વન્સ અપોન અ ટાઈમ - 8

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 8

મહમદ મસ્તાન મિર્ઝા એટલે કે હાજી મસ્તાનનો જન્મ અત્યંત ગરીબ અને ખૂબ જ ધાર્મિક એવા એક મુસ્લિમ કુટુંબમાં થયો હતો. એના પિતાએ બેંગ્લોરની દરગાહ સતકુરી મસ્તાન પરથી પુત્રનું નામ મસ્તાન પાડ્યું હતું. મુંબઈમાં ક્રોફ્ડ માર્કેટ પાસેની એક ચાલીમાં દારુણ ગરીબી વચ્ચે ઉછરેલા મસ્તાને કિશોર અવસ્થામાં જ કમાવા માટે કુલી બની જવું પડ્યું હતું. મુંબઈના ડોકયાર્ડમાં દોઢ દાયકા સુધી કુલી તરીકે ગધ્ધાવૈતરું કર્યા પછી મસ્તાનના નસીબ આડેથી પાંદડું ખસ્યું. કહો કે મસ્તાને પોતાના નસીબ આડેથી કઠણાઈનું ઝાડવું હટાવ્યું. એણે ડોકયાર્ડમાંથી નાની મોટી વસ્તુઓ સગેવગે કરવાનો ખેલ આદર્યો. વિદેશોમાંથી જહાજ દ્વારા આવતો સામાન ડોકયાર્ડમાં થઈને મુંબઈ કે દેશના અન્ય વિસ્તારોમાં પહોંચે એ અગાઉ એમાંથી કેટલોક માલ પગ કરી જવા લાગ્યો. આ કામમાં હાથ બેસી ગયા પછી હાજી મસ્તાને ટૂંક સમયમાં ફ્લેટ ખરીદી લીધો.

૧૯૬૦થી હાજી મસ્તાને સ્મગલિંગનો ‘ધંધો’ શરૂ કર્યો. એ અગાઉ મુંબઈમાં કેટલાક ખેપાનીઓ નાના પાયે સ્મગલિંગ કરતા હતા. મસ્તાને એમની પ્રવૃત્તિનો અભ્યાસ કર્યો હતો. મસ્તાનને સ્મગલિંગમાં રસ પડ્યો હતો, પણ એને નાના પાયે સ્મગલિંગમાં રસ નહોતો. સ્મગલિંગ કર્યા પછી મસ્તાન ઝડપથી પોતાનું નેટવર્ક વિકસાવતો ગયો હતો. સાંઈઠના દાયકાના અંત ભાગમાં તો તેણે દક્ષિણ મુંબઈના વોર્ડન રોડના કિનારે બંગલો લઈ લીધો હતો. સાંઈઠના દાયકાની શરૂઆતમાં એનો પરિચય કરીમલાલા સાથે થયો હતો. કરીમલાલાનો મેનપાવર અને મસલ પાવર મળ્યા પછી હાજી મસ્તાનનો ‘ધંધો’ ઝડપથી વિકસ્યો હતો.

મુંબઈના અંડરવર્લ્ડમાં ‘ભાઈ’નું બિરુદ સૌ પ્રથમ હાજી મસ્તાનને મળ્યું હતું. આજથી ત્રણ દાયકા અગાઉ હાજી મસ્તાન કરોડો રૂપિયામાં આળોટતો થઈ ગયો હતો. જો કે ધનાઢય થયા પછી હાજી મસ્તાન બોમ્બે ડોક ભૂલ્યો ન હતો. એ પોતાના કુલી બંધુઓને મળવા માટે ડોકયાર્ડમાં ક્યારેક ક્યારેક જતો હતો. અને કુલીઓને નાની-મોટી મદદ કરતો રહેતો. એમાંથી કેટલાક ચપળ કુલીઓને એણે પોતાના નેટવર્કમાં સમાવી લીધા હતા. સિત્તેરના દાયકાની શરૂઆતમાં એને શબ્બીર, અમીરજાદા, આલમઝેબ, સૈયદ બાટલા, અયુબલાલા જેવા નમૂના મળ્યા હતા. એમાં પાછળથી દાઉદનો ઉમેરો થયો હતો. દાઉદ પહેલા નાના-મોટા ગુના કરતો હતો. પણ હાજી મસ્તાને એનામાં રહેલી ‘પ્રતિભા’ પારખી લીધી હતી. જો કે બાટલા, અમીરજાદા અને અયુબલાલા પણ કોઈ રીતે ઓછા ઉતરે એવા ન હતા અને એ બધા હાજી મસ્તાનના નેટવર્કના મહત્ત્વના નમૂના હતા. એ બધા આપસમાં લડી મરે તો હાજી મસ્તાનના નેટવર્કને મોટો ફટકો લાગે એમ હતો. પણ મસ્તાને ચતુરાઈપૂર્વક એ બધાને ફરી દોસ્ત બનાવી દીધા હતા.

હાજી મસ્તાન કાનૂનની નજરમાંથી પણ બચતો રહેતો હતો. મુંબઈના મુસ્લિમોમાં તેની છાપ રોબિનહુડ જેવી હતી. હાજી મસ્તાન પર સ્મગલિંગનો આરોપ મુકાતો હતો પણ તે ગરીબોને મદદરૂપ થવા તત્પર રહેતો હતો. એના માટે એવું કહેવાતું હતું કે કોઈ ગરીબ માણસ તેની મદદ માગવા જાય તો તે માણસ ખાલી હાથે પાછો ફરતો નથી. કોઈનું સગું-વહાલું બીમાર હોય કે કોઈ નબળા માણસની દીકરીના લગ્ન હોય, હાજી મસ્તાન પાસેથી મદદ મળી રહેશે એવી એમને ખાતરી રહેતી.

***

હળવા આંચકા સાથે કાર એક બંગલાના કમ્પાઉન્ડમાં ઊભી રહી અને હાજી મસ્તાન વિચારોમાંથી બહાર આવ્યો. ડ્રાઈવરે ઝડપથી બહાર નીકળીને કારનો પાછળનો દરવાજો ખોલ્યો. હાજી મસ્તાને કારમાંથી બહાર નીકળીને, બંગલાના દરવાજા પાસે જઈને ડોરબેલનું બટન દબાવ્યું. થોડી ક્ષણો પછી દરવાજો ખૂલ્યો, ઊંઘરેટી આંખો સાથે એક રૂપાળી યુવતી દરવાજામાં ઊભી હતી. એ યુવતી ફિલ્મ અભિનેત્રી મધુબાલાની હમશકલ અભિનેત્રી સોના હતી.

અભિનેત્રી મધુબાલાની હમશકલ સોના હાજી મસ્તાનની પ્રેમિકા હતી. હાજી મસ્તાન દિવસ દરમિયાન સોફિયા કૉલેજ પાસેના બંગલોમાં રહેતો હતો. પણ રાતે એ જુહૂનાં બંગલોમાં સોના પાસે પહોંચી જતો હતો. સોનાને સફળ હિરોઈન બનાવવા માટે પણ એણે ઘણી કોશિશ કરી હતી. પણ મધુબાલાની જેમ સોના સફળ થઈ શકી નહોતી. પછી હાજીએ સોના સાથે લગ્ન કરીને એને પોતાની બીજી પત્ની બનાવી હતી.

અંડરવર્લ્ડની સાથે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ હાજી મસ્તાનની ‘ઈજ્જત’ હતી. ઘણા હિન્દી ફિલ્મ નિર્માતાઓ મસ્તાન પાસેથી ફાઈનાન્સ મેળવતા હતા અને એના દરબારમાં કુર્નિશ બજાવવા જતા રહેતા હતા. હાજી મસ્તાને ‘બિસ્મિલ્લાહ કી બારાત’, ‘મેરે સરતાજ’, ‘મેરે ગરીબનવાઝ’ ફિલ્મો બનાવડાવી હતી. એ કટોકટી વખતે જેલમાં ગયો ત્યારે ઘણી ફિલ્મો અટકી પડી હતી. એક ફિલ્મનો પ્રોજેક્ટ એણે સીધો જ હાથ ધર્યો હતો. ‘પાતાલગંગા’ નામની એ ફિલ્મનું ડિરેકશન એણે પોતાના ગાઢ મિત્ર અને જાણીતા ફિલ્મલેખક ડૉક્ટર રાહી માસૂમ રઝાને સોપ્યું હતું. ‘પાતાલગંગા’ ફિલ્મમાં સની દેઓલને હીરો તરીકે લેવાનો એક તબક્કે વિચાર થયો હતો. જોકે, ડૉક્ટર રાહી માસૂમ રઝાએ હાજી મસ્તાનને સૂચન કર્યું હતું કે મસ્તાન, યુસુફ પટેલ અને સ્મગલર સુકર નારાયણ બખિયાએ પડદા પર આવવું જોઈએ. હાજી મસ્તાનને એ સૂચન પસંદ પડી ગયું હતું. પણ પછી એ ફિલ્મ ખોરંભે પડી ગઈ હતી.

અમિતાભ બચ્ચન અને શશી કપૂર જેમાં હીરો હતા એવી ‘દીવાર’ ફિલ્મ બની રહી હતી ત્યારે એ ફિલ્મ હાજી મસ્તાન પરથી બની રહી હોવાની વાત ફેલાવવામાં આવી હતી. હાજી મસ્તાનને ‘દીવાર’ ના સેટ પર પણ લઈ જવાયો હતો. ‘દીવાર’ના સેટ પર મસ્તાનની મુલાકાત બચ્ચન સાથે થઈ હતી. અમિતાભને મસ્તાનની આંખો ઠંડી અને લાગણીહીન લાગી હતી. અને ‘દીવાર’ ફિલ્મ તૈયાર થયા પછી મસ્તાનને અમિતાભની એક્ટિંગ ઠંડી અને લાગણીહીન ભાસી હતી. મસ્તાને ફિલ્મ જોઈને કહ્યું હતું કે આમાં બધું બહુ ફિલ્મી છે. આ ફિલ્મ વાસ્તવિક લાગતી નથી!

મસ્તાન અઢળક પૈસા અને ઈજ્જત કમાયો. એની સાથે એને કેટલીક લત પણ વળગી હતી. યુસુફ પટેલથી માંડીને યુસુફ ખાન (ફિલ્મ અભિનેતા દિલીપ કુમાર) સુધીના અનેક અંગત મિત્રો હોવા છતાં એના જીવનમાં ખાલીપો હતો. એ ખાલીપો ભરવા એ પાન, સિગારેટ, દારૂ, અને ડ્રગ્સના રવાડે ચડ્યો હતો. મોટી ઉંમરે એ પાન, દારૂ અને ડ્રગ્સની લતમાંથી છૂટી શક્યો હતો. પણ સિગારેટ એ ક્યારેક છોડી શક્યો નહીં. કિશોરાવસ્થા અને યુવાનીમાં ભૂખ્યા સૂઈ રહેવાની સ્થિતિમાંથી પસાર થયેલો મસ્તાન સફળ થયા પછી ફાઈવફાઈવફાઈવ સિગરેટ પીતો થઈ ગયો હતો. મસ્તાનના પ્રભાવ હેઠળ દેશના કેટલાય ભાઈલોગ ફાઈવફાઈવફાઈવ સિગરેટ પીતા થઈ ગયા હતા. હિન્દી ફિલ્મોમાં પણ ભાઈલોગને ફાઈવફાઈવફાઈવ પીતા દર્શાવાતા હતા.

***

હાજી મસ્તાન, કરીમ લાલા અને અંડરવર્લ્ડના ખેરખાંઓએ સમદ, અમીરજાદા, આલમઝેબ તથા દાઉદ અને શબ્બીરને ઠપકો આપીને સમજાવ્યા અને એ બધાએ એકબીજા સાથે દુશ્મની ભૂલવાનું વચન આપ્યું. કુરાન પર હાથ મૂકીને શપથ લીધા પછી શબ્બીર, દાઉદ, અને આલમઝેબ, સઈદ બાટલા, અમીરજાદા દુશ્મન મટીને દોસ્ત બની ગયા. પણ એ પછી થોડા સમયમાં જ સૈયદ બાટલાએ દાઉદને કારણે જેલભેગા થવું પડ્યું! એવી સ્થિતિમાં સૈયદ બાટલાના દોસ્તો એવા સમદ, અમીરજાદા અને આલમઝેબ ફરી વાર દાઉદ અને શબ્બીર સામે મેદાને પડવા જોઈતા હતા, પણ એને બદલે એક આશ્ચર્યજનક ઘટના બની!

(ક્રમશ:)

***