Bhool - 12 books and stories free download online pdf in Gujarati

ભૂલ - 12

ભૂલ

કનુ ભગદેવ

પ્રકરણ - 12

અસલી ગુનેગાર અને અંત...!

ટેક્સી મહારાજા રોડ પર એક આલિશાન બંગલા સામે પહોંચીને ઊભી રહી.

પછી પાછળની સીટનો દરવાજો ઉઘાડીને તેમાંથી આશરે ત્રીસેક વર્ષની વય ધરાવતી એક સુંદર યુવતી નીચે ઊતરી.

એણે સફેદ સાડી અને સફેદ બ્લાઉઝ પહેર્યાં હતા.

પહેરવેશ પરથી તે વિધવા હોય એવું લાગતું હતું.

એના બંને ખભા પર કેનવાસના બે થલા લટકતા હતા.

એક થેલો તેના હાથમાં પણ હતો.

ટેક્સીવાળો ભાડું લીધો પછી ટેક્સીને આગળ હંકારી ગયો.

યુવતી ફાટક ઉઘાડીને કંપાઉન્ડ વટાવ્યા પછી વરંડામાં પહોંચી.

બંગલાના ફાટક પર લટકતી નેઈમપ્લેટ તે વાંચી ચૂકી હતી.

જુગલકિશોર, મેનેજર સ્ટેટ બેંક ઓફ વિશાળગઢ...!

‘મિસ્ટર જુગલકિશોર...!’ વરંડામાં પહોંચ્યા પછી એણે ઊંચા સાદે બૂમ પાડી.

વળતી જ પળે સામે દેખાતું બારણું ઉઘડ્યું.

ઉઘાડા બારણાના ઉંબર પર આધેડ વયનો સશક્ત બાંધાનો એક માનવી સૂટ-બૂટમાં ઊભો હતો. એના હાથમાં સિગારેટ સળગતી હતી.

‘બોલા...’ એણે યુવતીનું નિરીક્ષણ કરતાં શાલિનતાભર્યા અવાજે કહ્યું.

‘આપ જ મિસ્ટર જુગલકિશોર છો?’

‘હા...’

‘મારે આપની સાથે થોડી જરૂરી વાતો કરવી છે. મારું નામ આરતી ચૌહાણ છે. હું નિરાંતે બેસીને વાત કરવા માંગુ છું.’ આગતુંક યુવતીએ ગંભીર અવાજે કહ્યું.

યુવતીનું નામ સાંભળીને જુગલકિશોર ચમક્યો.

પરંતુ વળતી જ પળે તે સામાન્ય થઈ ગયો.

‘આવો...અંદર આવો...’ કહીને તે એક તરફ ખસી ગયો. આરતી અંદર પ્રવેશી.

જુગરકિશોરે બારણું બંધ કરી દીધું, અલબત્ત, એણે સ્ટોપર નહોતી ચડાવી.

આરતીને આ વાત વિચિત્ર તો લાગી પરંતુ જુગલકિશોરની વય જોતાં એ કંઈ ન બોલી.

‘હા...બોલો...શું કહેવું છે તમારે?’ જુગલકિશોરે તેને એક સોફા પર બેસવાનો સંકેત કરતાં પૂછ્યું. વાત પૂરી કરીને એ પણ બેસી ગયો હતો.

આરતીએ થેલાને પોતાના પગ પાસે મૂક્યા.

પછી તે એની સામે બેસી ગઈ.

‘મિસ્ટર જુગલકિશોર...’ એ બોલી,’ આપ જ્યારે મદ્રાસની બ્રાન્ચમાં ચીફ એકાઉન્ટન્ટ હતા, ત્યારથી જ હું આપને ઓળખું છું.’

‘એમ...?’

‘હા...’

‘કેવી રીતે...?’

‘મારા પતિ સુધીર ચૌહાણ પણ એ જ બેંકમાં કેશિયર તરીકે ફરજ બજાવતા હતા.’

‘તમારા પતિનું નામ જણવાશો?’

‘સુધીર ચૌહાણ...!’

‘સુધીર ચૌહાણ...? હા...યાદ આવ્યું...તો તમે એની પત્ની છો એમ ને?’ જુગલકિશોર અચરજભર્યા અવાજે પૂછ્યું.

‘હા...’

‘તમે મારી પાસેથી શું ઈચ્છો છો ને તમારી અહીં આવવાની હિંમત કેમ ચાલી એ પહેલાં તો મને જણાવો!’ જુગલકિશોર રોષભેર બોલ્યો, ‘સુધીર ચૌહાણે બેંક સાથે વિશ્વાસઘાત કર્યો હતો. પાછળથી એના જ કોઈક સાથીદારે તેનું ખૂન કરીને તેના મકાનને આગ લગાવી દીધી હતી. પરંતુ તું કેવી રીતે બચી ગઈ...?’ એણે કથિત આરતી ચૌહાણને એકવચનમાં સંબોધતાં કહ્યું, ‘તું તથા સુધીર મૃત્યુ પામ્યો છો, એમ જ સોએ માન્યું હતું.’

‘કદાચ મારા નસીબમાં મોત નહોતુ લખ્યું. હું એક બારી ઉઘાડીને નાસી છૂટવામાં સફળ થઈ ગઈ હતી.’ આરતી એક ઊંડો નિઃસાસો નાખતાં બોલી.

‘તો પછી તું સમાજની સામે શા માટે ન આવી.,,? શા માટે તેં તારી જાતને છૂપાવી રાખી?’

‘કેવી રીતે આવું...! બધો વાંક સુધીરનો નહીં પણ મારો હતો.

‘એટલે...?’

‘એટલે એમ કે સુબોધની પ્રેમજાળમાં ફસાઈને મેં જ મારા પતિ જે બેંકમાં કામ કરતા હતા, એ બેંક લૂંટાવી હતી. સુબોઘ ઉર્ફે મધુકર ઉર્ફે રાધેશ્યામ ભગત....! સુબોધનું સાચું નામ રાધેશ્યામ ભગત હતું. હું સુબોધ ઉર્ફે ભગતના પ્રેમમાં આંધળી બની ગઈ હતી. પરંતુ એના મનમાં પાપ હતું...! એણે મને તથા મારા પતિને મારી નાખવાનો પ્રયાસ કર્યો. મારી ભૂલનો ભોગ મારા પતિ સુધીરને બનવું પડ્યું. સુબોધ ઉર્ફે ભગત મારી સાથે દગો કરીને બેંક લૂંટ્યા પછી નાસી છૂટ્યો. મેં એ જ વખતે તેને બરબાદ કરી નાખવાની પ્રતિજ્ઞા લીધી’ કહેતાં કહેતાં આરતીની આંખો ક્રોધથી લાલઘુમ થઈ ગઈ.

‘હું...’ જુગલકિશોરના ગળામાંથી હુંકાર નીકળ્યો, ‘પછી પછી તે શું કર્યું?’

‘મેં સુબોધ ઉર્ફે ભગતને શોધવા માટે આકાશપાતાળ એક કરી નાંખ્યા. છેવટે મહેનત ફળી. મેં એને શોધી જ કાઢ્યો. અને ત્યારબાદ હું પડછાયાની માફક તેની પાછળ લાગી ગઈ. વિશાળગઢ આવીને એણે કંચન નામની એક ગરીબ યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી, અને પછી તેના લગ્ન વિનોદ સાથે તેના લગ્ન કરાવ્યાં. વિનોદને તો આપ ઓળખતાં જ હશો? એ આપની બેંકનો એક ઈમાનદાર અને ફરજનિષ્ઠ કેશિયર હતો. એની હાલત પણ મારા પતિ સુધીર જેવી જ થઈ. કહેવાનું તાત્પર્ય એટલું જ કે ભગત મદ્રાસમાં મારી સાથે જેવું કર્યું હતું, એવું જ અહીં વિશાળગઢમાં કંચન સાથે કર્યું. ફરીથી એ વાતનું પુનરાર્વત થયું. ફર્ક માત્ર પાત્રોનો જ હતો. મદ્રાસમાં હું હતી જ્યારે વિશાળગઢમાં કંચન! નાટક એક જ હતું. માત્ર એને ભજવનારાં અમુક પાત્રો જ બદલવામાં આવ્યાં હતા. ખેર, અહીં સ્ટેટ બેંક ઓફ વિશાળગઢમાં પણ લૂંટ ચલાવવામા આવી.’

‘એક મિનિટ...એક મિનિટ...’ જુગલકિશોરે વચ્ચેથી જ તેને અટકાવી.

આરતીએ પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું.

‘આ બધી વાતોની તને કેવી રીતે ખબર પડી...?’ જુગલકિશોરે શોધપૂર્ણ નજરે એના ચ્હેરા સામે તાકી રહેતાં પૂછ્યું.

આરતીનો ચ્હેરો નિર્વિકાર હતો.

‘કારણ કે લૂંટ થઈ ત્યારે હું બેંકની ઈમારતની બહાર ઊભી ઊભી બધું નાટક જોતી હતી.’ આરતીએ ભાવહીન અવાજે જવાબ આપ્યો.

‘તો પછી તેં એ જ વખતે પોલીસને શા માટે જાણ ન કરી...?’ જુગલકિશોરે અચરજભર્યા અવાજે પૂછ્યું.

ત્યારબાદ એણે સિગારેટનો લાંબો કસ ખેંચીને મોંમાંથી ધુમાડાનો ઢગલો કાઢ્યો.

‘મિસ્ટર જુગલકિશોર, ભગતે ઈલેક્ટ્રોનીક એન્જીનીયર સંતોષકુમારની પત્ની અને બાળકોને કેદ કરી રાખ્યાં હતાં. હું એ નિર્દોષોના જીવ જોખમમાં મૂકાય એમ નહોતી ઈચ્છતી. પોલીસ એ માસૂમ લોકોના જીવ કરતાં બેંક ન લૂંટાય તે વાત પર વધુ ધ્યાન અને મહત્વ આપત! તેમના જીવના ભોગે હું ધાડપાડુઓને બેંક લૂંટતાં અટકાવવા નહોતી માંગતી અને કારણસર જ બધુ જાણતી હોવા છતાંય, મેં પોલીસને જાણ નહોતી કરી.’

‘શું તું બેંકમાં લૂંટ ચલાવનારા બદમાશોને ઓળખે છે?’

‘ઓળખતી હતી એમ પૂછો મિસ્ટર જુગલકિશોર!’

‘એટલે...?’

‘આપે બે છેલ્લાં દિવસનાં છાપાં નથી વાંચ્યા લાગતાં.’

‘ના..હું ભરતપુર ગયો હતો. આજે વહેલી સવારે જ પાછો ફર્યો છું.’

‘એટલે જ આમ કહો છે...! ખેર, એ પાંચે ય પોતાની કરણીનું ફળ ભોગવવા માટે ઈશ્વરના દરબારમાં પહોંચી ગયા છે.’

‘શું...?’

‘હા...અને તેમને મેં જ સ્વધામ પહોંચા્ડયા છે. દિવાન, કેપ્ટન દિલીપ પાસે ભાંડો ફોડી નાખવા માગે છે, એવો પત્ર મેં ભગતને લખીને તેની પાસે ખૂન કરાવ્યું. પાછળથી ભગત પણ અકસ્માતમાં માર્યો ગયો.’

‘અને બાકીના બદમાશો...?’

‘મનમોહન, સુરેશ અને પ્રતાપને જ્યારે, તેઓ મારું ખૂન કરવા માંગતા હતા, ત્યારે મારી નાખ્યા. તેમણે મારુ ખૂન કરવાનો પ્રયાસ કર્યો, વખતની તૈયારી કરેલી વિડીયોફિલ્મ પણ મારી પાસે છે.’

‘વિડીયોફિલ્મ કોણ બનાવી...?’ કોઈક તારું ખૂન કરવા આવશે એવી શંકા તેને હતી?’

‘શંકા નહીં, મને પૂરી ખાતરી હતી. સાંભળો, સ્ટેટ બેંક ઓફ વિશાળગઢની લૂંટનો માલ, કંચન તથા તેના પુત્ર રાજુના મૃતદેહને મેં જ ભગતના બંગલાના ભોંયરામાંથી ગુમ કર્યા હતા. ત્યારબાદ મેં મનમોહન, સુરેશ તથા પ્રતાપને ફોન કરીને લૂંટનો માલ કોની પાસે છે, તે હું જાણું છું એમ કહીને મારા નિવાસસ્થાને બોલાવ્યા. મેં અગાઉથી જ ત્યાં વિડીયોકેમેરા ચાલુ કરીને ગોઠવી દીધો. ત્યારબાદ દેખાવ ખાતર હું ભરત નાટ્યમની પ્રેકટીસ કરવા લાગી જેથી કરીને મેં જાણી જોઈને જ કેમેરો ગોઠવ્યો હતો, એવી શંકા પોલીસનો ન આવે. પોલીસ પૂછે તો, હું મારી પ્રેકટીસની વિડીયોકેસેટ ઊતારી, તેને જોઈને મારી ભૂલ સુધારી શકું એવો જવાબ હું આપી શકું તેમ હતી. ખેર, એ ત્રણેયના આવ્યા પછી તેમણે મરતાં સુધી જેટલી જેટલી હિલચાલ કરી, એ બધી વિડીયોકેસેટમાં કેદ થઈ ગઈ. એ કેસેટ જોયા પછી દુનિયાની કોર્ટ મને તેમના ખૂન માટે જવાબદાર ઠરાવી શકે તેમ નથી. કારણ કે કેસેટમાં દર્શાવ્યા પ્રમાણે મેં આત્મરક્ષણ માટે જ તેમનાં ખૂન કર્યાં જ હતાં.’

‘પરંતુ તેમ છતાં ય તે એમના ખૂન કર્યાં હતાં.’

‘હા...પણ આ વાત કોઈ પુરવાર કરી શકે તેમ નથી.’ આરતી ગર્વભર્યા અવાજે બોલી.

‘શું લૂંટનો માલ ખરેખર તારી પાસે છે?’

‘હા...’

‘ક્યાં છે...?’

‘અહીં જ...!’

‘અહીં, ક્યાં...?’

‘આ ત્રણેય થેલામાં...!’ કહીને આરતીએ થેલાની ચેન ઊઘાડી.

અંદર સોના-ચાંદી અને હિરાજડિત આભૂષણો ભરેલાં હતાં.

સહસા જુગલકિશોરના ચ્હેરા પર ચમક પથરાઈ ગઈ.

‘તું આ માલ પાછો સોંપવા માટે આવી છો?’ એણે ઉત્સુક અવાજે પૂછ્યું.

‘હા...’

‘તો પછી તું પોલી પાસે શા માટે ન ગઈ...?’

‘મને પોલીસ પર ભરોસો નહોતો?’

‘કેમ...?’

‘એ મને બદમાશોની સાથીદાર માનીને પકડી શકે તેમ હતી.’

‘ઓહ...’

‘આ બધો માલ આપ જ પોલીસને સોંપી દો એમ હું ઈચ્છું છું.’

‘કરોડો રૂપિયાનો માલ જોઈને તારા મનમાં જરા પણ લાલચ ન જાગી...?’

‘ના...’

‘શા માટે?’

‘આંધળી લાલચ માણસને ક્યાંથી ક્યાં પહોંચાડી દે છે, એ હું જોઈ અને અનુભવી ચૂકી છું. મેં તથા કંચને પૈસાદાર થવાની લાલચ રાખી તો અમારે અમારા પતિ ગુમાવીને વિધવા થવું પડ્યું ને...? પેસાની લાલચમાં જ મનમોહન, ભગત, સુરેશ, દિવાન અમને પોતાના પ્રાણ ગુમાવવા પડ્યા! એ પાંચેયનો કરૂણ અંજામ હું જિંદગીભર નહીં ભૂલી શકું! પાપના પૈસાથી મળેલા બત્રીસ જાતનાં ભોજન કરતાં મહેનતના પેસાથી મળેલી સૂકી રોટલી વધુ સ્વાદિષ્ટ લાગે છે. પરંતુ હું કંચન લાલચમાં આંધળા બનીને આ વાત ભૂલી ગયાં હતા.’

‘એ પાંચયના ખૂન કરવાથી તને જરા પણ પશ્વાત્તાપ નથી થતો?’

‘ના...’

‘વારૂ, તને શતરંજ રમતાં આવડે છે?’

‘હા...’

‘એમાં મહોરાં હોય છે ને...?’

‘હા...’

‘બસ તો પછી...’

‘એટલે...?’

‘એટલે એમ કે તે માત્ર મહોરાંને જ માર્યાં છે! બદમાશોના બોસ સુધી તારા હાથ નથી પહોંચ્યા.’

‘શું...?’

‘હા...’

‘તેમનો પણ વળી કોઈ બોસ હતો...?’

‘હા...’

‘કોણ છે એ...?’

‘જાણવું છે તારે...?’ કહીને જુગલકિશોરે કોટના ગજવામાં હાથ નાખ્યો.

‘હા...હું મારું વેર પૂરું કરવા માંગુ છું...! જો તેમનો કોઈ બોસ હશે, તો એ પણ જીવતો નહી રહે!’

‘ઓહ...તો એ પાંચેયની માફક તું તેમના બોસને પણ મારી નાખવા માગે છે એમ ને?’

‘હા...’

‘તો, લે...તારી ઈચ્છી પૂરી કર...!’ કહેતાં કહેતાં જુગલકિશોરનો દેખાવ તથા દિદાર એકદમ બદલાઈ ગયા.

એના હાથમાં રિવોલ્વર ચમકવા લાગી.

હોઠ પર ક્રુરતાભર્યું સ્મિત ફરકતું હતું.

‘આપ કહેવા શું માંગો છો મિસ્ટર જુગલકિશોર...?’ આરતીએ કઠોર અવાજે પૂછ્યું.

‘હું જ બ્લેક કોબ્રા ગેંગનો બોસ છું બેવકુફ...!’ જુગલકિશોર કટાક્ષભર્યા અવાજે બોલ્યો, ‘તે અહીં આવીને તારી જિંદગીની મોટામાં મોટી ભૂલ કરી નાખી છે. લૂંટના જે માલને હું ભૂલી જવા માંગતો હતો, એ તું સામેથી જ મને સોંપવા માટે આવી છો. પહેલાં તો આ માલના ભાગ પાડવાના હતા...પરંતુ હવે આ બધા માલનો હું એકલો જ માલિક છું.’ વળતી જ પળે એના ગળામાંથી થરથરાવી મૂકનારું અટ્ટાહાસ્ય નીકળ્યું.

‘ઓહ...તો મારી શંકા સાચી જ પડી...!’ આરતીએ કઠોર અવાજે કહ્યું.

‘શંકા...?’

‘હા...મે જ બ્લેક કોબ્રા ગેંગના બોસ છો, એવી મને શંકા હતી. કારણ કે મદ્રાસમાં પણ આવો જ બનાવ બન્યો હતો, એ વાત તમે પોલીસને નહોતી જણાવી. જો તમારા મનમાં કોઈ પાપ ન હોત તો, જે પદ્ધતિથી મદ્રાસમાં લૂંટ ચલાવવામાં આવી હતી, એ જ પદ્ધતિથી અહીં વિશાળગઢમાં લૂંટ ચલાવવામાં આવી હતી, એ વાત પોલીસને જરૂર જણાવી દીધી હોત. પરંતુ તમે આ બાબતમાં પોલીસને કશું જ ન કહ્યું. બસ, આ વાત પરથી જ હું સમજી ગઈ કે મદ્રાસ તથા વિશાળગઢ, બંને બેંકોની લૂંટમાં તમારો જ હાથ હતો.’

‘ઓહ...તો મારી સાચી હકીકત...સાચું રૂપ જાણવા માટે જ તે આવું નાટક કર્યુ એમ ને?’

‘હા...’

‘જાણી લીધું ને...?’ હવે તું કરી પણ શું શકે તેમ છે?’

‘તારી રિવોલ્વર જોઈને હું મારો વિચાર પડતો મૂકી દઈશ એમ તું માને છે?’ આરતીએ તેને એકવચનમાં સંબોધતાં પૂછ્યું. એના અવાજમાં લેશ માત્ર પણ ભય કે ગભરાટ નહોતો.

‘કેમ, નહીં મૂકે...?’

સહસા આરતી ખડખડાટ હસી પડી.

‘તું આવી કોઈક ચાલાકી વાપરીશ એની મને ખબર જ હતી. જુગલકિશોર...! અને એટલા માટે જ હું પૂરી તૈયારી સાથે આવી છું.’

‘તું શું તૈયારી કરીને આવી છો...!’

‘જરા પીઠ ફેરવ એટલે મારી તૈયારીની તને ખબર પડી જશે!’ આરતીનો અવાજ એકદમ મક્કમ વાપરી હતો.

પરંતુ તેના અવાજમાં રહેલી મક્કમતા પારખીને જુગલકિશોર થાપ ખાઈ ગયો.

એણે પીઠ ફેરવી.

પરંતુ ત્યાં કોઈ જ નહોતું.

ત્યારબાદ તે સ્વસ્થ થાય તે પહેલાં જ તેના રિવોલ્વરવાળા હાથ પર આરતીએ પ્રહાક કર્યો.

એના હાથમાંથી રિવોલ્વર છટકી ગઈ.

ત્યારબાદ એ રિવોલ્વર લેવા માટે ધસી ગઈ.

પરંતુ જુગલકિશોરે પાછળથી એની પીઠ પર લાત ઝીંકી દીધી.

એના મોંમાંથી એક ચીસ સરી પડી. તે આગળના ભાગમાં ઊથલી પડી.

વળતી જ પળે બાજી પલટાઈ ગઈ.

રિવોલ્વર હવે પુનઃ જુગલકિશોરના હાથમાં ચમકતી હતી.

‘તું મને મારવા માગતી હતી એમ ને...? હવે તું જ મરવા માટે તૈયાર થઈ જા...! લૂંટનો માલ પહોંચાડવા માટે હું તારો ખૂબ ખૂબ આભારી છું.’

‘વાત પૂરી કરીને એણે ટ્રેંગર પર આંગળી મૂકી.

પરંતુ તે ટ્રેંગર દબાવે એ પહેલાં જ તેના હાથમાંથી રિવોલ્વર ઊડી ગઈ.

ધડામ્ અવાજ સાથે એક ગોળી છૂટી હતી.

એના મોંમાંથી ચીસ સરી પડી.

એણે જોયું.....

દરવાજા પાસે દિલીપ તથા ડી.એસ.પી. વિક્રમસિંહ ઊભા હતાં.

દિલીપના હાથમાં જકડાયેલી રિવોલ્વરમાંથી હજી પણ ધુમાડો નીકળતો હતો.

તેમને જોઈને આરતીના ચ્હેરા પર રોનક ફરી વળી.

મિસ્ટર જુગલકિશોર ઊર્ફે બ્લેક કોબ્રા...તારું નાટક પૂરું થયું છે...! વિક્રમસિંહ બોલ્યો, ‘તારી બધી વાતો અમે સાંભળી લીધી છે અને તારા જેવા સંગઠનનો નાશ કરવા માટે હું આરતીનો આભારી છું.’

‘પરંતુ આપ કેવી રીતે અચાનક અહીં આવી ચડ્યાં?’ આરતીએ અચરજભર્યા અવાજે પૂછ્યું.

‘આરતી...!’ જવાબ દિલીપે આપ્યો, ‘ભગતના ભોંયરાના બંગલામાંથી મને એક હેરપીન અને એક રૂમાલ મળ્યો હતો. રૂમાલ પર તારું નામ ગુંથેલું હતું. જ્યારે હેરપીન પર મદ્રાસની એક કંપનીનું નામ હતું. તારા નામનો ઉલ્લેખ હું દિલાવરની ડાયરીમાં પણ વાંચી ચૂક્યો હતો. કંચન, તેના પુત્ર રાજુનો મૃતદેહ અને લૂંટનો માલ તું જ લઈ ગઈ છો, એ વાત તરત જ મને સમજાઈ ગઈ. મેં મદ્રાસ જઈને તપાસ કરી. તો મને જાણવા મળ્યું કે તારા ઘરમાં જ્યારે આગ લાગી ત્યારે ત્યાંથી સળગીને રાખ થઈ ગયેલો એક જ મૃતદેહ મળ્યો હતો. હું અહીં, જુગલકિશોરને, મદ્રાસમાં થયેલી આ જ પદ્ધતિથી લૂંટ વિશે શા માટે ન જણાવ્યું, એ જ પૂછવા માટે આવ્યો છું. પાંચેયના ખૂનો કરીને તેં કોઈ ગુનો નથી કર્યો. તું માત્ર સ્ટેટમેન્ટ આપી દેજે...ખેર, કંચન ક્યાં છે?’

‘તે અત્યારે માનસચિકિત્સક મહેતા સાહેબની હોસ્પિટલમાં જ છે. એની તબીયત હવે ઘણી સુધારા પર છે!’

ત્યારબાદ વિક્રમસિંહ આગળ વધીને જુગલકિશોરને હાથકડી પહેરાવી દીધી.

લૂંટનો માલ કબજે કરી લેવામાં આવ્યો.

દસ મિનિટ પછી વિક્રમસિંહની જીપ પોલીસ હેડકવાર્ટર તરફ દોડતી હતી.

જીપમાં આરતી અને દિલીપ બેઠાં હતાં.

અને બેઠો હતો --- હાથકડી પહેરેલો જુગલકિશોર....!

[સમાપ્ત]