NIBANDH UPAR NIBANDH UPAR NIBANDH books and stories free download online pdf in Gujarati

નિબંધ ઉપર નિબંધ ઉપર નિબંધ

નિબંધ ઉપર નિબંધ ઉપર નિબંધ...!

નિબંધ ઉપર નિબંધ લખવાની વાત જાણી, એક ઘરવાળી ઉપર ઉપર બીજી ઘરવાળી ઠોકી બેસાડવા જેવી ચેષ્ટા કરું છું એવું રાખે માનતા...! આ તો મારી મતિને મોતિયો આવ્યો હોય એમ, હું આજે નિબંધના રવાડે ચઢી ગયો. બાકી પૃથ્વી તો ઠીક, આખું બ્રહ્માંડ ઢંકાય જાય એટલાં નિબંધો જુદી જુદી ભાષામાં લખાયા છે. છતાં દરિયામાં એક લોટો પાણી ઠાલવવાનું સાહસ કરું છે, મારા આ સાહસને બિરદાવો નહિ તો ચાલશે, ઠપકારતાં નહિ ભાઈ સા’બ....! માણસ છું, એટલે કોઈપણ ચેષ્ટા કે સળી કરવાની ઈચ્છા થઇ આવે..! એના કપાળમાં કાંદા ફોડું, મારા તરફ જોઈ જોતું નથી તો ધૂળ મારા નિબંધને વાંચવાના..?

પેટ ચોળીને શૂળ ઉભું કરવા જેવી વાત છે. બાકી ચાંદી જેવી ચોખ્ખી વાત કરું તો, આ નિબંધ પણ લગ્નની માફક મારા બારમા ગ્રહમાં સૂતેલો છે. બીજાને ભલે નિબંધ પુનમના ચાંદ જેવો લાગતો હોય બાકી મારા માટે તો બાર દૂ ચોવીસમો ચંદ્રમા...! ઘોઈ મારવાની થાય ત્યારે ચોક્કસ જગ્યાએ જાય, એમ હું પણ આજે નિબંધના રવાડે ચઢી ગયો. માંકડા મનને કોણ સમઝાવે કે, કોંગ્રસના માર્ગે જવાનો સમય હવે નથી. લખવાની બહુ ખંજવાળ આવતી હોય તો, કૈનાહી દુહા લખ, છંદ લખ, શાયરી લખ, હાઈકુ લખ, કંઈ નહિ તો શિવાજીના ૧૦૦૮ નામ લખ, પણ નિબંધ નહિ લખ. પણ એ ની માને...! બોલો શું કરવું..? માંકડા મનને ઠારે કોણ..? ગણપતિ બાપાનું સ્મરણ કરીને લખવા તો બેઠો, પણ મારું ભેજું પણ આંસુથી ભીંજાય જાય છે બોલો...! ઢગલાબંધ શરીરમાં અંગો છે, પણ એકેય અંગ, મને ઉત્સાહ બતાવતું નથી કે, રમેશ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ..! ઉલ્ટાના બધાં અંગ ખીખીખીખી કરીને હસે. છે...! જાણે મેં મોદી સામે ઉમેદવારી કરવાનો અપરાધ કર્યો હોય એમ..! જન્મ્યો ત્યારથી બધાં અંગો મારી સાથે જોડાયેલાં, એટલે એમને ખબર છે કે, ભણતો ત્યારે એકમાત્ર આ નિબંધના કારણે મારા ઉપર કેવી કેવી વીતેલી ? નિશાળમાં ધનુષના કોઈ કામળા બાકી ના હોય, જેણે મારા બરડા ઉપર શોળ નહિ પાડ્યા હોય..! હું પણ એવો બબૂચક કે, નિબંધ પૂછાતો જલારામ વિષે, ને બંદા લખી આવતાં એલારામ વિષે...! એલારામ વિષે ગોખીને ગયો હોય, ને જલારામ વિષે પુછાય, તો આ પામર વિદ્યાર્થી બીજું કરે પણ શું..? આપણને વળી શ્રદ્ધા કે, બનેમાં રામ તો આવે જ છે ને..? રામ આપણા રખોપા નહિ કરવાનું તો બીજું કોણ કરવાનું ? એમાં નાપાસ થયો એનો તો વાંધો નહિ, આપણે પણ સમઝીયે કે, એ કરેલાં કર્મનું ફળ છે. પણ રામ ઉપરથી વિશ્વાસ તો ઉઠી જ ગયો. ને મંદિરમાં જઈને ભગવાનને લાંચ આપવાની આપણી આદત નહિ. કે, રામ પણ આપણી પડખે આવે..!

છતાં, હિમત કરીને ફરી એકવાર પાકા ઘડે કાંઠા ચઢાવવા બેઠો હોઉં એમ નિબંધ ઉપર નિબંધ ઉપર નિબંધ લખવા બેઠો છું. જોઉં છું કે ઉમરને આંબેલું ભેજું મને કેવોક સાથ આપે છે ? નિબંધ લખવા માટે વિષય જડતો ન હતો. તળેટીમાં રહીએ ને ટોચ ઉપર નિબંધ લખવા જઈએ તો ફજેતી થાય, એટલે સિંહ વિષે નિબંધ લખવાનું સાહસ છોડી, કુતરા ઉપર નિબંધ લખવાનું નક્કી કર્યું, ભલે હસાહસ થાય, કારણ કે, શરીરે હવે સોળ પડવાવાળું રહ્યું નથી. ને કુતરા વિષે નિબંધ લખવાનું ફાવે પણ બહુ..! રોજનું જ સામે અથડાતું હોય, એટલે લખવાની ધારા પણ છૂટે..! ને એની સાથે મારે ઘરોબો પણ વધારે. અમે બંને સાથે જ જમીએ. માત્ર થાળી જ આજ સુધી એણે મને ડાફું માર્યું નથી. વફાદાર પણ એટલો કે, પ્રોગ્રામમાંથી મોડી રાતે આવવાનું થાય તો, વાઈફ નહિ જાગે, પણ એ જાગતો જ હોય. દૂરથી જોઇને ભસે ખરો, પણ પછી સમજી જાય કે, આ તો રમશું જ છે..! એનો આખો પરિવાર મને ઓળખે, એટલે તો મારો માર ખાધા વિના કોઈ ઊંઘે નહિ.

ધડક મને એ વાતની છે કે, મેં કોઈનું કંઈ બગાડ્યું નથી, છતાં નિબંધ ઉપર મને ભારે એલર્જી કેમ..? લાંબુલચક મને ફાવે જ નહિ. આ તો હૈયું ઠાલવવા બેઠો છું, એટલે થોડું ખેંચું છું. બાકી પિયરથી વાઈફનો કાગળ આવે, તો વળતો જવાબ પણ બસની ટીકીટ ઉપર પાછળ જ આપતો. એટલું જ લખતો કે, ‘વાંચનાર સદા સુખી રહે ને, અખંડ સૌભાગ્યવતી રહો..! ( હાસ્તો, અ,સૌ. લખીને, આપણે તો આપણું સિક્યોર જ કરી લેવાનું..! ) ભૂલમાં પણ પોસ્ટપોસ્ટકાર્ડથી જવાબ આપતો તો, સોસાયટીના ઓપન પ્લોટ જેવો બાકીનો ભાગ સાવ કોરો જતો..! લખવાનો ઉભરો પણ આવવો જોઈએ ને દાદૂ..? ને અક્ષરની વાત કરું તો હું ને મહાત્મા ગાંધીજી બંને સરખાં. ફરક એટલો કે, એ કસ્તુરબાને બા કહેતાં, ને હું હજી આ ઉમરે પણ વાઈફને બા કહી શક્યો નથી...! આપણી ઈમેજ ખરાબ થાય યાર...! આ તો એક વાત..!

ત્યારે અમુકને તો નિબંધ એટલાં વ્હાલાં કે, એટલું વ્હાલ તો એની ગર્લફ્રેન્ડને પણ એ નહિ કરતો હોય..! જેમ કંકોત્રી આવે એટલે ભોજન સમારંભ કઈ તારીખે ને કેટલાં વાગે છે, એ પહેલું જોઈ લે, એમ પરીક્ષાના પ્રશ્નપત્રમાં પહેલું એ જોઈ લે, કે કયો નિબંધ પૂછાયો છે..? ને કયા વિષય ઉપર મારે પત્તર ફાડવાની છે..? પ્રશ્નપત્રમાં ચોખ્ખું લખ્યું હોય કે, કોઈપણ એક જ નિબંધ લખવો. છતાં, હરખપદુડા એવાં કે, બધાં જ નિબંધ લખે. ગમતાનો જાણે ગુલાલ કરી નાંખે. દલીલ પાછાં એવી કરે કે, એ બહાને આપણા અક્ષર તો સુધરે...? દશ પંદર તો પુરવણીનો ખુરદો બોલાવી નાંખે. એમાં ગોખેલો નિબંધ પૂછાયો હોય તો તો ખલ્લાસ..! એવાં ગેલમાં આવી જાય કે, ટ્રેનની ભરચક ભીડમાં જાણે બારી પાસે જ જગ્યા મળી ગઈ. ને તે પણ એની ગર્લફ્રેન્ડની બાજુમાં..! હરખની હેડકી તો એવી ઉપડે કે, પરીક્ષા ખંડમાં ફટાકડાં ફોડવા નહિ દે એટલે, બાકી ફટાકડાની મોટી લૂમ ફોડીને તડાફડી બોલાવી દે..! એના છોટલાં તો ત્યારે નીકળવા માંડે કે, ભળતા જ નિબંધ પુછાયા હોય. જાણે ચીટર સસરાએ બતાવેલી કન્યાને બદલે કોઈ ભળતી જ કન્યા સાથે મંગળફેરા ફરવા ના મોકલી હોય..? એ વખતે એવો આઘાત લાગે કે, જૂની કબજીયાત હોય તો છૂટી પડીને કપડાં પણ બગાડી નાંખે...!

અનેક મનોમંથન કરી જોયાં, કે આ નિબંધના લફરાંનો શોધક કોણ હશે..? આ નિબંધો અસરમાં ક્યારથી આવ્યા હશે..? ને જીવન વિકાસમાં એની અગત્યતા શું હશે..? ચમનીયાનું ફળદ્રુપ ભેજું એવું કહે કે, નિબંધ એટલે નવરા ને તોફાની વિદ્યાર્થીઓને ધંધે લગાડવાનું અમોધ શસ્ત્ર..!. કોઈપણ વિદ્યાર્થી ઊંઘવો ના જોઈએ. એ જ એનો કુટિલ ધ્યેય...! કેરી દબાવી હોય તો, બાળક ઊંઘે તો ખરો જ ને દાદૂ..? ઊંઘવા માટે એ ક્યાં ઘર જેવું ગાદલું કે સંસદ ભવન જેવો માહોલ.માંગે છે..? મધ્યાહ્ન ભોજન લીધાં પછી વામકુક્ષી કરવાનો તો ગુજરાતી રીવાજ છે..! બાળ દયા લાવીને, ખરેખર તો મધ્યાહ્ન ભોજન બાદ વામકુક્ષી યોજના લાવવી જોઈએ. જેથી કરીને ઊંઘતાં ઊંઘતાં ભણે, ને ભણતા ભણતા ઊંઘે..! એ પણ ઊંઘે, ને એના ભેગા બીજા પણ ઊંઘે...! ઊંઘની પ્રથા કંઈ આજની થોડી છે..? કુંભકર્ણ જેવાં રાક્ષસ ઊંઘી જતાં તો આ તો સાક્ષર ફેકલ્ટીનો વિદ્યાર્થી છે. શું એણે ઝોકાં પણ નહિ ખાવાના..? કુંભકર્ણને જો નિબંધ લખવા આપ્યાં હોત તો, કુંભકર્ણની તાકાત ખરી કે એ ઊંઘી શક્યા હોત..? ખબર નથી લંકામાં ત્યારે શિક્ષણ પ્રથા હતી જે નહિ. એટલે તો આપણે ત્યાં સાક્ષરો છે, ને લંકામાં રાક્ષશો હતાં..! મગજ સાલું એ વાતે બહેર મારી જાય કે, લંકામાં શિક્ષણ જ ના હોય તો, રાવણ પંડિત પણ કેમના કહેવાયા..? શિક્ષણ પ્રથા હોય તો પણ શું કાંદો કાઢવાના..? જે દેશમાં લંકેશનો ભાઈ ઊંઘતો હોય, એ દેશના વિદ્યાર્થી જાગતાં રહે ખરાં.. ! કદાચ ઊંઘ ઉડાડવા નિબંધ પણ પુછાય તો આવાં પુછાય...

(૧) શ્રી રાવણનો પરસ્ત્રી પ્રેમ

(૨) રાક્ષસોની લગ્ન પ્રથા

(૩) હું મારીચ હોઉં તો..?

(૪) સુર્પણખાંની સાહસવૃત્તિ..!

(૬) શબરીની શ્રદ્ધેય રામભક્તિ

(૭) સીતાજીની સહનશીલતા

(૮) જટાયુની શહાદત

(૯) વાનરસેનાના પરાક્રમો

(૧૦) ઘર ફૂટે ઘર જાય : વિભીષણ વગેરે વગેરે...!

પછી તો જેવો જેવો યુગ ને જેવી જેવી ઘટના..! એક વાત ચોક્કસ કે, એ જમાનામાં વિભીષણ જેવાં સગા ભાઈ ફૂટી જતાં, પણ પરીક્ષાના પેપર નહિ ફૂટતાં...! આજે તો પેપર પણ ફૂટે ને માણસ પણ ફૂટે. એના કપાળમાં કાંદા ફોડું જેવાં જેવાં જોગ, તેવાં તેવાં સંજોગ...!

હાસ્યકુ :

જીવન જીવો

તો એવું જીવો કે એ

નિબંધ બને

--------------------------------------------------------------------------------