Potu ane tadipaar books and stories free download online pdf in Gujarati

પોતું અને તડીપાર

                     પોતું

       અચાનક દરવાજો ખખડ્યો. પોતું મારતી અનિકા સફાળે બારણે આવી. જોયું તો અનંત દરવાજો ખોલી, એક પગ ઘરમાં મૂકીને અંદર આવવાની તૈયારી કરતો જણાયો.
       જાણે પોતાનું સર્વસ્વ વેરવિખેર થઈ જવાનું હોય બાઘી બનીને અનિકા બોલી,'અરે રે! માંડ લગાવેલું પોતું સહેંજમાં બગાડી નાખશો! ખબર નથી પડતી? આમ જ શું ચાલ્યા આવો છો? જરાવાર બહાર ઊભા રહો હવે.'
        'પરંતું મને..!'
         'અરે રે'વા દો પણ ને બણ. થોડીવાર બહાર ઓટલે બેસો ને!  થોડીવાર બહાર ઊભા  રહેશો તો કંઈ થઈ નહી જવાનું!' કહેતા અનિકાએ દરવાજો વાસી દીધો!
અને છાતીમાં ઉપડેલા દુ:ખાવાને દબાવતો અનંત બાકીના શબ્દો ગળામાં જ દાબીને બહાર ઓટલે બેસી ગયો.
       પોતું પૂરું કરીને  અનિકા ઝડપથી દરવાજો ખોલીને પલંગ પર રાખેલા કપડા સમેટવા લાગી. ઘડીક રહીને એને થયું કે અરે હું અનંતને પાણી આપવાનું વીસરી જ ગઈ! એ સફાળે ઊભી થઈ. પાણીનો પ્યાલો લઈ બેઠકખંડમા આવી. અનંતને ન જોતા એ ' આનેય ભઈ ગજબ છે હો, બે મિનિટ શું બહાર ઊભા રહેવાનું કીધું ને ભાઈ સાહેબ તો રિસાઈ ગયા!' એવું મનમાં બબડતી બારણે આવી. 
   એણે જોયું તો અનંત હ્રદયરોગના હુમલાથી મૃત્યુને ભેટી પડ્યો હતો.

                 *       *      *

                      ઠંડી
         શિયાળાની મોસમ પૂરબહારમાં જામી હતી. હાડ થીજાવી નાખે એવી ઠંડીએ પ્રચંડ પોત ફેરવવા માંડ્યું હતું. સૂસવાટા મારતો પવન કાનના પડદાને ચીરી નાખતો હતો.
        એવામાં ચાર વાગ્યે હું અમદાવાદના કળુપુર રેલવે સ્ટેશને ઊતર્યો. લાકડાસમું શરીર લઈને હું એક બાંકડા પર ધ્રુજતો બેઠો હતો.
       હું સૂના બાંકડા પર આડો પડ્યો. ઘડીક રહીને બે માણસો આવીને મારી બંન્ને પડખે બેસી ગયા. મને થોડી હુંફ મળવા લાગી.
      એટલામાં આઘેથી કોઈકના કણસવાનો અવાજ કાને ઊતર્યો. મે એ તરફ નજર ફેરવી. આછા અંધકારમાં કોઈ ટૂંટિયાવાળીને ઠંડીથી ઠુંઠવાઈ રહ્યું હતું. હું ઊભો થયો. એ તરફ જવા પગ ઉપાડ્યા. એટલામાં મારી જમણી બાજુની ફૂટપાથ પરથી એક આદમી ઊભો થયો.  એણે ઓઢેલા બે ઝીર્ણ ધાબળામાંથી એક ધાબળો એ કણસતી વ્યક્તિને ઓઢાડી આવ્યો.

*     *      *


મેં આજસુધી હંમેશા પત્નીને જ ચાહી છે, પરંતું આપને જોયા પછી આપના તરફ ઢળી જવાયું છે. ઈજાજત આપો તો આપનો પ્રેમ પામીને ધન્ય થઈ જાઉં???
અને એને ઉત્તર મળ્યો:" જે પત્નીનો ન થયો એ મારો શું થવાનો હતો?" એણે નકારમાં હોઠ મરડી ચાલતી પકડી.

"અરે માની જાઓ.." એણે બૂમ પાડી.
"ના, મારાથી એ હરગિજ નહી બને!"
"કોઈ સંજોગોમાં?"
"ના, હું મારા પતિને દગો ન આપી શકું!"
"ઓકે, તમારી આંખે હવે ક્યારેય નહીં ચડું!"
"તારી મરજી."
અને ત્રીજા દિવસે એ કુટણખાનેથી પકડાઈ!


*   *   *


લવમેરેજ

પણ એણે પ્રેમલગ્ન કર્યા એમાં વાંધો શું?
કેમ વળી? એણે સમાજના બંધનનું ઉલંઘન કર્યું છે!
બસ, એનો એટલો જ વાંક ને?
હાં..!
સમાજને એની એટલી પરવા હતી તો ક્યાંક કો'કની છોકરી અપાવવી હતી ને?
એ માટે લાયક હોવું પડે!
વાહ! જબરો છે સમાજ હો! કોઈ કુંવારું ભટકે તો આબરું નથી જતી ને કોઈ પ્રેમ લગ્ન કરીને સંસાર માંડે ત્યારે આબરું જાય છે?
'ગમે તેે, એણે ગુનો કર્યો છે. સજા તો મળશે જ!'

*  *  *


તડીપાર

રાતભર એ ઊંઘી શક્યો નહી.  એના હૈયામાં ઉમળકાભેર હર્ષ ઊભરાવા માંડ્યો હતો. "હાશ! કાલે હું ઘેર જઈશ!" ઊર્મિભર્યા આવા અસંખ્ય લખલખા એને અપાર ઉમંગે નવડાવી ગયા. આનંદ આંસું બનીને નીતરવા લાગ્યો. 
        ઘેર જવાના અખંડ અરમાનોમાં એ એના કૃત્યનેય વીસરી ગયો. દિવસ ખરીદીમાં વીતાવ્યો અને રાત ઉજાગરામાં!
ભરભાંખળું થયું હતું. સરસામાન લઈને એ સ્ટેશને આવ્યો. પોતીકું બની ગયેલું અજાણ્યું શહેર અને ઘર છોડતા ગળે ડૂમો ભરાઈ આવતો હતો.  કિન્તું ઘેર જવાનો ઉમંગ વતન ભણી ખેંચી જતો જણાયો.
અવની પર ધીરે ધીરે સૂર્યના કિરણો ચોતરફ રેલાઈ રહ્યાં હતાં. એણે બાંકડા પર બેેઠક જમાવી. એની પડખે બેઠેલ એક જણ છાપું વાંચી રહ્યું હતું. એને છાપું વાંચવાની આદત તો નહોતી જ! પણ ક્યારેક એમાં ઊડતી નજર નાખી લેતો હતો. એવામાં સહસા એની નજર એક જાહેરખબર પર પડી. એનું હૈયું જાણે ધબકતું અટકી ગયું!  આંખો વરસી પડી. ઝળઝળિયાભરી નજરે એણે જાહેરાત વાંચી: "પ્રજાજોગ જાહેર ખુલાસો- અમારા પુત્ર હતા એવા મરણિકલાલને આજથી તડીપાર જાહેર કરવામાં આવે છે. આજથી અમારે એની સાથે કોઈ જ નાતો નથી. સૌ સગાવહાલા, લાગતા-વળગતાઓએ અમારા નામે એની સાથે કોઈપણ જાતનો વ્યવહાર રાખવો નહીં!"
 બરફ ઓગળે એમ એનો ઉમંગ ઓસરી પરવાર્યો. હર્ષ આંસુ બનીને ગાલને વાટે રેલવેના પાટે ચડ્યો. આજ સુધી માંડ માંડ બચાવીને રાખેલું જીગર વેરવિખેર બની ગયું! 
    જીંદગીની એક ખતરનાક ખતા કેવાં કેવાં રવાડે ચડીને અનેકના જીવન કેવાં વેરાન બનાવે છે એ સમજાતા સાતેય ભવ સૂઝી આવ્યા.
*
       એક બાળકનો બાપ હતો ને એણે ગામની જ એક યુવતી સાથે રંગેચંગે અફેર કર્યું હતું. આવતા દિવસોમાં યુવતીને લઈને ફરાર થઈ ગયો! અને એની કારમી લોહિયાળ સજા યુવતીના પરિવારે મરણિકના કુંટુંબને આપી.