Hawas-It Cause Death - 28 books and stories free download online pdf in Gujarati

હવસ :-IT CAUSE DEATH ભાગ-28

હવસ:-IT CAUSE DEATH-28

પ્રભાત પંચાલની હત્યા ની તપાસ હવે અનિકેત ઠક્કર પર આવીને ઉભી હતી..પોતાની પત્ની સાથે પ્રભાતનાં અનૈતિક સંબંધ ની જાણ થવાનાં લીધે કે પછી ઝેબા નાં એબોર્શન રિપોર્ટ નાં આધારે પ્રભાત દ્વારા બ્લેકમેઈલ કરાતો હોવાનાં લીધે અનિકેતે જ જેલીફિશ નું ઘાતક ઝેર આપી પ્રભાતનું કાસળ કાઢી નાંખવાની યોજના બનાવી હોવાનું અર્જુનને લાગી રહ્યું હતું.અર્જુન અનિકેત ની બેન્ક ડિટેઈલ કઢાવવાનું કામ નાયકને સોંપી, નાયકને ક્યાંક જવાનું કહી પોતે બીજી જગ્યાએ જવા માટે પ્રયાણ કરે છે.

નાયક ને હકીકતમાં અર્જુન પ્રભાત પંચાલનાં ઘરે તપાસ કરવા માટેનું જણાવે છે..અર્જુન ની આમ કરવા પાછળની ગણતરી હોય છે કે જો પ્રભાતનાં ઘરેથી એબોર્શન રિપોર્ટની કોપી મળી જાય તો એ અનિકેત ને એનાં લીધે બ્લેકમેઈલ કરતો હોવાની વાત મજબૂતાઈથી અદાલતમાં રજુ કરી શકાય.નાયક તથા અશોકને પ્રભાતનાં ઘરે જઈને તલાશી લેવાનું કામ સોંપી એ પોતે ઝેબાનાં ઘરની વાટ પકડે છે.

અર્જુન જ્યારે ઝેબા નાં ઘરે પહોંચ્યો ત્યારે એક યુવક એનાં ઘરે હાજર હતો..અર્જુન સમજી ગયો કે એ યુવક બીજું કોઈ નહીં પણ બુખારી નાં કહ્યાં મુજબ શાહિદ જ હતો.અર્જુન ને ઝેબા ઓળખતી હોવાથી એને અર્જુનને અંદર આવકારતાં કહ્યું.

"આવો સાહેબ કેમ અહીં આવવાની જરૂર પડી..?"

"અમારી તો જાત જ એવી છે કે અમે ગમે ત્યારે ગમે ત્યાં ટપકી પડીએ..અહીં આવ્યો હોઈશ તો જોડે આવવાનું કારણ પણ હશે જ."મૂછો પર તાવ દેતાં અર્જુન બોલ્યો.

અર્જુને ઘરમાં પ્રવેશતાં જ બધે નજર ઘુમાવી ને એ જોઈ લીધું કે ઘરમાં ઝેબા અને અનિતા સિવાય બીજું કોઈ નહોતું..સાથે સાથે બે વૃદ્ધ વ્યક્તિનાં ફોટોગ્રાફ દીવાલ પર લટકાવેલાં હતાં જેની નીચે એમનાં અવસાન ની તારીખ લખી હતી..જે પુરવાર કરતું હતું કે ઝેબા નાં અબ્બુ અને અમ્મી આ દુનિયામાં હયાત નથી..અને ઝેબા નાં અમ્મી જાહિદાબાનુ તો બે મહિના પહેલાં જ અવસાન પામવાનું અર્જુને નોંધ્યું.

"હા તો સાહેબ અહીં બેસો..હું તમારાં માટે ચા લઈને આવું.."શાહિદ જ્યાં બેઠો હતો એ સોફા પર બેસવાનું કહી ઝેબા રસોડામાં ગઈ.

આ દરમિયાન અર્જુને બે વસ્તુ નોટિસ કરી એક તો એ કે ઝેબા નાં ચહેરા પર પોતાને જોયાં પછી પણ કોઈ ડર ની રેખા નહોતી ઉભરી આવી જેનાં લીધે પ્રભાતની હત્યા વિશે એ કંઈપણ જાણતી ના હોવાનું અર્જુનને લાગ્યું..અને બીજી વાત હતી શાહિદ નું પ્રથમ આંખે ઓળખેલું કેરેક્ટર. અર્જુનને પ્રથમ નજરમાં શાહિદ એક સભ્ય વ્યક્તિ લાગ્યો હતો.

અર્જુને ઝેબા જ્યાં સુધી રસોડામાં હતી એ દરમિયાન શાહીદની સાથે ઉપરછલ્લી વાતચીતમાં એ શું કરે છે અને ક્યાં રહે છે એવી તમામ વાતો વાતવાતમાં જાણી લીધી હતી.

"લો સાહેબ ચા અને નાસ્તો.."દસેક મિનિટ બાદ ઝેબા એક ટ્રે માં નાસ્તો અને ચા લઈને હાજર હતી.

"આભાર.."ચા નો કપ લેતાં અર્જુન મૃદુ સ્વરે બોલ્યો.

ઝેબા અર્જુનની સામે ખુરશીમાં બેસતાં શાહિદ તરફ હાથ કરી બોલી.

"સાહેબ આ મારો મિત્ર શાહિદ છે.."

"મારે ઓળખાણ થઈ ચુકી છે શાહિદ ની સાથે."અર્જુન બોલ્યો.

"બોલો સાહેબ અહીં આવવાનું કોઈ ખાસ કારણ.."ઝેબા એ પુછ્યું.

ત્યારબાદ અર્જુને ઝેબા ને એનાં અને અનિકેત નાં સંબંધો વિશે તથા એને અનિકેત ને ત્યાં નોકરી કેમ મુકી એ વિશેનાં સવાલો કર્યાં.. અર્જુનનાં સવાલોનાં જવાબમાં ઝેબા એ બધું સત્ય જણાવી દીધું કે કઈ રીતે એ અનિકેત ની નજીક આવી અને કઈ રીતે એનાં અને અનિકેત ની વચ્ચે અફેયર શરૂ થયું.પોતે અનિકેતનાં બાળકની માં બનવાની હતી પણ અનિકેત દ્વારા એને ગર્ભપાત કરવા માટેનું દબાણ કરવામાં આવ્યું જેથી ઝેબા એ અનિકેત ને ત્યાં નોકરી મુકી દીધી હોવાનું જણાવ્યું.

"ચલો તમે મને જે કંઈપણ જણાવ્યું એની તો હું જાણકારી ધરાવતો હતો.તમે આ વિશે સંપૂર્ણ સત્ય જણાવ્યું એ વાત કાબિલે દાદ છે.પણ તમે જ્યાં ગર્ભપાત કરાવ્યો એ હોસ્પિટલમાંથી એબોર્શન રિપોર્ટ મેળવી પ્રભાત પંચાલે શું કર્યું એની ખબર છે..?"અર્જુને હવે મુદ્દાનો સવાલ પૂછ્યો.

"સાહેબ પ્રભાત પંચાલ દ્વારા એબોર્શન રિપોર્ટ કેમ નિકાળવામાં આવ્યો એની મને કંઈપણ ખબર નથી..અને બીજી વાત કે હું પ્રભાત પંચાલને ઓળખતી પણ નહોતી..હા અનિકેત ઠક્કરની ઓફિસમાં મેં એને બે-ત્રણ વખત જોયો હતો."ઝેબા અનિકેતનાં દરેક સવાલોનો મક્કમ મને જવાબ આપી રહી હતી.

"હવે છેલ્લો પ્રશ્ન તમારાં અને અનિકેત ઠક્કરનાં અફેયર વિશે પ્રભાત પંચાલ ને ખબર હતી..?"અર્જુને ઝેબા સામું જોઈને પુછ્યું.

અર્જુનનો સવાલ સાંભળી ઝેબા ગહન વિચારમાં પડી ગઈ..થોડું વિચાર્યા બાદ એ બોલી.

"હું પાકું તો ના કહી શકું કે પ્રભાત પંચાલ ને મારાં અને અનિકેતનાં સંબંધો વિશે ખબર હશે કે નહીં..પણ મેં જ્યારે પહેલી વખત પ્રભાત ને અનિકેત ઠક્કર ની સાથે જોયો એ દિવસ નાં બીજાં જ દિવસે અનિકેત નું મારી તરફનું વર્તન બદલાઈ ગયું હતું..ક્યાંક ને ક્યાંક એનું કારણ પ્રભાત જ હતો.."

"તમને ખબર હતી કે અનિકેત નાં લગ્ન થઈ ચુક્યાં છે છતાં એક પરણિત પુરુષ સાથે અનૈતિક સંબંધો બાંધવાનું પરિણામ તમારે નહીં પણ એક એવાં કુમળાં જીવે ભોગવવું પડ્યું જેને હજુ આ દુનિયા તથા દુનિયાદારી ની ખબર જ નહોતી.."જતાં જતાં અર્જુને સમજાવટનાં સુરમાં કહ્યું.

અર્જુનનાં ચાબખા જેવાં શબ્દો સાંભળ્યા બાદ ઝેબા શાહિદ ને વળગીને જોરજોરથી રડવા લાગી અને ડૂસકાં લેતાં બોલી.

"હે અલ્લાહ મારાં આ પાપ બદલ મને માફ કરજે.."

શાહિદ નો હાથ આ દરમિયાન અનાયાસે જ ઝેબા ને વીંટળાયેલો હતો જે એને હૂંફ આપવા કાફી હતો.

************

"ઝેબા સાચેમાં જ પ્રભાતની હત્યા વિશે કંઈપણ જાણતી નથી..એ બિચારી તો સમયનાં વમળમાં ફસાઈને અહીં સુધી પહોંચી ગઈ છે. આ પ્રભાત હતો જ એવો કે એની હત્યા ગમે તે આજે નહીં તો કાલે કરવાનું જ હતું."ઝેબાનાં ઘરેથી નીકળી પોતાની બુલેટ પર સવાર થતાં જ અર્જુન મનોમન બોલ્યો.

અર્જુન બુલેટ ને કીક મારવા જતો હતો ત્યાં નાયકનો કોલ આવ્યો.

"હા બોલ નાયક પ્રભાતનાં ઘરે એબોર્શન રિપોર્ટની કોપી મળી કે નહીં..?"ફોન ઉપાડતાં જ અર્જુને સવાલ કર્યો.

"ના સાહેબ અમે પ્રભાતનો આખો બેડરૂમ ચેક કરી લીધો પણ એ રિપોર્ટ ક્યાંય દેખાતો નથી.."નાયક એક શ્વાસમાં બોલી ગયો.

"એનો મતલબ કે અનિકેત પ્રભાતની હત્યા કર્યાં બાદ એ રિપોર્ટ ત્યાંથી લઈને ગયો હતો."નાયકની વાત સાંભળતાં જ અર્જુનનાં મોંઢેથી નીકળી ગયું.

"હવે આગળ શું આદેશ છે..?"નાયકે સવાલ કર્યો.

"હવે..તું અને અશોક પોલીસ સ્ટેશન પહોંચો અને ત્યાંથી તું ઘરે જઈ શકે છે..કાલે હું સવારે સીધો અનિકેત ઠક્કર નાં ઘરે પહોંચી જઈશ અને તું અનિકેત ની બધી બેન્ક ડિટેઈલ કઢાવી એનાં ઘરે આવી જજે..હું તને ઘરે જઈ એનાં કઈ કઈ બેંકમાં એકાઉન્ટ છે એની માહિતી whatsup કરું છું."નાયકને આગળ શું કરવાનું એની જાણકારી આપતાં અર્જુને કહ્યું.

"Ok સર.."નાયક ટુંકમાં બોલ્યો.

"ગુડ નાઈટ.. જય હિંદ"આટલું બોલી અર્જુને ફોન કટ કરી દીધો.

મોબાઈલ ફોન ખિસ્સામાં મુકી અર્જુને બુલેટ ને કીક મારી..આ સાથે જ ધમધમાટી બોલાવતું બુલેટ નીકળી પડ્યું અર્જુનનાં ઘરની તરફ.

*************

સવારે અનિકેત ઠક્કર પોતાની ઓફિસ જવા માટે તૈયાર થઈને ઠક્કરવિલાનાં પાર્કિંગ માં આવ્યો ત્યાં અર્જુન પોતાની બુલેટ પર સવાર થઈને ઠક્કરવિલાનો ગેટ વટાવી અંદર આવતો જણાયો.અર્જુન પર નજર પડતાં જ અનિકેત નાં ચહેરા પર થોડી ભયની રેખાઓ ઉભરી આવી અને એ ત્યાં જ પાર્કિંગ માં ઉભો રહી ગયો.

"ક્યાં ઉપડયાં mr. ઠક્કર..?"અનિકેત ની નજીક બુલેટ ઉભું રાખી એને બંધ કરી એનું સ્ટેન્ડ કરતાં અર્જુને સવાલ કર્યો.

અર્જુનનાં બોલવાનો અંદાજ વિચિત્ર હતો..જે પરથી અનિકેત આવનારી કોઈ નવી મુસીબત ની એંધાણી પારખી ગયો હતો..પોતાની જાત ને સ્વસ્થ કરતાં અનિકેત ચહેરા પર ઝુઠ્ઠી સ્મિત સાથે અર્જુન સાથે હસ્તધૂનન માટે હાથ લંબાવતાં બોલ્યો.

"અરે એસીપી અર્જુન અમારાં ઘર ની મુલાકાતે..આવો આવો.."

અર્જુને અનિકેત સાથે હાથ મિલાવતા કહ્યું.

"અરે બસ કામ એવું હતું કે આવવું પડ્યું.."

"પ્રભાતનાં કાતિલ વિશેની કોઈ જાણકારી મળી હોય એવું તમારાં હાવભાવ પરથી લાગે છે..?"અનિકેત બોલ્યો.

"હા,પ્રભાતનો કાતિલ કોણ છે એની ખબર મને પડી ગઈ છે અને એની ધરપકડ માટે તમારી મદદની જરૂર પડશે..તમે મારી મદદ માટે તૈયાર છો..?"અર્જુને વાત આગળ વધારતાં કહ્યું.

"અરે કેમ નહીં.. ચાલો અંદર જઈને બેસીએ..અને ત્યાં જ આગળની વાત કરીએ."અર્જુનની વાત સાંભળી અનિકેત થોડો અચરજ જરૂર પામી ગયો હતો..છતાં ગજબની એક્ટિંગ કરતો હોય એમ બોલ્યો.

આ સાથે જ અનિકેત અને અર્જુન મુખ્ય બિલ્ડીંગમાં પ્રવેશ્યાં અને હોલમાં આવીને બેઠાં.

"જાનકી જો તો ખરી કોણ આવ્યું છે..?"હોલમાં આવતાં જ અનિકેત ઉંચા સાદે બોલ્યો.

"કોણ છે..અરે એસીપી સાહેબ.."રસોડામાંથી બહાર નીકળતાં જાનકી બોલી.

"ઈન્સ્પેકટર સાહેબ પ્રભાતનાં કાતિલ વિશે ચર્ચા કરવા આવ્યાં છે.."જાનકી તરફ જોઈ અનિકેત બોલ્યો.

"અરે તો તો ઘણું સારું,જો હત્યારો પકડાઈ જાય તો પ્રભાતની આત્મા ને શાંતિ મળે."જાનકી અનિકેત ની બાજુમાં સોફા પર ગોઠવતાં બોલી.

"સાહેબ શું લેશો ચા કે બીજું કંઈ..?"વિવેકસભર સ્વરે અનિકેતે પૂછ્યું.

"બસ કંઈ નથી લેવું..હમણાં ઘરેથી ચા-નાસ્તો કરી ને જ નીકળ્યો છું.."નકારમાં માથું હલાવતાં અર્જુન બોલ્યો.

"હા તો હવે જલ્દી થી જણાવો કે પ્રભાતનો અસલી કાતીલ કોણ છે..?"જિજ્ઞાસા સાથે જાનકી બોલી.

"Mrs. ઠક્કર જેને પ્રભાત પંચાલની હત્યા કરી છે એનું નામ છે mr.અનિકેત ઠક્કર."અર્જુન દરેક શબ્દ છૂટો પાડતાં વેધક સુરમાં બોલ્યો.

"What.તમને ભાન છે કે તમે શું બોલી રહ્યાં છો..?"અર્જુનની વાત સાંભળી આવેશમાં આવી અનિકેત બરાડ્યો.

"અનિકેત ઠક્કર અવાજ નીચો રાખીને વાત કરો..હું જે બોલી રહ્યો છું એનું મને ભાન પણ છે અને કેમ બોલી રહ્યો છું એનું કારણ પણ.."આમ કહી અર્જુને પોતાની જોડે રહેલાં કાગળ અનિકેત ની સામે ત્રિપાઈ પર ફેંકતા કહ્યું.

અર્જુનનો બદલાયેલો સ્વભાવ જોઈ જાનકીએ અનિકેત નાં હાથ પર હાથ મૂકીને ઈશારાથી જ એને શાંત રહેવા કહ્યું.

"સાહેબ તમે આમ કેમ કહી રહ્યાં છો એનું કારણ જાણી શકું..?"શાંત સ્વરે જાનકી એ અર્જુનની તરફ જોઈને પુછ્યું.

જાનકી ની વાત સાંભળી અર્જુન પણ પોતાની જાત પર થોડો સંયમ લાવતાં બોલ્યો.

"તમારાં પતિ ને જ્યારે અમે પૂછ્યું કે પ્રભાત પંચાલનો છેલ્લો કોલ એમની પર કેમ હતો તો એમને કહ્યું કે એ તો પ્રભાતે અનિતાની ગેરહાજરીમાં દારૂ પીવા માટે ત્યાં આવવા કહ્યું હતું..પણ હું ત્યાં નહોતો ગયો.જ્યારે હકીકતમાં તેઓ ત્યાં ગયાં હતાં..જેનું પ્રુફ છે આ બોલપેનનું ઢાંકણું જે પ્રભાતની લાશ જોડે થી મળ્યું હતું.."એક પારદર્શક પ્લાસ્ટિક કોથળીમાં બંધ બોલપેનનું ઢાંકણું જાનકી નાં સામે મુકતાં અર્જુન બોલ્યો.

"Mrs. ઠક્કર આ પાર્કર ઇમ્યુનિટી પેનનું ઢાંકણ છે..આ પેન થી કિંમત ખૂબ મોંઘી હોવાથી અમુક લોકો ને જ આને વાપરવાનું પરવડે એવું છે.પ્રભાતનાં નજીકનાં લોકોમાં આ પેન ફક્ત એક જ વ્યક્તિ વાપરે છે જે છે અનિકેત ઠક્કર.."અર્જુનનો રુવાબદાર અવાજ હોલમાં પડઘાયો.

"આ વાત થી પુરવાર નથી થતું કે પ્રભાતની હત્યા મેં કરી હોય..અને કરી હોય તો એનું કોઈ કારણ તો હોવું જોઈએ ને.."અનિકેત અર્જુનની વાત પર દલીલ કરતાં બોલ્યો.

"એનું કારણ છે તમારાં અને તમારી સેક્રેટરી ઝેબા વચ્ચેનાં નાજાયઝ સંબંધ..mrs. ઠક્કર તમને એ જાણી નવાઈ લાગશે કે તમારાં પતિનાં ઝેબા જોડે શારીરિક સંબંધ હતાં..આ વાત ઝેબા સ્વીકારી ચુકી છે.આ સંબંધો થકી ઝેબા એક બાળકની માં બનવાની હતી.જેની જાણ થતાં અનિકેતે એનાં બાળકનું એબોર્શન કરાવી દીધું.પ્રભાતને અનિકેત અને ઝેબાનાં અફેયરની જાણકારી હતી અને એને પોતાની વગ વાપરી ઝેબા નો એબોર્શન રિપોર્ટ મેળવી લીધો..હવે એ કેમ મેળવ્યો હતો એતો તમે સમજી જ ગયાં હશો.?"અર્જુન બોલ્યો.

"તમે એવું કહેવા માંગો છો કે પ્રભાત અનિકેત ને પણ એબોર્શન રિપોર્ટની ધમકી આપી બ્લેકમેઈલ કરતો હતો..?"અર્જુનની વાત સાંભળી ચમકીને જાનકી બોલી.

"અનિકેત ને પણ એટલે એ બીજાં કોને બ્લેકમેઈલ કરતો હતો..?"જાનકી નાં સવાલ પર પ્રશ્નાર્થ ચિહ્નન લગાવતાં અનિકેતે પુછ્યું.

"Mrs. ઠક્કર આજે હવે બધું સત્ય જણાવી જ દો તમારાં પતિને..ખબર નહીં ફરીવાર આવો ચાન્સ મળે કે ના મળે.."અર્જુન બોલ્યો.

અર્જુન શું કહેવા માંગતો હતો એ વાત સમજી ચુકેલી જાનકી એ પોતાનાં પ્રભાત સાથેનાં રિલેશન ની,પ્રભાત દ્વારા પોતાને બ્લેકમેઈલ કરવાની અને પોતે એ રાતે પ્રભાતનાં ઘરે ગઈ હતી એની સંપૂર્ણ વાત અનિકેત ને કરી દીધી.

"જાનકી આ બધું થવાનું કારણ હું જ છું..મેં એનિવર્સરી ની રાતે તારી પર સ્ત્રી સાથેનાં સંબંધોથી મારી પુરુષ શક્તિ પાછી આવવાની વાત પર વધુ પડતું વિચારીને ઝેબા સાથે અફેયર કર્યું..ઝેબા સાથે હું એટલો એટેચ થઈ ગયો કે હું ભૂલી જ ગયો કે મારે આટલી સુંદર અને પ્રેમાળ પત્ની પણ છે..માફ કરી દે મને."જાનકી સામે હાથ જોડી અનિકેત રડતાં રડતાં બોલ્યો.

"તમે માફી ના માંગશો..તમે તો પુરુષ હતાં જ્યારે હું સ્ત્રી હતી..હવસમાં ભાન ભૂલી મેં પણ પાપ જ કર્યું છે.."અનિકેત ની તરફ જોઈને રડમસ ચહેરે જાનકી બોલી.

થોડો સમય સુધી જાનકી અને અનિકેત પોતપોતાની સફાઈ આપતાં રહ્યાં.. એમનાં મનમાં રહેલી બધી વાતો અને માનસિક પશ્ચાતાપ અશ્રુ બની વહી ગયો.એકબીજા સાથે જાણે અજાણે બેવફાઈ કરવાનું દુઃખ એમનાં ચહેરા પરથી સમજી શકાતું હતું.બંને એ એકબીજાની જે તે સમયની સમસ્યા અને સંજોગો ને ધ્યાનમાં રાખી એકબીજાને માફ કરી દીધાં.

"ચલો હવે બધું ક્લિયર થઈ ગયું હોય તો તમે સત્ય જણાવવાની તકલીફ લેશો..?"અર્જુને અનિકેત ભણી જોઈને કહ્યું.

"એસીપી,હું ગયો હતો પ્રભાતનાં ઘરે.અને તમે કહો છો એ વાત પણ સાચી છે..પ્રભાત મને ઝેબા નાં એબોર્શન રિપોર્ટને જાનકીને આપી મારાં અને ઝેબાનાં સંબંધો વિશેનું જણાવી દેવાની ધમકી આપી બ્લેકમેઈલ કરવા લાગ્યો..એ મારાં જોડે ટુકડે ટુકડે બે કરોડ રૂપિયા લઈ ગયો હતો.એની નવી ડિમાન્ડ હતી મારી દરેક કંપનીમાં એને 25% ભાગીદારી."

"હું એની આ બધી ડિમાન્ડ થી ત્રાસી ગયો હતો..એ રાતે એને મને ફોન કરી 25 લાખ રૂપિયા ની માંગણી કરી..હું એની આ વખતની માંગણી સ્વીકારવાનાં મૂડમાં નહોતો.એ રાતે હું પ્રભાતને મારી નાંખવાના ઈરાદે રાતે બાર વાગ્યાં આજુબાજુ એનાં ઘરે પહોંચ્યો..મેં એનાં બેડરૂમમાં જઈને જોયું તો ત્યાં પહેલેથી જ કોઈએ એની ગોળી મારી હત્યા કરી હતી..એનું ટીવી ઓન હતું અને મોબાઈલ ફોન તૂટેલી હાલતમાં ફર્શ પર પડેલો હતો.મેં ફટાફટ આ તકનો લાભ ઉઠાવી એબોર્શન રિપોર્ટની કોપી શોધવાની કોશિશ કરી..પાંચ મિનિટમાં તો મને એની બેડ પર રાખેલ તકિયા નીચેથી એ કોપી મળી ગઈ.હું એ કોપી લઈ ત્યાંથી નીકળી ગયો..અને રહી વાત આ બોલપેનનાં ઢાંકણ ની તો શોધખોળ દરમિયાન એ ક્યાંક રૂમમાં જ પડી ગયું હશે."

પોતાની વાત પૂર્ણ કરતાં અનિકેત બોલ્યો.

"એનો મતલબ કે તમે એમ કહો છો કે તમે પ્રભાત ની ઝેર આપી હત્યા નથી કરી..?"અર્જુન પ્રભાતની વાત પૂર્ણ થતાં એક સવાલ સાથે ઉભો હતો.

અનિકેત કંઈ બોલે એ પહેલાં નાયક હોલમાં આવી ચડ્યો અને પોતાની હાથમાં રહેલ ડોક્યુમેન્ટ અર્જુનનાં હાથમાં મુકતાં બોલ્યો.

"સાહેબ..mr. ઠક્કર ખોટું બોલી રહ્યાં છે કે એમને પ્રભાતની હત્યા નથી કરી..એમને જ પ્રભાતની ઝેર આપી હત્યા કરી છે જેનું પ્રુફ રહ્યું આ.."

"શું છે આ..?"અર્જુનનાં હાથમાં રહેલાં પેપર સામે જોતાં અનિકેત વિસ્મય સાથે બોલ્યો.

અર્જુને અનિકેત ની વાત નો જવાબ આપ્યાં પહેલાં નાયકે આપેલાં કાગળ ધ્યાનથી જોયાં અને પછી ચહેરા પર વિચિત્ર મુસ્કાન લાવતાં અનિકેત તરફ જોઈને બોલ્યો.

"મેં તમને કહ્યું હતું ને કે પ્રભાતની હત્યા કોઈ ઘાતક ઝેર આપી થઈ છે..પ્રભાત ની બિયરની બોટલ દાંત વડે તોડવાની સ્ટાઈલ થી પરિચિત હોવાથી એ ઝેર બિયર બોટલનાં બુચ પર લગાવ્યું હતું..એ ઝેર હકીકતમાં જેલીફિશ નાં શરીરમાંથી નીકળતાં દ્રવ્યોમાંથી બનતું રેર પોઇઝન છે..જે ફક્ત ન્યુઝીલેન્ડ ની sea hurbal કંપની જ વેંચે છે..આ પોઈઝન ઓનલાઈન પેયમેન્ટ કરી મંગાવવું પડે..આ રહી તમારાં એક્સીસ બેંકના ડેબિટ કાર્ડ ની ડિટેલ..જે દર્શાવે છે કે તમે જ આ ઝેર મંગાવ્યું હતું.."પોતાનાં હાથમાં રહેલ કાગળ અનિકેત નાં હાથમાં મુકતાં અર્જુન બોલ્યો.

અર્જુને આપેલ કાગળ વાંચતા પ્રભાતનાં કપાળ પર પરસેવો રેલાવા લાગ્યો..એને ડર ભરી નજરે જાનકી તરફ જોયું અને પછી અર્જુન તરફ જોઈને બોલ્યો.

"હા સાહેબ..મેં જ આ ઝેર ન્યુઝીલેન્ડ થી મંગાવ્યું હતું..પ્રભાત ની એ રાતે મેં જ ઝેર આપી હત્યા કરી હતી.હત્યા પણ એ રીતે કરી જેથી કોઈ મને પકડી ના શકે.પણ હવે તમારી જોડે બધાં સબુત હાજર છે તો તમે મારી ધરપકડ કરી શકો છો..હું કબુલ કરું છું કે મેં જ પ્રભાત પંચાલની હત્યા કરી છે.."પોતાનાં હાથ અર્જુન તરફ લંબાવતાં અનિકેત બોલ્યો.

અનિકેત ની વાત સાંભળી અર્જુને નાયક તરફ જોઈ એને અનિકેત ને હથકડી પહેરાવવાનો ઈશારો કર્યો..અર્જુનનો ઈશારો સમજી નાયકે અનિકેત ને હથકડી પહેરાવી દીધી અને એને લઈ જઈ જીપમાં બેસાડ્યો.

રડતાં રડતાં જાનકી અનિકેત ને છેક જીપ સુધી મુકવા ગઈ..જાનકી કંઈક કહેવા માંગતી હતી પણ એ બોલી નહોતી રહી એ અર્જુનને એનો ચહેરો જોઈ સમજાઈ રહ્યું હતું.

નાયક ની સાથે બીજાં બે કોન્સ્ટેબલ પણ મોજુદ હતાં.. એ બધાં ને અર્જુને અનિકેત ને લઈને પોલીસ સ્ટેશન જવાનું જણાવ્યું અને પોતે પણ બુલેટ લઈને એમની જીપ ની પાછળ પાછળ નીકળી પડ્યો.

અર્જુન પોલીસ સ્ટેશન પાછો ફર્યો ત્યારે લગભગ બપોરનાં બાર વાગવા આવ્યાં હતાં..અર્જુન અત્યારે પોતાની પ્રાઇવેટ કેબિનમાં બેઠો બેઠો રોજની માફક કંઈક વિચારી રહ્યો હતો.ઘણી બધી મહેનત બાદ પ્રભાત પંચાલનો હત્યારો પકડાયા બાદ પણ અર્જુનનાં મનને રાહત નહોતી થઈ.કંઈક તો હતું જે એની નજરોથી છૂટી ગયાનો અહેસાસ એને રહીરહીને થઈ રહ્યો હતો.અનિકેત ઠક્કર ની કબુલાત પછી પણ પોતાની ક્યાંક ચૂક રહી ગઈ હોવાનું અર્જુનને મનોમન લાગી રહ્યું હતું.

"અનિકેત ઠક્કર આટલી સરળતાથી પોતાનો ગુનો કબુલી લે એ વાતમાં મને માલ નથી લાગતો..એસીપી અર્જુન અસલી કાતીલ બીજું કોઈ છે.."અર્જુન પોતાની દાઢીનાં ઉપર ફૂટી પડેલાં વાળનાં ફણગા પર હાથ ફેરવતાં મનોમન બબડયો.

અર્જુને કંઈક ઝબકારો થતાં પોતાનો મોબાઈલ ફોન બહાર કાઢી નાયક ને કોલ કર્યો અને બોલ્યો.

"નાયક ફટાફટ અંદર આવ.."

★★★★★★★

વધુ આવતાં અંકે.

અર્જુન નાયકને શું કામ સોંપવાનો હતો..??અર્જુનનો શક સાચો હતો કે પછી ખોટો...??પ્રભાતે પોતાનો ગુનો સરળતાથી કેમ કબુલી લીધો હતો..??પ્રભાતની હત્યાની તપાસ આખરે કેવો નવો વળાંક લેશે..??એ જાણવા વાંચતાં રહો આ નોવેલ હવસ નો નવો ભાગ. આ નોવેલ અંગેના રિવ્યુ 8733097096 whatsup કરી પર આપી શકો છો.

તમે પણ આગળ વધતી આ સસ્પેન્સ નોવેલ હવસ પર તમારાં પ્રતિભાવ આપી શકો છો..સાથે સાથે તમારાં મગજને કસીને કાતિલ કોણ છે એ પણ શોધવાનો પ્રયાસ કરો અને મને જણાવતાં રહો કે તમારાં મતે પ્રભાતનો હત્યારો કોણ છે..?

તમે માતૃભારતી પર મારી નાની બહેન દિશા પટેલની રચનાઓ જેવી કે રૂહ સાથે ઈશ્ક, અનામિકા,ડણક,દિલ કબુતર,હોન્ટિંગ પિક્ચર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

માતૃભારતી પર આ સિવાય વાંચો મારી અન્ય નોવેલ..

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

~જતીન.આર.પટેલ (શિવાય)