Atitna Padchhaya - 2 books and stories free download online pdf in Gujarati

અતીતના પડછાયા - 2

અતીતના પડછાયા

વ્રજલાલ હિરજી જોષી

. ભયાનક રાત

જ્યારે પાર્ટી પૂરી થઇ ત્યારે લગભગ રાત્રીના બાર વાગ્યાનો સમય થવા આવ્યો હતો.

અચાનક જોરદાર વરસાદનાં ઝાપટાં શરૂ થયાં, અને એકાએક લાઈટ ગુલ થઈ ગઈ. સર્વત્ર ગાઢ અંધકાર છવાઈ ગયો. લોકોની રાડારાડ અને ચિત્કારના અવાજોને ડુબાડતી વિજળીના લીસોટા સાથે ભયાનક ગર્જના થઈ. વરસાદ જોર પકડતો જતો હતો.

આવેલા મહેમાનો ફટાફટ હરિલાલની રજા લઈને જવા લાગ્યા.

"શેઠ... આપને જલ્દી ચાલ્યા જવું જોઈએ... આજ વરસાદ આખી રાત મન મૂકીને વરસશે તેવા એંધાણ લાગે છે... "હરિલાલને શોધતા-શોધતા ત્યાં પહોંચેલ કાનજીએ ચિંતાતુર સ્વરમાં કહ્યું.

"કાનજી... પહેલાં મહેમાનોને જવા દ્યો. પછી આપણે તરત નીકળી જઈશું... "

"મહેમાનોની આપ ચિંતા ન કરો હું બધા જ મહેમાનોની જવાની વ્યવસ્થા કરીને પછી જ અહીં જ સુઈ રહીશ. તમે રૂપાને લઈને નીકળી જાવ. "

રૂપાનું નામ સાંભળતા જ હરિલાલનું મન ઉત્તેજિત થઇ ગયું. "ઠીક છે તું અહીં રોકાજે તારે ઘેર આવવાની જરૂર નથી હું રૂપાને લઈને નીકળી જાઉં છું, જો તો રૂપા ક્યાં છે?"

"તમે અહીં જ ઉભા રહો, હું રૂપાને શોધી લાવું છું... "

કાનજી રૂપાને શોધવા ગયો તેની થોડી જ મિનિટો પછી અચાનક 'શેઠ - શેઠ ' કરતી રૂપા ત્યાં દોડી આવી અને અંધકારમાં હરિલાલ સાથે અથડાઈ પડી. હરિલાલે તેને પોતાની બાહોમાં પકડી લીધી. રૂપા નીચે પડતાં પડતાં માંડ બચી.

હરિલાલના શરીરમાં ઉત્તેજનાની એક લહેર માથાથી પગ સુધી દોડી ગઈ.

ઝાટકો મારી રૂપા તેનાથી તરત અલગ થઈ ગઈ. પણ તે બે-ચાર ક્ષણમાં જ હરિલાલને તડફડાવી નાખ્યો. તેના દિમાગને ઝંઝોડી નાખ્યો. જિંદગીમાં પહેલી જ વાર કોઈ સ્ત્રીનો સ્પર્શ આજ તેને થયો હતો અને આજે જ એક સ્ત્રી તેની બાહોમાં સમાઈ ગઈ હતી.

"ચાલ... કહેતાં રૂપાનો હાથ પકડી હરિલાલ પોતાની ગાડીની દિશામાં આગળ વધ્યો. ઝડપથી રૂપાનો હાથ પકડી તેણે ગાડી તરફ દોટ લગાવી. પણ એટલી વારમાં તો બંને પલળી ગયા. ફટાફટ ફિયાટનો દરવાજો ખોલી રૂપાને આગળની સીટ પર ધકેલી.

"રૂપા તુ બેસજે હું હમણાં જ આવ્યો. " કહેતા હરિલાલ ફરીથી સામીયણા તરફ દોડી ગયો.

"અરે... ! પણ... આ વરસાદમાં શું કરવા હેરાન થાવ છો... " રૂપા બોલી પણ હરિલાલને તેના શબ્દો સંભળાયા નહીં.

રૂપા હરિલાલને દોડતો જતા જોઈ રહી. હરિલાલને હજુ તે બાપ સમાન માનતી હતી. હરિલાલે તેની બાહોમાં પકડી, તેનો હાથ પકડી ગાડી તરફ દોડવું, તે બધું સહજ ક્રિયા સમજી હતી. અલબત્ત હરિલાલ નશામાં છે. તે તેની જાણ હતી. પણ તેથી શું થયું. હરિલાલ ઘરનો માણસ છે... બાપ સમાન છે... ટાઇમ મળતા ચોક્કસ તે શેઠને ટપકો આપશે કહી તેણે મન મનાવ્યું હતું.

દોડતો-દોડતો વરસાદમાં પલળતો હરિલાલ ફરીથી સામીયાણા માં આવ્યો. તેના મહેમાનો લગભગ સામીયાણામાથી બહાર જઇ ચુક્યા હતા. હરિલાલે ચારે તરફ નજર ફેરવી.

તેનાથી થોડે દુર કાનજી પેટ્રોમેક્સ સળગાવવાની કોશિશ કરતો હતો. આવતા પવનના ઝટકામાં પેટ્રોમેક્સ સળગતી ન હતી. કાનજીનું ધ્યાન તેમાં પરોવાયેલું હતું. હરિલાલ એક કાઉન્ટર પાસે પહોંચ્યો પછી ત્યાં પડેલ વ્હિસ્કીની બોટલ ઉઠાવી તેણે ગ્લાસમાં વાઇન નાખ્યો અને સોડા નાખી, ત્યારબાદ તે ફટાફટ ગટગટાવી ગયો. કોઈનું ધ્યાન તેના પર ન હતું. પછી તે ઝડપથી પાછો ફિયાટ પાસે આવ્યો અને અંદર ઘુસી ગયો. ફિયાટ સ્ટાર્ટ કરી તેણે મારી મુકી. થોડી જ સેકન્ડોમાં ફિયાટ તેની ફેક્ટરીના ગેટમાંથી બહાર નીકળી રોડ પર દોડવા લાગી.

વરસાદ સ્પીડમાં પડતો હોવાથી ગાડીની લાઈટ અને વાયફર ચાલુ હોવા છતાં આગળ સડકનું દ્રશ્ય તેને ધૂંધળું દેખાતું હતું.

હરિલાલના દિમાગમાં એકદમ નશો છવાતો જતો હતો. તેણે એક વખત રૂપા તરફ નજર ફેરવી. વરસાદમાં પલળવાથી રૂપાનાં વસ્ત્રો તેના શરીર સાથે એકદમ ચીપકી ગયા હતા. હરિલાલનું પૂરું બદન કામાગ્નિ થી સળગી ઊઠ્યું અને તેના દિમાગમાં સાક્ષાત શેતાને કબજો લઈ લીધો.

ફૂલ સ્પીડમાં ચાલતી ગાડીનું સ્ટીયરીંગ એક હાથેથી પકડી તેણે બીજા હાથથી કેબીનની લાઈટ બંધ કર. તે થોડો રૂપાની તરફ સરક્યો, પછી તેનો હાથ રૂપાના ખભા પર પહોંચી ગયો.

રૂપા એકદમ સંકોચાઇને બેસી ગઈ.

તેને હવે હરિલાલથી બીક લાગવા માંડી પણ હમણાં જ તેઓ બંગલે પહોંચી જશે તે વિચારે તે ચૂપચાપ બેસી રહી.

તેના ખભા પર પડેલો હરિલાલનો હાથ સરક્યો અને ધીરે-ધીરે તેના બદન પર ફરવા લાગ્યો.

રૂપા ધ્રુજી ઉઠી.

"શેઠ... શેઠ... આ શું કરો છો. હું તો તમારી દીકરી જેવી છું ... "ગભરાતાં, તેણે એક હાથથી હરિલાલનો પોતાના અંગ પર ફરતો હાથ દૂર કરવાની કોશિશ કરતા બોલી.

"રૂપા... રૂપા... હું તને ચાહું છું... આજ... આજ મને કંઈક થાય છે, રૂપા... "કહેતાં હરિલાલે ફરીથી પોતાના હાથને રૂપાના ઉરજો તરફ આગળ વધાર્યો.

"ચૂપચાપ બેસી રહો, શેઠ... ત... ત... તમારી હાલત સારી નથી... "હાથને જોરથી ઝાટકો આપી હરિલાલના હાથની દૂર હડસેલતા કડક શબ્દોમાં બોલી.

હરિલાલનો કામાગ્નિ એકદમ ભડકી ઉઠ્યો હતો. તેનું દિમાગ કામ કરતું ન હતું. રૂપાના કડક શબ્દોથી તે ચૂપચાપ બેસી તો રહ્યો પણ તેની હવસ શાંત ન થઇ... હવે શું કરવું તેના વિચાર સાથે તેણે લિવર પર એકદમ જોર આપ્યું.

આગળનો રસ્તો એકદમ વેરાન હતો. વરસાદ પૂરજોશમાં ચાલુ હોવાથી કોઈ વાહન પણ સામે આવતું ન હતુ. તીવ્ર સન્નાટામાં પડતા વરસાદનો અવાજ ભય પેદા કરતો હતો. સાથે સાથે પવનના સુસવાટા અને થોડી-થોડી વારે થતી ગર્જના ખોફ પેદા કરતી હતી.

આગળ જતા રસ્તાથી થોડે દુર ખંડેરો આવતા હતાં.

કોઈ રાજા - મહારાજાએ બનાવેલ તે પુરાણો કિલ્લો હતો. પણ સમયની માર સાથે તે ખંડેરોમાં તબદીલ થઈ ચૂક્યો હતો.

ખંડેરોની ચારે તરફથી જંગલ ફેલાયેલું હતું.

ધોળે દિવસે પણ ત્યાં કોઈ જ ફરકતું ન હતું. ત્યાં રાજા-મહારાજાઓના આત્મા ફરે છે તેવી લોકવાયકા પણ હતી.

હરિલાલ તે રસ્તા પરથી પસાર થતો ત્યારે ઘણીવાર તેને તે ખંડેર પર જવાની ઇચ્છા થતી પણ તેની સાથે જે કોઈ હોય તે તેને ના પાડતું, ત્યાં જવા જેવું નથી.

આજ તે પુરાણા ખંડેરો હરિલાલને મહેલ જેવા લાગવા માંડયા. ખંડેરો આવવાની વાટ જોતો તે ગાડીને પૂરપાટ વેગે દોડાવી રહ્યો હતો.

થોડા આગળ વધ્યા પછી કારની હેડલાઈટની રોશનીમાં દૂરદૂરથી ખંડેરો તેની નજરે પડ્યા.

રૂપા ધ્રૂજતી શરીરને સંકોચીને એક તરફ બેઠી હતી. કેબિનમાં અંધકાર હોવાથી કંઈ જ દેખાતું ન હતું.

હરિલાલનો જમણો હાથ સ્ટિયરિંગની નીચેની બાજુ સરક્યો, પછી તેના હાથ (ઈગ્ની સન) ગાડીની ચાવીને સ્પર્શ્યા. ત્યારબાદ રૂપાને ખ્યાલ ન આવે તેમ ચાવીને ચાલુ-બંધ કરવા લાગ્યો.

ફિયાટ ઝટકો ખાવા લાગી.

"ગાડીમાં કઈક ખોટકો થયો છે. આપણે ઘરે પહોંચીએ તેવું લાગતું નથી. હાલ તો ભયાનક વરસાદ અને પવનથી બચવા માટે આપણે ક્યાંક આશરો લેવો પડશે... "બોલતાં હરિલાલ ચહેરા પર લુચ્ચું સ્મિત ફરકતું હતું.

ગાડીમાં અંધકાર હોવા છતાંય રૂપા તેના ચહેરાના ભાવ કરી ગઈ.

"ના... ના... ના આપણે ઘરે પહોંચવું જ પડશે... પિતાજીની તબિયત બરાબર નથી તેઓ વાટ જોતા જોતા ચિંતા કરતા હશે... " રૂપાની આંખોમાં નર્યો દહેશત ફરકતો હતો.

"આમાં હવે આપણે કરી પણ શું શકીએ જો ગાડી આગળ વધે જ નહીં તો... તો મારે શું કરવું... ?ધક્કા મારવા... ?"

"ત... ત... તમે ગમે તે કરો... પણ મને જલ્દી ઘરે પહોંચાડો.... "આજીજીભર્યા સ્વરે રૂપા બોલી.

"ઠીક છે, ટ્રાય કરું છું. નહીંતર આગળ ખંડેરો આવેલ છે. ત્યાં થોડી વાર રોકાઈ જઈએ અને મિકેનિકલને મોબાઈલ કરી બોલાવી લઈએ, તે જલ્દી કર ઠીક કરી દેશે. "

"તમે... બીજી ગાડી કેમ મંગાવતા નથી... ?"ધ્રૂજતા અવાજે રૂપા માંડ માંડ બોલી.

"બીજી ગાડી મહેમાનને મૂકવા ગઈ છે. તે આવતાં વાર લાગશે.. "કહેતાં કહેતાં હરિલાલે ચાવી ઘુમાવી.

ઘરરર... ના અવાજ સાથે એન્જિન ધણધણી ઊઠયું પણ ગાડી થોડી આગળ વધતી કે ફરીથી ડચકા ખાવા લાગી.

રૂપાનું હદય ધાક... ધાક... થતું હતું અને મગજ ફાટ ફાટ થતું હતું, "હે ભગવાન એક તો હરિલાલ શેઠ પુરા નશામાં છે, અને નશામાં નિયત મારા પર બગડેલી છે અને અધૂરામાં પૂરું આ ગાડી પણ અત્યારે જ ખરાબ થઈ... પ્રભુ હવે હું ક્યાં જાઉં, મારી લાજ રાખજે... "રૂપાની આંખો શિકારના હાથમાં સપડાયેલ હરણીની જેમ ચકળવકળ થવા લાગી. ડચકાં ખાઈને ફરીથી રોડની એક તરફ ઊભેલી ગાડીને હરિલાલે સ્ટાર્ટ કરી. ગાડીએક ઝાટકા સાથે ચાલુ થઈ કે તરત હરિલાલે ખંડેર તરફ જવા કાચા રસ્તા તરફ ગાડીને વાળી.

ઉબડ - ખાબડ કાચા રસ્તા પર ઉછળતી ગાડી ખંડેરો તરફ જવા લાગી, હરિલાલે વચ્ચે બે-ત્રણ વખત ગાડીની ચાવી બંધ કરી ગાડી ને ઝાટકા આપ્યા.

આખરે ગાડી ખંડેર પાસે પહોંચી.

કિલ્લા જેવા તે ખંડેરના લાકડાના દરવાજા - બારીઓ તો ક્યારનાય ગુમ થઈ ગયા હતા અને પથ્થરની દિવાલો પણ ચારે તરફ તૂટી ગયેલી હતી. તૂટેલી દિવાલો પર જંગલી ઘાસ ફૂટી નીકળ્યું હતું. ભયાનક ભૂતાવળ થતી હોય તેવું દ્રશ્ય ભાસતું હતું.

ચારેતરફ ખોફનાક સન્નાટો છવાયેલો હતો.

"ચાલ રૂપા બહાર આવ... "ગાડી બંધ કરી બહાર આવી રૂપા તરફનો દરવાજો ખોલતા હરિલાલ બોલ્યો.

"હે... ના... ના... ના... હું અહીં જ બેઠી છું... "બીકથી રૂપા નો અવાજ એકદમ ધ્રૂજતો હતો.

"અરે... બહાર આવ... ગાડીમાં બેઠી બેઠી કળજાય જઈશ, વળી તારા કપડા પણ પલળી ગયા છે અને મિકેનિકલને આવતા સહેજ બે-ત્રણ કલાક નીકળી જશે... " કહેતાં કહેતાં હરિલાલે રૂપાનું બાવડુ મજબૂતાઈથી પકડ્યું અને પછી રૂપાને બહારની તરફ ખેંચી.

સન્નાટાને ચીરતી રૂપાના કંઠમાંથી ચીસ સરી પડી. તેનું શરીર બહારની તરફ નમી ગયું અને તે નીચે પડી ગઈ.

તે જ વખતે આકાશમાં પ્રકાશપુંજના લીસોટા વેરતી વીજળી પશ્ચિમ દિશાથી દક્ષિણ દિશા તરફ વેરાણી.

વીજળીના તેજ પ્રકાશમાં પલળેલા કપડામાંથી રૂપાની કંચનવર્ણી કાયાનાં હરિલાલને દર્શન થયા કે તરત જ તેની આંખોમાં વાસનાના સાપોલિયા દોડવા લાગ્યાં. ઉત્તેજનાથી તેના મનમાં ઝણઝણાટી થવા લાગી.

હરિલાલે ઝડપથી ઊભી થતી રૂપાને પોતાની બાહોમાં જકડી લીધી અને જોશથી પોતાના બદલ સાથે ચાંપી દીધી.

"મૂકી દ્યો... મૂકી દ્યો... ભગવાનને ખાતર... અરે તમે તો મારા પિતા જેટલા છો. હું મનથી તમને બાપ માનું છું. હું તમને હાથ જોડીને પગે લાગું છું... "ધ્રૂજતા અવાજે કંપતી રૂપા બોલી, તેની આંખોમાંથી યાજનાભર્યા અશ્રુની ધાર નીકળી રહી હતી.

"રૂપા... હું તારા વગર રહી શકું તેમ નથી... રૂપા... હું તને મારી બનાવવા માંગુ છું... રૂપા જો બંગલા... ગાડી... કાપડની મિલ વિચાર, રૂપા હું તને રાણી બનાવીને રાખીશ... તને સોનાથી મઢી દઈશ. રૂપા.... મારું કહ્યું માનીશ તો તને ક્યારેય તકલીફ થવા નહીં દઉં... રૂપા... ઓ રૂપા... " કહેતાં- કહેતાં હરિલાલેરૂપાને ભીંસી નાખી. વરસાદ ચાલુ હોવા છતાંય તેના શરીરમાં અગ્નિનો લાવા ફૂટી રહ્યો હતો.

"ના... ના... ના... ના... મને કહી જ નથી જોઈતું... મને મૂકી દ્યો, " ધ્રુજતી રૂપા ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી.

"રૂપા... તારા વગર મારો કામાગ્નિ શાંત થાય તેમ નથી, એટલે હવે તને છોડવાનો સવાલ જ પેદા થતો નથી. આમ તને છોડી દઉં, તો તું ઘરે ચાલી ને તારા બાપ અને તારા નમાલા પ્રેમી પાસે મારા નામના છાજિયાં લઈને લડવાની જ છે, રૂપા મારી કારકિર્દીની શરૂઆતમાં મારું નામ ખરાબ થાય તેમ હું નથી ઈચ્છતો આ સમાજમાં મારી પ્રતિષ્ઠા જળવાઇ રહે તે માટે મારે તો તારો રસ પીવો જ પડશે, જેથી તારું મોં કાળું કર્યા પછી તું કોઈને કહી જ ન શકે કે હરિલાલે શું કર્યું હતું... "તેની પકડમાંથી છૂટવા રૂપા જોર કરતી હતી અને હરિલાલ તેને વધુને વધુ પોતાની બાહોમાં દબાવતો જતો હતો.

જેમ - જેમ રૂપાનું શરીર તેના શરીર સાથે ભિંસાતુ જતું હતું તેમ તેમ વાસનાનો અગ્નિ વધુ ભડકે બળતો હતો.

જોર કરતી રૂપાએ હરિલાલના હાથમાંથી છુટવા માટે એકાએક હરિલાલના બાવડામાં બટકું ભરવા માટે શરીરના પૂરા જોર સાથે દાંત ભરાવ્યા અને પછી જડબાને સખત રીતે ભીંસી દીધા. રૂપાના દાંત હરિલાલના બાવડામાં ખૂંપી ગયા.

તીવ્ર વેદના સાથે હરિલાલની ચેતનાને ધક્કો લાગ્યો. તેના મોંમાંથી ચીસ નીકળી ગઈ તેના હાથ ક્ષણ માટે પડ્યા અને તે જ ક્ષણ નો લાભ ઉઠાવતી રૂપા તેની પકડમાંથી છટકી ગઈ.

બે-ચાર પળોમાં જ હરિલાલે પોતાની જાતને સંભાળી લીધી પણ તેટલા વખતમાં તો રૂપાએ તે પુરાણા ખંડેરો તરફ દોટ મૂકી.

"સાલ્લી... નીચ... કમજાત... "તેના ગંધાતા મોંમાંથી ગાળોનો વરસાદ નીકળ્યો.

થોડી વખત તો ગાઢ અંધકારમાં રૂપા કઈ તરફ નાસી તેનો તેને અંદાજ ન આવ્યો, પણ પછી તેના કાને રૂપાના ઝાંઝરના અવાજનો પીછો કર્યો.

"રૂપા... આ... આ... "હરિલાલે જોરથી ચીસ નાખી. ક્યાં છો? રૂપા... રૂપા... " રાડો નાખતો તે ખંડેર તરફ દોડ્યો.

ખંડેરના સન્નાટામાં હરિલાલની ચીસોનો અવાજ ગુંજી ઉઠયો.

ધમણની જેમ ચાલતા શ્વાસને કાબૂમાં લેતી રૂપાની આંખોમાં નર્યો - નીતરતો ખોફ અને દર દેખાતો હતો.

રૂપા ખંડેરની વિરાનીમાં ચારે તરફ ફફળતી નજરે જોયું. તેના હોઠ એકદમ ધ્રુજતા હતા. આંખો ફાટેલી જ રહી હતી. શરીર બીકથી કંપી રહ્યું હતું.

હરિલાલની ચીસોના પડઘા સાથે તરત સન્નાટામાં તેના દોડવાનો અવાજ ગુંજી ઉઠયો.

"હરિલાલ આવી રહ્યો છે... ક્યાં છુપાઉં... શું કરું... " વિહ્વળતાથી રૂપાએ ખંડેરોમાં ચારે તરફ નજર નાખી પછી થોડે દૂર એક કમરાની તૂટેલી દીવાલ તેની નજરે ચડી.

ઝડપથી રૂપા તે દીવાલ તરફ સરકી અને કૂદકો મારી ચાર ફૂટની દીવાલ ટપી ગઈ તે તૂટેલી દીવાલની પાછળ છુપાઈને બેસી ગઈ.

રૂપા... રૂપાની રાડો નાખતો હરિલાલ ખંડેરમાં ધસી આવ્યો. ખંડેરો વચ્ચે આવી હરિલાલ ઉભો ઉભો હાંફતો હતો.

સાપના ફૂંફાડા જેવો તેનો હાંફવાનો અવાજ રૂપાને સંભળાતો હતો. વરસતા વરસાદમાં તે ભયાનક લાગતો હતો.

અચાનક આકાશમાં ફરીથી વીજળીના લીસોટા વેરાયા. ગાઢ અંધકારમાં ક્ષણભર માટે ઉજાસ ફેલાયો.

ફેલાયેલા ઉજાસમાં રૂપાને શોધવાના ફાંફાં મારતા હરિલાલની નજર તે તૂટેલા ખંડેરની દિવાલ પર પડી.

હરિલાલના ચહેરા પર ક્રૂર લુચ્ચું સ્મિત રેલાયું. તૂટેલી દિવાલના ખૂણામાં તેની નજર રૂપાની લાલ સાડીના છેડા પર પડી.

જરાય અવાજ ન થાય તે રીતે હરિલાલ ચૂપચાપ તૂટેલી દીવાલ તરફ આગળ વધ્યો. દીવાલ પાસે પહોંચી, તૂટેલી દિવાલ પર પંજા ભરાવી તે પગના પંજાથી ઊંચો થયો અને તેની નજર સસલાની જેમ ફફડતી સંકોચાઈને ખૂણામાં બેઠેલી રૂપા દેખાય તો તરત હરિલાલ જરાય અવાજ ન થાય તેનો ખ્યાલ રાખી દીવાલ પર ચડી ગયો અને પછી તેણે બીજી તરફ કૂદકો લગાવ્યો.

હરિલાલ રૂપા પર જઈને પડ્યો, તરત રૂપાને બાથમાં લઇ લીધી. રૂપા ચીસો પાડવા લાગી પણ વિરાન ખંડેરોમાં તેની ચીસો સાંભળવાવાળું કોઈ જ ન હતું.

"હવે રાડો નાખવાનું બંધ કર અને ચૂપચાપ મારા તાબે થઈ જા. "કડક શબ્દોમાં હરિલાલ બોલ્યો પછી તરત હરિલાલે તેનો ચોટલો એક હાથથી પકડીને ખેંચ્યો. તીવ્ર પીડાથી રૂપાની આંખોમાં આંસુ ધસી આવ્યા.

હરિલાલના દિમાગ પર સાક્ષાત શેતાને કબજો જમાવી દીધો હતો.

એક હાથે રૂપાના વાળ પકડી ઝડપથી બીજા હાથે હરિલાલે રૂપાની સાડી ખેંચી કાઢી તે જ સમયે થયેલા વીજળીના પ્રકાશમાં રૂપાનુ ભીના કપડામાં લપેટાયેલું જોબન જોઈને તે પોતાના પરનો સંપૂર્ણ કાબુ ગુમાવી બેઠો અને પછી તે હવસખોર શેતાને રૂપાને બળપૂર્વક નીચે સુવડાવીને ઉપર ચડી બેઠો.

ખોફનાક રાત્રિના ભેંકાર ખંડેરો રૂપાની ચીસોથી ગૂંજી ઉઠ્યા.

રૂપા ચિલ્લાતી રહી, તરફડતી રહી પણ શેતાન બની ચૂકેલા હરિલાલને જરાય દયા ન આવી. દારૂ અને વાસનાના નશામાં ભાન ભૂલેલો હરિલાલ તેના પર તૂટી પડ્યો.

નશામાં ચકચૂર હરિલાલને તે પણ ભાન ન રહ્યું કે તેના જમણા હાથનું દબાણ રૂપાના ગળા પર આવતું જતું હતું.

રૂપાનો શ્વાસ રૂંધાતો જતો હતો. ધીરે-ધીરે તેનું શરીર સ્થિર પડતું જતું હતું.

ગાજવીજ સાથે વરસતા વરસાદમાં વાસનાનું તોફાન આવ્યું અને પછી શમી ગયું.

થોડીવાર પછી હરિલાલ રૂપાની બાજુમાં બેઠો બેઠો એકદમ હાંફતો હતો. ધીરે-ધીરે તેનો નશો ઊતરતો જતો હતો.

વાસનાનો કામાગ્નિ શાંત થયો અને નશો પણ ઓછો થયો ત્યારે હરિલાલને પોતે આચરેલા કુકર્મનું ભાન થયું.

ખોફનાક, સન્નાટો, ખામોશી... બિહામણું વાતાવરણ... વરસાદ હજુ પણ વરસતો હતો.

હવાના સુસવાટા સાથે વૃક્ષોની ડાળીઓ ચિત્ર - વિચિત્ર અવાજ ફેલાવતી હતી. સાથે પાંદડાઓના ખખડાટ.

પથ્થરની મૂર્તિની જેમ હરિલાલ સ્થિર અને અવાક્ બની બેઠો હતો. તેના અંદરનો શેતાન વિદાય લઈ ચૂક્યો હતો. તેનો ચહેરો જાણે કોઈએ લોહી નીચોવી લીધું હોય તેવો સફેદ પડી ગયો હતો.

બેઠા બેઠા જ ઢસડાતોતે રૂપા પાસે પહોંચ્યો.

"રૂપા... રૂપા... ઓ રૂપા" કહેતાં હરિલાલે રૂપાનો ચહેરો થપથપાવ્યો.

કોઈપણ જાતના હલન-ચલન વગર રૂપા પડી હતી.

હરિલાલે તેના ગળા અને હાથ પર પોતાનો હાથ ફેરવ્યો અને રૂપાના હાથને ઊંચો કર્યો.

ઠંડુ... એકદમ ઠંડુ પડી ચૂક્યું હતું રૂપાનું શરીર, હરિલાલે તેના હાથના ધબકારા ચેક કર્યા.

તેના હાથમાંથી રૂપાનો હાથ છટકી અને નિર્જીવ વસ્તુની જેમ નીચે પડ્યો.

હરીલાલ નો હાથ ધ્રૂજી ઊઠ્યો. રૂપાનો હાથ નિર્જીવ લાગ્યો અને હાથ ના ધબકારા બંધ પડી ચૂક્યા હતા.

વીજળીના થયેલા પ્રકાશમાં હરિલાલે રૂપાના ચહેરા તરફ જોયું.

રૂપાની આંખો નિસ્તેજ બની ને ફાટી ગઈ હતી. તેનો ભલોભોળો માસુમ અને નિર્દોષ ચહેરો ફિક્કો અને નિસ્તેજ લાગતો હતો. જાણે કોઈ લાશ પડી હોય તેવો દેખાવ... જાણે પિંજરામાંથી પક્ષી ઉડી ગયું હોય તેવો દેખાવ...

હરિલાલ એકદમ હેબતાઈ ગયો.

તેનો રહ્યોસહ્યો નશો કપૂરની જેમ ઉડી ગયો.

થોડી વાર પહેલાં શેતાન જેવો દેખાતો હરિલાલ ગરીબ ગાઈ જેવો બની ગયો. તેને પોતાની જાત પર તિરસ્કાર છૂટ્યો.

થોડા આગળ વધી તેણે રૂપાનું માથું પોતાના ખોળામાં લીધું. " રૂપા... રૂપા... ભાનમાં આવ. રૂપા... મ... મારી ભૂલ... રૂપા... "કહેતા કહેતા તે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.

"હે ભગવાન... મેં આ શું કરી નાખ્યું... "

"મારી મા અને મારા પિતાજીના આત્માને હું શું જવાબ આપીશ રૂપા... ઊઠ... હું... હું... તારી સાથે લગ્ન કરી લઈશ... રૂપા મને માફ કર... " રૂપાના માથા પર પોતાનું માથું મૂકીને તે ચોધાર આંસુ સાથે રડવા લાગ્યો.

રૂપાનું શરીર નિસ્તેજ થઇને પડ્યું હતું.

હરીલાલને લાગ્યું કે રૂપા પોતાનો જુલ્મ સહન ન થવાથી મળી ચૂકી છે.

"રૂપા... હું તારો અપરાધી છું... રૂપા... મને સજા આપ... "

" હે ભગવાન મારો આ ઉપરાંત ક્યારેય માફ ન કરતો... મારા શરીરમાં કીડા પાડજે... મને અંગે અંગે કોઢ ફૂટાડજે ... મને તરફ તડફડવીને તફડાવીને મારજે ભગવાન... " કહેતાં કહેતાં તે જમીન સાથે માથા પછાડવા લાગ્યો. તેનું છાતીફાટ રુદન ભલભલાના હૃદયને પીવડાવી દે તેવું હતું.

કેટલીય વાર તે માથા પછાડતો રહ્યો, રડતો રહ્યો.

લગભગ અડધા કલાક પછી તેને પોતાની પરિસ્થિતિનું ભાન થયું. વેરાન હવેલી પર તે રૂપાની લાશ પાસે બેઠો હતો.

"હવે... ?હવે શું કરું... મારે રૂપાની લાશ ઉઠાવી ઘરે પહોંચવું પડશે... પણ... ઘરે જઈ મોહનકાકાને શું જવાબ આપીશ... કાનજીને ખબર પડશે ત્યારે... કોને શું જવાબ આપવો... રૂપાની આવી હાલત કેમ થઇ... ? જવાબ આપતા શરમથી મરી પણ નહીં શકું. "

" ના... ના... ના... મારે જવાબ તો આપવો જ પડશે. હું જવાબ આપીશ. મારો ગુન્હો કબુલી લઈશ સામે મેં કરેલા અત્યાચારની સજા તો મારે ભોગવવાની જ છે. "

"ફાંસી... હરિલાલ તારા આ અત્યાચાર ની સજા ફાંસીથી ઓછી નહીં હોય... " તેના અંદરથી અવાજ ઉઠયો.

"હરિલાલ... ભૂલ તો બધાને થાય... તારી ભૂલ એ હતી કે જિંદગીમાં આગળથી આગળ વધવાની મહેચ્છામાં તે લગ્ન ન કર્યા... તારા લગ્ન થયેલ હોત, તારી પત્ની હોત તો ચોક્કસ તારાથી આ પાપ ન થયું હોત. હર એક ઇન્સાનને પોતાના શરીરની ભુખ પણ સંતોષવી પડે છે. પોતાની ઇન્દ્રિયોને વશ કરનારા તો મોટા સંત મહાત્માઓ જ હોય છે. તે પણ જૂજ પ્રમાણમાં તે હરિલાલ તારી ભૂલ એ ભૂલ નહીં પણ માનવ માત્ર જે વસ્તુ વગર રહી શકવાની શક્તિમાન નથી તે ભૂખ તેં મિટાવી છે. તું થોડો મોટો સંત હતો કે તારી ઈન્દ્રિયોને વશ કરી શકે. હા... એ વાત સત્ય છે કે રૂપા મૃત્યુ પામી છે. પણ તે તેને જાણી જોઈને નથી મારી નાખી, પણ... આ વાતને મોહનકાકા કે કાનજી નહીં સ્વીકારે તે તને જ ગુનેગાર માનશે. તારા પર થુંકશે તને ધિક્કરશે... કાલના છાપામાં મોટા અક્ષરે તારા કૃત્યો વિશે છપાશે, લોકો તારા તરફ ઘર નફરતથી જોશે... જેલ... પછી સજાએ મોત... હા... તારા કરણીના ફળ સ્વરૂપે તને મોત ચોક્કસ મળશે, પણ મોત મળ્યા પછી પણ લોકો તને ધિક્કારશે... જયરામનો છોકરો ના-લાયક નીવડ્યો... હરામખોર... નીચ કમજાત એક માસુમ બાળા પર બળાત્કાર કર્યો... તેને મારી નાખી... હાક... થું... કરીને તારા નામ પર, તારા બાપાના નામ પર થુંકશે... ""નહીં... "હરિલાલે એક ચીસ નાખી. સુમસામ ખંડેરોમાં તેના પડઘા પડ્યા. તેના અંદરથી આવતા વિચારોને દબાવવાની કોશિશ કરતાં તેણે પોતાના વાળ પીંખ્યા.

" નહીં... મારે જીવવું છે... મારે મારી માતાની ઇચ્છા... મારા બાપનું નામ... છટ... શું... હવે હું શું મારા માતા પિતાનું નામ રોશન કરવાનો, આજ તેનો આત્મા કેટલો ડંખતો હશે... તેઓએ શું વિચાર્યું હતું અને મેં શું કરી બતાવ્યું... પણ મારે મરવું નથી... મારી બદનામીની સૌથી વધુ બીક લાગે છે. ના... મારે શેઠ હરિલાલ... ના નામ પર કલંક લગાવી મરવું નથી. "

"તો... તો... શું કરું... ?" હરિલાલ બબડ્યો.

" હરિલાલ... રૂપાની લાશને અહીં જ ખંડેરોમાં દાટી દે... આમે આ ખંડેરો બદનામ છે. તારી ગાડી ખરાબ થઈ ગઈ. વરસાદ અને તોફાનોથી બચવા રૂપાને લઈ તું ખંડેરોમાં આવ્યો. રૂપાને અહીં બેસાડી પછી ગાડીને ચાલુ કરવાનાં પ્રયત્નમાં લાગી ગયો. ગાડી ચાલુ થઈ ગઈ, તરત તું રૂપાને બોલાવવા ખંડેરોમાં ગયો પણ રૂપા ત્યાં ન હતી... રૂપા... ના નામની બૂમો પાડતાં પાડતાં તું ખંડેરો ફરી વળ્યો. આજુ - બાજુનું જંગલ ખૂંદી વળ્યો. પણ ક્યાંય પત્તો લાગ્યો નહીં, " અથડાતો, કુટાતો, થાકી-હારીને તું ઘરે પરત ફર્યો, કહેતાં માથા પછાડી પછાડી થોડીવાર રડી લેજે એટલે પત્યું. "

"હા... ફાંસીની સજા અને બદનામીથી બચવા માટે આ એક જ ઉપાય છે... " મન મક્કમ કરતો લથડાતાં - લથડાતાં હરિલાલ ઉભો થયો.

ખોફનાક સન્નાટો, ગાઢ અંધકાર અને સુસવાટા મારતો પવન હવે ધીરે ધીરે હરિલાલને ખંડેરોમાં ડર લાગવા લાગ્યો. તેને અહીંથી નાસી છૂટવાની તીવ્ર ઈચ્છા થતી હતી, પણ રૂપાની લાશને છોડીને તે નાસી શકે તેમ ન હતો.

ઊભા થઈ તે રૂપાના પગ પાસે આવ્યો અને પછી રૂપાના બંને પગ પકડીને ઢસડવા લાગ્યો.

અત્યારે કોઈ તેને આ પોઝિશનમાં જુએ તો બીકથી મરી જાય.

બંને પગ પકડી રૂપાની લાશને ઢસડતો ઢસડતો તે ખંડેરની તૂટેલી પાળ પાસે લાવ્યો. પછી તે પાળ પર ચડી ગયો. અને ખૂબ જ બળપૂર્વક રૂપાની લાશને ઢસરડીને તે પાળ ટપાવી ગયો. "ધબ્બ... "ના અવાજ સાથે રૂપાની લાશ ઉપરથી નીચે જમીન પર પછડાઈ.

"હું... ઊ... ઊ... ઊ... અચાનક આવતા ઘુરકાટના અવાજ સાથે હરિલાલ છળી પડયો. તેના હાથમાંથી રૂપાના પગ છટકી ગયા. દહેશતથી તેનું હૃદય થડકી ઊઠ્યું. માથા પરથી પરસેવાના રેલા ફૂટવા લાગ્યા.

જાણે રૂપાની લાશ જીવતી થઈ હોય તેવી દહેશત તેના મનમાં ફેલાઇ, તેની રુંવાટી ઊભી થઈ ગઈ. પણ પછી શાંતિ... એકદમ ચીર શાંતિ છવાઈ ગઈ.

થુંક ગળામાં ઉતારી હરિલાલે ચારે તરફ નજર ફેરવી.

પછી મનને મક્કમ કરી ખાડો ખોદવા માટે કંઈ મળી જાય તો સારૂ ના વિચાર સાથે ખંડેરની આજુબાજુ તપાસ કરવા નીકળ્યો પણ તેને ક્યાંય કોઈ જ વસ્તુ ન દેખાઇ જેનાથી તે ખાડો ખોદી રૂપાની લાશ દાટી શકે.

"વાઇ... ઉ... ઉ... " વાઉ... વાઉ... ઘુર... ધુર ર... ફરીથી એકદમ તે ધ્રૂજી ઉઠ્યો. તેના હાથ-પગ ધ્રૂજવા લાગ્યા. આંખો ચકળવકળ થવા માંડી.

લાલ અંગારા... હા તે બે ગોળ લાલ અંગારા જેવી ખોફભરી બે આંખો તેને તાકી રહી હતી અને તે જ દિશામાંથી ભયાનક બિહામણા અવાજો આવી રહ્યા હતા.

ધીરે-ધીરે ખોફનાક આંખો તેની નજીક આવી રહી હતી.

"મ્યાઉં... મ્યાઉં... " તે એકદમ છળી ઉઠ્યો.

તેનાથી થોડે દુર ખંડેરની દીવાલ પરથી એક બિલાડી જમ્પ મારી હરિલાલ પર કૂદી.

"વોયમા... બચાવો... "તેના કંઠમાંથી જોરદાર ચીસ નીકળી પડી. બિલાડી તોડીને આગળ નીકળી ગઈ અને તે લાલ ખોફનાક આંખો તેનો પીછો કરતી બિલાડીની પાછળ દોડી.

હરિલાલે માથા પરથી પરસેવો લૂછ્યો.

થુંક ગળી જઇ જોર જોરથી ચાલતા શ્વાસને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરતો એક પથ્થર પર બેસી ગયો.

લાલ અંગારા જેવી દેખાતી આંખો વાસ્તવમાં કોઈ શિયાળની હતી અને તે બિલાડીને જોઈ દબાતા પગલે શિકાર કરવા આવતું હતું.

વરસાદ બંધ થઇ ગયો હતો.

હરિલાલ વરસાદમાં પલળેલો હતો. છતાં પણ તેનું શરીર ધગધગતું હતું. તે ઉભો થયો અને આગળ વધ્યો ચારેતરફ ચક્કર લગાવ્યા પછી પણ તેને ખાડો ખોદવા માટે કોઈ જ સાધન ન મળ્યું, ન કોઈ એવી જગ્યા મળી કે રૂપાના શરીરને ત્યાં દાટી શકે.

"હવે શું કરુ... ?રૂપાના મૃતદેહને ક્યાં છુપાવું ... "ના વિચાર કરતો ફરીને તે જ્યાં રૂપાનો મૃતદેહ પડયો હતો ત્યાં આવ્યો.

જ્યાં રૂપાનો મૃતદેહ હતો ત્યાં તેણે નજર ફેરવી.

તેના રહ્યાસહ્યા હોશ ઉડી ગયા. ગભરાટથી તેનું હૃદય બેસવા લાગ્યું. તે ઊભો ઊભો એકદમ ધ્રૂજવા લાગ્યો. તેને લાગ્યું કે તે બેહોશ થઈને હમણાં જ પડી જશે. આંખોમાં અંધકાર ફરી વળ્યો, તેણે ફરીથી આજુબાજુ નજર ફેરવીને જોયું. રૂપાનો મૃતદેહ ત્યાંથી ગાયબ થઈ ગયો હતો.

"આવું કેમ બને... ?પોતે તો પંદર-વીસ મિનિટ પહેલાં તૂટેલા ખંડેરના તે ઓરડામાંથી રૂપાનો દેહને ઢસડીને લાવીને અહીં મૂક્યો હતો. તો એટલીવારમાં મૃતદેહ ક્યાં જાય... ?શું મૃતદેહ પોતાની મેળે ગાયબ થઈ શકે... ?કે પછી કોઈ જાનવર તેને ઉપાડી ગયું... ?ના એવું ન જ બને... તો... ?તો પછી?તેને યાદ આવ્યું કે અહીં ખંડેરોમાં આત્માઓનો વાસ હતો, જેથી બીકનું માર્યું કોઈ આ તરફ આવતું ન હતું.

ખંડેરો વિષે તેણે ઘણી વાતો સાંભળી હતી.

"તો શું કોઈ આત્મા રૂપાની લાશને ગુમ કરી શકે?" આત્માના વિચારથી ફરીથી તે બીકથી ધ્રુજી ઉઠ્યો.

તે જ વખતે જંગલના ઊંડાણમાંથી બૂમ-બરાડાના ગેબી અવાજો આવવા લાગ્યા. હરિલાલનાં રૂંવાટા ઊભા થઇ ગયાં.

હરિલાલની હિંમત તુટતી જતી હતી. ખોફભર્યા વાતાવરણમાં તેને ચારે તરફ ભૂતાવળ નાખતી હોય તેવો અહેસાસ થવા લાગ્યો. અધૂરામાં પૂરું એકાએક તેને તેની આજુબાજુમાં સાપના ફૂંફાડા જેવો અવાજ સંભળાયો.

ફું... ફું... ફું... ફું... જાણે પ્રાઇમસ ઝળકતો હોય તેવો. "ભાગ હરિલાલ ભાગ... તારે જીવવું હોય તો અહીંથી દૂર દૂર નાસી જા... "તેના અંદરથી અવાજ આવ્યો.

અને પછી હરિલાલે એકદમ દોટ મૂકી.

અંધારામાં અથડાતો - કૂટાતો તે ખંડેરની બહારની તરફ મુઠ્ઠીઓ વાળીને ભાગ્યો.

એક વખત તે ખંડેરની એક દીવાલ સાથે "ધડામ" કરતો અથડાયો અને બે-ત્રણ વખત તે બાવળની કાંટાળી ઝાડીમાં ઘુસી ગયો. તેનાં કપડાં ચારે તરફથી ફાટી તાર - તાર થઇ ગયાં અને કેટલીય જગ્યાએથી લોહીની ટશરો ફૂટી નીકળી.

ભય, દહેશત, ખોફ શું છે તેનો હરિલાલને પહેલી વખત અનુભવ થયો.

માંડમાંડ તે પોતાની ફિયાટ પાસે પહોંચ્યો.

દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો પણ હાથના પંજામાં જાણે લકવા મારી ગયો હોય તેવું તેને લાગ્યું.

ધ્રુજતા હાથે તે દરવાજો ખોલવાનો પ્રયત્ન કરતો હતો. તે સમયે અચાનક દૂરથી જંગલી કૂતરાઓની ઓનાયુનો અવાજ સંભળાયો. માંડ માંડ થી દરવાજો ખોલીને ડ્રાઇવિંગ સીટ પર બેઠો પછી ફટ કરીને કારનો દરવાજો બંધ કરી ગાડીની ઇંગનીશન ની ચાવી ફરાવી ગાડી ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો. બે-ત્રણ પ્રયાસ પછી માંડ માંડ ગાડી ચાલુ થઇ. તરત ગાડીને ગેરમાં નાખી લીવર પર જોરથી પગ દબાવ્યો . જોરદાર ઝાટકા સાથે ફિયાટ આગળ વધી ટર્ન લઈને તેણે ફિયાટને રોડ તરફના તે ઉબડખાબડ રસ્તા પર મારી મુકી.

અચાનક તેણે મિરરમાંથી પાછળ ખંડેરોની દિશામાં દ્રષ્ટિ ફેરવી. તે હક્કો - બક્કો રહી ગયો.

વેરાનીમાં તેની ચીસ ગુંજી ઊઠી. સ્ટિયરિંગ પરથી તેના હાથ છૂટી ગયા. છાતીમાં એકદમ દબાણ ઉપડ્યું. ગાડીએ કાબૂ ગુમાવ્યો અને રસ્તો છોડી તે બે-ચાર ખાડાઓમાં ઊછળતી એક તોતિંગ ઝાડ સાથે અથડાઇ. હરિલાલ બેહોશ થઈને ડ્રાઇવિંગ સીટ પર જ ઢળી પડ્યો.

***