Blind Game - 16 Masoom Chitkaar books and stories free download online pdf in Gujarati

બ્લાઇન્ડ ગેમ - ૧૬ માસૂમ ચિત્કાર

બ્લાઇન્ડ ગેમ

(સસ્પેન્સ-રોમાંસ-થ્રિલર નવલકથા)

(પ્રકરણ-૧૬ : માસૂમ ચિત્કાર)

--------------------

લેખક : ધર્મેશ ગાંધી

વોટ્સઅપ નંબર : 91064 80527

ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com

-----------------------

(પ્રકરણ-૧૫-માં આપણે જોયું કે...

આગલે દિવસે જ પોલીસ-સ્ટેશનમાંથી રિહાઈ મળી જતાં કુરેશી અચાનક ગાયબ થઈ જાય છે. એમને શોધતા નવ્યા-અરમાન-અર્પિતા દાંડીના દરિયાકિનારા તરફના એક નિર્જન મકાન સુધી આવી પહોંચે છે. દીવાલ ઉપર જામેલા લોહીના ડાઘ જોઈને કુરેશીની નજર સમક્ષ પોતાનો કષ્ટકાળ તથા નરગીસ પુનર્જીવિત થઈ ઊઠે છે. અને ઓચિંતી જ આવી ચઢેલી પોલીસ પલટન દ્વારા એમને ઇન્સ્પેકટર જસપ્રીત સિંઘના કતલના ઈલ્ઝામમાં ગિરફ્તાર કરી લેવામાં આવે છે...

હવે આગળ...)
‘તમને ઇન્સ્પેકટર જસપ્રીત સિંઘના કતલના ઈલ્ઝામમાં ગિરફ્તાર કરવામાં આવે છે, મિ. કુરેશી!’ ઇન્સ્પેક્ટરનો ઘોઘરો અવાજ ગૂંજયો.

‘કતલ..? ઇન્સ્પેકટર જસપ્રીત...? પણ, હું તો...’ કુરેશીએ કેફિયત આપવાની કોશિશ કરી.

‘તમારે જે કંઈ કહેવું હોય એ અદાલતમાં કહેજો. અમારી પાસે તમારા નામનો અરેસ્ટ-વોરંટ છે!’ ઇન્સ્પેકટરના ઈશારે પોલીસનો રસાલો કુરેશીને ગિરફ્તાર કરીને સરકારી વાહન ભણી આગળ વધી ગયો...

અરમાન, અર્પિતા તથા નવ્યા માત્ર દિગ્મૂઢ બનીને કુરેશીને ગિરફ્તાર થઈને જતા જોઈ રહ્યાં. ન તો કશું પણ એમના હાથમાં હતું કે ન કશું એમના કદમાં. મધરાતનો ગંભીર સૂનકાર તો છવાયેલો જ હતો, એની સાથે હવે અસમંજસભરેલી અટકળો પણ ઉપસ્થિત થઈ ચૂકી હતી, ખાસ કરીને અરમાન-અર્પિતાના દિલોદિમાગમાં... ઇન્સ્પેક્ટર જસપ્રીત સિંઘનું કતલ કુરેશીએ કર્યું? કર્યું તો ક્યારે કર્યું? કેવી રીતે કર્યું? અને શા માટે..? વળી, ષડ્યંત્ર તો સી.એમ. સાહેબના મર્ડરનું રચાયું હતું! તો શું એ નેકદિલ ચીફ મિનિસ્ટરની જેમ જ આ કોઈ ભલા ઇન્સ્પેક્ટર સિંઘ પણ..? કેટલાં નિર્દોષ જીવોની એ કુરેશી આમ કબર ખોદશે? ન જાણે કોણ-કોણ આ જલ્લાદ કુરેશીના આતંકનો ભોગ બન્યા હશે? સવાલો અનેક હતા, અને મૂંઝવણ અપાર...

‘દરેક મૂંઝવણનો ઉકેલ મોસ્ટલી આપણી સામે જ હોય છે!’ જાણે કે અરમાનનું તાંડવ કરતુ મન નવ્યાએ વાંચી લીધું હોય એમ એણે અરમાનને ઉદ્દેશીને કહ્યું, ‘સામેની દીવાલ ઉપર અંકિત થયેલો ઉકેલ જુઓ...’ સાથે પોતાની આંખોમાં પળવાર માટે આછી ઉદાસી આંજી દીધી. પરંતુ, ન તો એમાં અરમાનને કંઈ સમજ પડી કે ન તો અર્પિતાને કોઈ ગતાગમ! બંને જણ એ દીવાલ તરફ તાકી રહ્યાં જ્યાં ક્યાંક ક્યાંક લોહીના ઘટ્ટ ડાઘ સૂકાઈને કાળાશ પકડી ચૂક્યા હતા. એ ડાઘ પાછળનો ઈતિહાસ ફંફોસવા માટે બંને જણ મથી રહ્યાં!

‘ખંડેર જેવી બિસ્માર હાલતનું આ ઘર પણ હઝરત કુરેશીનું જ છે; ઘરની આ દીવાલ પણ કુરેશીની જ છે; અને દીવાલ પર પડેલા લોહીના આ ધબ્બા પણ કુરેશીના જ!’ નવ્યાની આંખોના ખૂણે ભીનાશ વ્યાપી ચૂકી હતી અને ગળે ડચૂરો!

‘મને આજે પણ એ ઢળતી સાંજ યાદ છે...’ નવ્યા એક વર્ષ પાછળના અતીતમાં સરી પડી. નજરમાં હંમેશ માટે કેદ કરીને રાખેલું એ દ્રશ્ય એના હોઠ ઉપરથી ઉછાળા મારતું વર્તમાનમાં ફેલાઈ ગયું, ‘ત્રીસી વટાવી ચૂકેલી અને અત્યંત દેખાવડી એવી નરગીસ એક ફ્રીલાન્સ ન્યુઝ-રિપોર્ટર હતી. સત્તાપ્રચાર માટે દક્ષિણ ગુજરાતની સફરે નીકળેલા સી.એમ. જયારે સર્કિટહાઉસમાં રાતવાસો કરવા માટે રોકાયા હતા, ત્યારે નરગીસને એમનો એક ઇન્ટરવ્યુ લેવાની તક સાંપડી હતી. એ ઇન્ટરવ્યુ દરમ્યાનની રજેરજની માહિતી નરગીસે મને વર્ણવી હતી...’ નવ્યા અટકી. એક ઊંડો શ્વાસ ભર્યો. એની નજર સમક્ષ ફરી એક વાર નરગીસની કથની ચિત્રપટની માફક જીવંત થઈ ઊઠી...

સ્પેશિયલ કેસના ઇન્ટરવ્યુ તરીકે નરગીસને સી.એમ.ના શયનખંડમાં પ્રવેશ અપાયો.

‘વેલકમ, મિસ...’ સી.એમ. હૃષિકેશ મહેતાએ પોતાની આંખોમાં એક ધારદાર ચમક આંજીને પોતાના હોઠ ઉપર જીભ ફેરવતા કહ્યું. એમની આંખો નરગીસના નાજુક બદનના વળાંકોને માપી રહી.

‘નરગીસ... ફ્રીલાન્સ ન્યુઝ-રિપોર્ટર, નરગીસ કુરેશી!’

‘પૂછો, દિલ ખોલીને... હું પણ આજની રાત ખૂલવા માટે બેતાબ છું!’ હૃષિકેશ મહેતાએ ગાંધીના ગુજરાતમાં એક ગૌરવભરી અદાથી વ્હિસ્કીની બોટલ ખોલતા કહ્યું. એમની આંખોમાં શરાબ સાથે નરગીસના શબાબનો નશો ડોકાવા માંડ્યો હતો.

‘જી, સર... મહિલા-સશક્તિકરણ માટે આપના વિચારો...’ નરગીસે ડ્રિન્ક્સની વાસથી ગૂંગળામણ અનુભવતા ઝડપભેર ઇન્ટરવ્યુ પૂરો કરી દેવાની ગણતરી સાથે પૂછ્યું.

સવાલ પૂરો થાય ત્યાં સુધીમાં સી.એમ. નરગીસની બિલકુલ પાછળ આવી ચૂક્યા હતા, અને એમનો હાથ નરગીસના ઓફ-શોલ્ડર ડ્રેસમાંથી ઉઘાડા થઈને ઉભરેલા ગોરા અને માંસલ ખભા ઉપર લસરવા માંડ્યો હતો. નરગીસે એક ઝાટકા સાથે પોતાની ડાયરી બંધ કરી દીધી અને ઊભી થઈ ગઈ. સી.એમ.ની દાનત પારખી જતાં ઉતાવળે પગલે જેવી એ બહારની તરફ નીકળી જાય ત્યાં જ ઓચિંતું એના કાને કોઈક નાની બાળકીના રડવાનો ધીમો અવાજ સંભળાયો. એણે આસપાસ નજર ફેલાવી, પરંતુ ત્યાં કોઈ ન દેખાયું. પોતાને ભ્રમ થયો હોવાનું અનુમાન કરી એ ત્યાંથી ઝપાટાબંધ નીકળી ગઈ.

બે દિવસ પછીની એક રાત્રિએ શહેરમાં ચકચાર મચી ગઈ. સર્કિટહાઉસની નજીક શહેરની મધ્યે ‘મીઠું ઉપાડતા ગાંધીજીના હાથ’ના સ્ટેચ્યુની ઓથે એક નાની બાળકીની અર્ધનગ્ન લાશ વિકૃત અવસ્થામાં પડી હતી. નરગીસને જાણ થતાં જ એ ત્યાં દોડી ગઈ. એને ધ્રાસકો પડ્યો. એનું હૃદય માસૂમ ચિત્કાર કરી ઊઠ્યું. એણે આખી ઘટનાનો તાગ મેળવવા માંડ્યો...

ધીરે-ધીરે ચીફ મિનિસ્ટર મિ. હૃષિકેશ મહેતા વિરુદ્ધ ‘હ્યુમન ટ્રાફિકિંગ’ના ઘણા પુરાવાઓ એને હાથ લાગ્યા. હેવાનિયત ઉપર ઉતરી આવેલા એક નેતાને આમજનતા સમક્ષ નગ્ન કરવા તથા એને પદભ્રષ્ટ કરવા માટે નરગીસે મિશન હાથ ધર્યું. એક દૈનિકના તંત્રીને વિશ્વાસમાં લઈને નરગીસે એક ન્યૂઝ-સ્ટોરી તૈયાર કરી. પરંતુ, ચીફ મિનિસ્ટર મહેતાને કોઈક રીતે અણસાર આવી ગયો. અને પી.એ. જયકાંત તથા ઇન્સ્પેક્ટર જસપ્રીત સિંઘ સાથે મળીને...’ આગળ નવ્યા માત્ર એટલું જ બોલી શકી, ‘આ દીવાલ ઉપર પડેલા લોહીના ધબ્બા પાછળ એક રૂંધાયેલી દાસ્તાન છૂપાયેલી પડી છે!’

થોડી ક્ષણો વીત્યા બાદ...

‘નરગીસ અને મારી ઉંમર વચ્ચ્ચે દસ વર્ષનો ફર્ક હતો, છતાં એ મારી મિત્ર જેવી હતી!’ નવ્યાએ આગળ કહ્યું, ‘...ઇવન અમારા રીલેશન્સ એક મિત્રથી પણ અધિક હતા; સમજો કે ફેમીલી રીલેશન! એ ખૂબસૂરત નરગીસ હઝરત કુરેશીની પત્ની હતી.’ અરમાન લગભગ સૂન્ન મારી ચૂક્યો હતો. અર્પિતાને હજુ પૂરેપૂરું કશું જ સમજાયું નહોતું, હંમેશની માફક!

ઓચિંતું જ જાણે કે નવ્યાને કશુંક યાદ આવ્યું હોય એમ બોલી ઊઠી, ‘યાદ છે, અરમાન... એક વખત મેં કહ્યું હતું કે- હું માત્ર મારા એક ભાઈને ખાતર જીવી રહી છું; આ બધી તકલીફો ઊઠાવી રહી છું? યાદ છે?’ નવ્યા આંસુઓના રેલાઓથી ભીંજાતા એના ફફડતા હોઠે બોલી રહી હતી.

‘અંમ્મ... હા, હા... યાદ આવ્યું!’ અરમાને એના દિમાગને જોર દઈને હકારમાં માથું હલાવ્યું. જોકે પત્ની અર્પિતાની હાજરી હોવાથી એણે કે નવ્યાએ એ વાતનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું કે જયારે એ વાક્ય કહેવાયું હતું ત્યારે એ બંને જણ કઈ અવસ્થામાં હતાં અને કેટલી મદહોશીમાં હતાં!

‘જે ભાઈના ખાતર હું આટલી તકલીફો સહન કરી રહી છું એ મારો એકમાત્ર ભાઈ એટલે - હઝરત કુરેશી... મારો ધર્મનો માનેલો મોટો ભાઈ!’ નવ્યા આગળ કશું બોલી ન શકી. માત્ર એની આંખોમાંથી વહેતી અશ્રુધારા ચિત્કાર કરી ઊઠી.

આંસુઓને વહી જવાનો પૂરતો સમય આપ્યા બાદ નવ્યાનો મોબાઇલ રણકી ઊઠ્યો. સ્વસ્થ થવાના એક તકલીફભર્યા પ્રયાસ બાદ એના ડૂમો બાઝેલા ગળામાંથી અવાજ ફૂટ્યો, ‘યેસ્સ...’

‘મેડમ, માથુર...’ સામેથી અવાજ આવ્યો.

‘આગળ તો બોલ, સ્ટુપિડ...’ નવ્યાએ આંસુઓને અટકાવી દઈને કંટાળાને બહાર ઢોળ્યો.

‘...માથુર આપણી કેદમાંથી ફરાર થઈ ગયો છે, મેડમ!’ અલખનો દબાયેલો અવાજ નવ્યાને કાને અથડાયો.

‘શીટ્ટ... શીટ્ટ... તમે લોકો શું ત્યાં ઘાસ ચરવા ગયેલા?’ નવ્યાની મુખમુદ્રા વિકૃત થઈ ગઈ. ‘સાલા એ માથુરે જ અહીંના પોલીસ-સ્ટેશનમાં કુરેશી બોસના અહીં-આ ઘરમાં મોજૂદ હોવાની બાતમી પહોંચાડી હશે!’ એ ફોન ડિસકનેક્ટ કરતાંની સાથે જ બબડી ઊઠી.

***

કોર્ટરૂમ ખીચોખીચ ભરાયેલો હતો. ઇન્સ્પેક્ટર જસપ્રીત સિંઘના કતલના આરોપસર હઝરત કુરેશી આરોપીના પાંજરામાં ઊભા હતા. સરકારી વકીલ તથા બચાવ પક્ષના વકીલ વારાફરતી ઉપરાછાપરી દલીલોનો મારો ચલાવી રહ્યા હતા. ન્યાયાધીશ આ ખૂન-કેસની વિગતવાર ઘટના ઉપર ઝીણવટભરી નજર રાખી રહ્યા હતા, દલીલો સાંભળી રહ્યા હતા. સાક્ષીઓ તથા ગવાહો પોતપોતાના બયાનો રજૂ કરી રહ્યા હતા. આખરે લંચ-બ્રેકમાં નિરંજને કુરેશીના બચાવપક્ષના વકીલ મિ. બક્ષીને એક મહત્વનો પૂરાવો પૂરો પાડ્યો...

‘યોરઓનર, શું એ શક્ય છે કે એક વ્યક્તિ એક જ સમયે જુદા-જુદા બે સ્થળે હાજર રહી શકે? અને એ બંને સ્થળો પણ પાછા એકબીજાથી દૂર, પાંત્રીસ કિલોમીટરના અંતરે...’ કુરેશીના વકીલ મિ. બક્ષીએ ઠોસ દલીલ રજૂ કરી.

‘સાફ સાફ કહો, મિ. બક્ષી... આપ અદાલતનો કિમતી સમય બગાડી રહ્યા છો!’ ન્યાયાધીશે થોડા તીખા સ્વરે કહ્યું.

‘જી, મીલોર્ડ... આબુરોડ પાસે આવેલી એક દરગાહની નજીક, ઝાડીઓમાં જે સમયે ઇન્સ્પેક્ટર સિંઘનું કતલ થયું - એટલે કે લગભગ બપોરે બાર વાગ્યાની આસપાસ - મિ. હઝરત કુરેશી એ સમયે ‘બઝુકા-બાર’માં બેસીને મદિરાપાન કરી રહ્યા હતા...’ બક્ષીબાબુએ ખોંખારો ખાઈને પોતાનું ગળું સાફ કર્યું અને આગળ ચલાવ્યું, ‘...અને ફક્ત શરાબ જ નહોતા પી રહ્યા, શરાબના નશામાં ધમાલ પણ કરી રહ્યા હતા!’ કહીને બક્ષીબાબુએ એક ઉપહાસપૂર્વકનું હાસ્ય રેલાવીને એક ખાખી કવર જજ તરફ ધર્યું અને આગળ ઉમેર્યું, ‘...આ છે એ ઘટનાનું એ ‘બાર’ના સી.સી.ટી.વી. કેમેરાનું ફૂટેજ!’

કવરમાં રહેલી પેન-ડ્રાઇવને જજસાહેબે પ્રોજેક્ટરમાં ઇન્સર્ટ કરી, અને સ્ક્રિન ઉપર વિડીઓ-ક્લિપ જોવામાં મશગૂલ થઈ ગયા.

એ દરમ્યાન વકીલ બક્ષીબાબુએ પોતાના અસીલની તરફેણમાં એક ચોખવટ પણ કરી લીધી, ‘બાય ધી વે, જજસાહેબ... આ ‘બઝુકા-બાર’માં નશીલું રમખાણ મચાવવાના ગુનાસર મારા અસીલ મિ. કુરેશી ઓલરેડી સજા પણ ભોગવી ચૂક્યા છે. એટલું જ નહિ, એ પેટેની દંડની રકમ પણ ભરપાઈ કરી ચૂક્યા છે. તો હવે આપ નામદાર જણાવો કે કુરેશી એકઝેટ એ જ સમયે ત્યાંથી પાંત્રીસ કિલોમીટર દૂરની દરગાહ પાસેની ઝાડીઓમાં જઈને ઇન્સ્પેક્ટર સિંઘ - જેઓ એક ફકીરબાબાના શંકાસ્પદ ગેટઅપમાં હતા - એમનું મર્ડર કરી શકે..?’

જજસાહેબ પોતાના ચશ્માં કાઢીને હાથરૂમાલ વડે સાફ કરતા કરતા કંઈક ગહન વિચારી રહ્યા. થોડી વાર ખામોશીમાં વિતાવ્યા પછી એમણે પોતાની ફાઉન્ટન પેન ઊઠાવી. પછી કશુંક નોંધ્યું. કોર્ટમાં હાજર રહેલી દરેક વ્યક્તિની નજર ઉત્સુકતાથી જજસાહેબ તરફ મંડાયેલી હતી, અને ફેંસલાની ઘડી આવી પહોંચી...

(ક્રમશઃ) દર શુક્રવારે...

---------------------

લેખક : ધર્મેશ ગાંધી

આપના પ્રતિભાવો જણાવવા માટે તથા લેખકને ‘ફોલો’ કરવા માટેના માધ્યમો-

વોટ્સઅપ નંબર : 91064 80527

ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com

એફ્બી પેજ : facebook.com/DGdesk.in
બ્લોગ : dgdesk.blogspot.com

----------------

(બ્લાઇન્ડ ગેમ : પ્રકરણ-૧૭ વાંચવાનું ચૂકશો નહિ.)