામાં આવી રહ્યું હતું.

આ દ્રશ્યો એકદમ સ્પષ્ટ તો નહોતાં પણ થોડાં ધુમિલ હતાં.. જેમાં મોજુદ કોઈ વ્યક્તિનાં ચહેરા તો કબીર જોઈ નહોતો શકતો પણ સપનામાં બનતી ઘટનાઓ એક પછી એક ચલચિત્રની માફક દોડવા લાગી.કબીરે જોયું કે એક યુવક અને યુવતી નદીકિનારે એકબીજા સાથે પ્રેમલાપ કરી રહ્યાં હતાં..ત્યારબાદ એ યુવક ને કોઈની જોડે તકરાર થઈ અને એ તકરાર કરનાર વ્યક્તિ જોડે માથાકૂટ કરી ત્યાંથી નીકળી ગયો..આગળ નાં દ્રશ્યો માં એ યુવતી પેલાં યુવક જોડે અલગ-અલગ સમયે જોવા મળી..બધું યોગ્ય હતું અને કંઈપણ એવું દ્રશ્ય નહોતું આવ્યું જે કબીર ને હેરાન કરી મુકનારું હોય.

આ બધાં ની આખરે કબીર એ અનુભવ્યું કે એ યુવક અને યુવતીને અલગ કરવામાં આવ્યાં.. એ યુવતી ચિલ્લાઈ ચિલ્લાઈને એ યુવકને અવાજ આપી રહી હતી.

"મોહન,મને બચાવી લે.."

એ યુવક દોડીને એ યુવતીની મદદ માટે આગળ વધતો હતો ત્યાં કોઈએ એનાં માથે કોઈ બોથડ વસ્તુથી જોરદાર ફટકો માર્યો અને એ સાથે જ એ યુવક નીચે ભોંયભેગો થઈ ગયો..એની આંખો ધીરે-ધીરે બંધ થવા લાગી અને એ સાથે જ કબીર પોતાની ઊંઘમાંથી "રાધા-રાધા"બોલતો ઉભો થઈ ગયો.

કબીર ની હાલત અત્યારે ઘણી ખરાબ થઈ ગઈ હતી..એનાં કપાળે પરસેવો વળી ગયો હતો..એની આંખોમાંથી આંસુ નીકળી રહ્યાં હતાં અને એનું ગળું પણ તરસથી સુકાઈ ગયું હતું..કબીરે હાંફતા-હાંફતા ટેબલ પર પડેલાં જગમાંથી પાણીનો ગ્લાસ ભર્યો અને એમાંથી થોડું પાણી પીધું અને પાછો પલંગમાં બેઠો.

"સાહેબ શું થયું..તમે હમણાં કોઈનું મોટે મોટે નામ બોલી રહ્યાં હતાં.."જીવાકાકા કબીરનાં રૂમમાં દોડીને આવી પહોંચ્યા અને કબીરને ઉદ્દેશીને બોલ્યાં.

પોતાનો અવાજ સાંભળી જીવાકાકા ત્યાં આવી પહોંચ્યા હતાં એવું કબીર સમજી ગયો..કબીરે જીવાકાકા ને વધુ કંઈપણ કહેવું ઉચિત ના સમજી નકલી વાત ઉપજાવી કાઢતાં કહ્યું.

"કાકા..હું ઠીક છું..બસ એતો મારી નોવેલનાં લખેલાં લખાણને વાંચતો હતો.."

"તો ઠીક..મને એમ કે તમને કંઈક થઈ ગયું..સાહેબ,છ વાગી ગયાં છે તો હું તમારાં માટે જમવાનું બનાવવા જાઉં.."આટલું કહી જીવાકાકા પાછા કબીરનાં રૂમમાંથી નીકળી દાદરો ઉતરી રસોડામાં ગયાં.

એમનાં જતાં જ કબીરે ઘડિયાળ ની તરફ જોયું તો સાચેમાં છ વાગી ગયાં હતાં..જે સપનાંથી એ દોડી રહ્યો હતો એ કોઈ જુનાં વેરી બની કબીરની પાછળ પડ્યાં હતાં.

"મારી સાથે આ બધું શું થઈ રહ્યું છે એની ખબર જ નથી પડી રહી..મારે શીલા જોડે વાત કરવી પડશે તો જ મારાં મનને થોડી રાહત થશે."કબીર મનોમન બબડયો અને પછી શીલા સાથે વાત કરવા નીચે હોલની તરફ વધ્યો જ્યાં લેન્ડલાઈન ફોન પડ્યો હતો.

નીચે આવીને કબીરે લેન્ડલાઈનમાંથી શીલાનો નંબર ડાયલ કર્યો.ત્રણ-ચાર રિંગ વાગ્યાં બાદ શીલાએ કોલ રિસીવ કર્યો અને બોલી.

"બોલો મારાં પતિદેવ કેમ આજે આમ અચાનક કોલ કર્યો..?"

"અરે હસે મારી એક ની એક પત્નીને કોલ કરવા મારે કોઈની રજા લેવાની જરૂર પડશે..?"કબીરે પણ મજાકનાં સુરમાં કહ્યું.

"ના ના જનાબ..તમ તમારે ગમે ત્યારે મને કોલ કરી શકો છો..તમને મારાં પર પુરેપુરો હક છે..પણ આ તો જસ્ટ પૂછ્યું કે એમજ કોલ કર્યો હતો કે પછી કોઈ કામથી..?"શીલા બોલી.

"બસ એ તો.."શીલાનાં સવાલનાં જવાબમાં કબીર આટલું કહી અટકી ગયો.

કબીર નો ગંભીર થઈ ગયેલો અવાજ સાંભળી શીલા સમજી ગઈ કે કંઈક તો બન્યું હતું જે કબીર એનાંથી છુપાવી રહ્યો હતો.

"કબીર ક્યાંક ફરીથી તે પેલું સપનું તો નથી જોયું ને..?"શીલા એ મનમાં આવેલો સવાલ કબીરને પૂછી લીધો.

"હા શીલા,આજે ફરીવાર એજ સપનું આવ્યું..આજે ફરીવાર મેં કોઈ યુવતીને મદદ માટે ગુહાર લગાવતી જોઈ..આજે ફરીવાર મેં એ યુવકને તડપતો જોયો."કબીર વ્યગ્ર સ્વરે બોલ્યો પણ એને એ વાતનો ખ્યાલ રાખ્યો કે એનો અવાજ જીવાકાકા ના સાંભળે.

"કબીર તું આમ બેચેન ના થઈશ..તું વધારે પડતું તારાં મગજને જોર ના આપીશ નહીંતો તને ડિપ્રેશનની ગોળીઓ ખાવી પડશે અને લાસ્ટ ટાઈમ એ ગોળીઓનાં ઓવરડોઝ નાં લીધે તારે એડમિટ થવું પડ્યું હતું..તો આ વખતે પ્લીઝ તું સાચવજે."શીલા પર સામા પક્ષે થોડી ઢીલી પડી ગઈ હતી.

શીલાની નજર અત્યારે પોતે જ્યાં બેઠી હતી એ બેડરૂમની દીવાલ તરફ હતી..જ્યાં એનો અને કબીરનો લગ્ન સમયનો મોટો ફોટોગ્રાફ ટીંગાયેલો હતો.

"શીલુ,તું ચિંતા ના કર..એતો હું મેનેજ કરી લઈશ.બીજું બોલ કેવું ચાલે.."કબીરે શીલાનાં અવાજમાં આવી ગયેલી નરમાશ પારખીને વાત ને વાળતાં બોલ્યો.

"અહીં બધું all ok છે..તારાં નામે અઢી લાખનો ચેક આવ્યો હતો અક્ષર પબ્લિકેશનમાંથી તો એ આજે તારાં એકાઉન્ટમાં ભરી આવી."શીલા એ કહ્યું.

ત્યારબાદ કબીરે પોતે આજે ઠાકુર પ્રતાપસિંહ સાથે કરેલી મુલાકાતની વિગતે ચર્ચા કરી અને શીલાનાં NGO ની કામગીરી વિશે થોડાંક સવાલાત કર્યાં અને પછી કોલ કટ કર્યો.શીલા સાથે વાત કર્યાં બાદ કબીર હળવાશ અનુભવી રહ્યો હતો.

કબીર સાથે કોલ વિચ્છેદ કર્યાં બાદ શીલા એ પોતાની મોબાઈલની વોલપેપર માં રહેલ કબીર અને પોતાનો ફોટો જોયો અને બોલી.

"કબીર તારી જીંદગી ની એક એવી સચ્ચાઈ છે જે હું ઈચ્છવા છતાં તને નથી કહી શકતી.. કેમકે હું તને ખોવા નથી માંગતી.હે ભગવાન મને માફ કરજે."

                           *********

રાતે જમી પરવારીને જીવાકાકાનાં ત્યાંથી જતાં જ કબીરે નીચેનાં ફ્લોરનાં બારી-બારણાં ચેક કરી જોયાં. બધું યોગ્ય રીતે નિરીક્ષણ કરી લીધાં બાદ કબીર પોતાનાં રૂમમાં આવ્યો અને લેપટોપ ચાલુ કરીને ખુરશીમાં બેઠો.લેપટોપ પર કબીરે એ સાથે જ ટાઈપ કર્યું.

"અમાસ:the revange of soul.."

અને નીચે લખ્યું.

"પ્રસ્તાવના.."

એક લેખક તરીકે કોઈપણ પુસ્તકની પ્રસ્તાવના બહુ મોટો ભાગ ભજવતી હોય છે..આજકાલનાં વાંચકો પુસ્તકની સાથે પ્રસ્તાવના પણ વાંચતાં થઈ ગયાં છે એટલે પ્રસ્તાવનાનાં એક પેજમાં લેખકને પોતાની જુની પુસ્તકો અને પોતાનાં વિશે ટૂંકમાં પરિચય આપવાનો હોય છે અને એનાં પછી જે પુસ્તક અત્યારે વાંચકો વાંચી રહ્યાં છે એનાં વિષયવસ્તુ વિશે સંક્ષિપ્તમાં લખવું પડે છે..આ ઉપરાંત છેલ્લે વાંચકો તથા મદદગાર લોકોનો આભાર પણ માનવાનો હોય છે.

એક પ્રસ્તાવના ને પણ વ્યવસ્થિત મઠારીને લખતાં કબીરને બે-અઢી કલાક જેટલો સમય વીતી ગયો..લગભગ સાડા અગિયાર વાગે કબીર ને એકદમ પરફેક્ટ હોય એવી પ્રસ્તાવના લખવાનો સંતોષ થયો એટલે એ પોતાની બેઠક પરથી આળસ ખંખેરી ઉભો થયો અને નીચે જઈને ફ્રીઝમાંથી દુધનો મગ ભરીને ઉપર આવ્યો.

"હવે પ્રસ્તાવના લખાઈ ગઈ છે તો આગળ લખવાનું શરૂ કરું.."દૂધ પીધાં બાદ કબીરે પુનઃ આગળ લખવાનું શરૂ કર્યું.

કબીરે બહુ ધ્યાનપૂર્વક પોતાની બહુ અપેક્ષા ધરાવતી નોવેલ અમાસ નો પ્રથમ ભાગ લખવાનું શરૂ કર્યું.કોઈ પણ જગ્યાએ એક નાની અમથી ભૂલ કે ચૂક રહી જાય એવું કબીર નહોતો ઈચ્છતો એટલે પોતે તૈયાર કરેલાં પ્લોટ મુજબ જ વ્યાકરણ અને જોડણી ની કોઈ ભૂલ ના થાય એ રીતે કબીરે પોતાની નોવેલનો પ્રથમ અંક અતિ બારીકાઈથી લખવાનું શરૂ કર્યું.

રાતનાં બે વાગી ગયાં એટલે કબીર લગભગ પ્રથમ ભાગ પૂર્ણ કરવાની અણી પર આવી પહોંચ્યો હતો..રાત ની મદહોશી અને વાતાવરણની શીતળતા કબીર ને ઊંઘ ની ઊંડાઈ તરફ ખેંચી રહી હતી.

"હવે સુઈ જવું જોઈએ..કેમકે આમ અડધાં પડતાં મૂડમાં હું આગળનું લખવા નથી માંગતો.."કબીરે આટલું કહી પોતાનું લેપટોપ સ્વીચઓફ કર્યું અને પોતાનાં પલંગ પર સુવા માટે આડો પડ્યો.

કબીરે મનમાં આવેલાં વિચારોને મહાપરાણે રોકીને આંખો મીંચી..થોડીવારમાં જ કબીરને ઊંઘ આવી ગઈ.હજુ તો કબીરનાં ઊંઘે દસ મિનિટ માંડ વીતી હતી ત્યાં રોજની માફક થતાં પગરવનો અવાજ કબીરને કાને પડ્યો..આ પગરવની સાથે હવે કોઈની પાયલનો ઝણકાર પણ ધીરે-ધીરે સંભળાઈ રહ્યો હતો.

"પેલી ગઈકાલ વાળી સ્ત્રી જ પાછળ ફરતી હશે.."કબીર મનોમન આટલું બોલી પલંગમાં જ પડી રહ્યો.

એ જે કોઈપણ હતું થોડીવારમાં ત્યાંથી જતું રહેશે એમ વિચારી કબીર કોઈપણ હરકતમાં ના આવ્યો..પણ કબીરની રિવોલ્વર સાવચેતી માટે એનાં ઓશિકાની નીચે પડી હતી.

થોડીવારમાં એ બધાં અવાજો બંધ થઈ ગયાં એટલે કબીરને હૈયે ટાઢક વળી.એ યુવતી ત્યાંથી ચાલી ગઈ હશે એમ વિચારી કબીરે પોતાનું પાસું બદલ્યું અને એક ઊંડો શ્વાસ નાકમાં ભરી આંખો મીંચી.

અચાનક કબીરનાં કાને એક ગીતનાં શબ્દો સંભળાયા.. કોઈ પોતાનાં સુમધુર અવાજમાં ગીત ગાઈ રહ્યું હતું.

आ… ओ…..

तेरे संग प्यार मैं नहीं तोडना

चाहे तेरे पीछे जग पड़े छोड़ना

ओ…..

तेरे संग प्यार मैं नहीं तोडना

 

मांग मेरी शबनम ने मोती भरे

और नज़रों ने मेहंदी लगाई

मांग मेरी शबनम ने मोती भरे

और नज़रों ने मेहंदी लगाई

नाचे बिन ही पायलिया छलकने लगी

बिन हवा के ही चुनरी लहराई

आज दिल से हैं दिल आ जोडना

हो तेरे संग प्यार मैं नहीं तोडना

આ ગીત તો કબીરે ઘણીવાર સાંભળેલું હતું પણ અત્યારે આ ગીત ને જે કોઈ ગાઈ રહ્યું હતું એનાં અવાજમાં રહેલું દર્દ કબીરને પોતીકું લાગી રહ્યું હતું.આ અવાજ કબીરનાં મગજમાં રીતસર પડઘા પાડી રહ્યો હતો..પોતે આ સુંદર અવાજ પહેલાં પણ ક્યાંક સાંભળેલો હતો એવું કબીરને અંદરથી મહેસુસ થઈ રહ્યું હતું.

"કોણ આ ગીત ગાઈ રહ્યું છે..હું અવાજથી પરિચિત હોય એવું મને કેમ લાગે છે..?"પોતાનાં ભારે થઈ ગયેલાં માથાને બે હાથ વડે દબાવી કબીર બોલી રહ્યો હતો.

આ દરમિયાન હજુપણ એ સ્ત્રી અવાજમાં આ ગીત ગવાઈ રહ્યું હતું..આખરે ગીત નાં શબ્દોની સાથે આવી રહેલો તરબોળ કરી મુકતો લાગણીસભર અવાજ સાંભળી કબીર અનાયાસે જ પોતાનાં પલંગમાં બેઠો થઈ ગયો.કબીર નાં પગ અવાજની દિશામાં આપમેળે એને લઈ જઈ રહ્યાં હતાં જ્યાં એની જીંદગીનું સૌથી મોટું વિસ્મય એની રાહ જોઈને બેઠું હતું..!!

                         ★★★★★

વધુ આવતાં અંકમાં.

કબીર ની જીંદગી જોડે જોડાયેલ સચ્ચાઈ અને શિવગઢમાં શું થવાનું હતું એ જાણવાં વાંચતાં રહો આ હોરર સસ્પેન્સ નોવેલ રૂહ સાથે ઈશ્ક રિટર્ન નો નવો ભાગ.

જો તમે રેટિંગ ઓછું આપો તો એનો કોઈ વાંધો મને નથી પણ જોડે જોડે એમ કરવા પાછળનું કારણ લખો તો હું આગળ જઈને વધુ સારું લખવાનો પ્રયત્ન કરી શકું.અમુક વાંચકો સતત બધી નોવેલ વાંચ્યા બાદ પણ બીજાં વાંચકોથી વિપરીત ઉતરતી કક્ષાનું રેટિંગ આપે ત્યારે મનોબળ ને ધક્કો જરૂર લાગે છે..છતાં એમનો પણ આભાર કેમકે એ લોકો વાંચે તો છે.

માતૃભારતી પર મારાં મોટાભાઈ જતીન પટેલ ની શાનદાર નોવેલો ડેવિલ એક શૈતાન,આક્રંદ,હવસ,એક હતી પાગલ અને ચેક એન્ડ મેટ પણ વાંચી શકો છો.

 

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક

ડણક

અનામિકા

The haunted picture

સેલ્ફી: the last ફોટો...પણ વાંચી શકો છો.

                                   -દિશા.આર.પટેલ

 

***