VISHAD YOG- CHAPTER-27 books and stories free download online pdf in Gujarati

વિષાદ યોગ- પ્રકરણ-27

એક દિવસ તો વિલીએ આરામ કર્યો પછી બીજા દિવસે તેણે ગંભીરસિંહને બોલાવ્યો અને કહ્યું “જુઓ એકાદ દિવસમાં હું વકીલને મળીને બધી વ્યવસ્થા કરી લઉ છું. આપણે પેલા અનાથાશ્રમનો દસ્તાવેજ તમારા નામ પર કરવાનો છે.”

ગંભીરસિંહને આ વિલી પ્રત્યે પહેલેથીજ થોડી ચિડ હતી, કેમકે તે જાણતો હતો કે કૃપાલસિંહના બધા ખોટા ધંધા આ વિલીજ સંભાળતો હતો. ઘણા બધા ખરાબ ધંધાતો આ વિલીએજ તેને શરુ કરાવ્યા હતા. ગંભીરસિંહ પહેલેથીજ ભગવાનમાં માનનારો હતો તેને આ બધા ધંધા પસંદ નહોતા. જ્યાં સુધી શક્તિસિંહ હતા ત્યાં સુધી તેણે ક્યારેય આવા કોઇ ધંધામાં કૃપાલસિંહને સાથ આપ્યો નહોતો પણ શક્તિસિંહના મૃત્યુબાદ તેને કમને કૃપાલસિંહના આદેશો માનવા પડતા. તેનો જીવતો કચવાતો પણ રોજીરોટીનો સવાલ હોવાથી તે કમને પણ કૃપાલસિંહના આવા ધંધામાં સાથ આપતો. અત્યારે પણ તેને આ કામમાં પડવું નહોતું એટલે તેણે વિલીને ચોખ્ખુજ કહ્યું “તમે મને આમા ન પાડો તો સારુ. બીજા કોઇના નામે દસ્તાવેજ કરી નાખોને.”

આ સાંભળી વિલીએ ગંભીરસિંહ સામે જોયું. વિલીને ગંભીરસિંહની આંખમાં પણ પોતાના જેવોજ ભય દેખાયો. વિલીને થોડીવાર તો આ ગંભીરસિંહની દયા આવી પણ પછી તેણે થોડા કડક અવાજે કહ્યું “ સાહેબની ઇચ્છા તમારા નામે દસ્તાવેજ કરવાની છે એટલે મારાથી તેમા કંઇ ના થઇ શકે. હું આવુ ત્યાં સુધીમાં તમારા બધાજ ડોક્યુમેન્ટ રેડી રાખજો.” એમ કહી તે ચાલવા લાગ્યો. અચાનક દરવાજા સુધી પહોંચી તે પાછો વળ્યો અને ગંભીરસિંહ પાસે આવી તેના ખભ્ભા પર હાથ મુકી બોલ્યો “ ચિંતા નહીં કરો હું છું ત્યાં સુધી તમને કોઇ તકલીફ નહીં પડવા દઉં.” આટલુ કહી વિલી ત્યાંથી જતો રહ્યો. આજે ગંભીરસિંહને વિલીનું વર્તન એકદમ જ અલગ લાગ્યું. આવા પ્રેમાળ વર્તનની વિલી પાસેથી તેને આશા નહોતી. અચાનક તેને શક્તિસિંહની યાદ આવી ગઇ. શક્તિસિંહ હંમેશા તેની સાથે આજ રીતે પ્રેમાળ ભાવ રાખતો. શક્તિસિંહની યાદ આવતાજ તેને અચાનક એક બીજી યાદ આવી એટલે તેણે તેની પત્નીને બોલાવીને કહ્યું “તું મારા ડૉક્યુમેન્ટની ફાઇલ તૈયાર રાખ, હું એક કામ પતાવીને આવું છું. એમ કહી તે ત્યાંથી બહાર નીકળી ગયો. ત્યાંથી નિકળી તે થોડો ચાલ્યો એટલે એક બીજો મોટો ગઢ આવ્યો તેમાં તે દાખલ થયો. આ રાજમહેલ જેવો ગઢ શક્તિસિંહનો હતો. અત્યારે તો આ ગઢના અડધા ઉપરાંતના રૂમ બંધ હતા અંને ગઢની હાલત ખંઢેર જેવી થઇ ગઇ હતી. પણ એક જમાનામાં આ રાજમહેલ માણસો અને દાસ દાસીઓથી ભરેલો રહેતો. આજે તો આ રાજમહેલમાં માત્ર ચાર જ વ્યક્તિ રહેતા હતા. એક હતા શક્તિસિંહના પત્ની ઉર્મિલાદેવી અને ત્રણ તેની સેવીકાઓ હતી. ગંભીરસિંહ ઘણીવાર અહીં આવતો. અહીંના બધોજ વહિવટ ગંભીરસિંહજ સંભાળતો. હમણા તે ઘણા સમયથી અહીં આવ્યો નહોતો. આજે તેનો અહીં આવવાનો ઇરાદો પણ દર વખત કરતા અલગ હતો. તેણે દરવાજા પાસે પહોંચી બુમ પાડી એટલે એક સ્ત્રી દોડતી આવી. ગંભીરસિંહે તે સ્ત્રિને કહ્યું “બા, ફ્રી હોય તો મારે તેને મળવું છે.” આ સાંભળી દાસી અંદર જતી રહી. અને એકાદ મિનીટ બાદ પાછી ફરી અને બોલી “ બા પુજામાં છે તેને તમને બેસવા માટે કહ્યું છે” ગંભીરસિંહ અંદર દાખલ થયો અને બેઠક રૂમમાં જઇને બેઠો. દશેક મિનિટ બાદ ઉર્મિલાદેવી રુમમાં દાખલ થયા તેને જોઇ ગંભીરસિંહ ઊભો થઇ ગયો. ઉર્મિલાદેવીએ સફેદ સાડી પહેરી હતી. પચાશ વર્ષની આજુબાજુની ઉંમરમાં પણ તેની સુંદરતા હજુ ટકી રહી હતી. તેના ચહેરા પર એક અપુર્વ તેજ હતુ. તેની આંખમાં એક અદમ્ય ખેંચાણ હતુ. ઉર્મિલાદેવીએ ગંભીરસિંહને પ્રસાદ આપ્યો, એટલે ગંભીરસિંહે નીચે નમી તેને પ્રણામ કર્યા. ઉર્મિલાદેવીએ પ્રસાદની થાળી સાથે રહેલ સ્ત્રીને આપી દીધી, અને સામે રહેલ એક સોફા પર બેઠા અને ગંભીરસિંહને પણ બેસવાનો ઇશારો કર્યો. ગંભીરસિંહ બેઠો એટલે ઉર્મિલાદેવીએ કહ્યું “બોલો બોલો, કેમ આજે આ બાજુ ભુલા પડી ગયા?”

“બા, આજે બાપુની અને તમારી યાદ આવી ગઇ એટલે મળવા આવ્યો. તમે અને બાપુ જે રીતે અમને રાખતા તે યાદ આવતા આંખો ભરાઇ જાય છે.”

“એતો સમય સમયની વાત છે ભાઇ, ક્યારે કોનો સમય બદલાઇ જાય છે તે ક્યા નક્કી છે. સમય તો કોઇનો હંમેશા સારો રહેતો નથી પણ સારા સમયમાં જેટલા સારા કામો કરીલો તે તમારી જીંદગી ભરનું ભાથુ છે. સમય અને માણસ ક્યારે બદલાઇ જાય તે કહી શકાય નહીં.”

આ સાંભળી ગંભીરસિંહ થોડો ગુસ્સે થઇ ગયો અને બોલ્યો “બા આ બધી વાતો છે. બાકી શક્તિબાપુએ તો કેવા સારા કાર્યો કર્યા હતા. તેણે ક્યાં ક્યારેય કોઇનું ખરાબ કર્યુ હતુ તો પછી તેની સાથે આવુ કેમ થયું. બાપુ જેવો સારો માણસ જતો રહ્યો અને આ કૃપાલ જેવા લંપટ રાજ કરે તે ક્યાનો ન્યાય છે.” આ સાંભળી ઉર્મિલાદેવીના ચહેરા પર એક તુચ્છકાર ભરેલુ સ્મિત આવી ગયું અને તે બોલ્યા “ ગંભીર, ઘણા માણસોને આપણે આખી જિદગી સાથે રહેવા છતા ઓળખી શકતા નથી. અત્યારે માણસો એટલા મહોરા પહેરીને જીવે છે કે તેનો સાચો ચહેરો ક્યો છે તે નક્કી કરવુ ખુબ અઘરુ છે.”

આ સાંભળી ગંભીરસિંહે કહ્યું “બા આવી લાંબી અને ગૂઢ વાતોમાં મને કંઇ ખબર ન પડે. પણ મને તો એજ નથી સમજાતુ કે તમે જાણો છો કે બાપુને આ કૃપાલેજ મરાવી નાખ્યા છે છતા તમે તેના વિરુધ કેમ કંઇ કરતા નથી. તેને સજા તો મળવીજ જોઇએ.”

આ સાંભળી ઉર્મિલાદેવીના હાવભાવ બદલાઇ ગયા અને તે બોલ્યા “ગંભીર, સાચી વાતથી તુ ઘણો બધો અજાણ છો. આખી દુનિયાને ઉંધા ચશ્મા પહેરાવી દેવામાં આવ્યા છે. તને જ્યારે સાચી ખબર પડશે ત્યારે તારી બધી ભ્રમણા ભાંગી જશે. એકવાત યાદ રાખજે ગુનેગારને સજા તો થઇ છે. પણ મોટો ગુનેગાર બાકી છે તેને પણ સજા થશે. ભગવાન કોઇને છોડતો નથી. હું તેના માટેજ જીવી રહી છું. તને જેમાં એમ લાગે છે કે અન્યાય થયેલો છે ત્યાં પણ એક ન્યાય થયેલો હતો અને એક ન્યાય હજુ થવાનો બાકી છે. સમય આવશે ત્યારે બધોજ ન્યાય થશે. તું અને હું તો માત્ર પ્યાદા છીએ. સાચી રમતતો ઉપરવાળો રમે છે.” આટલું બોલી ઉર્મીલાદેવી થોડુ રોકાયા અને પછી આગળ બોલ્યા “ગંભીર, આપણે જેને દેવતા માનતા હોઇએ તે ક્યારે દાનવ થઇ જાય છે તે કહી શકાય નહીં. એટલે તું ભગવાન પર ભરોશો રાખ. તે બધુજ સરખુ કરી દેશે.” આમ બોલી ઉર્મીલાદેવી ઊભા થઇ તેના કમરામાં જતા રહ્યાં. પણ ગંભીરસિંહની હાલત ખરાબ હતી. તે ક્યાંય સુધી ઉર્મીલા દેવીના વાક્યો પર વિચાર કરતો બેસી રહ્યો પણ તેને કંઇ સમજ પડી નહી. અંતે તે કંટાળીને તેના ઘર તરફ જવા રવાના થયો.

--------########-------------------##########--------------#########-------------------

સુરસિંહ 20 વર્ષ પહેલાના ઇતિહાસમાં ખોવાઇ ગયો હતો અને બોલી રહ્યો હતો “એક દિવસ કૃપાલસિંહનો માણસ મને બોલાવવા આવ્યો. માણસે મને કહ્યું કે બાપુને તમારુ ખુબ જરુરી કામ છે એટલે હમણાજ બોલાવે છે. આ સાંભળી હું તે માણસ સાથેજ કૃપાલસિંહની કોઠી પર પહોંચ્યો તો મે જોયું કે વિરમ પણ મારી જેમજ આવીને ઉભો હતો. જેવા અમે બંને અંદર દાખલ થયા કે કૃપાલસિંહે અમને કહ્યું મિત્રો આજે એ દિવસ આવી ગયો છે જેની હું ઘણા દિવસથી રાહ જોઇ રહ્યો હતો તે દિવસ આવી ગયો છે. તમારે આચાર્યની ઘરે જઇ તેને અને તેના દિકરાને ખતમ કરી નાખવાના છે. ઝડપથી જીપ લઇને નીકળો અને ખાસ વાત આચાર્યને મારીને તેની તલાસી લેજો, તેની પાસેથી એક કાગળ મળશે તે તમારે મને પહોંચાડવાનો છે. પછી હું તમને સલામત જગ્યાએ મોકલી દઇશ. તમે ત્યાં મોજ કરજો. આ સાંભળી અમે બંને ધ્રુજી ગયાં. અમે અત્યાર સુધી ઘણાં ખરાબ કામ કર્યા હતા પણ કોઇનું ખુન કરવાનું તો ક્યારેય વિચાર્યુ પણ નહોતું. અમને ક્યારેય એવો ખ્યાલ નહોતો કે કૃપાલસિંહ અમને ખુન કરવાનું કહેશે. આ સાંભળી અમે બંને તો અમારી જગ્યાએ થીજી ગયા. આ જોઇ કૃપાલસિંહનો પિતો ગયો અને તે ગાળો બોલવા લાગ્યો “હરામખોરો, મારુ મો શું જોવો છો. અત્યાર સુધી તમને દારુ પિવડાવ્યો અને કુતરાની જેમ ખવડાવ્યું છે તે ભુલી ગયા. તમને બંનેને ગામમાં કોઇ સાચવતું નહોતું ત્યારે મે તમને સાચવ્યા તે ભુલી ગયાં. આટલુ બોલી કૃપાલસિંહ ઊભો થઇ ગયો અને તેની પાસે રહેલી બંદુક અમને આપીને બોલ્યો, જો તમે તેને માર્યા વિના પાછા આવ્યા તો હું તમને બંનેને મારી નાખીશ. આ સાંભળી અમે બંને ત્યાંથી જીપ લઇને નીકળી ગયા. અમે બંને કૃપાલસિંહને જાણતા હતા કે જો તેનો પિતો ગયો તો તે અમને બંનેને ગમે ત્યાંથી શોધીને મારી નાખશે. હવે અમારી પાસે આચાર્યને મારવા સિવાય કોઇ રસ્તો નહોતો અને આમપણ હવે કૃપાલસિંહ સિવાય અમને કોઇ સાચવે એમ પણ નહોતું એટલે અમારે ના છુટકે કૃપાલસિંહે સોપેલું કામ પુરુ કરવું જ પડે એમ હતું.

હું અને વિરમ ત્યાંથી નીકળી ગામની બહાર આવેલા સુર્યેશ્વર મહાદેવ ગયાં. ત્યાં જઇ જોયું તો આચાર્યને કોઇએ ખબર આપી દીધી હતી જેથી આચાર્ય ત્યાંથી ભાગી ગયા હતા. અમે આચર્યને પીછો કરતા કરતા જંગલમાં ગયા. અમે આચાર્યને શોધતા શોધતા નદીના પટમાં પહોંચ્યાતો અમે જોયું કે આચાર્ય હોડીમાં ચડવાની તૈયારી કરતા હતા. આ જોઇ વિરમે દુરથી જ ગોળી છોડી અને આચાર્યને નીચે પાડી દીધા. અમે ચાલીને હોડી પાસે પહોંચ્યાં તો આચાર્ય મૃત્યું પામ્યા હતા.

વિરમ હોડીમાં ચડ્યો અને બાળકને મારવા માટે તલવાર ઉગામી ત્યાં અમારા બંનેનું ધ્યાન તેના ટેટું પર ગયું તેના હાથમાં કે એક અર્ધ ત્રિશુલ દોરેલુ હતું. મહાદેવનું ત્રિશુલ જોઇ મને સદ્બુધ્ધી આવી અને મે વિરમને બાળકને જીવતો છોડી દેવા માટે સમજાવ્યો. તેને પણ બાળકની દયા આવી એટલે અમે તેને હોડીમાં છોડી દીધો અને આચાર્યની તલાસી લેવા લાગ્યા પણ આછા પ્રકાશને લીધે કંઇ વ્યવસ્થીત દેખાતું નહોતું એટલે અમે આચાર્યની લાસને ઉંચકીને જિપમાં નાખી અને નજીકના ખેતરમાં જ્યાં પ્રકાશ હતો ત્યાં લઇ ગયાં. ત્યાં લાસને નીચે ઉતારી અમે બધી તલાસી લીધી પણ અમને કોઇ કાગળ મળ્યો નહીં. અચાનક વિરમે કહ્યું “ક્યાંક કાગળ પેલા છોકરાના ક્પડામાંતો નહીં છુપાવેલો હોય ને ?” આ વાત મને પણ યોગ્ય લાગી એટલે અમે બંનેએ આચાર્યની લાસને ત્યાંજ રહેવા દીધી અને જિપ લઇને નદી કિનારે ગયાં અને હોડી પાસે ગયા અને હોડીમાં જોયું તો ત્યાં તે બાળક નહોતું. અમે બંનેએ હોડીમાં ચડી તેનો એકે એક ખુણો તપાસી લીધો પણ ક્યાંય બાળક ન મળ્યું. હવે અમને ડર લાગ્યો કે જો આ વાતની કૃપાલસિંહને ખબર પડશે તો તે અમને મારી નાખશે. થોડીવાર તો અમે ડરને લીધે એમજ ઊભા રહ્યા પછી અમને આચાર્યની લાસ યાદ આવતા અમે જીપ લઇને પાછા તે ખેતર તરફ ગયા પણ ખેતર પહોંચી અમે જોયું તો ત્યાં પૉલીસ આવી ગઇ હતી. એક તો અમે ડરેલા હતા એમા પૉલીસને જોઇને વિરમ એટલો બધો ડરી ગયો કે તેણે જીપનો યુ ટર્ન લીધો અને જીપ ભગાવી. આ જોઇ પૉલીસ પણ અમારી પાછળ પડી ગઇ. વિરમતો એટલો ડરી ગયો હતો કે તેણે જીપને ફુલ સ્પીડથી ભગાવી પણ થોડા આગળ જતાજ તેનો જીપ પરથી કંટ્રોલ ગયો અને જીપ એક ઝાડ સાથે અથડાઇ. જિપ અથડાતાજ હું દૂર ફેંકાયો અને પછી બેભાન થઇ ગયો.” આટલું સતત બોલતા સુરસિંહ થાક્યો. તે થોડુ રોકાયો એટલે નિશીથે તેને પાણીનો ગ્લાસ આપ્યો. સુરસિંહ એક્જ શ્વાસે પાણી પી ગયો અને પછી ફરીથી વાતને આગળ વધારતા બોલ્યો “ હું જ્યારે ભાનમાં આવ્યો ત્યારે એક હોસ્પિટલના બેડ પર હતો. પૉલીસવાળાએ જ મને હોસ્પીટલમાં ખસેડ્યો હતો. મારી નર્સ સાથે વાત કરતા મને ખબર પડી કે લગભગ ચાર દિવસ સુધી હું બેભાન રહ્યો હતો. મે નર્સને વિરમ વિશે પુછ્યું તો ખબર પડી કે તેને તો એકજ દિવસમાં સારુ થઇ ગયુ હતું. પૉલીશ તેને બીજાજ દિવસે અહીંથી લઇ ગઇ. આ સાંભળી મને હવે તેની ચિંતા થવા લાગી. આમ પણ અમારા બંનેમાં તે થોડો લાગણીશિલ અને ડરપોક હતો. જો પૉલીશ તેને મારશે તો તે સહન નહીં કરી શકે. તે બધુજ કહી દેશે. આ મગજમાં આવતાજ મને હવે સમજાઇ ગયું હતું કે અમને ચોકકશ સજા થશે. છતા મને એમ હતુ કે કૃપાલસિંહ ચોક્કસ અમને બચાવવા કંઇક કરશે. આમને આમ એક બે દિવસ બાદ મને પણ ડીસ્ચાર્જ મળી જતા પૉલીશ લોકઅપમાં લઇ જવામાં આવ્યો. લોકઅપમાં મને પહેલાજ દિવસે એ કહી દેવામાં આવ્યુ કે તમારા મિત્રે કબુલી લીધુ છે કે આચાર્યનું ખુન તમે જ કર્યુ છે. આ સાંભળી મને નવાઇ ન લાગી કેમકે મને ખબર જ હતી કે વિરમ પૉલીશનો માર સહન નહીં કરી શકે. મે પણ કોઇ પણ જાતની આનાકાની વિના તેની વાત સ્વિકારી લીધી. પણ પછી પોલીશ ઓફીસરે કહ્યું “તમે એ પણ કબુલ કરો છો કે તમે શક્તિસિંહનું પણ ખુન કરેલુ છે?” આ સાંભળતાજ મારા તો હોંશ ઉડી ગયા પહેલા તો મને પોલીશના શબ્દો પર વિશ્વાસ જ ન આવ્યો એટલે ફરીથી તેને પુછ્યું તો તેણે મને કહ્યું કે તમે તેજ દિવસે કૃપાલસિંહના ભાઇ અને આચાર્યના મિત્ર શક્તિસિંહનું પણ ખુન કરેલુ છે. આ સાંભળતાજ મે પૉલીશ ઇંન્સ્પેક્ટરને કહ્યું સાહેબ આ શક્તિસિંહ બાપુ ને મારવાનું તો હું સ્વપ્નમાં ન વિચારુ. તેનું ખુન થયેલુ છે તે તો તમે અત્યારે કહો છો ત્યારે મને ખબર પડે છે. તમે આ વાત કૃપાલસિંહને પુછી જુઓ તે પણ મારી વાતને સાચી કહેશે. પણ આ વાત ઇંસ્પેક્ટર માનવા તૈયાર નહોતા. તેણે મને ખૂબ માર્યો પણ હું ટસનો મસ ન થયો. આમને આમ તેણે મને બે ત્રણ દિવસ ટોર્ચર કર્યો. ત્યારબાદ એક દિવસ વિરમ મને મળવા આવ્યો અને આખી બાજી બદલાઇ ગઇ

---------#######--------------------##########---------------#######‌‌‌‌--------------------

આ પ્રશાંત કામત કોણ છે? તેને સુરસિંહ અને વિરમ સાથે શો સંબંધ છે? વિલી આ બધામાં કંઇ રીતે જોડાશે? પ્રશાંત કામતને આ બધામાં શું રસ છે?આ બધા પ્રશ્નના જવાબ જાણવા માટે આ નોવેલ વાંચતા રહો. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહીઓ અને મિત્રોને વાંચવાની ભલામણ જરૂર કરજો.

----------------###################--------------------------------############################
મિત્રો આ મારી બીજી નોવેલ છે.મારી પહેલી નોવેલ છે “21મી સદીનું વેર” જે એક સસ્પેન્સ થ્રીલરલવસ્ટોરી છે. જે માતૃભારતી અને પ્રતિલીપી પર ઉપલબ્ધ છે તો જરૂરથી વાંચજો.મારી નોવેલ તમને કેવી લાગી તેનો પ્રતિભાવ નીચે આપેલા Whattsappnumber પર જરૂરથી આપજો.

‌‌‌‌-----------------***************--------------------**************------------------

HIREN K BHATT :- 9426429160

EMAIL ID:-HIRENAMI.JND@GMAIL.COM