kiss books and stories free download online pdf in Gujarati

ચુંબન

ગામડે આવ્યાનો આનંદ હતો.

મમ્મી પપ્પાની સરકારી નોકરીને કારણે મારે ડાભસર ગામમાં મામાના ઘરે રહી પ્રારંભિક શિક્ષણ લેવું પડ્યું હતું.બાળપણમાં જે ધરતી ખુંદી હતી તેને સ્પર્શ કર્યો.બાળપણમાં દિવસના ૩ થી ૪ કલાક જે નહેરમાં ડૂબકી મારી તરવાનો આનંદ લેતો હતો તે માહિ સિંચાઈની કેનાલ પાસે પહોચ્યો.આજે પણ ડૂબકી મારવાનું મન થયું.

મિત્ર રવિ સાથે હતો એટલે તેણે પણ કંપની આપવાનું કહ્યું.

હજુ શર્ટનું પ્રથમ બટન ખોલું છું ત્યાં સામે કાંઠે ઊંટને પાણી પાતી,કચ્છી કપડામાં એક સ્વરૂપવાન યુવતીને જોઈ.આંખો અને વિચારોને સતેજ કરતા જ મુખમાંથી શબ્દ સરી પડ્યા'જેસલ".

હું સ્મૃતિમાં ખોવાયો.

પ્રાથમિક શિક્ષણ દરમ્યાન શાળામાં નૃત્ય સ્પર્ધા યોજાઈ.નૃત્યમાં માછીમાર હું ને મારી જોડીમાં જેસલ.

ગામને પાદરે રહેતા બાર જેટલા કચ્છી વણઝારા પરિવારમાંથી એક માત્ર શાળામાં ભણતી જેસલ.અમારા નૃત્યમાં આલિંગનનું દ્રશ્ય આવે એટલે અમે દૂર થી આલિંગનનો અભિનય કરી દ્રશ્ય ભજવીએ.

તાલુકા અને જીલ્લામાં પ્રથમ નંબર આવ્યો એટલે રાજ્ય કક્ષાએ ભૂજ ખાતે ત્રણ દિવસના મહોત્સવમાં ભાગ લેવા જવાનું થયું.રૂઢીચુસ્ત માતાપિતાએ મહામહેનતે જેસલને રાજ્યની સ્પર્ધામાં ભાગ લેવા મંજુરી આપી.

ભુજ જતી વખતે રસ્તામાં જેસલનું ગામ અંજાર આવ્યું.જેસલ-તોરલ ની વાત નીકળી ને અમારી આ જેસલે સુંદર કંઠે જેસલ-તોરલનું ગીત"પાપ તારું પરકાસ જાડેજા,ધરમ તારો સંભાળ રે!"ગાયું.ગજબનો આત્મ વિશ્વાસ ધરાવતી જેસલ ભૂજ ઉતરી એટલે ઉત્સાહમાં આવી

મારો હાથ પકડી,ભુજીયા ડુંગરનો ઈતિહાસ કહેવા લાગી.ક્ષણવારમાં તેણે હાથ છોડયો અને સામે ઉભેલા ઊંટ પાસે જઈ ઊંટના પગને હાથ ફેરવી હળવું આલિંગન આપી બોલી,"આ ઊંટ રણમાં દોડી અને ઝડપી ચાલી શકે અને પાણીમાં તરી પણ શકે.મારી જેમ,જે મન કહે તે કરે હો!અમે દિલથી ચાહીએ એટલે આલિંગન આપીએ.ઊંટ સઘળું દુખ ભૂલી આગળનો રસ્તો કાપે."તેનામાં ગજબની સ્ફૂર્તિ,આંખોમાં ચમક અને શબ્દોમાં ફિલોસોફી હતી.

હું તેને અને તેની નટખટ અદાઓને જોતો જ રહ્યો.

અમારો રાત્રી કાર્યક્રમ હતો.ડીસેમ્બરની કકડતી ઠંડીમાં રાત્રીના ૧૦.૩૦ વાગ્યા હતા.અમારું માછી નૃત્ય શરુ થયું.નૃત્ય પહેલા જ જેસલ થર થર કાંપે.નટખટ જેસલ એકાએક તાવમાં સપડાઈ.અમારી શિક્ષિકા બહેને તેને દવા આપી પણ કોઈ ફેર ન જણાયો.તેજ ક્ષણે જેસલને મેં મારી શોલ આપી અને ખુરશીમાં બેસવા જણાવ્યું.

ખેતરોમાં કુદતી ઊછળતી જેસલ આજે કચ્છી પહેરવેશમાંથી માછીમાર બહેનનો ડ્રેસ પહેર્યો હોઈ અજુગતી લગતી હતી.મેં તો હિમ્મત કરી કહી દીધું, "તું તો ગામમાં તારા અસ્સલ ચણીયા ચોલી વાળા કચ્છી કપડામાં જ સુંદર લાગે."તેણે મારી જ ઓઢેલી શાલમાં મો સંતાડી દીધું અને હળવું હાસ્ય વેર્યું.

અમારું નૃત્ય શરુ થયું અને એ આલિંગનનું દ્રશ્ય આવ્યું ત્યાં જેસલે સાચે સાચા જાણે કે દિલથી જ દ્રશ્ય ભજવી નાખ્યું.હું હેબતાઈ ગયો અને નૃત્ય પૂરું થતા જ જેસલ બોલી,"લે તારી શોલ હવે દવાની અસર થઇ ગઈ છે,મને મટી ગયું છે."ને મંદ-મંદ હસતી તે બસમાં બેસી ગઈ.


હા...આ એજ જેસલ છે.જોકે હું બુમ પાડું તે પહેલા જ તેની પાસે એક પુરુષ હાથમાં લાકડી લઈને આવ્યો.તેણે જેસલના હાથમાંથી ઊંટની દોરી લઇ લીધી અને ઊંટને નીચે બેસાડી જેસલને ટેકો આપી ઊંટ ઉપર ગોઠવેલા ખાટલા ઉપર બેસાડી દીધી.

હું ઉચ્ચ અભ્યાસ માટે શહેર ચાલ્યો ગયો.આજે ૧૪ વર્ષે જયારે મામાના ઘરે આવ્યો ત્યારે એકાએક જેસલને જોતાં જ સ્મરણોમાં ખોવાયો.મિત્ર રવીએ કહ્યું,"હા એ જ જેસલ છે.થોડા સમય પહેલા અહી મહી નદીમાં પૂર આવ્યું ત્યારે પૂરમાં ફસાયેલી સ્કુલ બસના ૧૨ જેટલા બાળકોને બચાવવા તે પણ કુદી હતી.બાળકો તો બચી ગયા પણ બસ દરવાજામાં તેનો પગ ફસાઈ ગયો અને બસ નીચે તેના પગ દબાઈ ગયા હતા.તેનો જીવ બચ્યો પણ મોટી સર્જરી કરવી પડી હતી.હા,તે આજે પણ એવી ને એવી જ છે,પણ કુદી-દોડી શક્તિ નથી.તેનો પતિ તેન ખુબ જ પ્રેમ કરે છે,દિલથી સાચવે છે.

ઊંટ ચાલવા માંડ્યું એવામાં જેસલની નજર મારા પર પડી.તેણે મંદ હાસ્ય વેર્યું અને નીચા નમી ઊંટની પીઠ પર ચુંબન કર્યું.