Nirav Patel - Bahishkrut phool khari padyu books and stories free download online pdf in Gujarati

નિરવ પટેલ - બહિષ્કૃત ફૂલ ખરી પડ્યું

'બહિષ્કૃત ફૂલ' ખરી પડ્યું.

Neerav Patel હવે આપણી વચ્ચે નથી.
સાચેજ નિરવ પટેલ એવું તે સાહિત્ય રચીને ગયા જે સમાજની વ્યવસ્થા અને અડોડાઇના ઊંડાણમાંથી અંતર કોરીને આવતું હતું.તેમના સાહિત્યમાં સચ્ચાઈનો રણકો હતો.
તેઓ માત્ર જીવવા માટે મૌન રહી જીવતા માનવી નહીં પણ જીવંત રહી વલોપાત કરીને પણ ખૂણામાં સંતાયેલી વેદના અને સચ્ચાઈને તેઓ બહાર લાવતા.
તેઓ દુનિયાને મજાની ગણતા"કહેતા મારે આ મજાની દુનિયા છોડી નથી જાવું. તેમનું કાવ્ય જોઈએ.
"દુનિયા"
બહુ મજાની છે આ દુનિયા.
બહુ અજાયબ છે આ દુનિયા.
બહુ રળિયામણી છે આ દુનિયા.

પ્રક્રુતિ તો છે જ છે,
પણ માનવીએ સર્જેલી સંસ્કૃતિ ને સભ્યતાનો અસબાબ તો જૂઓ :

જસ્ટ કોઈ મોટ્ટા મોલનો આંટો તો મારી આવો,
કોઈ એરપોર્ટની લોન્જમાં કલાક બેસી તો આવો,
કોઈ મોટા મેટ્રોસ્ટેશને રશ અવરમાં બે ઘડી ઊભા તો રહી આવો,
મલ્ટિપ્લેક્સમાં એકાદ નવી ફિલ્મ જોઈ તો આવો,
કે કોઈ ગ્રામીણ હાઈવેની લોંગ ડ્રાઈવ પર તો જઈ આવો.

રીવર ફ્રંટના બગીચે લાગેલો ફૂલોનો મેળો તો થોડો મહાલી આવો,
કોઈ ઈન્ટરનેશનલ બૂકફેર કે લિટફેસ્ટમાં ચક્કર તો મારી આવો,
થોડા દિવસની એક ઈન્ટરનેશનલ ટૂર તો કરી આવો,
કોઈ કવિ સંમેલન કે કોન્સર્ટમાં તો જઈ તો આવો,
વિશાલા જેવી કોઈ હેરિટેજ હોટલનો મલ્ટિકોર્સ થાળ જમી તો આવો ...

તમે ક્યાંય પણ જઈ આવો.
તમે અચંબિત થઈ જશો માનવીએ સર્જેલી આ માયાવી દુનિયાથી!

બસ મુશ્કેલી એ છે કે સૌને માણવા સુલભ નથી આ સભ્યતાઓ!
દુનિયાને માટે હલ કરવા કરવા યોગ્ય સવાલ માત્ર આ જ બચ્યો છે.

કયો જોગિયો બાવો હશે
જેને આવી મજાની દુનિયા છોડવામાં મજા આવે?
મને ભોગિયાને તો બિલકુલ નથી ગમતું આ દુનિયા છોડી જવાનું.

*
અહીં તેમનાં બીજા મને ગમેલ કેટલાક કાવ્યો મુકું છું.

તેઓ અંતિમ સમય સુધી1સોસિયલ મીડિયામાં રહ્યા. તેમણે છેલ્લું  કાવ્ય 26 ફેબ્રુઆરી 2019ના રોજ અપલોડ કર્યું.આ કાવ્યમાં તેમણે આદિવાસી પ્રજાની વાસ્તવિક સ્થિતિનો ચિતાર આપી સુપ્રિમને ચાબખો ચાબખો માર્યો છે.


આદિવાસી

*
જાનવર થઈને જીવવું સારું,
બિચારા મૂળનિવાસી આદિવાસી માણસનું તો આવી જ બન્યું છે આ દેશમાં.

સિંહને અભયારણ્ય,
વાઘને અભયારણ્ય,
રીંછને અભયારણ્ય.
ગાયને અભય ગૌચરો ને રાજમાર્ગો,
જંગલી ગધેડાઓનેય એમનું આગવું અભયારણ્ય.

આદિવાસીઓને એમનું અભયારણ્ય ક્યારે મળશે?
બાવા આદમનાં બચ્ચાંઓને એમનું અભયારણ્ય ક્યારે મળશે?

ગઈ કાલે સુપ્રીમ કોર્ટે પેનના એક ગોદે
20 લાખ આદિવાસીઓને ખદેડી મૂક્યા
એમની જંગલઝૂંપડીઓમાંથી.
સરકારો શ્રીમંતોના વિકાસ માટે આદિવાસીઓને લગાતાર નિરાશ્રિત નિર્વાસિત કરી મૂકે છે આ દેશમાં.

ભોળાભલા આદિમાનવી થઈને
પોતાની મસ્તીમાં લંગોટી પહેરી જીવ્યા
ને જંગલનું જતન કર્યું
એ જ તો એમનો ગુનો.
વાઘવરુદીપડા હોત
તો તો જંગલના રાજા હોત,
આખું અરણ્ય એમને માટે અનામત હોત.

જંગલમાં શું નથી?
ધનિકોના બંગલાઓ માટે સાલ, સીસમ ને સાગ છે,
રાજમાર્ગો માટે સિમેન્ટ, કોન્ક્રીટ ને આસ્ફાલ્ટ છે,
શહેરીઓ માટે સોના ચાંદી લોખંડ કોલસા ગેસની ખાણો છે,
જમીનદારો માટે બારમાસી નદીઓનાં પાણી છે, વીજળી છે,
ઉદ્યોગપતિઓ માટે એકરો જમીન છે.

શહેરીઓ પાસે નથી તો સસ્તા મજૂરો,
વેઠિયાવૈતરિયાઓ, રામાઓ ને ગુલામો.
શહેરીઓને જોઈએ છે એમની લક્ઝુરિયસ સંસ્કૃતિના સર્જક એવા શ્રમજીવી સર્વહારાઓ,
આદિવાસીઓ.

જંગલમાંથી ખદેડો એમને,
એ તો લોહીપસીનો એક કરીને રાતોરાત મહેલો મોલ મેટ્રો મલ્ટિપ્લેક્સો બાંધી દેશે.
એ તો જીવતા રહેવા કંઈ પણ કરી લેશે:
શહેરીઓના શૌચાલયો સાફ કરી લેશે,
નગરપાલિકાઓની કચરાગાડીઓય હાંકશે,
જીવનગૂજારા માટે એ કોઈ કામને નાનું મોટું નહીં ગણે.

આજે ભલે ખદેડો એમને
એમનાં પ્રાણપ્યારાં જંગલોથી.
શહેરમાં આવવા દો એમને,
એમનાં બચ્ચાંઓને મ્યુનિસિપાલિટીની નિશાળે ભણવા જવા દો,
એમના કાને ઈન્કલાબનાં ગાણાં પડવા દો,
એમને જાણવા દો કે
આદિવાસી માણસ કરતાં
જંગલી જાનવરોનાં જીવતર બહેતર છે
આ દેશમાં.

આદિવાસીઓ સંસ્કૃતિ સર્જી શકે છે,
શોષકોની જનાવરી સંસ્કૃતિને નેસ્તનાબૂદ કરી નવી ન્યાયી માનવીય સંસ્કૃતિ
સર્જી શકે છે.

–----------------
દેશને માથે દશાવબેઠી છે તેમ કટાક્ષ કરી લખેલી દશામાં કૃતિ અનોખી છે.

દશામા


*

વગડે વસંત બેઠી છે


તો દેશને માથે દશામા,
ને પ્રદેશોને માથે પનોતીમા.

આંબે મ્હોર મહેંકે છે,
કોયલ ટહૂકે છે,
કેશૂડો કેસરિયો લહેરાવે છે.

દેશમાં ગંગા ગંધાય છે,
પ્રદેશમાં સાબરમતીને લોકો ગટરગંગા કહે છે,
નર્મદાનાં નીર નર્યાં કાદવિયાં થયાં છે.

ઝાડવાં નવે પાંદડે વરરાજા જેવાં શોભે છે,
બોડિયા થોરય હવે લીલાંછમ પાંદડે ને ફૂલે જોબનમાં મહાલે છે,
નીલગાયનાં ટોળાં નવી શિંગડીએ નાચે છે.

દેશમાં લોક મૂરઝાયેલાં છે,
બે ટંકના રોટલા માટે રઝળે છે,
માથે છાપરા વગર ટૂંટિયું મારી ફૂટપાથ પર સૂવે છે.
ક્યારે કોણ છરો હૂલાવી દેશે એની દહેશતમાં અડધી રાતે જાગે છે.

વગડે વસંત બેઠી છે,
દેશ માથે દશામા બેઠાં છે.

લોકો માટીના ઊંટિયા બનાવી
ઘર ઘર પૂજા કરે છે દશામાની.

દશામા વચન આપે છે :
કોઈ બત્રીલખણા દેશનેતાનો બલિ ચઢાવો તો દશા ઉતરે,
વગડાની જેમ દેશમાંય વસંત ખિલે.

લોકો બત્રીલખણાને દેશભરમાં શોધે છે :
બ્રાહ્મણક્ષત્રિયવૈશ્યમાં કોઈ મળતું નથી,
થાકીને દલિત માયાના વારસને મનાવી લે છે :
તું જ બત્રીલખણો,
તું જ અમારો તારણહાર.

વગડે વસંત મહોરે છે,
દશામા કોપાયમાન છે આ છેતરપિંડીથી.
દેશને માથે દશામા બેઠાં છે ઓર ભારે ભરડો લઈ.

-----------------

તેમના કાવ્યોમાં ભારોભાર રોષ જોવા મળે. વિશેષ દેશને ગંદી રાજનીતિ થી ખરડી રહેલ નેતાઓ અને કટ્ટરવાદીઓ સામે તેમને રોષ.તેમના હિંદુઓ કાવ્યમાં આ રોષ હૂબહૂ ડોકાયો છે.

હિંદુઓ

*

હિંદુ ધર્મની અનેક જાતિઓ અને પંથો છતાં,
હિંદુઓ માત્ર બે જ પ્રકારના હોય છે.

ઉદારમતવાદી હિંદુઓ
અને કટ્ટરપંથી હિંદુઓ.

માનવતાવાદી હિંદુઓ
અને હિંદુત્વવાદી હિંદુઓ.

દેશપ્રેમી હિંદુઓ
અને હિંદુરાષ્ટ્રપ્રેમી હિંદુઓ.

ઉપનિષદપંથી હિંદુઓ
અને પુરાણપંથી હિંદુઓ.

આધુનિકતાવાદી હિંદુઓ
અને પુરાતન-સનાતનવાદી હિંદુઓ.

ધર્માંધ હિંદુઓ,
અને ધર્મનિરપેક્ષ હિંદુઓ.

RSS-VHP-BJP-શિવસેનાના હિંદુઓ
અને એ સિવાયના બાકીના હિંદુઓ.

હિંદુ મહાસભાના હિંદુઓ
અને મહાત્મા ગાંધીના હિંદુઓ.

હિંદુઓ મૂળે બે જ પ્રકારના હોય છે :

'વસુધૈવ કુટુંબકમ'માં માનવાવાળા હિંદુઓ.
અને 'શ્રેણીબદ્ધ બહુજાતિ હિન્દુકુટુંબકમ'માં માનવાવાળા હિંદુઓ.

----------------