Bhedi Tapu - Khand - 3 - 9 books and stories free download online pdf in Gujarati

ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 9

ભેદી ટાપુ

ખંડ ત્રીજો

(9)

ગ્રેનાઈટ હાઉસમાં

હર્બર્ટની તબિયત નિયમિત રીતે સુધારા પર હતી. હવે એને ગ્રેનાઈટ હાઉસમાં ફેરવી શકાય; એટલી તબિયત સુધરે એ જરૂરી હતું. પશુશાળામાં સલામતી હતી. આથી હર્બર્ટને ગ્રેનાઈટ હાઉસમાં સંપૂર્ણ સલામતી હતી. આથી હર્બર્ટને ગ્રેનાઈટ હાઉસમાં ફેરવવાનો વેતરણમાં બધા હતા. તેની તબિયતને કંઈ વાંધો ન આવે એવી રીતે ફેરવી શકાય તેની તેઓ રાહ જોતા હતા.

નેબ તરફથી કોઈ સમાચાર ન હતા. પણ એથી તમને ચિંતા થતી ન હતી. એ હિંમતવાન હબસી બધાને પૂરો પડે એવો હતો. ટોપને ફરીવાર નેબ પાસે મોકલવાનું યોગ્ય લાગ્યું ન હતું. રસ્તામાંએ વફાદાર કૂતરો ચાંચિયાની ગોળીનો ભોગ બને એવી હાર્ડિંગને દહેશત હતી.

આથી તેઓ થોભી ગયા હતા. જો કે તેઓ ગ્રેનાઈટ હાઉસમાં જવા ખૂબ આતુર હતા. પોતાના બળના ભાગલા પડી ગયા હતા. એથી ઈજનેરને ખૂબ દુઃખ થતુ હતું; અને ચાંચિયાઓને ફાયદો થતો હતો. આયર્ટનના અદશ્ય થયા પછી હવે તેઓ પાંચ સામે ચાર હતા; કારણ કે માંદા હર્બર્ટને ગણતરીમાં લઈ શકાય એમ ન હતો. બહાદુર હર્બર્ટનને પણ આથી ઓછી ચિંતા થતી ન હતી. પોતે બધાને મુશ્કેલીરૂબ બન્યો છે એ હકીકત તે સમજતો હતો.

29મી નવેમ્બરે હાર્ડિંગ, સ્પિલેટ અને પેનક્રોફ્ટે ચાંચિયાઓનો સામનો કેવી રીતે કરવો એ બાબત વિસ્તૃત ચર્ચા કરી. એ વખતે હર્બર્ટ ભર ઊંઘમાં હતો અને કંઈ સાંભળી શકે એમ ન હતો.

“મિત્રો,” સ્પિલેટ બોલ્યો, નેબ સાથે સંપર્ક સ્થાપવો અશક્ય છે એ બાબતની ચર્ચા પૂરી થઈ હતી. “હું માનું છું કે પશુશાળાને રસ્તે નીકળવું એટલે બંદૂકની ગોળીનો ભોગ બનવું. પણ આ ચાંચિયાઓનો સીધો સામનો કરવો તમને જરૂરી નથી લાગતો?”

“હું પણ એમ જ માનું છું.” ખલાસીએ જવાબ આપ્યો. “આપણે બંદૂકની ગોળીથી ડરતા નથી. કપ્તાન છૂટ આપે તો હું જંગલમાં ધસી જવા તૈયાર છું.”

“હું પણ સાથે જઈશ.” સ્પિલેટે કહ્યું. “અમારી સાથે ટોપ હશે--”

“મિત્રો,” હાર્ડિંગે જવાબ આપ્યો. “શાંતિથી વિચાર કર્યા વિના પગલું ભરવું નકામું છે. જો ચાંચિયાઓ ટાપુમાં એક સ્થળે છુપાયા હોત તો આપણે એના પર સીધો હુમલો કરી દેત. પણ પરિસ્થિતિ એવી નથી. એ લોકો જંગલમાં ક્યાં છુપાયા છે તેની આપણને ખબર નથી. અને તેઓ આપણા પર પહેલી ગોળી છોડી શકે એમ છે.”

“ગોળી હંમેશાં નિશાન પર જ લાગે એવું નક્કી નથી.” ખલાસીએ કહ્યું.

“હર્બર્ટને ગોળી વાગી કે નહીં?” હાર્ડિંગે ઉત્તર આપ્યો. “પેનક્રોફ્ટ, તમે બંને જણા પશુશાળા છોડીને જાઓ તો હું એકલો માંદાની પથારી પાસે રહું. ચાંચિયાઓને આ ખબર પડે પછી તેઓ પશુશાળા પર હુમલો કર્યા વિના રહે?”

“તમારી વાત સાચી છે.” પેનક્રોફ્ટ બોલ્યો. “કપ્તાન, તમારે એકલાને પશુશાળા સાચવવી અઘરી પડે.”

“આપણે ગ્રેનાઈટ હાઉસમાં હોત તો!”

“હા, ગ્રેનાઈટ હાઉસમાં હોત તો જુદી વાત હતી. હું એકલો હર્બર્ટ પાસેે રહેત. અને તમે ત્રણ જણા જંગલમાં ચાંચિયાઓની તપાસ કરવા નીકળી શકત. પણ આપણે પશુશાળામાં છીએ. અહીં આપણે બધાએ સાથે રહેવું જરૂરી છે.”

હાર્ડિંગની દલીલ યોગ્ય હતી. તેના સાથીઓ તે બરાબર સમજી શક્યા.

“જો આયર્ટન આપણી સાથે હોત!” સ્પિલેટે કહ્યું.

“તે મૃત્યુ પામ્યા હશે.” ખલાસીએ કહ્યું.

“તમે માનો છો કે હરામખોરોએ તેમને જીવતા છોડ્યા હશે?”

“હા, જીવતા રાખવામાં એને કંઈ રસ હોય તો.”

“શું? તમે માનો છો. કે આયર્ટન તેના જૂના સાથીદારો સાથે, આપણા બધા ઉપકાર ભૂલીને----”

“કોને ખબર?” ખલાસીએ જવાબ આપ્યો. આયર્ટન બેવફા બન્યો હોવાની તેની ધારણા હતી.

“પેનક્રોફ્ટ,” હાર્ડિંગે ખલાસીનો હાથ પકડી ક્હ્યું. “એ તમારો દુષ્ટતાભર્યો વિચાર છે. તમે આ પ્રમાણે બોલશો તો મને દુઃખ થશે. આયર્ટનની વફાદારીની હું જવાબદારી લઉં છું.”

“અને હું પણ” સ્પિલેટે ઝડપથી ઉમેર્યું.

“હા, કપ્તાન મારી ભૂલ છે.” ખલાસીએ જવાબ આપ્યો. “ખરેખર મારો વિચાર દુષ્ટતાભર્યો હતો; અને એમ માનવાને મારી પાસે કોઈ કારણ ન હતું. પણ હું શું કરું? મારી બુદ્ધિ બહેર મારી ગઈ છે. આ પશુશાળામાં કેદ થવાથી મને ખૂબ કંટાળો આવ્યો છે. હું ત્રાસી ગયો છું. આજની જેમ હું ખોટી રીતે ઉશ્કેરાઈ જાઉં છું!”

“શાંત થાઓ, પેનક્રોફ્ટ!” ઈજનેરે જવાબ આપ્યો; “સ્પિલેટ, આપણે હર્બર્ટને ગ્રેનાઈટ હાઉસ કેટલા દિવસ પછી લઈ જઈ શકીશું?”

“તબિયતમાં સુધારો ચાલુ રહે તો આઠ દિવસો પછી.”

આઠ દિવસ! ડિસેમ્બરની શરૂઆતના દિવસો આવી જાય. વસંતઋતુનાં બે મહિના પસાર થઈ ગયા હતા. ખેતીનું કામ રખડી પડ્યું હતું. પણ બીજી કોઈ નિશાની દેખાતી ન હતી. કદાચ તેઓ ટાપુના બીજા ભાગમાં ચાલ્યા ગયા હશે.

એકવાર આ પ્રમાણે સ્પિલેટ આંટો મારવા નીકળ્યો હતો. 27મી નવેમ્બરનો દિવસ હતો. પર્વતના દક્ષિણ ભાગમાં લગભગ 5 માઈલ સુધી જવાની તેણે હિંમત કરી હતી. કૂતરાને કંઈ ગંધ આવી હોય એવું લાગ્યું. તે આગળ અને પાછળ દોડાદોડી કરવા લાગ્યો. કંઈક શંકાસ્પદ વસ્તુની વાસ એને આવતી હતી.

સ્પિલેટ ટોપની પાછળ ગયો. કૂતરાની રીતભાત ઉપરથી તેણે કોઈ માણસ જોયો હોય એેવું લાગ્યું ન હતું. ટોપ એક વૃક્ષના ઝૂંડમાં ધસી ગયો અને એક લૂગડાનો કટકો મોઢામાં લઈને પાછો આવ્યો. એે ટૂકડો ફાટેલો હતો; અને ધૂળથી રગદોળાયેલ હતો. સ્પિલેટ તરત જ એ કટકો લઈને પશુશાળામાં પાછો ફર્યો.

ત્યાં બધાએ કટકાને તરત ઓળખી કાઢ્યો. તે આયર્ટનના જાકિટનો એક કટકો હતો.

“પેનક્રોફ્ટ,” હાર્ડિંગને કહ્યું, “ચાંચિયાઓ આયર્ટનને ઢસડીને લઈ ગયા લાગે છે. હજી તમને એની વફાદારી ઉપર શંકા છે?”

“ના, કપ્તાન,” ખલાસીએ જવાબ આપ્યો. “ પણ આ બનાવ શું સૂચવે છે?”

“શું સૂચવે છે?” સ્પિલેટે પૂછ્યું.

“એટલું જ કે પશુશાળામાં આયર્ટનની હત્યા થઈ નથી. તેણે સામનો કર્યો હશે. પણ તે કદાચ જીવતો હોવો જોઈએ.”

આવી શક્યતા હતી. હાર્ડિંગ વગેરે પહેલાં એમ માનતા હતા કે આયર્ટનને ચાંચિયાઓએ પશુશાળાઓ એકાએક દબાવી ગોળીશી ઠાર કર્યો હશે. પણ હવે એવું લાગ્યું કે તેનું અપહરણ કરવામાં આવ્યું છે. ચાંચિયાઓને આયર્ટમાં પોતાનો પુરાણો સાથી બેનજોઈશ દેખાયો હોય. તેમને એમ લાગ્યું હોય કે આયર્ટન દગાબાજ બનીને તેમને પક્ષે આવી જાય; આથી તેને જીવતો રાખ્યો હોય એવો સંભવ હતો.

આ ઘટના પશુશાળામાં રહેનારને અનુકૂળ લાગી. જો આયર્ટન કેદી બન્યો હોય તો એક તક મળતાં નાસીને અહીં આવે. અને હાર્ડિંગનો પક્ષ મજબૂત બને. કદાચ તે ગ્રેનાઈટ હાઉસ પહોંચે; તો પણ નેબને મદદગાર બને.

ખલાસી એવો મતનો હતો કે હર્બર્ટને ગ્રેનાઈટ હાઉસમાં લઈ જવાથી તે જલદી સાજો થઈ જશે. પણ સ્પિલેટ હર્બર્ટના ઘા પૂરા રુંઝાયા ન હોવાથી ત્યાં જવાની રજા આપતો ન હતો. એક ઘટના એવી બની કે હર્બર્ટને ગ્રેનાઈટ હાઉસ લઈ જવામાં ઉતાવળ કરવી પડી. હર્બર્ટને ત્યાં ફેરવવાખી કેવું દુઃખ ભોગવવું પડશે તેની કોઈને જાણ ન હતી.

29મી નવેમ્બરે સાંજ સાત વાગ્યે ત્રણેય જણા હર્બર્ટના ઓરડામાં વાતચતી કરતા હતા, ત્યાં એકાએક ટોપનો ભસવાનો અવાજ સંભળાયો. હાર્ડિંગ, સ્પિલેટ અને ખલાસી બંદૂક લઈને બહાર દોડ્યા. ટોપ વાડની પાસે ઊભો ઊભો ભસતો હતો પણ એ ભસવું આનંદનું સૂચક હતું. ગુસ્સાનું નહીં.

“કોઈ આવી રહ્યું છે.”

“હા.”

“એ શત્રુ હોય એમ લાગતું નથી!”

“કદાચ નેબ હોય?”

“કે આયર્ટન હોય?”

બરાબર તે વખતે વડ કૂદીને કોઈ અંદર પ્રવેશ્યું. એ જપ હતો. ટોપે તેનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.

“નેબે મોકલ્યો લાગે છે.” સ્પિલેટે કહ્યું.

તેના ગળામાં એક નાનકડી કોથળી લટકાવેલી હતી. ખલાસીએ તેમાંથી કાગળ કાઢીને હાર્ડિંગના હાથમાં મૂક્યો. એ પત્રમાં નેબના હસ્તાક્ષર હતા. હાર્ડિંગે નિરાશા સાથે નીચેના શબ્દો વાંચ્યાઃ

“શુક્રવારે સવારે છ વાગ્ય

ગ્રેનાઈટ હાઉસ પાસે ચાંચિયાઓએ

હુમલો કર્યો છે.

-- નેબ”

બધા એકબીજા સામું જોઈ રહ્યાં. કોઈ એક શબ્દ પણ બોલ્યું નહીં. તેઓ પાછા ઓરડામાં પ્રવેશ્યા. હવે શું કરવું? ચાંચિયાઓએ ગ્રેનાઈટ હાઉસ પાસે સરોવરની ઉચ્ચપ્રદેશ ઉપર હુમલો કર્યો હતો. આ તો સર્વનાશની નિશાની હતો.

હર્બર્ટે ત્રણેય જણાને અંદર આવતા જોયા. તેણે ધારી લીધું કે પરિસ્થિતિ ગંભીર હતી. તેણે જપને જોયો. ગ્રેનાઈટ હાઉસમાં કોઈ અનિચ્છનીય બનાવ બન્યો છે. એમાં કોઈ શંકા ન રહી.

“કપ્તાન હાર્ડિંગ,” હર્બર્ટ બોલ્યો, “હુ ચાલી શકીશ; હવે મને પ્રવાસનો થાક નહીં લાગે.”

“તો ચાલો, નીકળી પડીએ!” સ્પિલેટે કહ્યું.

હર્બર્ટને ઝોળીમાં નાખીને લઈ જવો કે ગાડામાં? ઝોળીમાં નાખવાથી બે માણસ તેમાં રોકાઈ જાય. અને રસ્તામાં હુમલો થાય તો મુશ્કેલી પડે પણ ગાડામાં બધાના હાથ મોકળા રહે. ઘાસની પથારીમાં હર્બર્ટને વાંધો નહીં આવે.

ગાડું જોડાયું, સવારે બધા નીકળી પડ્યા.

“ફાવે છે ને, હર્બર્ટ?” ઈજનેરે પૂછ્યું.

“કપ્તાન, ચિંતા ન કરો.” હર્બર્ટે જવાબ આપ્યો. “હું રસ્તામાં નહીં મરી જાઉં!”

બોલવામાં હર્બર્ટને ખૂબ મહેનત પડતી હતી. તે તેની ઈચ્છાશક્તિને આધારે ટકી રહ્યો હતો. ઈજનેરનું હ્દય બેસી ગયું. અને આ સફર પડતી મૂકવાનું મન થયું. પણ એથી કદાચ હર્બર્ટને આઘાત લાગે એવો ભય હતો. અચકાતાં અચકાતાં તેણે આગળ વધવાનો આદેશ આપ્યો.

પશુશાળાનો દરવાજો બંધ કરી બધા ધીમે ધીમે ચાલવા લાગ્યા. ગાડાની એક બાજુ સ્પિલેટ અને બીજીબાજુ હાર્ડિંગ ચાલતા હતા. બંનેના હાથમાં ભરેલી બંદૂકો હતી. નેબે પત્ર સવારે છ વાગ્યે લખ્યો હતો. અને જપ પોણા સાતે પશુશાળામાં પહોંચી ગયો હતો. સાડા સાતે તેઓ રવાના થયા હતા. આથી ચાંચિયાઓ હજી ગ્રેનાઈટ હાઉસની આજુબાજુ હોય એવો સંભવ હતો.

ટોપ અને જપ બધાની આગળ ચાલતા હતા અને કંઈ ભય હોય તો સૂચના આપ્યા વગર રહે તેમ ન હતા. ગાડું ધીરે ધીરે ચાલતું હતું. પેનક્રોફ્ટસ ગાડું હાંકતો હતો. એક કલાકમાં તેઓએ ચાર માઈલનું અંતર કાપ્યું. રસ્તામાં કોઈ મુશ્કેલી ન આવી. રસ્તો ઉજ્જડ હતો. હવે ગ્રેનાઈટ હાઉસ પહોંચવા માટે માત્ર એક માઈલનું અંતર કાપવું પડે એમ હતું.

અંતે તેઓ ગ્રેનાઈટ હાઉસ પાસે આવી પહોંચ્યા. પેનક્રોફ્ટે ગાડું થોભાવ્યું અને કર્કશ અવાજે બોલ્યો-----

“અરે! હરામખોરો!”

તેણે લોટ દળવાની ચક્કી તરફ આંગળી ચીંધી. બધાએ જોયું તો ચક્કી, તબેલા અને મરઘાં ઉછેર કેન્દ્રમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા હતા.

એક માણસ ધુમાડાની વચ્ચે ફરતો હતો! બધાએ જોરથી બૂમ પાડી. નેબ તે સાંભળીને તેમને મળવા માટે દોડ્યો. ચાંચિયાઓ અડધી કલાક પહેલાં આ જગ્યા છોડીને ચાલ્યા ગયા હતા. તેમણે ગ્રેનાઈટ હાઉસ પાસે ઉચ્ચપ્રદેશમાં આવેલી બધી માલમિલકતને આગ લગાડી દીધી હતી.

“હર્બર્ટ ક્યાં?” નેબે પૂછ્યું.

સ્પિલેટ ગાડા પાસે પાછો ફર્યો.

ગાડામાં હર્બર્ટે ભાન ગુમાવી દીધું હતું!

***