Bhedi Tapu - Khand - 3 - 14 books and stories free download online pdf in Gujarati

ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 14

ભેદી ટાપુ

ખંડ ત્રીજો

(14)

જ્વાળામુખીના ધુમાડા

25મી માર્ચ આવી પહોંચી.

રીચમન્ડથી બલૂનમાં બેસીને નાસી છૂટ્યો એ વાતને આજે ત્રણ વર્ષ પૂરાં થયાં હતાં. આ ત્રણ વર્ષ દરમિયાન તેઓ પોતાના દેશને ભૂલ્યા ન હતા.

અમેરિકાનું આંતરયુદ્ધ પૂરું થઈ ગયું હશે એવી તેમની માન્યતા હતી. એ યુદ્ધમાં કેટલું લોહી રેડાયું હશે? કેટલા મિત્રો મૃત્યુ પામ્યા હશે? આવા વિષયો ઉપર તેઓ વાતચીત કરતા હતા. પોતાના દેશમાં પાછા પહોંચવાની બધાને કેટલી ઝંખના હતી!

દેશમાં પહોંચવા માટે બે જ રસ્તા ખુલ્લા હતા. એક તો, આયર્ટનને લેવા માટે કોઈ વહાણ આવી પહોચે; અને બીજુ, તેઓ પતો એક ખૂબ મોટું વહાણ બનાવે. ઘણી બધી ચર્ચાને અંતે એક વહાણ બનાવવાનું નક્કી થયું.

“પેનક્રોફ્ટ,” હાર્ડિંગે પૂછ્યું, “ત્રણસો ટનનું વહાણ બનાવતાં કેટલા મહિના લાગે?”

“સાતથી આઠ મહિના,” ખલાસીએ જવાબ આપ્યો. “આવતા નવેમ્બરમાં તૈયાર થઈ જાય.”

બધા વહાણ બનાવવાના કામમાં લાગી ગયા. હાર્ડિંગે વહાણનો નકશો તૈયાર કર્યો, અને મોડેલ બનાવ્યું. તેમના સાથીઓ આ સમય દરમિયાન કુહાડીઓ લઈને નીકળી પડ્યાં. મોટાં મોટાં ઝાડ ધરાશાયી કરી દીધાં. લીલાં ઝાડ કામ ન આવે એયલે તેને સૂકાવા દેવા જરૂરી હતા. ગુફા પાસે વહાણ બાંધવાનું કારખાનું શરૂ કર્યું. ત્યાં એક મોટું છાપરું બાધ્યું. બધા ઝાડ ગાડામાં નાખીને એ છાપરામાં પહોંચાડતા હતા.

એપ્રિલ મહિનામાં આ કામ જોરદાર રીતે ચાલ્યું. એ સાથે મિલ ફરી બાંધવાનું, મકાનો બાંધવાનું અને ચાંચિયાઓએ કરેલા વિનાશનું સમારકામ કરવાનું તો ચાલુ જ હતું. પક્ષીઓનની સંખ્યા વધી હતી. રોઝની સંખ્યા પાંચની થઈ હતી. તે ગાડું હાંકવામાં અને સવારી કરવામાં કામ આવતાં હતા.

બધાએ કામની વહેંચણી કરી લીધી હતી. કોઈ જરાય થાકે તેવા ન હતા. બધાની તંદુરસ્તી પણ ખૂબ સારી હતી. આયર્ટન બધા સાથે ભળી ગયો હતો. એ હવે પશુશાળામાં રહેવા જવાનુ નામ લેતો ન હતો. જો કે તે થોડો દિલગીર દેખાતો હતો ખરો, પમ એની આવડતનો કોઈ પાર ન હતો. મજબૂત, ચતુર અને મહેનતુ આયર્ટન કોઈ પણ કામને સફળતાથી પાર પાડતો હતો. બધા તેને ચાહતા હતા અને આદરથી જોતા હતા. આયર્ટનને પણ આ વસ્તુનો ખ્યાલ હતો.

આ સમય દરમિયાન પશુશાળા ઉપર પણ ધ્યાન અપાતું હતું. એકાંતરે કોઈને કોઈ ત્યાં જતું; અને વ્યવસ્થા પર ધ્યાન આપતું. નેબ ગાડામાં બેસીને જતો અને દૂધ દોહીને લાવતો સાથોસાથ શિકારની કામગીરી પણ ચાલ્યા કરતી. કેપીબેરા, કાંગારું, ડુક્કર, બતક, ટેટ્રા, જેકમાર વગેરે પશુપંખીઓનો શિકાર કરી યોગ્ય ખોરાક મેળવી લેવામાં આવતો હતો. નેબ રસોયા તરીકે બધી વ્યવસ્થા સંભાળતો હતો.

ટેલીગ્રાફના તાર તૂટ્યા હતા તે પાછા સાંધી લીધા અને તારનો સંદેશા વ્યવહાર પશુશાળા સાથે પાછો ચાલુ થી ગયો હતો. ચાંચિયાઓ ફરી હુમલો કરે તો સાવચેતીના પગલાં હાર્ડિંગે લીધાં હતાં. દૂરબીનથી રોજ દરિયાનું નિરીક્ષણ કરવામાં આવતું હતું. પશુશાળાને વધારે મજબૂત કરવાની યોજના પણ ઘડવામાં આવી હતી. આ યોજના નવરાશે પાર પાડવાની હતી.

15મી મે સુધીમાં નવા વહાણનો કુવાસ્થંભ તૈયાર થઈ ગયો. આ કૂવાસ્થંભ એકસો દસ ફૂટ ઊંચો હતો અને નીચથી પચીસ ફૂટ પહોળો હતો. પછીના અઠવાડિયામાં સુકાન તૈયાર કરી નાખ્યું.

તે પછી મહિનાના છેલ્લા દિવસોમાં હવામાન બગડ્યું. વાવાઝોડાં થવા લાગ્યાં. વહાણ બાધવામાં કારખાના પાસે ઊભું કરેલું છાપરું તૂટી પડવાનો ભય લાગ્યો. પણ સદ્દભાગ્યે આ બીક સાચી ન પડી. પેનક્રોફ્ટ અને આયર્ટન ખૂબ ઉત્સાહી હતા. જ્યાં સુધી શક્ય બન્યું ત્યાં સુધી તેઓ કામ કરતા રહ્યા. તેઓ વરસાદથી કે વાવાઝોડાથી ગભરાતા ન હતા. પણ જ્યારે જોરદાર કરા પડવા માંડ્યા અને કામ કરવું મુશ્કેલ થઈ પડ્યું ત્યારે 10મી જૂન આસપાસ વહાણ બાંધવાનું કામ અટકાવી દેવું પડ્યું.

શિયાળા દરમિયાન લીંકન ટાપુ ઉષ્ણતામાન કેટલું હતું તેની નોંધ હાર્ડિંગ અને તેના સાથીઓ રાખતા. થર્મોમિટર જૂન, જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન 8 અંશ ફેરનહીટ નીચે ગયું ન હતું.

આખા ટાપુ ઉપર શોધખોશ કરીએ વાતને સાત મહિનના વીતી ગયા હતા. સપ્ટેમ્બર મહિનામાં હવામાન સુધર્યું હતું. પણ ભેદી માનવી વિશે કંઈ જાણવા મળ્યું ન હતું. તેની શક્તિનો કોઈ ચમત્કાર આ આઠ મહિનામાં જોવા મળ્યો ન હતો. ટાપુના રહેવાસીઓને કોઈ મુશ્કેલીમાંથી પસાર થવું નહોતું પડ્યું; એટલે ભેદી માનવીને મદદ કરવાનો કોઈ પ્રસંગ ઊભો થયો ન હતો.

ટોપ હવે કૂવાની આસપાસ ફરીને ભસતો ન હતો. અને જપ અસ્વસ્થ બનીને ઘૂરકિયાં કરતો ન હતો. પણ આનાથી કોઈ ભેદ ઊકલતો ન હતો. શું કોઈ એવી ઘટના નહીં બને કે જ્યારે ભદી માનવીને નાટકના તખ્તા પર રજૂ થવુ પડે? ભવિષ્યમાં શું બનશે તે કોણ કહી શકે?

અંતે શિયાળો પૂરો થયો. પણ વસંતઋતુના આગમન સાથે એક એેવી ઘટના બની જેના પરિણામો ખૂબ ભયજનક પુરવાર થયા તેવાં હતાં.

7મી સપ્ટેમ્બરે હાર્ડિંગે જ્વાળામુખી પર્વત સામે જોયું. તેના મુખમાંથી ધુમાડાઓ નીકળતા હતા. પર્વતના શિખરમાંથી વરાળ આકાશમાં હવા સાથે ભળી જતી હતી.

***