ચપટી સિંદુર - ભાગ ૬

(ભાગ-૫ માં.... તું પણ યાર સાવ કેવો છો... ભાભી નથી તો ઘરે આવી જવું જોઇએ ને... પ્રજ્ઞેશ નારાજ થઇને કહે છે.

ચાલ યાર બહાર... એક લટાર મારી આવીએ.... ઘણા દિવસ થઇ ગયા આપણે આપણું રૂટીન મુકી દીધું છે... પ્રજ્ઞેશ હસતાં હસતાં કહે છે...

હા... ચાલ... અને બન્‍ને જણા બહાર વોક માટે નકળી જાય છે.)

નિકેશ અને પ્રજ્ઞેશ વોક માટે નીકળે છે. પ્રજ્ઞેશ તો ઘણા સમયથી મળ્યા નહીં હોવાથી એકલો જ બોલતો રહે છે અને નિકેશ માત્ર હા માં હા જ મલાવતો રહે છે.

અરે નિકેશ તને થયું શું છે ? તું આજે કાંઇ વાત જ નથી કરતો. કેટલા સમય બાદ મળ્યા છીએ. પ્રજ્ઞેશ સવાલ કરે છે.

તારી તબીયત તો સારી છે ને ? ઉદાસ અને થાકેલો જણાય છે. પ્રજ્ઞેશ વધુ પુછે છે.

કાંઇ નહીં યાર. ઓફીસ પર કામ વધુ રહે છે. સાંજ પડતા સુધી થાકી જાઉં છું બીજું કાંઇ જ નથી અને ત્રણેક દિવસથી રાશી પણ રમણકાકાને ઘેર રોકાવા ગયી છે એટલે બહારનું હોટલ નું ખાઇને મજા નથી આવતી એટલે જરા શરીરમાં સુસ્‍તી જણાય છે. નિકેશ પ્રજ્ઞેશને ખુલાસાના ભાવથી કહે છે.

પણ વાસ્‍તવિકતા તો અલગ જ હતી. નિકેશના મનમાં તો નવ્યા ચાલી રહી છે તેને કઇ રીતે મનાવવી આખરે એવું તે શું કરે કે પોતાની ભુલ માનીને નવ્યા માફ કરી દે. નિકેશ પશ્ચાતાપની આગમાં બળતો રહે છે. નવ્યા પર હાથ ઉગામ્યો એ વાત એના હ્રદયને ખૂંચી રહી છે.

વાત વાતમાં ક્યાં સમય નીકળી ગયો અને તારો ઘર પણ આવી ગયો, ચાલ હવે પછી મળીયે હું પણ ઘર પહોંચુ પ્રજ્ઞેશ કહે છે.

હા ઓકે આમેય રાશી આવતી કાલે આવી જવાની છે એટલે ઘરનું ખાવાનું મળશે.‍ નિકેશ કહે છે,

તું પણ યાર સાવ જ કેવા સ્‍વભાવનો છે ભાભી નથી તો તારે ઘરે આવી જવું જોઇએને...જાણે ક્યારે મારા ઘરે જમ્યો જ ના હો... અને હવે પછી જ્યારે ભાભી જાય ત્યારે તારે મારા ઘરે આવી જ જવાનું પ્રજ્ઞેશ કહે છે.

હા.. ભાઇ... આવી જાઇશ... આ વખતે માફી દઇદે... નિકેશ પ્રજ્ઞેશને કહે છે.

અચ્‍છા અચ્‍છા તારો ખ્યાલ રાખ જે, ચલ.. બાય એન્‍ડ ટેક કેર... પ્રજ્ઞેશ કહે છે અને ત્યાંથી નીકળી જાય છે અને નિકેશ પણ ઘર પર જઇ સુઇ જાય છે.

બીજા દિવસની સવાર પડે છે. નિકેશ રોજીંદુ કામ પતાવી ઓફીસ જવા તૈયાર થઇ ગયો છે. પણ આજે નવ્યાને પીક અપ નથી કરવાની તે વિચારથી તે વ્‍યાકુળ થઇ રહ્યો છે. આખરે હું શું કરું મને કાંઇ જ સમજ નથી પડતી... ચાલ ભાઇ કામે તો જવું જ પડશે... ત્યાંથી ફરી નવ્યાને કોલ કરીશ. કદાચ રીસીવ કરે.. એમ ખુદથી જ વાતો કરીને નિકેશ ઓફીસ જવા નીકળી જાય છે.

આ બાજુ નવ્યાએ તો દ્રઢ નિ‍શ્ચય તો કરી જ લીધો છે, પરંતુ નિકેશ પ્રત્‍યેનો પ્રેમ તેને પણ બેચેન કરી રહ્યો છે. નવ્યા સારી રીતે સમજે છે કે તેના અને નિકેશના સંબંધનો કોઇ ભવિષ્‍ય નથી. છતાં પણ તે નિકેશને પોતાનાથી દૂર થવા દેવા નથી માંગતી. નવ્યાના દિમાગમાં પણ તેઓ બન્‍ને વચ્‍ચે થયેલી છેલ્લી વાર્તાલાપ અને નિકેશનો બીહેવીયર ઘૂમી રહ્યો છે અને સાથે સાથે તે પણ પોતાને જ દોષી સમજે છે. વિચારે છે કે નિકેશ પણ તેને ચાહે જ છે અને ખરા હ્દયથી જ ચાહે છે મેં જ વધુ પડતું બોલી નાંખ્યું માટે નિકેશ આવેશમાં આવી ગયો, અને નિકેશે તરત જ માફી માંગેલી એટલું જ નહીં પણ કાલથી એ કોલ કરે છે છતાં હું રીસીવ નથી કરતી. આ બધાં વિચારો નવ્યાના દિમાગને પણ ઘમરોળી રહ્યા છે. પણ નવ્યાનો અહ્મ તેને નિકેશને સામેથી કોલ કરવા રોકી રહ્યો છે.

નિકેશ ઓફીસ પર પહોંચીને પ્રથમ નવ્યાને કોલ કરવાનું કામ કરે છે. રીંગ જઇ રહી છે. થોડી વાર પછી નવ્યા નિકેશનો કોલ ઉપાડે છે.

હેલ્‍લો નવ્યા.. પ્‍લીઝ યાર સોરી કહું છું ને... હવે આવી ભૂલ નહીં થાય પ્‍લીઝ માફ કરી દે... નિકેશ હજી પણ પોતાની ભુલ માટે માફી માંગી રહ્યો છે. નવ્યા કાંઇક તો બોલ. સામે તું જ છે ને નવ્યા. હેલ્‍લો ... આમ ચૂપ ના રહે તું... સામેથી વધું કાંઇ નહીં નવ્યાનો રૂદન જ સંભળાય છે.

આર યુ ક્રાઇંગ... નવ્યા ? નિકેશ પુછે છે. અરે રડ નહીં પ્લીઝ. તું વાત તો કર. જો પહેલા ચુપ થઇ જા. ભૂલ મારી હતી તો તું શાને રડે છે. બસ કર હવે રડવાનું ચુપ કર.. નિકેશ સતત બોલતો રહે છે.

સામેથી ડૂમો ભરેલા અવાજથી હા... આઇ એમ ઓકે. તમે ક્યાં છો. ઓફીસ પર પહોંચી ગયા ? નવ્યા સવાલ કરે છે.

હા હું પહોંચી ગયો અને ઓફીસ થી જ તને કોલ કર્યો છે. મારી પણ ભુલ હતી નિકેશ આઇ એમ સોરી. નવ્યા કહે છે.

ઓકે હવે આ સોરી બોલવાનું છોડ અને કહે ક્યારે આવે છે કાકાને ઘરે થી, હું સાંજે જ ગયો હતો તારા ઘરે ખબર પડી કે તું તો રીસાઇને ચાલી ગયી છે. નિકેશ કહે છે.

હા મમ્મીએ કીધું કે નિકેશ આવ્‍યા હતા, સોરી નિકેશ મેં તારા કોલ રીસીવ ના કર્યા. નવ્યા કહે છે.

વળી સોરી કીધું. હવે તો કોલ રીસીવ કર્યો ને. નિકેશ કહે છે.

પણ નિકેશ હું હજીય તમને કહું છું આપણે શા માટે મિત્ર..... નવ્‍યા આટલું બોલે છે ત્યાં જ નિકેશ તેની વાત કાપી નાંખે છે.એ બધી વાત છોડ તું ક્યારે આવશ એ કહે અને તે બધી વાત રૂબરૂ મળીએ ત્યારે કરશું અને તું કહીશ એમ બસ... હવે ખુશ ? ફોન પર આ બધી વાતો નહીં. નિકેશ કહે છે.

નવ્યા હું તને ખોવા નથી માંગતો બસ એટલું તું સમજ નિકેશ કહે છે. નિકેશની વાત પરથી નિકેશ જાણે નવ્યાની જીદ કે સમજણ આગળ વિવશ થઇ ગયો હોય તેવું સ્‍પષ્‍ટ જણાઇ આવતું હતું.

આજ શનિવાર છે હું સોમવાર સાંજ સુધી ઘરે આવી જાઇશ. નવ્યા કહે છે. તો પછી સાંજે મળીશ.. આવું લેવા ? નિકેશ પુછે છે.

ના લેવા ના આવજો પણ હું રાધાક્રષ્‍ન મંદિર સીધી જ પ્‍હોંચી જાઇશ. ઘરેથી નીકળીશ એટલે કોલ કરીશ તમે ત્યાં જ સીધા આવી જજો. નવ્યા કહે છે.

ઓકે.. નવ્યા. આટલી વાત કરી ફોન કટ કરી નિકેશ કામ પર લાગી જાય છે અને નવ્યા માની ગયી છે તે વિચાર હવે એને સંતોષ આપી રહ્યો છે હવે વાટ જોવાય છે તો ક્યારે સોમવારની સાંજ પડે એની.

રવિવારના દિવસે નિકેશના કહેવાથી રાશી અને નિકેશ નવ્યાના ઘેર જાય છે. ત્યાં નવ્યાના માતાજી સાથે ઔપચારીક વાત કરી નિકેશ પોતાનો લેપટોપ લઇ ઓફીસનું કામ પુરું કરવા લાગી જાય છે અને બીજી બાજુ રાશી અને નવ્યાના માતાજી કીચનમાં ચા નાસ્‍તો તૈયાર કરી વાતો કરતા હોય છે. નિકેશ તો બસ ક્યારે રવિવાર નીકળે અને સોમવારની સાંજ આવે તે જ વિચારમાં હોય છે. આ છેલ્‍લા ત્રીસ કલાક નિકેશ માટે બહુ લાંબા નીકળે છે.

એક દિવસ બાદ સોમવારે ઓફીસ અવર્સ પછી નિકેશ સીધો રાધેક્રીષ્‍ન મંદીર પહોંચે છે, પણ ત્યાં હજી નવ્યા આવેલી નથી હોતી. એટલે નિકેશ તેઓ જે એકાંત સ્‍થળે બેસતા, વાતો કરતાં ત્યાં જાય છે અને નવ્યાની વાટ જુએ છે.

થોડી વારમાં નવ્યા આવે છે. બન્ને જણા એકબીજાની સામે જુએ છે. નિકેશની આંખોમાં શરમીંદગીના ભાવ અને ભૂલની પીડા સાફ દેખાઇ આવે છે, જ્યારે નવ્યા પણ ઉદાસ દેખાતી હતી. નવ્યા બેન્‍ચ પર નિકેશની બાજુમાં બેસે છે. થોડી વાર કાંઇ જ વાતો નથી થાતી.

બન્‍ને જણા સાથે જ ચૂપકી તોડીને એક સાથે જ એકબીજાને સોરી કહે છે. પરંતુ નિકેશ વચ્‍ચેથી જ બોલી ઉઠે છે વળી આપણે સોરીની વાત ઉપાડી. નવ્યા હું ઇચ્‍છું છું કે તે વાત ભુલી જાઇએ.

હા નિકેશ મારી પણ ભૂલ તો હતી જ હવે આપણી જીંદગીમાંથી તે ઘટનાને રીમુવ જ કરવી છે ભુલી જવું છે. નિકેશ હું તને ચાહું છું તારા સિવાય મારી જીંદગીમાં બીજું કોઇ હોઇ શકશે જ નહીં. પણ આ સમાજમાં પણ આપણે રહેવું છે ને અને સારી રીતે રહેવું છે ને ? તારો જે સ્‍થાન મારા હ્રદયમાં છે તે કોઇ જ નહીં લઇ શકે નિકેશ, હું ખાલી એટલું કહું છું શું આપણે.....

આટલું કહેતાં જ નિકેશ નવ્યાને અટકાવી દે છે. બસ હવે આ માટે મારે બીજું કાંઇ કહેવું જ નથી.

નવ્યાના બન્‍ને હાથ પોતાના હાથમાં લઇને કહે છે નવ્યા ખબર નથી શા માટે આપણે ભેગા થયા, ખબર નથી કયા જન્મની લેણી દેણી છે, ખબર નથી આપણો આ સંબંધ શા માટે બંધાણો, અને એ પણ ખબર નથી હવે શું થવાનું છે, પણ એટલું તો હું કહીશ કે નવ્યા હું તને પ્રેમ કરું છું. તારી ખુશી થી વધુ મારા માટે કાંઇ જ નથી. હું જરા પઝેશીવ થઇ ગયો હતો. હવે તું કહીશ એ રીતે જ હું રહીશ. મારું વચન છે તને. બસ તું મને છોડીને ના જાજે, હંમેશા મારી સામે, મારી પાસે રહેજેે અને આપણા પ્રેમને ક્યારેય પણ ભૂલની ઉપમા ના આપજે એટલી મારી વિનંતી છે. આમ કહીને નિકેશની આંખોમાંથી આંસુઓ નીકળી પડે છે. તે જોઇને નવ્યા પણ રડી પડે છે. થોડી વાર બાદ બન્ને શાંત થાય છે. ચાલો મંદિરમાં તો દર્શન જ નથી કર્યા દર્શન કરીને આપણે જાઇએ. નવ્યા કહે છે.

હા નવ્યા... નિકેશ હામી ભરે છે અને બન્‍ને દર્શન કરવા જાય છે. દર્શન કરીને મંદિરથી બહાર નીકળે છે ત્યાં નવ્યા ઓટો વાળાને બોલાવે છે.

અરે નવ્યા હું છું તો ખરો શાને ઓટો બોલાવે છે .... હું ડ્રોપ કરી દઇશને તને નિકેશ કહે છે.

ના નિકેશ હું ઓટોથી ચાલી જાઇશ અને આ આદત નાંખવાની શરૂઆત હું નહીં કરું ત્યાં સુધી તમારી પણ આદત નહીં છુટે. અને હા કાલે ઓફીસ પર જ સીધા મળશું ઓકે. એટલે કે...

નવ્યા આગળ કહે તે પહેલા નિકેશ હા નહીં આવું પીકઅપ કરવા. મને ખબર છે હવે મારે શું સહેવાનું છે. ઓકે બાય નવ્યા.. ટેક કેર.. કહીને નિકેશ ત્યાંથી નીકળી જાય છે અને નવ્યા ઓટોમાં ઘેર પહોંચે છે.

હવે તો ઓફીસ પરમાં પણ નવ્યા નિકેશથી વાતો ઓછી કરે છે, લંચ પણ અન્‍ય સ્‍ટાફ મેમ્બરો સાથે કરે છે. આ બધું નિકેશ સહન તો નથી કરી શકતો પણ નવ્યાને વચન જો આપ્‍યો છે એટલે હું નિભાવીશ જ, હું તડપું છું તો એ પણ તડપશે જ ભલે ગમે તેટલો અભિનય કરી લે... નિકેશ મનમાં વિચારે છે. પણ ચેમ્‍બરમાંથી તે નવ્યાને જોયા વિના રહી નથી શકતો.

નિકેશ નવ્યાની આ બેરૂખી સહન નથી કરી શકતો. મનમાં ને મનમાં વિચારે છે કે એક સ્‍ત્રી કેવી રીતે પોતાને આમ બદલાવી શકે, હું તો જરા પણ બદલી નથી શકતો. નવ્યાએ સાવ આમ ના કરવું જોઇએ, હવે તો એ મારાથી સાવ જ અંતર રાખે છે. પણ ... નવ્યા તો મને પ્રેમ કરે છે... એણે પોતે કહ્યું છે કે એ મને છોડવા નથી માંગતી. હું તેનાથી દૂર ના રહું તે માટે તે મારી સાથે મીત્રતાના સંબંધ તો રાખવા જ માંગે છે અને બીજી બાજુ મારી તરફ એનો હવે કોઇ રીસ્‍પોન્‍સ જ નથી, આમ કેમ હોઇ શકે. મારે આ બધું હવે મરૂં નહીં ત્યાં સુધી સહન જ કરવાનું છે આવા અનેક વિચારો નિકેશના શાંત મનને ડહોળી રહ્યા હતા.

ક્રમશ:

***

Rate & Review

Verified icon

name 4 weeks ago

Verified icon

Sonu 7 months ago

Verified icon

Kashmira Jasani 7 months ago

Verified icon

Rashmi Patel 7 months ago

Verified icon

Jay Khajuria 7 months ago