Atitna Padchhaya - 5 books and stories free download online pdf in Gujarati

અતીતના પડછાયા - 5

અતીતના પડછાયા

વ્રજલાલ હિરજી જોષી

. ખોફનાક ચીસ

બીજા દિવસની સવાર પડી.

હરિલાલ આજે એકદમ સ્વસ્થ હતો, પણ ડૉ. દેવાંગીએ તેમને પલંગ પરથી નીચે ઉતરવાની મનાઈ ફરમાવી હતી.

સવારના ચા નાસ્તો કરી દેવાંગી પોતાના ક્લિનિક પર જવા માટે તૈયાર થઈ.

"મા... હું ક્લિનિક પર જાઉં છું. બપોરના એક વાગ્યા સુધીમાં પાછી આવી જઇશ. "તે બોલી.

"બેટા... મારી એક વાત માનીશ... "ઉજજવલા તેની સામે તાકી રહી.

"બોલો મા... ?"

"બેટા, રાજના ડેડી જ્યાં સુધી એકદમ બરાબર ન થઈ જાય ત્યાં સુધી મારી ઈચ્છા છે કે તું અમારી સાથે જ રહે. "

"મા આ દુનિયામાં મારું પોતાનું કહી શકાય તેવું કોઈ જ નથી, મા મેં પહેલાં કોઈનેય કહ્યું નથી કે મારા માતા-પિતા આ સંસારમાં નથી અને હું અનાથાશ્રમમાં ઉછરીને મોટી થઈ છું. મહેનત અને લગન સાથે અભ્યાસ કરી એમ. ડી. ની પદવી મેળવી છે. મા મને મુંબઈમાં સતત લોકો પૂછપરછ કરતા રહેતા તમારા પિતા કોણ છે... ? મા કોણ છે... ? તમે કોણ છો... ?આવા પ્રશ્નોના ઉત્તરો આપી મને મારું અતીત કોરી ખાતું હતું. મા હું ખૂબ દુઃખી થતી આખરે કંટાળીને મેં મુંબઈ છોડ્યું. સાયન હોસ્પિટલની સારી નોકરી છોડી ભારતના એક એવા ખૂણામાં જવાનું નક્કી કર્યું, જ્યાં મને સંતાપ ન હોય, ન કોઈ મારા અતીતને છંછેડે. મા, એટલા માટે જ હું કચ્છ આવી અને અહીં મારું દવાખાનું ખોલ્યું. મા મારી જિંદગીમાં મને ક્યાંય વાત્સલ્ય અને પ્રેમ નથી મળ્યો. જો કે અનાથાશ્રમમાં ભાનુભાઈ મને ખૂબ જ પ્રેમથી રાખતા. પણ મા, આખરે તો તે અનાથઆશ્રમ હતો. અમે સૌ અનાથ હતા અને અમને સાચવવા ભાનુભાઈને ટ્રસ્ટ પગાર આપતો., "કહેતાં કહેતાં ડૉ. દેવાંગી ચૂપ થઇ ગઇ. તેની આંખોમાં આંસુ છલકાયાં.

તેની વાત સાંભળી ઉજજવલા એકદમ સ્તબ્ધ થઈ ગઈ. તેને તો એવું હતું કે ડૉ. દેવાંગી મોટા ખાનદાનમાંથી આવેલી હશે. તેમણે મનમાં નક્કી પણ કર્યું હતું કે થોડો સમય જતાં તે દેવાંગી પાસેથી તેમના મા-બાપનું એડ્રેસ લઈ તે રાજ માટે દેવાંગીનો હાથ માંગી લેશે. રાજ મોટા ઉદ્યોગપતિનો દીકરો હોવાથી તે ચોક્કસ તેમની વાતનો સ્વીકાર કરી લેશે.

ઉજજવલાએ પોતાના મનને મક્કમ કર્યું. પછી પોતાના હાથ વડે ડૉ. દેવાંગીના ગાલ પર ટપકતા આંસુ લૂછ્યા.

"બેટા... આજથી તું મને તારી મા સમજજે અને બેટા હવે તારે ક્લિનિક પર રહેવાની જરૂર નથી. તું તારો સામાન લાવી અહીં રહેવા માટે આવી જા. આટલા મોટા બંગલામાં ગમે તે કમરો પસંદ કરી લેજે... અહીં તું જેના પર હાથ રાખીશ તે તને મળી જશે... "

"મા"કહેતાં ડૉ. દેવાંગી તેને ભેટી પડી અને પછી ડૂસકે ડૂસકે રડી પડી. ઉજ્જ્વલા તેની પીઠ પર વાત્સલ્યભર્યો હાથ ફેરવતાં તેને છાની રાખવા લાગી.

"મા જ્યાં સુધી હરિલાલ શેઠ એકદમ સાજા ન થઈ જાય ત્યાં સુધી હું તેમની સેવા કરવા માટે અહીં રહીશ પછી હું મારા ક્લિનિક પર ચાલી જઈશ... "પાણી પીતાં ડૉ. દેવાંગી બોલી.

" આ તારું ઘર છે. બેટા તારી મરજી પડે ત્યારે તું અહીં આવીને રહી શકે છે. અમને પૂછવાની પણ જરૂર નથી.

"ભલે મા હું હવે જઈશ... " ઠંડા પાણીથી મોં ધોયા બાદ મોંને નેપકીનથી લૂછતાં લૂછતાં તેણીએ રજા માગી.

૭૬-૯૦

"ભલે જઇ આવ બેટા... " ઉજ્જવલાએ કહ્યું .

કદમે ફાર્મ હાઉસના પાર્કીંગમાં ગાડી થોભાવી અને તેની બાજુમાં પડેલી ગાડીમાં જતી ડૉ. દેવાંગીને તે જોઈ રહ્યો. પછી તે બંગલા ના ગેટ તરફ આગળ વધી ગયો.

મળવા આવનારની અવરજવર ચાલુ હતી. પણ આજ ઘણા ઓછા લોકો મળવા આવ્યા હતા. લગભગ આગલા દિવસની સાંજ પછી મળી ગયા હતા.

ઘરના નોકરે કદમને સુશોભિત સજાવેલા અતિથિ ખંડમાં બેસાડ્યો. પાણી પીવડાવ્યું પછી તે રાજને સમાચાર આપવા અંદર ચાલ્યો ગયો.

"સર... આપ કો મિલને કે લિયે કોઈ આયા હૈ. "નેપાળી નોકરે કહ્યું કે તરત રાજ ગેસ્ટરૂમમાં આવ્યો. ત્યાં બેઠેલા કદમને જોઈ તે દંગ રહી ગયો.

"અરે... ! કદમ... "

"હાય... રાજ... કેમ છો?" કહેતાં કદમ ઉભો થયો. તે સાથે જ રાજ દોડીને કદમને ભેટી પડ્યો.

"કદમ... ક્યારે આવ્યો તું... ?"

"રાજ હું પરમ દિવસ આવ્યો હતો, તું રહ્યો એકદમ બીઝી માણસ એટલે વિચાર્યું કે જતાં પહેલાં તને મળતો જઈશ. પણ આજ સવારના પેપરમાં તારા પિતા હરિલાલની તબિયતના સમાચાર વાંચ્યા કે તરત દોડી આવ્યો... "સોફા પર બેસતાં કદમે કહ્યું.

"સારું થયું કદમ તું આવી ગયો, કાલથી હું ખૂબ જ મૂંઝવણ અનુભવું છું. હું સવારથી વિચારતો હતો કે મારા મનની વાત કોને કરું, પણ મને એવી કાંઈ જ સૂઝતું ન હતું. જેને દિલની બધી વાત કરી શકું... "

"પહેલા એ કહે કે તારા ડેડીની તબિયત કેમ છે... ? અને અચાનક આ બધું શું થઈ ગયું... ? મારે તેમને મળવું છે... "

"ડેડીની તબિયત આજ ઘણી જ સારી છે. ચાલ તને ડેડી સાથે મળાવું, પછી આપણે ચા નાસ્તો કરીએ ત્યારબાદ આપણે બંને નિરાંતે બેસીએ... "ઊભા થતાં રાજ બોલ્યો. પછી કદમને લઈને હરિલાલના કમરા તરફ ચાલ્યો.

થોડીવાર પછી બંને હરિલાલ પાસે બેઠા હતા. હરિલાલ એક વખત કદમને મળ્યો હતો એટલે કદમનો પરિચય તેમને આપવાની જરૂર ન પડી.

"કેમ છો સર... "

"બેટા, આજ તો સારું છે, પણ કાલ યમરાજની મુલાકાત લઈ આવ્યો. "ફિક્કું સ્મિત રેલાવતાં હરિલાલ બોલ્યો.

કદમને લાગ્યું કે હરિલાલ એકદમ તૂટી પડ્યા છે. તેનો ફિક્કો ચહેરો, નિસ્તેજ જેવી આંખો ઘણું કહી જતી હતી. ભય અને દહેશતની એક મોટી વારદાત થઈ ગઈ હોય. જાણે હરિલાલ એકાએક કોઈ મહાસંકટો વચ્ચે ઘેરાઈ ગયો હોય તેવું તેનો ચહેરો જણાવી રહ્યો હતો. કદમ કેટલાય સમય સુધી તેમના ચહેરાને તાકી રહ્યો અને તેના ચહેરા પર આવતા હાવભાવ સમજવાની કોશિશ કરતો રહ્યો.

થોડા સમય પછી કદમ અને રાજ, રાજના એક અંગત કમરામાં બેઠા હતા.

" કદમ... તને હું જે વાતો કરું તે બધું તારે તારા પૂરતું રાખવાનું છે. આ બધી વાતોની ગોપનીયતા જળવાઈ રહે તેમ હું ઇચ્છું છું. "

"રાજ... હું "રો"નો જાસૂસ છું અને મારા મગજમાં કેટલાય કેસોના અંગત રાજ ધબડાયેલા છે. રાજ મારું કામ એવું છે કે દેશ અને દેશની સિક્યુરિટી માટે હંમેશા જાનની બાજી લગાવી ઝઝૂમતા રહેવાનું, ક્યારેક કોઈ બીજા દેશના હાથમાં સપડાઈ જઈએ, તો તે દેશની સિક્રેટ એજન્સીઓ અમને ભારતની સિક્રેટ ફાઇલો માટે અમારું મોં ખોલવાની કોશિશ કરે, ભયાનક યાતનાઓ આપે. અમે મરવાનું પસંદ કરીએ પણ ક્યારેય દેશની કોઈપણ સિક્રેટ વાત બહાર જવા ન દઈએ. તું ચિંતા ન કર રાજ, તારે અંગત મેટર ક્યારેય બહાર નહીં જાય, આ તારા દોસ્તનું તને વચન છે... " સિગારેટ સળગાવતાં કદમ બોલ્યો.

"તો સાંભળ... " કહેતાં રાજે વાતની શરૂઆત કરી.

બે દિવસ પહેલાંની વાત છે. રાત્રીના ભયાનક વરસાદ વરસતો હતો. મને ઘણું કામ હતું એટલે ઘરે આવવામાં મોડું થયું હતું. ગાડી ચલાવતાં ચલાવતાં અચાનક મારી નજર રોડની એક તરફ સફેદ કપડાં પહેરીને ઊભેલી એક સ્ત્રી પર પડી. તે હાથ હલાવી લિફ્ટ આપવા માટે કહેતી હતી. મોડી રાત્રી, તોફાની વરસાદ વચ્ચે હેરાન હાઇવે પર એકલી ઊભેલી તે સ્ત્રીને જોઈ થોડી વાર તો મને આશ્ચર્ય સાથે ભય પણ લાગ્યો. કોઈ આત્મા કે ચુડેલ તો નથી ને... !પણ કદમ હું આત્મા, ભૂતપ્રેતમાં માનનારો માણસ નથી. વિચારો ખંખેરી મેં ગાડીને ઉભી રાખી. " કહેતાં રાજ ચૂપ થયો અને ચાના ઘૂંટડા ભરવા લાગ્યો.

કદમ ઉત્સુકતા સાથે રાજ સામે તાકી રહ્યો.

ખાલી કપને ટીપોઈ પર મૂકી રાજ આગળ બોલ્યો. કદમ તે સ્ત્રીએ લિફ્ટ માંગી મેં તરત જ દરવાજો ખોલી અંદર આવી જવા માટે કહ્યું. તે ઝડપથી ગાડીમાં બેઠી એટલે મેં તેના તરફનો ગાડીનો દરવાજો બંધ કરવા હાથ લંબાવ્યો... કદમ મારા હાથ સાથે તેના હાથનો સ્પર્શ થયો અને હું ચોંકી ઉઠ્યો, તેનો હાથ એકદમ ઠંડા, જાણે કોઈ મૃત માણસને હાથ લગાવીએ અને જે અનુભવ થાય તેવો જ અનુભવ મને થયો.

"વરસાદના ઠંડા પાણીમાં પલળવાથી કદાચ તેનું શરીર ઠંડું પડી ગયું હશે... "સિગારેટનો છેલ્લો દમ ભરી એસટ્રેમાં ઠુંથને મસળતા કદમ બોલ્યો.

"ના કદમ... તેનો હાથ વરસાદમાં પલળવાથી થાય તેનાથી ઘણો જ ઠંડો લાગ્યો.

"પછી... પછી શું થયું... ?"

" કદમ... તેણીએ કરેલી વાત પરથી તે મુંબઈથી આવી હતી. તે અંજાર રેલવે સ્ટેશનની ઉતરી હતી અને તેને ગાડીવાળો અહીં ઉતારી ગયો હતો. તેને તો થોડે દૂર એટલે કે આપણા ફાર્મ હાઉસની પાછળ આવેલ હવેલી પર જવું હતું. "

"તો આમાં ક્યાં કંઈ નવાઈ જેવું હતું. આવું તો ઘણીવાર બનતું હોય છે. "

"કદમ તે હવેલી વર્ષોથી ખાલી પડી છે. હવેલી એકદમ ઉજ્જડ અને પુરાણી છે. તેમાં કોઈ જ રહેતું નથી, અને તે સ્ત્રીના કહેવા પ્રમાણે તેના પિતા તે હવેલીની ચોકીદારી કરે છે . કદમ, તે હવેલીમાં કંઈ જ બચ્યું નથી. સમયના માર સાથે તે ખંડેર બનેલી છે, તો તેમાં ચોકીદારની ક્યાં જરૂર હોય. "

"હમ્... પછી શું થયું... ?"

"હું તેને હવેલી પાસે ઉતારી આવ્યો. હવેલી પાસે ગાડી ઉભી રાખતાં તે ઝડપથી ગાડીમાંથી નીચે ઊતરી અને દોડીને હવેલીમાં ચાલી ગઈ. ન તો તેમણે મારો આભાર માન્યો. "

" ઘણા લોકો એવા જ હોય છે, રાજ તેની જરૂર પૂરી થાય કે તે તરત તમને ભૂલી જાય છે, આગળ બોલ... "

" આ વાત તો મેં સ્વાભાવિક ગણી પણ બીજા દિવસે ચા પીતાં પીતાં આ વાર સ્વાભાવિકપણે મારા ડેડીને કહી તો તેઓ અચંબો પામી ગયા અને પછી જ્યારે તે સ્ત્રીનું નામ અને હવેલી પર ચોકી કરતા તેના પિતાજીનું નામ કહ્યું કે તરત મારા ડેડી બીક અને દહેશતથી ધ્રુજી ઉઠ્યા અને પછી જ તેમને તરત હાર્ટએટેક આવ્યો. દોસ્ત કદમ આ ઘટના તો સ્વાભાવિક નથી ને... ?"

"શું વાત કરસ... ? હરિલાલ શેઠની તબિયત આટલી ખરાબ થઈ ગઈ તેનું કારણ તે કરેલી વાત છે... ?મને માન્યામાં નથી આવતું... "આશ્ચર્ય સાથે કદમ બોલી ઉઠ્યો

"હા, અને આગળ સાંભળ, ગઈ રાત્રીના તેમની તબીયતમાં સુધારો થયો, મને વિચાર આવ્યો કે મેં કહેલી વાતમાં એવું તે શું હતું કે જેનાથી ડેડીને આટલો મોટો આઘાત લાગ્યો. પહેલાં તો થયું કે ડેડીને પૂછી લઈશ, પણ કદમ હું દોડીને વધુ ટેન્શન આપવા માંગતો નથી એટલે મારે શું કરવું... ?આ વાતનો ભેદ કેવી રીતે જાણવો તે વિચારતો હતો કે અચાનક મને યાદ આવ્યું કે હું તે સ્ત્રી એટલે કે રૂપાને તે હવેલી પર મૂકી આવ્યો હતો. હવે જો રૂપા પાસે જઈને તેને જ પૂછી લઉં તો... ? તો મને મારા પ્રશ્નોના જવાબ મળી રહે. "

એક ઊંડો શ્વાસ લઇને રાજ આગળ બોલ્યો, " તે રાત્રે જ ચુપચાપ કોઈને પણ જાણ કર્યા વગર હું હવેલી પર ગયો. તે હવેલી પર માણસ તો ઠીક કોઇ ચકલુંય ફરકતું ન હોય તેવું મને લાગ્યું. રૂપાના નામની બૂમો નાખતો હું હવેલીમાં ગયો. હવેલીનાં જર્જરિત લાકડાના દરવાજા વચ્ચે બનીને ડેલી ખુલ્લી હતી. હું અંદર પ્રવેશ્યો. કદમ તને વાત કરતાં મારાં રૂંવાટા ઉભા થઇ જાય છે તેવું તે ખોફનાક વાતાવરણ હતું. તે સમયે તે હવેલી પર લાકડીનો ઠક... ઠક... નો અવાજ આવ્યો અને પછી એક ડોસો મારી સામે આવ્યો. જે જોવાથી જ ભૂત જેવો લાગતો હતો.

કદમ તેણે મને કહ્યું કે વર્ષો પછી હવેલીમાં કોઈ માણસને મેં આજ જોયો છે. પછી તેણે મને હવેલી પર આવવા માટે કારણ પૂછ્યું મેં તેમને હવેલી પર આવવાનું કારણ જણાવ્યું ત્યારે મને શું જવાબ આપ્યો ખબર છે... ?"

"શું આપ્યો... ?"

"તેમણે મને કહ્યું કે રૂપા મારી દીકરી હતી, તેને મળવું હોય તો તારે પહેલા મરવું પડશે, કારણ કે રૂપા કેટલાંય વર્ષો પહેલા મૃત્યુ પામી છે, અને કદમ મેં તેને કહ્યું કે કાલ મને રૂપા મળી હતી અને હું તેને અહીં હવેલી પર મૂકી ગયો હતો. મારી વાત સાંભળ્યા પછી તે રાડો નાખી બોલવા લાગ્યો. મારી રૂપા મને મળવા આવી છે. રૂપા... રૂપા... કહેતાં તે હવેલીની અંદર દોડી ગયો. " વાત કરતાં કરતાં રાજનો અવાજ ધ્રૂજી ગયો હતો.

કદમ એકદમ સ્તબ્ધ બની ગયો.

"રાજ, તારી બધી વાતો વિચિત્ર છે. તારા સિવાય બીજો કોઈ મને આ વાત સંભળાવે તો હું તે વાતને સદંતર ખોટી જ માનું. "

" તારી વાત સાચી છે. કદમ પણ આ વાત સો ટકા સાચી છે. હું પણ ભૂત-પ્રેતના વાંધો માનતો નથી, પણ બનેલી ઘટનાએ મને પણ વિચારતો કરી દીધો છે. "

"રાજ, તે કોઈ સ્વપ્ન તો નથી જોયું ને... ?ઘણી વખત સ્વપ્નમાં જોયેલી વાત આપણને સાચી લાગે. "

"ના કદમ... હું રાત્રીના હવેલી પર ગયો હતો, રૂપાએ મારી પાસે લિફ્ટ માંગી હતી, મારી વાત સાંભળ્યા પછી ડેડીને એટેક આવ્યો, કદમ આ બધી જ વાતો એકદમ સાચી છે... "કહેતાં રાજ ખામોશ બને ઉંડા વિચારોમાં ઉતરી ગયો.

" રાજ આ વાત જો ખરેખર સાચી હોય તો કોઈ મોટું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે અને તેમાં તારા ડેડી અને તારા પર કોઈ મોટો ખતરો તોળાઈ રહ્યો છે, તેવું મારું માનવું છે. હવે એ બતાવ કે તને મળેલ સ્ત્રી જેનું નામ તેણે રૂપા કહ્યું હતું, તેનો દેખાવ કેવો હતો. તેના પિતા જે તને હવેલીમાં મળ્યા તેનો દેખાવ અને તેની વિચિત્ર લાગેલ હોય તેવા તેવા તેમના ખાસ વર્તન મને જણાવ... "

"કદમ પહેલા હું તને રૂપા વિશે જણાવું. "

"રૂપાનો ચહેરો એકદમ સફેદ પડી ગયો હતો. તેની ગોળ અને મોટી આંખો અને એકદમ લાલ લાગી જાણે તે એકદમ રડી હોય અથવા તો એકદમ ગુસ્સામાં કે નિંદરમાંથી ઉઠીને આવી હોય, તેના વાળ એકદમ મોટા કમરથી નીચે લંબાવેલા અને વિખરાયેલા હતા. તે દેખાવમાં રૂપાળી અને લગભગ ૩૫ થી ૪૦ વર્ષ વચ્ચેની હોય તેવું લાગ્યું હતું અને તેના પિતા જેનું નામ મોહન, જે તે સ્ત્રી એટલે કે રૂપાએ કહ્યું હતું. તે મને હવેલી પર મળ્યો હતો. પણ અંધકાર હતો, મારી પાસે પેન્સિલ ટોર્ચ હતી તે પણ એકદમ ધીમી પડી ગઈ હતી. પણ ટોર્ચના આછા પ્રકાશમાં તે માણસ મને વિચિત્ર લાગ્યો. તેની દાઢી એકદમ વધેલી હતી. માથાના વાળ પણ લાંબા અને વિખરાયેલા હતા. તેના વાળ સફેદ થઈ ગયા હતા. કદમ, તે એકદમ વૃદ્ધ દેખાતો હતો. લાકડીના ટેકે ચાલતો હતો. પણ જ્યારે મેં તેમની દીકરી રૂપાની વાત કરી ત્યારે તે વૃદ્ધ લાકડીને ઘા કરી રૂપા... રૂપા... રાડો નાખતો નાસી છૂટ્યો હતો. તે નાસી જતો વૃદ્ધ મને તે વૃદ્ધ હોય તેવું લાગ્યું નહીં. "

એક ચિત્તે ધ્યાનથી તેની વાતો સાંભળતો કદમ વિચારોમાં ડૂબી ગયો.

"કદમ... હું ઈચ્છું છું કે તું આ કેસને હાથમાં લે અને બધા રહસ્યોને ઉજાગર કર... કદમ મને મારા ડેડીની ઘણી ચિંતા છે. તેને કંઈ થયું ને તો અમારી દુનિયા વેરાન થઈ જશે... કદમ તને જેટલા રૂપિયા જોઈએ તેટલા હું તને આપવા તૈયાર છું. "

"રાજ પહેલી વાત તો એ કે તારા ડેડીના કોઈ ભયજનક અતીત સાથે આ વાત જોડાયેલી હોવી જોઇએ. તેઓ ભૂતકાળમાં રૂપા અને મોહનના નામ ક્યાંક જોડાયેલા હશે અને હરિલાલ શેઠને બ્લેકમેલ કરવાનું કોઈએ ષડયંત્ર રચ્યું છે. હવે મારી બીજી વાત ધ્યાનથી સાંભળી લે, હું "રો"નો એજન્ટ છું. મારાથી કોઈ જ પ્રાઇવેટ કેસ હાથમાં ન લેવાય, છતાં હું મારા સરને રાત્રે વાત કરી પરમિશન લઈ લઈશ, કારણકે તું મારો ખાસ મિત્ર છો, અને રહી પૈસાની વાત તો બધાં કામ પૈસાથી નથી થતાં અને ભારતની ઉચ્ચ જાસુસી સંસ્થા "રો"ના એજન્ટને પૈસા આપવા એ મોટો ગુનો છે મિ. રાજ. "

ત્યાર પછીના ઘણા સમય સુધી બંને મિત્રો વાતો કરતા રહ્યા.

@@@

" હવે તમે કામ પૂરતું બોલી શકો છો... "સાંજના હરિલાલને પૂરો ચેકઅપ કર્યા પછી ડૉ. દેવાંગીએ તેમને બોલવાની છૂટ આપી. હરિલાલની આંખોમાંથી આંસુ નીકળી ગાલ પર સરી પડ્યાં. તે ઉપકારભરી નજર સાથે, ડૉ. દેવાંગી સામે જોઇ રહ્યો. ડૉ. દેવાંગીએ પોતાના હાથ વડે તેમના આંસુ લૂછ્યા.

"મા... હરિલાલ શેઠને આજ ખીચડી અને દહીં આપવાના છે, અને તે પણ સૂતાં - સૂતાં જ. "

"ભલે બેટા, તું કહે તેમ... અમારા માટે તે ફરીથી દોડતા થઈ જાય તે જ મોટી વાત છે અને બેટા... તારી ખરા દિલથી કરેલી મહેનત સફળ થઇ તે માટે ઈશ્વર તને હંમેશા ખુશ રાખે અને દર્દીઓની સારવાર કરવા શક્તિ અને નવું જોમ આપે. કહેતાં ઉજ્જવલાએ દેવાંગીના માથા પર હાથ ફેરવ્યો. થોડે દૂર ઊભેલા રાજને થયું કે તે દોડીને એને ભેટી પડે.

થોડીવાર પછી

રાજ અને ડૉ. દેવાંગી ફાર્મહાઉસના ફૂલોથી છવાયેલા ગાર્ડનમાં બનાવેલ સિમેન્ટની બેંચ પર બેઠાં હતાં.

"ડૉ. દેવાંગી, મારે તમને મારા મનની વાત કહેવી છે. હું ચોખવટ કરવામાં માનું છું. તમને પસંદ આવે તો હા કહેજો નહિતર સ્પષ્ટ ના કહી દેશો તો મને માથું નહીં લાગે. "

"રાજ ... તમારી વાત વાજબી હશે તેની મને ખાતરી છે. તમારી વાતમાં મારી હા હશે પણ તે પહેલા તમને કહી દઉં કે તમે મને દેવાંગી કહીને બોલાવશો તો મને ગમશે.

"દેવાંગી... હું તમને સાચા મનથી પસંદ કરું છું. હું તમને હું... હું... દિલથી ચાહવા લાગ્યો છું... "કહેતાં રાજે દેવાંગીનો હાથ પોતાના હાથમાં લીધો.

દેવાંગી ખડખડાટ હસી પડી.

"કેમ... આમાં હસવા જેવું મેં શું કહ્યું... ?"

"રાજ... તમે એટલા ગંભીર બની ગયા છો, જાણે કોઈ મોટી વાત કેવી હોય. "

"તો શું આ વાત તને નાની લાગે છે. "

"રાજ... હું તો તમારા હાવભાવ અને તમારી આંખો પર નીતરતો પ્રેમ જોઈને જ સમજી ગઈ છું કે તમે મને પ્રેમ કરવા લાગ્યા છો. રાજ પ્રેમ બોલતો નથી, પણ પ્રેમ કરવાવાળાનું હૃદય અને તેની આંખો જ તેના ભાવ બતાવી દે છે. "

"તો બહુ જ શાણી છો, દેવાંગી પણ આ મારા પ્રશ્નનો જવાબ નથી... "

"હે, ભગવાન... હું તમારું દિલ જાણી શકું છું. તો તમે પણ મારું દિલ જાણી લો... પણ રાજ એક વખત સંબંધોના બંધનમાં જોડાયા પછી તમારે પસ્તાવાનો વારો ન આવે તે જરૂર વિચારજો... " કહેતાં કહેતાં ડૉ. દેવાંગી ગળગળી થઈ ગઈ.

"દેવાંગી, તું એકવાર તારી મરજી જણાવી દે, ખરેખર જો તું મને પસંદ કરતી હોય તો મારે બીજું કાંઈ જ જોવાની જરૂર નથી. "

"ખાલી મારી હા કહેવાથી શું વળવાનું છે, રાજ... પહેલાં તમારે તમારા માતા-પિતાને વાત કરી તેમની ઇચ્છા જાણવી જોઈએ પછી મારો ભૂતકાળ જોવો જોઈએ, રાજ... તમે ક્યારેય કેમ નથી પૂછ્યું કે દેવાંગી તારા ઘરમાં કોણ કોણ છે. તારા માતા પિતા કોણ છે, તારા પિતા શું કરે છે... ?"દેવાંગીની આંખમાંથી આંસુ ટપક્યાં.

"દેવાંગી મારે કાંઈ જ જાણવાની જરૂર નથી. પણ હા... તું મને તારા માતા-પિતા સાથે મળાવીશ, તો મને આનંદ થશે અને હું તેમની પાસે તારા હાથની માંગણી પણ કરીશ. "

"રાજ... મારું આ દુનિયામાં કોઈ જ નથી. હું નાની હતી ત્યારે જ મારાં માતા પિતા કોઈ દુર્ઘટનામાં મરી પરવાર્યા, હું અનાથ બનીને અનાથ આશ્રમમાં ઉછરીને મોટી થઈ છું. હું કોણ છું, મારા માતા પિતા કોણ હતાં, તેની પણ મને ખબર નથી. માટે રાજ... આ સંબંધને આગળ વધારી કોઈ નામ આપો તે પહેલા બધું વિચારજો... મેં મારી જિંદગીમાં દુઃખ સિવાય કાંઈ જ જોયું નથી. આ છેલ્લે બે વર્ષમાં ડોક્ટર બન્યા પછી મારી જિંદગી થાળે પડી છે. રાજ મને પોતાની કહીને બોલાવનાર કોઈ જ નથી... " કહેતાં કહેતાં ડૉ. દેવાંગી ધ્રુસકે ધ્રુસકે રડી પડી.

કેટલોય સમય રાજ, દેવાંગીને પોતાની બાહોમાં લઇ તેના માથા પર પ્રેમથી હાથ ફેરવતો રહ્યો. માંડ માંડ દેવાંગી રડતી બંધ થઈ.

" દેવાંગી... હું તને ચાહું છું... બસ આનાથી વધુ મારે કાંઈ જ જોવું નથી. મને તારા મા - બાપ કોણ હતાં, કે તું અનાથ આશ્રમમાં ઉછરીને મોટી થઈ છો, તે બધું મારે જાણવું પણ નથી. દેવાંગી તું સમજી લે આજથી તું મારી છો, હવે તું અનાથ છો એ શબ્દ ક્યારેય મોમાંથી બહાર કાઢી નહીં અને સાંભળ હું આજે જ મમ્મીને વાત કરીને કહી દઈશ કે હું દેવાંગીને ચાહું છું અને તેની સાથે લગ્ન કરવા માંગુ છું પણ ડેડીને હમણાં વાત નથી કરવી, તેઓને સ્વસ્થ થવા દે. દેવાંગી... મારા પિતા અને માતાની આજ્ઞા લઈશ, તેઓ ચોક્કસ હા પાડશે અને તેઓ જો ના પાડશે તો પણ હું તારી સાથે જ લગ્ન કરીશ... દેવાંગી તારા સિવાયની બધી છોકરીઓ આજથી મારી બેન છે. બસ... તને હું વચન આપું છું. "

"રાજ... તું પહેલાં તારા મમ્મી-ડેડીને વાત કરી લે, પછી ફેંસલો કરજે.... ક્યાંક હું જ તારી બેન બનીને રહી ન જાઉં. "કહેતાં દેવાંગી ખડખડાટ હસી પડી.

ધીરે-ધીરે ધરતી પર અંધકાર છવાતો જતો હતો. ભગવાન સૂર્ય વિદાય લઈ ચૂક્યાં હતા.

રાજ અને દેવાંગી કેટલોય સમય ગાર્ડનમાં બેસી રહ્યાં.

ગાઢ અંધકાર છવાઈ જતા દેવાંગી ઊભી થઈ.

"ચાલો રાજ... હવે આપણને જવું જોઈએ. જ્યાં સુધી આપણા સંબંધ નક્કી ન થઈ જાય ત્યાં સુધી આપણે આવી રીતે મળવું ન જોઈએ. "

ધરતી પર અંધકારના ઓળા ઊતરી આવ્યા હતા. કાળાં ડિબાંગ વાદળો અંજારના આકાશમાં છવાયેલા હતાં. હરિલાલના ફાર્મ હાઉસ પર ગાઢ સન્નાટો છવાયેલો હતો. સૌ કોઈ નિદ્રાધીન થયેલ હતા.

ફાર્મ હાઉસનો ચોકીદાર શેરું જેનું પૂરું નામ શેરસંગ થાપા હતું. જે ફાર્મ હાઉસના ચોકીદારોનો હેડ હતો. તેના સિવાય ફાર્મ હાઉસ પર ચાર ચોકીદારો હતા. શેરસંગ થાપાની ઉંમર લગભગ પચાસ વર્ષની હતી પણ તેમનામાં યુવાનોને શરમાવે તેવું જોશ અને શક્તિ હતાં. પોણા છ ફૂટની લંબાઈ અને અડીખમ બાંધો ધરાવતો શેરસંગ બે પાંચ વ્યક્તિઓની તો એક સાથે બાથમાં લઇ પછાડી દે તેવો હતો. તેને ફાર્મ હાઉસમાં સૌ શેરુંકાકા કહીને બોલાવતા.

રાત્રીના લગભગ બાર વાગ્યાનો સમય થવા આવ્યો હતો.

શેરુએ ફાર્મ હાઉસ સ્થિત બંગલાનું ફરતે છેલ્લું ચક્કર લગાવ્યું.

"આજ વરસાદ ન આવે તો સારું. "કહેતાં કહેતાં તેમણે આકાશ તરફ નજર ફેરવી પછી બંગલાના ફાટક પાસે બનેલ સિમેન્ટની બેંચ પર બેસી બીડી સળગાવી. એણે ફાટક પાસે બનેલા આઉટ હાઉસનો સળગતી સી. એલ. એફ. લાઇટના સીમિત પ્રકાશમાં ઉજાગર થતા દ્રશ્યો તરફ નજર ફેરવી, તેની આંખો બંગલા તરફ પછી ફૂલોના બગીચા તથા બંગલાની ફરતે ઉગેલ મોટા વૃક્ષો તરફ ફરતી છેવટે પૉર્ચ પર સ્થિર થઈ.

દૂર દૂર વેરાન વગડામાંથી આવતા શિયાળની લાળીઓના અવાજ સિવાય ક્યાંય કશો સળવળાટ ન હતો.

અંધકારમાં ફાર્મ હાઉસનાં ઊગેલાં વૃક્ષોમાંથી પસાર થતા પવનના વિચિત્ર ઘુઘવાટ સિવાય ચારે તરફ બિહામણો સન્નાટો પથરાયેલો હતો.

શેરુ ચારે તરફ નજર ફેરવતો હતો. બધું વ્યવસ્થિત જોઈ એણે છુટકારાનો શ્વાસ લીધો. ત્યારબાદ પીવાઈ ગયેલ બીડીના ઠૂંઠાને બેન્ચની સાઈડમાં ઘસી ઓલાવતાં તે નેપાળી ગીત ગણગણવા લાગ્યો.

લગભગ અડધો કલાકનો સમય એમ ને એમ પસાર થઈ ગયો. તેની સાથે કામ કરનારા બીજા ચોકીદાર ગુરખામાંનો એક ગુરખો તેની પાસેથી બીડી લેવા આવ્યો.

" શામ કો તો તુજે બીડી કા બંડલ દિયા થા, વો ખતમ હો ગયા... ?ભાઈ ઇતની બીડી પીના અચ્છી બાત નહીં હૈ, વ્યસન કો કંટ્રોલ કરો... "બીડીની ઝૂડીમાંથી ચાર-પાંચ બીડી કાઢી તેને આપતાં શેરુ બોલ્યો.

"શેરુ કાકા, શામ કો મેરે દોસ્ત આયે છે, તો બીડી ખતમ હો ગયી. "શેરૂએ આપેલ બીડીમાંની એક બીડીને મોંમા મૂકી સળગાવતાં તે બોલ્યો.

"દેખ બહાદુર, તુમ અપને દોસ્તો કો ઇધર મત બુલાવો. તુઝે મિલના હૈ તો ગાંવ મેં જાકે મિલ કે આવો, અભી ઇધર કા વાતાવરણ થોડા તંગ હૈ, ઔર હા રાત કો અચ્છી તરહ ચોકી પહેરા દેના. હમારે ફાર્મ હાઉસમેં આદમી તો ક્યાં જાનવર કોઈ જાનવર ભી ઘુસના નહીં ચાહિયે... "બીડી સળગાવતાં શેરું બોલ્યો.

"શેરુકાકા આપ ચિંતા મત કરો... મૈં ખ્યાલ રખુગા ઔર દોસ્તો કો ભી અભી બુલાઊંગા, આપ આરામ સે બેઠો, મૈં સબકો ચૌંકના કર દેતા હું, ઔર મૈં ભી ફાર્મ હાઉસ કા ચક્કર લગાવતા રહુંગા. "

"હમ લોગ હૈ ના... કોઈ પરિન્દા ભી ઇધર નહીં ફરકેગા... " કહેતાં કહેતાં તેમણે ચાલવા માંડ્યું. હજુ તો તે બે પગલાં જ માંડ ચાલ્યો હતો.

અને તે જ સમયે ચૂપચાપ ભેંકાર અને કાળઝાળ અંધકાર ભરી રાત્રીના સન્નાટામાં અચાનક ભયાનક વિસ્ફોટ થયો હોય, તેમ બંગલાના અંદરથી કાળજુ કંપાવતી એક ભયંકર ચીસ સંભળાઇ. ચીસ એટલી ભયાનક હતી કે ક્ષણ માટે શાંત વાતાવરણ ખળભળી ઊઠયું. આગળ વધતા બહાદુરના પગ જડાઈ ગયા અને શેરુ પણ પલભર માટે હેબતાઈ ગયો.

શેરુએ ઘા કર્યો અને ઝડપ થી પોતાનો ડંડો અને ટોર્ચ સંભાળતો ઉભો થયો. "ચાલ બહાદુર કંઇક પ્રોબ્લેમ ઊભો થયો છે. કહેતાં બહાદુરની વાટ જોયા વગર તેમણે બંગલાના ગેટની અંદર દોટ મૂકી. બહાદુર પણ પોતાનો ડંડો સંભાળતો તેની પાછળ દોડ્યો. બંગલાની પોર્ચ વટાવી બે મિનિટના ઓછા સમયમાં જ તેઓ બંગલાની અંદર ધસી ગયા.

તોફાન પહેલાંની શાંતિની જેમ બંગલાની અંદર સન્નાટો પથરાયેલો હતો.

"ધાડ" દરવાજાના ખોલવાના અવાજ સાથે ઉજ્જવલા તેમના રૂમમાંથી બહાર ધસી આવી. તેના ચહેરા પર ગભરાટ અને મૂંઝવણના ભાવ છવાયેલા હતા. પછી તેની નજર શેરું અને બહાદુર પર પડી.

"શું થયું શેરુકાકા... ?"

" બંગલાની અંદરથી ચીસનો ભયાનક અવાજ આવતાં હું તરત દોડી આવ્યો. મને પણ ખબર નથી શું થયું પણ ચીસ બંગલાના અંદરના ભાગમાંથી જ આવી છે. "

"ચીસનો અવાજ મારા કમરની બાજુના કમરામાંથી આવ્યો છે અને તે કમરામાં ડૉ. દેવાંગી હતી. શેરૂકાકા .... દેવાંગી પર ચોક્કસ કોઈ જોખમ તોળાઈ રહ્યું છે... "કહેતાં ઉજ્જવલા દેવાંગીના કમરા તરફ દોડી. શેરુ અને બહાદુર પણ તેની પાછળ દોડ્યા.

તે જ વખતે અચાનક બંગલાની લાઈટ ચાલી ગઈ.

અંધકારભર્યા સન્નાટામાં દોડતા પગલાનો અવાજ ગુંજી ઉઠ્યો.

"ઠક... ઠક... ઠક... દેવાંગી... દરવાજો ખોલ. "દરવાજાને પછાડતાં ઉજ્જવલા જોરથી ચિલ્લાઈ.

" ફટાક... "ના અવાજ સાથે ડૉ. દેવાંગીનાં કમરાનો દરવાજો ખુલ્યો અને પછી શેરુની ટોર્ચના આછા પ્રકાશમાં દેવાંગી દોડતી દોડતી ઉજ્જવલા પાસે આવી અને તેને ભેટી પડી.

"મા... મા... "તે ધ્રૂજતાં ધ્રૂજતાં માંડ એટલું બોલી શકી. ડૉ. દેવાંગીના ચહેરા પર ગભરાટ છવાઈ ગયેલો હતો, અને ચહેરા પર પરસેવો નિતરતો હતો. તે ગભરુ હરિણીની હરણી ની જેમ ધ્રુજી રહી હતી.

"શું થયું... ?શું થયું.. ?"અચાનક રાજના કમરાનો દરવાજો પણ ખુલ્યો અને રાડો નાખતો રાજ બહાર ધસી આવ્યો. પછી આછા પ્રકાશમાં તેમણે દેવાંગીને તેની મમ્મીને બાથ ભરીને ઊભેલી જોઈ.

"શું થયું દેવાંગીને... ?"કહેતાં તે ધસી આવ્યો.

"દેવાંગી... દેવાંગી... કાંઈક તો બોલ બેટા શું થયું... ? તું બીક ન રાખ, અમે છીએ ને... બોલ બેટા શું થયું... ?" ઉજ્જવલા દેવાંગીના માથા પર હાથ ફેરવતાં પૂછી રહી હતી.

"બહાદુર તું જલ્દી બંગલાની પાછળ તરફ જા... બાકીનાને પણ સાવચેત કર... "શેરુ બોલ્યો. તેનો શ્વાસ દોડવાથી ધમણની જેમ ચાલતો હતો. પછી તે રાજને હાથમાં ટોર્ચ આપી જનરેટર ચાલુ કરવા દોડ્યો.

થોડી જ ક્ષણોમાં ધડ - ધડાટના અવાજ સાથે જનરેટર ચાલુ થઈ ગયું અને બંગલામાં ચારેતરફ પ્રકાશ ફેલાયો.

" મમ્મી, તેમને મારા કમરામાં લઈ ચાલો... ચાલો દેવાંગી... ચિંતા ન કરો... "કહેતાં રાજે તેમની મમ્મી અને દેવાંગીને તેમના કમરા તરફ દોર્યા.

"હલ્લો સર કુછ પ્રોબ્લેમ નહિ હૈ ના... ?"દોડતા આવતા શેરુએ પૂછ્યું.

"ના... શેરૂકાકા, તમે જલ્દી ઠંડુ પાણી લઇ આવો. ચિંતાની વાત નથી. " કહેતાં રાજ કમરામાં પ્રવેશ્યો. શેરુ દોડતો ફ્રીઝમાંથી પાણી લઈ આવ્યો.

" બેસો, ડૉ. દેવાંગી... લ્યો પાણી પીઓ, શાંત થાવ. " પાણીનો ગ્લાસ દેવાંગીના મોં પાસે ધરતાં રાજ બોલ્યો.

"મ... મે... મે... " ડૉ. દેવાંગી હજુ પણ થોથવાતી હતી, તેનું શરીર પણ ધ્રુજતું હતું. તે માંડ માંડ બે-ચાર ઘૂંટડા પાણી પી શકી.

પાણી પીધા પછી દેવાંગી થોડી સ્વસ્થ થઈ.

"શું થયું બેટા... ?" તું આમ એકાએક આટલી કેમ ગભરાઈ ગઈ છો, શું તે ખરાબ સ્વપ્ન જોયું... ?"

તે જ વખતે કદમે તેમના કમરામાં પગ મૂક્યો.

ભયભીત નજરે દેવાંગીએ તેમની સામે જોયું.

"ડૉ. દેવાંગી, તમે ચિંતા ન કરશો. આ મારો જીગરી મિત્ર કદમ છે, અને તેની સામે કોઈ સંકોચ રાખવાની જરૂર નથી. " રાજ બોલ્યો. પછી તેમણે કદમ તરફ જોયું. ' બેસ કદમ' ખુશી તરફ ઈશારો કરતાં તે બોલ્યો.

ડૉ. દેવાંગી... તમારી ચીસનો અવાજ સાંભળી મારી નીંદર ઉડી ગઈ ને હું આ તરફ દોડ્યો તે જ વખતે લાઈટ ગઈ. મને થયું કે ચોક્કસ કશું બની ગયું છે પણ તમને સુરક્ષિત જોઇ મને થયું કે હરિલાલ શેઠને પણ ચીસનો અવાજ સંભળાયો હશે સાંભળ્યો હશે અને તેમને ચિંતા થાય કે ટેન્શન આવે તે તેમના સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે, તેથી ઝડપથી હું તેમના કમરામાં ગયો. પણ હરિલાલ શેઠ ગાઢ નિંદ્રામાં સુતા છે. "કહી કદમ ચૂપ થઈ ગયો.

૯૧-૧૦૫

રાજ અહોભાવ ભરી નજરે કદમ સામે જોઈ રહ્યો.

"બોલ બેટા તને શું થયું હતું... ?"ઉજ્જવલા એ ફરીથી પ્રશ્ન દોહરાવ્યો. રાજ અને કદમ પણ ડૉ. દેવાંગી સામે ઉત્સુકતાભરી નજરે તાકી રહ્યા.

" મા... વાતાવરણ ઠંડુ હતું અને મને એ. સી. કરતા નેચરલ પવન વધુ પસંદ છે. તેથી મેં એ. સી. બંધ કરી મારા કમરાની મોટી બારીને ખોલી નાખી, પછી પુસ્તક વાંચતા વાંચતા હું સૂઈ ગઈ.

મારા સુતાને હજુ દસ - પંદર મિનિટ થઈ હતી. ત્યાં જ અચાનક હું કાચી નીંદરમાંથી ઝબકીને જાગી ગઈ.

"માં મને લાગ્યું કે દૂર દૂરથી મને કોઈ અવાજ દઈને બોલાવી રહ્યું છે. " કહેતાં કહેતાં ડૉ. દેવાંગી એક વખત ધ્રુજી ઊઠી. તેની આંખોમાં ભયનાં સાપોલિયાં સળવળતાં હતાં.

ટીપોય પર પડેલો ગ્લાસ ઉઠાવી દેવાંગી પાણી ગટગટાવી ગઈ. પછી આગળ બોલી, "મા, મેં બેઠા થઈને આવતા અવાજની દિશા તરફ એટલે કે ખુલ્લી બારી તરફ નજર ફેરવી. મા હું બિખરી ધ્રુજી ઊઠી. દૂર દૂર બળતાં બલ્બના આછા પ્રકાશમાં બારીની બહારની તરફ એક સફેદ કપડાં પહેરેલી સ્ત્રી ઊભી હતી. તેના વાળ એકદમ ખુલ્લા અને વિખરાયેલા હતા. તેની અંગારા જેવી ચમકતી આંખો મારી તરફ તકાયેલી હતી. "

" શું વાત કરે છે... ?"સડાક કરતો રાજ ઉભો થઇ ગયો.

" હા, રાજ તે સ્ત્રી બારીની બહાર ઉભા રહી મને બોલાવી રહી હતી. તેનો અવાજ જાણે ઊંડા કૂવાની અંદરથી આવતો હોય તેવો લાગતો હતો. તે મને કહી રહી હતી, દેવાંગી મારી પાસે આવ... બેટી મારી પાસે આવ... કેટલાંય વર્ષોથી હું તને શોધી રહી છું... તારા વગર તડપી રહી છું. તું જ મારી દીકરી છો... દેવાંગી મારી પાસે આવ... " કહેતા દેવાંગી એકદમ ધ્રુજી ઊઠી અને ઉજ્જવલાને વળગી પડી, ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી.

તેમની વાત સાંભળી કદમ સડક થઇ ગયો. પણ પછી કંઇક વિચાર ઝડપથી ઊભો થયો. "હું હમણાં જ આવું છું. " કહેતાં તેમણે રાજ સામે જોયું પછી દોડતો કમરાની બહાર નીકળી ગયો.

વૃક્ષોનાં ગીચ ઝુંડોમાંથી ગળાઈને આવતો ઠંડો પવન સુસવાટા મારતો હતો. ચારે તરફ ડરામણો સન્નાટો ફેલાયેલો હતો. ઊમટી આવેલ વાદળોથી આકાશ ઘેરાઈ ગયું હતું. દોડતો કદમ બંગલાના પાછળના ભાગમાં આવ્યો.

તરત તેના પર ટોર્ચના પ્રકાશનો ધોધ પડ્યો. તેની આંખો અંજાઈ ગઈ. કદમ તરત નીચે ઉભખણીએ બેસી ગયો.

"સર... આપ... ?"તેને જોઈ બહાદુર નામનો ગુરખો બોલ્યો. તેને શેરસિંગ પાછળ ચેક કરવા માટે મોકલ્યો હતો.

"બહાદુર... તુમને કિસીકો ઇધર, આસપાસ કુછ દેખા... ?"

"ના... સર... મૈને બંગલા કા પૂરા ચક્કર લગાયા પર ઇધર નહિ હૈ... "

"ઠીક હૈ ધ્યાન રખી યો... કોઈ ભી સંગદિલ આદમી નજર પડે તો તુરંત ઉસકો પકડ કે મેરે પાસ લે આ... " કહેતો કદમ બંગલાની તે સાઈડ તરફ જવા લાગ્યો, જ્યાં ડૉ. દેવાંગીના કમરાની બારી પડતી હતી.

ક્યાંય કંઈ જ ન હતું. કદમ કેટલીવાર બારીની આસપાસની જગ્યા પર ચક્કર લગાવતો રહ્યો.

***