Mitrata nu maun books and stories free download online pdf in Gujarati

મિત્રતાનું મૌન

"શું કરું....કઈ જ સમજાતું નથી. આજે તું અહી હોત તો કેવું સારું હોત. તું આવી જા ને અહી પ્લીઝ...ઘણું બધું કહેવાનું છે." ચાંદની ફોન પર શિખાને કહી રહી હતી. " અરે હું તો અહી જ છું. ગઈ તો તું હતી." કહીને શિખાએ હાસ્ય વેર્યું. "બોલને શું થયું...". " ના..આમ ફોન પર મજા નથી આવતી. તારે તો બસ કોઈ પણ વાત હોય ટૂંકમાં જ પતાવવી હોય છે. અમુક વાતો રૂબરૂમાં કરવામાં જે મજા છે ને...ખેર તારા જેવા મશીન હ્યુમનને નહિ સમજાય. ને ન તો તું ટાઈમ કાઢીને આવીશ નહિ એ મને ખબર છે. એટલે કહી જ દઉં છું. છોકરો જોયો છે મે...અને ફોર એ ચેન્જ...મને થોડો મગજમાં પણ ઉતર્યો છે." ચાંદનીની વાત સાંભળતા જ શીખાએ કોમ્પ્યુટર સ્ક્રીન પર થી નજર અને  કીબોર્ડ પર થી હાથ બંને ઉઠાવી લીધા. સામે બેસેલા ભાઈને કહ્યું "જરા મને દસ મિનિટ આપશો...? હું એક અગત્યનો ફોન અટેન્ડ કરી લઉં..." "હા હા બહેન ચોક્કસ. હું રાહ જોઉં છું." ભાઈ બોલ્યા. શિખા ઊભી થઈને લોબી માં આવી. દબાતા અવાજે વાત ચાલુ કરી. " આમ તો મને છેક અત્યારે તું જણાવે છે માટે ગુસ્સો આવવો જોઈએ, પણ છેવટે તને કોઈક મગજમાં ઉતર્યું ખરું એની ખુશીમાં મારે કોઈ ફરિયાદ કરવી નથી. અત્યારે તો કામમાં છું. પણ તું નામ જણાવ એટલે આગળ ૨-૩ કલાક કામ કરતાં કરતાં હું મારી નામ પરથી માણસના વ્યક્તિત્વ વિશેના અભિપ્રાયો રજુ કરવાની કળા અજમાવી જોઉં ને તને જણાવું. પછી તું કહેજે મારા અનુમાન સાચા છે કે નહી......" "આ વખતે તું બહુ ફાવિશ નહી. કારણકે નામ થોડું અલગ છે...તે સાંભળ્યું નહિ હોય...." ચાંદની બોલી. "તો તો બોલી નાખ ત્યારે...મજા આવશે." શિખા એ કહ્યું. "હેતવ મહેતા...."
           શું કરે છે, ક્યાં રહે છે, શું ભણ્યો છે, ફેમિલી માં કોણ કોણ છે, એની રમૂજવૃત્તિ કેવી છે, એની ચાલ કેવી છે, એના એટિકેટ્સ ને મે નર્સ કેવા છે જેવાં કેટલા ય પ્રશ્નો શિખા એ પૂછી નાખ્યા હોત. પણ.........શિખા ને લાગ્યું ફરી એક વાર પૂછી જોઈ ને ખાતરી કરે એણે બરાબર જ સાંભળ્યું હતું ને. પણ એણે ન પૂછ્યું. "એવું છે એમ ને...નામ તો સારું છે. હવે ગુણો વિષેની ચર્ચા ૨-૩ કલાક પછી કરીએ. કામ પતાવીને ફોન કરું." કહીને શિખા એ ફોન મૂક્યો. આ બાજુ ચાંદની મનમાં વિચારી રહી. સારું છે આ છોકરીએ લગ્ન નહિ કરવાનો નિર્ણય લીધો છે. બિચારા સામેવાળાને રાહ જોઈને બેસી રહેવાનો જ વારો આવત.
           "સોરી ભાઈ.. આપણે આ કેસ વિશે કાલે ચર્ચા કરી શકીએ? આજે જરા મારે અર્જન્ટ બીજા કામમાં રોકાવું પડે તેમ છે. તમે આટલા ડોક્યુમેન્ટ કાલે લેતા આવજો. ને આ મુજબની એક પ્રિન્ટ કાઢી મને બતાવી જજો. " શિખા એ સામે બેસેલી વ્યક્તિને કહ્યું. એ ભાઈ ભલે કહી ઊભા થઈ ચાલતા થયા. શિખાને પોતે ખોટું બોલી એનો ક્ષોભ થયો. પણ  ચાંદનીની વાત ને ખાસ તો પેલું નામ સાંભળ્યા પછી બીજું કંઈ એને સંભળાતું નહોતું. એણે પોતાની જાતને ટપારી..., આખી દુનિયામાં એક જ હેતવ મહેતા છે? બીજું પણ હોઈ શકે. એક વાર ચાંદનીને મસેજ કરીને કહું ફોટો મોકલ. પણ પછી એને થયું, પોતે જે કળા માટે મિત્ર વર્તુળમાં જાણીતી છે, એ અજમાવી જોવા જેવી ખરી. ને હવે આ તબક્કે જો આ એ જ હેતવ હોય તો ય શું...નર્વસ તો એણે થવાનું હતું. કારણકે પોતે તો એવું કંઈ નાનપણ થી શીખી જ નહોતી. "મેડમ, સાહેબ યાદ કરે છે....." અરવિંદભાઈ એ આવીને કહ્યું. "હા આવી.." કહીને પાછી કામે વળગી. સાંજ સુધીમાં તો પાછી કામમાં એવી ડૂબી ગઈ કે બીજું કંઈ યાદ જ ના આવ્યું. એના માટે ઓફિસના કલાકો એટલે એવો સમય જેમાં એ બધું ભૂલી જતી. ને એટલે જ એ એનો સહુથી ગમતો સમય હતો. દિવસના વધારેમાં વધારે કલાકો ઑફિસમાં ગાળતી. મિત્રો પણ બહુ ખાસ હતા નહી. એકમાત્ર ચાંદની સાથે એને ખૂબ બનતું. એમ તો બહુ જૂની મિત્રતા નહોતી પણ સરખે સરખા એટલે ખૂબ બનતું. ઓફિસ થી વહેલા આવીને બેઓ મુવિઝ, ડિનર માટે જતા. ચાંદની નું ટ્રાન્સફર અમદાવાદ થી રાજકોટ થયા બાદ એ પણ બંધ થઈ ગયું. ફોન પર વાત થતી રહેતી. બન્નેને સરખી તકલીફ હતી. કોઈ એવી રીતે ગમતું નહિ કે જેની સાથે આખી જિંદગી જીવવાની ઈચ્છા થાય. ફરક માત્ર એટલો હતો શિખા એ જાત અનુભવ કરી ને આ તારણ કાઢ્યું હતું ને ચાંદની એ બીજાનું નિરીક્ષણ કરીને. હવે તો શિખાને ઘરેથી પણ લગ્ન અંગે આગ્રહ કરવાનો છોડી દીધો હતો. એણે પણ નક્કી કરી લીધું હતું. કોઈ એવું મળશે જેના માટે કઇ પણ કરી છૂટવાનું મન થાય તો જ બંધાશે બાકી પોતાની સાથે જ રહેશે. આમ પણ જીવનમાં કઈ એવું ખૂટતું નહોતું. સારી એવી જોબ હતી. નાનું ત્રણ જણ નું ફેમિલી હતું. એને ઘણી વાર નવાઈ લાગતી કે જે વસ્તુ માટે છોકરીઓ આટલી બધી થનગનતી હોય છે, એને માટે પોતાને કેમ કોઈ ઉત્સાહ જ નથી. પોતે કઈ માટીની બનેલી છે એવો પ્રશ્ન એને થતો. એવામાં એને રૂમમેટ તરીકે ચાંદની મળી ગઈ. બંન્ને ને લાગ્યું કે દુનિયામાં પોતાના જેવું બીજું પણ કોઈ છે. પછી એ દિશામાં વિચારવાનું પણ બંધ થઈ ગયું. બંન્ને પોતાની દુનિયામાં રહેવા લાગ્યા. એમની મિત્રતા મૌનથી સચવાયેલી હતી. સંવાદ ઓછા ને મૌન વધારે રહેતું. છોકરીઓ હોવા છત્તા ભાગ્યે જ કામ વગરના કોઈ શબ્દોની આપ - લે બંન્ને કરતાં. ને એ જ કારણ હતું બંન્ને એકબીજા સાથે આટલા સહજ હતાં. શિખા બધું યાદ કરી રહી. એટલામાં ફોન ની રીંગ વાગી. સ્ક્રીન પર ચાંદનીનું નામ જોઈ એને યાદ આવ્યું કે એને ફોન કરવાનો અને ફોન કરીને શું કહેવું એ વિશે વિચારવાનું પોતે ભૂલી જ ગઈ હતી. વધુ વિચાર કર્યા વગર એણે ફોન ઉપાડ્યો. સામે ચાંદની એ એના મધુર અવાજમાં ગાયું..."એ હું તો કાગળિયાં લખી લખી થાકી..." ને શિખા હસી પડી. "ચંપા.... કમાલ છે તું. બીજી વાત હોય ને તું ભૂલી જાય મારા માટે નવું નથી પણ આ વાત પણ તું આમ ભૂલી જઈશ એ મારા માન્યામાં નથી આવતું. તારી જગ્યા એ હું હોય ને તે મને આવું કીધું હોત હું રજા મૂકી ને તારી સામે હાજર થઈ જાત. પણ એનીવે...બહાના તૈયાર જ હશે તારા. ને એ મારે નથી સાંભળવા. આપણે મૂળ વાત પર આવીએ. તો શું અનુમાન લગાવ્યા છે તમે એ જરા કહેશો..."  શિખા પાસે કહેવા માટે એટલું બધું હતું પણ એને ખૂબ ચીવટથી કહેવાનું વિચાર્યું. "તું પહેલા મને એમ કહે તું એને કેટલી વાર મળી છે...". એણે પૂછ્યું. "આમ તો ચાર વાર. ને બધી વાર ૨ કલાક જેવું." ચાંદની બોલી. " ઓકે...તો મારું પહેલું અનુમાન કહે છે કે હેતવ બહુ વાતો નહિ કરતો હોય..... એણે જે રીતે પહેલી મિટિંગ માં વાત કરી હશે એ જ રીતે અને એ જ પ્રમાણસર ની વાત તમારી લાસ્ટ મિટિંગ માં પણ કરી હશે...". શિખા એ કહ્યું. "વેલ...આવું  તો મે પહેલા ઓબઝરવ નહોતું કર્યું..પણ અત્યારે યાદ કરું છું તો હા...નાનું પણ સાવ સચોટ અનુમાન છે તારું...વેલ સ્ટાર્ટ.." ચાંદની એ ઉમેર્યું."બીજું કહો...." શિખા એ આગળ કહ્યું "એનું ડ્રેસિંગ બહુ સાદું પણ ઇમ્પ્રેસિવ હોવું જોઈએ. તે જોઈને એમ વિચાર્યું હશે કે આ મારા પ્રમાણે નથી પણ એને મોડીફાય કરવામાં બહુ વાંધો નહિ આવે ...". "એકદમ એક્યુરેટ...શિખા અત્યાર સુધી મે એમ વિચારેલું કે તું તુક્કા મારતી હોઈશ ને સાચા પડી જતાં હશે, બટ ધેટ્સ નોટ ધી કેસ...આઈ એમ ઈમ્પ્રેસડ .....પછી બીજું......."
              આગળ શિખાને કહેવાની ઈચ્છા થઈ...કે એ ખૂબ ધીમે ખાતો હશે...આમ આંખોમાં આંખો નાખીને વાત નહિ કરે પણ જ્યારે જોઈ રહેશે ત્યારે છોભિલું પડી જવાય એ રીતે જોઈ રહેતો હશે....એની ધીમેથી સ્માઇલ સ્ટાર્ટ કરવાની ને સ્પીડ માં એને સમેટી લેવાની  છટા એની સ્માઇલ ને સુંદર બનાવે છે.....ખૂબ વિચારીને બોલતો હોય એવું લાગશે પણ પછી ખબર પડશે કે એની આ જ સહજ રીત છે...એ કંઇક બોલવાનો હોય ત્યારે તું રાહ જોઈ રહે કે શું બોલશે એ રીતે વાત ચાલુ કરતો હશે........ તારી બધી વાતો શાંતિથી સાંભળતો હશે ને એ બધી વાતોમાંથી તે નહિ ધાર્યું હોય એ જ વાત ને લગતો સવાલ કરતો હશે.....કોઈ પણ વખતે બોલાવ એ સમયસર જ આવતો હશે.......તું જેટલી વાર મળીશ એટલી વાર કારનો દરવાજો તારા માટે ખોલવાની કર્ટસી એ બતાવતો હશે.....ને તું ગેટ ની અંદર ઘર સુધી પહોંચી જાય ત્યાં સુધી એ બહાર ઊભો રહેતો હશે....
             ........ને જો એ આ બધું કરતો હશેને ચાંદની..... તો એ એક વખતનો મારો હેતવ જ છે જેની આ બધી વાતોને એના ગયા પછી મે અનાયાસે જ નોંધી છે...કારણકે એ હતો ત્યાં સુધી એની દરકાર કરવાની તસ્દી મે લીધી નહોતી....આ એ જ હેતવ છે જેણે મારા જેવા  મશીન હ્યુમન પર હેતની હેલી વરસાવી હતી પણ મને એ ઝીલતાં આવડી નહીં...ને બીજું ઘણું ....પણ એણે હસીને કહ્યું...."તું ખરેખર સાવ ભોળી છે. હું તુક્કા જ મારું છું ને અનાયાસે સાચા પડી જાય છે. એમ કઈ કોઇના નામ પરથી એનું વ્યક્તિત્વ થોડું ભાખી શકાય છે. તું એક કામ કર, ચોથી વાર મળી છે એટલે તને પસંદ તો હશે જ. થોડો વધારે સમય લે ..અને તને એમ લાગે કે ફાવશે તો આગળ વધ..." ચાંદની એ સામે અકળાઈ ને કીધું, " આવી વડીલો જેવી સલાહ આપવાની હોય તો રહેવા દેજે. હું વડીલો સાથે જ વાત કરી લઈશ. નક્કી થાય તો આવી જજે સગાઈમાં. હું ય કોને પૂછું છું બધું....જવા દે વાત. હવે સાંભળ..હું સોમવારે પહેલી વાર હેતવ નાં ઘરે જાઉં છું. ને સોમવારે એનો બર્થ ડે પણ છે. અત્યારે કઈ પણ આપવું બહુ વિયરડ લાગશે, ને કઈ ના આપું તો રૂડ લાગશે..તો હું વિચારું છું નાનો એવો બુકે લઈ ને જાઉં...શું લાગે છે તને..?  ઠીક રહેશે ને એ?"..........."ના ફૂલોની એને એલર્જી છે અને......" શિખાથી સહજપણે બોલી જવાયું અને ફોનમાં બંન્ને છેડે મિત્રતાનું મૌન છવાઈ રહ્યું........