Once Upon a Time - 1 books and stories free download online pdf in Gujarati

વન્સ અપોન અ ટાઈમ - 1

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ -૧

‘ચલો ચલો, જલ્દી કરો, નહીં તો રત્નાગિરિ સે બમ્બઈ કી બસ નિકલ જાયેગી.’

મહારાષ્ટ્રના રત્નાગિરિ જીલ્લાના ખેડ તાલુકાના મુંબકે ગામનો એક યુવાન ઈબ્રાહીમ કાસકર ઉર્ફે ઈબ્રાહીમ શેખ એની પત્ની અમીનાબાઈને કહી રહ્યો હતો. ઈબ્રાહીમ કાસકરને મુંબઈ પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી મળી હતી અને એ પોતાના કુટુંબ સાથે મુંબઈમાં ઠરી ઠામ થવા વતન છોડીને જઈ રહ્યો હતો. એને વળાવવા માટે સગાં-વહાલાં અને પાડોશીઓ ભેગા થયા હતા. ૧૯૬૧માં મુંબકે જેવા પંદરસો-સત્તરસોની વસતિવાળા ગરીબ ગામમાંથી કોઈ યુવાન મુંબઈ રહેવા જાય અને એ પણ પોલીસમાં નોકરી મેળવીને એ બહુ મોટી વાત હતી. ઈબ્રાહીમ કાસકરે મુંબકેથી ૧૫ કિલોમીટર સુધી કાચા રસ્તા પર પ્રવાસ કરીને ખેડ અને ત્યાંથી રત્નાગિરી પહોંચવાનું હતું. એ પછી રત્નાગિરીથી બસમાં મુંબઈ જવાનું હતું. રત્નાગિરિથી મુંબઈ સુધીનો ૨૪૫ કિલોમીટરનો પ્રવાસ ખેડતા સહેજે છથી સાત કલાકનો સમય લાગે. આમ તો ખેડ શહેર મુંબઈથી ગોવા જતા નૅશનલ હાઈવેની અડોઅડ હોવાથી ત્યાંથી મુંબઈ જલદી પહોંચી શકાય, પણ નબળી આર્થિક પરિસ્થિતિને કારણે એને મુંબકેથી મુંબઈ જવા માટે વાહન ભાડે પરવડે એમ નહોતું. વળી ઈબ્રાહીમ કાસકરે પત્ની અને બાળકો તથા માત્ર થોડી ઘરવખરી સાથે જ મુંબઈ જવાનું હતું એટલે તેણે રત્નાગિરીથી સ્ટૅટ ટ્રાન્સપોર્ટની બસમાં મુંબઈ જવાનું પસંદ કર્યું.

સગાંવહાલાં અને પાડોશીઓને અમીનાબાઈ અને ઈબ્રાહીમ કાસકરને ભારે હદયે વિદાય આપી. ઈબ્રાહીમ કાસકરના ભાઈ ઈસાક કાસકર અને મોહમ્મદ કાસકરે પણ મુંબઈ જઈ રહેલા ભાઈને ભેટીને શુભેચ્છાઓ આપી. ભાઈઓ-ભાઈઓ વચ્ચે વર્ષો સુધી આજુબાજુમાં ક્યારેક ઊંચા અવાજે બોલવાનું પણ થયું હોય, પરંતુ અત્યારે તો એક ભાઈ છેક મુંબઈ જઈ રહ્યો હતો. જોકે ઈબ્રાહીમ કાસકરની જેમ એના બંને ભાઈ ઈસાક અને મોહમ્મદને એક વાતની ધરપત હતી કે એમના મોટાભાઈ અહમદ કાસકર મુંબઈ રહેતા હતા. રોજગારીની શોધમાં અહમદ કાસકર પાંચ વર્ષ અગાઉ મુંબઈ ગયા હતા અને તેમણે જ પોલીસમાં ભરતીની જાહેરાત જોઇને ઈબ્રાહીમ કાસકરને મુંબઈ બોલાવ્યો હતો. નસીબજોગે અને શરીરજોગે ઈબ્રાહીમ કાસકરની કોન્સ્ટેબલની ભરતીમાં પસંદગી થઇ હતી.

પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી મળ્યા પછી ઈબ્રાહીમ કાસકરે પોતાના કુંટુંબને મુંબઈ લઈ આવવાનું નક્કી કર્યું હતું. એ અગાઉ તેણે મુંબઈના નાગપાડા વિસ્તારમાં એક નાનકડી રૂમ ભાડે રાખી હતી. મુંબઈ પોલીસમાં નોકરી મળ્યા પછી એને તરત જ પોલીસ કવાર્ટરમાં ક્વાર્ટર મળી શકે એમ નહોતું એટલે એણે મોટાભાઈની મદદ લઈને ભાડાની રૂમ શોધી લીધી હતી. ભાડેથી રુમ મળી એટલે બીજે જ દિવસે ઈબ્રાહીમ કાસકર પોતાના કુટુંબને મુંબઈ લઇ જવા માટે વતન મુંબકે પહોંચી ગયો હતો.

ઈબ્રાહીમ કાસકર અને અમીનાબાઈ મુંબકેનું ઘર છોડતા એકબાજુ દુઃખની લાગણી અનુભવી રહ્યા હતા, બીજી બાજુ એમને ઉજ્જવળ ભવિષ્યની આશાને કારણે મુંબઈ જવાનો ઉત્સાહ પણ હતો. પરંતુ ઘર છોડીને રવાના થતી વખતે મુંબઈ જવાના ઉત્સાહ પર ગામ અને ઘર છોડતા થયેલી વિષાદની લાગણીએ થોડા કલાકો માટે કબજો જમાવી દીધો હતી. ઈબ્રાહીમ કાસકર અને અમીનાબાઈના સંતાનો મુંબઈ જવા થનગની રહ્યાં હતાં. તેઓ માતા-પિતાની મનોસ્થિતિથી અજાણ હતાં. અમીનાબાઈ અને ઈબ્રાહીમ કાસકરના દીકરાઓ શબ્બીર, દાઉદ, નુરા, અનીસ, હુમાયુ, મુસ્તકીમ અને ઇકબાલ તથા દીકરી હસીના, મુમતાઝ, સઈદા અને ઝૈતૂન નવાં કપડાં પહેરીને હરખભેર તૈયાર થઈ ગયાં હતાં અને બધાને ‘આવજો આવજો’ કહી રહ્યા હતાં.

સગાં-વહાલાં અને પાડોશીઓ જાતભાતની ભલામણ કરી રહ્યા હતા અને એમની લાગણી દર્શાવી રહ્યા હતા. એમનાથી છુટા પડવાનું મન થતું નહોતું, પણ સમય થઇ ગયો હતો એટલે ઘરેથી નીકળ્યા વિના છૂટકો નહોતો. છેવટે હૈયું કઠણ કરીને ઈબ્રાહીમ કાસકરે પત્ની અમીનાબાઈને કહેવું પડ્યું, ‘જલ્દી કરો નહીં તો રત્નાગિરિ સે બસ નિકલ જાયેગી.’

બધાની રજા લઈને અમીનાબાઈ અને ઈબ્રાહીમ કાસકર બાળકો સાથે એક ખેડૂતના ટ્રેક્ટરમાં રત્નાગિરી જવા માટે રવાના થયા ત્યારે તેમણે ઘર તરફ છેલ્લી નજર નાખી. અમીનાબાઈનું હૈયું ભરાઈ આવ્યું. ઈબ્રાહીમ કાસકરે એને સાંત્વન આપ્યું પણ એ વખતે ઈબ્રાહીમ કાસકરની આંખ પણ ભીની હતી. એમના મોટા દીકરા શબ્બીર સિવાય બીજા બાળકોને સમજાયું નહીં કે અબ્બા અને અમ્મી શા માટે રડી રહ્યા છે. પણ મા-બાપના ગમગીન ચહેરાઓ જોઈને તેઓ ધમાલ-મસ્તી અટકાવીને ચૂપ થઈ ગયાં.

***

“ઈતના છોટા ઘર!”

શબ્બીર અને દાઉદ ઘરમાં પ્રવેશતા વેંત એકસાથે બોલી પડ્યા.

મુંબઈના નાગપાડા વિસ્તારમાં ઈબ્રાહીમ કાસકરે ભાડે રાખેલી બખોલ જેવડી રૂમમાં પ્રવેશ કરતાંવેંત એના બંને મોટા દીકરાઓને આંચકો લાગ્યો હતો. મુંબકેમાં એમનું ઘર કંઈ ભવ્ય નહોતું, પણ બેઠા ઘાટના એ મકાનમાં બે રૂમ અને મોટું ફળિયું હતાં. એની સામે આવડી અમથી રૂમમાં રહેવાની કલ્પનાથી જ ઈબ્રાહીમ કાસકરના બંને મોટા દીકરાઓ અપસેટ થઇ ગયા. મુંબઈ આવવાનો એમનો ઉત્સાહ ઓસરી ગયો. આના કરતા તો મુંબકેમાં વધુ મજા હતી, એ બંનેએ મનોમન વિચાર્યું. મુંબકેમાં ફળિયામાં ધમાચકડી કરવાની અને ફળિયામાં જ ઉગાડેલા આંબાના ઝાડમાંથી હાફુસ કેરી તોડીને ખાવાથી માંડીને ગામના ધુળિયા રસ્તાઓ ઉપર દોડાદોડ કરવાની અને સરખે-સરખા છોકરાઓ સાથે રમવાની અને એવી બીજી ઘણી ક્ષણો શબ્બીર અને દાઉદને યાદ આવી ગઈ. એ વખતે શબ્બીર નવ વર્ષનો હતો અને દાઉદને છ વર્ષ પૂરાં થયા હતાં.

બાળકોની પ્રતિક્રિયા જોઇને ઈબ્રાહીમ કાસકરે એમને સમજાવ્યા કે “બેટા યહાં તો થોડે દિન કે લિયે હિ રહના હૈ. કુછ દિનો કે બાદ સરકાર હમે બડા મકાન દેગી ઔર હમ વહાં ચલે જાયેંગે.”

પિતાની વાતથી દાઉદ અને શબ્બીર થોડા ટાઢા પડ્યા, પરંતુ થોડા દિવસ અહીં રહેવાની વાત પણ એમને અકળાવી રહી હતી. ઈબ્રાહીમ કાસકરનું તેર વ્યક્તિનું કુટુંબ છ મહિના એ નાનકડી રૂમમાં રહ્યું. એ પછી ઈબ્રાહીમ કાસકરને વાડીબંદરના પોલીસ કવાર્ટર્સમાં ક્વાર્ટર મળી ગયું ત્યારે ઈબ્રાહીમ કાસકર અને અમીનાબાઈ કરતા એમના બે મોટા દીકરા વધુ ખુશ થયા હતા. ઈબ્રાહીમ કાસકરને મળેલું ક્વાર્ટર કંઈ બહુ મોટું નહોતું, પણ એ ક્વાર્ટર નાગપાડાની ખોબા જેવડી રૂમ કરતાં તો સો દરજ્જે સારું હતું. એય આમ તો ઠીકઠાક કહી શકાય એવડો જ ઓરડો હતો પણ એમાં પાર્ટીશન કરીને બે ભાગ પાડી દેવાયા હતા અને તો પણ નાગપાડાની પેલી સાંકડી રૂમ કરતા તો એ બંને ઓરડા મોટા જ લાગતા હતા.

***

ફાઈવફાઈવફાઈવ સિગારેટનો છેલ્લો કશ ખેંચીને પપ્પુ ટકલાએ ઠુંઠું એશ-ટ્રેમાં નાખ્યું. બ્લૅક લેબલ વ્હિસ્કીની બોટલનું ઢાકણું ખોલીને એણે બીજો પેગ તૈયાર કર્યો. મેં અને મારા હાઈ-પ્રોફાઈલ પોલીસ ઑફિસર મિત્રએ ફરી એકવાર કોફી પીધી. પપ્પુ ટકલાએ બ્લૅક લેબલના બીજા પેગનો પહેલો ઘૂંટડો ભરીને ગ્લાસ ટેબલ ઉપર મુક્યો. ફાઈવફાઈવફાઈવના પેકેટમાંથી એક સિગારેટ કાઢીને એણે તેનાં કાળા પડી ગયેલા હોઠ વચ્ચે ગોઠવી. ઈમ્પોર્ટેડ લાઈટરથી સિગારેટ સળગાવીને એણે ઊંડો કશ લીધો. પછી ટાલ ઉપર હાથ ફેરવીને એણે અમારી સામે નજર માંડીને વાતનો દોર સાધ્યો...

(ક્રમશ:)