ચપટી સિંદુર ભાગ-૧

આ વાત છે નવ્યા અને નિકેશ ની.

નવ્યા એક સામાન્ય પરિસ્થિતિમાં ઉછરેલી, યૌવન ના ઉંભરે આવી પહોંચેલી નમણી, સુંદર પણ ગૌવર્ણી છે. જવાબદારીનો બોજ પિતા ના અકાળ મૃત્યુ ને લીધે નાનપણથી જ આવી ગયેલ. ઘરમાં બસ બે જ જણા માં અને દીકરી જ છે. બીજા સગા સબંધીઓ છે પણ તેમની નબળી આર્થિક પરિસ્થિતિ ને કારણે જવલ્લે જ કોઈ પૂછા કરે.

આકાશને પણ આંબી જવા ના સપના આંખોમાં સંજોવી ને પોતાની જ દુનિયા રાચતી ફરતી, અલહડ છોકરી, સપનાઓને સાકાર કરવા એક પ્રાઈવેટ સંસ્થામાં નોકરી કરે છે. જ્યાં નિકેશ પણ કામ કરે છે. 

નિકેશ અને નવ્યા એક જ જ્ઞાતિ અને ગામના હોવાથી બન્ને એકબીજા ને ઓળખે છે. આમ તો બન્ને વચ્ચે ઉંમર નો ઘણો તફાવત છે પણ સાથે કામ કરતા કરતા ક્યારે મિત્રતા ને ક્યારે પ્રેમ થઈ ગયો તેની તેમને પણ ખબર ના પડી. નવ્યા ને મન નિકેશ સર્વશ્વ અને નિકેશ ને મન નવ્યા જ બધું હતી.

બન્ને ની એકબીજા પ્રત્યેની લાગણીઓ સાત્વિક છે, નિકેશે પણ ક્યારેય કોઈ ગેરલાભ નથી ઉપાડ્યો બસ રોજ મળવું, સાથે કામ કરવું, એકબીજાની ઈચ્છાઓ માન આપવું, સાથે હરવું, ફરવું એ જ રોજીંદુ કામ એમનું. 

એક દિવસ સાંજે કામ પરથી આવી, રાત ના આઠેક વાગ્યા ના સમયે હરરોજ ની જેમ નિકેશ છત ઉપર ઠંડી હવા ની મજા લઈ ને ટહેલતો હતો. આજે નિકેશને અનાયાસ ચિંતા ઘેરી વળી હતી, મન કાંઈક અપ્રાકૃતિક ઘટના ના ભય થી વ્યાકુળ હતો. ત્યાં જ નિકેશ નો મોબાઈલ રણકી ઉઠે છે.

કોલ હતો નવ્યાનો. સામાન્ય રીતે આ સમયે ક્યારેય નવ્યા નો કોલ હોય નહીં. આથી નિકેશની વ્યાકુળતા વધી ગયી. મન માં એક પછી એક સવાલો નો જાણે મારો થયો હોય તેમ નિકેશના મનમાં સંશયો ઉદભવવા લાગ્યા, આ જ વિચારો માં નિકેશ કોલ પણ રીસીવ કરી ના શક્યો.

પોતે સામે થી કોલ કરે તે પહેલાં જ નવ્યા નો કોલ બીજી વાર આવી ગયો, જલ્દી થી નિકેશ કોલ રીસીવ કરે છે... 

સામે થી નવ્યા એકી શ્વાસે બોલી ઉઠે છે...નિકેશ કેમ કોલ રીસીવ નથી કરતો ? મારે અર્જન્ટલી મળવું છે જરૂરી વાત કરવી છે. તૂં પાંચ મીનીટ માં મને ગાર્ડન પાસે મળ.

પણ નવ્યા શું થયું એ તો કહે. મારું મન બેસતું જાય છે યાર નિકેશ બોલી ઉઠે છે.

આપણે રૂબરૂ મળીએ ત્યારે વાત. નવ્યાનો વળતો જવાબ આવે છે.

તારી આ વાત માં મોણ નાંખવાની આદત ક્યારેક મારો જીવ લેશે, એમ કહી કોલ કટ કરી હળબળાટી માં નિકેશ ગાર્ડન જવા નીકળી જાય છે.

નિકેશ ગાર્ડન પહોંચે છે તે પહેલાં જ નવ્યા તેની રાહ જોતી ઉભી હોય છે. બાઈક પાર્ક કરી નિકેશ નવ્યા પાસે જાય છે અને પૂછે છે નવ્યા શું થયું આમ અર્જન્ટ બોલાવ્યો ! એવી કઈ જરૂરી વાત હતી જે તું મને ફોન પર કહી ન'તી શકતી ?

નવ્યા એકદમ ગંભીર ઉભી રહી કશું જ ના બોલી અને એકીટશે નિકેશ ને જોતી રહી. 

ઓકે નવ્યા ફર્સ્ટ તું રીલેક્સ થા, ચાલ સામે કોફી શોપ માં ત્યાં શાંતિ થી બેસીને બધું કે'જે અને બન્ને કોફી શોપ પર જાય છે.

નિકેશ નવ્યા બેઠા હોય છે, ટેબલ પર રાખેલ કોફી પણ ઠંડી થતી જાય છે. કોઈ કાંઈ જ બોલતા નથી. જાણે તેઓ વચ્ચે સ્મશાનવત શાંતિ બનેલી છે. આ શાંતિ ભંગ કરી નિકેશ ફરી બોલી ઉઠે છે, નવ્યા શું થયું તું મને હવે કાંઈ કહીશ ! આમ તો કોઈ પ્રશ્નોના હલ નહીં મળેને! ફોર ગોડ શેક તું કાંઈ બોલ.

પ્રશ્નો ના હલ !! ઊંડો શ્વાસ લઈ નવ્યા બોલીને પોતાની ચૂપકીદી તોડે છે. હલ જ નથીને મારી પાસે ! 

તું કંઈ કહીશ તો મને ખબર પડશેને. શું સમસ્યા છે તું મને કે'તો ખરી!! નિકેશ અકળાઈ જાય છે.

સમસ્યા !! નિકેશ મારી સમસ્યા આપણો પ્રેમ છે, જેનો કોઈ જ હલ મને નથી જડતો. 

આપણો પ્રેમ !!!.આશ્ચર્યથી નિકેશ બોલી ઉઠે છે. વ્હોટ રબીશ આર યુ ટોકીંગ નવ્યા ?

હા આપણો પ્રેમ નિકેશ. એ જ મારી સમસ્યા છે જેનો કોઈ જ હલ નથી. તું સારી રીતે જાણે છે કે આપણે ક્યારેય એક નથી થઈ શકવાના.

જો નવ્યા તું અત્યારે અપસેટ છો, અત્યારે કોઈ નિર્ણય નહીં આવે. નિકેશ નવ્યા ની વાત કાપી નાંખે છે.

હા હું છું અપસેટ. બોલ છે તારી પાસે કોઈ હલ ? છોડી શકીશ તું રાશી ને અને તારી દીકરીને !! નહીં ને ! જો છોડી શકતો હો તો ચાલ હું હમણાં જ લગ્ન કરવા તૈયાર છું. નહીં છોડી શકે નિકેશ… આપણે નહીં છોડી શકીએ… આપણે એવું નહીં કરી શકીએ...

ક્યાં સુધી નિકેશ… ક્યાં સુધી આપણે આમ જીવીશું. મારી પણ લાઈફ છે, અને મમ્મીનો સ્વભાવ તું જાણે છે… એમને ક્યાં ખબર છે આપણા સંબંધની, આપણે તો એમની નજર માં સારા મિત્ર જ છીએને ! અને રોજ લગ્ન ની વાતો તો પહાડ ની જેમ મારી સામે ઉભી જ હોય. શું કરૂં હું...તું જ કે !

નિકેશ મેં આ સમસ્યા નો હલ શોધી લીધો છે…. ને મેં નિર્ણય પણ કરી લીધો છે. નિકેશ તું ભૂલી જા બધું, આપણો સંબંધ અને મને પણ… એમાં જ બધું સારું છે ડૂમો ભરેલા શ્વરમાં નવ્યા બોલે છે.

આ બધું નિકેશ ફાટેલી આંખે બસ જોઈ રહે છે, કાનમાં ખાલી શબ્દોના પડઘા જ પડે છે. નવ્યાના ગળગળા શ્વરની પણ એને ખબર ના રહી. નિકેશના પગ તળેથી તો જાણે જમીન જ સરકી પડી છે.

ભૂલી જા…. નિર્ણય લઈ લીધો છે… આમાં જ સારું છે… કેટલું સરળ છે ન'ઈ આ બધું કહેવું નવ્યા! એકતરફી નિર્ણય લેવાનો અધિકાર તને કોણે આપ્યો ? પ્રેમ તો બન્ને એ સાથે જ કર્યો છે ને ! બોલ નવ્યા…

તારે ભૂલવું પડશે બધું… મારા માટે… આપણા માટે… મારી પણ લાઈફ છે… મારે મારું ભવિષ્ય જોવાનું છે નિકેશ ! નવ્યા કઠોર શ્વરે કહે છે.

તો પછી આપણે સાથે વિતાવેલા સમયનું શું…. અને એ ચપટી સિંદુર નું શું નવ્યા ! જે મેં તારી માંગ માં પણ ભર્યું છે. એ તો નહીં ભૂલી શક ને તું પણ ? લાચારી ના ભાવ સાફ સાફ નિકેશ ના ચહેરા પર છતાં થઈ જાય છે.

હું બધું ભૂલી જાઈશ ને તું પણ ભૂલીજા નિકેશ… મારે ચાર ચાર જીંદગી નથી બગાડવી…

અને રહી વાત ચપટી સિંદુર ની… આપણા કોલ અને વચનોની… તને એ જ ચપટી સિંદુરના શમ છે… તેની મર્યાદા રાખ અને ભૂલી જા બધું…. એમ કહી નવ્યા કઠોર બની નીકળી જાય છે ને પાછું વળી ને પણ જોતી નથી.

નિકેશ ઊંડા આઘાતમાં ઘરકાવ થઈ જાય છે જાણે પોતાનો કાંઈ અસ્તિત્વ જ નથી. હતાશા અને નિરાશા સાથે ઘેર પહોંચે છે અને છેલ્લે કોઈ પોતાનું લાગે છે તો સામે પડેલ બિસ્તર અને કૂશન. રૂમ અંદર થી બંધ કરી એકાંતમાં આક્રંદ થી રડી પડે છે અને એક જ સવાલ કે હું જ શુકામ. આ જ વિચારોમાં ક્યારે આંખ લાગી અને સવાર થઈ એની પણ ખબર ના રહી.

ક્રમશઃ…

શું નવ્યાનું મન ફરી બદલશે, શું નિકેશ નવ્યાને સમજાવી શકશે, શું તેઓ આજ સ્થિતિમાં હંમેશ રહેશે, કે સાવ જ અલગ થઈ જશે … વધુ ભાગ-૨ માં

લેખન : નિલ બુધ્ધભટ્ટી
તા. ૧૯/૧૨/૨૦૧૮

***

Rate & Review

Verified icon

Bharat Saspara 1 month ago

Verified icon

Sonu 5 months ago

Verified icon

Kashmira Jasani 5 months ago

Verified icon

Kismis 5 months ago

Verified icon

Riddhi Patel 5 months ago