Budhvarni Bapore - 14 books and stories free download online pdf in Gujarati

બુધવારની બપોરે - 14

બુધવારની બપોરે

(14)

હાઉસી હાઉસી હાઉસી

સાલા એક જ નંબર માટે રહી ગયા, એનું નામ ‘હાઉસી’! ‘ફૂલ-હાઉસ’ માટે ૭૮-નંબર છેલ્લી ચાર મિનીટથી ખૂલ્યો નથી. ૭૭-નીકળ્યો....૭૯-તો આની પહેલાનો જ નીકળ્યો........૭૮ ગયો ક્યાં? માય ગૉડ, છેલ્લો ચાન્સ છે, હે પ્રભુ, તારી ગાય છું....૭૮-કાઢ......૭૮-કાઢ .......૭૮-કાઢ અને આ છેલ્લો????… ચોત્રીસ્સ્સ્સ્સ્સ.......???? એની તો....! લઇ ગઇ....પેલી ડોસી ફૂલ-હાઉસ અને હૉન્ડા-સિટી લઇ ગઇ........ધત્તેરે કીઇઇઇઇ!’

સાલું.....આ દુનિયામાં ન્યાય જેવું જ કાંઇ નથી? છેલ્લા છ વર્ષથી હૉન્ડા-સિટી માટે આખું ઘર તડપતું હતું, એમાં હજી સુધી કૂકરની સિટી ય વાગી નથી.....આખા ઘરના લાખો રૂપિયા આ તમારા હાઉસા પછળ ખર્ચી નાંખ્યા ને હૉન્ડા-સિટી પેલી પંચોતેરની ઉંમરે ડોસી લઇ ગઇ?

હવે પિકનિક કે ઈવન ઘરમાં પંદર માણસ ભેગું થયું હોય, એટલે બધાને સીધી હાઉસી જ યાદ આવે છે, ભલે એમાં ઈનામોમાં ‘ઍક્ટિવા’ ય ન રાખ્યું હોય, પણ સો-બસ્સોના ઈનામો તો હોય......એ ય સાલાં લાગતા ન હોય! દરેક વખતે છેલ્લે એક કે બે નંબરો માટે રહી જતા હોઇએ!

હાઉસીનો મોટો ફાયદો એ છે કે, ઘરમાં એ બધાને ચૂપ્પ કરાવી શકે છે. બે હજાર માણસો ક્લબમાં હાઉસી રમવા બેઠા હોય ત્યારે એક પણ મોબાઇલ ચાલતો નથી અને પેલું સ્કૂલમાં ભણ્યા હતા એને શું કહેવાય? ....હા, ‘પિન-ડ્રોપ સાયલન્સ...’ ભૂલમાં પેલી નંબર બોલી જાય ને આપણે સાંભળવાનું રહી ગયું હોય તો આખી હાઉસી જાય, એના કરતા મૂંગા મરવું અને મૂંગા મારવું સારૂં. લશ્કર કરતા વધારે શિસ્ત અહીં હોય છે. જેનો નંબર લાગે, એના વગર વાંકે બધાનો દુશ્મન બની જાય છે, ‘એ લઇ ગયો ને હું રહી ગયો....!’

શરાબની ઘરગથ્થુ મેહફીલો ગુજરાતમાં તો થતી નથી (કોઇએ હસવું નહિ!) પણ જ્યાં થતી હોય ત્યાં આઠ-દસ તો ભેગા થયા હોય. દુનિયાભરના મોંઘામાં મોંઘા શરાબ વિશે પોતાને કેટલી ડીપ જાણકારી છે, એ બતાવવાની આ નશીલી તક છે. પોતાને અસલી-નકલીમાં તો સૉલ્લિડ ખબર પડે, બાપ.....એની ફાંકાફોજદારી મારવાનો આ અધિકૃત મોકો છે. કબુલ કરો કે ના કરો, ગુજરાતમાં ‘પીતા’ ભાગ્યે જ કોઇને આવડે છે. વ્હિસ્કીમાં સોડા જોઇએ કે વોડકામાં ફક્ત પાણી જ ચાલે અને મન્ચિંગમાં પ્રોટીનવાળું શું ચાલે, ચણા કે બૉઇલ્ડ ઍગ્સ..? એ બધી જાણકારી તો કેમ જાણે એ પોતાને ઘેર વ્હિસ્કા-ફિસ્કા બનાવતો હોય એટલી જોરદાર આપે. સોફાને બદલે અહીં ભોંય પર પલાંઠા વાળીને બેસવાની લજ્જત મોટી છે, લાગવું જોઇએ કે મિઝર ગાલીબ દરબાર ભરીને બેઠા છે. પોલીસમાં પકડાવાની હવે દારૂ કરતા સિગારેટની બીક વધારે લાગે છે, એટલે મેહફીલમાં સિગારેટ હવે નથી ચાલતી. પકડ્યા પછી પોલીસો સિગારેટના પૅકેટો લઇ જાય એનો વાંધો નહિ.....સાલું પીધેલી અડધી બૉટલ પણ લઇ જાય તો એ લોકોની માં ના સોગંદ છે! બૉટલો તો બધી પોતે રાખી લે, પણ તોડ-પાણીમાં હલવઇ જઇએ....મોટામાં!

પણ આ બધાની વચ્ચે એક મોટી ‘નૉટ’ બેઠી હોય. જે પોતાને આ બધા કરતા વધુ સજ્જન અને ‘બગડ્યા-વગરનો સમજતો હોય. બહુ ચાંપલાશપટ્‌ટીથી આપણી સામે સજ્જન હોવાનો ડૉળ કરીને માથામાં વાગે એવા વિવેક-વિનયથી અક્ષરે અક્ષર છુટા પાડીને રોડ પરના લારીવાળાના સ્માઇલ સાથે વિશ્વામિત્ર ૠષિએ લાચાર મેનકાનું બાળક સ્વીકારવાની વિનયપૂર્વક ના પાડી હતી એમ કહેશે, ‘‘નહિ નહિ....આપ લો.....હું તો આ બધાથી બહુ દૂર છું...!’’

તારી ભલી થાય ચમના. તે અમે રોજ શું વૉડકા-વાઈનથી નહાતા-ધોતા હોઇશું? નથી પીતો એમાં આટલો ડાયલીનો સુઉં થાસ....?

પણ આ મુદ્દે હાઉસીનો ફાયદો. લેવા-દેવા વગરના કોઇને બેસવા જ ન દેવાય. કોઇ બોલે-ચાલે નહિ.....બહુ બહુ તો અફસોસના ધૂમાડા હવામાં છોડે રાખે, ‘હટ તેરે કી....૩૬-આવ્યો પણ ૩૫-રહી ગયો.’ આમાં એ રહી ગયો હોય, એના બેસણામાં બાજુવાળાઓ ન આવે.....ઉપરથી એ લોકો રાજી થાય કે, ‘હાશ....આને ય હજી નથી થયું!’ કૉમિકની વાત એ થાય કે, હાઉસી-માસ્ટરે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડની જેમ ‘ક્વિક-સૅવન’ રાખ્યું હોય, એમાં એક સાથે બે ટિકીટ લઇને રમનારી બેન ચંપા બન્ને ટિકીટોના ભેગા ‘ક્વિક-સૅવન’ ગણીને ‘યઅઅઅઅઅઅ.....સ્સ’ નામની બૂમ પાડે. તારી ભલી થાય ચમની, અહીં બીજા બધા થપ્પો ને કબડ્‌ડી રમવા આવ્યા છે? એમાં ય કોઇ ‘ફર્સ્ટ લાઇન’ બોલી નાંખે ત્યારે ઈશ્વર ઉપરથી ફર્સ્ટ ભરોસો ઉતરી જાય છે કારણ કે, ‘ફર્સ્ટમાં આપણે એક જ ડિજિટ માટે રહી ગયા....

ગુજરાતીઓના લોખંડી હ્રદયો માટે મને ગૌરવ થાય છે. જેમ જેમ ફૂલ-હાઉસ નજીક આવતું જાય ને એક-બે ડિજીટ જ ‘પતાવવાના’ હોય ત્યારે પેલી ફર્સ્ટ-લાઇન વખતે ઈશ્વર ઉપર ગૂમાવેલો વિશ્વાસ પાછો સૅટ થઇ જાય છે, ‘તુમ આશા વિશ્વાસ હમારે....હોઓઓઓ’ આ તબક્કો એવો છે જ્યાં આંખોના ડોળા ડબકતા નથી, કાનને બીજું કાંઇ સાંભળવું નથી અને આખા શરીરનો એકે ય પાર્ટ હલતો નથી, બસ....માસ્ટર ફક્ત ‘૬૧’-નો આંકડો બોલે, એટલે જગત આખું ચૂંથી નાંખુ......પૂરા ઑડિયન્સમાં પિન-ડ્રોપ સાયલન્સ છે. આજ સુધી તો પરમેશ્વરે હાઉસીમાં કોઇ ’દિ કૃપા કરી નથી આજે થઇ જાય તો.....

‘‘૬૧.....સિક્સટી-વન્નઅઅઅઅઅઅ...’’

લાગ્યો...લાગ્યો....લાગ્યો....! ખુરશીમાંથી સીધા ઉછળીને બન્ને હાથે એક ટીકીટ ઊંચી કરીને બૂમ પાડીએ, ‘ફૂલ-હાઉસ.....ફૂલ-હાઉસ.....ફૂલ-હાઉસ.....’’ એટલું બોલીને સીધું સ્ટેજ તરફ દોડવાનું......ઓહ, લાઇફમાં પહેલી વાર ભગવાન શ્રીરામચંદ્રએ સામું જોયું છે. આજુબાજુવાળા બધા ઊભા થઇ ગયા છે. ખુશી કોઇને થઇ નથી પણ સાલાઓ જુએ છે એવી રીતે કે ‘તમે લઇ ગયા ને અમે રહી ગયા....’ ખુરશીની ભીડ હટાવતા હટાવતા ભારે ઉમળકાથી માસ્ટર પાસે પહોંચીએ ને આપણી ટિકીટ આપીએ, બાજુમાં પડેલી નવીનક્કોર કારને એક મીઠી નજરે જોઇ લઇએ. બધા ઊભા થઇને તાળીઓથી વધાવી લેશે અને ક્લબના ચૅરમૅનના વરદ હસ્તે કારની ચાવી આપણા હાથમાં મૂકશે...

...ને ત્યાં જ, માસ્ટર ધડાકો કરે છે, ખીજાઇને કહેશે, ‘‘સૉરી.....તમે નંબરો ચૅક કરીને આવતા નથી....? આમાં હજી તમારો થટર્ી-ટૂ તો ખુલ્યો નથી.....બત્રીસ નંબર બાકી છે....તમારી ટિકીટ કૅન્સલ થાય છે...!’

બસ. હાઉસી યોજનારી તમામ ક્લબો કે સંસ્થાઓને જમીન પર લાંબા થઇને પ્રણામ સાથે એક વિનંતી. એક જ સ્થળે લાખો રૂપીયા ખર્ચીને આટલી મોટી સંખ્યામાં ઈન્ડિયનો ભેગા કરી શકો છો તો, માત્ર ૫૨-સેકન્ડ જુદી ફાળવીને હાઉસીનો પ્રારંભ આપણા મહાન રાષ્ટ્રગીતથી કરશોજી? આયોજકો ભૂલી ગયા હોય તો હાઉસી રમવા આવેલું કોઇ પણ ધ્યાન દોરે અને બુલંદ અવાજે બધા ‘જનગણમન અધિનાયક જય હે...’ ગાશે તો છેલ્લા નંબર માટે હાઉસી ચૂકી ગયાનો અફસોસ ‘ઓછો’ થશે કે બિલકુલ નહિ થાય. આટલી વિરાટ સંખ્યામાં માણસો ભેગા કરવા, એ તમારી સિધ્ધિ છે, નહિ તો આજકાલ બસ્સો માણસો ય ભેગા કરતા શ્વાસ છુટી જાય છે. તમને પરમેશ્વરે આટલી વિપુલ સંખ્યામાં માણસો ભેગા કરવાની શક્તિ આપી છે, એનો લાભ દેશને પણ પ્લીઝ....આપો.

‘ભારત માતા કી જય’ બોલાવવાનું ન ચૂકશો, સાહેબો.

સિક્સર

મોબાઈલ ફોન નવા નવા આવ્યા, ત્યારે માઉન્ટ આબુના ગુરૂ શિખર પર કોઇ એકાદ ખડક પર ઊભા રહો ત્યારે એકાદ-બે મિનિટ માટે નૅટવર્ક પકડાતું....હલી ન જવાય એનું ધ્યાન રાખવું પડતું. અને આજે.....? ચંદ્ર ઉપર પહોંચીને ય ફોન કરાય, વાઇફને ઘટનાસ્થળની ખાત્રી આપીને...!

--------