ટહુકો - 10

ટહુકો

ગાંધીજીના ચમત્કારનું રહસ્ય

(July 5th, 2012)

ગાંધીજી કોણ હતા તેની ખબર સૌને હોય, પરંતુ ગાંધીજી ‘શું’ હતા તેની ખબર બહુ ઓછા લોકોને હોય છે. મહાવીર ત્યાગીએ નોંધેલો એક પ્રસંગ ત્રણ વાર વાંચવાથી ગાંધીજી શું હતા તેનો અંદાજ આવી જાય એમ બને. પ્રથમ વાર એ પ્રસંગ વાંચવાથી ગાંધીજી પ્રત્યેનો આદર વધી જશે. બીજી વાર એ જ પ્રસંગ વાંચવાથી મૂર્તિમંત સત્યના પ્રતીક ગાંધીજીને મનોમન વંદન થઈ જશે. ત્રીજી વાર એ જ પ્રસંગ વાંચ્યા પછી સાક્ષાત સત્યનારાયણનાં દર્શન થઈ રહ્યાં હોય એવો પવિત્ર ભ્રમ તમારા માંહ્યલાને સુગંધથી ભરી દે એ શક્ય છે. તો હવે મૌનપૂર્વક પાંચ ઊંડા શ્વાસ લીધા પછી મહાવીર ત્યાગીના જ શબ્દોમાં આ પાવન પ્રસંગ સાંભળો :

સ્વરાજ મળ્યું તેના થોડાક જ મહિનાઓ પહેલાં એક વાર ગાંધીજી વિશ્રામ કરવા માટે દહેરાદૂન-મસૂરી આવ્યા હતા. એમની તબિયત થોડીક લથડી હતી. હું એ દિવસોમાં ઉત્તરપ્રદેશ વિધાનસભાનો સદસ્ય હતો. આ વાતની ખબર પડી કે તરત 15-20 સ્વયંસેવકોને લઈને ગયો અને બિરલાભવનની નજીકના એક મકાનમાં રહેવાની ગોઠવણ થઈ ગઈ. પાસેની સસ્તી હોટલમાં ખાવાની વ્યવસ્થા થઈ ગઈ. મારી સાથે જે સ્વયંસેવકો સામેલ થયા તેઓ પોતાને ધન્ય માનતા હતા.

મને છેક શરૂઆતથી સ્વયંસેવકોની વચ્ચે સૂવાનો અને બેસવાનો શોખ હતો. તે દિવસોમાં સિગારેટ પીવાના પૈસા તો હતા નહીં, તેથી બીડીથી ચલાવી લેવાનું રાખ્યું હતું. માત્ર બે જ વ્યસન હતાં, એક બાપુનું અને બીજું બીડીનું ! ક્યારેય બે વ્યસન એકસાથે ન થઈ શકે. બાપુને જોતાંની સાથે જ બીડી એવી રીતે બુઝાવી દેતો કે એમને શક ન પડે. એમનાથી છાનામાના બીડી પીતો તોય એને બુઝાવતી વખતે ભાવના અને ભક્તિ એટલી તો અગાધ તથા પવિત્ર હતી, જેવી દાન કે બલિદાન આપતી વખતે હોય.

દરરોજ સાંજે પ્રાર્થના થતી. પહેલાં તો હૅપી વેલીના મેદાનમાં થતી, પરંતુ લોકોએ માગણી કરી કે શહેરની મધ્યમાં થવી જોઈએ. મેં એ માટે અનુમતિ માગી અને બાપુએ સ્વીકારી લીધી પછી સિલ્વરસ્ટન હોટલના મેદાનમાં પ્રાર્થના થવા લાગી. બાપુનું ધ્યાન રામમાં અને અમારું ધ્યાન બાપુમાં ! લોકોની ભીડની ચારે બાજુ મારા સ્વયંસેવક મિત્રો ગણવેશ પહેરીને કૂંડાનાં ફૂલોની માફક ગોઠવાઈ જતા. એક મિત્રને મારી અદેખાઈ આવતી કારણ કે હું ગાંધીજીએ ચડાવી મારેલો એવો અપરિચિત ભગત હતો. એણે ગાંધીજીની કાનભંભેરણી કરી અને ફરિયાદ કરી કે : સ્વયંસેવકો મસૂરીના હમાલોને પ્રાર્થનામાં આવતા રોકે છે, કારણ કે તેમનાં વસ્ત્ર મેલાં હોય છે. ગાંધીજીએ તો પોતાના પ્રવચનમાં કહી પણ દીધું, ‘સ્વયંસેવકો હમાલોને પ્રાર્થનામાં આવતાં રોકે છે, કારણ કે એમનાં વસ્ત્ર મેલાં છે. ’ મારા સ્વયંસેવકો તો ડઘાઈ ગયા. કાપો તો લોહી ન નીકળે !

હું ગાંધીજી પાસે પહોંચ્યો અને એમને કહ્યું : ‘રામના મંદિરમાં બેસીને તમે જૂઠું કેમ બોલ્યા ? તપાસ કર્યા બાદ ખબર પડી કે એક પણ હમાલને રોકવામાં નથી આવ્યો, તો ! એ બિચારા સ્વયંસેવકો તો બજારમાં ફરવા લાયક પણ ન રહ્યા ! મારી વર્ષોની કમાણી પર તમે પાણી ફેરવી દીધું !’ હું જેટલી બદતમીજી કરતો રહ્યો, તેમ તેમ બાપુ હસતા રહ્યા. બિરલાભવન પહોંચતાની સાથે એમણે પ્યારેલાલ અને વ્રજકૃષ્ણ ચાંદીવાલાને આજ્ઞા કરી કે હમાલોનાં વિશ્રામગૃહો પર જઈને તપાસ કરે અને કાલની પ્રાર્થનાસભા પહેલાં રિપોર્ટ રજૂ કરે. બીજે દિવસે શું બન્યું ?

પ્રાર્થના સમાપ્ત થઈ કે તરત ગાંધીજીનું પ્રવચન શરૂ થયું. હું રિસાઈને દૂર જઈને ઊભો હતો. પ્રવચનમાં ગાંધીજીએ કહ્યું : ‘આજે તો હું પ્રાયશ્ચિત કરવા માગું છું. આજે ત્યાગી તો મારાથી નારાજ થઈને દૂર ઊભો છે. એણે મને કહ્યું હતું કે : રામમંદિરમાં બેસીને હું જૂઠું કેમ બોલ્યો ? મને એક વ્યક્તિએ જણાવ્યું કે હમાલોને પ્રાર્થનામાં આવતાં રોકવામાં આવે છે, કારણ કે એમનાં વસ્ત્ર મેલાં હોય છે. મેં એની વાત પર ભરોસો મૂકી દીધો. તપાસ કરી, તો વાત જૂઠી નીકળી. ત્યાગી તો કહેતો જ હતો કે : રામમંદિરમાં બેસીને હું જૂઠું બોલ્યો. મારે તો પ્રાયશ્ચિત કરવું પડશે. આખરે તો હું મહાત્મા છું ને ! આવો, આપણે સૌ મળીને પ્રાયશ્ચિત કરીએ. પ્રાયશ્ચિત તો એ જ કે આપણે ભવિષ્યમાં આવું પાપ ન કરીએ. તો સૌ આંખ મીંચીને રામનું ધ્યાન કરો. પ્રતિજ્ઞા કરો કે જ્યારે કોઈની બૂરાઈ આંખે ચડે, તો આંખ બંધ કરવી, કાને પડે તો કાન બંધ કરવા અને વળી કોઈની બૂરાઈ તમારી અંદર પેસી જાય, તો મોં બંધ કરી લેવું. કોઈની બૂરાઈ કે બદનામીની વાત પૂરી ચકાસણી કર્યા વિના મોં દ્વારા પ્રગટ ન કરવી.

મેં પ્રાર્થના પછી બાપુની પાસે જઈને પ્રણામ કર્યા. તેમણે કહ્યું : ‘તારા પાપીને ક્ષમા કરી દીધી કે ?’ હું રડી પડ્યો.

***

***

Rate & Review

Aryan Parmar

Aryan Parmar Verified User 3 months ago

Bharat

Bharat 5 months ago

Subodhbhai Mudiyawala.
Darshan Panchal

Darshan Panchal 7 months ago

Harsha

Harsha 8 months ago