Bhedi Tapu - Khand - 3 - 5 books and stories free download online pdf in Gujarati

ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 5

ભેદી ટાપુ

ખંડ ત્રીજો

(5)

છ ચાંચિયા

આમ, ટોરપીડોને કારણે વહાણ ડૂબવાનો ભેદ ઉકેલ્યો. લડાઈમાં ટોરપીડો વાપરવાનો પ્રસંગ હાર્ડિંગને આવ્યો હતો. ટોરપીડો ભયંકર શસ્ત્ર હતું. તેની સંહારક શક્તિ અસાધારણ હતી. લોઢાના ભૂંગળામાં અતિશય સ્ફોટક પદાર્થો ભરેલા હોય. લાકડાનું વહાણ તો શું, ગમે તેવી મજબૂત લોઢાની બનેલી આગબોટના પણ ટોરપીડો ફૂરચેફૂચા ઉડાવી દે!

હા, બધો ખુલાસો થઈ ગયો, પણ ટોરપીડો છોડ્યો કોણે? --- આ પ્રશ્નનો જવાબ મળવો બાકી હતો.

“મિત્રો, જૂઓ” હાર્ડિંગ બોલ્યો. “આ ટાપુ પર કોઈ રહસ્યમય માવની વસે છે, એમાં શંકા નથી. બે વર્ષમાં જે વિચિત્ર બનાવો બન્યા તે આયર્ટન જાણે માટે કહું છું. આ આપણા હિતેચ્છું મદદગારે આપણને અનેકવાર ખરે ટાણે મદદ કરી છે. એ માવનીમાં અજોડ શક્તિ હશે; તે વિના આવાં કામ થઈ શકે નહીં. આપણા સૌ તેના આભારી છીએ. હું બલૂનમાંથી પડ્યો તે વખતે તેણા મારો જીવ બચાવ્યો છે. શીશામાં પત્ર નાખીને આપણને ટેબોર ટાપુ જવા માટે પ્રેરનાર પણ એ જ છે. એ રીતે આયર્ટન પણ તેના ઋણી છે. પેટી પણ તેણે મોકલી અને તાપણું પણ તેણે જ સળગાવ્યું. તેણે જ ટોરપીડોથી ચાંચિયાના વહાણને ડૂબાડી આપણને માનવીનો હાથ રહેલો છે. એ માનવી ગમે તે હોય, આપણેતેના ઉપકારના ભાર તળે દબાયેલા છીએ. એક દિવસ આપણે એ ઉપકારનો બદલો જરૂર વાળી દઈશું.”

“હા, તમારી વાત ખરી છે, કપ્તાન હાર્ડિંગ!” સ્પિલેટે જવાબ આપ્યો; “આ માનવી લગભગ સર્વશક્તિમાન લાગ છે. ગ્રેનાઈટ હાઉસના કૂવા દ્વારા એ આપણી યોજનાઓથી પરિચિત રહે છે. તેણે જ ડ્યુગોંગને માર્યું ને ટોપને બચાવ્યો.”

“તેની આવી અસાધારણ શક્તિ પાછળ ક્યું રહસ્ય છે?” હાર્ડિંગ બોલ્યો; “પણ જો એ માનવી મળી જાય, તો રહસ્ય આપોઆપ ઉકેલી જાય.”

“માલિક,” નેબે કહ્યું, “ગમે તેટલી શોધ કરવા છતાં એ માનવી આપણને જડવાનો નથી; અને જડશે તો એની પોતાની મરજીથી.”

“આમ છતાં,” સ્પિલેટ જવાબ આપ્યો, “આપણા હિેતેચ્છુની શોધ કરવી એ આપણી ફરજ થઈ પડે છે.”

“મને એકવાર તેને રૂબરૂ મળવાની ઈચ્છા છે.” ખલાસી બોલ્યો. “એ માણસ રૂપાળો હશે; ઊંચો હશે; એને સુંદર દાઢી હશે; મોટી મોટી આંખો હશે.”

“આયર્ટન તમે શું માનો છે?” હાર્ડિંગે પૂછ્યું.

“હું શું કહું?” આયર્ટને કહ્યું, “મને જંગલી જાનવરમાથી માણસ બનાવવામાં એમનો ફાળો છે. હું એ માનવીનો સદાયે ઋણી છું.”

ચર્ચાને અંતે નક્કી થયું કે, શક્ય તેટલી ઝડપે એ રહસ્યમય માનવીની શોધ કરવી; અને લીંકન ટાપુના એકએક પ્રદેશની શોધખોળ કરવી.

થોડા દિવસો સુધી બધી ઘાસની સૂકવણી અને પાકની લણણીના કામમાં ગૂંથાયા. બધાં કામમાંથી પરવારીને પછી નિરાંતે ટાપુની શોધખોળ કરવા નીકળવું એવી સૌની ઈચ્છા હતી. ગ્રેનાઈટ હાઉસમાં જગ્યાની કોઈ તંગી ન હતી. તે એક મોટા ગોદામમાં ફેરવાઈ ગયું હતું. તેમાં બધી સામગ્રી પદ્ધતિસર ગોઠવેલી હતી. હથિયારો, સાધનો, વધારાનાં વાણસો-બધી જ વસ્તુની વ્યસ્થિત રીતે જાળવણી થતી હતી.

વહાણમાંથી મેળવેલી ચાર તોપ ખલાસીની ઈચ્છા પ્રમાણે ગ્રેનાઈટ હાઉસની બારીઓમાં ગોઠવવામાં આવી. હવે હાર્ડિંગ અને તેના સાથીઓની રજા વગર દરિયાકાંઠે કોઈ વહાણ લાંગરી ન શકે.

8મી નવેમ્બરે તોપોની અજમાયશ કરી જોઈ, તોપના ગોળા કેટલે દૂર સુધી પહોંચે છે તે જોવાની બધાની ઈચ્છા હતી.

પેનક્રોફ્ટ તોપ દાગવા માટે તૈયાર ઊભો. હાર્ડિંગે નિશાની કરી. તેણે તોપ ફોડી, નાનકડા ટાપુને ઓળંગીને તોપનો ગોળો દરિયામાં પડ્યો. કેટલે દૂર પડ્યો તે ગણી શકાયું નહીં.

બીજી તોપ ત્રણ માઈલ દૂર ખડકો સામે તાકી, તોપ ફૂટી અને ખડકના ફૂરચેફૂરચા ઊડી ગયા. આ વખતે નિશાન હર્બર્ટે લીધું હતું.

ત્રીજિ તોપ અખાતના પાછલા ભાગ તરફ તાકીને ફોડી. તેનો ગોળો ચાર માઈલ દૂર રેતીમાં પડ્યો.

ચોથી તોપ હાર્ડિંગે દાગી. આ વખતે થોડો વધારે દારૂગોળો ભરવામાં આવ્યો. એ ગોળો પાંચ માઈલ દૂર ભૂશિર પાસે પડ્યો. તોપ ફૂટવાનો ભારે અવાજ થયો.

“આપણે આ પ્રયોગ ન કર્યો હોત તો સારું હતું!” ઈજનેરે કહ્યું.

“હવે પેલા છ નાલાયકો છૂટ્ટા ફરે છે તેનું શું કરવું છે?” ખલાસીએ પૂછ્યું. “તો આપણાં ખેતરો અને પશુશાળાને ખેદાન મેદાન કરી નાખશે એવો મને ભય છે. આ ચાંચિયાઓ હિંસક-જેગુઆર છે, તેમને તો ખતમ કરી નાખવા જોઈએ. તમે શું કહો છો. આયર્ટન?”

પેનક્રોફ્ટે સીધો જ પ્રશ્ન આયર્ટનને પૂછ્યો. હાર્ડિંગને અફસોસ થયો. આયર્ટનનો ચહેરો ઝાંખો પડી ગયો. તે જવાબ આપવામાં જરા અચકાયો. પછી તેણે નમ્રતાથી જવાબ આપ્યો.

“એકવાર હું પોતે જ એવો હિંસક જેગુઆર હતો, મિ.પેનક્રોફ્ટ. મને બોલવાનો અધિકાર નથી.”

આટલું બોલી ધીમે પગલે તે ચાલ્યો ગયો.

પેનક્રોફ્ટને પોતાની ભૂલ સમજાઈ.

“હું યે કેવો ગધેડો છું!” ખલાસીએ દિલગીરી સાથે કહ્યું. “હવે આયર્ટનને દુઃખ થાય એવું હું કદી નહીં બોલુ, પણ આ ચાંચિયાઓને તો વીણી વીણીને મારી નાખવા જોઈએ.”

“જુઓ પેનક્રોફ્ટ,” હાર્ડિંગે જવાબ આપ્યો. “ જ્યાં સુધી તેઓ કોઈ શત્રુતાભર્યું પગલું ન ભરે ત્યાં સુધી તેમના પર હુમલો કરવો મને માનવતાની દષ્ટિએ યોગ્ય લાગતું નથી. કદાચ તેમને પસ્તાવો થાય!”

“એમને પસ્તાવો થાય?” ખલાસીએ પૂછ્યું.

“હા, પેનક્રોફ્ટ,” હર્બર્ટે જવાબ આપ્યો. “ આયર્ટનનો વિચાર કરો. એ ફરી સદાચારી માણસ બન્યા છે.”

પેનક્રોફ્ટે બધા સાથીઓ સામે જોયું. બધા હાર્ડિંગના મતને મળતા હતા.

“બધા મારાથી વિરુદ્ધ છો!” પેનક્રોફ્ટ બોલ્યો. “તમે બધા એ હરામખોરો તરફ ઉદાર બનવા માગો છો! ભલે, પણ એટલું ધ્યાન રાખજો કે આપણે પસ્તાવાનો વારો આવશે.”

“પેનક્રોફ્ટ,” ઈજનેરે જવાબ આપ્યો.“તમે હંમેશાં મારી સલાહને અનુસર્યા છો; એક વધુ વખત નહીં અનુસરો?”

“ભલે,” પેનક્રોફ્ટે કહ્યું. “હું તમારી સલાહ પ્રમાણે વર્તીશ.”

“તો પહેલાં આપણા પર હુમલો ન થાય, ત્યાં સુધી આપણે તેમના પર હુમલો નહીં કરીએ.”

આ રીતે ચાંચિયા સાથે વર્તવાનું નક્કી થયું. તેઓ સામો હુમલો કરવાના ન હતા; પણ સાવધ રહેવું જરૂરી હતું. કદાચ તેમને પસ્તાવો થાય અને તેઓ નવું જીવન શરૂ કરે ટાપુની પરિસ્થિતિ જોતાં આ ચાંચિયાઓના હિતમાં હતું. ગમે તેમ પણ માનવતાની દષ્ટિએ રાહ જોવી જરૂરી હતી.

હાર્ડિંગ અને તેના સાથીઓ હવે ટાપુ પર બીક વગર ફરી શકતા નહીં. પહેલાં તો અહીં તેમને એકલાં જંગલી જાનવરોનો જ ભય હતો, પણ હવે છ નાસી છૂટેલા કેદીઓ--જે જંગલી જાનવરો કરતાં પણ ક્રુર હતા; તેઓ ટાપુ પર ફરતા હતા. આ એક ગંભીર બાબત હતી. ટાપુની સલામતી જોખમાઈ ગઈ હતી. કંઈ વાંધો નહીં. તેમનું આ વલણ સાચું ઠરશે? એની તો હવે પછી ખબર પડશે.

***