kitty party books and stories free download online pdf in Gujarati

કીટી પાર્ટી

"હું જાઉં છું મમ્મી,મને આવતા મોડું થશે.હું જમીને જ આવીશ."સુહાનીએ તેની સાસુને કહ્યું.

"હા જા, વિરલ અને સુહાસ માટે હું જમવાનું તૈયાર કરી લઈશ." સમજુબહેનેં તેની પુત્રવધુને કહ્યું.

આટલા સરળ અને મળતાવડા સાસુ પોતાને મળ્યા છે એ વાતનું મનમાં ગર્વ કરતી સુહાની તો ઘરેથી કિટી પાર્ટી માટે નીકળી ગઈ.

એકાદ કલાક બાદ વિરલ ઑફિસેથી ઘરે આવ્યો અને સુહાનીને અવાજ લગાવ્યો"પાણી લાવ."

પાણીનો ગ્લાસ લઈને સમજુબહેન આવ્યા એટલે વિરલથી પુછાઇ ગયું "સુહાની નથી?"

"એ તો કીટી પાર્ટી કરવા ગઈ છે."

"તો હું જમવાનું ઓર્ડર કરાવી લઉં."

"અરે ના,હું જમવાનું બનાવી દઈશ."

"સારું, હું ફ્રેશ થઈ આવું."કહીને વિરલ તેના રૂમમાં ચાલ્યો ગયો.

બધા ડિનર લઇને લિવિંગ માં બેઠા હતા.કોઈ કારણસર TV ખરાબ હતું.તેથી બધા બેસીને વાતો કરતા હતા.

વાતમાંથી વાત નીકળી કીટી પાર્ટીની.

"દાદી, તમે કોઈ દિવસ કિટી પાર્ટી કરી છે?" સુહાસે પૂછ્યું.

"હા બેટા, અમે પણ ખૂબ કીટી પાર્ટી કરી છે."

"શું મમ્મી તમે પણ સુહાસ પાસે ખોટું બોલો છો!" ,"બેટા એ સમયમાં કિટી પાર્ટી ના થતી." વિરલે કહ્યું.

"અરે થતી બેટા, તને શું ખબર હોય."

"એમ, તો જરા યાદ કરાવો જોઈએ!" વિરલે કટાક્ષ કરતા કહ્યું.

સમજુબહેનની નજર સમક્ષ પોતાનો ભૂતકાળ ચલચિત્રની જેમ પસાર થવા લાગ્યો.

તેઓએ પોતાની વાત શરૂ કરી.
"અમારા સમયમાં તો ધુંધટનો રિવાજ હતો. ઘરમાં અને ઘરની બહાર હંમેશા ધુંધટમાં જ રહેવું પડતું. ક્યાંય પણ ખુલ્લા ચહેરે જઈ ના શકતા. અને કારણ વગર કોઈ સાથે વાતચીત પણ ના કરી શકતા. તે વખતે અમારો સમય પસાર કરવાનું શ્રેષ્ઠ સ્થળ હતું મંદિર."
સમજુબહેન અટક્યા, ટેબલ પર પડેલ જગમાંથી પાણી ગ્લાસમાં લીધું અને થોડું પાણી પીને ગળું ભીનું કર્યું.

ત્યારબાદ ફરીથી પોતાની વાત આગળ વધારી.
"મંદિરે પહોંચ્યા બાદ જાણે અમારો બધો થાક ઉતરી જતો. પ્રભુના ભજન - કીર્તન માં સમય ક્યાં પસાર થઈ જતો એ ખબર જ ના રહેતી. અને અત્યારે જેવી રીતે પબ માં જઈને લોકો ડાંસ કરે છે તેવું કાંઈ નહોતું પણ નાચવા માટે રાસ-ગરબાની સગવગ હતી કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ હોય ત્યારે તેમાં રાસ રમીને અમારી નાચવાની ઈચ્છા પૂરી થઈ જતી."
આવી હતી અમારી કીટી પાર્ટી.

પણ અત્યારે તો દેખાદેખી વધી ગઈ છે અને સ્ત્રીઓ ની સ્વતંત્રતા વધી ગઈ છે અને કીટી પાર્ટીના નામે તેઓ પોતાના સંસ્કાર પણ ભૂલી બેઠી છે.

ઘણી જગ્યાએ તો કિટી પાર્ટીના નામે આ લોકો દારૂ પણ પીવે છે અને બીજા નશા પણ કરે છે.

અમુક પાર્ટીઓમાં તો ચારિત્ર ના પણ સોદા થાય છે. સમજૂબહેને પોતાની વાત પૂરી કરી.

"બીજા કોઈ ખરાબ કામ કરે તો શું અમારે પાર્ટી કરવાનો કોઈ મતલબ નથી?" લિવિંગ માં દાખલ થતાં સુહાનીએ છણકો કર્યો.

સુહાની તથા તેની સહેલીઓને જ્યાં કિટી પાર્ટી કરવા જવાનું હતું તે હોટેલ પાસે પહોંચ્યા અને જોયું તો હોટેલમાં  પોલીસની રેડ પડી હતી અને ત્યાં ગેરકાયદેસર કાર્યો થતા હતા.

તેથી તેઓએ કિટી પાર્ટીનો પ્લાન કેન્સલ કર્યો હતો અને પાછા ફર્યા હતા.

હવે સુહાની જ્યારે ઘરમાં દાખલ થઈ ત્યારે કિટી પાર્ટીની વાતો થતી હતી તેથી તે ચુપચાપ બધી વાતો સાંભળી રહી હતી.
 
"અરે બેટા મે ક્યાં કિટી પાર્ટીની ના પાડી છે."

"ના નથી પાડી પણ કહેવા તો એવું જ કંઇક માંગો છો."

"અરે તું સરખું સમજી નહિ"

"તો સમજાવો!"

"તો સાંભળ , દારૂ પીવો, અભદ્ર રીતે નાચવું, ટૂંકા કપડા પહેરવા, હોટેલમાં જવું, એને તમે કિટી પાર્ટી કહો છો બરોબર ને!"

"હા , બરોબર"

"એના કરતાં ક્યારેક પરિવાર સાથે બેસો સુખ-દુ:ખ ની વાતો કરો , ક્યાંક બહાર લટાર મારવા નીકળો તેને પણ કીટી પાર્ટી જ કહેવાય."

સુહાની પર તેના સાસુના શબ્દોની અસર થઈ અને ત્યાર પછી નિર્ણય કર્યો કે આજ પછી ક્યારેય આવી ખોટી દેખાદેખીમાં નહિ પડે.