Atitna Padchhaya - 3 books and stories free download online pdf in Gujarati

અતીતના પડછાયા - 3

અતીતના પડછાયા

વ્રજલાલ હિરજી જોષી

. ડૉ. દેવાંગી

મોડી રાત્રી સુધી રૂપા કે હરિલાલ શેઠ પાછા ન ફરતા મોહનકાકા ચિંતામા સુતા ન હતા. રાત્રીના તેઓને એકદમ ઠંડી સાથે તાવ આવી ગયો હતો. ડોક્ટરે આપેલી ગોળીઓ ગાળીને તેઓ પથારીમાં પડ્યાં પડ્યાં પાસા બદલવતા રહ્યા હતા. એક તો વરસાદ પૂરજોશ સાથે પડી રહ્યો હતો અને લાઇટ પણ ગુલ થઈ ગઈ હતી.

પડ્યા - પડ્યા ક્યારે તેઓને ઝોકું આવી ગયું તેની ખબર ન પડી પણ ચાર વાગ્યાના સમયે એકાએક ઝબકીને તેઓ જાગી ગયા.

વરસાદ બંધ પડી ગયો હતો અને લાઇટ પણ આવી ગઈ હતી... પથારીમાંથી બેઠા થઈને મોહનકાકાએ બાજુમાં પડેલા લોટામાંથી પાણી પીધું પછી રૂપાના બિસ્તર તરફ નજર ફેરવી.

તેની આંખોમાં ચિંતાના કુંડાળા ઉપસી આવ્યા. તેને દિવાલ ઘડિયાળ પર એક નજર ફેરવી.

"અરે... !ચાર વાગી ગયા. હજુ સુધી રૂપા ન આવી. શેઠ કહેતા હતા કે મોડામાં મોડું દસ વાગ્યા સુધીમાં તેઓ પાછા આવી જશે. "

મોહનકાકા પથારીમાંથી માંડ માંડ ઊભા થયા. તાવ અને દુખાવાથી તેનું શરીર કળજાઇ ગયું હતું. ઘણી અશક્તિ જણાતી હતી.

ધીરે ધીરે તેઓ કમરામાંથી બહાર આવ્યા અને બંગલાના દરવાજા પર નજર ફેરવી. બંગલાના બહારથી ટ્યુબલાઇટ સળગતી હતી પણ દરવાજા પર તાળું લટકતું હતું.

"હજુ સુધી કેમ નહીં આવ્યા હોય... ?ચાલ શેઠને ફોન કરું. "કહેતા તેઓ ફરીથી પોતાના ખાટલા પાસે આવ્યા. બિસ્તર નીચે હાથ નાખી બંગલાની બીજી ચાવી બહાર કાઢી જે જાવી હંમેશા તેમની પાસે રહેતી. બંગલાનો દરવાજો ખોલી તેઓ અંદર પ્રવેશ્યા અને ગેસ્ટ રૂમમાં પડેલ ફોનની ડાયલ કર્યો.

"હલ્લો ... કાનજી... ?"

" હા... મોહનકાકા, કાનજી બોલું છું. કેમ છે તમારી તબિયત... ?"

"કાનજી... તબિયતનું તો એવું છે કે હવે મારી ઉંમર થઈ એટલે ચાલ્યા કરે... પણ... કાનજી શેઠ અને રૂપા હજુ સુધી પાછા નથી ફર્યા, ત્યાં રોકાઈ ગયા હશે. તારે મને કમ સે કમ ફોન કરીને જણાવવું હતું. તો મને ચિંતા ન થાત. હું આખી રાત... "

"એક મિનિટ... એક મિનિટ... મોહનકાકા... શેઠ અને રૂપા ઘરે નથી આવ્યા... ?ખરેખર... ?"

"હા, નથી આવ્યા ભાઈ પણ તું આમ કેમ પુછેસ... ?"

" મોહન કાકા, શેઠ તો રૂપાને લઈને રાત્રે મારી સામે જ ઘરે જવા નીકળ્યા હતા... "

"હે, રામ... તેઓ રાત્રે ઘરે આવવા માટે નીકળ્યા હોય તો અત્યારે પરોઢના સાડા ચાર વાગ્યાનો સમય થવા આવ્યો છે. તેઓ હજુ ઘરે કેમ નથી પહોંચ્યા... ?"કાનજી તું જલ્દી તપાસ કર મને અમંગળ વર્તાય છે... "

" મોહનકાકા... તમે ચિંતા ન કરો હું હમણાં જ તપાસ કરું છું... "કહેતાં કાનજીએ ફોન કાપી નાખ્યો અને ઝડપથી પથારીમાંથી ઊભો થયો.

ઝડપથી બહાર આવી મિલમાં બધાને પૂછપરછ કરી પણ સૌએ એક જ જવાબ આપ્યો કે શેઠ તો રાત્રે જ ઘરે જવા નીકળી ગયા છે.

થોડીવાર પછી કાનજી ગાડી દોડાવતો ઘર તરફ રવાના થયો. રસ્તામાં પણ તેમણે બે - ચાર શેઠના મિત્રોના ઘરે રૂબરૂ જઇને તપાસ કરી આવ્યો પણ ક્યાંય કોઈ જ પત્તો ન લાગ્યો.

ઘરે આવી તરત કાનજીએ પોલીસ સ્ટેશને ફોન કર્યો અને પછી પાછો ઘરેથી મિલ જવાના રસ્તા પર નીકળી પડ્યો.

ખંડેરોવાળા રસ્તાથી હજુ તે દૂર હતો.

અચાનક તે ચમક્યો.

ખંડેરવાળા રસ્તા પાસે કોઈ ઊભું હતું અને ગાડી થોભવવા હાથ હલાવતું હતું. તે દૂર હોવાથી કોણ છે તે સ્પષ્ટ દેખાતું ન હતું.

કાનજીએ ગાડીની સ્પીડ વધારી, જેવો તે નજીક આવ્યો કે તરત તે શેઠની ઓળખી ગયો. તેના મોં પર આશ્ચર્ય અને મૂંઝવણના ભાવ છવાયા.

પાસે આવીને કાનજીએ જોરદાર બ્રેક લગાવ્યો. રોડ સાથે ઘસાતા ટાયર્સની ચિચિયારી સાથે આમથી તેમ ડોલતી ઉભી રહી.

કાનજી ઝડપથી ગાડી નીચે ઉતર્યો અને શેઠ પાસે દોડી ગયો.

"અરે... !શેઠ... આપ અહીં, આપની આ હાલત... ?અને રૂપા... ?રૂપા ક્યાં છે... ?એક સાથે કાનજીએ કેટલાય પ્રશ્નો પૂછી નાખ્યા.

"કાનજી... મને જલ્દી ઘરે લઈ ચાલ અને ડોક્ટરને ઘરે બોલાવી લે... "

કાનજીએ તરત હરિલાલને ટેકો આપી ગાડીમાં બેસાડ્યા.

"શેઠ રૂપા ક્યાં છે... ?"ડ્રાઇવિંગ સીટ પર બેસતાં ધડકતા દિલે કાનજીએ પૂછ્યું.

"કાનજી રાત્રિના મારી ગાડી બગડી ગઈ હતી. વરસાદ અને પવનનો જોર ઘણું હતું. હું રૂપાને લઈને ખંડેરોમાં આવ્યો. પછી ત્યાં રૂપાણી બેસાડી હું ફરીથી ગાડી પાસે આવ્યો, ઘણી મહેનત પછી ગાડી તો શરૂ થઈ, પણ... હું રૂપાને લેવા માટે ખંડેરોમાં આવ્યો. તો રૂપા ત્યાં ન હતી, રૂપાના નામની ચીસો નાખતો હું ખંડેરો અને આજુબાજુના જંગલમાં ફરી વળ્યો, રૂપા મને ક્યાંય ન દેખાય એટલે હું મદદ લેવા માટે મિલમાં પાછો ફરવાનું વિચારી ગાડી લઇ આગળ વધ્યો, પણ ગાડી આગળ રસ્તા પર ચાલવાના બદલે એક તોતિંગ વૃક્ષ સાથે જોરથી અથડાઇ અને હું બેભાન થઈ ગયો. કાનજી હું હમણાં જ ભાનમાં આવ્યો છું... " કહેતાં કહેતાં હરિલાલે એક ઊંડો નિસાસો નાખ્યો અને સાથે તેની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી.

હરિલાલની વાત સાંભળી કાનજી અવાચક બની ગયો.

" રૂપા... રૂપા... " તે બબડ્યો અને પછી ગાડીમાંથી નીચે ઉતરીને ખંડેરો તરફ દોડ્યો.

થોડા આગળ વધતાં તેને હરિલાલ શેઠની ફિયાટ ઝાડ સાથે ટકરાયેલી હાલતમાં જોવા મળી, એક ઉડતી નજર કાર પર નાખી તે આગળ દોડી ગયો.

સવારનો ઉજાસ ફેલાયેલો હતો. રૂપાના નામની રાડો નાખતો, કાનજી બેબાકળો બનીને ખંડેરો અને આજુબાજુની બધી જ જગ્યાએ ફરી વળ્યો પણ તેને ક્યાંય રૂપા ન દેખાઈ.

છેવટે હતાશ થઈને તે ગાડી પાસે આવ્યો.

હરિલાલ કાનજીનો હાથ પોતાના હાથમાં લઇ મૂક આશ્વાસન આપતા બોલ્યો, " કાનજી, રાત્રે મેં બધી જ જગ્યાએ તપાસ કરી હતી, પણ મને રૂપા ક્યાંય મળી ન હતી, તું ધીરજ રાખ કાનજી આપણે રૂપાને શોધી લેશું. "

કાનજી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.

કાનજીએ પૂરપાટ વેગે દોડાવી અને થોડી જ વારમાં તેઓ બંગલે પહોંચી આવ્યા.

રૂપાના ગુમ થવાના થયાના સમાચાર સાંભળી મોહનકાકા અંદરથી તૂટી પડ્યા.

ત્યારબાદ પોલીસે ઘણી છાનબીન કરી, ખંડેરો અને આજુબાજુનાં જંગલો ખૂંદી વળ્યા. પણ રૂપાનો ક્યાંય પત્તો ન લાગ્યો.

બીમાર મોહનકાકા ખાટલે પડ્યા પણ પછી તેઓ ઊભા ન થઈ શક્યા. હરિલાલ શેઠે તેને હોસ્પિટલમાં ખસેડવા માટે ઘણા પ્રયત્ન કર્યા પણ મોહનકાકાની ચોખ્ખી ના ભણી દીધી. ઘણા લોકોની સમજાવટ પછી પણ તેઓ ટસ કે મસ ન થયા. છેલ્લે તેઓએ ખાવાનું પણ છોડી દીધું. કાનજીએ મોહનકાકાની ઘણી સેવા કરી, પણ રૂપા... રૂપા.... નું લેતા મોહનકાકાએ છેવટે આ દુનિયામાંથી વિદાય લઈ લીધી.

કાનજી પણ અંદરથી એકદમ દુઃખી થઈ, તૂટતો ગયો. તેના પિતા જેવા મોહનકાકા અને જેને તે ખૂબ જ પ્યાર કરતો હતો તે રૂપા તેને છોડીને ચાલ્યા ગયા હતા.

પોલીસ સ્ટેશનનાં ચક્કર કાપી - કાપી કાનજી થાક્યો. પોલીસની પુષ્કળ મહેનત પછી પણ રૂપાના કોઈ જ સગડ ન મળ્યા.

થોડો સમય વીત્યો. કાનજી એકદમ ગુમસુમ રહેતો હતો અને પછી એક દિવસ એકાએક કાનજી ગુમ થઈ ગયો.

કાનજી ગુમ થયાના સમાચારથી હરિલાલને ખૂબ જ આશ્ચર્ય સાથે દુઃખ થયું. કાનજી ક્યારે પણ તેને પૂછયા વગર ક્યાંય જતો નહીં. તે જ કાનજી તેને કહ્યા વગર નાસી ગયો.

હરિલાલે કાનજીની ઘણી તપાસ કરાવી પણ તેને કોઈ જ સમાચાર ન મળ્યા.

હરિલાલ એકદમ હતપ્રભ થઈ ગયો હતો. તેમણે મિલમાં જવાનું પણ છોડી દીધું હતું. પોતે કરેલા કુકર્મ તેને ક્યાંય ચેન પડવા દેતા ન હતા. એનું હૃદય પશ્ચાતાપથી ભડકે બળી રહ્યું હતું. તે આખો દિવસ પોતાના કમરામાં ભરાઈ રહેતો, તેના ચહેરા પર દાઢી-મૂછો એકદમ વધી ગયા હતા, તેને ખાવા-પીવાનું પણ ભાન રહેતું ન હતું. તેની આંખો સામે ક્યારેક રૂપાનો ચહેરો તો, ક્યારેક મોહનકાકા અને કાનજીનો ચહેરો ઉપસી આવતો, સૌ તેને ધૃણાભરી દ્રષ્ટિથી જોતા હોય તેવું તેને લાગ્યા કરતું.

ક્યારેક - ક્યારેક તેને પોતાનાં માતા અને પિતાના ચહેરા પણ સામે આવી જતા. મા તો ક્યારેય કંઈ જ બોલતી નહીં પણ બાપ જયરામ તેને તિરસ્કારભરી દ્રષ્ટિથી જોતો, જાણે કહેતો હોય, "બેટા તું આવો નીચ કુકર્મી નીકળ્યો, તારા માટે, તારી માના સ્વપ્ન માટે મેં મારી આખી જીંદગી તારા પાછળ નીચોવી નાખી અને તે આવો બદલો આપ્યો. ધિક્કાર છે તને... "

અને હરિલાલ ધ્રુસકે-ધ્રુસકે રડી પડતો.

પછી ધીરે ધીરે તેની જિંદગી થાળે પડતી ગઈ.

સમયના વહેણ ગમે તેવા ઊંડા જખમ પણ ભરી દે છે.

રૂપાની ઘણી તપાસ કર્યા પછી પણ પોલીસને કંઈ જ સગડ હાથમાં આવ્યા નહીં. ત્યારબાદ પોલીસે તપાસની ફાઈલ પણ બંધ કરી દીધી.

થોડા વધુ દિવસો વીતી ગયા .

હરિલાલ ફરીથી પોતાની મિલ પર જતો થયો અને પૂરી તલ્લીનતાથી કામે વળગી ગયો.

ઉપરોક્ત બનાવને બે વર્ષ વીતી ગયાં. હરિલાલ કામમાં એટલો બધો ગળાડૂબ થઈ ગયો કે તે રૂપા, મોહનકાકા અને કાનજી બધાને ભૂલી ગયો. ધીરે ધીરે તેની નામના પણ વધતી ગઈ અને તેનું નામ મોટા ઉદ્યોગપતિઓમાં ગણાવા લાગ્યું. કાપડની મિલ સિવાય તેણે બીજા મોટા મોટા શોપિંગ મોલ પણ બનાવ્યા, પણ તેને બે આદત વળગી રહી હતી. એક તો શરાબનું વ્યસન અને બીજું તે ચેન સ્મોકર બની ગયો હતો. હા એટલું ખરું કે રૂપા સાથે આચરેલા કૃત્ય પછી ક્યારેય તેમણે પરાઈ સ્ત્રી પર નજર ફેરવીને જોયું પણ ન હતું.

તેનો મિત્ર સર્કલ ઘણું મોટું હતું અને સૌ કોઈ તેને લગ્ન કરી લેવા માટે ખૂબ જ આગ્રહ કરીને કહેતા ત્યારબાદ, હા અને ના વચ્ચે છેલ્લે હરિલાલે ખાસ મિત્રોના આગ્રહથી લગ્ન કરવાનું નક્કી કર્યું.

તેના મિત્ર વર્તુળમાં આ વાતને ખૂબ જ આનંદ સાથે વધાવી લેવાઇ અને પછી તો હરિલાલ માટે સારું પાત્ર શોધવા પણ લાગ્યા.

હરિલાલની ઉંમર ત્યારે વધુ હોવાથી થોડી તકલીફ પડતી હતી પણ છેવટે એક ફિલ્મ જગતના ડાયરેક્ટર મનોજ મિશ્રાના પ્રયાસના ભાગરૂપે ઉજજવલા નામની એક ફિલ્મ જગતની પ્રખ્યાત હિરોઈન જેમણે ચારથી પાંચ જ ફિલ્મોમાં કામ કર્યું હતું તે બધી ફિલ્મો હિટ ગઈ હતી. તે ઉજજવલાએ સામેથી હરિલાલ સાથે લગ્ન કરવાની તૈયારી બતાવી ત્યારે ઉજવાલા ત્રીસ વર્ષની હતી. તેની ઓફર હરિલાલે સ્વીકારી લીધી. ત્યારબાદ હરિલાલના લગ્ન ધામધૂમથી સાથે ઉજજવલા સાથે થયા જેની નોંધ પૂરા ભારતમાં લેવાઇ. સમાચાર પત્રો અને ટી. વી. મીડિયાવાળાઓએ કેટલાય દિવસો સુધી લાઈવ-ટેલીકાસ્ટ આપ્યું અને લગ્નના સમાચાર જગતને આપ્યા.

લગ્ન પછી હરિલાલ મુલુંડથી વાસી એટલે કે ન્યુ બોમ્બે શિફ્ટ થયો. તે જ્યારે ન્યૂ બોમ્બે આવ્યો, ત્યારે ન્યૂ બોમ્બેનો તુરંત જ વિકાસ થયો હતો. નવા નવા બંગલા, શોપિંગ મોલ, ગાર્ડન, નવા રસ્તાઓ, નવી રેલવે લાઇનો લખાઈ રહી હતી. ન્યુ બોમ્બે પર સૌની નજર હતી. ખાસ તો દાણા માર્કેટ ત્યાં નવી બનતા ગુજરાતના વેપારીઓ અને ઉદ્યોગપતિઓ ત્યાં રહેવા માટે આવી ગયા. નવા નવા વેપારીઓ, વકીલો, કારખાનેદારોનો પણ ત્યાં મોટે પાયે એવી સમાવેશ થયો. ન્યુ બોમ્બેનો ખૂબ જ વિકાસ થયો. તેમાં હરિલાલનો પણ ઘણો ફાળો બની રહ્યો. તેમણે નવા શોપિંગ સેન્ટર તથા નવી સોસાયટીઓ બનાવી અને પોતાના માતા પિતાની યાદમાં મોટા ગાર્ડન, સ્કૂલો અને વૃદ્ધાશ્રમ પણ બનાવ્યા.

ઉજજવલા તેને બહુ જ ચાહતી હતી અને તે હરિલાલનો ખૂબ જ ખ્યાલ રાખતી હતી. બંનેની જિંદગીના દિવસો આનંદ સાથે વીતી રહ્યા હતા. પણ હરિલાલની જિંદગીમાં ઉજજવલા આવી કે તુરંત તેને ફરીથી રૂપા યાદ આવવા લાગી. ઉજજવલાના ચહેરા માં પણ તેને રૂપાનો ચહેરો દેખાવા લાગ્યો. ધીમે ધીમે જૂના જખમ ફરીથી તાજા થવા લાગ્યા. બેચેન બનતાં હરિલાલ દારૂનો સહારો લેતો. જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ તે દારૂ પીવાનું વધારતો ગયો.

રૂપાની યાદ તેને ક્યાંય ચેન લેવા દેતી ન હતી. ધીમેધીમે તેને સ્વપ્નમાં પણ ચીસો પાડતી રૂપા દેખાવા લાગી. અર્ધી રાત્રિના તે એકાએક ઝબકીને જાગી જતો, તેના મોમાંથી ચીસ સરી પડતી અને તે પરસેવાથી રેબઝેબ થઈ જતો.

ઉજજવલા તરત જાગી જતી અને હરિલાલને પાણી પીવડાવતી પરસેવાની પાલવથી લૂછતી, તેણે ઘણી વખત નીંદરમાં હરિલાલને "રૂપા... રૂપા... " એમ બબડતાં પણ જોયો હતો. ત્યારે હરિલાલના ચહેરા પર એકદમ તણાવ આવી જતો, તેના મોં પર પરસેવો પણ બાજી જતો. ઉજજવલા ખૂબ જ સમજુ અને ડાહી હતી. તે હરિલાલ પાસે આ વાતનો કયારેય હરફ પણ ન ઉચ્ચારતી.

ત્યારબાદ હરિલાલની જિંદગીના થોડા દિવસો આનંદના આવ્યા. ઉજજવલાની કૂખે પુત્રનો જન્મ થયો.

હરિલાલે આખા ન્યૂ બોમ્બેમાં પેંડા વહેંચ્યા અને પુત્રનો જન્મદિવસ ધામધૂમથી ઉજવ્યો. બંને ખૂબ જ આનંદમાં હતા.

થોડો સમય વીત્યો ઉજજવલાનું પૂરું ધ્યાન પોતાના પુત્રના ઉછેરમાં લાગી ગયું. તેનું ધ્યાન હવે હરિલાલ પ્રત્યે ધીરે-ધીરે ઘટતું જતું હતું. આ દિવસોમાં હરિલાલ પુષ્કળ પ્રમાણમાં દારૂ અને સિગારેટ પીતો થઈ ગયો. ઉજજવલાના ચહેરામાં દેખાતી રૂપાથી તે દૂર રહેવા લાગ્યો. એટલો સમય તે રાત્રે ક્લબોમાં વિતાવતો રાત્રે મોડો મોડો તે ઘેર આવતા અને તે ત્યારે પુષ્કળ દારૂના નશામાં હોતા ઉજવાલા તેની સાથે વાત કરવાની બદલે તેને તુરંત સુવડાવી દેતી.

સમય પસાર થતો ગયો. ઉજજવલા અને તે એક જ ઘરમાં રહેતા પણ તેમના વચ્ચે કામ સિવાયની વાત થતી ન હતી. અલબત્ત તેઓની વચ્ચે ક્યારેય ઝઘડો થયો ન હતો. પણ હજુ ઉજજવલાનું ધ્યાન તેના મોટા થતા પુત્રમાં જ પરોવાયેલું રહ્યું હતું.

રાજ... તેનું નામ રાજ હતું અને ખરેખર તેનો ઉછેર રાજકુમારની જેમ થતો હતો. હરિલાલ રાજને ખુબ જ પ્રેમ કરતો હતો. રાજને ઉચ્ચ શિક્ષણ આપી મોટો ઉદ્યોગપતિ બનાવવાની તેની ઇચ્છા હતી. અમે રાજને તો હરિલાલના વિકસેલા ઉદ્યોગો જ સંભાળવાના હતા. કોઈ નવનિર્માણ તો કરવાનું ન હતું. તેથી હરિલાલને તેની ચિંતા ન હતી.

જેમ જેમ હરિલાલની ઉંમર વધતી જતી હતી તેમ તેને પોતાના કુકર્મો માટે પશ્ચાતાપ પણ વધતો જતો હતો. ભૂતકાળ તેને કેમ કરીને પીછો મૂકતો ન હતો. હરીલાલને પોતાની નીરસ જીંદગી પરથી મોહ ઊઠતો જતો હતો. છેલ્લે તો તે સવારથી જ દારૂ પીવાનું શરૂ કરી દેતો અને પીવાનો તે દૌર રાત્રિના સૂતાં સુધી ચાલતો. રાત્રી સૂતા પછી ભયાનક સ્વપ્ન આવે અને તે ઝબકીને જાગી જાય તો તે ફરીથી દારૂ પીવા બેસી જતો.

રાજ થોડો મોટો થતાં જ તેને ઉચ્ચ શિક્ષણ માટે દિલ્હીની સી. બી. સી. હાઈસ્કૂલમાં ભણવા માટે મોકલી દેવામાં આવ્યો.

હરિલાલને ધંધામાંથી અને દારૂ પીવામાંથી સમય મળતો તે સમયે તે રાજ સાથે વિતાવતો. રાજ દિલ્હી ભણવા માટે ચાલ્યો ગયો. ત્યાર પછી તેના વિશાળ બંગલામાં હરિલાલ અને ઉજજવલા જ રહી ગયાં. બંને જીવવા ખાતર જિંદગી જીવી રહ્યાં છે તેવું હરિલાલને લાગતું.

હરિલાલે પોતાના વિશ્વાસુ મેનેજરના નેજા હેઠળ પોતાના બધા જ કારોબાર તેને સોંપી દીધા હતા અને વિશાલ પાટીલ ખરેખર પ્રામાણિકતાથી તેના બધા કારોબાર સંભાળતો હતો.

ઈ. સ. ૨૦૦૧ - ૨૬ મી જાન્યુઆરી, પ્રજાસત્તાક દિવસ. ભારતભરમાં ખૂબ જશ્ન સાથે તેની ઉજવણી થવાની હતી. ૨૫ મી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ ભારતના કેટલાય ચહેરા રોશનીથી ઝળહળી ઉઠ્યા હતા. આનંદની લહેરો સાથે ઠેકઠેકાણે અનેરા પ્રોગ્રામો પણ ગોઠવાયા હતા. ૨૬ મી જાન્યુઆરીની રોશનીભર્યા સૂરજ સાથે સવાર પડી, પણ કચ્છ માટે તે દિવસ કાળસમો સાબિત થયો. ૨૬ મી જાન્યુઆરી ૨૦૦૧ ના કચ્છમાં ભયાનક ભૂકંપ આવ્યો અને પછી પૂરું કચ્છ તારાજ થઈ ગયું.

કેટલાંય નાનાં નાનાં ગામડાઓ સંપૂર્ણ નાશ પામ્યાં.

અંજાર, ભૂજ, ભચાઉ અને રાપર કચ્છનાં ચાર શહેરો પુરા ધરાશાય થઈ ગયાં. મલબામાં તબદીલ થઈ ગયા અને મલબાની નીચે કેટલાય લોકો દટાયેલા પડ્યા હતા. ચારે તરફ ક્ષીત- વિક્ષીત લાશો નજરે ચડતી હતી. અંજારમાં નાનાં બાળકોની રેલી જે ધ્વજવંદનના કાર્યક્રમ નિમિત્તે નીકળેલી હતી. અંજારની મોચી બજાર તૂટી પડતા રેલીમાંનાં બધાં જ બાળકો તેમાં દબાઈને ઈશ્વરને પ્યારાં થઈ ગયાં. કોઈનું બાળક ગયું, તો કોઈનો ભાઈ, કોઈનો પતિ, તો કોઈની પત્ની, બાપ, મા... લોકોનાં આંસુ સુકાતા ન હતાં. હર કોઈના ઘરમાં મોત થયું હતું અને સૌ ઘરવિહોણા બની રોડ ઉપર ટેન્ટ બનાવી રહેતાં હતાં. તેમાંય લાઈટ નહીં, કાતિલ ઠંડી અને રાત્રીના ચારે તરફ ગુંજતા. બચાવ... બચાવ ના અવાજો સૌ કોઈનાં દહેશતથી રૂંવાટા ઊભા થઈ જતાં.

" હે ઈશ્વર... આવું દુઃખ કોઈને ન આપજો. "

દેશ-વિદેશથી લોકો કચ્છમાં સહાય કરવા ઉમટી પડ્યા.

કેટલીય ડોકટરોની ટીમો આવી. કેટલાય ઉદ્યોગપતિઓ અને ફિલ્મ જગતના કલાકારો સેવાકાર્યમાં જોડાયા. આ લોકોમાં હરિલાલ પણ લોકોની મદદ માટે કચ્છ આવ્યા હતા. કચ્છના આસમાન પર પક્ષીઓની જેમ હેલિકોપ્ટર સતત ઉડતા દેખાતાં. ભારતના પ્રધાનો દરરોજ કચ્છની મુલાકાત લેતા, ખુદ વડાપ્રધાન પણ બે વખત લોકોના આંસુ લૂછવા આવી પહોંચ્યા.

તે વખતે ગુજરાતના મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ હતા. થોડા સમય બાદ સમીકરણો બદલાતાગુજરાતના નાથ બની નરેન્દ્રભાઈ મોદી પધાર્યા. નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી બન્યા તે પહેલાં તેઓ કચ્છની મુલાકાત લઈ ગયા હતા અને મુખ્યમંત્રી બન્યા કે તરત તેઓ કચ્છમાં કચ્છી લોકોની મદદ કરવા દોડી આવ્યા હતા. ભારતના વડાપ્રધાન શ્રી અટલબિહારી બાજપાઈએ કચ્છ ફિનિક્સ પક્ષીની જેમ ઝડપથી બેઠું થઇ જાય તે માટે ઉદ્યોગપતિઓને કચ્છમાં ઉદ્યોગો સ્થાપવા માટે આહવાન કર્યું અને સાત વર્ષ સુધી ટેક્સ ફ્રીની જાહેરાત કરી.

ઉદ્યોગપતિઓએ વડાપ્રધાનની વાત વધાવી લીધી અને પછી તો કચ્છમાં ઠેર ઉદ્યોગોની સ્થાપના થવા લાગી. આમાં હરિલાલે પણ કચ્છમાં કાપડની મીલની સ્થાપના કરવા માટે નક્કી કર્યું. આમ પણ તેઓને પોતાની જન્મભૂમિને ઘણી યાદ આવતી હતી. મુંબઈ પરથી તેઓનું મન ઊઠી ગયું હતું. કચ્છમાં ધરતીકંપ વખતે તેઓ સેવા કરવા આવ્યા હતા. ત્યારે જ કચ્છ માટે કંઈક કરવાનું તેઓ વિચારતા હતા. હરિલાલ પોતાની ટીમ સાથે કચ્છ આવ્યા. તેઓ કચ્છમાં ફરતાં-ફરતાં અંજાર આવ્યા અને અંજારમાં તેઓએ અંજારથી ભૂજ રોડ પર પોતાનું ઔદ્યોગિક એકમ શરૂ કરવાનું નક્કી કર્યું.

કાપડની મિલના પાયા ખોદાયા, સાથે - સાથે તેઓએ મિલથી બે - ત્રણ કિલોમીટર દૂર રોડ પર મોટી વાડી ખરીદી અને તરત ફાર્મહાઉસ બનાવવાનું ચાલુ કર્યું. તેમાં તેમણે એક અદ્યતન બંગલો પણ બનાવવાનું ચાલુ કરી દીધું.

અને ત્યારબાદ બે વર્ષના સમય પછી તે મુંબઇ છોડી અંજાર રહેવા માટે આવી ગયો.

હરિલાલને કચ્છમાં સ્થાયી થયાને વીસ વર્ષ વીતી ગયાં હતા. સમય કોઈની રાહ જોતો નથી. હરિલાલની જુવાની ભૂતકાળ બની રહી ગઈ. તેની જિંદગીની સાંજ પડી ચૂકી હતી. વર્ષોનાં વર્ષો નીકળી ગયા. સમય બદલાઈ ચુક્યો હતો. કચ્છનો નઝારો બદલાઈ ગયો હતો. ચારેતરફ ઉદ્યોગો. વેપારો વિકસ્યા હતા. હવે કચ્છ તે પહેલાં જેવું કચ્છ ન રહેતાં મોટું વેપાર-ઉદ્યોગોનું કેન્દ્ર બની ચૂક્યું હતું. કચ્છમાં બે મહાબંદરો હતાં, તેથી માલની આયાત - નિકાસની સારી સુવિધા હતી, કચ્છ પેરિસ બનવા જઇ રહ્યું હતું. તે પાછળ ગુજરાતના મુખ્યમંત્રીનો મોટો ફાળો હતો. તેઓ વર્ષમાં બેથી ત્રણ વખત કચ્છમાં ચક્કર પણ લગાવી જતા હતા.

રાજ ભણીને પરત ફર્યો તેને છ મહિના થયા હતા. હરિલાલે તેને પોતાના ઉદ્યોગ - વેપાર સોંપી દઈ પોતે નિવૃત થઈ ચૂક્યો હતો.

હરિલાલની જિંદગી દોડાદોડ અને ધમાલમાં વીતી. તે હંમેશા પોતાના કામમાં ગળાડૂબ સુધી ઉતરેલો રહ્યો. સાથે સાથે કરેલા કુકર્મની અસહ્ય કારમી વેદનાથી તે તડપતો રહ્યો અને દારૂ સાથે સિગારેટો પીતો રહ્યો. તેના પરિણામ સ્વરૂપે તેને બ્લડપ્રેશરની બીમારી લાગુ પડી ગઈ. અંજારના "પૂર્ણા નર્સિંગ હોમ"ના પ્રખ્યાત ડૉ. શ્યામસુંદર અને તેની સાથે જોડાયેલા ડૉ. સુમંત પટેલ તેમની ટ્રીટમેન્ટ કરતા અને બી. પી. કંટ્રોલમાં રાખવાનો પ્રયાસ કરતા પણ બધું વ્યર્થ જતું કેમ કે હરિલાલ દારૂ અને બીડીને છોડતો ન હતો. ધીમે-ધીમે તેનું લોહી પણ નિકોટીનના વધુ પડતા સેવનનાં લીધે ઘટ્ટ થતું જતું હતું. છતાં પણ તેની કોઈ જ તકલીફ ઊભી થઇ ન હતી. એક તો તે દર મહિને રેગ્યુલર ચેકઅપ કરાવતો અને ડોક્ટરની ટ્રીટમેન્ટ પણ સારી હતી.

એક રાત્રે અચાનક હરિલાલને પગમાં તીવ્ર પીડા ઉપડી, કેટલોય સમય પીડાને સહન કરતો પાસાં ઘસતો રહ્યો, પણ પીડા વધતી ગઈ . તેનાથી સહન ન થઈ, તેણે ઉજ્જવલાને ઉઠાડી. ઉજજવલા તેની પીડા જોઈ ગભરાઈ ગઈ અને તેણે તરત રાજને જગાડ્યો અને પછી તરત હરિલાલને લઇ તેઓ પૂર્ણા નર્સિંગ હોમમાં પહોંચ્યા. પણ હરિલાલના પગથી પનોતી બેઠી હશે તે ડોક્ટર સુમન પટેલ જોબ છોડીને આઉટ ઓફ કચ્છ ચાલ્યા ગયા હતા અને ડોક્ટર શ્યામસુંદર તેમના વતનમાં આંધ્રપ્રદેશ ગયા હતા. કિરણભાઈ નામના આસિસ્ટન્ટ એ હરિલાલનું બી. પી. માપ્યું. પછી ઇન્જેક્શન "વોવેરન" આપ્યું. કહ્યું કે તમને સવાર સુધી રાહત મળશે, ડૉકટર તો અઠવાડિયા સુધી આવવાના નથી, કાલે તમે ડૉ. દેવાંગી ભટ્ટને બતાવી દેજો તે એમ. ડી. ફિઝિશિયન છે. હમણાં અંજારમાં તેમણે પ્રેક્ટિસ શરૂ કરી છે. તેઓ નિષ્ણાંત ડૉક્ટર છે.

રાજ અને ઉજજવલા હરિલાલને લઈ ઘરે પાછા ફર્યા, ઇન્જેક્શનથી હરિલાલને રાહત રહી પણ તે રાતભર ઊંઘી ન શક્યો.

બીજા દિવસે સવારે રાજ તેના પિતા હરિલાલને લઈને ડોક્ટર દેવાંગી ભટ્ટનાં ક્લિનિક પર પહોંચી ગયો.

ડોક્ટર નવા હોવાથી બહુ ગીરદી ન હતી. તેમની હોસ્પિટલ નાની હતી પણ એકદમ ચોખ્ખી અને સુંદર હતી.

રાજે રિસેપનિસ્ટ સાથે વાત કરી નામ લખાવ્યું.

રિસેપ્શનિસ્ટ તેમને બેસવા કહ્યું કેમ કે તેની પહેલા બે દર્દી બેઠા હતા. રાજ હરિલાલને લઈને વેઇટિંગ રૂમમાં બેઠો.

" ભાઈ... શું તકલીફ થઈ છે?આ તમારા પિતા છે... ?"

"હા, બેન... મારા પિતા છે... અને તેમને કાલ રાતથી એકદમ પગમાં પીડા ઉપડી છે... બેન તમે... ?"

"મારું નામ કલ્પના છે, મને માથાના દુખાવાની તકલીફ છે. "

ભાઈ ડૉ. દેવાંગી બહેન બહુ જ સારા છે. મને લાગતું હતું કે મારા માથાનું દર્દ મારી સાથે ચાલશે, પણ તેમણે બે મહિનામાં મટાડી દીધું. ભાઈ તમારા પિતાને પણ જલદી સારું થઈ જશે.

"કલ્પનાબેન... તમારા મોંમાં ઘી અને સાકર... તમારા બોલ ફળે અને મારા પિતાજી જલ્દી સારા થઈ જાય. "સ્મિત ફરકાવી રાજ બોલ્યો.

વાત ચાલુ હતી. કલ્પનાબેનનો વારો આવતાં તેઓ રાજને 'જય શ્રી કૃષ્ણ' કહી ડોક્ટરોના કન્સલ્ટિંગ રૂમમાં ચાલ્યા ગયા.

થોડીવારમાં જ હરિલાલ નો વારો આવ્યો.

ડૉ. દેવાંગીનો કન્સલ્ટિંગ રૂમ અતિ સુંદર હતો. તેમની ઇઝી ચેરની આગળ કાચના બનાવટની મોટું ટેબલ હતું. તેની સામે ડનલોપના બનેલા સોફા પડ્યા હતા. બંને દીવાલો પર કુદરતી દ્રશ્યના નેચર ફોટા મૂકેલા હતા. કાચના ટેબલની એક તરફ બી. પી ઇન્સ્ટ્રુમેન્ટ, સ્ટેથોસ્કોપ અને લેપટોપ વગેરે પડ્યા હતા. તેમની ચેરની બાજુમાં બીજો એક દરવાજો હતો, જે ચેકઅપ રૂમનો હતો. ઇ. સી. જી મોનિટર, પલ્સ ઓક્સી મીટર, મલ્ટીપેરા, ઓક્સિજન સિલિન્ડર જેવી અદ્યતન મશીનરી પડી હતી.

દેવાંગીની ઉંમર એકદમ નાની હતી. તે હમણાં તુરંતમાં જ એમ. ડી. પાસ કરીને આવી હતી.

હાર્ટ સ્પેશિયલ ડોક્ટર હેમાંગી ભટ્ટ ચાર મહિના પહેલા જ મુંબઈની સાયન હોસ્પિટલમાંથી ડિગ્રી મેળવીને કચ્છ આવી હતી. તેમની ઇચ્છા કચ્છના ભૂકંપગ્રસ્તો અને ગરીબ લોકોની સેવા કરવાની હતી. તે દિલની એકદમ ભલી હતી. દેવાંગીની પરિસ્થિતિ એકદમ સારી નહીં તો નબળી પણ ન હતી. તે પોતે ગરીબ ઘરમાંથી મહેનત કરી ભણીને આગળ આવેલી હતી. તે પોતાની હોસ્પિટલ ઉપર એકલી રહેતી હતી. કોઈનેય પણ ખબર ન હતી કે તેના કુટુંબમાં કોણ કોણ છે.

ડૉ. દેવાંગીએ હરિલાલના પલ્સ, બી. પી. શરીરના ઓક્સિજનનું પ્રમાણ માપ્યું. કાર્ડિયોગ્રામ કાઢ્યો પછી તેના પગલું ચેકઅપ કરી તેનું સી ટી સ્કેન કરાવ્યું. આગળની ફાઈલો પણ તપાસી. ઝીણવટથી બધી પૂછપરછ પણ કરી.

ત્રણ કલાકની પૂરી તપાસ પછી તેમણે રાજને બોલાવ્યો.

"મિ. રાજ... તમારા પિતાજીના પગની નસમાં લોહીનો કલોટ જામી ગયો છે અને તેના લીધે જ તેને પીડા થાય છે.

" ડોક્ટર... પગની નસોમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો છે?તે કેવી રીતે બને ... ?"આશ્ચર્ય સાથે રાજે પૂછ્યું.

"મિ. રાજ... તમારા પિતાની ટ્રીટમેન્ટ ડૉ. સુમંત પટેલ કરતા હતા. તે ફાઇલ મેં વાંચી છે. તમારા પિતાજીને ઘણા સમયથી બી. પી. ની તકલીફ છે અને ડોક્ટરે ફાઇલમાં વોરનિંગ પણ લખેલ છે.

"વોર્મિંગ... ?શું વોર્મિંગ લખી છે. ડૉક્ટર... ?"

મિ. રાજ તેઓ દારૂ અને સિગારેટનું ઘણી માત્રામાં સેવન કરે છે. જેનાથી તેમના હૃદય અને લીવર નબળા પડી ગયાં છે. તે ઉપરાંત તેનું લોહી એકદમ ઘટ્ટ થતું જાય છે અને લોહી ઘટ્ટ થવાથી જ આ તકલીફ થવા લાગી છે. મિ. રાજ... તમને ખબર નથી પણ તેમના પગનો અંગૂઠો સૂકાતો જાય છે. હું દવા લખી આપું છું. તે આજથી ચાલુ કરજો અને દારૂ તથા સિગારેટ સદંતર બંધ કરશે તો તેમને બે મહિનામાં સારું થઈ જશે.

"ખરેખર ડોક્ટર... તેમને સારું તો થઈ જશે ને... ?દર્દભર્યા ચહેરા સાથે રાજે ડૉક્ટર સામે જોયું.

ડોક્ટર દેવાંગીએ ઉપરની તરફ નજર ફેરવી પછી કહ્યું, "હું ડોક્ટર છું, મહેનત કરીશ પણ પછી તો ઈશ્વરની મરજી. એક બીજો ઈલાજ પણ સાથે કરવાનો છે. હું તેમના પગ પર અમુક કસરત કરવા માગું છું. તમારે દરરોજ મારા ક્લિનિક પર આવવું પડશે.

"હું ચોક્કસ આવીશ ડૉક્ટર, મને મારા જીવનનો બિલકુલ મોહ નથી. પણ મને મારા આ પુત્ર રાજ માટે હજુ જીવવું છે. "કહેતાં હરિલાલ ડોક્ટર સામે તાકી રહ્યો.

ડોક્ટર દેવાંગીનું વ્યક્તિત્વ અનેરૂ હતું, તેનો સુંદર ચહેરો હંમેશા ખીલેલો રહેતો, તેના ગુલાબી ગાલ પર પડતા ખંજન અને એની ચમકારા મારતી ભૂરી આંખો, મોહક લાગતી હતી.

તેને તાકી રહેલા હરીલાલને ઊંડે ઊંડે થતું હતું કે આ ચહેરો, આ વ્યક્તિત્વવાળી વ્યક્તિને તે ઓળખે છે. પણ તેને યાદ આવતું ન હતું...

"ડોક્ટર સાહેબ... તમે મારા ફાધરને ચેકઅપ કરવા અને કસરત કરાવવા ઘરે ન આવી શકો... ?ભલે તમારી ફી જે થાય તે લઈ લેજો... "આશાભરી દ્રષ્ટિએ રાજે ડોક્ટર દેવંગી સામે જોયું.

"મિ. રાજ... આમ તો હું ક્યાંય જતી નથી અને મને તમારી ફીની પણ વધુ પડી નથી, પણ... પણ મિ. રાજ કોણ જાણે કે હરિલાલ શેઠને જોયા પછી મને તેમના પર આત્મીયતાભરી લાગણી થાય છે. હરિલાલ એક મોટા ઉદ્યોગપતિ છે. તેઓએ કચ્છને ઉભો કરવામાં ઘણી સહાયતા કરી છે. હું ચોક્કસ તમારા ઘરે આવીશ.

" થેન્ક યુ ડોક્ટર સાહેબ... તમારો ખુબ ખુબ આભાર... " કહેતાં રાજ ઊભો થયો. તેને વિશ્વાસ બેસી ગયો હતો કે ડોક્ટર દેવાંગીની સારવારથી પિતા હરિલાલ ચોક્કસ સજા થઇ જશે.

રાજે ડોક્ટર દેવાંગીને ફી ચૂકવી અને મેડિકલમાંથી દવા લાવીને ચેક કરાવી... " ડૉ. સાહિબા... ઘરે ચેકઅપ કરવા આવવાની તમારી ફી તમે કહો તો એક મહિનાની એડવાન્સમાં આપી દઉં.. "

"નહીં, મિ. રાજ, તેની જરૂર નથી. તમે દરરોજ આપશો તો પણ ચાલશે અને પાછળથી આપશો તો પણ ચાલશે. " મોં ઉપર સ્મિત રેલાવતા દેવાંગી બોલી.

રાજ તેના સુંદર હસતા ચહેરા સામે જોઈ રહ્યો.

"ચાલ રાજ... " હરિલાલે કહ્યું.

"હે... હા ચાલો... ડૉક્ટર સાહિબા તમે કાલથી અમારે ત્યાં આવશો ને... " ભોંઠપ અનુભવતા રાજ બોલ્યો.

"હા... મિ. રાજ, કાલ બપોરના હું આવી જઈશ. "

"ડોક્ટર સાહિબા... તમારે આવી જવાની જરૂર નથી. હું ગાડી મોકલીશ. ડ્રાઇવર ગાડી લઇ તમારી હૉસ્પિટલ પાસે બપોરના એક વાગ્યાના સમયે આવીને ઉભો રહેશે. તમે જ્યારે ફ્રી થાવ ત્યારે આવી જજો... "

"જેવી તમારી ઈચ્છા મિ. રાજ... "

"ભલે તો અમે રજા લઈશું... ડૉક્ટર... "હરિલાલ બોલ્યો.

" આવજો.... "ચેર પરથી ઉભી થતા દેવાંગી બોલી.

રાજ, હરીલાલને લઈને તેમની ચેમ્બરમાંથી બહાર નીકળી ગયો.

બંધ થતા દરવાજા પાછળથી ડોક્ટર દેવાંગી તેઓને તાકી રહી. તેના ચહેરા પર એક સ્મિત રેલાયું. દરવાજો બંધ થયો અને તરત દેવાંગીએ બીજા પેશન્ટને મોકલવા માટે બેલ દબાવ્યો.

મહિનાના સમયગાળામાં જ ડૉક્ટર દેવંગીની ટ્રીટમેન્ટનું સારું પરિણામ આવ્યું. તેના પગનો દુખાવો બંધ થઈ ગયો. પગની લાલાશ ઓછી થઈ અને પગ પર આવેલ સોજો પણ ઉતરી ગયો.

છેલ્લે કરેલ સી. ટી. સ્કેનના રિપોર્ટ પ્રમાણે તેના પગની નસમાં જામેલો લોહીનો ક્લોટ ઓગળી ગયો હતો પણ તેમના પગનો અંગૂઠો કાળો પડતો જતો હતો.

હરિલાલને ડૉ. દેવાંગીની ટ્રીટમેન્ટથી સંતોષ થયો હતો અને હરિલાલને સાજા કરવામાં ઉજ્જવલાનો ફાળો પણ ઘણો હતો. તે હરિલાલની ખુબજ ચીવટપૂર્વક ખ્યાલ રાખતી હતી.

દેવાંગી અને ઉજ્જવલા એકમેકમાં ખૂબ જ ભળી ગયા હતા. હરિલાલની ટ્રીટમેન્ટ કર્યા પછી બંને બંગલાની બહાર બનાવેલ ગાર્ડનની લોનમાં બેસી રહેતી અને વાતો કરતી રહેતી. ઉજ્જવલા દેવાંગીને અવનવી વાનગીઓ બનાવતા શીખવાડતા. કેટલીય વાનગીઓ બનાવીને ખવડાવતી, ઉજ્જવલા અથાણા, પાપડ વગેરે બનાવીને દેવાંગીના ઘરે ડ્રાઈવર સાથે મોકલાવતી. આમ બંને એકબીજામાં એટલા હળી - મળી ગયા કે દેવાગી જો ક્યારેય ન આવે તો ઉજજવલા તેને ફોન કરી આવવાનો આગ્રહ કરતી અને પછી તરત ગાડી પણ મોકલાવતી.

સમયના વહેણ સાથે ડૉ. દેવાંગી હરિલાલનાની આપ્તજન બની ગઈ. રાજ અને ડૉ. દેવાંગીનુ પણ બહુ જ બનતુ. જોકે રાજ પોતાના ઉદ્યોગ - બિઝનેસમાંથી રવિવાર સિવાય નવરો ન પડતો. પણ રવિવારના તે ઉજજવલા અને દેવાંગીને ફરાવવા લઇ જતો. સમય જતાં રાજ અને ડો. દેવાંગી વચ્ચે પ્રેમનાં અંકુર પણ ફૂટવા લાગ્યા.

***

Share

NEW REALESED