Je aave te khape, baavo betho jape books and stories free download online pdf in Gujarati

જે આવે તે ખપે, બાવો બેઠો જપે

જે આવે તે ખપે ને બાવો બેઠો જપે...!

બાવા બનવું, બાવા બનાવવું, ને બાવામાં ખપવું, એ ત્રણેય ફેકલ્ટી અલગ. જેમ કે કુંવારો પરણેલો ને પસ્તાયેલો...! જેવાં જેવાં યોગ ને જેવાં જેવાં ઉપયોગ. બાવા બનવું પણ નથી દાદૂ..! સિવાય કે કોઈ બાવો બનાવી જાય..! ત્યાગની ભાવના તો બાવા માટે પણ જોઈએ. અમસ્તું કહેવાય કે, ‘ બાવો બેઠો જપે, ને જે આવે તે ખપે..! ‘ પ્રામાણિક પ્રયોગ છે યાર..! ‘ નો ચોઇઝ નો ડીમાન્ડ. જે આવે તે ખપે...! મારે બાવા બનવું નથી. આતો એક કડછો હલાવી જોયો...!

વાત શમણાની કરવી છે. અમુક તો સામે આવવાને બદલે, સ્વપ્નામાં ભેજું વલોવવા આવે. પોતાની વાઈફ સ્વપ્નમાં આવતી હોય તો, એમ પણ થાય કે, છો આંટા મારતી. આ તો હોલીવુડ, બોલીવુડ, ટેલીવુડ હોય કે પ્લાયવુડના હોય, પાનના ગલ્લે ફૂંકવા આવતાં હોય તેમ આંટા જ મારતાં હોય...! આપણને વળી એમ કે, છો ને આવતાં, પથારીમાં વસ્તી તો રહે..! થયું એવું કે, ગઈ કાલે અમરીશપુરી આવેલા. એની ત્રાડ જ એવી ત્રાસવાળી કે આપણાથી પથારી ભીની થઇ જાય. આપણને એમ કે, સંતને ત્યાંથી સાધુ ભૂખ્યો નહિ જવો જોઈએ, એટલે ‘ જે આવે તે ખપે ને બાવો બેઠો જપે ‘ એમ અમરીશપૂરીને પણ વેલકમ કરીએ. ત્યારે એ ભઈલાને એમ કે, રમેશ ચાંપાનેરી પથારીમાં પણ નિરાંતે સુવો નહિ જોઈએ..! આપણને વળી એવી ધીરજ પણ ખરી કે, આજે અમરીશપુરી આવ્યો તો, એકાદ દિવસ સની લિયોન પણ કદાચ આવે..! ( એ ભાઈ...! એ તથાસ્તુ કોણ બોલ્યું..? જરાક સખણા રહો ને..? ) ભગવાનનો શુક્રગુજાર એટલો જ કરવાનો કે, અટવાયેલા નેતાઓને સ્વપ્નમાં નથી મોકલતો. જો કે, તમારી ધારણને દાદ દેવી પડે કે, જે પાંચ વરસે ગામમાં નહિ આવતાં હોય, એ શું ધૂળ સ્વપ્નમાં આવવાના..? રાહુલ ગાંધી, મમતાદીદી, માયાવતી, કે અખિલેશ જેવો નાસીપાસ થયેલો સ્ટોક કદાચ આવે, તો તેમની સાથે બેસીને કરીએ પણ શું..? છીંકણી સુંઘવાની..? આપણી પણ સાલી મર્યાદા હોય ને..? આપણે કેટલુંક ખેંચીએ..? એના કરતાં તો ઉઘાડી આંખે, રેકેટ લઈને મચ્છર મારવા સારાં..! ન કરે નારાયણ ને સ્વપ્નામાં જો મુલાયમભાઈ આવ્યા, તો તો ખલ્લાસ..! તેમનું બોલેલું તેમનાથી નહિ સમજાય, તો મારે તો એક દુભાષિયો જ રાખવાનો ને..? ટેલીવુડ,બોલીવુડ હોલીવુડવાળા સાથે તો કંઈક શેર પણ થાય, એમના કોમળ ખભે માથું નાંખીને આંસુઓના અભિષેક પણ કરાય...! ત્યારે પ્યાસી આત્મા જેવાં નેતાઓ તો એમના ભેજાનો કચરો આપણા ભેજામાં ઠાલવીને સ્વચ્છતાની મા પરણાવી નાંખે...! કસમ ખાયને કહું કે, જેને જેને ઠંડકવાળા ગુલાબી સ્વપ્ના આવે છે, એના જેવો આ જગતમાં બીજો કોઈ નસીબદાર નથી..!

હમણાં હમણાં તો શું પેઢી આવી છે..? આજની પેઢી એટલે ‘લેટેસ્ટ અપડેઈટ’ થયેલી પેઢી. સલમાનખાન, સની લિયોન, કે જથ્થાબંધ ખાન-બ્રધર્સમાં પલળેલી પેઢી. નરેન્દ્ર મોદી જેવાં વિકાસ પુરુષની છાંટવાળી પેઢી..! ( એ મોદી મોદી મોદી, કોણ બોલ્યું યાર..? નરેન્દ્રભાઈનું નામ આવ્યું એટલે શરુ જ થઇ જવાનું...? } ગુજરાતના બધાં કમળ એકઝાટકે ખભા ઉપર નાંખીને કેવાં દિલ્હીમાં ભેગા કરી દીધાં..? દુનિયા ઝૂકતી હૈ, ઝુકાનેવાલા ચાહિયે..! આજની પેઢી એટલે, ભગવાને બે-ચાર વેકેશન ભેગાં કરીને જાણે એમના ખુદના હાથે ઘડતર કરી હોય એવી...! બુલેટ ટ્રેન જાતિ હોય ત્યારે મેમુએ તો અડફટે આવવું જુ નહિ..! ભલે ને જુનું એટલું સોનું હોય..? સોનાના ભાવ ભલે ને આસમાને આંબેલા હોય..? એની ‘સોનૂ’ આગળ એનું ઉપજતું જ નહિ હોય તો, તમારા સોનાની ઐસી કી તૈસી...! આપણે લોખંડના ભાવે પણ ટીચાઈ જઈએ..! એટલે બહુ ઉધામા નહિ કરવાના. ‘ જે આવે તે ખપે ને બાવો બેઠો ખપે’ ની માફક મનમોહનસિંહ બનીને જ જીવવાનું..! એ બે ની વચ્ચે ભૂલમાં પણ પડવા ગયાં તો, સૂડી વચ્ચે આવેલી સોપારી જેવી હાલત થાય..! માળા કરવાની ને, જોયાં કરવાનું. એના બાપ હોવું, સર્વાંગી હિતનું લાઈસન્સ નથી. એના માટે તો એની ‘સોનુ’ એ જ એની દુનિયા..! રેડીમેઈડ દૂધપાક જેવી પેઢી મળી હોય, ત્યારે એ દૂધપાકમાં મીઠું ભભરાવવાની પ્રયાસ કરવો જ નહિ..! કંટાળો બહુ જ આવે તો જે આવે તે ખપે, ને બાવો બેઠો જપે ની ૧૦૮ નહિ તો અડધી પણ માળા કરી લેવાની. યાદ આવે છે, લગન મંડપમાં ગોર મહારાજ શું આમ સાવધાન..સાવધાન બોલતાં હતાં..?

એના કપાળમાં કાંદા ફોડું, રોજની સવાશેર બદામ ખાવ તો પણ નહિ સમજાય કે, આજની પેઢી જન્મે છે કે પ્રગટ થાય છે..? માણસ કરતાં તો મોબાઈલ વધારે વાપરે..! મોબાઈલ ઓપરેટરનો સંપૂર્ણ કોર્ષ કરીને જ પૃથ્વી ઉપર પ્રગટ ના થયો હોય..? એમની ઉમરે એક મામૂલી છીકણીની ડબ્બી આપણાથી નહિ ખુલતી. ખોલવા ગયાં તો છીંકણીથી આખું ધોતિયું બગડી જતું. ને આજનું ટાબેરિયું મોબાઈલને એવું મચેડી નાંખે કે, બધી એપ્સ ખોલી નાંખે..! આપણું ધોતિયું ક્યાંકથી ફાટતું તો, અવળું સવળું કરીને ફાટેલો ભાગ સંતાડી દેતાં. આ લોકો તો સામેથી ફાડીને લેંઘા ચઢાવે. એમના ફાટેલાં લેંઘા વળી મોંઘા કેટલાં..? એટલી રકમમાંથી તો આખાં મહોલ્લાના પાંચ વર્ષ સુધી ચાલે એટલાં ધોતિયાં આવી જાય...! જો પહેરતાં હોય તો...! નહિ પહેરતાં હોય તો, પાપડ-પાપડી સૂકવવા તો કામ આવે જ ...! શું કહ છો દાદૂ..?

આજની પેઢીમાં દાઢીની ફેશન પણ વધી. આપણે તો એવાં જડ હતાં કે, ઘરમાં કોઈ વઢતુ તો જ દાઢી છોલતાં. ને તે પણ બાપાની ભારત બ્રાંડ બ્લેડથી..! એવી છોલતાં કે, યુદ્ધના મેદાન ઉપરથી જાણે કોઈ રણયોદ્ધો લોહી લુહાણ થઈને નહિ આવ્યો હોય..? ત્યારે અત્યારની અમુક પેઢી દાઢીવાળી ને અમુક ડેઈલી એરવેઈઝ સર્વિસ જેવી. રોજ ક્લીન-શેવ્ડ...! મોઢા જ એવાં ઝગારાંવાળા કરી નાંખે કે, મોઢાં સામે જોવા ગયાં તો આપણા ઓળા પણ પડે..! જૈસી જિસકી શૌચ..! સંતો-ઋષીઓ-સતીઓ-જતિઓ ને મહાપુરુષો (મહાસ્ત્રોઓ પણ...! ) ધરખમ વારસો આપણી પાસે છે. પણ ત્યારે મોબાઈલ ભારતમાં જન્મેલો નહિ. બાકી હોત તો, તુલસીદાસ, કબીર, મીરાબાઈ, ગંગાસતી કે પાનબાઈ વગેરેની જ્ઞાનની ગંગોત્રી મોબાઈલમાં કેદ થઇ હોત. જે વાતો ખોપડામાંથી સીધી ચોપડામાં ગઈ, એ મોબાઈલમાં હોત..! અનેક ભાષામાં ટ્રાન્સલેટ થઈને વિશ્વમાં ફેલાઈ હોત..! મોટાં મોટાં થોથાં ઊંચકવા કરતાં, મોબાઈલ ઊંચકવો સહેલો પડ્યો હોત...! માત્ર આંગળી જ ફેરવવાની એટલે જ્યાં ફેરવો ત્યાં ગલી ગલી...! જુઓ ને, આજની પેઢી માટે મોબાઈલ કેવો રામબાણ ઈલાજ છે..? જેનો કોઈ નહિ બેલી, એનો મોબાઈલ બેલી. સવાર પડે એટલે મરઘા ‘કુકરે કુક’ કરવા માંડે, એમ સવાર પડે એટલે મોબાઈલમાં ગુડમોર્નિંગ’ ને શુભેચ્છાઓની ઘંટડી રણકવાની શરુ. અમુક અમુકના લખાણો તો એવાં આવે કે, એમના ગૌત્ર ઉપર શંકા જાય, કે આ ભાઈ ક્યાંક શ્રી રામના રઘુવંશીકુળના વંશવારસ તો નહિ હોય..? ને આપણે પણ પથારીમાં સૂતા સૂતા એના ટેસડા એવાં લઇએ કે, આપણને એ કંઈ આપે જ છે ને...? આપણી પાસેથી લઇ ના જવો જોઈએ...! એમાં અમુકના મેસેજ તો એવાં ‘હાર્ટ-ટચ’ હોય કે, નાહ્યા વગર પવિત્ર થઇ જવાય. ખબર નથી પડતી કે, આવાં નરબંકાઓને “અખો-કબીર-મીરાં-દાસી જીવણ કે ગંગાસતી પાનબાઈ-૨૦૧૯ “ જેવાં એવોર્ડ કેમ નથી અપાતાં..? વો દિન ભી આયેગા...!!

હાસ્યકુ : કંઈ નહિ થા

બસ તું માણસ થા

હરખ થશે

----------------------------------------------------------------------------------